chella swas sudhi - 3 books and stories free download online pdf in Gujarati

છેલ્લાં શ્વાસ સુધી - 3

ખટ...ખટખટ...ખટખટ.,મિહીર બેટા.
આમ તો ક્યારેય ઘરનો કોઈ નોકર મિહીરનું બારણું ખખડાવવાની હિંમત કરતો નહીં,પણ આજે એને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું અને મિસ ડિસોઝાની ઉમરને કારણે મિહીર એને માન આપતો,એટલે ઘરનાં વૃદ્ધ નોકર મિસ ડિસોઝા એ ડરતા-ડરતા મિહીરના રૂમનું બારણું ખખડાવ્યું.
આજે પહેલી વાર મિહીરે પોતાના સ્માર્ટફોનમાં ટાઈમ જોવાને બદલે સામેની બ્રાઉન કલરની વોલ પર ગોઠવેલી પોતાના,મારીયાના અને દિયાના ફોટોઝ લગાવેલી હેપી-ફેમિલીનો અહેસાસ અપાવતી ફોટોફ્રેમની ડાબીબાજુ લટકાવેલી મોંઘીડાટ ડિજીટલ-ક્લોક પર નજર કરી.અમેરિકાના ટાઈમ પ્રમાણે સવારના સાડા સાત થયા હતા,અને તારીખ હતી 22 ડિસેમ્બર.
મિહીરને અચાનક યાદ આવ્યું કે ઓહ આજે તો ખાસ દિવસ છે,અને ઘણું બધું કામ કરવાનું છે.એને વિશ્વાસ નહોતો થતો કે જે દિવસે પોતાને ઝિંદગી જીવવાનું એક ખાસ કારણ મળ્યું એ દિવસને આજે પુરા ત્રણ વર્ષ વીતી ગયા.અનાયાસે મિહીરનો હાથ ગળામાં પહેરેલા લોકેટ તરફ ચાલ્યો ગયો.એ ઝડપથી બેડ પરથી ઊભો થયો અને સાઈડમાં પડેલું મખમલનું બ્લેન્કેટ ઉપાડીને બાજુમાં સુતેલી દિયાને ઓઢાડી દીધું.દિયા પર એક પ્રેમભરી નજર નાખીને મિહીરે અણગમા સાથે પોતાના રૂમનું બારણું ખોલ્યું.સામે મિસ ડિસોઝા જ્યુસ અને નાસ્તાની ટ્રોલી સાથે ઊભા હતા.
'તમને ખબર છે ને કે દિયાને અડધી નિંદરમાંથી કોઈ ઉઠાડે એ મને પસંદ નથી.' મિહીરે ડિસોઝાના હાથમાંથી ટ્રોલી લેતા કહ્યું. 'અને આમ પણ આજે 22 ડિસેમ્બર છે.' એટલું કહીને મિહીર ટ્રોલી સાથે કિચન તરફ ગયો અને ડિસોઝા પાછળ ફરીને એની પીઠ તરફ તાકી રહ્યા અને મનોમન વિચારતા રહ્યા કે કઈ માટીનો છે આ માણસ,પ્રેમને નિભાવવા ખાતર કોઈ આજીવન એકલું કેમ રહી શકે?
22 ડિસેમ્બરનો દિવસ મિહીર માટે મહત્ત્વનો દિવસ હતો.ત્રણ વર્ષ પહેલા આ જ દિવસે તેને સૌથી મોટી સરપ્રાઈઝ મળી હતી-જેની એ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, એટલે આ દિવસે મિહીર દિયા માટે જાતે બ્રેકફાસ્ટ બનાવતો અને પોતાના હાથે જ એને ખવડાવતો.એ પછી મિહીર એને એની ફેવરિટ જગ્યા એટલેકે અમેરિકન નેચરલ એમ્યુઝમેન્ટ પાર્કમાં લઈ જતો અને આખા દિવસની એડવેંચર્સ એક્ટિવિટી પછી બંને દિયાની ફેવરિટ હોટલ "ફ્લોરલ ફ્રેગ્રન્સ" માં ડિનર લેતા.
'રાઈટ 15 મીનીટ પછી દિયાને ઉઠાડવાની છે.' મિહીરે બ્રેડ પર બટર લગાવતા-લગાવતા પોતાની સ્માર્ટ વોચમાં આછડતી નજર કરી,અને પાઈનેપલ જ્યુસ બનાવવા માટે પાઈનેપલ પીસીઝ ફ્રીજમાંથી કાઢ્યા.પાઈનેપલ જ્યુસ અને આછું બટર ચોપડેલી બેક્ડ બ્રેડ એ દિયાનો ફેવરિટ બ્રેકફાસ્ટ હતો.
'બેટા , હું અંદર આવી શકું? ' મિસ ડિસોઝાએ માયાળુ અવાજે કહ્યું.એની આંખોમાં મમતા દેખાતી હતી.
'તમારે આવવા માટે પૂછવાની જરૂર નથી તમે મારા વડીલની જગ્યાએ છો',મિહીરે એની સામે જોયા વગર કહ્યું.
'પણ બેટા ,કહેવાઉં તો ઘરની નોકર જ ને!' સાઈઠ વરસના મિસ ડિસોઝાએ હસતા-હસતા ટોણો માર્યો.
મિહીરને લાગ્યું કે થોડી વાર પહેલા એની સાથે ખોટું વર્તન થઈ ગયું, એટલે મિહીરે પસ્તાવાના સ્વરે કહ્યું : 'મિસ ડિસોઝા આઈ એમ સૉરી ,પણ તમને ખબર છે કે દિયા માટે હું કેટલો ચિંતિત છું.' ડિસોઝાએ હસીને મિહીરના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. 'બેટા એટલે જ કહું છું કે હવે લગ્ન કરી લે.હજી તું નાનો છે ,મોટો થઈશ ત્યારે ખબર પડશે કે એકલું રહેવું કેટલું અસહ્ય છે.' ડિસોઝા એ મિહીરને સમજાવવાના ઈરાદાથી કહ્યું.
'લગ્નની બાબતમાં આપણે વધુ ચર્ચા નહીં કરીએ ડિયર,કારણકે તમે જાણો છો કે મેં દિયાને લગ્ન નહીં કરવાનું વચન આપ્યું છે.' મિહીરનું ડિયર કહેવું ડિસોઝાને સારું લાગ્યું.એ જયારે બહુ ભાવુક થઈ જતો ત્યારે તેને ડિયર કઈને બોલાવતો.
ફરી એકવાર મિહીરને નહિ સમજાવી શકવાના વસવસા સાથે મિસ ડિસોઝા ધીમા પગલે કિચનની બહાર નીકળ્યા અને મિહીર પોતાના ગળામાં પહેરેલા પોતાની પ્રેમિકાના ફોટાવાળા લોકેટ સામે તાકી રહ્યો,જાણે કહેતો ન હોય કે દિયા હું તારા આપેલા સરપ્રાઈઝને મારા જીવની જેમ સાચવીશ - મારા છેલ્લા શ્વાસ સુધી.
અને મિહીર ત્રણ વર્ષ પહેલા બોમ્બેમાં બનેલી ઘટનાઓ ની વણજારમાં ખોવાઈ ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED