The fulfillment of Soul books and stories free download online pdf in Gujarati

આત્માની પરિપૂર્ણતા

વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. અને કોઈકે દરવાજો ખખડાવ્યો, એ ભાગદોડમાં મને પગમાં ભયંકર ઇજા થઈ હોવાથી લોહી બંધ થવાનું નામ નહોતું લેતું. હું માંડ માંડ છુપાઈ છું આ ઘરમાં.
હવે કોણ હશે? શું કરવું? મને બચાવનાર એ લોકો તો નહીં જ હોય ને? જો એ લોકો હશે તો?
મારો પીછો કરી રહ્યા હશે તો? મને બચાવવા આવેલ એ ભારેખમ શરીર વાળો માણસ, આખા મોઢે ભભૂત ચોપડેલો અને લાલ કેશરી જેવા રંગ ના વસ્ત્રો પહેરનાર કેટલો ભયાનક હતો એ.
એ અને એના સાગરીતો શું કામ મારી પાછળ પડ્યા હતા.
મને બચાવવાનો એમનો ઉદ્દેશ શું હતો?
મારા મગજમાં વિચારો ટકોરો મારી રહ્યા હતા અને દરવાજા પર કોઈક વ્યક્તિ.
મેં લથડતા પગે દરવાજો ખોલવાની હિંમત કરી. ઘોર અંધકાર હોવાથી મેં મોબાઈલની લાઈટ કરી સહેજ પ્રકાશ કર્યો, આ ઘરના રસોડામાંથી પહેલા મેં એક ચપ્પુ ઉપાડી લઈ લીધું મારા બચાવ માટે.
હું શું કામ આટલી ગભરાયેલી છું. હું જીવવા જ નહોતી માંગતી તો અત્યારે હું સ્વબચાવ માટે કેમ આમ કરી રહી છું.
મારા વિચારો બંધ થવાનું નામ નહોતા લેતા, જે હશે તે દરવાજો તોડી નાખે તે પહેલા મેં બીતાં બીતાં દરવાજો ઉઘાડ્યો.
એક માણસ અંદર આવ્યો અને ફક્ત એટલું કહયું આટલી વાર દરવાજો ખોલવામાં.? જોતા નથી બહાર કેટલો વરસાદ પડે છે, ચાલો ગરમાગરમ ખાઈ લો.
મને આ ખોરાક ની સુવાસ કંઈક વિચિત્ર લાગી. સળગી રહેલા કાચા માંસના ટુકડા જેવી.
અચાનક એ અજાણી વ્યક્તિ મને ખવડાવવા માટે હાથ લંબાવી રહી હતી. એના હાથ માં માંસ બળી રહ્યું હોય એવું મને લાગ્યું.
હું ડરતી ડરતી પીળી પડી રહી હતી.
આ માણસ કોણ છે?
એ અજાણ્યા માણસે મને હડસેલી. મેં મોબાઈલની લાઈટ થી એનો ચહેરો જોવાની કોશિશ કરી મને યાદ આવ્યું કે આ એ જ ભાઇ છે જેને થોડીવાર પહેલા મને કહ્યું હતું કે આત્મહત્યા કરવું એ પાપ છે અને એ મને મરવા નહીં દે.
આ મારો પીછો કરતાં કરતાં અહીં સુધી આવી જશે એની મને કલ્પના નહોતી.
હા હું આત્મહત્યા કરવા જઈ રહી હતી, કારણ હું જેના પ્રેમમાં સર્વસ્વ લૂંટાવી ચુકી હતી તેણે મને છેતરી હતી.
મને રોજ આલિંગનમાં લીધા પછી એ મને રોજ ભોગવતો, એની ભાવના માણવાની હતી ચાહવાની નહીં.
આ કારણે મારે મારું જીવન ટૂંકાવી દેવું હતું. પણ મને શું કામ બચાવી હશે?
હું આ ભાઈ થી પીછો છોડાવવા માટે ઉપરના દાદરે લોહીવાળા પગે માંડ ચડી.
એ રૂમમાં બે ત્રણ માણસ પહેલેથી જ બેસેલા હતા. મને ત્યાં આવતી જોઈ જબરજસ્તીથી મને રૂમમાં લઈ ગયા,
અને ખુરશી સાથે મને બાંધી દીધી. મારા મોઢા પર પટ્ટી મારી અને મને ખુરશીમાં ખચોખચ બાંધી દીધી.
હું બળજબરી પૂર્વક મને છોડાવવાની કોશીશ કરી રહી હતી
.ત્યાં જ એક માણસ અંદર આવ્યો અને બાકીના માણસોને ઇન્સ્ટ્રકશન આપીને જવાનું કહ્યું.
મોઢે બાંધેલી પટ્ટી ના કારણે હું ચીસો પાડી શકું એમ નહોતું. મને બીક સાથે જિજ્ઞાસા થઈ.
ને આટ -આટલા ચોપડાના થોથા સાથે એક વ્યક્તિ અંદર પ્રવેશી. લાંબા ડગલા જેવો પોશાક પહેરેલો, એના ગળામાં સફેદ માળા ચમકી રહી હતી. એ માળા જાણે સ્વયં પ્રકાશિત હતી. તેની બન્ને ભુજાઓમાં અલગ જ પ્રકારના કડા ધારણ કરેલા હતાં. તેના કાળા ભમર વાળની લાંબી જટા વડવાઈઓ જેવી પીઠ થી નીચે સુધી લંબાયેલી હતી. તેના કાનમાં સ્ફટિક ના કુંડળ હતાં. તેની મૂછો અને દાઢીના કારણે તેનું વ્યક્તિત્ત્વ ભયાનક લાગી રહ્યું હતું.
તેણે તેના વિચિત્ર ભારેખમ અવાજ સાથે મને કહ્યું જો મનમાની કરવી છે? જીવન ટૂંકાવવું છે? અને બીજા ને નથી અનુસરવું તો ભાગી જા.
અને હા તારા મનમાં જે ચાલે છે, તે જ કર.
તને કોઈ રોકશે નહીં.પણ હિંમત કર.અપ મૃત્યુ તારી આત્માને રીબાવશે.
પડકારનો સામનો કરતાં શીખ. નહીં તો આવું ઘણું જીવનમાં આવ્યા કરશે.
મુક્ત બન ખરાબ વિચારો થી. એમ કહી એ મારી નજીક આવ્યો.
મારે તારી જરુર છે, જો તારે મરવુ જ હોય તો.
હું અંગારક્ષીત છું.
તારી બોડી પર તાંત્રિક વિધિ કરી હું મારાં લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશ. પણએક ક્ષણ માટે મારવાનો વિચાર કરનારી હું હવે ડરવા લાગી.
મને જીવન જીવવા ની લાલસા જાગી માત્ર એટલા માટે કે કોઈક મારા જીવને પાછો પાડી રહ્યો હતો.ડરાવી ને.
શું કામ? કોણ છે આ માણસ?
તમે મારો જીવ બચાવવા માંગો છે કે લેવા?
એ બોલ્યો મારે તારી જરૂર છે. તારે જીવવું જ પડશે.
તેં ફરી બોલ્યો મારે એક માણસ ની જરૂર છે, જે ભેદી વસ્તુ ની ખોજ કરી આપે એવા.
શું ભેદી વસ્તુ? મેં કહ્યું.
મારું મન બોલી રહ્યું હતું કોણ છો તમે? શું કામ તમે મારી પાછળ આવ્યા છો? ને મને આ રીતે શા માટે બાંધી રાખી છે?
હું અતિશય દર્દ અને ઘુટન મહેસૂસ કરી રહી હતી.
અને પોતાને અંગારક્ષિત કહેતા આ માણસમાંથી વિચિત્ર ગંધ આવી રહી હતી. મને એનો ગરમ ઉષ્માભર્યો શ્વાસ અથડાઈ રહ્યો હતો.
એ મને કહી રહ્યો હતો કે, હું જેમ કહું તેમ કરવું.
એના એક હાથમાં મીણબત્તી હતી અને બીજા હાથમાં ચોપડીઓ એણે એક કોથળા જેવા થેલામાં ચોપડીઓ ભરી. અને મીણબત્તી ને સળગાવી.
એ સહેજ ઊંધો ફર્યો અને હું છૂટવા માટે ધમપછાડા કરવા લાગી. પણ મારાં બંધાયેલા શરીરે અને બંધાયેલા મોઢે હું છૂટવા માટે સક્ષમ નહોતી.
તેણે મીણબત્તીના ધુમાડાથી મારા ચહેરા જેવું જ એક ચિત્ર બનાવ્યું.
મને આશ્ચર્ય થયું શું ઘટના બની રહી હતી.
પણ તે સમજવા હું સક્ષમ નહોતી.
મારી નજર મારા પગ પર પડી તો હું અચંબામાં પડી ગઈ મારું શરીર જાણે કોઈ પકડ મહેસુસ કરી રહ્યું હતું. મારાં પગ જકડાઈ ગયા હતાં.
મારા કાનમાં એક તમારા જેવો અવાજ સંભળાઈ રહ્યો હતો. મીણબત્તી નો ધુમાડો મારી આસપાસ ફરી રહ્યો હતો. મેં આંખો ઝીણી કરીને જોયું તો એ અંગારક્ષિતની આંખોમાં મને મારી મુક્તિ દેખાઈ રહી હતી,
તેણે મારી આત્માને બંદી ને બનાવ્યું હોય એમ લાગી રહ્યું હતું. મારે આ સંકટમાંથી મુક્ત થઈ જવું હતું.
તેં મારી નજીક આવ્યો અને કહ્યું. તને મુક્ત થવું હતું ને તો જા તું મુક્ત, પણ ધ્યાન રાખજે કોઈ ગભરાઈ ગયેલી, એકલી પડેલી વસ્તુ તારી પાસે આવે તો તેને સાથે લઈને ચાલજે.
હું કઈ બોલું તે પહેલા એણે કહયું ઘણા બંધનો આવશે. રોજ કોઈ ક મોઢે પટ્ટી બાંધશે અને ગૂંગળાવી નાખશે . એના કરતાં જા અને મુક્ત બન.તારાં અસ્તિત્વની શોધ કર.
એમ કહી એણે મારા હાથ છોડી દીધા. મારા મોઢા પરની પટ્ટી પણ. હું કંઈક પૂછું એમના વિષે એ પહેલાં એમણે થેલા માંથી એક પુસ્તક કાઢ્યું અને કહ્યું જોડે રાખ આને જ્યારે તું અટવાય ત્યારે એકી સંખ્યાનું પાનું ખોલીને વાંચી લેજે.
અને હા માત્ર પાંચ જ પ્રશ્નો ના ઉકેલ મળશે.
તું ગૂંચાય ત્યારે ઉકેલ મેળવી લેજે અને કઈ દિશામાં જવું છે તે શોધી લે જે.
અને હા યાદ રાખજે કે એકસાથે બધું જ વાંચવાની કોશિશ ના કરીશ. જ્યારે તું અટવાય કે ગૂંચવાઇ જાય અને કંઈ સુજ ના પડે ત્યારે જ.
મેં કહ્યું એ અનુસાર પુસ્તકમાંથી એકી સંખ્યા ઉપર થી ઉકેલ તારે શોધવાનો રહેશે.
અને યાદ રાખજે તારા ચહેરા જેવું તારા જેવું આકૃતિવાળું તારું ચિત્ર મારી પાસે છે, તારા પર મારી પૂર્ણ નજર રહેશે.
મેં પુસ્તક લેવા હાથ લાંબો કર્યો. એમણે મને મુક્ત કરી. મેં મોઢે બાંધેલી પટ્ટી ઉખાડી નાખી.
એમણે મને એક કોથળા જેવો થેલો પણ આપ્યો.
અને એ ફટાફટ ત્યાંથી ચાલ્યા ગયા.
હું મુક્ત હતી એ વાતની મને ખુશી હતી. એટલે મેં એમને શોધવા જવા કરતાં અહીંથી બહાર જવાનું નક્કી કર્યું.
ચારે બાજુ અંધારું હતું. મારા પગ છોલાઈ ગયા હતા. થોડીવાર પહેલા નીચેનો માળ હતો . પણ અત્યારે નીચે ઊતરવાનો રસ્તો મને દેખાતો નહોતો. મારી ચારે બાજુ અંધારું હતું. શ્વાસ રૂંધાવા લાગ્યો હવા-ઉજાસ નહીં, કે પ્રકાશ પણ નહીં અને પાણી પણ નહીં.
હું અટવાઈ, પણ આમ થી તેમ ભટક્યા કરતા મને અત્યારે જ આ પુસ્તક કાઢી ઉકેલ શોધવાની જરૂર લાગી. એ બહાને હું ચકાસી પણ લઉં કે પેલો માણસ મને ખરેખર શું આપીને ગયો છે.
મેં પુસ્તક બહાર કાઢી. આટલા અંધારામાં પણ એ આગીયાની જેમ ચમકી રહયું હતું. મેં એકી નંબર 3જા નમ્બરનું પેજ ખોલ્યું તેમાં લખ્યું હતું -ઘાસ આપોઆપ ઉગે છે એને ઉગાડવામાં મહેનત કરવી પડતી નથી.ઘણા માણસો પોતાને સંજોગોથી મજબૂર અથવા સંજોગોના ગુલામ બનાવી દે છે. રસ્તો આગળ છે. બિનજરૂરી ઘાસ ઉગી નીકળે તો એને કાઢી નાખવામાં આવે છે.
આ તે કેવો હલ અચાનક જ મારું ધ્યાન તૂટેલી બારી પાસે ઉગી નીકળેલા ઘાસ પર પડયું .
મને આશ્ચર્ય થયું કે આ વિસ્તારમાં હવા-પાણી વગર આવી જગ્યાએ આ ક્યાંથી ઉગ્યુ હશે.
વધારે વિચાર કરવાની જગ્યાએ હું બારીની નજીક આવી.
એ વાક્ય ફરી વાંચ્યું. બિનજરૂરી ઘાસ ઉગી નીકળે તો એને કાઢી નાખવામાં આવે છે.તરત જ મે ઘાસને એક હાથ વડે ઉખેડવાનો પ્રયત્ન કર્યો.તો બારીની ગ્રીલ હાથમાં આવી ગઈ. કેટલા વર્ષો જૂની હશે એનો મને અંદાજ આવ્યો . મેં બારીની ગ્રીલ નીચે ફેંકી. હજારોની સંખ્યામાં ચામાચીડિયાઓ અને કીડાઓ આમતેમ ઉડી રહ્યા હતા.
એમાંના અમુક કીડાઓ મારા શરીર પર ચોંટી ગયા હતા.
મેં અંધારામાં બારી નીચે ડોકિયું કર્યું.
હું જ્યાં ઊભી હતી ત્યાથી આ સ્થળ ઘણું ઘણું ઊંચું હતું.
શું ખરેખર હું આવી જગ્યાએ હતી. મને મારા પર જ ચીડ આવી રહી હતી.
હું નીચે જોવા ની હિંમત પણ કરી શકી નહીં, અને મેં ત્યાં જ ઉભા રહેવાની હિંમત કરી, પરંતુ ચામાચીડિયાઓ મને ઘેરી વળ્યા હતા. હું અહીંયા રોકાઇ શકુ એમ પણ નહોતું.
મેં બારી બહાર ફરી જોવાની હિંમત કરી. હું ડરેલી હતી, ને હું વધારે ડરી ગઈ.
અહીં ઊભા રહેવું એ પણ યોગ્ય નહોતું મારા એક હાથમાં પુસ્તક હતું, મને ફરી ઉકેલ શોધવાની ઈચ્છા થઈ.
મેં એકી નંબર નું પાંચ નંબરનું પેજ ઉઘાડ્યું.
તેમાં લખ્યું હતું ઉભા રહેવું એ પ્રથમ પગથિયું છે અને આગળ ડગ માંડ્યા વિના છૂટકો નથી.
આ તે કેવો ઉકેલ મને એ લાલ પોશાક વાળા અંગારક્ષિત પર ગુસ્સો આવી રહ્યો હતો.
હું મારી જાતને અશક્ત મહેસુસ કરી રહી હતી.
બે ચાર ચામાચીડિયા એ મારું લોહી પીવાનું ચાલુ જ રાખ્યું હતું. મેં બારીની બહાર નજર કરી, મને કૂદવાની હિંમત ના થઈ.
હું અહીં રોકાઈ શકું એમ પણ નહોતું. મને ફરે ઉકેલ જાણવાની ઈચ્છા થઈ.
મેં ફરી પુસ્તક ઉઘાડી એકી સંખ્યા નું પેજ નંબર સાત ઓપન કર્યું. અંગારક્ષિતના કહેવા પ્રમાણે મારી પાસે હવે માત્ર બે જ ઉકેલો બચ્યા હતા. મેં તો અહીં જ વાપરી નાખ્યા હતા. મેં વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું અંતે તો જીવન વ્યક્તિની પોતાની પસંદગી અને નિર્ણય પર જ નિર્ભર કરે છે તેના નિર્ણય મુજબ તેની નિયતિ ખુલે છે.
અને આ વાંચી આશ્ચર્ય થયું કે મારું જીવન હવે રહેશે કે નહીં.
જો અહીં રહીશ તો ભૂખને તરસ વગર મરી જઈશ અને કૂદી જઈશ તો બની શકે કોઈ ચમત્કારિક ઘટના ઘટે, એવા ભાવથી મેં બારી બહાર કૂદવાનો નિર્ણય કર્યો.
મેં મારા જીવને તાળવે બાંધી મુઠ્ઠી વાળી થેલો ખભે ક્રોસ કર્યો.અને પુસ્તક તેમાં મૂક્યુ .
મેં હિંમત ભેગી કરી આંખો બંધ કરી અને બારી પર ચડી કૂદકો માર્યો.
હું અત્યંત ખતરનાક એવા એક ઢોળાવ ઉપર હતી.
મારા પગ લથડી રહ્યા હતા. મારો ખભો સંપૂર્ણ ઝૂકી ગયો હતો. મારા ઉપરના વસ્ત્ર પણ ફાટી ગયા હતા.
મેં મારા જીવનમાં આટલો લાંબો કૂદકો ક્યારેય માર્યો નહોતો.
મારા હાથની આંગળીઓ ઠરી રહી હતી આટલી બધી મોબાઈલ ની પ્રેક્ટિસ હતી ટેરવાને છતાં પણ તેં થીજી રહી હતી.
મારા પગના પંજા પર કંઈક ચડી રહ્યું હતું. ગરમ-ગરમ ફૂંક મારી મારું લોહી પી રહ્યું હતું.
મારું શરીર હળવું થઈ રહ્યું .
મારા આખા શરીરે ચામાચીડિયાં અને નાના કીડા વીંટળાઈ ગયા હતા.
ચામાચીડિયાની એક આંખ મને કહી રહી હતી, હું તને મુક્ત કરીશ. પણ કોઈ પણ ભોગે મારે આનો સામનો કરવો હતો.
મારે પેલી ભેદી વસ્તુ શોધવાની હતી મારા આત્મા ને મુક્ત કરવા માટે. પણ એ વસ્તુ કઈ હતી.
અત્યારે મને આખુ પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ આવી.
પરંતુ મને તેની શરત યાદ આવી ગઈ.
મતલબ અત્યારે મારે મારી આત્માના રક્ષણ માટે મારી જાતને આ કીડા અને ચામાચિડિયા થી બચાવવા પડશે.
મેં પુસ્તકને થેલામાં મૂકયું અને મારા ઝૂકેલા ખભે લટકાવ્યુ.
મેં થાકેલા શરીરે અને લંગડાતા પગે ઢોળાવ ઉપરથી છલાંગ લગાવી.
હું હવે સપાટ એવા કોઈ સ્થળ ઉપર હતી.
પણ હું ક્યા વિસ્તાર પર હતી.એ જાણ નહોતી.
મને અહીં નું વાતાવરણ થોડીક ઠંડક જેવું લાગી રહ્યું હતું.
હજારોની સંખ્યામાં કીડા અને ચામાચીડિયા મારા શરીર પર હજુ પણ બાજેલા હતા.
મેં આળોટવાનું શરૂ કર્યું, ત્યાં સુધી કે બધા કીડા અને ચામાચીડિયા મૃત્યુ ના પામે.
મે સુતા સુતા જ મરી ચુકેલા કીડા અને ચામાચીડિયા ને સાઈડમાં કર્યા અને થેલામાં ભર્યા.
શા માટે મેં આવું કર્યું એની મને ખબર નહોતી.
મેં હવે ધીમે-ધીમે ચાલવા માંડ્યું. તરસ અને ભૂખના માર્યા મારી હાલત બગડી રહી હતી.
થોડુંક ચાલ્યા બાદ હું ત્યાં જ ફસડાઈ પડી.
મને અચાનક જ મારો મોબાઇલ યાદ આવ્યો. મેં મારા ખિસ્સા ફંફોસ્યા.
અરે આ શુ મારો મોબાઇલ.
એને જોઈ હું ખુશ થઈ ગઈ, મને એક શક્તિનો અહેસાસ થયો. અને મનોમન બબડી આ શું?
મારો મોબાઇલ મારી સાથે જ હતો?
તો મેં પહેલાં આ મુસીબત આવી ત્યારે મારા ફ્રેન્ડ ને મેં નંબર ડાયલ કરીને વાત કેમ ના કરી અને લોકેશન કે મેસેજ પણ સેન્ડ કેમ ના કર્યું?
હું કેટલી મૂરખ છું.
હવે હું ક્યાં છું એ જાણવા માટે મેં નેટ ઓન કર્યું.
પરંતુ અહીં નેટવર્ક પકડાતું નહોતું.
આ કેવો વિસ્તાર છે કે નેટવર્ક પણ નઈ પકડાતું હોય.
હવે મેં મારા ફેમિલી અને ફ્રેન્ડ ને મેસેજ કર્યા.
વિચાર્યું નેટવર્ક આવશે ત્યારે મદદ જરૂર મળશે.
મોબાઇલની ખુશીમાં હું ફસડાઈ છું અને ઘવાયેલી છું, એ પણ હું ભૂલી ગઈ.
મને ભૂખ અને તરસ બંને લાગ્યા હતા.
પરંતુ હું ક્યાં છું એની મને જાણ નથી.
હવે મારું પહેલું લક્ષ્ય ખોરાક અને પાણી હતું .
અચાનક મારા ખભા ઉપર કંઈક સળવળ્યુ. મેં જોયું તો મોટી મોટી કીડીઓ કદાચ મધ્યમ કદ ના મકોડા કહી શકાય એ હજારોની સંખ્યામાં મારા શરીર પર હતા.
મેં દૂર કરવાનો પ્રયત્ન કર્યો.
તેં મારા કોથળા જેવા થેલા માં જઈ રહ્યા હતા.
મેં થેલાને ખભા પર થી ઉતારી ફેંક્યું.
મેં જોયું તો આ મકોડા ચામાચીડિયા ને ખાઈ રહ્યા હતા.
મે થેલો ખાલી કર્યો અને સાઈડમાં મુકયો.
મકોડા ચામાચીડિયાને સંપૂર્ણપણે ખોતરી ચૂક્યા હતા.
મારી નજર ચામાચીડિયાની પાંખ પર ગઈ. મને તેમાં પાણી ભરાયેલું હોય એવું લાગ્યું.
મને તરસ લાગી હતી. તેની પાંખમાં ભરાયેલા પાણીને જોઈને મેં પાણી પીવા લાગ્યું. મેં બીજા એવા ચામાચીડિયા શોધી કાઢ્યા જેની પાંખમાં પાણી ભરાયેલું હતું.
મારી તરસ મહદંશે છીપાઈ ગઈ હતી.
મને ભૂખ ના ઉકેલ માટે પુસ્તક જોવાનું યોગ્ય ના લાગ્યુ.
મકોડાએ કોતરીને પોચા બનાવેલા ચામાચીડિયા ને મેં ખાવાની કોશિશ કરી.
મને એક વિચિત્ર પ્રકારનો સ્વાદ આવી રહ્યો હતો.
પણ અત્યારે મારું પેટ ખોરાક માંગી રહ્યું હતું.
હવે હું પણ અત્યારે મકોડા ની હરોળમાં હતી, જે મકોડા એ કોતરી રહ્યા હતા. તેમ હું પણ એના કોતરી ને પોચા કરેલા માસને આરોગી રહી હતી.
હવે હું તૃપ્ત હતી. મારુ મગજ હવે કંઈક વિચારી શકશે, એ જ વિચારે મેં મકોડા ની હાર માળા ક્યાંથી આવી એ જાણવાની કોશિશ કરી.
મેં હવે મૃત ચામાચીડિયાઓને ખંખેર્યા.
અને પુસ્તક હાથમાં લીધું અને થેલા માં મૂક્યુ .
મકોડા ની હારમાળા ને જોવા હું એમની પાછળ પાછળ ચાલવા લાગી. લગભગ અડધો કિલોમીટર જેટલું હું ચાલી હોઈશ ત્યાં જ મેં એક સસલા ને જોયું.
સહેજ ગભરાયેલું, એકલું. એને ઊંચકીને થોડીવાર મેં એને રમાડ્યું, પંપાળ્યું.
મને ઘણા દિવસે પ્યાર ની અનુભૂતિ થઈ.
પ્રેમમાં તરછોડાયા ને તેનો શિકાર બન્યા પછી મને આજે પ્રેમની અનુભૂતિ થઈ.
મને વિચાર આવ્યો પ્રેમ માત્ર માનવ માનવ જ ના કરી શકે.
આ કુદરતમાં , આ સસલામાં પણ કેટલો પ્યાર ભરેલો છે.
એને પંપાળવાનું મને ઘણું જ સારું લાગ્યું. મારા સ્પર્શનો પણ એ આનંદ માણી રહ્યું હતું. મેં એને ખૂબ વહાલ કર્યું.
આ એકલું અહીં શું કરતું હશે? મેં નજર કરી આસપાસ કોઈ નહોતું.
મેં એને ખોળામાં લીધું એના સ્પર્શથી મને ગલગલીયા થતા હોય એવું લાગ્યું. હું આટલા દિવસે હસી.
મેં એની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું, એનો સ્પર્શ એના કાન મને ગમવા લાગ્યા. મને પ્રેમ ની અનુભૂતિ થઇ રહી હતી.
પેલી ઠોકર ને જાણે હું બોલવા જઈ રહી હતી. પ્રેમની ખરી વ્યાખ્યા જાણે હું સમજવા લાગી હતી.
હું આ માટે હું કુદરતનો આભાર માની રહી હતી.
હવે મારી સાથે કોઇક છે, એમ સમજી હું આગળ ચાલવા લાગી. ઠંડા ઠંડા વાતાવરણમાં મને સૂર્યકિરણો દેખાઈ રહ્યા હતા. આજે રાત ક્યારે પડી અને ક્યારેય વીતી ગઈ એનો મને અહેસાસ જ નહોતો.
મને આરામ કરવાનો યોગ્ય ન લાગતાં મેં ચાલવાનું શરૂ કર્યું. જંગલ અને પહાડ સિવાય કંઈ જ નહોતું. આ વિસ્તાર થી અજાણ ક્યાં જવું એ મને સૂઝતું નહોતું. મને ઉકેલ લેવાનું યોગ્ય લાગ્યું મેં પુસ્તક ઉઘાડયું અને તેર નંબર નું પાનું ઉઘાડી વાંચવા લાગી.
તેમાં લખ્યું હતું કોઈ પણ રસ્તો પડકારો અને અવરોધોથી મુક્ત નથી કુદરતનો આ જ રસ્તો છે માણસને કોઈ રોકી શકે નહીં જ્યાં સુધી એ જાતે રોકાય નહીં.
આ વાક્ય ને અનુસરી ને મેં ચાલવાનું શરૂ કર્યું. થાકેલા પગે અને ઉંચા-નીચા ઢોળાવ એ મારા પગ લપસી રહ્યા હતા. હું થોડી થોડી વારે લપસી રહી હતી. હવે હું લપસવા નો આનંદ લેવા લાગી હતી. સસલુ પણ મારી જોડે મજા લઈ રહ્યું હતું.
મેં એક હાથ થી એને પકડી રાખ્યુ હતું. એનો પોચો પોચો સ્પર્શ મને આનંદ આપી રહ્યો હતો.
જીવન શું છે શા માટે છે? એવા બધા વિચારો મને આવવા લાગ્યા. હું લપસતી લપસતી એક જગ્યાએ આવી પહોંચી.
જ્યાં ખૂબ ઘાસ ઊગેલું હતું. માત્ર ને માત્ર લીલોતરી છવાયેલી હતી. સસલુ મારા હાથમાંથી છટકવાની કોશિષ કરી રહ્યું હતું.
એને મુક્ત થવું હતું. મેં એને નીચે મૂક્યુ તો એ કૂદતું કૂદતું ઘાસ ની મજા માણી રહ્યું હતું.
મને પણ ઘાસમાં આળોટવાનું મન થયું. મસ્ત મજાનું ભીનું ભીનું ઘાસ હતું.
આટલા દિવસ ના ચીકણા મારા શરીરને ઘાસ ગમવા લાગ્યું. આના પહેલા મેં ક્યારેય કુદરતને આટલી માણી નહોતી.
મને ખરેખર મનથી અંગારક્ષિત યાદ આવ્યો ,તેમણે કહ્યું જીવન શું છે એ તને સમજાઈ જશે,
એની એ વાત પણ યાદ આવી. કોઈ ગભરાઈ ગયેલુ તારી પાસે આવે તો એને સાથે લઈને ચાલજે.
તો શું? એ આ જ સસલું હતું. ભયભીત થયેલું. જેને સાથે લઈને મને ચાલવા કહેલું હતું.
મને કંઈ સમજ પડતી નહોતી.
હું ઘાસ ઉપર સુતા સુતા આકાશ તરફ જોઈ રહી હતી.
હું મુક્ત પણે સ્વતંત્રતા માણી રહી હતી.
અમુક દિવસ પહેલા પ્રેમમાં છેતરપિંડીનો ભોગ બન્યા બાદ હું આજે સમજી રહી હતી કે જીવનમાં માત્ર એ જ ક્ષણો નથી.
એના શીવાય ઘણું છે, જીવન ને માણવા જેવું ઘણું બધું છે.
મેં સસલાને મારી જોડે લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ દોડતું દોડતું જાળીયો ની અંદર જઈ ને લપાઈ ગયું.
મને એના સાથની આદત પડી ગઈ હતી. મેં એને પકડવા માટે જાળીઓની અંદર જવાનો પ્રયાસ કર્યો.
કાંટાળી જાળીમાં મારા ફાટેલા કપડાં વધારે ફાટી ગયા.
મારા ખભા ઉપરથી પુસ્તકનો થેલો સરકી રહ્યો હતો.
પેલું સસલું વધારેને વધારે અંદર જઈ રહ્યું હતું.
મારી નજર માત્ર એને જોઈ રહી હતી, એને પકડી લેવા માટે મેં હિંમતથી જાળીયો ની અંદર પ્રવેશવાનું શરૂ કર્યું. પુસ્તકનો થેલો લગભગ પૂરે પૂરો જાળીયોમાં વીંટળાઇ ગયો હતો.
મેં થેલાને ખેંચવાનો પ્રયાસ કર્યો. એ પ્રયાસમાં ને પ્રયાસમાં થેલો પણ ફાટી ગયો. પુસ્તક નીચે પડી ચૂકયું હતું.
સસલા પર થી મારું ધ્યાન ચુકવીને મેં પુસ્તક પર નજર કરી. અચાનક જ પુરજોશમાં પવન ફૂંકાવા લાગ્યો. પુસ્તકના પાના ઊડી રહ્યા હતા. એ ફાટી જશે એ ડરે મેં એને સંકેલવાની કોશિશ કરી. મને પુસ્તક ને વાંચવાની ઈચ્છા થઈ આવી.
પરંતુ અચાનક જ મને પેલા અંગારક્ષિતનો નિયમ યાદ આવ્યો. અને એની એ વાત પણ એક ભેદી વસ્તુ ની શોધ.
કઈ ભેદી વસ્તુની મારે શોધ કરવાની હતી.
મારાં મનમાં ગડમથલ ચાલી રહી હતી.
મારાં પગ વચ્ચે કંઈક સળવળી રહ્યું હતું. મેં આંખો ઝીણી કરી નીચે જોયું. એક સાપ હતો. એ સાપ મારાં પર પર સળવળી રહ્યો હતો.
મેં આમતેમ એનાથી દૂર જવાની કોશિશ કરી. એની આંખો મને જ તાકી રહી હતી મેં મારી આંખોને જીણી કરી અને તાકાત સાથે એને ઊંચકીને ફેંકવાનો વિચાર કર્યો.
મારી અંદર રહેલી તીવ્ર પ્રતિકાર તાકાત લગાવીને મેં એને દુર હડસેલ્યો .
મેં એક વસ્તુ ની નોટીસ કરી કે મારે હવે અંગારક્ષિતના આપેલા પુસ્તકમાંથી ઉકેલ શોધવાની જરૂર નહોતી.
મેં મારી મદદે આવેલા એ ભયંકર રુપને યાદ કર્યા.
શા માટે એ માણસ મારા જીવનમાં આવ્યો હશે. મને કેવાં કેવાં અનુભવો કરાવ્યા. વિચારો માંથી મારું ધ્યાન તૂટ્યું.
અચાનક જ પેલું સસલુ મારી તરફ આવવા લાગ્યું.
હું એને પકડવા ગઈ ત્યાં એને પકડવા જતા મને એ જ વિચિત્ર ગંધ નો અહેસાસ થયો.જે સસલાને મેં રમાડેલું, પંપાળેલુ. એ આજ સસલું હતું.
મેં એને ઊંચક્યું.મને એ તીવ્ર ગંધ આવી રહી હતી.
જે પેલા અંગારક્ષિતના શરીરમાંથી આવતી હતી. સળગતા કાચા માસના ટુકડા જેવી.
સસલુ અચાનક જ મારી પકડમાંથી છટકી ગયું.
અને મને ત્યાં અંગારક્ષિત નો આભાસ થયો તેમને જોતાં જ મને ખુશી થઈ અને ડર નો એક અહેસાસ પણ.
તે મારી નજીક આવ્યો, એની એ ભયંકર કાયાકલ્પ થી મને ત્યારે જે ડર હતો એ અત્યારે નહિવત લાગવા લાગ્યો.
મને અંધકારમય વાતાવરણ પ્રકાશમય લાગવા લાગ્યું. અંગારક્ષિતનો ચહેરો ભયંકર મટી સામાન્ય દેખાવા લાગ્યો. માસના સળગતા ટુકડાની ગંધ સુગંધિત થવા લાગી.
મને પ્રશ્ન થયો આવું પરિવર્તન કેમ?
તેના પહાડ જેવા અવાજે તેં બોલ્યો -પરિવર્તન તારામાં છે, બધું જેમ હતું તેમ જ છે.
જીવન સુંદર જ છે. જીવનને ટૂંકાવવા માં કઈ જ નથી.
તું તારા જ વિચારો થી ફસાયેલી હતી.
તને એ ભેદી વસ્તુ મળી ગઈ હશે. એણે મીણબત્તીના ધુમાડાથી દોરેલું ચિત્ર ભૂંસાઈ ગયું છે એમ કહ્યું .
તારી આત્માને તું સમજી ગઈ હોઈશ.
મને બધું આશ્ચર્ય ચકિત લાગી રહ્યું હતું .
કઈ ભેદી વસ્તુ મને મળી ગઈ હતી.
પુસ્તકના પાના ઉડી ગયેલા હતાં.
અંગારક્ષિતેં હવાને જાણે આદેશ આપ્યો હોય એમ ઉડી ગયેલ એ પુસ્તક નજીક આવી ગયું .
તેણે પુસ્તકનું મારી સામે ધરી મને વાંચવા કહ્યું.
મેં એ જોવાની પણ તસ્દી ન લીધી કે પાનું એકી સંખ્યા વાળું છે કે બેકી.
મેં છેલ્લો અને પાંચમો ઉકેલ વાંચ્યો. આપણે સ્વયં આપણા ભાગ્ય નિર્માતા છીએ આપણે સહુ અહીં પૃથ્વી પર કોઈ વિશિષ્ટ પ્રયોજન માટે આવ્યા છીએ અતીતના બંદીવાન બનવાનું બંધ કર અને તારા ભાવિની નિર્માતા બન.સંકટ ગમે તેટલું ભયંકર હશે પણ ઠંડુ મગજ જ સાચો નિર્ણય લેવામાં મદદ કરશે.
અંગારક્ષિતે મને આદેશ આપ્યો હોય એમ મેં ફરી મોટેથી વાંચવાનું શરૂ કર્યું.. તેમાં લખ્યું હતું..તારા મન રૂપી બગીચાની અંદર શક્તિ અને ક્ષમતા નો ભંડાર છે.
મને એનું જ્ઞાન અંગારકક્ષિતના આવવાથી થઈ ચૂક્યું હતું.
જીવનનું મહત્વ શું છે, એ મને સમજાઈ ગયું હતું.
હું એ ભેદી વસ્તુ ની શોધ કરી ચૂકી હતી.
અચાનક જ થેલામાંથી મોબાઇલની રિંગ રણકી, નેટવર્ક આવી ચૂક્યું હતું. હા મારી જિંદગી નું નેટવર્ક મને મળી ગયું હતું. મારી આત્માની અંદર પડેલ ભેદી વસ્તુ ની શોધ મને થઈ ચુકી હતી.

પારુલ અમીત "પંખુડી "☘️?


બીજા રસપ્રદ વિકલ્પો