" સમજણનુ અજવાળું "
લેખન : શૈલેષ પંચાલ.
અમદાવાદ ના રિવરફ્રન્ટ ઉપર ઢળતી સંધ્યાએ હું બેઠો બેઠો નદીના પ્રવાહ ને નિહાળતો હતો.આમ તો સાબરમતી ના કિનારે બેસવાથી જે શાતા અનુભવાય છે એ દુનિયામાં બીજે કયાય નથી.
આથમતા સુરજની લાલિમા પાણી ઉપર પથરાયેલ હતી.
આપણું જીવન પણ પાણી ના વહેતાં પ્રવાહ જેવું જ છે ને..! એમાં ઘણુંબધું વહી જાય છે. વારંવાર તરંગો ઉઠે છે. શમે છે અને નિત્ય નૂતન પ્રાપ્ત થતું રહે છે.
આવાં વિચારો મા હું મગ્ન હતો એવામાં મારી નજર મારાથી સ્હેજ છેટે બેઠેલી એક સુંદર યુવતી ઉપર પડી.એણે કેસરી કલરનો ડ્રેસ પહેર્યો હતો.ગોળ, રુપાળો ચહેરો... કથ્થઈ કલરની આખો...એનાં સેથાનુ સિદુર ...એની લચીલી જુલ્ફો... એનાં લાલચટક હોઠ...એ બેનમુન ગળું...
મારું હદય એક ધબકારો ચૂકી ગયું.
ના...ના...મારી આખોને ભ્રમ થતો હશે..! રીના અહીં કયાથી હોય...? રીનાને મે ઞંખી હતી...મારી જિંદગી ના એક ગોલ્ડન યુગમાં... રીના મારાથી પંદર વર્ષ નાની હતી.
મારા ગામ ના એક મેળામાં અમારી ચાર આખો મળી હતી અને મે એ જ પળે એને મારું દિલ આપ્યું હતું. મને ખબર નહોતી કે એ મારા વિશે શું વિચારતી હશે...? પરંતુ, હું મનોમન એને ચાહવા લાગ્યો હતો. એ મને ગમતી.
ગામમાં ઘણીવાર આવતાં જતાં એ મારી સામે જોઈને આછેરુ સ્મિત કરતી.એ વખતે રીના એક નટખટ કિશોરી હતી.એની મનોભૂમિકા તદ્દન બાલિશ હતી.એનો રુપાળો ચહેરો જોવા ખાતર હું જાણી જોઈને એનાં ઘર પાસેથી પસાર થતો.એ કોઈ કામ કરતી હોય અને મારા ઉપર નજર પડતાં જ એનું મોઢું હસી પડતું. મને એ નિર્દોષ હાસ્ય ગમતું. એનો પુનમ ના ચાદ જેવો ચહેરો ધીમે ધીમે મારી આદત બની ગયો.
હદયના એક ખુણે રીના પ્રત્યેના આવાં ભીના ભીના સ્પંદનો લયીને હું શહેર આવી ગયો.
વર્ષો વીતી ગયાં એ ઘટના ને...
સમાચાર મળ્યા હતા કે રીના પરણીને સાસરે ગયી છે.એ સમાચાર થી હું ખુશ પણ નહોતો થયો કે દુખી પણ નહોતો થયો. મારે રીનાથી કોઈ સંબંધ જ નહોતો. કમસેકમ એનાં દિલમાં તો આવાં ભાવ કયારેય નહીં જાગ્યા હોય એનો મને વિશ્વાસ હતો.મારી એકપક્ષીય ચાહત હૈયામાં જ પાગરી..અને પાછળ થી એનાં અંકુર મે અંદર જ ધરબી દીધાં.
પરંતુ, આજે રિવરફ્રન્ટ ઉપર રીના ને બેઠેલી જોઈને એ અંકુર વળી પાછો બે પળ માટે ફુટી નીકળ્યો.
હું રીના ની નજીક ગયો.
એણે આખો ઉઠાવીને મારી સામે જોયું.
એના નયનોમાં થી વહેતી અશ્રુધારા મે નિહાળી.
" ઓહ...તમે...અહીં...? " એ ફટાફટ આસું લુછતી ઉભી થઇ. એણે કૃત્રિમ રીતે હસવાનો પ્રયત્ન કર્યો.
હસતી વેળાએ એનાં મોતી સમાન ચમકતાં સફેદ દાતને હું જોઈ રહ્યો. આ એ જ હાસ્ય હતું જેની પાછળ હું પાગલ હતો.
" કેમ છે....રીના..."
" બસ...મજામાં.... તમે કેમ છો..? "
" મને ખબર નહિ... તું અમદાવાદમાં છે.."
" કયાથી ખબર હોય... મોટા માણહ તમે તો.."
" નિયતિ ના લીધે આપણે મળી ગયા ને..."
" હા...નિયતિ... નિયતિ જ આપણી જિંદગી સાથે ખેલે છે
" હુ કશું સમજયો નહીં... રીના "
" તમે સમજો છો બધું.. પણ..જતાવી શકતાં નથી.."
" રીના...."
" હું સાચું જ બોલું છું.. મને ખબર છે.. તમે મને ચાહતા હતાં... પરંતુ, કયારેય એકરાર ન કર્યો.."
" એ મારો સમય નહોતો... કદાચ.."
" સમય ની વાત નહોતી.. તમે હિંમત ન કરી શકયા "
" હિંમત તારા માટે થઈ ને ન કરી... રીના.."
" હું સમજી નહિ.."
" તું મારાથી પંદર વર્ષ નાની... તારી પાસે પોતાની ચોઈસ હોય... એવું હું માનતો હતો.."
" તમારી એક માન્યતા ના લીધે આજે મારી જિંદગી બદલાઈ ગઈ..."
" કેમ... રીના....તારા પતિ સાથે તું ખુશ નથી..? "
" એક સ્ત્રી માટે ખુશીની વ્યાખ્યા અલગ હોય છે.."
" હું જોઈ રહ્યો છું... તું રડે છે... રીના.."
" હુ ઘણીવાર અહીં આવું છું.. બહું દુઃખ ઉભરાઈ જાય એટલે નદીમાતા ના ખોળે ઠાલવીને હળવી થાઉં છું...પણ,તમે અહીં શું કામ આવો છો...? અને.. હા, મેરેજ કર્યા કે નહિ .. ? "
" તારી જેમ જ આ સાબરમતી સાથે મારોય સ્નેહસંબંધ છે...હું મારી એકલતા ટાળવા આવું છું.. "
" મતલબ કે હજું ગોઠવાયા નથી.."
" એક વાત નો જવાબ આપીશ... રીના.."
" બોલો..ને.."
" શું તને કયારેય મારી ચાહતની અસર થઈ હતી..? "
" એ જ વાત સમજવામાં તમે નિષ્ફળ રહ્યા ને.."
" હું તારી ઉમર અને સૌદર્ય જોઈને ખચકાયો હતો "
" છતા હું તમને રોજ સ્માઈલ આપતી રહી..."
" મને એમ કે એ તારું બચપણ બોલે છે.."
" એટલી તો સમજણ હતી મને..."
" મતલબ કે મે પ્રપોઝલ મુકયુ હોત તો તારી હા હોત "
" એ જવાબ આપવા સ્ત્રી બંધાયેલી નથી ...અને, આમ પણ હવે એ બની વાતો નો કોઈ અર્થ નથી.."
" ઓકે...શું કરે છે.. તારા પતિ..."
" માર્કેટિંગ ફિલ્ડમાં મેનેજર છે.."
" તમારી વચ્ચે મનમેળ નથી..? "
" મનમેળ હોતો નથી... સાધવો પડે છે... હું મારી લાઈફમાં ખુશ છું..."
" તો પછી... તું રિવરફ્રન્ટ આવીને રડે છે કેમ..? "
" એ મારી અંગત પળોની ઉજાણી છે....જે હું કોઈ સાથે શેર ન કરી શકું... પણ, એક વાત કહીશ..કે જયારે મારી સમજણ ફુટી નહોતી ત્યારે મારી અંદર પ્રેમ નું ઝરણું ફુટયુ હતું.. એનાં માટે તમે જવાબદાર હતાં.."
" એને હું મારી જિંદગી નું સૌભાગ્ય સમજું છું પરંતુ, મારી અંદર તે શું જોયું... રીના. "
" કોઈ છોકરી જયારે પ્રેમમાં પડે છે ત્યારે આવાં સમીકરણ નથી માડતી..."
" મારી એ ભૂલ હવે ન સુધરી શકે..? "
" વ્હોટ ડુ યુ મિન્સ...? તમે મને સમજી શું બેઠા છો..? "
" હું તને જયારથી સમજું છુ...રીના... તું એક લાગણીશીલ છોકરી છો.તારી ઉપર કઠોરતા નું કવચ છે.એ કવચ ની અંદર એક માસુમ યુવતી છે.."
" પણ..હવે એ બધી વાતો નો કોઈ અર્થ નથી.. કુદરત ચાન્સ એક જ વાર આપે છે..મારી કિશોર અવસ્થામાં થોડી પળો માટે લાગણીઓ નું ઘોડાપુર ઉમટ્યુ હતું... જે દરેક છોકરી ના જીવનમાં બને છે પણ,કોઈ એ પળો માટે થઈ ને પોતાની જિંદગી બરબાદ નથી કરતુ..."
" હું આજે પણ તને એટલા જ ઝનુન થી ચાહું છું "
" અને... હું મારા પતિ તેમજ બાળકોને ચાહું છું "
" હું તને નથી ભૂલી શકતો...રીના "
" મને ખબર છે.. એનો એક જ ઈલાજ છે...તમે બીજા સંબંધ મા બંધાઈ જાવ...મેરેજ કરી લો.."
" દિલમાં ફકત તારી જ તસ્વીર વર્ષો થી લયીને ફરું છુ "
" કોઈ એક સંબંધ ના સહારે આખી જિંદગી નથી જીવાતી..લાઈફ નો કેનવાસ ખૂબ જ વિશાળ છે.મા બાપ,ભાઈ બહેન. કાકા કાકી...સગા સંબંધીઓ... આ બધા જ રિલેશનમા રહો તો જ જિંદગી જીવવાની મજા આવે.. તમે તો સમજદાર છો..આવી જીદ ન પકડો.."
" તારો આ રુપાળો ચહેરો નજર સામે આવે છે ને બધી સમજણ જતી રહે છે... બચે છે માત્ર તુ..."
" આટલાં વર્ષો મારા વગર જીવતાં જ હતાં ને....આ તો હુ મળી ગયી એટલે તમને આ તકલીફ થવા લાગી... આ બધું મારે તમને સમજાવવાનું ન હોય.."
" રીના... તું આટલી મેચ્યોર બની ગયી.."
" એક છોકરી જયારે સાસરે જાય છે ત્યારે સ્ત્રી બની જાય છે... અને સ્ત્રી એટલે સહનશીલતા ની પ્રતિમા... અમે અંતરમાં બધું જ ધરબી રાખીએ છીએ... તમે પુરુષો આ મુદે કમજોર છો..."
" તારા પતિને મળવાની ઈચ્છા થાય છે..લકીમેન..."
" ચોક્કસ આવો ઘેર... બેધડક.."
" ઓકે...અંધારું વધી રહ્યું છે... તું શું લયીને આવી છે.?"
" એકટિવા..."
" ઓકે..બાય...થેન્ક્સ.."
" શેના માટે ..? "
" મારી અંદર ના ખટકા ને નાબુદ કરવા માટે "
" કુદરત કોઈ ઘટના અધુરી નથી છોડતી..એનાં નિયમો પરફેક્ટ હોય છે.. કુદરત કોઈને અન્યાય પણ નથી કરતી.આપણે માનવજાત થોડી બેબાકળી છીએ "
" વાહ... તું તો ફિલોસોફર બની ગયી.."
" ફિલોસોફી નહિ... જિંદગી..."
" ઓહ...શ્યોર.."
સુરજ પશ્ચિમ દિશામાં ડુબી ગયો હતો. રિવરફ્રન્ટ ની બતીઓના પ્રકાશ થી નદીમાં રંગબેરંગી રોશની ઞળહળી ઉઠી હતી. એક અજવાળું મારા અંતરમા પ્રગટી રહ્યું હતું.
સમજણનુ અજવાળું...!