રાધા બા pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રાધા બા

આજે રાધાબા ની ખુશી નું કોઈ માપ નહોતું. દોડા દોડ કરીને કામ કરી રહ્યા હતા. જાણે ઉંમર પણ આજે એમના માટે ગૌણ બની ગઈ હતી. કોઈ કામમાં એ કચાસ રાખવા નહોતા માંગતા. એમનો ચહેરો એક અનેરા આનંદ થી ચમકી રહ્યો હતો. ને કેમ ના ચમકે આજે એમની લાડલી વહુદીકરી નિરાલી ના લગ્ન જો હતા.

મંડપ, સજાવટ દરેકે દરેક વસ્તુ જોરદાર હતી. લગ્નમાં આવનાર બધા આ બધું જોઈને મોમાં આંગળા નાંખી ગયા હતા.

આવી સજાવટ તો નિખિલના લગ્નમાં પણ નહોતી કરાવી રાધાબા એ. ને આ ખાવાનું તો જુઓ કોઈ આઈટમ ની કમી નથી. એક થી એક ચડિયાતી ખાવાની વાનગી છે. બધા ના મોઢે આજ વાત હતી.

નિરાલી તો આજે સોળે શણગારમાં એટલી સુંદર લાગતી હતી કે એના વર્ણન માટે શબ્દો શોધવા પડે એવી સ્થિતિ હતી. શરીર પર સોનાના દાગીના, માથે લાલ ચટાક ઝગમગ થતું પાનેતર ને શરીર પર ભરાવદાર ગરચોળું. કેટલીક વહુઓ ને આજે નિરાલી ની ઈર્ષા થતી હતી.

કેટલી નસીબદાર છે કે રાધાબા જેવી સાસુ મળી છે. આ શણગાર તો જો કેટલી સુંદર લાગે છે. કોઈ કહે કે આ બીજા લગ્ન છે આના? બસ આજ વાતો હતી લગ્નમાં.

ત્યાં મહારાજે કહ્યું કન્યાદાન માટે આવી જાવ. ત્યાં રાધાબા ની શોધ ચાલુ થઈ. કામમાં એટલા વ્યસ્ત હતા કે એમને બોલાવવા માણસ મોકલવો પડ્યો.

રાધાબા ચાલો કન્યાદાન નો સમય થઈ ગયો છે.

રાધાબા તરત જ ચોરીમાં આવી ગયા. ખૂબ જ સલુકાઈ થી એમણે નિરાલી નું કન્યાદાન કર્યું. એમની આંખોમાં થી આંસુ વહી રહ્યા હતા. ગઠબંધન કર્યા પછી એ ઉભા થયા. હજુ પણ એમની આંખો નમ હતી.

રાધાબેન આમ ઢીલા કેમ થાવ છો? દીકરી નું દાન કરવું એતો અમૂલ્ય લ્હાવો છે, નિરાલીની મમ્મી સવિતાબેને રાધાબા ને સાંત્વન આપતા કહ્યું.

રાધાબા એ બે હાથ જોડી સવિતાબેન ને કહ્યું, ખૂબ ખૂબ આભાર તમારો. તમે મને આ મોકો આપ્યો.

અરે અરે રાધાબેન આ શું બોલ્યા. આભાર તો અમારે તમારો માનવાનો તમે અમારી દીકરી ને સવાયુ ઘર અને વર શોધી ને ફરી પરણાવી દીધી. એક દીકરીના માબાપ ને જીંદગીભર નું સુખ આપી દીધું. તમે તો જન્મ આપનારી મા કરતા પણ મહાન છો.

ના ના સવિતાબેન આવું ના બોલો. નિરાલી ને મેં જન્મ ભલે ના આપ્યો પણ એ મારી જ દીકરી છે. ને એક મા પોતાની દીકરી ને દુઃખ માં કેવી રીતે જોઈ શકે?

ત્યાં મહારાજ બોલ્યા, લગ્ન પૂર્ણ થયા. હવે વડીલોના આશીર્વાદ લઈ લો.

નિરાલી અને તેના પતિ અતુલે પહેલા આશીર્વાદ રાધાબા ના લીધા.

ખૂબ ખુશ રહો. સુખે થી જીવન જીવો. આટલું બોલતા તો રાધાબા ગળગળા થઈ ગયા.

બા તમે આમ.... નિરાલી બોલી.

અરે બેટા આ તો ખુશી ના આસું છે. મારી દીકરી આજે ખુશ જો છે.

શાંતિ થી લગ્ન પતી ગયા ને રાધાબા એ કોઈપણ ઉણપ ના રહેવા દીધી. કરિયાવર પણ એટલું આપ્યું કે લોકો ની આંખો ચાર થઈ ગઈ.

નિરાલી ને વળાવ્યા પછી એ રૂમમાં નિખિલના ફોટા ને જોતા બોલ્યા, માફ કરજે દીકરા પણ હું નહોતી ઇચ્છતી કે જે જીંદગી મેં જીવી એ નિરાલી જીવે. બેટા હું તો ખર્યું પાન છું ખબર નહિ ક્યારે ખરી પડું. મારા પછી નિરાલી નું કોણ? તું મને સમજી શકીશ એની મને પુરી ખાતરી છે. રાધાબા પોતાના ભૂતકાળમાં સરી ગયા.

રાધાબા પરણીને આવ્યા એના બીજા જ વર્ષે નિખિલ નો જન્મ થયો હતો. ઘરમાં બધા ખુશ હતા. રાધાબા ના પતિ સુજીતભાઈ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતા. એમનો સંસાર ખૂબ સરસ રીતે ચાલતો હતો. પણ કહે છે ને જ્યાં બધું સીધું ચાલતું હોય ત્યાં જ કોઈ મુશ્કેલી આવે.

સુજીતભાઈ ને ટી.બી. ની બીમારી લાગી ગઈ. ઘણી દવાઓ કરી પણ કોઈ ફર્ક પડ્યો નહિ. ને એક દિવસ રાધાબા અને પાંચ વર્ષના નિખિલ ને મૂકીને એ વૈકુંઠધામ ચાલ્યા ગયા.

ત્યારે રાધાબા ની ઉંમર પચ્ચીસ વર્ષ ની હતી. આટલી નાની ઉંમર માં રાધાબા વિધવા થઈ ગયા. એ સમયમાં સ્ત્રી વિધવા થાય તો એના બીજા લગ્ન ની વાત જ નહોતી થતી. ને રાધાબા પણ બીજા લગ્ન વિશે નહોતા વિચારતા. એમણે તો નિખિલ ને જ જીવનનો મકસદ્દ માની જીંદગી જીવવાનું ચાલુ કરી દીધું.

ભણેલા તો હતા નહિ. એટલે ઘરે જ પાપડ, અથાણાં જેવા નાના મોટા કામ કરી ને નિખિલ ને મોટો કરવા લાગ્યા. નિખિલ પણ મા ની અને ઘર ની પરિસ્થિતિ સમજતો હતો. એ પણ મન લગાવી ને ભણવા લાગ્યો. એમણે નિખિલ ને ભણાવી ગણાવી ને એન્જીનીયર બનાવ્યો. ને એક સારી જગ્યાએ નિખિલ ને નોકરી મળી ગઈ.

રાધાબા નું કામ કરેલું મજરે લાગ્યું. હવે ઘરમાં બે પૈસાની આવક પણ વધી ગઈ હતી. હવે રાધાબા ની ઈચ્છા એક સારી ને સંસ્કારી છોકરી જોઈ ને નિખિલના લગ્ન કરવાની હતી. એમણે પસંદગી નો કળશ નિરાલી પર ઢોળ્યો.

નિરાલી પીટીસી સુધી ભળેલી હતી. સારા ઘર ની સંસ્કારી છોકરી હતી. નિખિલ અને નિરાલી એ પણ રાધાબા ની પસંદ પર હા ની મહોર મારી દીધી. ખૂબ ધામધૂમ થી બન્ને ના લગ્ન થઈ ગયા.

નિરાલીના આવવા થી રાધાબા ના ઘરની રોનક વધી ગઈ. સુના ઘરમાં હવે નિરાલીના પગ ની પાયલનો રુમઝુમ અવાજ ગુંજવા લાગ્યો. પણ કહે છે ને ભગવાન ઘણીવાર એક ના એક માણસ ની જ પરીક્ષા લીધા કરે છે. એક દિવસ ઓફિસે થી ઘરે આવતા એક ટ્રકે નિખિલ ની બાઇક ને ટકકર મારી ને એનું પ્રાણ પંખેરુ ત્યાંજ ઉડી ગયું.

રાધાબા પર તો આભ તૂટી પડ્યું. હજુ તો નિરાલીએ સંસાર નો રસ પણ પુરે પૂરો ચાખ્યો નહોતો. એના ગાલો પરના શરમના શેરડા હજુતો દેખાતા હતા ત્યાં એક વર્ષ નું ટૂંકુ લગ્નજીવન જીવી ને નિખિલ એને એકલી મૂકી ચાલ્યો ગયો.

નિરાલી ની જુવાની સામે જોઈ રાધાબા હચમચી ગયા હતા. એમણે ભગવાન સાથે રીતસર નો ઝગડો જ કરી દીધો. ભગવાન તે મારી સાથે તો આવું કર્યું જ પણ મારા દીકરા સાથે પણ? ને આ ફૂલ જેવી દીકરીનો શું વાંક હતો તે તેને પણ તે દુઃખ ના ડુંગરા નીચે દબાવી દીધી. શુ થશે આ દીકરી નું? કેમ જીવન જીવશે? આમ આવા કેટલાય પ્રશ્નો પૂછી ને ભગવાન સાથે રાધાબા એ ઝગડો કરી લીધો.

પણ એમને ક્યાં ખબર હતી હજુ તો એક બીજો ઝટકો એમને મળવાનો હતો. હજુ તો નિખિલ ની મરણોત્તર વિધિઓ પુરી નહોતી થઈ ત્યાં એક દિવસ નિરાલી અચાનક બેભાન થઈ ગઈ. રાધાબા તરત જ એને દવાખાને લઈ ગયા. ત્યાં નિરાલી ને તપાસતા ડોક્ટરે કહ્યું કે નિરાલી ના પેટમાં બે મહિનાનો ગર્ભ છે.

રાધાબા ને સમજ ના પડી કે શું કરવું? પોતાના દીકરાનો અંશ આ દુનિયામાં આવવાનો છે એ જાણી ખુશ થવું? કે એક વિધવા એક બાળકને જન્મ આપવાની છે એ જાણી દુઃખી થવું? એમને કઈ સમજ ના પડી.

બે દિવસ નિરાલી ને દવાખાનમાં રાખ્યા પછી ઘરે લઈ આવ્યા. નિરાલી ના મુખનું તેજ હણાય ગયું હતું. પોતે મા બનવાની છે એ જાણી ને એ ખૂબ રડી. નિખિલ હોત તો કેટલો ખુશ થાત? હવે એ શુ કરશે? એ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી. નિખિલ ના ફોટા સામું જોઈ રડી લેતી.

ને એની આવી સ્થિતિ જોઈ રાધાબા નો જીવ કપાય જતો. પણ એમણે હવે કિસ્મત સામે બાંયો ચડાવી લીધી. એમણે મનોમન કઈ નક્કી કરી લીધું. ને પછી એક સવારે એ નિરાલી પાસે ગયા.

નિરાલી મારે તારી સાથે વાત કરવી છે.

હા બા બોલો શુ હતું. નિરાલી મેં વિચાર્યું છે કે....

હા બા બોલો તમે શુ વિચાર્યું છે?

નિરાલી મેં વિચાર્યું છે કે તું એબોર્શન કરવી લે આટલું બોલતા બોલતા તો રાધાબા ગળગળા થઈ ગયા પણ એમણે પોતાની જાત પર કાબુ રાખ્યો.

બા તમે આ શુ બોલો છો? નિરાલી એકદમ આશ્ચર્ય સાથે ઉભી થઈ ગઈ. આ નિખિલ ની છેલ્લી નિશાની છે. આ ઘર નો એકમાત્ર વારસદાર છે બા. ને તમે એને મારી નાંખવાનું કહો છો.

હા નિરાલી હું જે પણ બોલું છું એ સમજી વિચારી ને બોલું છું. હું બધું જ જાણું છું છતાં મારી ઈચ્છા છે કે તું એબોર્શન કરવી લે.

ના બા હું એવું નહિ કરું. આ મારુ બાળક છે. મારા અને નિખિલના પ્રેમનું પ્રતીક છે. ને તમે એક મા થઈ ને બીજી મા ને તેના બાળકને મારી નાંખવાનું કહો છો? ને નિરાલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.

રાધાબા એના માથા પર હાથ ફેરવતા કહ્યું જો દીકરા અહીં બેસ. મને ખબર છે તને કેવું લાગે છે. પણ નિરાલી તું તારી ઉંમર જો. તું હજુ માંડ ચોવીસ વર્ષ ની છે. તારી સામે આખી જીંદગી પડી છે. નિખિલ આપણ ને છોડી ને ચાલ્યો ગયો છે જે હવે ક્યારેય પાછો આવવાનો નથી. ને આ પહાડ જેવી મોટી જીંદગી એકલા થી નહીં જીવાય.

પણ બા હું એકલી ક્યાં છું? તમે છો આ આવનાર બાળક છે. હું જીવી લઈશ બા.

ના નિરાલી તું અત્યારે ભાવનાઓ માં વહી રહી છે. હજુ નિખિલ ને ગયે વધુ સમય નથી થયો એટલે તને બધું કરી શકીશ એમ લાગે છે. પણ દીકરા મને પૂછ એકલા જીવવું કેટલું મુશ્કેલ છે. શરૂઆત માં બધું સારું લાગે છે. પણ પછી રોજ રોજ જીવવા માટે પોતાની જાત સાથે લડવું પડે છે, દુનિયા સામે મજબૂત ના હોવા છતાં મજબૂત બનવાનો ઢોંગ કરવો પડે છે. બાળકના સારા ભવિષ્ય માટે પૈસા કમાવવા મહેનત કરવી પડે છે ને આ પૈસા કમાવવા ઘર ની બહાર નીકળવું પડે છે. જ્યાં લોકો તમે એકલા છો એ જાણી તમારો લાભ ઉઠવા નો પ્રયત્ન કરે છે. પળે પળે તમારે આ સમાજ, દુનિયા સામે લડવું પડે છે. સતત કોઈ ભૂલ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે. સતત માનસિક તાણ માં જીવવું પડે છે દીકરા.

આજે પણ આપણા સમાજમાં એકલી જીવતી સ્ત્રી ને લોકો કોઈ ને કોઈ રીતે પરેશાન કર્યા જ કરે છે. તેઓ એ સ્વીકારી જ નથી શકતા કે એક સ્ત્રી પતિ સિવાય પણ જીવન જીવી શકે છે. તારે સતત આ માનસિક તાણમાં થી પસાર થવું પડશે. દિવસ તો કામની ભાગદોડ માં જતો રહેશે પણ રાત તને ખાવા દોડશે. દિવસ નો થાક, કંટાળો, તકલીફો રાત્રે તને એક સાથી ની ઉણપ વર્તાવશે. તું કોઈ નો સાથ ઝંખીશ. ધીરે ધીરે જીવન બોજ લાગવા લાગશે. પણ બાળક ની પરવરીશ ની જવાબદારી તને મરવા પણ નહિ દે. જો દીકરા આ જીવન તને સરળ નહિ લાગે. ને હું કેટલા દિવસ જીવીશ? ને મારા ગયા પછી તું એકલી કેવી રીતે આ જીંદગી સામે ઝઝૂમીશ?

નિરાલી શાંતિ થી રાધાબા ની વાત સાંભળી રહી હતી. પણ એની આંખોમાં થી અશ્રુઓ તો વહી જ રહ્યા હતા.

નિરાલી તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું.

હા બા હું સમજુ છું તમે શુ કહેવા માંગો છો. પણ બા હું ભણેલી છું કોઈ નોકરી કરી લઈશ. ને હવે જમાનો પણ બદલાયો છે.

ત્યાં જ તું ભૂલ કરે છે બેટા. જમાનો નથી બદલાયો માત્ર માણસો નો પહેરવેશ બદલાયો છે. જે પુરુષ પહેલા ધોતી ઝભો પહેરતો હતો એ આજે પેન્ટ શર્ટ, જીન્સ ટ્રાઉઝર પહેરવા લાગ્યો છે. પણ એ પહેરવેશ ની અંદરના પુરુષના વિચારો આજે પણ જુનવાણી છે. એ આજે પણ સ્ત્રી ને પોતાની ગુલામ બનાવી રાખવા માંગે છે. એકલી સ્ત્રી ને જોઈ તેનો લાભ લેવા નો પ્રયત્ન કરે છે. જે સ્ત્રી કાલે માત્ર સાડી પહેરતી હતી એ આજે સલવાર કમીઝ કે જીન્સ ટી શર્ટ પહેરવા લાગી છે. પણ એના વિચારો આજે પણ બીજી સ્ત્રી ના પગ ખેંચવામાં રચ્યાં પચ્યાં રહે છે. તે પોતાના કરતા બીજી સ્ત્રી આગળ વધે એ જોઈ શકતી નથી. એક સ્ત્રી બીજી સ્ત્રી ની ચાડીચુગલી કરી એને બદનામ કરવાના પ્રયત્નો કર્યા જ કરે છે. બેટા તારી જીંદગી નર્ક બની જશે. તું મને સમજવાનો પ્રયત્ન કર.

નિરાલી રાધાબા ની વાત ને સમજી રહી હતી. પણ એનું હૃદય એ વાત સ્વીકારવા તૈયાર નહોતું. પણ રાધાબા એ હાર ના માની. એમણે સમય સમયે નિરાલીને સમજાવા નો પ્રયત્ન ચાલુ રાખ્યો.

ને આખરે નિરાલીએ રાધાબા ની જીદ આગળ ઝુકવું જ પડ્યું ને એ એબોર્શન માટે માની ગઈ. રાધાબા એ નિરાલીના મમ્મી પપ્પા ની પણ સહમતી લઈ લીધી ને નિરાલી નું એબોર્શન કરવી જ લીધું.

એ દિવસ રાધાબા માટે ખૂબ તકલીફ દાયક હતો. પોતાના એકના એક દીકરા ની છેલ્લી નિશાની એમણે ગુમાવી દીધી હતી. ને એક અજન્મા બાળકના ખૂનનો બોજ પણ એમના પર આવી ગયો હતો. એના માટે એમણે ભગવાનની ખૂબ માફી માંગી. પણ પોતાની હિંમત ના તૂટવા દીધી.

ધીરે ધીરે એ નિરાલી ને આ પરિસ્થિતિઓ માં થી બહાર લાવવામાં મદદ કરવા લાગ્યા. દરેક ક્ષણે તેઓ નિરાલી માટે તત્પર રહેતા. નિરાલી ને જ્યાં મા ની જરૂર પડે ત્યાં મા બની, દોસ્ત ની જરૂર પડે ત્યાં દોસ્ત બની, જ્યાં વડીલની જરૂર પડે ત્યાં વડીલ બની એ નિરાલી ની મદદ કરતા. નિરાલી ને કોઈ રોકટોક નહોતી. એ ખૂબ શાંતિ થી જીવી રહી હતી.

એમણે નિરાલીના ભણતર ને અનુરૂપ શિક્ષક ની નોકરીમાં લગાવી દીધી. થોડા સમય પછી રાધાબા ને લાગ્યું કે નિરાલી હવે નોર્મલ થઈ ગઈ છે એટલે એમણે એક દિવસ નિરાલી સામે એના બીજા લગ્ન ની વાત કરી. સમય અને રાધાબા ના પ્રયત્નો ને નિરાલી સમજી ગઈ હતી એટલે એણે લગ્ન માટે હા પાડી દીધી.

ને રાધાબા એ ઘણા છોકરા જોયા પછી અતુલ ને નિરાલી માટે પસંદ કર્યો. અતુલ એક વિધુર હતો. એની પત્ની પ્રેગ્નન્સી વખતે કોઈ કોમ્પ્લિકેશન થતા મૃત્યુ પામી હતી. સ્વભાવે શાંત અને સમજદાર વ્યક્તિ હતો અતુલ. રાધાબા એ પુરી ચકાસણી કર્યા પછી નિરાલી માટે તેને પસંદ કર્યો હતો. એમણે દરેક વાતે નિરાલીના માતાપિતા ને સાથે રાખ્યા હતા. ને ક્યા માતાપિતા પોતાની દીકરી ની ભલાઈ ના ઇચ્છતા હોય? એમણે હંમેશા રાધાબા નો સાથ આપ્યો. ને આજે નિરાલી ને ખુશી ખુશી સાસરે વળાવી રાધાબા પોતાને હળવાફૂલ અનુભવી રહ્યા હતા.

રાધાબેન તમે બરાબર તો છો ને? સવિતાબેને રાધાબા ના ખભે હાથ મુકતા પૂછ્યું.

હા સવિતાબેન હું એકદમ બરાબર છું. બસ નિખિલ ની માફી માંગતી હતી કે મારા થી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરીદે.

રાધાબેન તમે જે કર્યું છે તે કોઈ ના કરી શકે? કઈ મા પોતાના ઘડપણ ની લાકડી આમ પોતાના હાથે જ તોડી નાંખે? કોણ આજે બીજા ની દીકરી નું આટલું ભલું ઈચ્છે છે? તમે તો આ દુનિયા ને એક નવી રાહ ચીંધી છે.

ના સવિતાબેન મેં તો મારી દીકરી ને સુખી કરવાનો પ્રયત્ન કર્યો છે. બાકી બીજું તો ઉપરવાળો જાણે. ને રાધાબા ઉભા થયા. લો હું તો આમ જ બેસી ગઈ હજુ તો ઘણા કામ બાકી છે. ને રાધાબા ત્યાં થી ચાલ્યા ગયા.

સવિતાબેન રાધાબા ને જતાં જોઈ રહ્યા ને મનમાં જ બોલ્યા, કેટલી મહાન છે આ સ્ત્રી. પોતાનું બધું કોઈની દીકરી પાછળ લૂંટાવી ને ખુશ થાય છે. પ્રભુ તારો આભાર જો દુનિયામાં આવી સાસુઓ હશે તો અમારા જેવા માબાપ ને ક્યારેય સાસરે વળાવેલી દીકરી ની ચિંતા નહીં કરવી પડે.

આ એક સત્ય ઘટના છે. આજે રાધાબા આ દુનિયામાં નથી પણ નિરાલીના પગ ની ઝાંઝર આજે પણ અતુલના ઘરમાં રુમઝુમ વાગે છે અને સાથે સાથે તેમની દીકરી રાધાની કિલકારીઓ પણ ગુંજે છે.