Premni Anokhi dastan - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 2

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવનો કોઈ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર થાય છે ને એક અનેરો અહેસાસ ઉભરાય છે હવે આગળ...)

અર્ણવને હવે પત્રનો રોજ ઇન્તજાર રહેવા લાગ્યો. આમ તો એનું જીવન બીબાઢાળ રીતે વહેતુ હતું, પણ આ એક પત્રએ એને કઈક બદલાવી નાખ્યો હતો. એ કોઈ સાથે હળતો ભળતો નહિ, કામ પૂરતું જ બોલતો, ન કોઈ સાથે જવું ના બહુ મિત્રો, હતા એ પણ અર્ણવને સમજાવી સમજાવી થાકતા કે તું ઉંમર પહેલા વૃદ્ધ થઈ જઈશ, કઈક જિંદગીને માણતા શીખ. બહુ નાની ઉંમરમાં બહુ ઓછા લોકો ને તારી જેમ સફળતા મળે છે, તું એ સફળતા ને માણતો પણ નથી. અર્ણવ એ જ પોતાનું હાસ્ય વિખેરી ફરી મૌન થઈ જતો.

પણ એક પત્રએ તેને રણઝણાવી નાખ્યો હતો. ખબર નહિ એ વ્યક્તિમાં શુ હતું કે અર્ણવ બદલાતો જતો હતો. જિંદગી માણવા લાગ્યો હતો, ક્યારેક ઉદાસી પણ ઓઢી લેતો હતો. તો ક્યારેક પ્રેમ કેમ થતો હશે એ પણ વિચારવા લાગતો, ટૂંકમાં અર્ણવ હવે અર્ણવ ન હતો રહ્યો, બદલાઈ રહ્યો હતો. એની રાહ પૂર્ણ થઈ ને આ વખતે બહુ લાંબો પત્ર આવ્યો.

અર્ણવ....

હું તમેનુ સંબોધન નહિ કરું, મને નહિ ગમે આવી ભારેખમ સૌજન્યતા, તમને અજુગતું લાગે તો માફ કરશો, હવે બે વાત કહેવાની છે, પહેલા તો તારું ગીત સાંભળ્યું ને બહુ મજા આવી, મેં તો અહીં બધાને સંભળાવ્યું, બધાને તો ન ગમ્યું પણ મને બહુ મજા આવી, કોઈએ તો કહ્યું કે આવા શાંત ગીતો કઈ હોતા હશે, હું તો હસી હસી ને બેવડ વળી ગઈ. ખેર જવા દે બધાને આમ ન પણ ગમતું હોય, પણ મને તો સુગમ બહુ ગમે, તારા ગીતોની મેં કેસેટ પણ લઈ નાખી છે રોજ સાંભળું છું.

હવે બીજી વાત મારા આશ્ચર્ય વચ્ચે તારો પત્ર મળ્યો, હું તો બેહોશ થઈ ગઈ, કે તું મારા બધા પત્રો વાંચે છે. ખૂબ ખૂબ આભાર. મને બહુ ગમ્યું તે પ્રત્યુતર આપ્યો એ બાકી હું તો તને નિયમિત પત્ર લખવાની જ છું, મારું ગમતું કામ છે આ તો. આમ જ સફળતા સર કરતો રહે એવી શુભેચ્છા. અને હા આ વખતે મારું સાચું નામ લખું છું હો, કારણ કે પત્રમાં અનેક ભાવો પ્રગટ થયા છે તો એ બધા ભાવોનું મૂર્ત સ્વરૂપ એટલે હું જ. તો મારું નામ જ લખી નાખું. તું પત્ર લખીશ તો મને ગમશે, ને નહિ લખે તો પણ મારી નિયમિતતા કાયમ રહેશે...

લિ. ગિરિકા

અર્ણવ તો પત્ર વાંચી ખૂબ ખુશ થઈ ગયો. ને નામ પણ કેટલું અદ્દભુત "ગિરિકા" પર્વત પુત્રી. પ્રકૃતિનો અંશ. અર્ણવને થયું કે મારે પણ પત્ર તો લખવો જોઈએ, તો એણે પણ ફરી પત્ર લખ્યો. ને હવે આમને આમ પત્રોનો સિલસિલો ચાલુ થયો. જીવનની ખુશી, હર્ષ, શોક, ઉદાસી બધું જ અર્ણવ કાગળ પર કંડારતો થયો. એ ગિરિકાને પોતાની નાની અમથી વાત પણ જણાવતો. પણ સામે પક્ષે ગિરિકા તો અર્ણવની જ, એના ગાયનની જ વાતો લખતી. એના અંગત જીવન વિશે ન કઈ જણાવતી ન કઈ લખતી.

અર્ણવ ઘણી વખત લખતો કે ગિરિકા આજના મારા કાર્યક્રમમાં તું આવને ! મને ગમશે તું હાજર હોઈશ ત્યારે ગાવું. તારા પત્રો થકી જો મને અનેરો આનંદ મળતો હોય તો તું રૂબરૂ હોય તો તો ચાર ચાંદ લાગી જાય. ગિરિકા લખતી કે એ શક્ય નહિ બને મારા માટે.

અર્ણવ આમને આમ ગિરિકા પ્રત્યે આકર્ષાતો ગયો. એના જ વિચારો એને આવતા. ગિરિકાને ક્યારેય જોઈ ન હતી છતાં એના વિશે જ વિચારતો. પોતાનું ભવિષ્ય ગિરિકા કેમ ન બની શકે ત્યાં સુધી પણ વીચારવા લાગ્યો. ને એણે ગિરિકાને મળવાની ઈચ્છા થઈ. એણે ગિરિકાને લખ્યું કે હું તને મળવા માંગુ છું.

ગિરિકાએ પણ સંમતિ આપી કે તું લાંબી રજા લઈ મારા ઘરે આવજે. હું તને ચોક્કસ મળીશ. મારું જીવન જીવતા શીખવીશ.

અર્ણવ હવે ગિરિકાને મળવા ઉત્સુક હતો. એક દિવસ લાંબી રજા લઈ તે ગિરિકાને મળવા ગિરિકાએ આપેલા સરનામે ગયો.

આધુનિક જીવનથી ટેવાયેલા અર્ણવને માટે ગિરિકાનું જીવન જીવતા શીખવું અઘરું હતું. બહુ ઉંડાણના એક નાનકડા કસબામાં એ પહોંચ્યો. હવે કહેવાની જરૂર ન હતી કે અર્ણવ આ પત્ર લખનારના પ્રેમમાં પડ્યો હતો. બહુ દેખીતી વાત હતી. એક અનામી પત્ર લખનારની છેક ઘરે પહોંચી જવા માટે બીજું તો કોઈ કારણ શક્ય જ ન હતું. કઈ પણ વિચાર્યા વગર બસ અર્ણવને ગિરિકાને મળવું હતું. ને એ ગયો પણ ખરો.

ધનવરી નામના નાનકડા કસબામાં ગિરિકા રહેતી હતી. દરિયા કાંઠાનો વિસ્તાર. પુરુષો મોટેભાગે માછલાં પકડવા ને દરિયો ખેડવા જ ગયા હોય. કસબામાં તો સ્ત્રી, વૃદ્ધ ને બાળકો જ રહેતા. ભલે શિક્ષણ કદાચ નહિ હોય કે ઓછું હોય પણ સ્ત્રીઓ એકલા રહેવા ટેવાયેલી એટલે સ્વતંત્ર વિચારો ધરાવતી. સંબંધો વિષે બહુ સંકુચિતતા નહિ. ખુલ્લે આમ પ્રેમ કરી જાણે ને ધિક્કારી પણ જાણે. આવા માહોલમાં ગિરિકા મોટી થયેલી એટલે જ એણે અર્ણવને પોતાને ત્યાં બોલાવ્યો. કારણ કે આ નાનકડા કસબામાં કોઈ એને એમ નહિ પૂછે કે આ અજાણ્યા પુરુષને તે કેમ બોલાવ્યો.

અર્ણવ ભર બપોરે પહોંચ્યો, પ્રખર ગરમી ને મચ્છીની સુગંધથી અર્ણવ ટેવાયેલો ન હતો એટલે થોડો અકળાયો. જઈને કોઈને ગિરિકા વિષે પૂછ્યું. એ વ્યક્તિ એક સાધારણ દેખાતા ઘર પાસે અર્ણવ ને લઈ ગયો. એ વ્યક્તિએ અંદર જઈ પૂછ્યું કે ગિરિકાને કોઈ મળવા આવ્યું છે. એક ચાલીસેક વર્ષની સ્ત્રી બહાર આવી. એકદમ હરખાતી હરખાતી. આવીને બોલી,

'તું અર્ણવને ! ક્યારની હું તારી રાહ જોવ છું. બહુ મોડો પડ્યો. પણ કઈ વાંધો નહિ. આવ અંદર...'

પણ અર્ણવ તો સદમામાં હતો. કારણ કે જે ગિરિકાની છબી ધરીને એ આવ્યો હતો. આ સ્ત્રી એમાં ક્યાંય બંધ બેસતી ન હતી. એને થયું કે જેના શબ્દો મને આટલા ગમતા એને મેં કેવી ધારી હતી, પણ આ તો એક આધેડ સ્ત્રી છે. એ એકદમ પાછળ ખસી ગયો. અંદર આવવાને બદલે તે દૂર જવા લાગ્યો. એને પોતાના સ્વપ્નો, મહેચ્છાઓ તૂટતી હોય એવું લાગ્યું. આ એ જ ગિરિકા છે જેણે મને જીવવાની રીત શીખવી. જેના પત્રોને કારણે હું અહી સુધી ખેંચાયો એ આ જ. શબ્દો આકર્ષક ને વ્યક્તિ કેમ નહિ. ને અર્ણવ બહારથી જ પાછો ફર્યો.

આગળની વાત આવતા ભાગમાં.....
આપનો કિંમતી પ્રતિભાવ પ્રોત્સાહન વધારશે....

© હિના દાસા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED