આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃ ભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી
આ રામાયણ નો બીજો ભાગ છે
સુદામા અને ભગવાન શ્રીકૃષ્ણ ની બાળપણ ની મૈત્રી હતી.સુદામા ની હાલત ગરીબ હતી.ખાવાના સાંસા હતાં,ઘરમાં બાળકો ભૂખે મરતાં હતાં.સુદામાની પત્ની એ તેમને શ્રીકૃષ્ણ ને ત્યાં માગવા મોકલ્યા,પણ સુદામા માગવા જવાની ના પાડે છે,પત્ની કહે છે કે- મળવા તો જાઓ.એટલે સુદામા શ્રીકૃષ્ણ ને મળવા જાય છે.દ્વારિકાનાથ નો વૈભવ જોયો પણ તેમણે જીભ કચડી નથી.
સુદામા ને લાગ્યું કે મારા દુઃખ ની અહીં વાત કરીશ તો મારા પ્રભુ ને દુઃખ થશે.મારું દુઃખ એ મારાં કર્મ નું જ ફળ છે.મારે જ તે ભોગવવું જોઈએ.એટલે સુદામા એ પ્રભુ પાસે કંઈ માગ્યું નથી.તેમની તો માત્ર એક જ ઈચ્છા છે કે-મારા પ્રભુ મારા લાવેલા પૌંઆ આરોગે.પૌઆ જ તેમનું સર્વસ્વ છે,અને તેમનું સર્વસ્વ એ પ્રભુ ને ધરવા આવ્યા છે.ઈશ્વર ને જે સર્વસ્વ આપે છે તેને ઈશ્વરનું સર્વસ્વ મળે છે.
જીવ નિષ્કામ બને ત્યારે ઈશ્વર તેની પૂજા કરે છે. જીવ જયારે પોતાનું જીવ-પણું છોડી ને ઈશ્વર ના દ્વારે જાય છે ત્યારે ઈશ્વર પણ પોતાનું ઈશ્વર પણું ભૂલે છે. સુદામા જેવી નિષ્કામ ભક્તિ કરવી જોઈએ.
વાલ્મીકિ એ પણ તેવી જ નિષ્કામ ભક્તિ કરી.જે ઘડીએ સંસાર ની માયા નું ભાન થયું કે સંસાર જોડે છેડો ફાડી નાખ્યો.ને રામનું નામ લઇ બેસી ગયા.રામના નામ સિવાય બીજા કશા વિચાર મન માં નહિ.
ક્રિયા (કર્મ) પણ એ અને ધર્મ પણ એ.શરીર નું રોમ રોમ રામમય થઇ ગયું.તન,મન હૃદય અને બુદ્ધિ –
બધું રામ ને સમર્પિત થઇ ગયું.પણ બદલામાં કશું માગ્યું નથી.રાફડો તોડી ને વાલ્મીકિ ને બહાર કાઢવામાં
આવે છે,પાપ માં ડૂબેલો રત્નાકર દિવ્ય તેજ ઝળહળતો મહર્ષિ બની ને પ્રગટ થાય છે.
રામનામ નો આ ચમત્કાર જોઈ ને જગત વિસ્મિત થઇ જાય છે.
મનુષ્ય જો,રામનામ સતત જીભ થી રટ્યા કરે તો મન આપોઆપ સાફ થઇ જાય છે,
વાલ્મીકિ એના સાક્ષી છે,અને તુલસીદાસજી એના જામીન છે.
રામનામ મનિદીપ ધરું,જીહ દેહરી દ્વાર,તુલસી ભીતર બાહેરહું.જૌં ચાહસિ ઉજિયાર.
(જો તારે તારી અંદર અને બહાર અજવાળું કરવું હોય તો,તારા મુખ-રૂપી દ્વારના જીભ રૂપી ઉંબરા પર
રામ-નામ રૂપી મણિ-દીપક મૂક)
રામ-નામ ની અદભૂત શક્તિ નું વાલ્મીકિજી એ જગત ને દર્શન કરવું છે,સંતો કહે છે કે-
રામ કરતાં પણ રામનું નામ ચડી જાય છે.નામી કરતાં નામ શ્રેષ્ઠ છે.રામના નામે કરોડો જીવો તરી જાય છે.મનુષ્યો યે તર્યા છે,દેવો યે તર્યા છે,વાનરો અને રીંછો તર્યા છે,રાક્ષસો તર્યા છે,મિત્ર-શત્રુ પણ તર્યા છે,
અરે! રામના નામે પથ્થરો પણ તર્યા છે.કવિઓ એ પથ્થર તરવા ના પર સરસ દ્રષ્ટાંત નું વર્ણન કર્યું છે.
લંકા પર ચડાઈ કરવા માટે સમુદ્ર ઓળંગવાનો હતો,એટલે સમુદ્ર પર પુલ બાંધવાનું કામ નલ-નીલ
નામના વાનર (એન્જીનીયર) ને સોંપવામાં આવેલું.વાનરો ને રામનામ પર અપૂર્વ શ્રદ્ધા હતી.એટલે
તેમણે પુલ બાંધવાની શિલાઓ પર “રામ” નામ લખ્યું અને તે શિલાઓ સમુદ્રમાં નાંખી.નવાઈની વાત એ બની કે,તે શિલાઓ પાણી માં ડૂબી જવાને બદલે પાણી માં તરતી રહી.તેથી પુલ બાંધવાનું કામ બહુ
ઝડપથી આગળ વધ્યું.
આ વાત શ્રીરામ ના જાણવામાં આવી,એટલે તેમણે વિચાર આવ્યો કે મારું નામ લખેલા પથ્થરો જો તરે છે તો,મારા હાથે નાંખેલા પથ્થરો પણ તરવા જોઈએ.અને એ વાત નો અખતરો કરવા તેઓ સમુદ્ર કિનારે આવ્યા અને એક પથ્થર ઉપાડી સમુદ્રમાં નાખ્યો.અને નવાઈની વચ્ચે તે પથ્થર પાણી માં ડૂબી ગયો.
રામજીએ તેના પછી એક પછી એક બીજા પથ્થર નાખ્યા અને તે પણ ડૂબી ગયા.
રામજી ઉદાસ થઇ ગયા છે.તે વખતે રામની સતત સંભાળ રાખતા હનુમાનજી પ્રગટ થયા.અને રામને
તેમની ઉદાસીનતા નું કારણ પૂછ્યું.રામજી એ પોતાના મન ની વાત કરી.
ત્યારે અત્યંત બુદ્ધિશાળી હનુમાનજી એ જવાબ આપ્યો કે-સ્વામી,જેને આપ હાથમાં રાખો,એટલેકે આપ જેને અપનાવો તે જ તરી જાય છે,પણ જેને આપ હાથમાંથી છોડો તેને દુનિયા ની કોઈ શક્તિ તારી શકતી નથી.
તે તો ડૂબી જ જાય ને ? પછી તે ભલે પથરો હોય કે મનુષ્ય.!!
‘ઈશ્વર ની ભક્તિ" એ બધાં વરદાનો માં ઉત્તમ વરદાન છે’ એમ કહ્યું છે તે ખોટું નથી.
બ્રહ્મત્વ,દેવત્વ,ઇન્દ્રત્વ,અમૃતત્વ વગેરે કરતાં પણ ભક્તિ ને ચડિયાતી કહી છે.અને સાથે સાથે એ ભક્તિ ને સુદુર્લભ એટલે કે દુર્લભ કરતાં યે દુર્લભ પણ કહી છે.જેને ભક્તિ પ્રાપ્ત થઇ તે મોટો ભાગ્યશાળી છે.
એટલે જ વ્યાસજી એ ભાગવત માં ગોપીઓ ને ‘મહાભાગ્યશાળી’ કહી ને બિરદાવી છે.
રામાયણ ના હનુમાનજી પણ એવા મહાભાગ્યશાળી છે.રામજી નો તેમના પર નો પ્રેમ અલૌકિક છે.રામજી નિજધામ જતી વખતે આખી અયોધ્યા ને પોતાની સાથે લઇ જાય છે,પણ હનુમાનજી તેમની સાથે જવાની ના કહે છે.કહે છે કે-હું અહીં પૃથ્વી પર જ રહીશ અને રામકથા સાંભળ્યા કરીશ.
જ્યાં રામકથા ન મળે એવા વૈકુંઠ નું મારે શું કામ છે ?
ત્યારે રામજી એ પ્રસન્ન થઇ આશીર્વાદ દીધા કે –પૃથ્વી પર જ્યાં સુધી રામકથા રહે ત્યાં સુધી તમે રહો.
એટલે કહેવાય છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર બિરાજે છે અને જ્યાં રામકથા થાય છે ત્યાં સાંભળવા
હાજર રહે છે.રામકથા માં તેમના માટે ખાસ આસન રાખવામાં આવે છે.
એકનાથજી મહારાજ આ વાતના સાક્ષી છે.એકવાર કથામાં તેમણે કહ્યું કે –હનુમાનજી અશોકવનમાં આવ્યા ત્યારે વૃક્ષ-લતાઓ પર ધોળાં ફુલ ખીલેલાં હતાં.
રામ-કથા માં નિયમ મુજબ હનુમાનજી પણ કથા સાંભળવા આવેલા.એકદમ પ્રગટ થઇ તેમણે કહ્યું કે-
મહારાજ તમારી ભૂલ થાય છે,ફૂલ ધોળાં નહોતાં.લાલ હતાં.
એકનાથ મહારાજે કહ્યું કે- મહારાજ હું તો જેવું દેખું છું તેવું કહું છું.
છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો.તેમણે ફેંસલો આપ્યો કે –તમે બંને સાચા છો, ફૂલ ધોળાં જ હતાં,
પણ હનુમાનજી ની આંખો તે વખતે ગુસ્સામાં લાલ થયેલી હતી તેથી તેમને તે લાલ દેખાયા હતાં.
હનુમાનજી રામ-કથા માં આમ હાજરાહજૂર છે,એટલે જયારે જયારે રામકથા વાંચીએ ત્યારે મન માં ખાતરી
રાખવાની કે હનુમાનજી તે કથા સાંભળે છે.હનુમાનજી કથા સાંભળશે તો તે આપણ ને સંભાળશે.
મન માંથી દુઃખ,શોક ભય વગેરે જતાં રહેશે.શનિ મહારાજ નડતા હશે તો તે પણ ખસી જશે.
શનિવાર એ હનુમાનજી નો વાર છે તે અમથું નથી કહ્યું.શનિ પર એમનું આધિપત્ય છે.એટલે શનિવારે
તેમની પૂજા થાય છે,તેલ ચઢાવી આકડાનાં ફૂલ ની માળા અર્પણ થાય છે.
હનુમાનજી એટલે બજરંગબલી. શક્તિ ની મૂર્તિ.સંસારનાં સઘળાં શુભ તત્વો ના તે રખેવાળ છે.
હનુમાનજી બળ ના ઉપાસક છે.અને તે બળ સેવાનું (રામ ની સેવાનું) છે,સેવા આપવાનું બળ છે,
સેવા લેવાનું નહિ!! એમને ગુલાબ કે કમળ નહિ જોઈએ,એમને તો જોઈએ આકડા નાં સફેદ ફૂલ.
જેનું કોઈ મુલ્ય ના કરે તેનું મુલ્ય હનુમાનજી કરે છે.જેને કોઈ ના અપનાવે તેને હનુમાનજી અપનાવે છે.
શિવજી અને રામજી ના મંદિરમાં દર્શન કરવા જનાર ને પહેલી ચોકી હનુમાનજી ની વટાવવી પડે છે.
હનુમાનજી દ્વાર પર ધોકો (ગદા) લઇ ને ઉભા છે.અને આવનાર ને જાણે પહેલાં પ્રશ્ન કરે છે કે-
“ખબરદાર,મારા રામજી ના દર્શન કરવા આવો છો તો પહેલાં બતાવો કે તમે રામજી ની મર્યાદાનું પાલન કરો છો? શિવજી નાં દર્શન કરવા આવો છો પણ શિવજી રાત દિવસ જેના ધ્યાન માં મગ્ન રહે છે તે રામનું ધ્યાન તમે કરો છો?”
આનો જવાબ જે દઈ શકશે તેને જ રામજી નાં સાચાં દર્શન થઇ શકશે.
હનુમાનજી ની આ મર્યાદા સમજાય તો તે સમજવાની જરૂર છે.
મહર્ષિ વાલ્મીકિ એ જગત ને જપ કેમ કરવો ? અને તપ કેમ કરવું ?તેનું દૃષ્ટાંત દેખાડ્યું છે.
સંત-મહાત્માઓ કહે છે કે-જપ અને ધ્યાન સાથે થવાં જોઈએ.જપ કરવા બેસો ત્યારે જે દેવ કે દેવી નો જપ કરો તેની મૂર્તિ ધ્યાન માંથી ખસે નહિ તે જોવાનું.
જીભ થી હરિ નું નામ લેવું,મન થી તે હરિ-નામ નું સ્મરણ અને ધ્યાન કરવું,આંખ થી હરિ ના દર્શન કરવાં અને કાન થી તે હરિનામ નું શ્રવણ કરવું.આ પ્રમાણે જપ કરવાના.
કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે છે.તે સારું નથી.તે સાચા જપ નથી.
જો કે કંઈ પણ કરેલું સત્કર્મ નિષ્ફળ જતું નથી.અને સત્કર્મ કરનારો કદી પણ દુર્ગતિ ને પામતો નથી
એવું ગીતાજી માં ભગવાન કહે છે.
પરંતુ જપ વખતે મન ચંચળ બની ભટક્યા કરે તે જપ ના કહેવાય.જેમ,સ્નાન થી શરીર ની શુદ્ધિ થાય છે,દાનથી ધન ની શુદ્ધિ થાય છે,તેમ જપ અને ધ્યાનથી મન ની શુદ્ધિ થાય છે.
ઈશ્વર ની માનસી સેવા (ધ્યાન થી કરવામાં આવતી) સર્વ શ્રેષ્ઠ માની છે.માનસી સેવામાં એક વસ્તુ અતિ મહત્વ ની છે કે-મન ની ધારા તૂટે નહિ અને મન સતત ઈશ્વરમાં પરોવાયેલું રહે.
માનસી સેવા માં એક પૈસાનો પણ ખર્ચો કરવો પડતો નથી.બધું મનથી ધ્યાન માં કરવાનું છે.
સંતો માનસી સેવા નું વર્ણન કરતાં કહે છે કે-
માનસી સેવા નો ઉત્તમ સમય સવારના ચાર થી સાડા-પાંચ સુધી નો છે.
કોઈનું પણ મુખ જોયા પહેલાં તે કરવી જોઈએ.પ્રાતઃકાળ માં ઉઠી ને ધ્યાન કરવાનું કે-
હું ગંગાજી ને કિનારે બેઠો છું,મન થી જ ગંગામાં સ્નાન કરવાનું,અને મન થી જ લાવવાનું છે તો –
પિત્તળ નો શું કામ? ચાંદી ના લોટામાં અભિષેક માટે જળ લાવવાનું.
ઠાકોરજી જાગે એટલે તેમણે આચમન કરાવવું,પછી મંગળા માં માખણ મિસરી લાવવાં.
શ્રી રામ અને શ્રીકૃષ્ણ બંને ને માખણ-મિસરી બહુ ભાવે છે,બંને માખણ મિસરી આરોગે છે,
પછી ઠાકોરજી ને હુંફાળા જળ થી સ્નાન કરાવો,શૃંગાર કરો,તિલક કરો,ભોગ ધરો અને પછી આર્ત બની ને આરતી ઉતારો.
ઠાકોરજી ને સ્નાન ના કરાવો કે શૃંગાર ના કરો તો પણ ઠાકોરજી તો સુંદર જ છે.પણ શૃંગાર કરવા થી
આપણું બગડેલું મન સુંદર થશે.શૃંગાર વખતે ઈશ્વર પ્રત્યે આપણું મન એવું ઢળી રહે છે કે-પ્રત્યક્ષ દર્શન નો
એક સમાધિ જેવો આનંદ થાય છે.આરતી માં હૃદય આર્ત બને અને પ્રભુ ના દર્શન ની વ્યાકુળતા વધે
એટલે એક અનોખા આનંદ ની પ્રાપ્તિ થાય છે.
(ઉપર બતાવેલ માનસી સેવા ની જેમ જ પ્રભુજી ની મૂર્તિ સેવા સાચે સાચ કરી શકાય)
કળિયુગમાં મનુષ્ય નો મોટામાં મોટા આધાર જપ છે.યજ્ઞ-યાગ કરવાનું બધાનું ગજું નથી.અને
યજ્ઞ-યાગ કરવાની બધા ને જરૂર પણ નથી.એટલે જ ભગવાને જપયજ્ઞ કરવાની આજ્ઞા કરી છે.
મહાત્માઓ કહે છે કે-રોજ નિયમિત વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ કરો.વિષ્ણુ સહસ્ત્ર ના ૧૨૦૦ પાઠ કરનાર ને વિષ્ણુયાગ યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે.એ પુણ્ય થી મન ની વિશુદ્ધિ થાય છે
સમર્થ રામદાસ સ્વામીએ જપ સિદ્ધ કર્યા હતા.તેમણે લખ્યું છે કે-
એક કરોડ જપ કરવાથી શરીર નું આરોગ્ય સુધરે છે,રોગદોષ થતો નથી,
બે કરોડ જપ થી દરિદ્રતા ટળે છે,ત્રણ કરોડ જપથી યશ પરાક્રમ ની પ્રાપ્તિ થાય છે.
ચાર કરોડ જપ થી સંસારમાં સુખ શાંતિ મળે છે,પાંચ કરોડ જપ થી જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે,
છ કરોડ જપથી કામ,ક્રોધ લોભ જેવા શત્રુઓ નો નાશ થાય છે,સાત કરોડ જપથી દામ્પત્ય મધુર બને છે.
આઠ કરોડ જપથી મૃત્યુ સુધરે છે અને મૃત્યુ નો ભય ટળે છે,નવ કરોડ જપ થી ઇષ્ટદેવ ની ઝાંખી થાય છે,
દશ કરોડ જપથી સંચિત કર્મો નો વિનાશ થાય છે,અગિયાર કરોડ જપથી ક્રિયમાણ કર્મો નો નાશ થાય છે,
બાર કરોડ જપથી પ્રારબ્ધ કર્મનો નાશ થાય છે,અને તેર કરોડ જપ કરવા થી પ્રભુ નો સાક્ષાત્કાર થાય છે.
જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,
જપ વિના સંયમ ની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,
જપ વિના બળ ની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિ ની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ) ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામના ના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મન નો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મન નો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.
શાસ્ત્રકારોએ રોજ ના ૨૧૦૦૦ જપ કરવાનું કહ્યું છે,કારણકે મનુષ્ય એક દિવસમાં ૨૧૬૦૦ વાર
શ્વાસ લે છે અને છોડે છે. આ જીવ પરમાત્મા થી છુટો (વિખુટો)પડ્યો છે અને
જેમ ગાય થી વાછરડું છુટું પડી જાય અને વાછરડું હંભા-હંભા કરી ને ભાંભર્યા કરે છે,
તેમ જીવ પણ હર શ્વાસોશ્વાસ દ્વારા પરમાત્મા ને પોકારે છે.જીવ અને પરમાત્મા વચ્ચે માયા નો પડદો આવી ગયો છે,એટલે પરમાત્મા પાસે હોવાં છતાં દૂર ભાસે છે,અને જીવ પોકાર કર્યા કરે છે.
શ્વાસ થી થતા ધ્વનિ ને યોગીઓ “સોહમ” કહે છે.અને કહે છે કે જીવ શ્વાસે શ્વાસે સોહમ નો જપ
કરતો હોય છે (અજપાજપ).એટલે જીવ એક દિવસમાં ૨૧૬૦૦ સોહમ ના જાપ કરતો હોય છે.
સોહમ એટલે “તે હું છું” “હું પરમાત્મા છું” (સોહમ ને ઉલટાવવામાં આવે તો હંસ-કે હંસા થાય છે)
જ્ઞાનેશ્વર જી કહે છે કે-જેમ મીઠું અને જળ એક બીજામાં ભળી જાય છે તેમ,જપ થી જીવાત્મા અને પરમાત્મા નું ઐક્ય થાય છે.(અદ્વૈત થાય છે).જપ ની આવી ભાવના છે,અને જપ થી એ સિદ્ધ પણ થાય છે.
વિદ્યારણ્ય સ્વામી,રામદાસ સ્વામી,એકનાથ મહારાજ જેવા અનેક સંતો એ આ કલિકાલ માં પણ એ
સિદ્ધ કરી બતાવ્યું છે.કે જે વાલ્મિકીજી એ સિદ્ધ કરી બતાવ્યું હતું.
રામાયણમાં રામજી એ ભૂતમાત્ર (પ્રાણીમાત્ર) ને ઉદ્દેશી ને વચન આપ્યું છે કે-
જે કોઈ એકવાર પણ મારે શરણે આવી જાય,અને “હું તારો છું” એટલા જ શબ્દો દીનભાવે ઉચ્ચારે છે તેને
હું અભય અર્પું છું.અને તમામ ભયો થી તેનું રક્ષણ કરું છું.આ મારું દૃઢ વ્રત છે.
જીવે માત્ર “હું તારો છું” એટલી જ તકલીફ લેવાની જરૂર છે.સોદો કરવા જેવો છે,કોઈ જ ખોટ નો ધંધો નથી.
ખોવાનું માત્ર ‘હું” (અહમ) છે,પણ મેળવવાનું એટલું બધું છે કે જેનો પાર સમાય નહિ.
પણ મનુષ્ય પોતાની બુદ્ધિ નો બહુ ફાંકો રાખે છે.જો કે તે ખરેખરો બુદ્ધિશાળી ત્યારે ગણાય કે,જયારે આ સોદો પાર પડે.ભારતના સંતો એ આ કરી બતાડ્યું છે,એટલે તો ભારત ની ભૂમિ એ આધ્યાત્મિક ભૂમિ છે.
નોકરી શોધનારો મનુષ્ય એવી નોકરી, એવો શેઠ શોધે છે કે જે માયાળુ હોય,ઉદાર હોય,લાગણીવાળો હોય.
પણ એવા લાખો શેઠ કરતાંયે ચઢી જય એવા સર્વ સદગુણો નો ભંડાર શ્રીરામ ની નોકરી કોઈ સ્વીકારતું નથી.હનુમાનજી એ તે નોકરી સ્વીકારી અને અમર થઇ ગયા.
આ શેઠ (શ્રીરામ) તો એવો છે કે-જે સેવકો તેને યાદ કરે તેના કરતાં વધારે તે ખુદ સેવકો ને યાદ કરે છે.
ભગવાન કહે છે કે-મારું જેઓ નિત્ય ધ્યાન કરે છે,તેમનું દિવસ અને રાત હું ધ્યાન કરું છું,મારા ભક્તો
જ્યાં ઉભા રહે,જ્યાં તેમનાં ચરણ ધુએ,તે સ્થળ ને હું મહાતીર્થ સમજુ છું.
દુનિયા માં આટઆટલી ફેક્ટરીઓ,ઓફિસો ની નોકરીઓ માં સેવક (નોકરી કરનાર) ના ચરણ રજ ને
તીર્થ માનનારો માલિક કોઈ જડશે નહિ!!!!!!
ભાગવતમાં પણ ભગવાને કહ્યું છે કે-મારા પ્રેમ માં વિહ્વળ બનેલા ભક્તો જયારે ચાલતા હોય છે ત્યારે તેમની પાછળ પાછળ હું પણ પ્રેમ-વિહ્વળ થઇ ને ભમું છું,એવી આશા થી કે તેમનાં પવિત્ર ચરણો ની રજ મને પાવન કરે.
જેનું નામ માત્ર લેતાં જીવ પાવન થાય છે એણે તો પાવન થવાનો પ્રશ્ન જ નથી!!!
પણ પરમાત્મા પોતાના ભક્તો ને પોતાના અંતરમાં કેવું સ્થાન આપે છે,તે આમાં પ્રત્યક્ષ કર્યું છે.
યોગ વશિષ્ઠ માં સ્પષ્ટ કહ્યું છે કે-
જે નિત્યાનંદસ્વ-રૂપ છે,ચિદાત્મા છે,અને યોગીઓ જેનું નિત્ય ધ્યાન કરે છે,એ જ રામ છે,એ જ પરબ્રહ્મ છે.
ક્રમશ: