છેલ્લાં શ્વાસ સુધી - 2

'મીસ્ટર મિહીર પટેલ,અવર H.O.D ઇઝ કોલિંગ યુ ટૂ મીટ ઈન હીઝ ઑફિસ'.(આપણા હેડ ઓફ ઘી ડિપાર્ટમેન્ટ તમને મળવા માટે તેની ઓફિસમાં બોલાવી રહ્યા છે.),મિહીરના સહકર્મચારી રિચાર્ડે ઈર્ષા અને ગુસ્સાના મિશ્ર ભાવ સાથે કહ્યુ.
મિહીરને સમજાયું નહીં કે શા માટે H.O.D તેને બોલાવી રહ્યા હતા .'કદાચ છેલ્લા પ્રોજેક્ટ ની સફળતા માટે કોન્ગ્રેજ્યૂલેટ કરવા માંગતા હશે.' મિહીરે મનોમન વિચાર્યું. શા માટે પોતાને બોલાવવામાં આવ્યો હશે,એ ગુંચવણ સાથે મિહીર તેની રિવોલ્વીંગ ચેઈર પરથી ઉભો થયો અને હાથમાં પહેરેલી સ્માર્ટ વોચમાં ટાઈમ જોયો.સવારના સાડા બાર થયા હતા.એને અચાનક મારીયાની યાદ આવી.'એણે લંચ કર્યો હશે કે નહીં?',મિહીર પોતાનો ઍપલનો ફોન ઉપાડીને નોકરાણીને ફોન કરવા જતો જ હતો ત્યાં સહકર્મચારી રિચાર્ડે આવીને નવા પ્રોજેક્ટની ફાઈલ્સ માંગી.રિચાર્ડને કામ સમજાવીને મિહીર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો અને આ બધી ભાંજગડમાં તેને યાદ ના રહ્યું કે એણે નોકરાણીને ફોન કરવાનો હતો પોતાની મારીયાના લંચ માટે.
'વેલકમ મિસ્ટર મિહીર,હેવ અ સીટ.' H.O.D પાર્કરએ સ્મિત સાથે મિહીરને આવકાર્યો.એ સ્મિત જોઈને મિહીરને હાશ થઈ કે કમસેકમ કોઈ ખરાબ કારણથી પોતાને બોલાવવામાં આવ્યો નથી. 'મિસ્ટર મિહીર ,આઈ હેવ ગુડ ન્યુઝ ફોર યુ.' મિસ્ટર પાર્કરે બોલવાનું ચાલુ કર્યું,'તમારું કામ માટેનું ડેડિકેશન અને આગળના પ્રોજેક્ટની સફળતા જોઈને આઈ.બી.એમ. કંપનીએ તમને ઇન્ડિયાની ફૅમર્સ કાર કંપની મારુતિ મોટર્સના સોફ્ટવેર પ્રોજેક્ટ માટે સિલેક્ટ કર્યા છે,એટલે પ્રોજેક્ટની પ્રાથમિક માહિતી મેળવવા માટે તમારે કાલે સવારે 10 વાગ્યે તમારી કરન્ટ ટીમ સાથે 15 દિવસ માટે બોમ્બે જવાનું છે.'
'પણ સર....' મિહીર કહેવા માંગતો હતો કે સર હું ભારત પાછો જવા જ નથી માંગતો,ત્યાં હું મારી બહુ અનમોલ ચીજ ખોઈને આવ્યો છું અને પાંચ વર્ષની મહેનત પછી પણ એની યાદોને હું મારા દિલમાંથી કાઢી શક્યો નથી,પણ પછી મિહીરને વિચાર આવ્યો કે આ કોર્પોરેટ વર્લ્ડ છે અહીં આવા ઇમોશનલ બહાના ન ચાલે એટલે એક આછા સ્મિત સાથે મિહીરે પોતાના વિચારો છુપાવીને મિસ્ટર પાર્કરને કહ્યું : 'ઓકે સર આઈ એમ રેડી ટૂ ગો ધેર.'
મિસ્ટર પાર્કરે આપેલી ફ્લાઈટની ટિકિટ લઈને મિહીરે કાચના દરવાજા તરફ પગ ઉપાડયા.પાર્કરે રિમોટનું બટન દબાવીને એ દરવાજો ખોલી આપ્યો અને ત્યારે જ મિહીરના મગજમાં એક વિચાર ઝબકી ગયો : 'કાશ આ દરવાજાની જેમ આપણી ઝિંદગીમાં આવનાર અને જનારનો રિમોટ-કંટ્રોલ પણ આપણા હાથમાં હોય અને આપણી પરવાનગી વગર કોઈ આપણાથી દૂર જઈ જ ના શકે તો કેવું સારું. '
પોતાના ફિલોસોફિકલ વિચારોમાં ખોવાયેલો મિહીર એની ઓફિસમાં પહોંચ્યો.સામે ટેબલ પર આલીશાન કહી શકાય એવી ફોટોફ્રેમમાં એનો અને મારીયાનો ક્યૂટ ફોટો મુકાયેલો હતો,એ ફોટો જોઈને મિહીરને વિચાર આવ્યો કે એક મારીયા છે જે પોતાને આટલી વફાદાર છે ને એક દિયા હતી જે પોતાની ઝિંદગીમાંથી જતી રહી હોવા છતાં યાદ આવીને હેરાન કરે છે.
એ રાત્રે મિહીર પોતાના ભૂતકાળને વાગોળતો રહ્યો.કંઈ જ યાદ રાખવું નહોતું છતાં જયારે પણ મિહીર એકલો પડતો ત્યારે દિયાની યાદ હવાના ઝોંકાની માફક આવી જતી.
બીજા દિવસે સવારે 9 વાગ્યે મિહીર જરૂરી સમાન લઈને એરપોર્ટ જવા માટે નીકળી ગયો અને જતા પહેલા મારીયાને ભેટીને , જવા માટેની સંમતિ લઈ લીધી.પેલીએ પણ હકારમાં માથું હલાવીને પોતાની મૂક સંમતિ આપી દીધી.એની આખોમાં આછી ભીનાશ હતી.મિહીરને લાગ્યું કે જો એ બોલી શકતી હોત,તો ચોક્કસ એની શબ્દોની જાળમાં ફસાવીને પોતાને રોકી લેત.

                                        ***

ધીમો થડકો અનુભવાતા મિહીર તંદ્રામાંથી જાગી ગયો.જેટ એરવેઝનું વિમાન બોમ્બેમાં લેન્ડ થઈ ગયું હતું અને રન-વે પર દોડી રહ્યું હતું.ધીમે ધીમે મિહીરની ધડકન વધી રહી હતી અને વિમાનની સ્પીડ ઘટી રહી હતી.જે જગ્યાથી છેડો ફાડીને એણે પોતાની ઝિંદગીનું એક પ્રકરણ પૂરું કર્યું હતું એ જ જગ્યાએ પોતે પાછો આવીને ઊભો હતો.
' રિચાર્ડ,હું થોડી વારમાં પાછો આવુ છું,તમે કાલની મીટીંગ્સ નું લિસ્ટ રેડી રાખજો.' રિચાર્ડને તેનું કામ સમજાવીને મિહીર હોટેલની બહાર નીકળ્યો.દરવાજા પર ઊભેલા દરવાને એને સલામ ઠોકી.દરવાનની ટીપ મેળવવાની આ હરકત જોઈને મિહીરે 100ની નોટ ખિસ્સામાંથી કાઢીને આપી દીધી,પોતાની ઉદારતા દેખાડવા માટે નહીં પણ મદદ કરવાની ભાવનાથી.
જે.ડબલ્યુ.મેરિઓટમાં જયારે ચેક-ઈન કર્યું ત્યારે જ મિહીરે મેનેજરને ટેક્સી બોલાવવા માટે કહી દીધેલું,એટલે ગેઈટની બહાર ટેક્સી રેડી જ હતી.ટેક્સીમાં બેઠા પછી થોડી વારે ડ્રાઈવરે પૂછ્યું,'ક્યાં જવું છે તમારે?'
'ચોપાટી એ લઈ લે ભાઈ.' મિહીરે કહેતા તો કઈ દીધું પણ એને ખુદને ના સમજાયું કે શા માટે એને ચોપાટીએ જવું હતું.શું હજી એને દિયાને મેળવવાની આશા હતી કે પછી એ દિયા સાથે હિસાબ બરાબર કરવા માંગતો હતો?
ચોપાટીએ પહોંચીને ક્યાંય સુધી એ દરિયાના ઉછળતા મોજાઓને તાકતો રહ્યો.દિલમાં બસ એક જ જીદ હતી કે દિયાને કોઈ પણ હિસાબે શોધીને એની પાસેથી પોતાના બધા જ પ્રશ્નોના જવાબો મેળવવા.
મિહીર પોતાની જાત સાથે ઝઘડવામાં વ્યસ્ત હતો ત્યાં જ મિહીરના ગળામાં એક સુંવાળો હાથ પરોવાયો,અને પાછળથી કોઈક ઝનૂન સાથે એને ભેટી પડયું.મિહીરને એ સ્પર્શ જાણીતો લાગ્યો.આઘાત સાથે એ પાછળ ફર્યો,અને હજુ એ આઘાત પચાવે એ પહેલા એને બીજો ઝાટકો લાગ્યો , એની સામે દિયા ઊભી હતી.એને અંદાજ નહોતો કે દિયા શોધ્યા પહેલા જ એને મળી જશે.
'હું તારી જ રાહ જોઈ રહી હતી મિહીર,મને વિશ્વાસ હતો કે તું એક દિવસ જરૂર આવશે અને આ જ જગ્યાએ આવશે.' દિયા એકીશ્વાસે બોલી ગઈ.એની આંખો આસુંઓથી છલકાયેલી હતી.મિહીર દિયાને જોઈને બધો ગુસ્સો ભૂલી ગયો.એ દિયાને ભેટીને ઘણું બધું પૂછી લેવા માંગતો હતો પણ એ સ્વસ્થ થઈને કંઈ પૂછે કે સમજે એ પહેલા રિચાર્ડનો કોલ આવ્યો : 'સર,મારુતિ કંપનીના ડાઈરેક્ટર તમારી સાથે અર્જન્ટલી મીટીંગ કરવા માંગે છે.'
'બસ હું 10 જ મિનિટમાં પહોંચું છું તમે અત્યારે જ મીટીંગ ફિક્સ કરો.'એણે દિયા સાથે વાત કરવાની અધીરાઈમાં વાત નિપટાવી ચારેબાજુ નજર કરી,દિયા ક્યાંય દેખાતી નહોતી.
મિહીરને બે વાતનું આશ્ચર્ય થયું,એક તો એ કે દિયાએ સિટી હૉસ્પિટલનાં કપડાં પહેર્યા હતા અને બીજું એ કે દિયા અચાનક ક્યાંક ચાલી ગઈ.'શું એ બીમાર હશે ?' મિહીરે વિચાર્યું , 'પણ જો એ બીમાર હોય તો અહીં સુધી એકલી કેમ આવી શકે?' એ તર્ક લગાવી રહ્યો હતો,ત્યાં જ મીટીંગ માટે રિચાર્ડનો કોલ આવ્યો અને મિહીરે હોટેલ પહોંચવા માટે નીકળી જવું પડયું.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Om Vaja 4 અઠવાડિયા પહેલા

Bharat Maghodia 4 અઠવાડિયા પહેલા

Kartik 1 માસ પહેલા

Afzal 1 માસ પહેલા

Swati 1 માસ પહેલા

શેર કરો