Premni anokhi dastan - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 5

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એની પાસે જાય છે, એ પરત પાછો ફર્યા પછી શું થાય છે એ જોઈએ..)

અર્ણવ ફરી પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. પણ હવે એની પાસે જીવવા માટે એક કારણ હતું એની સંજીવની ગિરિકા. સુક્કા રણમાં મીઠી વીરડી સમી ગિરુ. નિયમિત પત્રોની આપ લે થતી. ને ગિરિકાના પત્રો જ અર્ણવને નવું જોમ પૂરું પાડતા હતા. અર્ણવ નવરો પડે એટલે એ પત્રો વાંચીને જ સમય પસાર કરતો. એ ગિરિકા ને સંગીતથી પણ વધુ ચાહવા લાગ્યો. ક્યારેક તો એવું થતું કે ગિરિકાના વિચારોમાં રિયાઝમાં પણ ભૂલો કરતો. ગિરિકાને આ વાત કહે એટલે સામે ઠપકાભર્યો પત્ર આવે ને અર્ણવ ફરી વખત ધ્યાન રાખે.

આ વખતે અર્ણવે માંગણી કરી કે ગિરિકા તું એક વખત અહીં આવ ને ! ફરી તને મળવાની, જોવાની ઈચ્છા થઈ છે. એક વખત આવી જા પછી ક્યારેય નહીં કહું.

અર્ણવે વિચાર્યું હતું કે 'જો ગિરિકા આવે તો સીધો જ લગ્નનો પ્રસ્તાવ જ કરવો છે. એટલે ગિરિકા ના નહિ પાડી શકે.'

અર્ણવના ખૂબ આગ્રહને વશ થઈ ગિરિકા હા પાડી દે છે. અર્ણવ તો સાતમા આસમાને વિહરવા લાગે છે. ગિરિકા આવે તો શું ભેટ આપીશ, ક્યાં લઈ જઈશ, લગ્ન માટે પ્રપોઝ કેમ કરીશ, એક એક વાત પર સો વિચાર કરવા લાગ્યો. એને શું ગમશે, શુ નહી ગમે, વગેરે, વગેરે, વગેરે, અર્ણવ તો જાણે પાગલ થઈ ગયો. અનહદ પ્રેમ એટલે આજ હશે કદાચ.

એ દિવસ પણ આવી ગયો. ગિરિકા અર્ણવને મળવા આવી. અર્ણવના પ્રિય આછા ગુલાબી રંગની સાડી, એકદમ સાદી પણ આકર્ષક એકદમ અર્ણવને ગમે એવી લાગતી હતી. અર્ણવ તો દોડીને ભેટવા જતો હતો પણ પછી આસપાસની પરિસ્થિતિનુ ભાન થતા ખુદને બળપૂર્વક રોકી રાખ્યો. બંને અર્ણવના ઘર તરફ ચાલ્યા. ગિરિકાએ અર્ણવને રોકી કહ્યું,
'ક્યાંક નિરાંતે બેસીને વાત થઈ શકશે?'
અર્ણવ કહે,
'ઘરે જઈને કરજે જે વાત કરવી હોય એ..'
ફરી ગિરિકાએ આગ્રહ કર્યો એટલે અર્ણવ માની ગયો. બંને એક શાંત જગ્યા પર જઈ બેઠા. ગિરિકા બોલી,
" અર્ણવ હું તારી સાથે ઘરે નહીં આવી શકું, જો વિશ્વાસ કે તારી નિયત પર મને શક છે એવું વિચારી મારી લાગણીનું અપમાન નહિ કરતો. હું તારી સાથે આવીશ પણ આજે મને મારી એક મિત્ર પાસે મૂકી જા, આનાકાની નહિ કરતો, હું તારા માટે જ અહીં આવી છું, ને તારી પાસે પણ આવીશ, પણ આજે નહીં."

ગિરિકાએ વાત જ એવી રીતે મૂકી કે અર્ણવને ના પાડવાનો અવકાશ જ ન હતો. થોડો ગુસ્સે થઈને પણ એ માની ગયો.

સવારે અર્ણવ ગિરિકાને મળવા ગયો એ રાહ જોઇને જ બેઠી હતી. અર્ણવે ઘણું ઘણું વિચાર્યું હતું, ઘણી જગ્યાએ ગિરિકાને લઈ જવી હતી. ઘણું બતાવવુ હતું. ઘણું કહેવું હતું ને ખાસ તો લગ્નનો પ્રસ્તાવ. ગિરિકાએ કહ્યું,

"અર્ણવ આજે તારા ઘરે જઈએ તો. હું ને તું બસ આપણે બંને એકલા બીજું કોઈ નહિ. આ બધું પછી જોઈશું. આપણે ને આપણી લાગણીઓનું વહેતુ ઝરણું બસ મારે આ જ માણવું છે, તને ભરપૂર નિરખવો છે, તને જાણવો છે, તારામાં બસ ખોવાઈ જવું છે."
ને બંને અર્ણવના ઘર તરફ નીકળી પડ્યા.

દરવાજા પર પહોંચી અર્ણવે કહ્યું અહીં જ ઉભી રે તારો ગૃહપ્રવેશ કરાવવો છે, ને જેવીતેવી આવડે એવી વિધિ દ્વારા અર્ણવે ગિરિકાનો ગૃહપ્રવેશ કરાવ્યો. ગિરિકા તો બસ બધું માણતી હતી. અર્ણવની બાલિશ તો ક્યારેક નિર્દોષ હરકતો પર મુસ્કુરાતી હતી.

ગિરિકાનો હાથ પકડી અર્ણવ અંદર લઈ ગયો. એને પહેલા તો પોતાના સંગીતના રૂમ તરફ લઈ ગયો. જ્યાં એ રિયાઝ કરતો. વીણાવાદીનીની તસ્વીર પાસે ગિરિકાને લઈ જઈ એ પોતાના ઘૂંટણ પર બેસી બોલ્યો,

"ગિરિકા, મારા જીવનમાં મા વીણાવાદીની પછી કોઈ વંદનીય હોય તો એ તું છે. તે મને જીવતા શીખવ્યું છે. મને પ્રેરણા પુરી પાડી છે. આ પ્રેરણા મારે આજીવન જોઈએ છે, શું તું મારી જીવનસાથી બનીશ ?"

ગિરિકા જાણતી હતી કે અર્ણવ આમ અણધાર્યું કઈક તો કરશે જ પણ સીધો લગ્નનો પ્રસ્તાવ ! ગિરિકા આના માટે જરાય તૈયાર ન હતી. એ થોડા ડગલાં પાછળ હટી ગઈ.

અર્ણવ તેની પાસે ગયો. ગિરિકાને પોતાની પાસે બેસાડી. નિરાંતે જવાબ આપવા કહ્યું. પણ ગિરિકા હવે સ્વસ્થ હતી એ બોલી,

" અર્ણવ, આપણે બંને એકબીજાથી બિલકુલ ભિન્ન વ્યક્તિત્વ છીએ. હું તારા વાતાવરણમાં ને તું મારા વાતાવરણમાં ક્યાંય ફિટ બેસીએ એમ નથી. આપણી વચ્ચે એક જ તત્વ સમાન છે બે એ છે આપણો પ્રેમ. જરૂરી નથી તમે સાથે રહીને જ પ્રેમ નિભાવી શકો. હું દૂર રહીને પણ પ્રેમ સાર્થક કરવા માંગુ છું. એક પ્રેમની અનોખી દાસ્તાન લખવા માંગુ છું. જેમાં તું ને હું નહિ પણ આપણો પ્રેમ શાશ્વત હશે. આપણે નહીં હોઈએ તો પણ આ પ્રેમ તો રહેશે જ...."

આગળની વાત આવતા ભાગમાં...

©હિના દાસા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED