આપણે આગળ જોયું કે, રોશનીને રાજ અને સંજનાના સંબંધની જાણ થઈ જાય છે, એ ખુબ નાસીપાસ થઈ જાય છે, અને ઘરમાં જેટલી પણ દવાઓ પડી હોય એ બધી ગળી જવાથી રોશનીની હાલત ગંભીર થઈ જાય છે. હવે આગળ...
જિંદગીએ ઘણા દર્દ આપ્યા, શું ખબર હતી કે તારું આપેલ દર્દ, જિંદગી જ દર્દ છે એ સમજાવી દેશે!!
રોશની દવાઓ ગળીને પોતાના રૂમમાં પડી પડી પોતાના નસીબને કોષી રહી હતી. ધીરે ધીરે દવાની અસર થવાથી તેનું બ્લડપ્રેસર કન્ટ્રોલ બહાર જતું રહ્યું હતું, શરીર ઠંડુ પડી ગયું હતું, આંખ સામે ના દ્રશ્ય અસ્પષ્ટ થવા લાગ્યા હતા. મગજ બસ એક જ વિચારમાં ચકડોરે ચડ્યું હતું કે મારી સાથે જ કેમ આવું થયું? રાજને વિશ્વાસઘાત જ કરવો હતો તો કેમ મારી સાથે લગ્ન કર્યા? શું કામ મને આમ અંધારામાં રાખી? રોશનીનું મન ખુબ ગતિશીલ હતું પણ શરીર ગંભીર હાલતમાં ગરકાવ કરી રહ્યું હતું. લોહી જાણે ઠંડુ પાડવા લાગ્યું હતું, પણ હજુ આંખના આંસુ ગરમ જ હતા! રોશનીને ગભરામણ થવા લાગી હતી, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. રોશનીના મોઢામાંથી લોહીની ઉલ્ટી થવા લાગી હતી. પણ આમ રોશનીના જીવને થોડી મુક્તિ મળવાની હતી! હજુ તો એને ઘણું ઝઝૂમવાનું હતું એની ૪.૫ વર્ષની લાડકી દીકરી માટે...
પરીને જાણે કુદરતે ચેતવી હોય એમ એ ઊંઘમાંથી જાગીને રડવા લાગી હતી. એના સતત આવતા રુદનના અવાજે રાજ રૂમમાં આવ્યો, એને રોશનીને બેભાન હાલતમાં જોય, બાજુમાં પડેલી દવાઓના કાગળિયા જોઈને એને અંદાજ આવી જ ગયો કે રોશનીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે રાજ ગભરાયો હતો. રાજ દ્વારા જે થયું એનો આવો ખરાબ અંજામ આવશે એવી રાજને કલ્પના પણ નહોતી. રાજે તરત ૧૦૮ને કોલ કરીને બોલાવી, બીજો કોલ જયેશભાઈને કર્યો અને તરત આવી જવા કહ્યું. હવે એને પરીને શાંત કરવાના પ્રયાસ કર્યા.
રાજ ૧૦૮માં રોશનીને હોસ્પિટલ તો લઈ આવ્યો પણ ડૉક્ટરએ કહ્યું કે, આ પોલિશ કેશ છે, એમ હાથમાં કેશ ન લેવાય, અમુક ફોર્માલિટી પુરી કરો એટલે ટ્રીટમેન્ટ ચાલુ કરીયે. રાજે તરત ફોર્માલિટી પુરી કરીને રોશનીને ICU માં બધા જ શક્ય એટલા બચાવવાના પ્રયાસ ડોક્ટરે શરૂ કર્યા.
પરી નાદાન હતી, એની આંખ સામે એની મમ્મી સાથે શું થઈ રહ્યું હતું એ પરી સમજી શકવા અસમર્થ હતી, પણ એની મમ્મીને કંઈક થયું છે એવું એ ૪.૫ વર્ષની બાળકી સમજી ગઈ હતી. એ વારંવાર પોતાના પપ્પાને રડતા રડતા પૂછી રહી હતી કે મમ્મી કેમ કઈ બોલતી નથી, એ ક્યારે ઉઠશે? કેટકેટલા પ્રશ્નએ નાદાન બાળકીને મુંઝવી રહ્યા હશે! જે વર્ણવી ન જ શકાય ફક્ત એ અનુભવી જ શકાય કે, આ બાળકીનો આ બધી પરિસ્થિતિમાં શું વાંક?? શું પ્રેમને એક પ્રેમી ફક્ત રમત જ સમજે છે? એક પતિની નહીં તો પિતાની ફરજ પણ એ કઈ રીતે ચુકી શકે? રાજ દ્વારા ખુબ મોટી ભૂલ થઈ હતી.
જયેશભાઇ થોડા જ કલાકમાં એના પરિવાર સાથે હોસ્પિટલમાં હાજર થઈ ગયા હતા. પોતાની વહાલસોય દીકરીને અગણિત ટ્રીટમેન્ટ માં ICU માં જોઈને જયેશભાઇ ખુબ દુઃખી થઈ રહ્યા હતા. એના મુખમાંથી કોઈ શબ્દ નીકળે એ પહેલા જ પોલીસના કાફલાએ જયેશભાઇના પરિવારને ઘેરી લીધો હતો. પ્રશ્નોની કતાર લઈને પોલિસ બયાન લખવા દરેકને ખુબ વિવશ કરી રહી હતી. જયેશભાઈએ ફક્ત એટલું જ કીધું કે મારી દીકરીને ભાનમાં આવવાદો પછી બધી વિગતવાર વાત કરીયે.
રોશની સતત ૩ દિવસની સારવાર બાદ ભાનમાં આવી હતી. હજી રોશની સંપૂર્ણ સ્વસ્થ નહોતી. એણે હજી આંખ ખોલી નહોતી. પોલીસ રોશની જાગે એની દિવસ રાત રાહ જ જોઈ રહી હતી. જયેશભાઇ બધું જ જાણતા હતા કે શું તોફાન રોશનીના જીવનમાં આવ્યું હતું, છતાં એમણે પોલીસને કઈ જ કીધું નહોતું, અને રાજને પણ કોઈ કડક શબ્દોમાં ચીમકી આપી નહોતી.
રોશનીએ આંખ ખોલી ત્યારે ડૉક્ટર, નર્સ, પોલીસ વગેરે લોકો તેને ઘેરીને તેની આસપાસ ઉભા હતા. રોશનીને ડોક્ટરે એ પ્રશ્નથી વાતની શરૂઆત કરી કે, હવે તમને કેવું લાગે છે? રોશનીએ કીધું કે, ડૉક્ટર તમે મને કેમ બચાવી? મારે જીવવું જ નહોતું.. ડૉક્ટર અને પોલીસને રોશનીના આવા જવાબથી અંદાજ આવી ગયો કે કંઈક રોશની જોડે જરૂર ખોટું થયું હતું. ડોક્ટરે રોશનીની નાજુક હાલત જોઈને બીજા કોઈ જ પ્રશ્ન ન કર્યા અને પોલીસને પણ હમણાં કઇ ન પુછવાનો ઈશારો કરી દીધો હતો. ડોક્ટરે રોશનીને કીધું કે, "તમારે હમણાં બહુ બોલવાનું નહીં, આથી કોઈ એક વ્યક્તિને મળવા જ અમે મોકલશું, તમારે કોને મળવું છે?"
રોશનીએ પોતાના પિતા જયેશભાઈને મળવાની ઈચ્છા જણાવી હતી. પપ્પાને જોઈને રોશનીની આંખ ભીની થઈ ગઈ હતી. રોશની કઈ કહે એ પહેલા જ જયેશભાઈએ રોશનીને કીધું કે, "જો બેટા જે થયું તે થયું હવે તારે ફક્ત પરીનું જ વિચારવાનું છે. પોલીસના ચક્કરમાં પડીને સમય અને રૂપિયા તો બગડશે જ સાથે સમાજમાં આબરૂ પણ નબળી થશે. આથી હકીકત પોલીસને જણાવવાની નથી." આટલું કહીને રોશનીના માથા પર હાથ ફેરવતા આરામ કર એમ કહીને બહાર જતા રહ્યા. રોશની એના પપ્પાના વર્તનથી સ્તબ્ધ થઈ ગઈ હતી. એ મનોમન વિચારવા લાગી કે કદાચ હું મૃત્યુ પામી હોત તો પણ પપ્પાનું આજ વર્તન હોત? રોશનીને આવા વર્તનની આશા નહોતી. પિયરની લાડકી એક પિતાની ખેવના લક્ષ્મી એવી રોશની માટે પિતાનું પલ્લું કેમ સમાજની આબરૂ માટે ઝૂક્યું? દીકરીના આંસુ કેમ એમને સહન થયા?
થોડા ક્લાકો બાદ પોલીસ ફરી બયાન લેવા માટે આવી ત્યારે રોશનીએ કીધું કે, "મને ખુબ માથું દુખતું રહે છે, વળી નવી જગ્યાએ ઑફિસના કામનું ટેન્સન, ઘરની જવાબદારી આ બધી વાતોથી થાકી ને મેં સુસાઇડ કરવાનું નક્કી કર્યું હતું." રોશની જિંદગીમાં પહેલીવાર ન ઈચ્છવા છતાં ખોટું બોલી હતી. રોશનીને ખોટું બોલવામાટે ઘરના લોકોએ જ વિવશ કરી હતી. રોશનીના પ્રેમે એને ક્યાંથી ક્યાં લાવી દીધી હતી! રોશનીને આજ પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો. જિંદગીથી, પોતાનાઓથી થાકી હતી. આજ હર કોઈ એને સ્વાર્થી લાગતું હતું.
રોશનીના સાસુ પાસેથી પણ એને કોઈ જાતનો સાથ નહતો. સાસરીમાં કોઈ એવું નહોતું જે એને ન્યાય અપાવી શકે. સાસરીમાં ફરજ માટે હંમેશા વહુએ હાજર જ રહેવાનું પણ હક માટે ભલે એ ઝઝુમતી રહે એ વિચારસરણી શું સાસરિવારાની યોગ્ય કહેવાય? રોશની જીવી રહી હતી પણ જીવ વગરની જિંદગી...
મારુ નહીં કાંઈ છતાં બધું મારુ સમજુ છું,
ખુદ તૂટુ છું છતાં બધું ભેગું રહે એવું ઈચ્છું છું,
બધું જ સાથે રહે એવો પ્રયત્ન કરું છું,
છતાં હે કૃષ્ણ! હું થી જ દૂર હું છું..
રોશની બહુ ખરાબ વેદના અનુભવી રહી હતી. વળી, રાજ જાણી ગયો કે રોશની કઈ જ કરી શકે એમ નહીં આથી એ પણ નિસફીકર સંજનાને મળવા લાગ્યો. રાજમાં કોઈ જ પરિવર્તન આવ્યું નહીં. કદાચ એને લાવવું પણ નહોતું. રોશનીએ સામેથી એના સાસુને વિનંતી કરી કે રાજને સમજાવે, પણ સાસુએ દીકરાનું પલ્લું જ ભારી રાખ્યું હતું.
હવે એક અંતિમ આશ સંજના હતી કે કદાચ રોશનીના સમજાવાથીએ સમજી શકે. એ પ્રયત્ન પણ રોશનીએ કરી લીધો પણ કોઈ જ સફળતા રોશનીને મળી નહીં.
રોશની આ બધું હવે સહન કરવા અસમર્થ હતી. રોજ લોહીના આંસુ વહાવતી હતી. આમને આમ ૧.૫ વર્ષ જેટલો સમય વીતી ગયો પણ રોશનીના જીવનનું સુખ ફરી આવ્યું નહીં. એવું ન હતું કે રોશનીએ વાતને પકડી જ રાખી હતી, બહુ બધી વાર રાજને રોશનીએ સુધારવાના મોકા આપ્યા હતા, પણ થોડા દિવસો જાય અને ફરી જેમ હતું એમ રાજનું વર્તન થઈ જતું હતું. પરી પણ સમજુ થવા લાગી હતી, એની સામે અયોગ્ય સંવાદ રોશનીને પસંદ નહોતો આથી રાજ રોશનીની મજબૂરી છે એમ સમજતો હતો. રોશની પરીને આ વાતાવરણમાં ઉછેરવા માંગતી નહોતી. હવે રોશની રીતસર માનસિક રીતે પીલાવા લાગી હતી.
રોશની પોતાની જાત સાથે જ સંવાદોમાં ઉતરી પડી કે હું કોની માટે થઈ આ બધું સહન કરું છું? હું એકલી મારો ખર્ચ કાઢવા સક્ષમ છું, હું બધાનો વિચાર કરું છું પણ મારો વિચાર કોઈએ કર્યો જ નહીં. ક્યારેક સમાજના નામે, તો ક્યારેક દીકરીને સાસરેથી થોડી પાછી લાવી શકાય એવી વિચારધારાના નામે, તો ક્યારેક એક દીકરીની માઁ છે એ ક્યાં જવાની એવું ધારીને રોશનીની લાગણીનો ભોગ જ લેવાતો રહ્યો હતો. પણ હવે રોશનીએ આ દુઃખમાંથી બહાર નીકળવાનો એક રસ્તો શોધી લીધો હતો.
દિનાંક : ૧૦/૩/૨૦૧૩
આજ રોજ હિમ્મત ભેગી કરીને રોશની પોતાની લાડકી પરીને લઈને રાજને હરહંમેશ માટે મુક્ત કરીને એના ઘરેથી નીકળી ગઈ હતી. રોશનીએ આ સ્વાર્થની દુનિયામાં ન પિયરનો કે ન સાસરીનો કોઈનો પણ સાથ લીધા વગર એકલી સ્વતંત્ર જીવન જીવવા માટે દુનિયામાં પોતાની જંગ એકલાહાથે લડવા રાજના ઘરને અંતિમ અલવિદા કરીને નીકળી ગઈ હતી. રાજને માટે એક ચિઠ્ઠી મુક્તિ ગઈ હતી કે લગ્ન કરીને તે આપેલ વચન તું ભુલ્યો છો, પણ મેં એ વચન પાડ્યું કે અજાણતા પણ જો દુઃખ પહોંચાડાય જાય તો દુઃખ દૂર કરવાનો રસ્તો કરી આપવાનો.. હું તને મારી જાતથી મુક્ત કરું છું, તને રસ્તો કરી દવ છું, તું તારી જિંદગી જેમ જીવવી હોય એમ જીવી શકે છે, પરીમાં મારે તારા આવા સંસ્કાર સિંચવા નથી. વળી, એક માઁ પોતાના સંતાનને વધુ સારી રીતે સંભાળી શકે છે આથી પરીને હું જોડે લઇ જાવ છું.
આજ રોશની પોતાના પતિની સાથે ખુશી થી રહેતી હોત જો જયેશભાઈએ થોડી ચીમકી રાજને આપી હોત. રોશનીની લાડકી પરી દાદીનો, કાકાનો, કાકીનો તો ઠીક પણ પોતાના પિતાનો પ્રેમ આખું જીવન મેળવી શકત જો રાજની માતાએ એક માઁ ની ફરજ સમજી પોતાના દીકરાને વારી લીધો હોત. ખુદ રાજ પણ પોતાની દીકરી માટે પરી માટે યોગ્ય રસ્તો અપનાવી જ શકતો હતો ને? છતાં એવું કોઈ જ કઈ જ સમજ્યું નહીં અને રોશનીએ અંતે થાકીને અલગ શાંતિથી રહેવું એજ યોગ્ય અંતિમ રસ્તો પસંદ કર્યો.
મારો આ વાર્તા લખવાનો ઉદેશ્ય એજ હતો કે રોશની સાથે થયું એ કોઈ બીજા સાથે ન થાય. રોશનીના જીવન પરથી આટલું ચોક્કસ પણે સમજી શકાય કે જો થોડી સાવચેતી જયેશભાઈએ, રોશનીના સાસુએ, અને ખુદ રાજે દાખવી હોય તો આ નિણઁય રોશનીને ન લેવો પડત.
આજ કેટલો સમય વીતી ગયો રોશનીને એકલવાયું જીવન જીવતા જીવતા ફક્ત એક જ ધ્યેય સાથે કે મારી પરીને હું હંમેશા ખુશ રાખું, અને એ એમ કરવામાં સફળ પણ નીવડી છે, અને સફળ પણ રહેશે. છતાં રોશનીના નસીબમાં તો પ્રેમ વેદના જ રહી એ પણ કોઈ જ વાંક વગરની પ્રેમ વેદના!
રોશની એની જંગ જીતવામાં સફળ નીવડે એવી શુભેચ્છા સાથે અહીં વાર્તા પૂર્ણ કરું છું.
આપ સૌ વાચક મિત્રોના પ્રતિભાવથી વાર્તા સારી રીતે લખી શકી, હું આપ સૌની આભારી છું.