પ્રેમ - 3 Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - 3

____________________________
" પ્રેમ માં અધિરપ ના ચાલે , પ્રેમ માં તો ઘીરજતા ને વિશ્વાસ ની જરૂર પડે.
માટે જ કહેવાય છે કે...
પ્રેમ અને સફળતા માટે તું જરાયે અધીરો ન થા... થોડી ધીરજ રાખ , વિશ્વાસ રાખ... ને સમય નાં સાથ નો હુફાંડો સ્પર્શ આપ "
____________________________

પ્રેમ, સફળતા અને સંબંધનો એક ધીમો પણ મધુરો લય હોય છે. એક એવી રિધમ હોય છે જે ધીમે ધીમે ઊઘડે છે. જિંદગીમાં બનતી દરેક ઘટનાની એક ગતિ હોય છે. ઇશ્વરની રચનાને જ જોઈ લો ને! કંઈ જ અચાનક કે એક ઝાટકે બનતું કે સર્જાતું નથી. સવાર ધીરે ધીરે પડે છે. પ્હો ફાટે છે અને સૂરજનો ઉઘાડ થાય છે. કૂંપળ પણ સલૂકાઈથી ફૂટે છે. કળી ધીમે ધીમે ખૂલે છે અને ફૂલ બને છે. વરસાદ પહેલાં આકાશ ગોરંભાય છે. આપણા જન્મની પણ કેટલી સુંદર રિધમ હોય છે? નવ માસનો સમય કુદરત આપણા અસ્તિત્વને આકાર આપવા માટે લે છે. જન્મ પહેલાં માતા કુદરતની આ અદ્્ભુત રિધમને માણે છે. દરિયામાં ભરતી પણ ધીમે ધીમે આવે છે. કાર પણ ધીમે ધીમે સોની સ્પીડ સુધી પહોંચે છે. જિંદગીના અમુક મુકામ હોય છે, એના સુધી ધીમે ધીમે જ પહોંચાય છે. કોઈ મંજિલ રાતોરાત મળી જતી નથી. જિંદગીનો જે લય છે એના ‘મય’ જે થઈ જાય છે એને જ સમય સાથ આપે છે.

આપણો એક પ્રોબ્લેમ એ હોય છે કે આપણને બધું ઇન્સ્ટન્ટ જોઈતું હોય છે. આપણાં દુ:ખ, વેદના, પીડા, ઉકળાટ, ઉત્પાત અને અજંપાનું એક કારણ એ પણ છે કે આપણે બહુ અધીરા થઈ જઈએ છીએ. ઇચ્છાઓની ઝડપથી પૂર્તિ કરવી છે. દરેકનો એક સમય હોય છે. ઘડો પાકે નહીં ત્યાં સુધી માટીનો લોંદો જ હોય છે. જિંદગીને શેપ આપવામાં પણ સમય લાગતો હોય છે. જિંદગીની મજા જ એ છે કે, બધું ધીમે ધીમે અને સલુકાઈથી આવે છે.

પ્રેમનો એક મધુર લય હોય છે. આંખ મળે છે અને કંઈક ગમે છે. એક વ્યક્તિ ધીમે ધીમે આપણી અંદર ઊતરતી જાય છે. એ આપણામાં ઓગળી જાય છે અને પછી આખા શરીરમાં લોહી સાથે ફરતી રહે છે. શ્વાસ થોડાક મદહોશ બને છે. એક છોકરી લખે છે. તારા આગમનને કઈ રીતે વર્ણવું? તું કેવો સૂક્ષ્મ રીતે દિલમાં ઊતરી ગયો? તને પહેલી વખત જોયો અને દિલનો એક દરવાજો હળવેકથી ખૂલ્યો. એ દરવાજાની અંદરથી તને જોતી રહેતી હતી. હળવે હળવે તું આવી ગયો. માત્ર તું જ આવ્યો કે હું પણ તને આવવા દેવા ઉતાવળી હતી? તારો પહેલો સ્પર્શ થયો ત્યારે શરીરનાં રૂંવાડાંઓએ ઊભાં થઈ આલબેલ પોકારી હતી કે પ્રેમ હવે આકાર પામી રહ્યો છે. ક્યારેક તો નક્કી નથી થતું કે, તું બહાર છે કે મારી અંદર? નક્કી નથી થતું કે, તારામાં શું ગમે છે? એ આંખો જેમાં હું સમાયેલી છું. એ હાથ જે મારા હાથમાં આવે છે અને મારા હાથની તમામ રેખાઓ સોળે કળાએ સજીવન થઈ જાય છે. તારા હાથમાં એવી તે કઈ તાકાત છે કે એ મારા હાથ સાથે બીડાયેલો હોય તો એવું લાગે છે કે જાણે બધું જ મારા હાથમાં છે! ક્યારેક એવું પણ લાગે છે કે હવે તો હું જ મારા હાથમાં નથી રહી! ક્યારેક હવામાં હોઉં છું તો ક્યારેક નશામાં! એ નશાની મને આદત પડતી જાય છે. હું વ્યસની બનતી જતી હોઉં એવું લાગે છે. તારું વ્યસન છૂટે એવું નથી. છોડવું છે પણ કોને? આંખો મળ્યા પછી પહેલા મિલન સુધીનો રોમાંચ, પહેલા મિલનથી પહેલા સ્પર્શ સુધીનું માધુર્ય અને પહેલા સ્પર્શથી આલિંગન સુધીનો ઇન્તઝાર હું જીવી છું. લવમેરેજ કરનાર એક કપલને તેના મિત્રએ સુંદર દાંપત્યનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે, અમે એકબીજાને પામતા પહેલાં પેટ ભરીને અનુભવ્યાં છે. અમારી ઝંખનાઓને ધીરે ધીરે જગાડી છે. એક ટસે એકબીજાને જોઈને એકબીજામાં ઊતરી ગયાં છીએ. પ્રેમની દરેક પળ માણી છે અને દાંપત્યની દરેક ક્ષણને જાણી છે. અત્યારે અમારા ચહેરા ખીલેલા છે એને અમે સીંચ્યાં છે. ચહેરાની એક રેખા પણ બદલાય તો અમને અણસાર આવી જાય છે. અમે એને તરત જ સરખી કરી લઈએ છીએ. આપણને આપણી વ્યક્તિથી ફેર પડતો હોય તો જ એનામાં થતા ફેરફારને ઝીલી શકીએ છીએ. શ્વાસની ગતિ વધે તો પણ અમને ખબર પડી જાય છે. અમે એકબીજાની આંખોની ચમકને પણ સારી પેઠે ઓળખીએ છીએ. અમે સાંનિધ્યની ક્ષણેક્ષણ જીવીએ છીએ એટલે જ અમારો સાથ સંગીન છે!

આપણે અધીરા છીએ એટલે જ આપણે અધૂરાં રહીએ છીએ. આપણે કોઈ વસ્તુની રાહ જ જોઈ શકતા નથી. લિફ્ટ થોડીક મોડી આવે તો આપણે બહાવરાં બની જઈએ છીએ. મોબાઇલમાં કોઈ એપ્લિકેશન ખૂલવામાં વાર લાગે તો આપણને ઇરિટેશન થવા લાગે છે. થોડોક ટ્રાફિક જામ આપણાં ભવાં તંગ કરી નાખે છે. રાતે આપણને ઊંઘ નથી આવતી અને મોબાઇલ પર મૂકેલા એલાર્મ સિવાય આપણી ઊંઘ ઊડતી નથી. મોબાઇલ આપણને સફાળા જગાડે છે. ઊંઘ પણ ધીમે ધીમે ઊડે એવો આનંદ હવે અનુભવાતો નથી. એક યુવાને કહેલી આ વાત છે. મારી સવાર પરત દર પરત ઊઘડે છે. ઊંઘ પૂરી થાય અને મન થોડુંક જાગૃત થાય છે. હું પાંચેક મિનિટ પડ્યો રહું છું. સરસ મજાની ઊંઘ આવવા બદલ ભગવાનનો આભાર માનું છું. મારે મારો આજનો દિવસ સરસ રીતે વિતાવવો છે એવો સંકલ્પ કરું છું. સારા વિચારો જ કરવા છે અને ખરાબ વિચારો ટાળવા છે એવું મારી જાતને જ પ્રોમિસ આપું છું. મનોમન થોડુંક હસું છું. જિંદગી સરસ છે. જે કોઈ ઇસ્યૂઝ કે પ્રોબ્લેમ છે એ કામચલાઉ છે. કંઈ પણ જો સતત હોય તો એ જિંદગી છે અને એ તો ચાલે જ છે. રોજ એક મક્કમતા સાથે મારી સવાર પડે છે. તમારી સવાર કઈ રીતે પડે છે? આપણે તો સવારે પણ રાતનો થાક લઈને ઊઠતા હોઈએ એવી રીતે જાગીએ છીએ. સવાર જ જો ઉચાટ સાથે આવતી હોય તો પછી દિવસ ક્યાંથી સારો જવાનો? ભગવાનને પ્રાર્થના પણ આપણે એક કામ પૂરું કરવાનું હોય એ રીતે કરવા લાગ્યા છીએ. આપણે આપણી ઓળખ જ ગુમાવતા જઈએ છીએ. આપણે આપણી જાત ઉપર જ કેટલા બધા અત્યાચારો કરતા હોઈએ છીએ? બધું ધરાર થતું હોય છે. કંઈ જ સરળ, સહજ, સાત્ત્વિક કે સંવેદનશીલ હોતું નથી.

સફળતાનું સપનું ચોક્કસ સેવવું જોઈએ. સાથોસાથ એક વાત પણ યાદ રાખવી જોઈએ કે સફળતાની પણ એક ચોક્કસ સ્પીડ હોય છે. એક સફળ માણસ હતો. તેને ત્યાં એક યુવાન ફ્રેશર તરીકે જોડાયો. એ યુવાને કહ્યું કે, મારે તમારા જેટલું સફળ થવું છે. પેલી વ્યક્તિએ કહ્યું. બસ, મારા જેટલું જ? મારાથી વધુ કેમ નહીં? મારે પણ હજુ હું છું એનાથી વધુ સફળ થવું છે. તારે સફળ થવું છે ને, તો મારી એક વાત યાદ રાખજે. સફળતા માટે અધીરો ન થતો. હું ધીમે ધીમે સફળ થયો. હું મારી મા પાસેથી ધીરજના પાઠ શીખ્યો છું. હું નાનો હતો ત્યારે મારી મા મારા માટે એક સ્વેટર ગૂંથતી હતી. સ્વેટર બની ગયું પછી એણે મને પહેરાવ્યું. બહુ સરસ લાગતું હતું. એ મને જોઈને પોરસાતી હતી. મેં એને અગાઉ એક સવાલ કર્યો હતો કે, મારે બધું બહુ ઝડપથી મેળવવું છે. માએ ત્યારે કંઈ કહ્યું નહોતું. સ્વેટર પહેરાવીને કહ્યું કે, તેં એક દિવસ એવું કહ્યું હતું કે, મારે બધું ઝડપથી જોઈએ છે. આજે તને એના વિશે વાત કરવી છે. તને ખબર છે, આ સ્વેટર બનાવતા કેટલા દિવસ થયા? ઘણા બધા! હું રોજ ગૂંથતી હતી. તું પણ એ જ કર. રોજ તારું કામ ગૂંથતો રહે. એક દિવસ સફળતા ચોક્કસ મળશે. તું ઉતાવળો ન થતો. તારી શક્તિ મુજબ મહેનત કરતો રહેજે, તારું ધ્યાન ન ચુકાય એનું ધ્યાન રાખજે. બાકી જે લોકો મનથી નક્કી કરીને નિશ્ચિત રીતે કામ કરતા રહે એ સફળ થાય જ છે. એક યુવાને એના બોસને પૂછ્યું કે, સફળ કઈ રીતે થવાય? તેના બોસે કહ્યું કે, સફળ થવું બહુ જ આસાન છે. તેનો એક જ સાવ સરળ નિયમ છે. તમે જે કામ કરતા હોવ એ પૂરી મહેનત, પૂરી લગન, સંપૂર્ણ ઇમાનદારીથી કરો, સફળતા તમને સામેથી મળવા આવશે. મારું કામ હું બીજા લોકો કરતાં વધુ સારી રીતે કરીશ એવું નક્કી કરો, તમારી આપોઆપ કદર થશે. આપણે કોઈકની ઈર્ષા કરીએ છીએ, પણ એ નથી વિચારતા કે, એણે આટલી સફળતા કેવી રીતે મેળવી? કોઈની સફળતાની ઈર્ષા ન કરો, એની આવડતને ઓળખી એને અપનાવવાનો પ્રયાસ કરો. ઈર્ષા પણ પોઝિટિવ હોઈ શકે છે.

પ્રેમને પણ ધીમે ધીમે આવવા દેવો જોઈએ. એકબીજાને સમજવામાં પૂરો સમય લેવો જોઈએ. આપણે પ્રેમ માટે પણ અધીરા થઈ જતા હોઈએ છીએ. એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. બંને સમજું હતાં. જોકે, બંને એકબીજાથી સાવ જુદાં હતાં. ધીમે ધીમે એ બંનેને સમજાયું કે, આપણા વિચારો, આપણી માન્યતાઓ અને આપણી માનસિકતા બહુ જુદી છે. બંનેને એવું લાગવા માંડ્યું કે, આપણે એકબીજા માટે નથી બન્યાં. આખરે બંનેએ જુદાં પડી જવાનું નક્કી કર્યું. છેલ્લી વખત બંને મળ્યાં ત્યારે છોકરીએ સવાલ કર્યા, શું આપણો પ્રેમ નિષ્ફળ રહ્યો? છોકરાએ કહ્યું કે, ના બિલકુલ નહીં. આપણો પ્રેમ સફળ જ રહ્યો છે. આપણે એટલું સમજી શક્યાં કે આપણે સાથે રહી શકીએ એમ નથી. તું જુદી દુનિયાની માણસ છે, હું અલગ વિશ્વનો આદમી છું. ક્યારેય એવું ન વિચારતી કે આપણો પ્રેમ નિષ્ફળ ગયો છે. મળી જવું એ જ પ્રેમની સફળતા નથી, પ્રેમથી જુદું પડવું અને એકબીજાનો આદર કરવો એ પણ પ્રેમની સફળતા જ છે. સારી વાત એ છે કે આપણે ઉતાવળાં કે અધીરાં થયાં નથી, નહીં તો અંત કદાચ જુદો, ન ગમે એવો અથવા તો ન સહન થાય એવો આવત! જિંદગીને સમજો, જિંદગીને સમય આપો, ઝડપ રાખજો, પણ ઉતાવળા ન થતા. એક-એક પગથિયું ચડીને જ ટોચ ઉપર પહોંચાતું હોય છે.