Conversation between two friends books and stories free download online pdf in Gujarati

બે મિત્રો વચ્ચેની વાતચિત

ભીની આંખો નીચે ગુલાબી હોઠ, સફેદ શાંત રંગનો શર્ટ અને નીચે કાળા કલરનું પેન્ટ, આ તેનો મનપસંદ કલર હતો. રોજ આ જ કલરમાં પોતાના શરીરને સમાંવી તે કામ કરવા માટે જતો. કુંજ, હા તેનું નામ કુંજ છે. ચાની લારી પાસે ઉભા ઉભા એ કોઈની રાહ જોઈ રહ્યો હતો. તેણે થાકીને પોતાના પેન્ટના ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો, આંખો મોટી કરી સ્ક્રીન પર હળવી આંગળીઓ ફેરવી મનમાં બબડ્યો. "એ ક્યારે આવશે?" તેણે સર્ફિંગ થતા યૂટ્યૂબને બંધ કર્યું અને ચા બનાવતા કાકા પાસે જઈ કહ્યું. "શું કાકા કેમ છે?"

ચા વાળા કાકાએ હળવી મુસ્કુરાહટ આપી, ઉકળતા દૂધમાં નશા રૂપી ભૂકી નાંખતા કહ્યું. "અમારે શું હોય બેટા રોજનું ખાવાનું, જલસામાં જીવવાનું, અને મૃત્યું આવે ત્યારે આંખો બંધ કરી સુઈ જવાનું. તમારી જેમ અમે ભણેલ અને ચોપડાં નથી ફડયાને!"


કુંજ પણ કાકાની વાત સાંભળી મુસ્કુરાયો અને ખંભા પર લટકાવી રાખેલ જીવનનાં ભાર રૂપી બેગને નીચે મૂકી, લાબું વિચારી બોલ્યો. "કાકા તમે તો અમારા કરતા પણ હોશિયાર છો."

પછી બંને વચ્ચે મૌન છવાય ગયું, લાગ્યું વરસાદી વાદળો દેખાયાં પણ વરસ્યાં નહીં. ફરી કુંજ મોટી આંખો કરી, તેની રાહ જોવા લાગ્યો. સમય વીતતો ગયો અને ચામાં ઉકાળ પણ આવવાં લાગ્યો. કુંજનું મોઢું હવે લાલ થઇ રહ્યું હતું. ગાળો આ સમયના છોકરાઓનાં મોંઢામાંથી ન નીકળે તો તો તે અસંસ્કારી કહેવાય એટલે એ મનમાં બબડી બોલ્યો. "કાકા એક સિગરેટ આપો તો," કાકાએ લાંબો હાથ કરી સિગરેટના પેકેટમાંથી એક સિગરેટ આપી. તેને સળગવા જતાં તે લારી પાસે એક બાઈક ઉભી રહી, કુંજે ફટાફટ સિગરેટ પોતાનાં સફેદ શર્ટના ઉપરનાં ખિસ્સામાં મૂકી. ઝડપથી બેગ બાજુમાં કરી તેની પાસે ગયો. મોંઢામાં આવેલ ગાળ પર કાબુ મેળવી બોલ્યો. "તારે બહું મોડું થઇ ગયું."

તેણે જવાબ આપતા પહેલાં પોતાનું હેલ્મેટ ઉતાર્યું પછી સ્થિર ઉભા રહી મોઢું નીચે કરી થુંક ગળા નીચે ઉતારી બોલ્યો. "સોરી કુંજ, આજ ખબર નહિ પણ થોડું મોડું થઇ ગયું. "

કુંજે, રામનો ઉતારી ગયેલ અવાજ સાંભળી, રામના ઢીલા પડી ગયેલ ખંભા પર એક હાથ રાખી કહ્યું. "શું થયું રામ?, કેમ આટલો ઉદાસ છે?, ઘરે કોઈ પ્રોબ્લેમ છે?"

રામે હકારમાં ડોક હલાવી કુંજ સામે એક નજરે જોઈ કહ્યું. "હા, મારી વાઇફને બીજું બાળક થવાનું છે, અને મારા ખાલી ખિસ્સાઓ જવાબ આપી રહ્યા છે, મારા છ વર્ષનાં છોકરાને સાઇકલ લેવી છે અને મને આ પાંચથી છ હજારની બે પૈડાં વાળી લાબું જીવતી સાઇકલ આજ મોંઘી લાગી રહી છે, લાગે છે જિંદગી સાવરણા જેવી થઇ ગઈ છે, જે આવે તે ઘસીને ચાલ્યો જાય છે. બાકી હતું તો જોબમાંથી પણ બોસે છૂટો કરી દીધો. હવે ખાલી ખિસ્સામાં પરિવારની જવાબદારી રૂપી વજન બહું લાગે છે, અને કમનસીબે હું પાછો પુરુષ છું, હાથમાં બળ લઈને ફરું છું તો કામ તો કરવું જ પડશે, પણ સાલું મળવું જોઈએને એક મહિનો થઇ ગયો જોબમાંથી મને છૂટો કર્યો તેનો પણ હજુ સુધી કોઈ કામ નથી મળ્યું. લાગે છે આ મશીનો મારું જીવન ખાઈ રહ્યા છે. કોઈને પણ કહું કોઈ કામ જ નથી આપી રહ્યા, કહે છે કે આ કામ માટે તો મશીન છે. રાતે સુતા પહેલાં ખુબ વિચારું છું કે આજ સુઈ જાવ પણ ઉંઘ જ નથી આવતી, પગે ખંજોળ આવે તો ખંજોળવાનું પણ મન નથી થતું. હવે તું કે હું શું કરું?"

કુંજ થોડું વિચારી બોલ્યો. "હજુ થોડું બોલી હળવો થઇજા, પછી આપણે વાત કરીએ."


રામે થુંક ગળા નીચે ઉતાર્યું અને રોડ પરથી પસાર થતી મોંઘી ગાડીઓ તરફ જોઈ બોલ્યો. "તને ખબર છે મારા જીવનનો સૌથી સુંદર ચહેરો કયો હતો? મારા બાળકનો. જયારે તે નાનો હતો ત્યારે તેના લાંબા કાળા વાળ પર લીધેલ બે ચોટલીઓ સાથે મોઢામાં આવેલ પાંચ દાંત સાથે હસતો એ ચહેરો. મને લાગે છે આજે એ હસી મારી પાસે પૈસા ન હોવાના કારણે જમીનમાં, પાતાળમાં, કે પછી આ ખુલ્લા આકાશમાં ખોવાઈ ગઈ છે, મને મારા પપ્પાનું જૂનું ભૂતકાળ વધુ પસંદ આવે છે અને મારુ ભવિષ્ય ડરાવી રહ્યું છે, હું ક્યારેક ક્યારેક ઊંડાણથી આ જિંદગીના સંગીતને સાંભળવાની કોશિશ કરું છું પણ મને ઘોંઘાટ જ સંભળાય છે. મારુ આ નાનું મગજ કામ નથી આપી રહ્યું, ક્યારેક ક્યારેક લાગે છે કે આ ભવિષ્યના કાળા અંધકાર પાછળ લાખો મગજ ભાગી રહ્યા છે, એક બીજાથી આગળ નીકળવા માટે!" તે એક નજરે કુંજ સામે જોવે છે, અને હકારમાં ડોક હલાવી પોતાની બે કાળી આંખો પટપટાવી આગળ બોલે છે. "મારૂ જીવન મંદિર બહાર શ્રી ફળ ફોડવા માટે રાખેલ કાળા પથ્થર જેવું થઇ ગયું છે, બધા જ શ્રી ફળ ફોડી જાય છે પણ એ પથ્થર વિશે કોઈ નથી વિચારતું."

કુંજ થોડો મુસ્કુરાયો અને પોતાના ખિસ્સામાંથી સફેદ લાંબી સિગરેટ કાઢી મોઠામાં રાખી. બાજુમાં રહેલ ચા વાળા કાકાની પાસેથી માચીસ માંગી સિગરેટ સળગાવી લાંબો શ્વાસ લઇ એ સિગરેટનો ઘુવાડો પોતાની અંદર સમાવી, બાજુમાં બેઠેલ રામ તરફ જોઈ કહ્યું. "એક સટ માર બધું બરાબર લાગવા લાગશે."


રામ શાંત ચહેરે બોલ્યો. "તને ખબર છે ને, હું નશો નથી કરતો."


કુંજ બોલ્યો. "પણ લોકો કહે છે સિગરેટ પીવાથી મગજના બધા બંધ દરવાજા ખુલી જાય છે અને મગજ ફ્રેશ થઇ જાય છે."


રામ મુસ્કુરાયો અને બોલ્યો. "જો એવું છે તો, અહીં આગળ ભડકો કર ચાલ હું સળગી જાવ એટલે બધુજ બરાબર થઇ જાય, અને મને પણ ખબર પડી જાય કે સાચે ધુમાડો લેવાથી મગજ ફ્રેશ થાય છે કે નહિ."


કુંજે તેની વાત સાંભળી પોતાની સળગતી સિગરેટ બાંકડી સાથે ઘસી ઠારી નાંખી અને પછી શાંત થઇ થોડો સમય એ જ સ્થિતિમાં બેઠો રહ્યો, પછી પોતાના પગને હલકો ધક્કો આપી પગને હલાવી રામ સામે જોઈ, લાંબો શ્વાસ ભરી બોલ્યો. "બાજુમાં મૂક આજના તારા બધા પ્રોબ્લેમને, ચાલ આંખ બંધ કર અને યાદ કર ક્લાસનીએ છોકરીને જયારે તેને જોઈ તારો લાંબો જીભડો બહાર આવી જતો અને તું કહેતો, "ઓહ... હું આના માટે જ તો જીવું છું." અને આજ તે તારી સાથે છે, યાદ કર એ બે ચોટલા વાળા તારા છોકરાને જયારે તે મોટે મોટેથી હસતો હતો, જા તેની પાસે અને તેની છાતી પર હાથ રાખી, કાન પાસે મોઢું લઇ જઈ ધીરા અવાજે તેને કે "કે સાયકલ નહિ તો ગાડીના ટાયરથી રમ, ભીની જમીન પર આળોટીને પોતાના બાળપણને ખુશીથી જીવ, કોઈને ખુબ પ્રેમ કર, ગાંડો બનીને પોતાનું જીવન જીવ, બસ મારા કરતા વધુ સારી રીતે જીવ." તને યાદ છે, જયારે આપણે મેથ્સના સમ ગણતા હતા ત્યારે હંમેશા મારા પહેલા તારે એ દાખલાઓનો જવાબ આવતો હતો. જયારે હું તને પૂછતો કે તારે હંમેશા આટલો જલ્દી કેમ જવાબ આવે છે? ત્યારે તું કહેતો બસ આંકડાઓને ગોઠવવામાં મને મજા આવે છે, તું પણ તેની સાથે ચાલ તને પણ મજા આવશે." તે અટક્યો અને રામ સામે મુસ્કુરાઇને બોલ્યો. "તો જીવનનું પણ કંઈક આવું જ છે તું તેની સાથે ચાલ પરિસ્થિતિ ગોઠવતા આવડી જાશે. એટલે બધું બરાબર છે."

રામ મુસ્કુરાયો અને બોલ્યો. "હમમમ."


કુંજે બાજુમાં પડેલ પોતાની સિગરેટ ફરી સળગાવી અને કહ્યું. "તારા બાળકને એમ પણ કહેજે કે કોઈ એવા કામ ન કરે કે સિગરેટ, શરાબ કે કોઈ બીજા નશાથી મગજ ફ્રેશ કરવું પડે." અને સિગરેટની લાંબી ચુસ્કી લઇ પોતાના ખિસ્સામાંથી રોકડા દસ હજાર કાઢી, રામના હાથમાં મૂકી બોલ્યો. "બોસનો ફોન આવી રહ્યો છે મારે જવું પડશે." તેણે તેની ગાડીને કિક મારી ફૂલ લીવર આપી, લોકોના ટોળાઓ વચ્ચે પોતાની ગાડી દોડાવી.

રામ એક નજરે એ પૈસા તરફ જોઈ રહ્યો.


જો કહાની સમજ આવે તો કોમેન્ટ જરૂર કરજો, ખાલી લાઈકથી મારુ મોટું પેટ નથી ભરાતું. હાહાહાહાહાહા.

બીજા રસપ્રદ વિકલ્પો