રુહાન - પ્રકરણ - 2 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુહાન - પ્રકરણ - 2

?આરતીસોની?
       પ્રકરણ : 2

                   ?રુહાન?

આપે આગળ પ્રકરણ : 1 માં વાંચ્યું કે બિંદાશ રુહાન એની મમ્મીનું સાંભળ્યું ન સાંભળ્યું કરી ધરેથી પોતાની બર્થડે પાર્ટી સેલિબ્રેશનની તૈયારી માટે નીકળી પડે છે.. પણ એનો એક્સિડન્ટ થઈ જાય છે.. અને મીનાબેન અને બીપીનભાઈ પર કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન આવે છે.. હવે આગળ શું થાય છે..

"રુહાનનો એક્સિડેન્ટ થયો છે. અને એ હૉસ્પિટલમાં છે, હું તો એને રહેમરાહે રોડ ઉપર કણસતો પડ્યો હતો તે રીક્ષામાં ઘાલીને અહીં સાલ હૉસ્પિટલમાં લઈ આવ્યો છું."

"હેં.. શું કહે છે."

ભૂયંગદેવથી સાલ હૉસ્પિટલ પહોંચવામાં માંડ પાંચેક મીનીટ લાગે. તાબડતોબ બેઉં જણ હૉસ્પિટલ પહોંચ્યા. મીનાબેન જતાં વેંત રુહાનને વળગી પડ્યાં, "શું થયું આ મારાં લાલને.?" એની હાલત જોઈ કૂટીકૂટીને રડવા લાગ્યા.

"હૉસ્પિટલમાં જે ભાઈ લઈ આવ્યાં હતાં એમણે સાંત્વના આપતા કહ્યું, "બહેન શાંતિ રાખો અને ભગવાનનો પાડ માનો કે, એને બહુ વાગ્યું નથી."

"આપનું નામ.?" બીપીનભાઈ એ પુછ્યું.

"હા.. હું સોહમભાઈ અક્સ્માત થયો ત્યારે હું ત્યાં જ ઊભો હતો. મારા એક મિત્ર મને લેવા આવવાના હતાં. હું એમની રાહ જોઈને ઉભો હતો."

અને બરાબર ત્યારે જ ડૉક્ટર આવ્યા,
"હાથે પગે થોડું વધારે છોલાઈ ગયું છે અને ચામડીનું એક પડળ જ ઉતરી ગયું છે. પગમાં એક જગ્યાએ ઘા પણ પડ્યો છે. એને કારણે લોહી ખૂબ વહી નીકળ્યું છે, ત્યાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. લોહી વહી જવાથી એક બોટલ લોહી ચઢાવવું પડ્શે.!"

બીપીનભાઈનો સાતમાં આસમાને રહેતો મગજનો પારો ઠંડો પડી તળીયે બેસી ગયો હતો. ઠંડાગાર થઈ ગયેલા બીપીનભાઈ એકબાજુએ ચૂપચાપ ઊભા રહ્યાં હતાં. 'હવે કહીને કે વઢીનેય શું કરવાનું? જ્યારે કહેતાં હતાં ત્યારે રુહાને એક વાત મારી સાંભળી નહીં. અંતે જે વાતનો ડર હતો એ જ થઈ ને રહ્યું.'

મીનાબેન રુહાનને માથે હાથ ફેરવતાં એના પાસે બેઠાં હતાં. ને સોહમભાઈએ બીપીનભાઈને ઈશારો કરી બહાર આવવા કહ્યું, બહાર જઈને સોહમભાઈએ બીપીનભાઈને કહ્યું,
"એક્સિડેન્ટ આમ નાનો પણ બહું ગંભીર થયો છે."

"કેમ એવું શું થયું છે?"

"હું જ્યાં ઉભો હતો, મારા મિત્રની રાહ જોઈને ત્યાં મારી બાજુમાં જ એક બીજા ઉંમરલાયક કાકા ઊભા હતાં. રોહનનું ત્યાંથી નીકળવું અને અચાનક કાકાનું ત્યાંથી ચાલવું, રોહને એકદમ બ્રેક મારી અને ઉભા રહેવાની કોશિશ કરી પણ કાકાની સાઈડમાંથી એક્ટિવા નીકળી ગયું. એણે સ્ટેરીંગ ફેરવી સાઈડમાં લઈ લીધું અને ત્યાં પાર્ક કરેલી ગાડી ઉભી હતી એને જઈને અથડાઈ ગયો.."

"કાકા… એ કાકાને કંઈ વાગ્યું નથી ને.?"

"એ કાકાને સહેજ પણ ટચ થયું નહોતું, અને કંઈ વાગ્યું નહોતું, એમને તો એક ખરોજ પણ આવી નહોતી, પણ ખબર નથી શું થયું કે એ કાકા અચાનક એ જ વખતે અડબડિયુ ખાઈને સીધેસીધા ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યાં.!!"

"ઓહ.. એમને પણ અહીં એડમિટ કર્યા છે?"

"હા એમને પડી જવાને કારણે માથામાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું હતું.. એટલે એ વખતે એમને પણ સાથે જ રીક્ષામાં અહીં લઈ આવ્યો છું, અહીં જ એમને એડમિટ કર્યા છે.. પણ ડૉક્ટર કહી રહ્યાં હતાં એ જીવીત નથી. હી ઇઝ નો મોર.."

"ઓ..બાપ.રે.." બીપીનભાઈના મોંઢેથી ચિંતિત સ્વરે ઉદગાર નીકળી પડ્યા. અને લમણે હાથ દઈને ત્યાં વેઈટીંગ ચેરમાં ફસડાઈ પડ્યા..

"હું જાણું છું કે, તમારા દીકરાનો કોઈ જ દોષ નહોતો. છતાં એક વ્યક્તિ એ જાન ગુમાવ્યાના પોલીસ કાગળ કરશે ત્યારે એના ઉપર કલમ લગાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તો કરશે જ.."

"કોઈ ઉપાય નથી એને આમાંથી બચાવવાનો.?"

"અત્યારે હવે મારે જવું પડશે સવાર થવા આવી છે, મારા ઘરે મારી પત્ની અને બાળકો ચિંતા કરે છે, ઉપરા ઉપરી એમના મોબાઇલ ફોન આવ્યા કરે છે, હું નીકળું છું.." એમ કહી સોહમભાઈ નીકળી ગયા..

બીપીનભાઈએ મોઢું ઉપર નીચે ધુણાવી સોહમભાઈને જવા પરમીશન આપી, હવે ખરેખર એમની આંખોના ખૂણા ભીના થઈ ગયાં હતાં. મીનાબેનને બહાર બોલાવી ડૂમો ભરાઈ ગયેલાં સ્વરે પોલીસ આવે એ પહેલાં સઘળી હકીકત જણાવી.

મીનાબેનની આંખો ચોધાર આંસુડે મેઘ તાંડવ નૃત્ય કરવા લાગ્યા. પોલીસ આવશે ત્યારે શું થશેના વિચારો સાથે બીપીનભાઈ પણ ધ્રુજી ઉઠ્યાં હતાં.

"અરે મારા લાલનુ શું થશે? પોલીસ જેલમાં પૂરી દેશે તો એનું જીવન ધૂળ થશે. હજું જવાની ફૂટી નથીને એને જેલ જવાનો વખત આવશે.."

"મુછનો દોરો ફૂટ્યો એ તો તકલીફ છે.. ફૂટ્યો ના હોત તોયે સારું હતું. માઇનોરની ગણતરીમાં આવતો ને છૂટી જાત ક્યાંક..
હું એને કહી કહીને થાક્યો. થોડોક સિરિયસ થા જીવન પ્રત્યે..પણ સાંભળે છે કોણ. શું થશે હવે આનું.? આવાં કેસમાં પોલીસ દ્વારા જેલમાં જ ધકેલી દેવામાં આવે છે.."

"ના..ના.. તમે કંઈક કરો. જેલમાં જશે તો એની જિંદગી શું રહેશે."

"શાંતિ રાખ.. વિચારવા દે કંઈક.. હું કંઈક કરું છું. આપણાં રુહાનને કશું જ નહીં થવા દઉં. રડવા સિવાય તમારાથી તો કંઈ થવાનું નથી.!! મારે જ કંઈક કરવું પડશે ને.. તું એનું ધ્યાન રાખ ફક્ત."

-આરતીસોની

ક્રમશઃ વધુ આગળ પ્રકરણ 3 વાંચો.. બીપીનભાઈ એમના દીકરા રુહાનને શું જેલમાં જતો રોકી શકશે?? શું ઉપાય કરશે? તો પ્રકરણ 3 વાંચો.. ?