મનુ માસ્તર Hitesh Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનુ માસ્તર

કચ્છના એક અંતરિયાળ ગામની સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષક મનુ માસ્તર આજે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. શિક્ષક મનુભાઈ રાજગોરને ગામલોકો મનુ માસ્તરના હુલામણા નામથી બોલાવતા. શિક્ષક હોવા છતાં મનુ માસ્તરનો સ્વભાવ થોડો રમૂજી અને ટીખળી ખરો, એટલે ગામલોકોમાં અને વિદ્યાર્થીઓમાં ખાસ્સા લોકપ્રિય શિક્ષક. મનુ માસ્તરનો એક રેકોર્ડ રહ્યો છે કે એમણે ક્યારેય કોઈ વિદ્યાર્થીને માર માર્યો નથી કે કોઈના પર ગુસ્સે થયા નથી. આવા ઉમદા, રમતિયાળ અને સૌને ગમતા શિક્ષકને સન્માન આપવા એક નાનકડા વિદાય સમારંભનું આયોજન શાળાના આચાર્યે કર્યું છે.

ગામના સરપંચ સહિતના ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વિદાય શબ્દ વેદના અને વ્યથાનો સૂચક છે. આજે શાળાના એક શિક્ષક જયારે વિદાય લઈ રહ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે જ કાર્યક્રમમાં સહેજ ગમગીની અને ઉદાસી છવાયેલી છે. સામાન્ય રીતે શિક્ષક ક્યારેય કોઈ પરિસ્થિતિથી સહેજે વિચલિત ન થાય. અને એમાં આ તો વિનોદી મનુ માસ્તર. જ્યારે જુઓ ત્યારે તેમનો ચહેરો સતત હસતો-બોલતો જ દેખાય. શાળાના વિદ્યાર્થીઓ કે ગામલોકોએ મનુ માસ્તરને ક્યારેય ઉદાસ કે ગમગીન ચહેરે જોયેલા નહીં. દરેક સરકારી કર્મચારીની જેમ મનુ માસ્તર પણ જાણે છે કે શિક્ષકે પણ એક દિવસ તો નિવૃત્ત થવાનું જ હોય છે તેથી સરકારી સેવાઓમાંથી તેમની વિદાયને લઈને તેઓ સહેજ પણ વ્યથિત નથી. આમ છતાં ક્યારેય નહિ ને આજે મનુ માસ્તરના ચહેરા પર એક અકથ્ય વેદના અને વ્યથા બહાર આવવા મથી રહી હોય એમ સૌને લાગ્યા કરે છે.

કાર્યક્રમ શરૂ થયો. આચાર્યએ કાર્યક્રમની આછી રૂપરેખા આપી. શિક્ષકગણ અને ગામલોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે વિદાય સમારંભમાં મનુ માસ્તર બોલવા ઉભા થયા. તેમનું પ્રવચન કંઈક આવું હતું :

માન. આચાર્યશ્રી, શિક્ષકગણ અને ગ્રામજનો. ગામના બાળકોને શિક્ષણ આપવાની જે તક મને સરકારશ્રી દ્વારા આપવામાં આવી અને મારી સેવાઓ દરમિયાન શાળાના આચાર્યશ્રી, સાથી શિક્ષકો અને ખાસ કરીને ગામલોકોએ મને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું સમગ્ર શાળા સ્ટાફ અને ગ્રામજનોનો કાયમ ઋણી રહીશ.

શિક્ષક કોને કહેવાય અને એક શિક્ષક કેવો હોવો જોઈએ તે વિશે હું આપને કંઈ કહી શકું એટલું સમૃદ્ધ મારું જ્ઞાન નથી. મને તો બસ એટલી ખબર છે કે બાળક બહારથી આવીને તેના ઘરમાં પગ મૂકે એટલી સહજતાથી પોતાની શાળામાં પગ મૂકે તો જ તે મન દઈને ભણી શકે. બાળકને શીખવવા માટે શિક્ષકે બાળક થઈ જવું પડે. એના જેવી કાલીઘેલી ભાષામાં વાતો કરતા સહજ રીતે ભણાવવું પડે. બાળકના મનમાં જો શિક્ષકનો ડર હશે તો ભણવામાં એ ક્યારેય ધ્યાન કેન્દ્રિત નહિ કરી શકે. શિક્ષકની ભાષાશૈલિ બાળસહજ અને રમૂજ પ્રેરે તેવી હશે તો બાળક હોંશે હોંશે અભ્યાસ કરવા પ્રેરાશે. શાળામાં આવવા માટે બાળક તલપાપડ થતો રહેશે.

મારી આટલા વર્ષોની કારકિર્દીમાં મેં ક્યારેય કોઈ બાળકને માર માર્યો નથી. બને એટલી સરળ ભાષા અને હળવી શૈલિમાં બાળકને શિક્ષણ આપવા પ્રયાસ કર્યો છે. બાળકો સાથે હંમેશા આત્મીયતા અને તાદાત્મ્યતા કેળવવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને બાળકમાં કોઈ અરુચિ પેદા ન થાય. આમ છતાં શિક્ષક પણ છેવટે તો એક માણસ જ છે, અને માણસ માત્ર ભૂલને પાત્ર. મારાથી પણ એક વાર ભૂલ થઈ ગઈ હતી. આપણા ગામના જનકરાય ગોરનો દિકરો રઘલો આજે વારેવારે મને યાદ આવે છે. રઘલો શું કરતો હશે, ક્યાં હશે જેવા વિચારો આજે સતત મને વિચલિત કરી રહ્યાં છે. ભણવામાં સાવ “ઢ” એવો રઘલો બહુ મસ્તીખોર અને તોફાની વિદ્યાર્થી હતો. ના તો પોતે ભણતો કે ના બીજાને ભણવા દેતો. મને મનમાં ઉંડે ઉંડે એમ હતું કે રઘલો વધુ નહિ તો પાંચ-સાત ધોરણ સુધી ભણે તો પણ શહેરમાં ક્યાંક કામ કરીને માબાપને મદદ કરી શકશે. કેમેય કરીને રઘલો ભણી-ગણીને આગળ વધે એ માટે રઘલાના ઘરના એને પરાણે શાળાએ મોકલતા પણ રઘલાને ભણતર ક્યારેય કોઠે ના પડ્યું તે ના જ પડ્યું. એમાં ને એમાં મને એક દિવસ એવો તો ગુસ્સો આવ્યો કે મેં રઘલાને ચાલું તાસે શાળામાંથી બહાર કાઢી મૂક્યો, અને કહી દીધું કે હવે પછી ક્યારેય મારી નજર સામે ના આવતો. એ દિવસ અને આજની ઘડી. એ પછી મેં ક્યારેય રઘલાને જોયો નથી. ઘેર ગયા પછી મને ઘણો પસ્તાવો થયો કે અરેરે! મારાથી આ શું થઈ ગયું! રઘલો ભલે તોફાની હતો, પણ આખરે તો બાળક જ ને! મારે આમ નહોતું કરવું જોઈતું. મેં શાળાના બીજા વિદ્યાર્થીઓ મારફતે તપાસ કરાવી તો ખબર પડી કે રઘલો ક્યાંક બહાર જતો રહ્યો છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઈના પર ગુસ્સો નથી કર્યો, પણ એ દિવસે એકવાર મેં ગુસ્સો કર્યો હતો, અને એ પણ એક બાળક પર. એ વાતને લઈને આજે મારું હૈયું ભરાઈ આવ્યું છે. આટલું બોલતા તો મનુ માસ્તરના જાડા ચશ્માની કાચ પાછળ રહેલી આંખોમાં અશ્રુઓ બાઝી ગયા. માસ્તર ગળગળા થઈ ગયા. આગળ કંઈ બોલી શક્યા નહીં. સર્વ શિક્ષકગણ તેમજ ઉપસ્થિત ગ્રામજનોની આંખો પણ ભીની થઈ.

એટલામાં તો ગામના પાદરે સાયરનવાળી એક સરકારી ગાડી પૂર ઝડપે આવીને ધુળના ગોટા ઉડાડતી શાળાના પ્રાંગણમાં ઉભી રહી. સૌની નજર એ સરકારી ગાડી પર પડી. મનુ માસ્તર પણ પોતાનું વક્તવ્ય થંભાવીને ઘડીભર માટે એ સરકારી ગાડી તરફ મીટ માંડી રહ્યાં. ડ્રાઈવરે દરવાજો ખોલતાની સાથે જ સૂટ-બૂટમાં સજ્જ, આંખો પર કાળા ગોગલ્સ સાથે એક મોટા અમલદાર જેવું લાગતું એક પડછંદ વ્યક્તિત્વ ગાડીમાંથી બહાર આવ્યું. હાથમાં કાશ્મીરી શાલ અને ફૂલોનો એક મોટો ગુલદસ્તો છે. ધીમા પણ મક્ક્મ પગલે તે વ્યક્તિ સમારંભના સ્ટેજ તરફ આગળ વધી રહી છે. ગામલોકોની નજર પણ આવનાર વ્યક્તિ પર મંડાયેલી છે. એ વ્યક્તિ હવે મનુ માસ્તરની સાવ લગોલગ પહોંચી ગઈ. સ્ટેજ પર બૂટના કટાક કટાક અવાજ સાથે ચાલતી એ વ્યક્તિ મનુ માસ્તર જ્યાં પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા બરાબર એ જગ્યાએ મનુ માસ્તરની લગોલગ આવીને ઉભી રહી ગઈ. મનુ માસ્તર હજી પણ એ વ્યક્તિને ઓળખી શક્યા નહીં. આવનાર વ્યક્તિએ સાલ અને ગુલદસ્તો ટેબલ પર મૂક્યા. આંખો પરથી ગોગલ્સ દૂર કર્યા અને.... છ ફૂટ, પાંચ ઈંચની એ પડછંદ કાયાએ મનુ માસ્તરના પગ પાસે ઝુકી અને તેમના ચરણ સ્પર્શ કરી તેમની ચરણ રજને મસ્તક પર ચડાવી. જાડા કાચના ચશ્મા પાછળની મનુ માસ્તરની આંખો હજુ પણ એ વ્યક્તિને ઓળખવા જાણે મથામણ કરી રહી હતી. ત્યાં તો એ વ્યક્તિના મુખેથી શબ્દો સરી પડ્યા: સાહેબ, મને ના ઓળખ્યો? હું તમારો તોફાની રઘલો. આટલા વેણ કાને પડતા તો મનુ માસ્તર જાણે તંદ્રામાંથી અચાનક જાગી ગયા હોય એમ લાગલા જ બોલી ઉઠ્યા, અલ્યા રઘલા તુંઉંઉંઉંઉંઉં.....!!!!, અને આટલું બોલતા તો મનુ માસ્તરની આંખોમાંથી જાણે ગંગા-જમુના વહેવા લાગ્યા. એ આંસુ હરખના છે કે પશ્ચાતાપના એ તો મનુ માસ્તર ખુદ પણ કળી શક્યા નહીં. આ સમગ્ર ઘટનાક્રમને નિહાળી રહેલ ઉપસ્થિત શિક્ષક ગણ અને સર્વે ગ્રામજનોની આંખો પણ ભીની થઈ રહી છે. રઘલા આટલા વર્ષ તું ક્યાં હતો, ના તારા કોઈ ખબર-અંતર, ના સમાચાર, આજ સવારથી જ મને તારા જ વિચારો આવી રહ્યા હતા. મારો તોફાની બારકસ રઘલો ક્યાં હશે, શું કરતો હશે, કેવી જિંદગી જીવતો હશે, આ બધા વિચારો મારા મગજમાં ઘુમરાઈ રહ્યા હતા. મને ક્યાંય ચેન પડતું નહોતું. સારું થયું આજે તું આવી ગયો રઘલા. લાગે છે મારા હૈયા પરથી જાણે હજાર મણનો પથ્થર હટી ગયો છે. છેલ્લે મેં તને અપમાનિત કરી શાળામાંથી કાઢી મૂક્યો એના પછી હું મનમાં ને મનમાં મુંઝાતો હતો. આજે શાળામાં મારો છેલ્લો દિવસ છે. સવારથી જ હું મનમાં ને મનમાં ઘુંટાયા કરતો હતો. રઘલા મેં તારી સાથે જે કર્યું એનો પસ્તાવો મને હજુ પણ થાય છે...એમ કહેતા મનુ માસ્તરની આંખો ફરી વરસી પડી. હવે રઘલાથી પણ ન રહેવાયું તે એકદમ જ ગળગળો થઈ ગયો અને મનુ માસ્તરને બાઝી પડ્યો. રઘલાની આંખોમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા. થોડી વાર માટે વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. બીજા શિક્ષકો સ્ટેજ પર આવી ગયા અને મનુ માસ્તરને સંભાળી લીધા.

શાળાના આચાર્યએ મનુ માસ્તરને પાણી આપ્યું. મનુ માસ્તર સ્વસ્થ થયા, અને રઘલાને પૂછ્યું, બીજું તો ઠીક રઘલા, પણ તું મને એ કહે આટલા વર્ષો સુધી તું ક્યાં હતો? અત્યારે શું કરે છે? ક્યાં રહે છે? મનુ માસ્તરને જાણે રઘલા વિશે એકસાથે બધું જાણી લેવાની તાલાવેલી થઈ હોય એમ સામટા પ્રશ્નો પૂછી નાખ્યા. સાહેબ, હું આપને બધું જ જણાવીશ પણ પહેલા મને એક કામ કરી લેવા દો. એમ કહી એ એ વ્યક્તિએ ટેબલ પર પડેલી શાલ મનુ માસ્તરને ઓઢાડી અને હાથમાં રહેલો ફૂલોનો બૂકે મનુ માસ્તરના હાથમાં આપી મનુ માસ્તરના ચરણ સ્પર્શ કર્યા.

હવે એ વ્યક્તિ બોલે છે સાહેબ, તમારો રઘલો હવે રઘલો નથી રહ્યો, હવે એ જિલ્લાનો કલેક્ટર બની ગયો છે, રાઘવેન્દ્ર ગોર, જિલ્લા કલેક્ટર, જયપુર. હેંએએએએ....!શું વાત કરે છે....???? એટલું બોલતાકને મનુ માસ્તરનું મોં જાણે ખુલ્લુંનું ખુલ્લું જ રહી ગયું. હા, સાહેબ કહાની બહુ લાંબી છે. સાહેબ, ગામ છોડ્યું ત્યારે જ મનમાં સંકલ્પ કર્યો હતો કે હવે તો પાછો ગામમાં ત્યારે જ આવીશ જ્યારે હું કંઈક બનીને આપની સામે ઉભો રહી શકીશ અને ગામમાં જ્યારે પાછો આવીશ ત્યારે સૌથી પહેલા આપ સાહેબના ચરણ સ્પર્શ કરીશ. એ દિવસે શાળામાં મેં જે કંઈ કર્યું હતું એ માટે આપ સાહેબની હું માફી માગું છું એમ કહી કલેક્ટર દરજ્જાની એ વ્યક્તિ મનુ માસ્તરની સામે બે હાથ જોડી નત મસ્તક થઈ ત્યારે મનુ માસ્તર ગદ ગદ થઈ ગયા. એક કલેક્ટર દરજ્જાની વ્યક્તિ પોતાની સામે નમે એ શોભા ન દે એમ વિચારી મનુ માસ્તરે એક સમયના વિદ્યાર્થી રઘલા અને હવે કલેક્ટર એવી એ વ્યક્તિના બંને હાથ પકડી લીધા. મનુ માસ્તર બોલ્યા, માફી તો મારે માગવાની હોય. ગુસ્સામાં આવીને મેં તને શાળામાંથી કાઢી મૂક્યો હતો એ મારી ભૂલ હતી. મને એ વાત આજે પણ ખટક્યા કરે છે. શિક્ષક તરીકે મારે આવું નહોતુ કરવું જોઈતું. આટલું બોલતા તો મનુ માસ્તર પાછા ગમગીન બની ગયા. સાહેબ, એમ બોલી મને પાપમાં ના પાડશો. એ દિવસે જો તમે મને શાળામાંથી કાઢી ના મૂક્યો હોત તો આજે પણ હું રઘલો જ હોત. સારું થયું એ દિવસે તમે મને શાળામાંથી કાઢી મૂક્યો. તમારું એ છેલ્લું વાક્ય મારા દિલની આરપાર ઉતરી ગયું. યાદ છે સાહેબ, એ દિવસે તમે મને કહ્યું હતું: રઘલા તારું કંઈ થઈ શકે એમ નથી. તું રઘલો છે અને આખી જિંદગી રઘલો જ રહીશ. બસ એ એક જ વાક્ય મારા દિલની આરપાસ ઉતરી ગયું.

તમે મને શાળામાંથી કાઢી મૂક્યો પછી મને બહુ વિચારો આવ્યા. ઘેર ગયો પણ આખી રાત મને ઉંઘ ન આવી. મને એક જ વિચાર આવતો હતો કે હું એવો તે કેવો વિદ્યાર્થી છું કે એક શિક્ષક જેમણે આખી જિંદગી કોઈ વિદ્યાર્થી પર હાથ નથી ઉપાડ્યો કે ગુસ્સો નથી કર્યો એમણે પણ આજે મને શાળામાંથી બહાર કાઢી મૂક્યો. બસ આ એક જ વિચાર મને કોરી ખાતો હતો. એ દિવસની રાત્રે જ મેં મનમાં ગાંઠ વાળી કે હવે તો હું કંઈક બનીને પછી જ તમારી સામે આવીશ.

બીજા દિવસે હું ઘેરથી કોઈને કહ્યા વિના જ મારા મામાને ગામ જતો રહ્યો. થોડા દિવસ ત્યાં રોકાયો પછી ત્યાંથી અમદાવાદ જતો રહ્યો. થોડા દિવસ અમદાવાદમાં જે મળે તે કામ કર્યું. પણ મનમાં પેલો વિચાર ઘૂમરાયા કરતો હતો કે મારે કંઈક કરીને બતાવવું છે. હું કામ છોડી ફરી પાછો ભણવા બેસી ગયો. એમ કરતા સ્નાતક થયો. મનમાં કંઈક કરી બતાવવાની પેલી વાત મને સતત ડંખ્યા કરતી હતી. એટલે પછી અમદાવાદમાં રહીને જ આઈ.એ.એસ.ની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો અને મારો ખર્ચ નીકળી રહે એ માટે સાઈડમાં થોડું કમાતો પણ ગયો. પહેલો પ્રયત્ન બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન એમ ત્રણ-ત્રણ પ્રયાસ પછી પણ હું પાસ ન થયો. થોડી નિરાશા આવી. ઘરના પણ હવે લગ્ન માટે ઉતાવળ કરવા લાગ્યા. થોડી હતાશા જરૂર આવી, પણ ફરી એ દિવસને હું યાદ કરતો અને મારો પેલો વિચાર સળવળી ઉઠતો કે કંઈક કરીને બતાવવું છે. આ વિચાર મને ચેનથી બેસવા દેતો નહોતો. છેલ્લે મેં ચોથી વાર ફરીથી આઈ.એ.એસ.ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. સાઈડમાં હું જે કામ કરતો હતો એ પણ મેં છોડી દીધું. મારી તમામ શક્તિ મેં પરીક્ષા પાસ કરવામાં લગાડી દીધી. અને આખરે ચોથા પ્રયત્ને હું પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. એ રીતે હું આઈ.એ.એસ. થયો, અને આજે તમારી સામે છું. તમારો રઘલો હવે રાઘવેન્દ્ર ગોર, જિલ્લા કલેક્ટર, જયપુર, બની ગયો છે, સાહેબ. અત્યારે હું રાજસ્થાનમાં મારી સેવાઓ આપી રહ્યો છું. આપ સાહેબ આજે સેવાનિવૃત્ત થવાના છો એ સમાચાર મેં હમણા થોડા દિવસ પહેલા જ મારા ઘેરથી મેળવ્યા અને આજે આપશ્રી સમક્ષ આપના આશીર્વાદ લેવા અને એ દિવસે શાળામાં મેં જે કાંઈ કર્યું હતું એ બદલ તમારી માફી માગવા તમારી સમક્ષ આવ્યો છું, સાહેબ, એમ કહી એ વ્યક્તિ મનુ માસ્તરના પગે ચરણ સ્પર્શ કરવા જ્યાં નીચે વળે છે, ત્યાં તો મનુ માસ્તર પોતાના પ્રિય એવા રઘલાને ગળે વળગાડે છે, બંનેની આંખોમાં અશ્રુધારાઓ વહી રહી છે. એક શિક્ષકનો ગુસ્સો પણ વિદ્યાર્થી માટે કેટલો પ્રેરક બની શકે છે એનું જીવંત દ્રષ્ટાન્ત સૌ ગ્રામજનોની નજર સમક્ષ તરવરી રહ્યું છે. કચ્છનું આ ગામ આજ જાણે કે આ મોંઘેરા મિલનનું સાક્ષી બન્યું છે.