Shu Kharekhar Charkha thi Azadi mali hati books and stories free download online pdf in Gujarati

શું ખરેખર ચરખા થી આઝાદી મળી હતી..........?

શું ખરેખર ચરખા થી આઝાદી મળી હતી..........?

કથાબીજ

વિકટ આર. શેઠ

અમદાવાદ

લેખન

જીગ્નેશ ઠાકોર

લેખ આગળ વાંચતા પેહલા આ જરૂર વાંચજો......

લેખ નો ઉદ્દેશ્ય મહાત્મા ગાંધી ની મહાનતા ને ઠેસ પહોચાડવાનો કે સ્વતંત્રતાની લડત માં તેમણે મેળવેલ સિદ્ધિઓને નકારવાનો બિલકુલ નથી. ગાંધીજીના વ્યક્તિત્વ ના કેટલાંક પાસાં અવિરલ છે જેને ધ્યાનમાં લીધા વિના ઘણાં લોકો ગાંધીજી ની ટીકા કરતા રહે છે. ગાંધીજીના વ્યક્તિત્વ વિશે ખ્યાલ આપવા ઉદાહરણ તરીકે...

જુલાઈ ૧૯૧૪માં આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા તે પેહલા ભારતની સ્વતંત્રતા લડત કેવી હતી...?

ભારતના ક્રાંતિકારીઓ કે ભારતના રાજાઓ દ્વારા સ્વતંત્રતા મેળવવા માટે જે લડત ચાલતી હતી તે મોટે ભાગે તો જે-તે ક્રાંતિકારી સંગઠન કે પછી રાજાના રજવાડા પુરતી હતી. “સ્વતંત્રતા ની લડત” હજી સુધી લોકોની લડત બની નહોતી. લોકો દ્વારા ક્રાંતિકારીઓ ને થોડી-ઘણી મદદ જરૂર મળતી પણ પરંતુ સ્વતંત્રતા ની લડત લોકમાનસમાં હજી સુધી એક આંદોલન રૂપે નહોતી પહોંચી. આ સિવાય ભારતીય કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતી લડત પણ લોકમાનસમાં સ્થાન નહોતી પામી. જેનું મુખ્ય કારણ એ વખતે ભારતના માત્ર ૧% લોકો જ અંગ્રેજી ભણેલા હતા તેમજ શ્રી જવાહર લાલ નેહરુ વગેરે જેવા કોંગી નેતાઓ દ્વારા સ્વતંત્રતા મેળવવા યોજવામાં આવતી પ્રચાર સભાઓમાં અપાતા ભાષણો અંગ્રેજી ભાષામાં આપવામાં આવતા હતા. જે સભામાં બેઠેલી જનતા માટે બ્રેટ લી ના “બાઉન્સર” બોલ જેવા હતા.

આ સિવાય....સુભાષચંદ્ર બોઝ દ્વારા દેશબંધાવોને અંગ્રજો સામે લડવા માટે “તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા !” એવું સૂત્ર આપવામાં આવ્યું હતું. સુભાષબાબુ દ્વારા આપવામાં આવેલું આ સૂત્ર એક વાયદા જેવું પણ હતું જેણે અનેક ભારતીયોને “આઝાદ હિન્દ ફૌજ” માં જોડવા પ્રેર્યા.

જોકે મહાત્મા ગાંધીએ ગુલામી માં સબડી રહેલા ભારતીયોને સ્વતંત્રતા અપાવવાનો આવો કોઈ વાયદો નહોતો કર્યો. તેમજ જો તમે કોઈ વ્યક્તિ પાસે તમારુંધાર્યું કામ કરાવવા માંગતા હો, તો તમારે તેને પ્રશંસા, ભેટ-સોગાદ, ભાડું-ભત્થું વગેરે “કાંઈક” આપવું જરૂરી છે. આમાનું કશું પણ મહાત્મા ગાંધી પાસે નહોતું. અહીંસા, સત્યાગ્રહ તેમજ અસહકાર આંદોલનના રસ્તે ચાલવાથી સ્વતંત્રતા મળી જશે એ વાતની પણ કોઈ ગેરંટી નહોતી. છતાં દેશભરના લગભગ ૩૨ કરોડ પ્રજાજનોએ તેમણે પોતાના સુત્રધાર તરીકે સ્વીકાર્યા અને સ્વતંત્રતાની લડતના દરેક મોડ પર ગાંધી ચિંધ્યામાર્ગે જ ચાલ્યા. લોકોએ વર્ષો સુધી ગાંધી માર્ગે સ્વતંત્રતાની લડત ચાલુ રાખી તે મહાત્મા ગાંધીની મોટી સિદ્ધિ હતી.

આખા ભારતમાં ફરી-ફરી ને ગાંધીજીએ અથાક પ્રયત્નો દ્વારા સ્વતંત્રતાની લડત લોક લડતમાં પરિવર્તિત કરી. આત્યાર સુધી અંગ્રેજી ભાષામાં ભાષણો કરતા કોંગ્રેસના નેતાઓને લોકો સમજી શકે એ ભાષાઓમાં (સ્થાનિક ભાષાઓમાં) ભાષણ કરવા પ્રેર્યા. જેની ધારી અસર પણ થઇ.

આ સિવાય...દુનિયાની સૌથી હિંસાખોર પ્રજા હોવા છતાં પોતાની જાતને “Civilized” (શિષ્ટ/સંસ્કારી) પ્રજા ગણાવતા અંગ્રેજો સામે વર્ષો સુધી અહિંસક લડત ચલાવી દુનિયાની નજરમાં અંગ્રેજોને નીચાં દેખાડવામાં ગાંધીજીને એટલી સફળતા મળી કે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રુઝવેલ્ટ ભારતને (તેમજ અન્ય ગુલામ દેશોને) તત્કાળ આઝાદ કરી દેવા બ્રિટન પર સતત દબાણ કરતા રહ્યા. હિંસાખોર અંગ્રેજો સામે શાસ્ત્રો ઉપાડ્યાં વિના અહિંસક માર્ગે પોતે પણ લડતા રહ્યા અને તેમની સાથે કરોડો ભારતીયો પણ તેમનામાં ભગવાન જેવી શ્રદ્ધા રાખી એજ માર્ગે તેમની સાથે લડતા રહ્યા. દાંડી કુચ હોય કે અસહકાર આંદોલન, અંગ્રેજો સામે કરવામાં આવેલા ઉપવાસ/સત્યાગ્રહ હોય કે પછી હિન્દ છોડો જેવા આંદોલનો...કરોડો લોકો ગાંધીજીને સાથે અહીંસક માર્ગે લડતા રહ્યા, બ્રિટીશરોનો અમાનુષી ત્રાસ વેઠતા રહ્યા..એ પણ અનેક વર્ષો સુધી.

ગાંધીજીની ઉપરોક્ત સિદ્ધિઓ એ નક્કર વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને તેમનો વિરોધ કરનારાઓ અન્ય કોઈપણ કારણસર નકારી સકે તેમ નથી. જોકે ભારત દેશમાં કાયમ થતું આવ્યું છે તેમ...

વાસ્તવિકતા “એક જ” હોય તે જરૂરી નથી. એક સમયે એક કરતા અનેક, જુદી-જુદી વાસ્તવિકતા પણ હોઈ શકે છે. જેમકે ગાંધીજીની અંગ્રેજો વિરુધ્ધ અહિંસક લડત એક વાસ્તવિકતા હતી તો સાથે-સાથે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી લડત પણ એટલી જ નક્કર વાસ્તવિકતા હતી.

બંને વાસ્તવિકતાઓ ને એક બીજા જોડે સરખાવાવાની કે તેમનામાંથી કઈ વધુ સારી હતી એક નક્કી કરવાની ખોટી મેહનત કરવાની કોઈ જરૂરી નથી. કેમકે બંને રેલ્વેના પાટાઓ ની જેમ એક-બીજાને સમાંતર ચાલતી હતી. સમાંતર ચાલતી હોવાને કારણે તેમની વચ્ચે ટકરાવ થવાની કોઈજ સંભાવના નથી.

આ પ્રકારની વિચારધારા અને દ્રષ્ટિકોણ રાખીને જ આ લેખ લખ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતાની લડત સમયના ઈતિહાસના કેટલાંક અજાણ્યાં પાસાંઓને ઉજાગર કરવાનો છે. વાચકોને પણ નમ્ર વિનંતી છે કે ગાંધીજી, ક્રાંતિકારીઓ કે અન્ય કોઈ ઐતિહાસિક પાત્ર ઉપર કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વિના આ લેખ વાંચવો.

*****

“उत्तर दक्षिण पूर्व पश्चिम ,कोना कोना सुलगा था

एक अकेला कोई कोई,पुरा पुरा कुनबा था
सब के सब मरने को आतुर,मौके की तलाश में
मौत के पीछे भाग रही थी,इतना दम था लाश में
गोले और बारूद से बढकर,जंग हुई तलवरों में
चरखे से आजादी आई,चरखे नहीं बाजारों में
बन्दूकों की दन-दन होती मरते रोजहजारों में
चरखे से आजादी आई......”

“..चरखे से आजादी आई....”

આખી કવિતા તમે સાંભળી હોય કે નાં સાંભળી હોય પરંતુ આ એક લાઈન તમે અનેક વારંવાર સાંભળી હશે એ વાતની ગેરંટી. અને આ લાઈનનો અર્થ શું થાય એ પણ તમે જાણતા જ હશો.

પરંતુ શું ખરેખર ઉપરોક્ત લાઈનમાં જે કીધું છે એજ એકમાત્ર વાસ્તવિકતા છે.?

કે પછી એના સિવાય પણ અનેક સમાંતર વાસ્તવિકતાઓ છે, કે જેને ભારતના આઝાદીનાં ઈતિહાસકરો દ્વારા ઈતિહાસના પુસ્તકોમાં સ્થાન જ નથી આપવામાં આવ્યું....? આ પ્રશ્નન નો જવાબ ત્યારે જ મળી શકે જયારે આપણે આઝાદી મેળવવા માટેના સંઘર્ષ દરમ્યાન ભારતમાં તેમજ વિશ્વના અન્ય ભાગો માં ઘટી રહેલા બનાવો વિશે જાણકારી મેળવીએ.

૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ સવારે લગભગ ૮:૪૧ વાગે જયારે હિટલર નાઝી સેનાએ પોતાની “Blitzkrieg/બ્લીત્ઝક્રીગ” (વીજળીવેગી આક્રમણ) વ્યૂહરચના દ્વારા પોલેન્ડ દેશ ઉપર આક્રમણ કર્યું અને માત્ર છ કલ્લાકમાં જ પોલેન્ડ જીતી લીધું એ સાથે જ બીજા વિશ્વયુદ્ધનો પલીતો ચંપાયો અને વિશ્વ આખું ચોંકી ઉઠ્યું. બ્રિટન, ફ્રાંસ એક પછી એક દેશો જર્મની વિરુધ તેમજ જર્મનીની મદદમાં ઇટલી, જાપાન જેવા દેશોએ યુદ્ધમાં જંપ લાવ્યું અને જોત-જોતામાં એ યુદ્ધ મહા યુદ્ધ (વિશ્વયુદ્ધ)માં પરિવર્તિત થઇ ગયું. (જાપાને અમેરિકાના પર્લ હાબર ઉપર આક્રમણ કર્યું ત્યાં સુધી અમેરિકા વિશ્વયુદ્ધમાં સામેલ નહોતું થયું).

વિશ્વયુદ્ધ શરુ થયાના માત્ર ૧૦ મહિનામાં જ હિટલરનું ઘોડાપુર જેવું નાઝી સૈન્ય યુરોપના લગભગ મોટા ભાગના દેશો માં ફરી વળ્યું અને તમામ દેશો હિટલરની એડી નીચે કચડાઈ ગયા. માત્ર ૧૦ મહિનામાં જ હિટલરે યુરોપનો નકશો (કહો કે ભૂગોળ) બદલી નાખી. આધુનિક વિશ્વના ઈતિહાસમાં હિટલરનું સામ્રાજ્ય મધ્ય યુગના (કે પછી પ્રાચીન યુગના) વિશ્વના અનેક રાજાઓના વિશાળ સામ્રાજ્ય કરતા પણ વિશાળ હતું. ઉદાહરણ તરીકે મૌર્યો નું સામ્રાજ્ય હોય કે ચંગેઝખાનનું સામ્રાજ્ય, એલેકઝાન્ડરનું સામ્રાજ્ય હોય કે પ્રાચીન રોમન સામ્રાજ્ય, આ તમામ સામ્રાજ્યો કરતા હિટલરનું સામ્રાજ્ય કદમાં કદાચ થોડું જ નાનું હશે. પરંતુ એ પણ યાદ રાખો મૌર્ય રાજાઓ, ચંગેઝખાન કે અન્ય સામ્રાજ્યો “વિશાળ સામ્રાજ્ય” તરીકે સ્થાપતા વર્ષો નીકળી ગયા હતા. જયારે હિટલરે આ કાર્ય માત્ર કેટલાક મહિનાઓમાં જ કરી દેખાડ્યું હતું. રખેને એમ વિચારતા કે મધ્ય યુગના કે પ્રાચીન યુગના સામ્રાજ્યો ની સ્થાપના વખતે ટેન્કો, વિમાનો વગેરે ક્યાં હતા. કેમકે હિટલર જયારે ૧૯૩૩ માં જર્મનીમાં સત્તા પર આવ્યો ત્યારે જર્મનીની હાલત આજના પાકિસ્તાન કરતા પણ ખરાબ હતી.

૧૯૧૯માં પ્રથમ વિશ્વયુધ્ધમાં મિત્ર રાષ્ટ્રોના હાથે જર્મની બુરા હાથે પરાજિત થયા બાદ બ્રિટન જેવા દેશો દ્વારા જર્મની ઉપર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા. જર્મનીની તમામ સેનાઓનું લગભગ નિ:શસ્ત્રીકરણ કરવામાં આવ્યું. મોટા યુધ્ધ જહાજો, સબમરીનો, ટેન્કો, તોપો, યુધ્ધ વિમાનો, વગેરે બધુંજ બ્રિટન તેમન અન્ય મિત્ર રાષ્ટ્રો દ્વારા જપ્ત કરવામાં આવ્યું તેમજ જર્મનીની ત્રણેય સેનાઓનું કુલ સંખ્યાબળ માત્ર એક લાખ સૈનિકો પુરતું સીમિત કરી દેવામાં આવ્યું. આટલું ઓછું હોય તેમ જર્મનીના અર્થતંત્ર દ્વારા થતાં ટોટલ ઉત્પાદનની લગભગ ૯૦% ઉપજ પણ યુધ્ધનાં દંડ પેટે બ્રિટન અને મિત્ર રાષ્ટ્રો દ્વારા લઇ લેવામાં આવતી. જર્મની કંગાળ બન્યું અને જર્મન પ્રજા ભૂખે મરવા લાગી. બીજી તરફ બ્રિટન કે જેણે પાછલાં અનેક વર્ષોથી ભારત જેવા અનેક દેશોને પોતાના ગુલામ બનાવી તેમનું ધન પોતાના ઘર ભેગું કરવા માંડ્યું હતું એને જાણે વધુ એક લોટરી લાગી અને બ્રિટન વધુ સમૃધ્ધ બન્યું. (જે ભારતીયો આજે બ્રિટનના લંડન શહેરની ઈમારતો જોઈને તેના વખાણ કરતા નથી થાકતા તેઓ કદાચ નથી જાણતા કે લંડન શહેર બ્રિટને ભારતમાંથી લુંટેલા ધનના ઢગલામાંથી બન્યું છે.)

પરંતુ હિટલર જયારે બીજું વિશ્વયુદ્ધ શરુ કર્યું ત્યારે જર્મનીનું અર્થતંત્ર વિશ્વનું સૌથી શક્તિશાળી અર્થતંત્ર બની ચુક્યું હતું. જર્મનીની ત્રણેય સેનાઓ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓ બની ચુકી હતી.

પરંતુ ભારતની આઝાદીના આ લેખમાં હિટલર, જર્મની અને બીજા વિશ્વયુદ્ધનું વિવરણ કરવાની શું જરૂર....? આ પ્રશ્ન તમને જરૂર થયો હશે. લેખ આગળ વાંચશો એટલે તમને એનો જવાબ આપોઆપ મળી જશે.

લેખમાં અગાઉ જણાવ્યું તેમ હિટલરનું ઘોડાપુર જેવું સૈન્ય યુરોપના લગભગ મોટાભાગના દેશોને પોતાની એડી નીચે કચડી ચુક્યું હતું. જો કે વિશ્વયુદ્ધ શરુ કરવાનો હિટલરનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટન જોડે જુના વેરની વસુલાત કરવાનો હતો કે જે પ્રથમ વિશ્વયુદ્ધમાં અને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીની બરબાદી માટે મુખ્યરીતે જવાબદાર હતું. યુરોપના દેશો નો કચ્ચરઘાણ વાળ્યા બાદ એ દેખીતું હતું કે હિટલરના નિશાના પર હવે બ્રિટન હતું. બ્રિટન પણ આ વાત સારી પેઠે જાણતું હતું કે હવે તે હિટલરના નિશાના ઉપર છે.

અલબત્ત ઘોડાપુર જેવા નાઝી સૈન્યને માત્ર બ્રિટીશ સૈનિકોની સેનાઓ દ્વારા રોકી શકવું અસંભવ હતું. બહુ ઓછા ભારતીયો આ વાત કદાચ જાણે છે કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લગભગ ૧૩ લાખ અને બીજા વિશ્વયુદ્ધમાં લગભગ ૨૫ લાખ ભારતીય સૈનિકો કે જેઓ બ્રિટીશ સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા તેઓ બ્રિટનની ભૂમિ બચાવવા માટે લડ્યા હતા અને હજારો શહીદ તેમજ ઘાયલ થયા હતા.

બીજું વિશ્વયુદ્ધ શરુ થયું ત્યારે અંગ્રેજ વાયસરોય લિન્લીથગોએ ભારતને તે યુદ્ધમાં જર્મનીના શત્રુ તરીકે સામેલ કરતુ એલાન બહાર પાડ્યું. ભારતના કરોડો નાગરિકોની ઈચ્છાની દરકાર કાર્ય વિના લેવાયેલો તે નિર્ણય હતો તેમજ દિલ્હી ખાતેના બ્રિટીશ સેનાપતિ જનરલ રોબર્ટ લોકહાર્ટે ઇન્ડિયન આર્મીમાં રાજપૂત, મુસ્લિમ, ડોગરા, ગુરખા, જાટ અને શીખ સૈનિકોની ભરતી શરુ કરી.

વિશ્વયુદ્ધમાં ભરતી કરાયેલા આ સૈનિકોને ફ્રાંસ, ઇટલી, બેલ્જિયમ, ઈજીપ્ત, સિંગાપુર, બ્રહ્મદેશ, મલાયા, ઇન્ડોનેશિયા વગેરે અનેક મોરચે લડ્યા. જેમાંથી લગભગ ૩૮૦૦૦ જેટલા ભારતીય સૈનિકો બ્રિટન માટે શહીદ થયા તેમજ લગભગ ૬૫૦૦૦ કરતા વધુ ઘાયલ થયા. જોકે ભારતીય સૈનિકોનાં આ બલિદાનથી બ્રિટનને કોઈ ફરક પડતો ન હતો. યુદ્ધ પૂરું થયા બાદ અંગ્રેજો એ એહસાન પણ ભૂલી જવાના હતા.

એક તરફ હિટલર બ્રિટનને યુદ્ધના અનેક મોરચે મરણતોલ ફટકા મારી રહ્યો હતો તો બીજી તરફ ભારતમાં આઝાદીની લડત તેની ચરમસીમાએ પહોચી હતી. એક તરફ ક્રાંતિકારીઓ એ બ્રિટનના નાકમાં દમ કરી નાખ્યો હતો તો બીજી તરફ સુભાષચંદ્ર બોઝની “આઝાદ હિન્દ ફૌજે” બ્રિટનની ઊંઘ હરામ કરી નાખી હતી. જોકે ભારતીય સૈનિકોની બનેલી બ્રિટીશ ફોજે અંતે આઝાદ હિન્દ ફોજને પરાજિત કરી અને આઝાદ હિન્દ ફોજના સૈનિકોને કેદ કરવામાં આવ્યા.

બ્રિટન કબ્જા હેઠળના લગભગ 30થી વધુ દેશોમાં આઝાદીની માંગ પ્રબળ થઇ હતી. એમાય ભારતમાં તો ક્રાંતિકારીઓની લડત તેમજ (ગાંધીજી કે કોન્ગ્રેસ પ્રેરિત) અસહકાર આંદોલન, સ્વદેશી ચળવળ, મીઠા સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન વગેરે જેવા અંદોલનોએ બ્રિટીશ સામ્રાજ્યની ઊંઘ હરામ કરી નાખી હતી.

આમ છતાં પણ, બ્રિટીશ સામ્રાજ્યનો સુરજ હજી આથમ્યો નહોતો. ગાંધીજીના અનેક આંદોલનો છતાં અંગ્રેજો ભારતને આઝાદી આપશે એવા કોઈ અણસાર હજી સુધી દુર-દુર સુધી દેખાતા નહોતા.

૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. હિટલર હાર્યો અને જર્મનીની રાજધાની બર્લિન ખાતે ના પોતાના બંકરમાં પોતાના નજીકના સહયોગીઓ તેમજ પોતાની પત્ની સાથે તેણે આપઘાત કર્યો(?).

(?)-હિટલરે ખરેખર આપઘાત કર્યો હતો કે પછી તે બંકરમાંથી ભાગી છૂટ્યો હતો? ઘણા ઈતિહાસકારો ને હિટલરના મૃત્યુ અંગે ઉપરોક્ત શંકા છે. જેના આધારે History TV18 ની એક TV Series “Hunting Hitler” પણ બની હતી. ઈતિહાસનું એક અનોખું પ્રકરણ કેહતી એ TV Series સમય કાઢીને એક વાર જોવા જેવી ખરી.)

પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં વિજય મેળવવા બ્રિટનને આકરી કિંમત ચૂકવવી પડી. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન આર્થિક તેમજ લશ્કરી મોરચે ખોખરું થઇ ગયું. બ્રિટનના લાખો સૈનિકો તેમજ નાગરીકો યુદ્ધમાં ખપી ગયા. દેખીતું હતું કે ઘર આંગણે પડી ભાંગેલું બ્રિટનની હવે તેના કબ્જા હેઠળના ભારત જેવા અનેક દેશો ઉપર પકડ પણ ઢીલી પડી ગઈ હતી. ઉલટું બીજા વિશ્વયુદ્ધમાં થયેલા નુકશાનની ભરપાઈ બ્રિટન પોતાના તાબા હેઠળના ગુલામ દેશોને ચૂસીને કરવા માગતું હતું. ભારત તો તેના માટે સોનાની લગડી હતું. પરંતુ બ્રિટન એક ભૂલ એવી કરી બેઠું કે જેણે બ્રિટીશ સામ્રાજ્યનો લગભગ મૃત્યુઘંટ વગાડી દીધો.

બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન માટે ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનને બ્રિટન ભૂલી ગયું. યુદ્ધ મોરચેથી પરત ફરેલા ભારતીય સૈનિકોના લશ્કરની હવે તેને જરૂર નહતી. મોટા ભાગના ભારતીય સૈનિકોને છુટા કરી દેવામાં આવ્યા. છુટા કરી દેવાયેલા ભારતીય સૈનિકોને તેમની આજીવિકા અંગે જાતે ચિંતા કરવાની હતી. બ્રિટીશ ભારતીય નેવીના તો લગભગ મોટાભાગના સૈનિકો ને રીતસરનું પાણીચું પકડાવી દેવામાં આવ્યું.

બીજી તરફ જે નાવિક સૈનિકોને કાઢી મુકવામાં નહોતા આવ્યા તેમની હાલત પણ સંતોષજનક ન હતી. બ્રિટીશ સૈનિકોને ખાવામાં ૩૨ પકવાન તો ભારતીય નાવિકોને ફક્ત દાલ-રોટી પર જીવવાનો વારો આવ્યો. પલંગ ને બદલે નીચે જમીન પર સુવાનું. મફત તબીબી સારવાર, લોન્ડ્રીનું ભથ્થું, બુટ-પોલીશ, સાબુ વગેરે જેવી સાધારણ સવલતો પણ બંધ કરી દેવામાં આવી.

વિશ્વયુદ્ધમાં ભરતી કરાતી વખતે ભારતીય સૈનિકોને વચન આપવામાં આવ્યું હતું કે યુદ્ધ પૂરું થયા પછી પણ તેઓની નોકરી ચાલુ રેહવાની હતી. ઉપરાંત જેઓને નિવૃત્ત કરવામાં આવેશે તેઓને પણ યુદ્ધમાં લડવાના વળતર રૂપે જંગી ઇનામ આપવામાં આવશે. જોકે વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટને આમાનું એક પણ વચન પાળ્યું નહીં. તેમજ નૌસેના અને અન્ય સેનાઓના ભારતીય સૈનિકોને અપમાનજનક રીતે કહી શકાય તે રીતે પાણીચું પકડાવી દીધું. કાઢી મુકાયેલા સૈનીકોને લશ્કરી ગણવેશની અવેજી આપવામાં આવતા કપડાં પણ નાં આપવામાં આવ્યા. ઉપરાંત રેહવા માટે ઘર ન મળ્યું, પેન્શન પણ ન મળ્યું. જેના લીધે ભારતીય નાવિકોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો.

આ સિવાય પણ અસંતોષના કારણો ઘણાં હતા. અંગ્રેજ નાવિકો માટેની મનોરંજન માટેની ઘણી જગ્યાઓ જેમકે ક્લબો વગેરેમાં ભારતીય નાવિકો માટે પ્રવેશબંધી હતી. તે ઉપરાંત ઓછી યોગ્યતાવાળા તેમજ અનુભવવાળા અંગ્રેજ નાવિકોને હંમેશા ભારતીય સૈનિકો કરતા ઉચ્ચ હોદ્દા પર રાખવામાં આવતા. આવા બિનઅનુભવી અંગ્રેજ સૈનિકો દ્વારા ભારતીય નાવિકોને રોજના રોજ અપમાનિત કરવામાં આવતા એ તો અલગ. (અંગ્રેજ અફસરો દ્વારા કરવામાં આવતા અપમાનજનક વ્યવહારનું ઉદાહરણ આગળ લેખમાં આવશે).

આ સમયકાળ દરમ્યાન દેશનો રાજકીય માહોલ પણ ઉકળતા ચરુ જેવો હતો. વિશ્વયુદ્ધના અરસામાં ભારતદ્વેષી બ્રિટીશ વડાપ્રધાન વિન્સટન ચર્ચીલે ભારતમાં ઉત્પાદિત થયેલું લાખો ટન અનાજ પોતાના બ્રિટન દેશમાં મોકલીને બંગાળના ૩૦ લાખ નાગરિકોનો ભોગ લેતો દુષ્કાળ સર્જ્યો જેની યાદ ભારતીય નાવિકોના મનમાં હજી સુધી શૂળની માફક ભોંકાતી હતી. વીર સાવરકર, નેતાજી સુભાષચંદ્ર, ચંદ્રશેખર આઝાદ, વગેરે ક્રાંતિવીરો નાવિકો માટે Legend (દંતકથા) બની ચુક્યા હતા. ભગત સિંહ અને તેમના સાથીઓની શહીદીને એક દસકા કરતા વધુ સમય વીતી ચુક્યો હતો. આમ છતાં, તેઓના નામ (કોંગ્રેસના અમુક નેતાઓને બાદ કરતા) લોકોના હૃદયમાં વસી ચુક્યા હતાં. આટલું ઓછું હોય તેમ બ્રિટીશ ભારતીય ફોજે પકડેલા આઝાદ હિન્દ ફોજના સૈનિકો વિરુધ દિલ્લીના લાલ કિલ્લામાં જ ખટલો ચાલવામાં આવ્યો. આ તો ભારતીય નાવિકો માટે અસહનીય હતું. આમ, એકંદરે દેશનો માહોલ “ક્રાંતિ” નો પલીતો ચાંપવા માટે એકદમ અનુકૂળ બની ચુક્યો હતો.

૧૮ ફેબ્રુઆરી ૧૯૪૬ – એ ભારતના ઈતિહાસની એ તારીખ જેને ભારત આઝાદીના તથાકથિત ઈતિહાસકારોએ આઝાદીના ઈતિહાસમાં સ્થાન આપ્યું જ નહિ. આટલું ઓછું હોય તેમ આ તારીખના દિવસે બનેલા એ “ક્રાંતિકારી સંગ્રામ”ને ઈતિહાસમાંથી ભુલાવી દેવા માટે અનેક કાવાદાવા કરવામાં આવ્યા.

અગાઉ કહ્યું તેમ અંગ્રેજ અફસરો દ્વારા ભારતીય નાવિકો સાથે અપમાનજનક વ્યવહારનું કરવામાં આવતો. મુંબઈના નૌકામથકનો કમાન્ડીંગ ઓફીસર આર્થર કિંગ કાયમ ભારતીય નાવિકો પ્રત્યે તોછડું વર્તન કરતો. તે ભારતીય નાવિકો ને “જંગલી ઇન્ડિયન્સ” કહીને બોલાવતો તેમજ અપમાનજનક કહી શકાય તેવા અનેક શબ્દો વાપરતો. એક વાર તેના આવા વર્તનથી ગુસ્સે થયેલા કેટલાંક ભારતીય નાવિકોએ આર્થર કિંગની ગાડીના ટાયરોની હવા કાઢી નાખી અને તેની ગાડી ઉપર ઓઈલ પેઈન્ટ વડે “Quit India” શબ્દો ચીતર્યા. રોજના ક્રમ પ્રમાણે જયારે તે નાવિકોની આગળથી ગુજાર્યો ત્યારે નાવિકોએ તેણે સેલ્યુટ પણ નાં કર્યું અને બેસી રહ્યા. ધૂઆંપૂઆં થતા આર્થર કિંગે એ નાવિકોને ધમકાવ્યા તેમજ “Get up, you sons of Indian Bitches” જેવા અતિશય અપમાનજનક શબ્દો કેહતા ખખડાવી નાખ્યાં. (“Bitch” શબ્દનો અર્થ તો તમે જાણતા જ હશો).

ભારતયી નાવિકોએ આર્થર કિંગના આ દુર્વ્યવહારની ફરિયાદ કરતો પત્ર પણ તેમના ઉપરી (અંગ્રેજ) અધકારીઓને લખ્યો પરંતુ એક અઠવાડિયા સુધી તેનો કોઈ જવાબ આયો કે ના તો આર્થર કિંગ વિરુધ્ધ કોઈ કાર્યવાહી થઇ. ઉપરાંત જયારે ભારતીય નાવિકોએ તેમને આપવામાં આવતા બેસ્વાદ ભોજનની ફરિયાદ કરતો પત્ર ગોરા અધિકારીને લખ્યો ત્યારે એ ડ્યુટી ઓફિસરે “Beggars can’t be choosers!” જેવા તિરસ્કારભર્યા શબ્દો કહીને કાઢી મુક્યા.

આખરે ૧૮ ફેબ્રુઆરી ૧૯૪૬ના દિવસે નાવિકોની ધીરજનો અંત આવી ગયો. અને બલાઈચંદ્ર દત્ત, આર.કે. સિંહ, પુન્નુ ખાન, ઋષિદેવ પૂરી વગેરે જેવા યુવાન નાવિકોએ ભારતીય ઈતિહાસના એ ભુલાઈ ગયેલા સંગ્રામનો શંખ ફૂંક્યો જેને આપણા દેશના ઈતિહાસકારો કમ કોંગ્રેસ-નેહરુ-ગાંધીની બાયોગ્રાફી લખનારા લોકોએ ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામની જેમજ “Mutiny/બળવો” જેવું તુચ્છ લેબલ મારી દીધું.

મુંબઈના નૌકામથકના ઉપરોક્ત યુવાન નાવિકો અંગ્રજ શાસન સામે આંદોલને ચડ્યા. ખટારામાં બેસીને અંગ્રેજો વિરુધ્ધ સુત્રોચ્ચાર કરતા-કરતા શહેર ગજવતા નીકળી પડ્યા. કમાન્ડીંગ ઓફીસર આર્થર કિંગ વિરુધ્ધ નારેબાજી કરવા લાગ્યા. આંદોલનની શરૂઆતમાં જ નાવિકોએ જાહેર કર્યું હતું કે આ આંદોલન “ગાંધી ચિંધ્યા માર્ગે/અહિંસક” રહેશે.

રાતના સમયે “તલવાર” નામની યુદ્ધનૌકા ઉપર “Quit India” “Jai Hind” જેવા શબ્દો રાત્રે મોટા અક્ષરે ચિતરવામાં આવ્યા. જેમાં બલાઈચંદ્ર દત્ત (બી.સી.દત્ત) નામનો યુવાન નાવિક ઓઈલ પેઈન્ટના ડબ્બાઓ સાથે પકડાયો. બી.સી.દત્તને દોષી જાહેર કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જેના લીધે નાવિકો વધુ વિફર્યા અને તમામ નૌકામથકો ઉપર આંદોલનની આગ પ્રસરી ગઈ. કોઈ નૌકામથકે નાવિકોએ વાયરલેસ મથકમાં તોડફોડ કરી, તો કોઈ મથકે “ઇન્કલાબ જિંદાબાદ” ના નારા લાગ્યા. આંદોલનની આગ પછી યુદ્ધ નૌકાઓ સુધી પ્રસરી અને નાવિકોએ બ્રિટીશ નાવિકોનો યુનિયન જેક રાષ્ટ્રધ્વજ ઉતારી લાલ વાવટો ફરકાવ્યો અને નૌકાઓ ખુલ્લા સમુદ્રમાં હંકારી ગયા. નૌકા ઉપર હાજર બ્રિટીશ નાવિકોને કેદ કરી લેવામાં આવ્યા.

દિવસ પૂરો થતા-થતા પરીસ્થિતિ અંગ્રેજોના કાબુ બહાર જતી રહી. બીજે દિવસે બ્રિટીશ શાસને નાવિકોને રેડિયો બ્રોડકાસ્ટ દ્વારા સંદેશો આપ્યો કે જો નાવિકો શરણે ના થાય તો બ્રિટીશ તંત્ર કઠોર હાથે કામ લેવાનું છે. બ્રિટીશરોની ધમકી થી નાવિકો વિફર્યા. કરાંચી, કલકત્તા અને કોચીનમાં પણ હડતાલ સમિતિએ આંદોલનનું એલાન કર્યું. લગભગ ૭૦૦૦ જેટલા નાવિકો અહિંસક આંદોલનમાં જોડાઈ ગયા હતા.

આ સિવાય નાવિકોના આંદોલનની ખબર મુંબઈ જેવા અનેક શહેરોમાં ફેલાઈ ચુકી હતી. આઝાદ હિન્દ ફૌજના સૈનિકો વિરુધ્ધના બોગસ મુકદમાના લીધે પ્રજામાં આક્રોશતો ક્યારનો હતો જ. હવે તે આક્રોશ જ્વાળામુખીની માફક ફાટીને બહાર આવ્યો. મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યા. પોલીસ ગોળીબારમાં પચ્ચીસેક જણ માર્યા ગયા. મુંબઈની લગભગ ૭૦ કાપડ મિલોમાં પણ કામદારોએ હડતાલ પાડી.

હવે આંદોલનમાં જોડાયેલા નાવિકોની સંખ્યા વધીને ૨૦૦૦૦ થઇ ગઈ હતી. એટલું જ નહીં પણ સામાન્ય નાગરિકો પણ સરઘસો કાઢીને નાવિકોને સાથ આપ રહ્યા. નાવિકોના આંદોલનના ખબર બ્રિટન પહોંચ્યા અને આંદોલનને દબાવી દેવાનો હુકમ પણ મળ્યો. જોકે ખુલ્લા સમુદ્રમાં નાવિકો લગભગ બધીજ યુદ્ધનૌકાઓ હંકારી ગયા હતા. એટલે કાંઠા ઉપર મૌજુદ બ્રિટીશરો પાસે આંદોલનને દબાવવા માટે નૌકાદળ જેવું કશું બચ્યું નહોતું. કરાંચીના નૌકામથક ઉપર થી સમુદ્રમાં હંકારી ગયેલી નૌકાઓ ઉપર તોપોવડે ગોલંદાજી કરવામાં આવી જેમાં નૌકા ઉપર હાજર ૧૪ નાવિકો માર્યા ગયા. વિફરેલા ભારતીય નાવિકોએ ત્યારબાદ યુદ્ધનૌકા માંથી જવાબ આપતી ગોલંદાજી કરી. આવા બનવો બનતા રહ્યા.

નાવિકોએ આંદોલનની શરૂઆતમાં જ જાહેર કર્યું હતું કે આંદોલન અહિંસક/ગાંધી માર્ગે જ રહેશે. આથી નાવિકોએ અંગ્રેજો વિરુધ્ધ લડત ચલાવી રહેલા કોંગ્રસના નેતાઓ પાસે સહકારની અપેક્ષા રાખી હતી. પરંતુ નાવિકોની આશા ઠગારી નીવડી. કોંગ્રેસનું વલણ નાવિકોના આંદોલન પ્રત્યે યુ-ટર્ન જેવું રહ્યું.

ગાંધીજીએ નાવિકોના આંદોલનને “અવિચારી તથા ખેદજનક” ગણાવીને વખોડી નાખ્યું. મુંબઈના દૈનિક ન્યુઝ પેપર “Bombay Chronicle”માં છપાયેલા અહેવાલ મુજબ ગાંધીજીના માટે નાવિકોનું આંદોલન “was setting a bad and unbecoming example for India” હતું.

જવાહરલાલ નહેરુએ નાવિકોના આંદોલનને “લશ્કરી શિસ્તભંગ” તરીકે ઓળખાવ્યો. જેણે કદી લશ્કરમાં એક દિવસ નથી વિતાવ્યો અને જેને લશ્કરી પ્રણાલિઓ વિષે કશું ખબર નથી એ વ્યક્તિને “લશ્કરી શિસ્તભંગ” શું હોય એ ક્યાંથી ખબર પડે..?

આ સિવાય અન્ય વર્તમાનપત્રો પણ નાવિકોને ફરજપાલન, શિસ્તપાલન જેવી ઠાવકી સલાહો આપતા રહ્યા. (જે કામ અંગ્રેજોનું હતું એ કામ આપણા દેશના વર્તમાન પત્રો (તેમજ કોંગ્રેસના રાજકીય નેતાઓ) કરી રહ્યા હતા. આજે પણ, ભારતમાં તમે જોતા હશો એવા કેટલાંક મીડિયા હાઉસ (તેમજ કોંગ્રેસના રાજકીય નેતાઓ) પણ હંમેશા “એવું જ વર્તન” કરતા હોય છે જે ખરેખર તો આપણા દુશ્મન દેશોએ કરવાનું હોય છે).

મુંબઈના એક માત્ર “Free Press Journal” એ નાવિકોના આંદોલનને “ક્રાંતિ” શબ્દ વડે નવાજ્યો. આ વર્તમાનપત્રના મતે નાવિકોની આ “ક્રાંતિ” ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યના દિવસો ભરાઈ ગયા હોવાના સ્પષ્ટ સંકેતો હતી.

જો કે નાવિકોના આ શાંતિમય આંદોલનને કોઈ પણ રાજકીય આગેવાનનો ટેકો ન મળતા નાવિકો હતાશ થયા અને છેવટે ગાંધીજી તેમજ નેહરુની મધ્યસ્થી વડે તેઓની વાત માની ત્રીજે દિવસે આંદોલન સમેટી લીધું. તમામ યુદ્ધનૌકાઓ પરત ફરી અને નાવિકો અંગ્રેજ હુકુમતના શરણે થયા. આ સાથે જ ભારતીય સ્વાતંત્ર સંગ્રામનું (વર્તમાન સમય માં તેમજ ઇતિહાસમાં) કદી નાં ચર્ચાયેલું એક સોનેરી પ્રકરણ સમાપ્ત થયું.

આંદોલન દરમ્યાન બ્રિટીશ અફસરો હેઠળની ભારતીય ફૌજે પોતાના દેશબાંધવો સામે બંદુક તાકવાનો ઇનકાર કરી દીધો હતો. આ પ્રકારના વર્તનનો ની જાણ કરતો તેમજ આંદોલન અંગેનો પોતાનો અહેવાલ અંગ્રેજ વાયસરોય વેવેલે માર્ચ ૨૨, ૧૯૪૬નાં રોજ લખ્યો જેમાં તેણે જણાવ્યું કે “હવે ભારત નવી રાજ વ્યવસ્થાને જન્મ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે ભારતીય સૈનિકો હવે બ્રિટનને વફાદાર રહ્યા નથી”.

ઉપરોક્ત શબ્દોનો સીધો-સીધો અર્થ એ નીકળે કે ભારત પર રાજ કરવા માટે ભારતીય સૈનિકોનું બનેલું લશ્કર હવે કામનું નથી. ભારત પર રાજ કરવા માટે અંગ્રેજ સૈનિકોનું બનેલું જંગી લશ્કર રચવું પડે. જે બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થયેલા બ્રિટન માટે અશક્ય હતું. આ ગંભીર વાત હવે બ્રિટન પોતે પણ સમજી ચુક્યું હતું.

આ સિવાય બીજા વિશ્વ યુદ્ધમાં તારાજ થયેલા બ્રિટનમાં ચર્ચિલની સરકાર વિરુધ્ધ લોકોમાં ઉગ્ર અસંતોષ વ્યાપી રહ્યો હતો. બ્રિટનની લેબર પાર્ટીએ યુદ્ધમાં તારાજ થયેલા પોતાના દેશની (બ્રિટનની) પરીસ્થિતિ સુધારવાના કાર્યને પ્રાથમિકતા આપવાને વાત કહી. બ્રિટન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સ્વાભાવિક છે જે ૩૦ થી વધુ દેશોને બ્રિટને ગુલામ બનાવી રાખ્યા હતા તેમાંથી છૂટવું જરૂરી હતું. બ્રિટીશ પ્રજાનો પણ આજ મત હતો. આથી લેબર પાર્ટીએ ભારત તેમજ અન્ય ગુલામ દેશોને આઝાદ કરવાના મુદ્દાને પોતાનો મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો અને એજ મુદ્દાના આધારે ચૂંટાઈ લેબર પક્ષ સત્તામાં આવ્યો અને ક્લેમેન્ટ એટલી પ્રધાનમંત્રી બન્યા. ક્લેમેન્ટ એટલીએ એક પછી એક ગુલામ દેશોને “આઝાદ” કરવાનું પોતાનું વચન પાળી બતાવ્યું જેમાં ભારતને “આઝાદી આપવાનો” દિવસ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નો નક્કી થયો.

૧ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ બ્રિટને ભારતને આઝાદી આપવાના ભાગરૂપે ભારતમાં વચગાળાની સરકાર સ્થાપી જેના વડાપ્રધાન (માઉન્ટબેટન ના ખાસ મિત્ર એવા) જવાહરલાલ નેહરુને બનાવવામાં આવ્યા.

બ્રિટનની ઉપરોક્ત રાજકીય તેમજ આર્થીક પરિસ્થિતિ પારખી જતા કોંગ્રેસને સત્તા મેળવવાની લાલસા જાગી. જેના માટે પોતાના પક્ષને ભારતને આઝાદી અપાવનારા રાષ્ટ્રીય પક્ષમાં ફેરવી નાખવું જરૂરી હતું. જેને લીધે લોકમાનસ ઉપર એવી છાપ ઉપસે કે, “કોંગ્રેસે જે અવિરત ચલાવેલી લડતના પરિણામે જ ભારતને આઝાદી મળી છે અને બ્રિટન પછી ભારતમાં શાસન કરવા કોંગ્રેસ જ યોગ્ય છે”.

આ ઉપરાંત જો નાવિકોના આંદોલનને વધુ પ્રસિધ્ધિ મળે તો બિનકોંગ્રેસી એવા નવયુવાન નાવિકો સત્તા ઉપર બેસી જાય એવો ફડકો કોંગ્રેસને પેઠો. આથી નાવિકોના આંદોલનને આઝાદીના આંદોલન ની જગ્યાએ “Mutiny/બળવામાં” ખપાવી દેવાના કાવાદાવા શરુ કરવામાં આવ્યા. અગાઉ જણાવ્યું તેમ મુંબઈના એક માત્ર “Free Press Journal” એ નાવિકોના આંદોલનને “ક્રાંતિ” ગણાવી હતી અને બીજા લગભગ મોટાભાગના વર્તમાનપત્રોએ નાવિકોના આંદોલનને “બળવા” તરીકે ઓળખાવ્યો હતો.

આ સિવાય ૧૯૪૩માં Indian People’s Theatre Association/IPTA નામનું નાટ્યમંડળ સ્થપાયું હતું. પુથ્વીરાજ કપૂર, પંડિત રવિશંકર, એ.કે. હંગલ, બલરાજ સાહની, ઉત્પલ દત્ત વગેરે જેવા જાણીતા અભીનેતાઓ/કલાકારો આ નાટ્યમંડળના સ્થાપક હતા. આ નાટ્યમંડળનો મુખ્ય ઉદ્દેશ સ્વાતંત્ર્યતાની લડત વિશેના નાટકો ભજવી સ્વાતંત્ર્યતાની લડતને જનમાનસમાં સ્થાન અપાવાનાનો હતો. આથી નાવિકોના આંદોલનને લગતું કોઈ નાટક આ નાટ્યમંડળ ભજવે અને કોંગ્રેસના પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવે એ પેહલા જ આ મંડળ બંધ કરાવી દેવામાં આવ્યું.

(જો કે નાટ્યમંડળના ઉપરોક્ત કલાકારોએ પોત-પોતાના શહેરોમાં વર્ષો સુધી નાવિકોના આંદોલનને લગતા નાટકો ભજવ્યા. આઝાદી પછી પણ એક ક્રમ ચાલુ રહ્યો. વર્ષ ૧૯૬૫માં ઉત્પલ દત્તએ બંગાળીમાં નાવિકોના આંદોલનને આલેખતું “કલ્લોલ” (અર્થ: સિંધુઘોષ કે સાગરધ્વની) નાટક લખ્યું અને ભજવ્યું. કલકત્તાના “મિનરવા” થિયેટરના લગભગ બધાજ શો હાઉસફુલ જતા હતા. પ.બંગાળમાં એ વખતે સરકાર કોંગ્રેસની હતી. નાવિકોના આંદોલનનાં આટલા વર્ષો પછી પણ કોંગ્રેસને નાવિકોના આંદોલન ઉપરથી ભજવતા નાટકને મળતી પ્રસિધ્ધિ માફક નાં આવી અને નાટક ઉપર પ્રતિબંધ લગાવાયો અને ઉત્પલ દત્તને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં જ ઉત્પલ દત્તે “લોહા માનવ” નામનું નાટક લખ્યું અને જેલમાં જ ભજવ્યું). આવા તો બીજા અનેક કલાકારો જેમકે બલરાજ સાહની કે જેઓ નાવિકોના આંદોલનને જનઆંદોલન ગણતા હતા તેમને કોંગ્રેસ દ્વારા રંજાડવામાં આવ્યા).

નાવિકોએ આંદોલન કર્યાના લગભગ 18 મહિનામાં જ અંગ્રેજો (ઓગસ્ટ ૧૯૪૭) ભારત દેશ છોડીને ચાલ્યા ગયા. અંગ્રેજોએ ભારતને આઝાદી “આપી” એવું ચિત્ર ઉપ્સાવામાં આવ્યું (જેના માટે બ્રિટીશ પાર્લામેન્ટે Indian Independence Act, 1947 પસાર કરી “India” & “Pakistan” એમ બે નવા દેશો નું અસ્તિત્વ જાહેર કર્યું- કેવું હાસ્યાસ્પદ...ભારતનું સર્જન બ્રિટને કર્યું....? ભારત તો હજારો વર્ષો થી અસ્તિત્વ ધરાવે છે).

કોંગ્રેસ આઝાદી અપાવાનાનો તમામ યશ ખાટી ગઈ. આઝાદ ભારતમાં નવી-નવી સત્તા પર બેઠેલી કોંગ્રેસે ત્યાર પછી પણ નાવિકોના આંદોલનને જનમાનસ ઉપર થી મિટાવી દેવા અનેક પ્રયત્નો કર્યા. તેમજ આંદોલન કરનારા નાવિકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. સ્વતંત્ર સેનાનીઓને મળતા કોઈ પ્રકારના લાભ અંગ્રેજો વિરુધ્ધ લડેલા નાવિકો ન આપવામાં આવ્યા.

આઝાદ ભારતના (કોંગ્રેસ અને અંગ્રેજોને વફાદાર) ઈતિહાસકારોએ પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ લખતી વખતે કોંગ્રેસ અને ગાંધીજી સિવાયના આઝાદીના લડવૈયાની લડતોએ માત્ર “બળવો” કે “Mutiny/Revolt” જેવા તુચ્છ શબ્દો વડે ઉતારી પાડી તેનું મહત્વ જ ખતમ કરી નાખવામાં ગજબનો ભાગ ભજવ્યો. જેમકે આઝાદ ભારતના આ તથાકથિત “ઈતિહાસકારો” મુજબ ૧૮૫૭નો સંગ્રામ ભારતના તે વખતના રજવાડાઓના રાજાઓ/રાણીઓ (જેમકે તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ વગેરે) એ પોતાના સ્વાર્થ માટે લડ્યો હતો આથી તે “સ્વતંત્રતાની લડાઈ” નથી (પરંતુ માત્ર “Revolt/બળવો” છે). શું તેઓ અંગ્રેજો થી મુક્ત થવા માટેની લડાઈ નહોતા લડ્યા....?

આ જ તથાકથિત “ઈતિહાસકારો” દ્વારા લખવામાં આવેલી CBSE/NCERT boardની ઈતિહાસની ચોપડીઓ તમે વાંચશો તો તમને જાણે કોંગ્રસ (કે નેહરુ/ગાંધીની) બાયોગ્રાફી વાંચતા હો એવું લાગશે. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામ પ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રન્તીવીરોના ના નામનો તો માત્ર ઔપચારિક ઉલ્લેખ એક જ લાઈનમાં કરવામાં આવ્યો છે. જાણે આઝાદીની લડતમાં તેઓનું તો કોઈ યોગદાન જ નથી.

આટલું ઓછું હોય તેમ આવા તથાકથિત “ઈતિહાસકારો” દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસ અંગે લખવામાં આવેલી અન્ય બુક્સમાં આ ગાંધી/નેહરુ (કે પછી કોંગ્રેસ) પ્રેમીઓએ ભગત સિંહ જેવા આપણા ક્રાંતિવીરો કે જેઓ માત્ર ૨૧ વર્ષની ઉંમરે હસતા હસતા “ભારત મા” માટે ફાંસીના માંચડે ચડી ગયા તેઓને “Revolutionary Terrorists” અથવા “Militant (આતંકવાદી)” સુદ્ધા કહી નાખ્યા છે. અને આ ક્રાંતિવીરોની દેશભક્તિને તેઓએ “Militant Nationalism (આતંકવાદી રાષ્ટ્રવાદ) કહીને ઉતારી પાડ્યા છે. (જે વિદ્યાર્થીઓ UPSC/GPSC ની તૈયારીઓ કરતા હશે તેમણે તો અવશ્ય આવા તથાકથિત “ઈતિહાસકારો” દ્વારા લખવામાં આવેલી CBSE/NCERT boardની કે અન્ય ઈતિહાસની ચોપડીઓ વાંચી જ હશે).

ગાંધી ને મહાન દેખાડવા માટે ક્રાંતિવીરોના બલિદાનને ઉતારી પાડવામાં કોઈ કસર નથી છોડવામાં આવી.

લેખ વાંચ્યા પછી તમે જાતે જ નક્કી કરજો કે શું ખરેખર આઝાદી માત્ર ચરખાથી જ મળી હતી......?

અંતમાં લેખની શરૂઆત એક કવિતા થી કરી હતી તો..અંત પણ એવી જ એક કવિતા થી કરીએ (જે સ્વતંત્રતા દિવસના દિવસે watsapp માં આવેલ)

“સળગતી રહી ઝૌહરમાં નારીઓ, આખલાઓ મૌન હતા

ભણાવી દીધું અકબર મહાન, તો મહારાણાપ્રતાપ કોણ હતા.

સડી ગઈ હતી લાશો સડક કિનારે, ગાંધી પણ મૌન હતા

ભણાવી દિધું કે ચરખે આઝાદી મળી, તો માંચડે ચડનાર જુવાનજોધ કોણ હતા

એ દોરડી હજી સંગ્રહાલયમાં મોજૂદ છે, જેનાથી ગાંધી બકરી બાંધતા હતા પણ

ઓલી દોરડી ક્યાં છે જેના પર ભગતસિંહ,સુખદેવ, રાજગુરૂ હસતા મોંઢે ફાંસી ચડ્યા હતાં

કોણ જાણે કેટલાં હિંચક્યા હતાં ફાંસી ઊપર,કેટલાં ગોળીએ વિંધાણા હતા

ખોટું કેમ ક્યો છો ? સાહેબ કે ચરખે આઝાદી આવી હતી

મંગલપાંડે ને ફાંસી, તાત્યાટોપ ને ફાંસી

રાણી લક્ષ્મીબાઇને ઘેરાબંધી કરીને મારી

ભગતસિંહ ને ફાંસી, સુખદેવ ને ફાંસી

રાજગુરૂ ને ફાંસી, રામપ્રસાદ બિસ્મીલ ને ફાંસી.

અશફાકઉલ્લાખાં ને ફાંસી, રોશનસિંહ ને ફાંસી

ચાફેકર નાં ત્રણેય ભાઇઓને ફાંસી, માસ્તર સૂ્ર્યસેન ને ફાંસી.

ચંદ્રશેખર આઝાદ ને અંગ્રેજ દ્વારા એકાઉન્ટર

સુભાષચંદ્ર બોઝ ને ગાયબ કરી દિધા.

ભગવતીચરણ વોરા બોમ્બ ધડાકામાં મૃત્યું.

લાલા લજપતરાય ને લાઠીચાર્જમાં મૃત્યું.

વિર સાવરકર ને કાળાપાણી ની સજા.

અમૂક નામ જ પ્રસ્તૂત કર્યા છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં બલિદાન આપ્યું.

ઘણાં વિરલા એવા છે જેનું નામ હું ને તમે જાણતા પણ નથી.

આમ છતાં પણ ખોટું ભણાવાય છે કે માત્ર ચરખાથી આઝાદી આવી હતી......”

લેખનો સંદર્ભ: Internet/social media ના વિવિધ પ્લેટફોર્મ ઉપર ઉપરોક્ત વિષય પર ચાલતી અનેક debate/ચર્ચાઓ નાં આધારે....

લેખ સારો લાગે તો share જરૂર કરજો તેમજ commentમાં ચર્ચા પણ અવશ્ય કરજો.

****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED