Krushn vishe ajani vato books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ વિષે અજાણી વાતો

શું ભગવાન કૃષ્ણ અંગે આ જાણી-અજાણી હકીકતો તમે જાણો છો?

ભગવાન શ્રીકૃષ્ણ વિષે આપણે એવું માનીએ છીએ કે આપણે એમના વિષે બધું જ જાણીએ છીએ. આપણું એવું માનવું સાવ ખોટું પણ નથી. આ પાછળનું કારણ એવું છે કે ભગવાન વિષ્ણુના સમસ્ત અવતારોમાંથી કદાચ ભગવાન કૃષ્ણ વિષે જેટલું લખાયું અને વંચાયું છે એટલું અન્ય કોઇપણ અવતારો વિષે નથી લખાયું. તેમ છતાં ભગવાન શ્રીકૃષ્ણ વિષે કેટલીક હકીકતો આપણે જાણતા હોવા છતાં અજાણ છીએ. તો ચાલો જાણીએ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી હકીકતો.

કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો.

દેવકી અને વસુદેવના લગ્ન સમયે થયેલી આકાશવાણી અનુસાર તેમનું આઠમું સંતાન દેવકીના ભાઈ કંસનો કાળ બનશે. આથી કંસે આ બંનેને જેલમાં પૂર્યા હતા અને તેમના તમામ સંતાનોને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા. આમ શ્રીકૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો અને બાદમાં વસુદેવ તેમને નંદને ત્યાં મુકીને આવ્યા હતા.

કૃષ્ણે દેવકીના છ સંતાનોની મુલાકાત કરાવી હતી

આપણામાંથી ઘણાને ખબર નથી કે દેવકીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કૃષ્ણે તેના મરી ગયેલા તમામ છ સંતાનોને ફરીથી જીવિત કર્યા હતા. જેમાંથી ખરેખર તો બે બચી ગયા હતા જે બલરામ અને કૃષ્ણ ખુદ હતા, જેમાંથી બલરામ વસુદેવ અને રોહિણીના પુત્ર હતા. બાકીના છ સંતાનોના નામ હતા, સ્મર, ઉદ્ગિતા, પરીશ્વંગ, પતંગ, શુદ્રભીત અને ઘ્રુણી. આ તમામ પોતાના પૂર્વજન્મમાં રાજા હિરણ્યકશિપુના પૌત્રો હતા અને તેમને મળેલા શ્રાપને લીધે તેઓના આ રીતે મૃત્યુ થયા હતા.

કંસનો વધ પણ શ્રાપ હેઠળ કરવામાં આવ્યો હતો

હિરણ્યકશિપુના પુત્રનું નામ કાલનેમી હતું જે બાદમાં કંસ તરીકે જન્મ્યો હતો. તેના કાલનેમીના જન્મ સમયના પુત્રોને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેમનું મૃત્યુ આવતા જન્મમાં તેમના પિતા દ્વારા જ થશે અને આથી જ એ કાલનેમીના છ સંતાનો જેમના નામ એ જન્મમાં હંસા, ક્રથ, દમન, રિપુમર્દન,સુવિકર્મ અને ક્રોધહંતા હતા તેમને કંસે મારી નાખ્યા હતા.

ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાંધારી જ્યારે રણભૂમિમાં પહોંચી ત્યારે તેની આસપાસ તેના સો પુત્રોના શબ ક્ષતવિક્ષત હાલતમાં પડ્યા હતા. આથી ગાંધારી અત્યંત ક્રોધિત થઇ અને તેણે શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે તે તેના સંતાનો અને તેના સંતાનોના સંતાનોના મૃત્યુનો સાક્ષી બનશે, તે પોતે જંગલમાં એકલો મરશે અને તેનું મૃત્યુ કોઈ પ્રાણીનો શિકાર થાય એ રીતે થશે.

ગાંધારીના આ શ્રાપ પાછળ પણ એક અન્ય કથા છે. શ્રીકૃષ્ણના પૂર્વજન્મ એટલેકે ભગવાન રામના સમયમાં વાલીને જ્યારે રામે માર્યો ત્યારે વાલીની પત્નીએ કલ્પાંત કર્યું હતું. ત્યારે ભગવાન રામે તેને સાંત્વના આપતા કહ્યું હતું કે વાલીને તેના આગલા જન્મમાં મને મારવાની તક મળશે. આથી શ્રીકૃષ્ણને તીર મારનાર જરા એ વાલીનો જ બીજો જન્મ હતો.

દુર્વાસાનો શ્રાપ

ગાંધારીએ આપેલા શ્રાપ સાથે દુર્વાસાનો શ્રાપ પણ જોડી શકાય છે. એક વખત ઋષિ દુર્વાસા ભગવાન શ્રીકૃષ્ણની બાજુમાં બેસીને ખીર ખાઈ રહ્યા હતા. થોડા સમય બાદ દુર્વાસાને શ્રીકૃષ્ણને બચેલી ખીર પોતાના સમગ્ર શરીર પર લગાડવાનું કહ્યું. શ્રીકૃષ્ણે દુર્વાસાના પગ સિવાય તેમના સમગ્ર શરીર પર ખીર લગાડી. કૃષ્ણને એમ હતું કે આમ કરવાથી પવિત્ર ખીર અપવિત્ર થઇ જશે. દુર્વાસાએ જ્યારે આ જોયું ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયા અને શ્રીકૃષ્ણને તેમણે શ્રાપ આપ્યો કે તેમના પગ હંમેશા નિર્બળ રહેશે. અને આથી જ જરાનું તીર શ્રીકૃષ્ણના પગમાં વાગ્યું હતું અને તેમનું દેહાવસાન થયું હતું.

શ્રીકૃષ્ણ અને તેમની પત્નીઓ

શ્રીકૃષ્ણને ૧૬,૧૦૮ પત્નીઓ હતી પરંતુ માત્ર આઠ પત્નીઓ તેમની રાણીઓ હતી. આ પત્નીઓને અષ્ટભાર્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીકૃષ્ણની આ આઠ ખાસ પત્નીઓના નામ આ પ્રમાણે હતા.

રુક્ષ્મણી, સત્યભામા, જાંબવંતી, નગ્નજીતી, કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા અને લક્ષ્મણા

રુક્ષ્મણી સાથે લગ્ન

રુક્ષ્મણીએ ભગવાન શ્રીકૃષ્ણને પત્ર લખીને પોતાનું અપહરણ કરવાનું જણાવ્યું હતું જેથી તે પોતાના જ સગાઓથી બચી શકે. શ્રીકૃષ્ણ તેમના બચાવ માટે દોડી ગયા હતા અને તેનું અપહરણ કર્યા બાદ રુક્ષ્મણીના ભાઈ રુક્મી સાથે તેમનું યુદ્ધ પણ થયું હતું બાદમાં રુક્મીની હાર થતા શ્રીકૃષ્ણ રુક્ષ્મણીને પોતાની સાથે લઇ ગયા હતા. રુક્ષ્મણી લક્ષ્મીનો અવતાર હોવાનું પણ માનવામાં આવે છે.

શ્રીકૃષ્ણની બાકીની ૧૬,૧૦૦ પત્નીઓને તેમણે નરકાસુરના કબજામાંથી છોડાવી હતી જેણે તેમને ગુલામ બનાવીને રાખી હતી. આથી નરકાસુરના કબજામાંથી છૂટ્યા બાદ આ તમામે ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા.

આઠ પત્નીઓથી આઠ પુત્રો

શ્રીકૃષ્ણની ખાસ આઠ પત્નીઓએ આઠ પુત્રોને જન્મ આપ્યો હતો. રુક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન હતું.

શ્રીકૃષ્ણે ખુદ બહેન સુભદ્રાનું અપહરણ કરાવ્યું હતું

સુભદ્રા એ વસુદેવ અને રોહિણીની પુત્રી હતી એટલે કે બલરામની બહેન. તેનો જન્મ વસુદેવના કંસની જેલમાંથી છૂટ્યા બાદ થયો હતો. બલરામની ઈચ્છા સુભદ્રાને પોતાના મનપસંદ શિષ્ય દુર્યોધન સાથે પરણાવવાની હતી પરંતુ રોહિણીને આ પસંદ ન હતું. આથી શ્રીકૃષ્ણએ ખુદ અર્જુનને સુભદ્રાનું અપહરણ કરવાનું કહ્યું. આ સાથે કૃષ્ણએ સુભદ્રાને રથ હાંકવાની સુચના આપી જેથી ટેક્નિકલી આ અપહરણ ન કહેવાય. બલરામ આ ઘટનાથી ખૂબ ગુસ્સે પણ થયા હતા પરંતુ બાદમાં શ્રીકૃષ્ણએ તેમને મનાવી લીધા હતા. અર્જુન અને સુભદ્રાના લગ્ન ઇન્દ્રપ્રસ્થમાં થયા હતા.

શું રાધા ખરેખર અસ્તિત્વ ધરાવતી હતી?

કૃષ્ણ અને રાધાની જોડી વિષે ઘણું લખાયું છે પરંતુ ન તો મહાભારત કે ન તો શ્રીમદ્ ભગવત ગીતામાં રાધા વિષે એક પણ શબ્દ લખવામાં આવ્યો છે. મહર્ષિ વેદવ્યાસે પણ રાધા વિષે ક્યાંય કશું જ કહ્યું નથી. વર્ષો પછી કવિ જયદેવે રાધા વિષે લખ્યું અને આ પાત્ર લોકપ્રિય બની ગયું.

એકલવ્ય અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ

એકલવ્ય ખરેખર તો કૃષ્ણના કાકા દેવશ્રવનો પુત્ર હતો. દેવશ્રવ એ વસુદેવના ભાઈ હતા. બાળપણમાં એકલવ્ય ખોવાઈ ગયો હતો અને નિષાદ (આદિવાસી) હિરણ્યધનુને તે મળ્યો હતો. રુક્ષ્મણીના સ્વયંવર દરમ્યાન એકલવ્ય માર્યો ગયો હતો જ્યારે તે પોતાના પિતાનું રક્ષણ કરી રહ્યો હતો. એકલવ્યનો વધ શ્રીકૃષ્ણએ જ કર્યો હતો. કૃષ્ણે એકલવ્યને મરતી વખતે આશીર્વાદ આપ્યા હતા કે તે આવતા જન્મમાં દ્રોણાચાર્યએ તેના કરેલા અપમાનનો બદલો લેશે. બીજા જન્મમાં એકલવ્ય ધૃષ્ટદ્યુમ્ન તરીકે જન્મ્યો જેણે મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ કર્યો હતો.

ભગવદ્ ગીતા માત્ર અર્જુને જ નહોતી સાંભળી

શ્રીમદ ભગવદ્ ગીતા ભલે મહાભારતના યુદ્ધમાં કહેવાઈ હોય અને ભલે ભગવાન શ્રીકૃષ્ણએ તેને અર્જુનને કહી હોય પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાને અર્જુન સિવાય હનુમાનજી અને સંજયે પણ સાંભળી હતી. સંજય જેને મહર્ષિ વેદવ્યાસના આશીર્વાદ પ્રાપ્ત હતા કે તે ઈચ્છે ત્યારે મહાભારતમાં ચાલતી ગતિવિધિ જોઇને ધૃતરાષ્ટ્રને કહી સંભળાવશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED