Icchamrityu books and stories free download online pdf in Gujarati

ઈચ્છામૃત્યુ

સુપ્રીમ કોર્ટ ની પાંચ ન્યાયાધીશો ની બનેલી બંધારણીય બેંચ ના મુખ્ય ન્યાયાધીશ શ્રી કમલ મિશ્રા સમક્ષ આજે એક વિમાસણ ભર્યા કેસ નો ચુકાદો આપવાનો વખત આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૧૮ માં પોતાનાજ એક ચુકાદા માં કહ્યું હતું કે બંધારણ ની કલમ ૨૧ મુજબ દરેક વ્યક્તિ ને સન્માન પૂર્વક પોતાનું જીવન જીવવાનો અધિકાર છે અને તે જ અધિકાર માં દરેક વ્યક્તિ ને સન્માન પૂર્વક મૃત્યુ પસંદ (ઈચ્છામૃત્યુ) કરવાનો પણ અધિકાર સામેલ છે. આજ ચુકાદા ના સંદર્ભ માં સુપ્રીમ કોર્ટ સમક્ષ વારાણસી ના હાથ વણાટ ના એક નાનકડા વેહ્પારી ઉદયશંકર વણિક કે જેમની ઉંમર ૧૧૧ વર્ષ હતી તેમણે પોતાના માટે “ઈચ્છામૃત્યુ” ની નામદાર કોર્ટ ની રજા માંગતી અરજી કરી હતી.

ઉદયશંકર વણિક નો જન્મ ઈ.સ. ૧૯૦૭ માં વારાણસી માં એક વણકર પરિવાર માં થયો હતો. તેમના પિતા જયશંકર વણિક તેમની પેઢી દર પેઢી થી ચાલી આવતા હાથ વણાટ વ્યાપારના વ્યાપારી હતા. તેમના હાથ વણાટ ના કાપડ ની દેશ-વિદેશ માં સારી એવી માંગ રહેતી. પેઢીઓ થી ચાલતા વ્યવસાય નાં લીધે તેમનો પરિવાર સમૃધ્ધ બન્યો હતો.

કેસ ની કાર્યવાહી શરુ થઇ. કોર્ટ રૂમ ચિક્કાર ભરાઈ ગયો હતો. સામાન્ય જનતા ની સાથે-સાથે દેશ ની અગ્રણી ન્યુઝ ચેનલો અને વર્તમાન પત્રો ના રીપોર્ટેરો પણ આ કેસ ના ચુકાદા ને સંભાળવા તેમજ તેને લગતા સમાચાર નું કવરેજ મેળવવા કોર્ટ રૂમ માં હાજર હતા.

મુખ્ય ન્યાયાધીશ શ્રી કમલ મિશ્રાના એ ઉદયશંકર વણિક ને કઠેરા માં હાજર થવા આદેશ આપ્યો. ઉદયશંકર વણિક પોતની જગ્યા પરથી ઉભા થયા અને કઠેરા માં જવા ચાલવા લાગ્યા. ૧૧૧ વર્ષની વયોવૃધ ઉંમર હોવા છતાં ઉદયશંકર લાકડી ના ટેકે સરળતાથી ચાલતા-ચાલતા કઠેરા માં આવી પહોંચ્યા. તેમણે ભારતવર્ષ ના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર હાથ મુકીને પ્રમાણિકતા ના સોગંધ ખાધા. ઉદયશંકર વણિક ના વકીલ એસ.એસ. તારકે ઉદયશંકર તરફ થી કેસ ની ટૂંકમાં વિગત જણાવતા કહ્યું

“યોર ઓનર.....મારા અસીલ શ્રી ઉદયશંકર વણિક પોતાની વર્તમાન પરિસ્થિતિથી અતિશય વ્યાકુળ થઇ ગયા છે. હાલની તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેમનાથી સન્માનપૂર્વક જીવવું લગભગ અસંભવ થઇ ગયું છે. આથી મારા અસીલ શ્રી ઉદયશંકર વણિક એ આપ નામદાર કોર્ટ સમક્ષ “સન્માનપૂર્વક મૃત્યુ” એટલે કે “ઈચ્છામૃત્યુ” ની રજા આપતી અરજી દાખલ કરેલ છે. મારા અસીલ તરફ થી હું આપ નામદાર કોર્ટ ને વિનંતી કરું છું કે તેમની આ અરજી માન્ય રાખવામાં આવે અને મારા અસીલ શ્રી ઉદયશંકર વણિકને સન્માનપૂર્વક ઈચ્છામૃત્યુ ની રજા આપવામાં આવે”.

મુખ્ય ન્યાયાધીશ શ્રી કમલ મિશ્રાએ ઉદયશંકર વણિકને નીહાળ્યા. તેમણે જોઇને કમલ મિશ્રાજીએ ઉદયશંકરજી ની સાથે સીધો વાર્તાલાપ કરતા કહ્યું-“ઉદયશંકરજી તમે તો ખુબ સ્વસ્થ દેખાવ છો. ૧૧૧ વર્ષ ની વયોવૃધ ઉંમર હોવા છતાં પણ તમે કોઈની પણ મદદ વિના સરળતાથી હરી-ફરી શકો છો. આજના સમય માં જયારે યુવાન લોકો અનેક બીમારીઓ થી પીડાતા હોય છે........તમને જોઇને તો લાગે છે કે તમને તો નખમાંય રોગ નથી. તમારી આ લાંબી ઉંમર અને સ્વસ્થ શરીરનું રહસ્ય શું...?

જવાબ માં ઉદયશંકરે કહ્યું- “જયારે હું નાનો હતો ત્યારે મારા દાદાજી મને સ્વસ્થ રહેવા માટે એક નાની કવિતા સંભળાવતા”

ન્યાયાધીશશ્રી- કેવી કવિતા...?

ઉદયશંકરજી એ કહ્યું-

“માગશરે જીરું, પોષમાં ધાણા, મહા માં સાકર ખાશો નહિ.

ફાગણમાં ચણા, ચૈત્રમાં ગોળ, વૈશાખે તેલ ખાશો નહિ.

જેઠમાં હિંગ, અષાઢે લીલું, શ્રાવણમાં શાક ખાશો નહિ.

ભાદરવે છાશ, આસોમાં કારેલાં, કારતકે દહીં ખાશો નહિ”.

તેમની આ કવિતા મને આજે પણ યાદ છે અને આજ દિવસ સુધી મેં તેનું પાલન કર્યું છે. આજની જંકફૂડ પેઢીને કદાચ આ કવિતા માં કીધેલા નિયમો જુનવાણી લાગશે પણ તેમાં રહેલું વિજ્ઞાન સમજવાની કોઈ મહેનત નથી કરતુ. ...ચાલો જવાદો...એ બધું હું સમજાવવા લાગીશ તો આ નામદાર કોર્ટ નો સમય વ્યર્થ થશે.”

ન્યાયાધીશશ્રી કમલ મિશ્રા પોતાના દાદાજીની ઉંમરના ઉદયશંકર અનિમેષ નજરે જોઈ રહ્યા. તેમના દાદાજી પણ આ પ્રકારના જ્ઞાનથી સમૃદ્ધ વ્યક્તિ હતા.

ન્યાયાધીશશ્રી એ કહ્યું- “તમારા સ્વાસ્થ્ય ઉપર થી લાગે છે કે તમે હજી ઘણું લાંબુ જીવન જીવશો. કદાચ વિશ્વની સૌથી વૃધ્ધ વ્યક્તિનો રેકોર્ડ તમે આરામથી જીવતા-જીવતા તોડી નાખો એવો મને વિશ્વાસ છે. તો પછી આમ ઈચ્છામૃત્યુની અરજી...? શા માટે..?”

“ફક્ત આરામ થી જીવવું મહત્વનું નથી ન્યાયાધીશશ્રી. સન્માનપૂર્વક જીવવું એનાથી પણ વધુ મહત્વનું છે.” –ઉદયશંકરજીએ કહ્યું.

“પરંતુ તમે તો ખુબ જુના અને જાણીતા હાથ વણાટ ના વ્યાપારી છો. હાથ વણાટ ના વ્યાપાર માં તમારું ખુબ સન્માન છે. તો પછી એવું તો શું થઇ ગયું કે જેથી તમરા જેવા સન્માનીય હાથ વણાટ ના વ્યાપારી ને ઈચ્છામૃત્યુ જોઈએ છે. ..?” –ન્યાયાધીશશ્રી એ કહ્યું.

ઉદયશંકરજીએ કહ્યું- “ન્યાયાધીશશ્રી જો આપ નામદાર કોર્ટ પાસે સમય હોય તો હું મારી આપવીતી કહી સંભળાવું. પરતું મારી આપવીતી મારી ઉંમર ની માફક ખુબ પુરાણા સમય થી શરુ થાય છે. આથી મારી આપવીતી તમને ઈતિહાસના પાઠ જેવી લાગશે. ભારતના આજના લોકોને ઈતિહાસમાં કોઈ ખાસ રસ એમપણ નથી. તો કદાચ તમને લોકોને મારી વાત શરુ થયા પછી કંટાળો આવવા લાગે એવી પુરેપુરી શક્યતા છે....તો બોલો ન્યાયાધીશશ્રી આપ રાજા આપો તો શરુ કરૂ. ..?”

ન્યાયાધીશશ્રી ઉદયશંકરના કટાક્ષ ઉપર થોડું હસ્યા અને હકારમાં માથું હલાવી ને સંમતિ આપી. ઉદયશંકરજીએ એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાની વાત કહેવાની શરૂઆત કરી.

“ન્યાયાધીશશ્રી જો અહીં હાજર કોઈપણ વ્યક્તિએ ભારતીય ગ્રંથો નો અભ્યાસ કર્યો હોય તેને ખબરજ હશે ભારતવર્ષમાં કાપડ ઉત્પાદન અંગે સૌથી જાણીતો અને કદાચ સૌપ્રથમ સંદર્ભ ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદના બીજા મંડલામાં સાધુ શ્રી ગૃત્સમદ વિશે એક વાર્તા છે, જે કહે છે કે શ્રી ગૃત્સમદે સૌપ્રથમ કપાસના વૃક્ષનું વાવેતર કર્યું હતું અને તેમાંથી કેટલાક કપાસ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેમણે આ સુતરાઉમાંથી થ્રેડ (દોરા) બનાવવા માટે એક ચરખો (સ્પિનર) ​​બનાવ્યો અને આખરે તેણે આ કપાસનો અને ચરખાનો ઉપયોગ કરીને કાપડ બનાવ્યુ. આ રીતે વેદિક કાળ દરમિયાનજ સૌપ્રથમ શ્રી ગૃત્સમદે કપાસ દ્વારા કાપડ બનાવવાની આ રીત આપી હતી. સમય વહ્યો અને ભારતે રેશમ અને સુતરાઉ કાપડ બનાવ્યા, અને સોના અને ચાંદીના અસ્તરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. રેશમનું કાપડ હોય કે ઢાકાનું મખમલનું કાપડ, અમદાવાદ ની મોનચેસ્ટર કેહવાતી કાપડની મિલો હોય કે પાટણ ના પટોળા, વારાણસી ના હાથ વણાટ ના કાપડ હોય કે કચ્છી ભરતકામ કરેલા કાપડ, છેવટે ભારતીય ટેક્સટાઈલ્સે વિશ્વનું બજાર કબજે કર્યું અને પ્રાચીન ગ્રીક, ઇજિપ્ત અને આરબ વિશ્વ ભારતીય કાપડના ખરીદદારો બન્યા. મારા પરદાદાઓએ સ્થાપેલી વર્ષો જૂની પેઢીએ પણ હાથ વણાટ ના વ્યાપાર માં ખુબ પ્રગતિ કરી અને ધન કમાયા. અમારી પેઢી દ્વારા બનાવતા હાથ વણાટ ના કાપડ ની ભારત સહિત વિદેશમાં ઉંચી માંગ રહેતી. મારા પરદાદાઓ હોય કે મારા દાદા, મારા પિતા હોય કે હું પોતે.... હાથ વણાટના કામ અમે માત્ર અમારા કુશળ કારીગરો દ્વારા નહોતા કરાવતા પરંતુ અમે પોતે પણ આ કામ માં કુશળ હતા. અમારી પેઢી આવા લગભગ ૧૫૭ થી વધુ કારીગરો ને રોજગારી આપતી. મારા સમયમાં અમારી આ પેઢીમાં ૨૧૫ કારીગરો કામ કરતા. સુખ-દુ:ખ તમામ માં અમે અમારી પેઢી ના કારીગરોની પડખે ઉભા રહેતા. અમારા સુખ-દુ:ખમાં અમારી પેઢીના કારીગરો પણ પોતાનાથી થતી મદદ કરતા. તેઓ અમારું ખુબ સન્માન કરતા. આમ, હાથ વણાટના આ કામે મને અને મારા પૂર્વજો ને ધન અને સન્માન બન્ને અપાવ્યા. ફક્ત અમને જ નહીં ભારતમાં હાથ વણાટ કે અન્ય રીતે ઉત્પાદન થતું કાપડ અને એ સિવાય આ પ્રકારના નાના-નાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલ અનેક નાના-મોટા વ્યાપારીઓ આ રીતે અનેક લોકોને રોજગારી આપતા. તેઓ ધન અને સન્માન બન્ને કમાતા.

પરંતુ સમય બદલાયો. ભારત દેશ પ્રથમ મુસ્લિમોનો અને ત્યારબાદ અંગ્રેજોનો ગુલામ બન્યો. બન્ને પ્રજાએ ભારત ને અનેક રીતે બરબાદ કર્યું. ભારતની સંસ્કૃતિ ની સાથે-સાથે ભારતની ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ વ્યવસ્થાને નષ્ટ કરી નાખી. એમાય અંગ્રેજોએ તો ભારતના કાપડ ઉદ્યોગની તો કમર જ ભાંગી નાખી. ભારતથી વિદેશ જતા કાપડ ઉપર અતિ આકરી ડ્યુટી લાદી અને બ્રિટનથી ભારત આવતા કાપડ ઉપર નહીવત ડ્યુટી લાદી. જેથી ભારતનું કપડું વિદેશોમાં અતિશય મોંઘુ મળતું થયું. સામે પક્ષે ભારતમાં બ્રિટન કપડું અતિશય સસ્તું થયું. ભારતના બજારમાં કાચા-માલ ઉપર જે આકરા વેરા અંગ્રેજોએ નાખ્યા તેનાથી ભારતમાં બનતું કાપડ ભારતમાંજ મોંઘુ થઇ ગયું. અને બ્રિટીશ કાપડ ભારત માં સસ્તું ઉપલબ્ધ થયું. આથી વિદેશોમાં અને ભારત માં ભારતીય કાપડ ની ડીમાન્ડ લગભગ નહીવત જેવી થઇ ગઈ. આટલું ઓછુ હોય તેમ યંત્રો દ્વારા ખુબ ઝડપથી ઉત્પાદિત થતા બ્રિટીશ કાપડ ને લીધે બજારમાં બ્રિટીશ કાપડ પુષ્કળ પ્રમાણમાં અને સસ્તામાં ઉપલબ્ધ થઇ ગયું. અમારા જેવા હાથ-વણાટ ના વ્યાપારીઓં ચરખા અને હાથ દ્વારા આટલું ઝડપી ઉત્પાદન કરવા સક્ષમ ન હતા. તેમજ કાચો માલ પણ અંગ્રેજોએ કર લાદીને મોંઘો કરી નાખ્યો હોવાથી અમારા કાપડ મોંઘા થઇ ગયા. આથી સ્થાનિક બજારમાં પણ અમારું કાપડ લોકોએ ખરીદવાનું બંધ કર્યું. અમારો વ્યાપાર ધીરે-ધીરે નષ્ટ થતો ગયો અને સાથે-સાથે અમારી સમૃધ્ધિ પણ.

૧૮ વર્ષ ની મારી ઉંમરે મેં મારા બાપ-દાદાનો આ વ્યવસાય સંભાળ્યો ત્યારે અમારી પેઢીમાં ૨૦૦ થી ૩૦૦ કારીગરો કામ કરતા હતા જે અમારા પરિવારના સભ્યો સમાન હતા. પરંતુ જે પરિસ્થિતી અંગ્રેજોએ પેદા કરી હતી તેના અમારો ધંધો પડી ભાંગ્યો અને એક પછી એક કારીગરો નાં છૂટકે જાતેજ કામ છોડીને અન્ય કામો તરફ વળવા લાગ્યા. એ કુશળ કારીગરો કે જેઓ હાથ વણાટ માં માહેર હતા તેમની ગેરહાજરીમાં અમારા કાપડનું ના ફક્ત ઉત્પાદન જ ઘટ્યું પરંતુ કાપડની ગુણવત્તા પણ ઘટી ગઈ. કાપડની ગુણવત્તા ઘટી અને સાથે-સાથે આટલા વર્ષો માં અમે કમાયેલું સન્માન પણ ઘટવા લાગ્યું. ભારત માં ઉત્પાદીત થતું કાપડ (ખાદી) ભારતની ભૂગોળ પ્રમાણે હતું જે મેહનત કરતી વખતે તમારા શરીર ઉપર થતો પરસેવો શોષી લેતું જયારે બ્રિટીશ નાયલોન, પોલીયેસ્ટર જેવા કાપડ ત્યાની ભૂગોળ પ્રમાણે હતા જે અહીંના લોકોને માફક આવે તેમ ના હતું. થાર્મોપ્લાસ્ટીક જેવા હાનીકારક રસાયણમાંથી બનતા નાયલોન, પોલીયેસ્ટર ના કાપડમાંથી બનેલા કપડા શરીરનો પરસેવો નહોતા શોષતા, અનેક ચામડીના રોગોના જનક, આગ લાગવા જેવા બનાવોમાં આવા કપડા પહેરનાર વ્યક્તિના શરીર ઉપર ચોંટી જતા. નાયલોન, પોલીયેસ્ટર ના કાપડમાંથી બનેલા કપડા આધુનિક સમયમાં પણ પેહારવા લાયક નથી ગણાતા ખાસ કરીને એવા દેશોમાં જે ભારતની જેમ ઉષ્ણકટિબંધીય ભૂગોળ ધરાવે છે. આમ છતાં સસ્તા ભાવના લીધે ભુગોળનો તર્ક ભુલાઈ ગયો. અને ભારતીય ખાદી ભારતમાંજ પારકી બની ગઈ.

ત્યારબાદ મહાત્મા ગાંધી આવ્યા અને ભારતને આઝાદી આપવાની ચળવળ ના ભાગ રૂપે ભારત ના ગૃહઉદ્યોગો જીવંત કરવાનું બીડું ઝડપ્યું. તેમણે ચરખા દ્વારા ખાદી બનાવવાનું ચાલુ કર્યું. મહાત્મા ગાંધી દ્વારા “સ્વદેશી ચળવળ” ચલાવવામાં આવી, લોકો દ્વારા વિદેશ માલ ખાસ કરીને કપડા વગેરેની હોળી કરવામાં આવી અને ભારતમાંજ ઉત્પાદિત ખાદી તેમજ અન્ય માલના ઉપયોગનું ચલણ વધ્યું અને સ્થાનિક ઉદ્યોગો ને પ્રોત્સાહન મળવ લાગ્યું. અમારી લગભગ તૂટી પડેલી આશાઓ ફરી સજીવન થઇ.

ભારત સ્વતંત્ર થયું. અમારી સજીવન થયેલી આશાઓને વધુ બળ મળ્યું. અમને થયું સ્વંત્રતા મળતાજ અંગ્રેજોએ ઉભું કરેલું વ્યાપારી સામ્રાજ્ય નષ્ટ થશે અને ફરી ભારતનું પુરાણું અર્થતંત્ર સ્થાપશે. પરંતુ અમારી આશાઓ ભાંગી પડી. નવી રચાયેલી સરકારોએ પણ ભારતના કુટીર-ગૃહ ઉદ્યોગ ને સજીવન કરવા કોઈ ખાસ રસ ના દાખવ્યો. અત્યાર સુધી સ્વતંત્રતાની ઓળખ ગણાતી ખાદી પણ ધીમે-ધીમે ભુલાઈ ગઈ અને છેવટે માત્ર રાજકીય પક્ષો ના ઉપયગો નું સાધન બનીને રહી ગઈ. નેતાઓ ખાદી ના નામે પણ રાજકારણ રમવા લાગ્યા.

આશા હતી કે મારા સંતાનો નવા જુસ્સા સાથે અમારા પેઢીયો જુના વ્યવસાય ને પુનર્જીવિત કરશે. પરંતુ એવું કઈ ના થયું. અંગ્રેજોએ ભારતમાં રહીને ફક્ત ભારતની અર્થવ્યવસ્થા જ નહી લગભગ આખું ભારત નષ્ટ કરી નાખ્યું હતું. શહેરીકરણના લીધે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પડી ભાંગી. ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાની જગ્યાએ તેમની દાખલ કરેલી અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાએ જે નવી પેઢી જન્મી તે પોતાનાજ દેશ, પોતાનીજ સંસ્કૃતિ અને પોતાનાજ રીત-રીવાજોથી દુર થઇ ગઈ. પરિણામે જૂની પેઢી ના લોકો જેઓ ભારતના પ્રાચીન સંસ્કારો, સંસ્કૃતિ અને રીત-રીવાજો માં વિશ્વાસ ધરાવતા હતા અને નવી પેઢીના લોકો જે અંગ્રેજી શિક્ષણ પામેલા હતા તેમની વચ્ચે “Generation Gap” નામની નવીજ સમસ્યા ઉભી થઇ. જેણે આ બન્ને જૂની અને નવી પેઢી વચ્ચે સંઘર્ષ ઉભો કરી દીધો. ડગલે-પગલે નવી પેઢી જુની પેઢીના લોકોનું અને તેમના વિચારોનું અપમાન કરવા લાગી. મારા પોતાનાજ સંતાનો મારા વિચારોથી સંમત ના થતા અને મને છોડીને વિદેશોમાં સ્થાયી થયા. અંગ્રેજોએ વાવેલા વેર ના બીજ આજે એક મહાકાય વૃક્ષ બનીને ઉભા છે. તમામ ધર્મો બધી રીતે તૂટી પડ્યા છે. વિદેશ, વિદેશીઓ અને વિદેશી વસ્તુ તરફનો આજની પેઢીનો ક્રેઝ ભારતવર્ષ ને ક્યારનોયં ભરખી ગયો છે. હવેતો માત્ર અવશેષો બચ્યા છે. જયારે ભારત દેશ બચ્યોજ નથી તો પરદેશ જેવા આ ભારતમાં જીવન જીવીને શું કરવાનું.? છેલ્લા લગભગ ૪૦ વર્ષો થી અમારો વ્યાપાર સંપૂર્ણ બંધ થઇ ગયો. જે ધન કમાયા હતા તેમાંથી ધીરે-ધીરે ગુજરાન ચલાવું છું.

ન્યાયાધીશશ્રીએ કહ્યું- “પરંતુ તમે સરકાર દ્વારા નાના ઉદ્યોગો ને આપવામાં આવતી નાણાકીય મદદ મેળવીને પણ તમારા વ્યવસાય ને ફરી આગળ વધારી શકો છો”.

ઉદયશંકરજીએ કહ્યું- “ન્યાયાધીશશ્રી ... સરકાર દ્વારા કરાતી મદદને કહેવાતા ઉચ્ચ અધિકારીઓ અમારા સુધી પહોંચવા દે તો ને. કેટલાય ધક્કા ખાઓ તોપણ આ ઉચ્ચ અધિકારીઓ નો જીવ ધરાતોજ નથી હોતો. આ ઉચ્ચ અધિકારીઓ માત્ર કેહવા પૂરતા “લોક સેવક” (સિવિલ સર્વન્ટ) છે. સિવિલ સેવા જેવું કોઈ કામ કદાચ તેઓ નથી કરતા. એનું પણ કારણ છે. ઈતિહાસ માટે ભારતીઓનું જ્ઞાન “અમારી સંસ્કૃતિ મહાન હતી” બસ એ વાક્ય પુરતુંજ સીમિત છે. પરંતુ કેમ મહાન હતી અને કેવી રીતે મહાન હતી એ જાણવાની તસ્દી કોઈ લેતું નથી. બહુ ઓછા લોકોને ખબર છે સિવિલ સર્વિસ અંગ્રેજો એ શરુ કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ નીચલા વર્ગ ના ભારતીય કર્મચારીઓ ઉપર ઉચ્ચ સત્તાધારી અંગ્રેજ અધિકારી મુકવાનો હતો. આ ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓ નું મુખ્ય કામ નીચલા વર્ગ ના ભારતીય કર્મચારીઓ ને દબાવી રાખવાનું હતું. તેઓને પાસેથી વેઠિયા મજુર ની જેમ કામ લેવાનું હતું. ભારતીયોના મનમાં એ વાત ઠસવવાનું હતું કે તેઓ હમેશા ગુલામ રેહવાજ જન્મ્યા છે. અંગ્રેજ અધિકારીઓ ને કાયદેસર આવું કરવાની ટ્રેનીંગ પણ આપવામાં આવતી. જેમાં વાતે-વાતે પોતાનાથી નીચલા ભારતીય કર્મચારીઓનું અપમાન કરવું, ગાળો બોલવી, તેમની સંસ્કૃતિનું અપમાન કરવું, તેમના રીત-રીવાજોનો મજાક ઉડાવવો વગરે-વગરે. આજના લોક સેવકો પણ પોતાનાથી નીચલા વર્ગના કર્મચારીઓનું આજ રીતે શોષણ કરે છે. તેઓ પોતાના પટ્ટાવાળાને પોતાના વેઠિયા સમજે છે અને પોતાનું બધું નીજી કામ આ લોકો દ્વારાજ કરાવડાવે છે. આજના ઉચ્ચ અધિકારીઓનું સામાન્ય લોકોની સાથેનું વર્તન પણ અંગ્રેજો જેવું જ હોય છે. આજ કારણ છે ભારતમાં સિવિલ સર્વિસ સફળ થઇ નથી અને સામાન્ય લોકો આવા સિવિલ સર્વન્ટને ઘૃણા પૂર્વક “બાબુઓ” જેવા નામ થી બોલાવે છે. એક વરસાદ પડતાજ આખો રોડ ધોવાઇ જાય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી કે જે IAS લેવેલ નો હોય છે તેને કઈ ખબર નથી પડતી કે કેવા રોડ બનવા જોઈએ. સંઘ લોકસેવા આયોગ કહે છે કે “We are selecting best officers”...મને તો હસવું આવે છે...જો આવા અધિકારીઓને સંઘ લોકસેવા આયોગ “best” કેહતું હોય તો તેમના મતે “Worst” કેવા હશે...?”

કોર્ટ રૂમમાં હાજર લોકો હસી પડ્યા. સ્વયંમ ન્યાયાધીશશ્રી પણ હસી પડયા. થોડી સેકન્ડો બાદ ઉદયશંકરજીએ ફરી બોલવાનું ચાલુ કર્યું-

“આવા અધિકારીઓને લોકો પ્રત્યે કોઈ લાગણી નથી હોતી. ખરેખર તો ભારતે આઝાદ થતાવેંત જ આ પ્રકારની તામામ પરીક્ષાઓ બંધ કરી દેવી જોઈતી હતી. પરંતુ એવું કાંઈ ના થયું. અંગ્રેજોએ ચાલુ કરેલી તમામ વ્યવસ્થા કોઈને કોઈ સ્વરૂપે હજુ પણ ચાલુ છે. આવા અધિકારીઓના લીધેજ સરકારની યોજનાઓનો લાભ સામાન્ય માનવી સુધી નથી પહોંચતો.

ચાલો કોઈ રીતે સરકારી મદદ હું મેળવી પણ લઈશ પંરતુ તેનાથી મને કે મારી પેઢીને કોઈજ ફાયદો નથી થવાનો. કેમકે અમારી પેઢી હાથ વણાટના કાપડ માટે પ્રખ્યાત હતી. હાથ વણાટમાં જે ગુણવત્તા અને સુંદરતા હતી તે અમે મશીનોના ઉપયોગ વડે લાવી ના શક્યા. પરિણામે અમારી પેઢીના કાપડ ની ડિમાંડ લગભગ બંધ થઇ ગઈ. હાથ વણાટમાં માહેર અમારા કારીગરો પણ હવે નથી રહ્યા. તેઓના સંતાનોને આ કાર્યમાં રસ નાં હોઈ તેઓ અન્ય વ્યવસાય તરફ વળી ગયા. સરવાળે અમે ફક્ત અમારું ધન અને સમ્માન જ નહિ અમારી ઓળખ પણ ખોઈ બેઠા. જે ઓળખ અમારી હતી તેના વિના કેવીરીતે વ્યવસાય ટકાવવો...?

મારા જેવા અનેક લોકો જે આ પ્રકારના ગૃહ-હુન્નર કે કુટીર ઉદ્યોગ સાથે જોડાયેલા હતા તેઓ બધાની આ હાલત થઇ ગઈ છે. જો સરકાર મદદ કરે એજ પુરતું નથી. સમયસર મદદ કરે એજ મહત્વનું છે. જો આજે મળતી મદદ આઝાદી પછી તુરંત મળી હોત મારા જેવા ભારતના અનેક ગૃહ-હુન્નર અને કુટીર ઉદ્યોગ સાથે જોડાયેલા નાના-મોટા વ્યાપારીઓને બચાવી શકાયા હોત. આ ભારતદેશ ની કમનસીબી છે કે આઝાદીના આટલા પછી પણ અંગ્રેજોના લીધે ભારતીયો મૃત્યુ પામી રહ્યા છે. જે દર્શાવે છે કે આઝાદ થયા ....સ્વતંત્ર નહિ. .....કેમકે જો એવું હોત તો દેશની સર્વોચ્ચ અદાલત ફક્ત અંગ્રેજી ભાષામાંજ સુનવણી કેમ કરે છે....? સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ અદાલતોમાંની તમામ કાર્યવાહી અંગ્રેજીમાંજ કરવાનો આગ્રહ શા માટે...? સંસદ પાસે કાયદા દ્વારા આમાં ફેરફાર કરવાની સત્તા છે પરંતુ તે કરાયું કેમ નથી...? જે અંગ્રેજોના હાથે અપમાનિત થઈને, તેમના સંડાસ-બાથરુમો સાફ કરીને, તેમની ગાળો-ગોળીયો અને દંડાઓ ખાઈને આપવા પૂર્વજોએ આપણને સ્વંત્રતા અપાવી... એજ અંગ્રેજોની ભાષામાં આ દેશના સાધારણ નાગરિકને ન્યાય માટે કરગરવાનું..? જો કોઈને અંગ્રેજી ભાષા નાં આવડતી હોય કે નાં સમજાતી હોય તો શું સુપ્રીમ કોર્ટ તેને ન્યાય નહિ આપે...? શું એ વ્યકિત ન્યાયનો હકદાર નથી... ?”


કોર્ટરૂમમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ. બધા એક ચિત્તે ઉદયશંકરજી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નો પર ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા. ન્યાયાધીશશ્રી પણ. થોડી વાર શાંત રહ્યા બાદ ઉદયશંકરજીએ કહ્યું-

“હું જે કેહવા માંગતો હતો તે કહી ચુક્યો છુ ન્યાયાધીશશ્રી.... મારી આપ નામદાર કોર્ટને એ નમ્ર વિનંતી છે કે મારી કહેલી વાતો પર વિચાર કરીને મારી ઈચ્છામૃત્યુની અરજી ને મંજુર કરવામાં આવે.”

ન્યાયાધીશશ્રીએ પોતાની નજર કોર્ટરૂમમાં હાજર તમમ લોકો ઉપર ફેરવી. પછી ઉદયશંકરજી ને સંબોધીને કહ્યું-

“ઉદયશંકરજી ....તમારો કેસ મારા જીવનનો સૌથી કઠીન કેસ છે. મારા માટે ખુબ અઘરો છે. કેમકે સવાલ તમારા ઈચ્છામૃત્યુનો નથી ... સવાલ ભારતની વ્યવસ્થાનો છે. તમારી વાતો પરથી એ તો નક્કી થઇ ગયું કે ભારત સ્વતંત્ર થયા પછી પણ ભૂલો કરવાનું ભૂલ્યું નથી. દેશમાં ફક્ત અમુક જ લોકો એવા છે જેમનો વિકાસ થઇ રહ્યો છે. તમારા જેવા લોકો ના વિકાસ વિના ભારત નો વિકાસ માત્ર ભ્રમ છે. તમારી અરજીનો નિર્ણય ફક્ત મારે જ નહિ અહીં હાજર તમામ લોકોએ તેમજ તમામ ભારતીયોએ કરવાનો છે. આથી હું.. કમલ મિશ્રા ... ફક્ત સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ હોવાના નાતે નહિ પરંતુ એક ભારતીય હોવાના નાતે દરેક ભારતીયને તમારા કેસ નો નિર્ણય લેવા કહું છુ. કે ઉદયશંકરજીની તમામ વાતો પર વિચાર કરો અને જણાવો કે શું આપણે તેમને “ઈચ્છામૃત્યુ” આપવું જોઈએ કે નહિ....? “

*****

કથાબીજ

વિકટ આર. શેઠ

અમદાવાદ

મોબાઇલ- 8866525873

લેખન

જીગ્નેશ ઠાકોર

મોબાઇલ- ૯૫૧૦૦૨૫૫૧૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED