કર્ણ વિષે અજાણી વાતો MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્ણ વિષે અજાણી વાતો

કર્ણ વિષે અજાણી વાતો

Some known-unknown facts about Karna

શું દાનવીર કર્ણ કેમ દાનવીર કહેવાયો તમે જાણો છો? - કર્ણ વિષે અજાણી હકીકતો

મહાભારતનું એક અનોખું પાત્ર એટલે કર્ણ. કર્ણ વિષે ઘણી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે અને કેટલીક માહિતીઓ ઉપલબ્ધ નથી. તેમ છતાં જ્યારે મહાભારતની વાત આવે, જ્યારે પાંચ પાંડવો, સો કૌરવો અને ભગવાન શ્રીકૃષ્ણની વાત આવે ત્યારે કર્ણ પણ આપોઆપ યાદ આવી જાય એવું તેનું પ્રચંડ વ્યક્તિત્વ હતું. કર્ણને દાનવીર તો કહેવામાં આવે જ છે પરંતુ કર્ણની મિત્રતા પણ અભૂતપૂર્વ રહી હતી. તો ચાલો આજે આપણે જાણીએ દાનવીર અને અંગદેશના રાજા કર્ણ વિષે.

કર્ણ વરિષ્ઠ કુંતીપુત્ર હતો. કુંતી જેના લગ્ન મહારાજ પાંડુ સાથે થયા હતા પરંતુ કર્ણના પિતા ભગવાન સૂર્ય હતા. પાંડવોમાં સહુથી મોટા હોવા છતાં કર્ણનું મોટાભાગનું જીવન અંધકારમય વીત્યું હતું.

કર્ણનો જન્મ

કુંતીની સેવાથી અત્યંત ખુશ થયેલા મહર્ષિ દુર્વાસાએ કુંતીને વરદાન આપ્યું હતું કે તે ઈચ્છે ત્યારે અને ઈચ્છે એ દેવતા પાસેથી સંતાનની માંગણી કરી શકે છે. દુર્વાસાના આ વરદાન બાદ યુવાનવયની એવી કુંતીથી આ વરદાન સાચું છે કે ખોટું તેની તપાસ કરવામાં ઉતાવળે ભગવાન સૂર્ય પાસેથી પુત્ર માંગી બેઠી. ભગવાન સૂર્યએ તેને કર્ણ નામનો પુત્ર આપ્યો જે સૂર્ય જેવો જ તેજસ્વી હતો અને જન્મથી જ કવચ અને કુંડળ ધરાવતો હતો. કુંતીને બાદમાં પોતાની ભૂલનું ભાન થયું અને એક પેટીમાં કર્ણને તેણે મૂકી અને નદીમાં તરતો મૂકી દીધો હતો.

આ પેટી બીજા કિનારે એક સારથીને મળ્યો તેણે અને તેની પત્ની રાધાએ કર્ણને વાસુસેના નામ આપ્યું અને આથી કર્ણ રાધેય તરીકે પણ ઓળખાયો હતો.

પરશુરામે કર્ણને શ્રાપ કેમ આપ્યો

કર્ણ પરશુરામનો શિષ્ય હતો અને તેણે તેમની પાસેથી બ્રહ્માસ્ત્ર ચલાવવા ઉપરાંત તમામ પ્રકારની શિક્ષા લીધી હતી. પરશુરામની ક્ષત્રિયો પ્રત્યેની દુશ્મનાવટ જગજાહેર હતી અને આથી તેઓ ક્ષત્રિયોને શિક્ષણ આપતા ન હતા. એક દિવસ બપોરના ભોજન બાદ કર્ણના ખોળામાં પરશુરામ આરામ કરવા માથું મૂકીને સુતા હતા. આ સમયે એક મધમાખી ત્યાં આવી અને તેણે કર્ણની જાંઘમાં ડંખ માર્યો. કર્ણ પોતાના ગુરુની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે આ દર્દને સહન કરી ગયો અને તેણે એક હરફ પણ નહોતો ઉચ્ચાર્યો.

કર્ણની જાંઘમાંથી વહેતું લોહી છેવટે પરશુરામને સ્પર્શ કરતા તેઓ જાગી ગયા અને આ દ્રશ્ય જોઇને તેમને તરતજ ગુસ્સો આવી ગયા. પરશુરામે કર્ણને કહ્યું કે તે બ્રાહ્મણ નહીં પરંતુ ક્ષત્રિય પુત્ર જ છે કારણકે આટલું બધું દર્દ સહન કરવાની શક્તિ કોઈ બ્રાહ્મણ પાસે હોય જ નહીં. આથી પરશુરામે આ ગુસ્સામાં આવીને કર્ણને શ્રાપ આપ્યો કે તેમણે કર્ણને આપેલી તમામ વિદ્યા કર્ણને કટોકટીના સમયે જ યાદ નહીં આવે.

બાદમાં જ્યારે કર્ણએ પરશુરામને જણાવ્યું કે તે એક રથ ચલાવનાર સારથીનો પુત્ર છે અને આ હકીકત જાણ્યા બાદ તેઓ તેમને વિદ્યા નહીં આપે એ ડરથી તેણે પરશુરામથી હકીકત છુપાવી હતી, ત્યારે પરશુરામને પોતાના શ્રાપ બદલ પસ્તાવો થયો પરંતુ હવે આ શ્રાપ પાછો ખેંચી શકાય તેમ ન હતો. આથી પરશુરામે કર્ણને ભાર્ગવસ્ત્ર અને પોતાનું ધનુષ વિજય ભેટમાં આપ્યા હતા.

એ હકીકત છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ તેના નિર્ણાયક સમયમાં હતું ત્યારે જ કર્ણ અર્જુન સામે લડતી વખતે પોતાની તમામ વિદ્યાઓ ભૂલી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

બ્રાહ્મણ અને ભૂમિદેવીના શ્રાપ

પરશુરામના આશ્રમમાં જ્યારે કર્ણ શિક્ષા લઇ રહ્યો હતો ત્યારે તેની તરફ એક ગાય દોડતી આવી અને પોતાના રક્ષણમાં કર્ણએ તેના પર તીર છોડ્યું. આ ઘટનામાં ગાયનું મૃત્યુ થયું આથી આ ગાય જેની માલિક હતી તેવા એક બ્રાહ્મણે કર્ણને શ્રાપ આપ્યો. બ્રાહ્મણે કહ્યું કે જે રીતે કર્ણએ એક નિસહાય ગાયને મૃત્યુને ઘાટ ઉતારી છે એવી જ રીતે તે પણ નિસહાય અવસ્થામાં મૃત્યુ પામશે અને ખરેખર કર્ણ મૃત્યુના સમયે કૌરવ સેનાનો સેનાપતિ હોવા છતાં લાચાર અને નિસહાય હતો..

તો એકવાર કર્ણ અંગદેશમાં પોતાના રથ પર સવાર થઈને જતો હતો ત્યારે રસ્તામાં તેણે એક બાળકીને રડતા જોઈ. કર્ણએ તેને રડવાનું કારણ પૂછ્યું. તો પેલી બાળકીએ કહ્યું કે તેનાથી પોતે લઇ જઈ રહેલા પાત્રમાંથી ઘી ઢોળાઈ ગયું છે અને હવે તેની અપર માતા તેને ખુબ મારશે. આથી કર્ણ જે દયાળુ હતો તેણે પેલી બાળકીને બીજા વાસણમાં ઘી આપ્યું. તો બાળકીએ જીદ લીધી કે તેને તો જમીન પર ઢોળાયેલું ઘી જ જોઈએ છીએ.

આથી કર્ણએ જમીન પર ઢોળાયેલું ઘી એકઠું કર્યું અને પોતાની ચપટીમાં મૂકી પોતાની તમામ તાકાત લગાવીને તેમાંથી ધૂળ અલગ કરી અને શુદ્ધ ઘી પેલા પાત્રમાં આપી દીધું. પરંતુ ત્યાં જ તેને એક સ્ત્રીનો તકલીફ દેતો અવાજ સાંભળ્યો. આ અવાજ ભૂમિદેવીનો હતો. ભૂમિદેવીએ કર્ણને કહ્યું કે કર્ણના હાથમાં ઘીથી અલગ થતી વખતે તેને ખૂબ પીડા થઇ છે આથી સમય આવ્યે તે કર્ણના રથનું પૈડું પોતાનામાં એવી રીતે ફસાવી દેશે કે તે ક્યારેય નીકળી નહીં શકે. મહાભારતના યુદ્ધ સમયે પણ કર્ણના રથનું પૈડું એક સમયે જમીનમાં એવું ફસાઈ ગયું કે કર્ણ તેને કાઢવા ગયો પરંતુ તે શક્ય ન બન્યું અને આ જ સમયે અર્જુનને તેના પર તીર ચલાવવાની તક મળી ગઈ.

કર્ણ અંગદેશનો રાજા કેવી રીતે બન્યો

ગુરુ દ્રોણે એક વખત હસ્તિનાપુરમાં શ્રેષ્ઠ યોદ્ધા કોણ છે તેની સ્પર્ધા રાખી અને અર્જુનનો મુકાબલો કર્ણ સામે થયો. પરંતુ કર્ણ સારથીનો પુત્ર હોવાથી પોતાની બરોબરી કરી શકે એમ ન હોવાથી અર્જુને કર્ણ સામે લડવાની ના પાડી દીધી. કુંતી આ સમયે હાજર હતી પરંતુ તે બદનામીના ડરે કશું બોલી શકી નહીં. આ જ સમયે દુર્યોધને ઉભા થઈને પોતાના તાબા હેઠળના અંગદેશના રાજા તરીકે કર્ણનું નામ જાહેર કરી દીધું આથી કર્ણ અર્જુન સામે લડી શકે. તે જ દિવસથી કર્ણ દુર્યોધનનો ખાસ મિત્ર પણ બની ગયો.

દાનવીર કર્ણ

કર્ણ જન્મ સમયે જ કવચ અને કુંડળ સહીત જન્મ્યો હતો. આ કવચ અને કુંડળ તેને અમર બનાવતા હતા. આથી મહાભારતના યુદ્ધ પહેલા ઇન્દ્રને ડર લાગ્યો કે જો કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ થશે તો આ કવચ અને કુંડળને કારણે અર્જુન જીતી નહીં શકે. આથી ઇન્દ્રએ વેષ બદલીને કર્ણ પાસે આ કવચ અને કુંડળનું દાન માગ્યું. જો કે કર્ણના પિતા સૂર્યએ ઇન્દ્ર આવું કશુંક કરી શકે તેમ છે એવી ચેતવણી પહેલેથી જ આપી દીધી હતી પરંતુ કર્ણ જે દાનવીરના નામે પ્રસિદ્ધ હતો તેણે પોતાના આંગણે આવેલા ઇન્દ્રને નિરાશ ન કર્યા અને પોતાના શરીરના જ એક ભાગ એવા કવચ અને કુંડળને કાપીને તેમને આપી દીધા.

જ્યારે કર્ણ મરણ પથારી પર હતો ત્યારે ઇન્દ્ર અને સૂર્ય વચ્ચે તેના દાનવીર હોવા બાબતે ઝઘડો થયો. આથી બંને ભિખારી બનીને કર્ણ પાસે આવ્યા. કર્ણએ કહ્યું કે હવે તેની પાસે તેમને આપવા માટે કશું જ નથી. આવા સમયે ભિખારી બનેલા ઇન્દ્રએ કહ્યુંકે કર્ણનો એક દાંત સોનાનો છે જો તે તેને દાન કરી દેશે તો પણ તેનું જીવન સુધરી જશે.

આથી કર્ણએ નજીક રહેલા પથ્થરથી પોતાનો એ સોનાનો દાંત તોડી નાખ્યો અને પેલા ભિખારીને દાનમાં આપી દીધો.

કુંતીને કર્ણનું વચન

મહાભારતનું યુદ્ધ નજીક આવતાની સાથે જ કુંતીએ કર્ણને તેની અસલી ઓળખ આપી હતી અને કહ્યું હતું કે તે પાંડવો સાથે જોડાઈ જાય અને યુદ્ધ બાદ સહુથી મોટા પુત્ર હોવાને કારણે તે રાજા બને. પરંતુ કર્ણએ કુંતીને કહ્યું કે તે આમ કરીને દુર્યોધન સાથેની મિત્રતાનો દ્રોહ કરશે. પરંતુ કર્ણએ કુંતીને કહ્યુંકે તે યુદ્ધમાં અર્જુન સિવાય એક પણ પાંડુપુત્ર પર હુમલો કે લડાઈ નહીં કરે. આમ યુદ્ધ બાદ કુંતી પાસે પાંચ પુત્રો જ રહેશે.

જો કે કર્ણ એ જાણતો હતો કે અર્જુન પાસે ભગવાન કૃષ્ણ જેવા સારથી અને માર્ગદર્શક હોવાને લીધે તે તેનું કશું જ બગાડી શકવાનો ન હતો, પરંતુ તે આમ કરવાથી કુંતીને આપેલું વચન પણ નિભાવશે અને દુર્યોધન સાથેની મિત્રતા પણ.

કર્ણ અને ભિષ્મ પિતામહ

કર્ણની સાચી ઓળખ ભિષ્મ પિતામહને થઇ ગઈ હતી. આથી તેઓ કર્ણ પોતાના જ ભાઈઓ સામે લડે તે તેમને જોવું ન હતું. આમ તેમણે જાહેર કર્યું કે જ્યાં સુધી કર્ણ કૌરવ સેનાનો સેનાપતિ રહેશે તેઓ યુદ્ધ નહીં લડે. આમ કર્ણને છેક યુદ્ધના ૧૧માં દિવસે એટલેકે ભિષ્મ પિતામહના દસમા દિવસે થયેલા અવસાનના બીજા દિવસે સેનાપતિ બનાવવામાં આવ્યો હતો.

***