આપણે જોયું કે રાજ પોતાના મનની વાત રીટાબેન દ્વારા રોશની સુધી પહોંચાડવામાં સફળ થાય છે. પણ રોશની દ્વારા કોઈ જ પ્રતિભાવ ન મળતાં રાજ આવેશમાં આવી જાય છે. હવે આગળ....
ચાહત ના સફરમાં પડાવ આવે છે ઘણા,
ઘવાય છે, છીનવાય છે, લાગણીના તાંતણા ઘણા,
મુંજાઈ જાય જીવ એવા બને છે બનાવ ઘણા,
છતાં અતૂટ રહે સત્યપ્રેમ એવા છે દાખલા ઘણા!!
રાજ હજુ પણ આશા રાખીને બેઠો હતો કે રોશની એની વાતને જરૂર વિચારતી હશે. એ થોડા દિવસ સુધી રોશનીનું વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું કે નહીં એ જ જોયા કરતો હતો. પણ રોશની તરફથી કોઈ જ પ્રતિભાવ હજુ સુધી રાજને મળ્યો નહતો.
રોશનીએ બધું જ કિસ્મત પર છોડી દીધું હતું. એ શુન્યમનસ્ક રીતે બસ પોતાના કર્મ અને ફરજને ક્રેન્દ્ર સ્થાને રાખીને આગળ ચાલતી હતી.
એક દિવસ રોશનીના ભાઈ માટે એક સારી પ્રસ્તાવના આવી હતી. બધું જ યથા યોગ્ય લાગતા રોશનીના ભાઈના લગ્ન બહુ જ ટૂંકા સમયમાં પણ ખુબ ધામધૂમથી જયેશભાઈએ કર્યા હતા. જયેશભાઈને આશા હતી કે દીકરાના લગ્નમાં કદાચ રોશની માટે કોઈ યોગ્ય પાત્ર મળી જશે, પણ વિધાતાએ રોશની માટે અલગ જ લેખ લખ્યા હતા, આથી પ્રસંગમાં પણ રોશની માટે કોઈ મેડ પડ્યો નહીં. પણ પુત્રવધૂનું ઘરમાં આગમન ખુબ જ ઉમળકાથી કરવામાં આવ્યું હતું. બધા બહુ જ ખુશ હતા. રોશની તો એના ભાભી આવવાથી એની જિંદગીમાં જાણે એને એક સારી સખી મળી હોય એવી લાગણી અનુભવતી હતી.
રોશનીના ભાભીને શરૂઆતમાં તો રોશની જોડે બહુ જ ગમતું હતું, પણ સ્ત્રી સહજ ઇર્ષારૂ સ્વભાવના ભાભીને રોશનીની સ્વતંત્રતા અને કોઈ જ ચિંતા વગરની જિંદગી ખટકવા લાગી હતી. રોશનીને ભાભીના સ્વભાવનો બદલાવ નોંધમાં આવી જ ગયો હતો, આથી રોશની હવે ઘરની પોતાની જવાબદારી ઉપરાંતની મદદ પણ ભાભીને કરવા લગતી હતી, જેથી ભાભીના મનમાં કડવાશ વધુ ન ઉદભવે.
એક દિવસ રોશનીની તબિયત થોડી ઠીક નહોતી આથી એ ઘરે સમય કરતા વહેલી આવી ગઈ હતી. એ તેના રૂમમાં જઈ રહી હતી ત્યારે એના કાને ભાભીના ધીમા સ્વર પડ્યા, ભાભી કદાચ ફોન પર વાત કરી રહ્યા હતા. રોશની રૂમમાં પહોંચે એ પહેલા એ સ્વર રોશનીના નામનો નીકળ્યો હતો. રોશનીને એવું લાગ્યું કે મારી કોઈ ચર્ચા ભાભી ફોન પર કરી રહ્યા છે, ધ્યાનથી રોશનીએ સાંભળવાનો પ્રયત્ન કર્યો. રોશનીએ સાંભળ્યું કે, "હવે ક્યાં એ નાની છે, આમને આમ સમય જશે તો આખી જિંદગી મારે માથે જ રહેશે." ભાભીના આવા શબ્દો રોશનીને હચમચાવી ગયા. એ ક્યારેય આમ કોઈની વાત સાંભળતી નહતી, પણ પોતાના નામ નો ઉલ્લેખ થયો આથી એને વાત માં રસ લીધો હતો. રોશનીને કલ્પના નહોતી કે ભાભી મારે માટે આવું પણ વિચારી શકે. રોશની આગળની કાંઈ વાત સાંભળી શકે એવી સ્થિતિ માં જ નહોતી એ ઝડપથી પોતાના રૂમમાં ગઈ અને પલંગ પર પોતાનું શરીર આપોઆપ પછડાય ગયું.. એ ચોધાર આંસુએ રડી રહી હતી. ઘર સાવ નાનું નહોતું આથી કોઈને ખબર પણ નહોતી કે રોશની આવી ગઈ છે. રોશનીની તબિયત તો ઠીક નહોતી જ અને ભાભીની આવી વાત સાંભળી એ થોડી મિનિટો બાદ ભાનમાં આવી. ભાનમાં આવ્યા બાદ એ રસોડામાં પાણી પીવા ગઈ, રોશનીના મમ્મી ત્યારે ચા બનાવતા હતા. મમ્મીએ તરત પૂછ્યું, "બેટા આજ વેલી આવી ગઈ.. તબિયત તો ઠીક છેને?"
રોશનીએ કીધું કે, "આજ બહુ થાક લાગે છે, શરીર તૂટે છે."
મમ્મીએ તરત એના માથા પર હાથ મુક્યો, રોશની સખત તાવથી ધકતી હતી. એમના થી બોલાય ગયું, "બેટા તને ખુબ તાવ છે, દવા લઈ આવ."
રોશનીએ કીધું, " મમ્મી ચિંતા ન કરો મેં દવા લઈ લીધી છે. સારું થઈ જશે. બસ, થોડો આરામ કરવો છે, હું થોડી વાર ઊંઘી જાવ?" આજ પહેલીવાર રોશની જાણે કોઈક બીજાના ઘરે હોય એવી લાગણી એને થઈ આથી એનાથી આવું મમ્મીને પુછાય ગયું.
મમ્મીએ તરત જ એને કીધું, "હા મારી દીકરી હા.. આવું તારે પૂછવાનું હોય?" મમ્મીએ સામો પ્રશ્ન રોશનીને કરી દીધો. વળી જવાબ પણ એમને જ આપી દીધો, "બાપના ઘરે છો ત્યાં સુધી મોજ થી રહે. હવે જેટલું રહી એટલું ક્યાં તારે રહેવાનું છે!"
રોશનીને મમ્મીના શબ્દોમાં પ્રેમ દેખાતો હતો, છતાં વાત તો એમને પણ એવી જ કરી કે હવે તારે પણ અહીં થી જવાનું જ થશે!
રોશની રૂમમાં ગઈ અને વિચારે ચડી.. કેટકેટલા પ્રશ્ન એને ઘેરી રહ્યા હતા.. દીકરી નું ખરું ઘર ક્યુ? એક પત્નીનું ખરું ઘર ક્યુ? સમાજમાં એક નારી સ્વતંત્ર ન રહી શકે? શું એ જે ઘરે હોય એમાં એનો ફાળો ફક્ત કર્મથી જ હોય? બાપના ઘરે પારકી થાપણ, પતિના ઘરે એવા શબ્દો સાંભળવા મળે કે, "અહીં એવું નહીં ચાલે તારે બાપના ઘરે જેમ રેતી એ આ ઘરમાં નહીં.." [ આ શબ્દો રોશનીને એની સખીઓના અનુભવે કીધા હતા. આથી આજ આ શબ્દો પણ અત્યારે રોશનીને યાદ આવી રહ્યા હતા.] બસ, આવા જ વિચારોમાં એ દુઃખી થઈ રહી હતી. એની પાસે આ કોઈ જ પ્રશ્નનો જવાબ નહતો. વિચાર કરતા કરતા એને ઊંઘ આવી ગઈ હતી.
જયેશભાઇ ઘરે આવ્યા ત્યારે એને રોશનીને ઉઠાડી, "બેટા ચાલ જમવા, જમવાનું બની ગયું છે, અને અમે તારી જમવામાં રાહ જોઈ રહ્યા છીએ, તારી તબિયત ઠીક છે કે કેમ? જમવાનું અહીં લાવું?"
રોશની ઉઠી અને પપ્પાને કીધું, "સારું છે, હું ત્યાં જમવા આવું છું."
રોશનીએ બધાની સાથે શાંતિથી ભોજન પૂરું કર્યું, પણ આજ એ ભોજનનો સ્વાદ માણી ન શકી ફક્ત કોળિયા ભાભીના શબ્દોની જેમ ગળી જતી હતી.
બીજા દિવસે રોશની થોડી મોડી ઉઠી, આથી આજ પેલી વખત જોબ પર થોડી મોડી પહોંચી હતી. રાજ એની આવવાની રાહ જ જોઈ રહ્યો હતો. ગઈ કાલે રોશની જોબ પરથી વહેલી જતી રહી હતી અને આજ હજુ આવી નહોતી આથી રાજનું મન બેચેન હતું. રોશની જોબ પર એની જગ્યાએ જઈ ને બેઠી, થોડી વાર એ આરામથી બેઠી જ રહી.. રાજને રોશનીનો ચહેરો જોઈને ખ્યાલ આવી ગયો કે એને કોઈક તકલીફ છે. આજ રાજ પોતાને રોશની પાસે જતા રોકી શક્યો નહીં. રાજે રોશની પાસે જઇને પૂછી જ લીધું કે, "તમે કંઈક પરેશાન લાગો છો? તબિયત ઠીક નથી કે કંઈક દુવિધા છે?"
રોશનીને રાજ આમ પૂછશે એવો અંદાજ ન હતો, એ થોડી ગભરાઈ ગઈ હતી. પણ એને રાજ પર ગુસ્સો આવ્યો નહીં, રાજના શબ્દોમાં એને આજ લાગણી જણાતી હતી. આજ પહેલીવાર એને રાજની સાથે આંખ મેળવી વાત કરવાની શરૂઆત કરી, " તબિયત થોડી ઠીક નહોતી પણ સારું છે."
રાજે હસતા ચહેરે પ્રતિઉત્તર આપ્યો કે, "મારા જેવું કંઈક કામ હોય તો કહેજો." આટલું કહી રાજ જતો રહ્યો પણ રોશનીના મનમાં એની થોડી જગ્યા કરતો ગયો હતો.
રોશની રાજ માટે વિચારી રહી હતી, આ વ્યક્તિ કે જેને હું કાયમ અવગણતી જ હોવ છું છતાં એ મારે માટે ચિંતા કરે છે. અને હું જેને મારા ગણું છું એને તો હું ખટકું છું. કેવી લેણાદેણી છે આ સંબંધોની!..
રાજ પોતાની જગ્યા પર ગયો, એ ખુબ ખુશ હતો કે આજ રોશનીએ એની સામે જોઈને વાત કરી હતી. પણ આ તો થવાનું જ હતું. બસ આજ ઘડીથી રોશની રાજ તરફ આકર્ષાઈ હતી. આકર્ષાઈ હતી એટલા માટે કારણ કે, તમે કોઈને જાણતા ન હોવ તો એના માટે પ્રેમ એ શક્ય નહિ. રોશનીના વિધાતાએ લખ્યા લેખ હવે સત્ય બનવાના હતા.
વિચિત્ર અનુભવાય રહી છે મનની લાગણી,
દિલ અને દિમાગ વચ્ચે તરફડે છે લાગણી!
શું રોશની રાજના પ્રસ્તાવમાં હકારાત્મક વલણ દાખવશે?
રોશની રાજની સાથે સહમત થશે તો એ જયેશભાઈને રાજ માટેની વાત કેમ જણાવશે?
વિધાતાએ રોશનીના લેખ શું લખ્યા છે એનો જવાબ તમને મળશે પ્રકરણ : ૪ માં...