niyog books and stories free download online pdf in Gujarati

નિયોગ

અનંતરાય કિચનમાં પાણી પીવા ગયા ત્યારે એમની પુત્રવધુ વીરા પોતાના બેડરૂમમાં આરામ કરી રહી હતી, નોવેલ વાંચતા વાંચતા ઝોકે ચડી હતી, એ નિઃસંકોચ નજરે એને જોઈ રહ્યા. એમના ખાસ મિત્રની દીકરી વીરા આ ઘરની વહુ થઈને આવી હતી અને દીકરી જેવી બનીને રહી હતી. પ્રેમાળ સસરાના વાત્સલ્યના વિશ્વાસે એ ખુલ્લા દરવાજે નિરાંતની નીંદર માણી રહી હતી.એના માથે હાથ ફેરવવવાની ઈચ્છા રોકી અનંતરાય પોતાની રૂમમાં ગયા ત્યારે વળી બીજા મિત્રએ કહેલી વાત યાદ આવી, "કરોડોની મિલકતનો તું ધણી છો અને તારો દીકરો નિઃસંતાન!! હવે તમારે વારસદાર યા તો શોધવો જોઈએ યા મેળવવો જોઈએ." સાવ સાચી વાત..પુત્રના લગ્નને દસ વર્ષ વીતી ગયા હતા, એકના એક પુત્ર થકી સંતાન થવું હવે સંભવ નહોતું. એક કાર અકસ્માતના કારણે પુત્ર વીર નિર્વિર્ય બની ગયો હતો. હવે અન્યના વીર્યથી જ વારસદાર સંભવ બને અથવા તેઓ કોઈ અનાથ બાળકને દત્તક લઇ લેય. પોતે પણ માબાપનું એક માત્ર સંતાન હતા એટલે લોહીના સંબંધમાં પણ કોઈ નહોતું. અજાણ્યાંનું બાળક દત્તક લેવા માટે મન માનતું નહોતું.

એવામાં અન્ય એક મિત્રએ કહ્યું કે એનો દીકરો વીર્ય બેન્ક ચલાવે છે, તે સારામાં સારી વ્યક્તિનું વીર્ય અપાવી શકે. એમણે કહ્યું કે અજાણી વ્યક્તિનું વીર્ય લેવાની મને ઈચ્છા નથી થતી. વીરા એ માટે તૈયાર છે પણ વીર અને મારૂં મન નથી માનતું ત્યારે એ મિત્ર મજાકમાં બોલી ગયેલો, "એમ તો તું પણ ફિટ દેખાય છે, જરા ચેક કરાવી લે!" સાંભળીને
અનંતરાય ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને બોલ્યા હતા કે વીરા મારી દીકરી જેવી છે, હું એ વાત વિચારી પણ ના શકું." "તારે ક્યાં એની સાથે સંબંધ બાંધવો છે? તું ઈચ્છે તો આપણે વીર કે વીરાને પણ વાત નહીં કરીએ..મિત્રએ કહ્યું હતું, વિચારી લે, તમને વારસદાર મળી જશે, આજકાલ તો માતા પણ દીકરી માટે પોતાની કૂખ આપે છે અને જુના જમાનામાં નિયોગની પ્રથા હતી જ ને!"
અનંતરાય વિચારોના વમળમાં અટવાઈ ગયા હતા. આ આડકતરો નિયોગ જ કહેવાય ને? ના ના..પત્નીના મૃત્યુ પછી અન્ય સંબંધ તો ઠીક કદી હસ્તમૈથુન પણ નથી કર્યું. એમાં ય વીરાને તો નાનપણથી જ દીકરી તરીકે જોઈ હતી. એમણે વિચાર ખંખેરી નાખ્યો હતો પણ વારસદાર મેળવવાની લાલસા જતી નહોતી. વીર તો એમ કહેતો હતો કે એક વારસદારને શા માટે બધું મળવું જોઈએ? ટ્રસ્ટ કરીએ તો કેટલાય અનાથ બાળકોનું જીવન સુધરી જાય. વીરા બિચારી ખાસ જવાબ ન આપતી, એણે ફક્ત એક વાર કહ્યું હતું કે એને માતા બનવું ગમે છે.
થોડા સમય પછી ફરી અનંતરાયના દિમાગમાં વારસદાર માટેની ઈચ્છા જાગી જ્યારે એક બહુ મોટા ટ્રસ્ટની ગોલમાલ એમણે છાપામાં વાંચી. કંઇક વાર સુધી વિચાર કરીને તેઓ મિત્રપુત્રની બેન્ક સુધી જવા માટે નીકળ્યા પણ રસ્તામાં જ વેવાઈ મળી ગયા. એમની સાથે એમના કોઈ સગા હતા, તેમને ઓળખાણ કરાવતા એ બોલ્યા કે આવા વેવાઈ મેળવી હું બહુ ખુશ છું, એમના સિવાય મારી દીકરીને કોણ પોતાની દીકરીની જેમ રાખે? અને.. એ પાછા વળી ગયા!
જાણે આ દુવિધાનો નિયતીએ જાતે જ જવાબ આપવો હોય એમ એક રાત્રે વીરે એમને ખુશખબર આપ્યા કે એ જે ટ્રીટમેન્ટ કરાવતો હતો એના કારણે તેના શરીરમાં જોઈતું વીર્ય બની રહ્યું છે અને થોડા મહિના પછી એક ખાસ પ્રક્રિયા દ્વારા તે પિતા બની શકશે. ધર્મભીરુ અને સરળ અનંતરાયે ઈશ્વરનો ખુબ ખુબ આભાર માન્યો, પોતાને આડકતરા નિયોગના પાપમાંથી બચાવી લેવા માટે!
બીજા દિવસના છાપામાં સમાચાર હતાં કે એક ivf centre ચલાવતા ડોક્ટરે પોતાના વીર્યથી 60થી પણ વધુ બાળકો પેદા કર્યાંનો દાવો કર્યો છે..વાહ રે, દુનિયા!
ઉષા પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો