Ramayan - 1 books and stories free download online pdf in Gujarati

રામાયણ - ભાગ ૧


આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી


આ રામાયણ મહાતથ્ય શરૂ થાય છે



જેમ ભાગવત ની સમાધિ ભાષા છે,તેમ રામાયણ ની પણ સમાધિ ભાષા છે.વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટા છે,અને તેમણે રામજી ના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણ ની રચના કરી છે.

વિષ્ણુસહસ્ત્ર નામ માં શ્રીવિષ્ણુ ને “કવિ” એવું એક નામ પણ આપ્યું છે.
વિશ્વેશ્વર વિષ્ણુ વિશ્વના કર્તા,ભર્તા અને હર્તા છે.તેમણે સૃષ્ટિ ની રચના કરી છે, સૃષ્ટિ એ “કવિ” વિષ્ણુ ની કવિતા છે.ઈશ્વર નું એ કવિત્વ પૃથ્વી પર વાલ્મીકિ,વ્યાસ અને તુલસીદાસ માં આવિર્ભાવ પામ્યું છે.એટલે રામાયણ અને ભાગવત કથા દિવ્ય છે.એનું સેવન મોક્ષ-દાતા છે.

રામાયણ ની રચના તમસા નદીને કિનારે થઇ છે કે જ્યાં મહર્ષિ વાલ્મીકિ નો આશ્રમ હતો.
રામાયણ એ આદિકાવ્ય છે,વાલ્મીકિ એ આદિકવિ છે,અનુષ્ટુપ એ આદિ છંદ છે.
અનુષ્ટુપ નો પહેલો શ્લોક વાલ્મીકિ ના કંઠ માં થી પ્રગટ થયો છે.

વાલ્મીકિ ની ચરિત્ર-કથા એ રામનામ ના મહિમા ની કથા છે.રામનામ નો એ ચમત્કાર છે.
વાલ્મિકીએ પોતે જ શ્રીરામ ને એ પ્રમાણે કહ્યું છે કે-“હું તો તમારા નામ નો જપ પણ બરાબર કરી શકતો નહોતો,”રામ-રામ” ને બદલે “મરા-મરા” બોલતો હતો,તેમ છતાં તમારા નામ ના પ્રતાપે હું તરી ગયો,
મહર્ષિ અને કવિ થયો,તમારા “નામ” નો મહિમા હું બરોબર જાણું છું”
આમ વાલ્મીકિ જી એ પોતાના જીવન અને જીવન કાર્ય (રામાયણ) દ્વારા રામનામ નો મહિમા ગાયો છે.

વાલ્મીકિ નો જન્મ બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો,તેમનું નામ રત્નાકર હતું.
કુસંગ માં પડી જવાથી તે બ્રાહ્મણ ધર્મ થી વિમુખ થઇ ગયો હતો,તે જીવ-હિંસા,લૂટફાટ કરી પોતાના કુટુંબ નું
ભરણ પોષણ કરતો. એકવાર સપ્તર્ષિઓ જંગલ માં થઈને જતા હતા,ત્યાં લૂટારા રત્નાકરે તેમને જોયા અને
તેમનો રસ્તો રોકી કહ્યું કે –તમારી પાસે જે કંઈ હોય તે અબઘડી આપી દો.

ઋષિમુનિઓ ને ક્યાં કોઈ ચીજ પર મમતા હતી?એટલે તેમણે કહ્યું કે-અમારી પાસે જે કંઈ છે તે તારું જ છે,
પણ અમને એક વાત નો જવાબ દે કે તુ શું સારું આમ લૂટફાટ કરે છે?
રત્નાકરે કહ્યું કે-લૂટફાટ કરું નહિ તો ખાઉં શું?ને બૈરી-છોકરાં ને ખવડાવું શું?
તે ભૂખે મરી જાય તો મને કેટલું પાપ લાગે ? તેમના માટે હું આ લૂટફાટ (પાપ) કરું છું.
સપ્તર્ષિઓ એ કહ્યું કે-ત્યારે તુ પાપમાં સમજે છે તો અમારે તને એ જ પૂછવું કે –
તુ જે આ લૂટ ફાટ નું પાપ કરે છે તે પાપ માં તારી બૈરી-છોકરાં નો ભાગ ખરો?
રત્નાકરે તરતજ કહ્યું કે-ખરો જ ને?મારા પાપ નું રળેલું જે ખાય તેમાં જે ખાય તે બધાંનો ભાગ.

ઋષિઓ એ કહ્યું કે-તારા ઘરે તારી બૈરી-છોકરાં ને તે પૂછી જોયું છે? રત્નાકર કહે છે-હમણાં પૂછી આવું.
રત્નાકર દોડતો ઘેર ગયો અને બૈરી-છોકરાં અને માતપિતા સર્વે ને ભેગાં કરી પૂછ્યું કે-
મારા પાપ માં તમારો ભાગ ખરો કે નહિ ? ત્યારે જવાબ માં બધાએ કહ્યું કે-પાપ તો જે કરે તે ભોગવે,
અમે ક્યાં કહીએ છીએ કે તુ પાપ કરી ને અમારું પેટ ભર?
એક તણખો થાય અને દીવો પ્રગટી જાય તેમ રત્નાકર ના હૃદયમાં દીવો થઇ ગયો.
એના પૂર્વજન્મ ના સંસ્કાર એકદમ જાગી ગયા,દોડતો એ ઋષિઓ પાસે પાછો ફર્યો અને તેમણે ચરણે પડ્યો.
ઋષિઓ એ વિચાર્યું કે શરણે આવ્યો છે એટલે એની યોગ્યતા મુજબ ઉપદેશ આપવો જ પડશે.
એટલે સીધો સાદો ઉપદેશ દઈ દીધો કે-“બેટા,રામ-નામ રટ”

મનુષ્ય ના ચિત્તમાં પણ અનેક જન્મ ના સંસ્કારો ના બીજ પડેલા હોય છે,કોઈ સદભાગી પળે,
કોઈ સંત-મહાત્મા ની ટકોર થી એ સંસ્કારો જાગૃત થઇ જાય છે.અને ઓચિંતો જ તે બદલાઈ જાય છે,
તેનું આ રહસ્ય છે.યોગ-ભ્રષ્ટ જીવાત્માઓ સહેજ અમથી ટકોર થતાં બધું મૂકીને હાલતા થાય છે.
સમર્થ રામદાસ,લગ્ન ની ચોરી માં “સાવધાન”: શબ્દ સાંભળી એકદમ સાવધાન થઇ ગયા ને
ત્યાંથી હાલતા થયા. એવાં તો કેટલાંય દૃષ્ટાંતો છે.જે પૂર્વજન્મ ના સંસ્કારો જાગ્રત થવાનું બતાવે છે.



સપ્તર્ષિઓએ જે પ્રશ્ન રત્નાકર ને પૂછેલો તે તેને એકલાને જ લાગુ પડતો નથી,પણ આજ ની દુનિયામાં રહેલા મનુષ્ય માત્ર ને લાગુ પડે છે,પૈસા કમાવાની લાલચ માં મનુષ્ય પાછું વળી ને જોતો નથી,અને ગમે તે રીતે ઘણીવાર અનીતિ થી પણ ધન કમાવા લાગી જાય છે.પણ રત્નાકર ની આંખ ઉઘડી ગઈ તેમ મનુષ્ય ની આંખ ખુલે તો તેનો પણ બેડો પાર થઇ જાય.

કબીર કહે છે કે-કબીરા સબ જગ નિર્ધના,ધન્વંતા નહિ કોઈ,ધન્વંતા સો જાનીયે જા કે રામનામ ધન હોય.

રત્નાકર નું હૃદય સરળ હતું તેમાં શ્રદ્ધાનો વાસ હતો,એણે તો રામનામ ઝીલી લીધું.રટ લગાવી રામનામ ની અને એક આસને બેસી ગયો.દિવસો વીતવા લાગ્યા,”રામરામ” નું રટણ કરતાં કરતાં ક્યારે “મરામરા”
થઇ ગયું એઅનું રત્નાકર ને ભાન રહ્યું નથી.મહિના અને વર્ષો વીતી ગયા,રત્નાકર નું આખું શરીર
માટીના રાફડાઓ થી ઢંકાઈ ગયું,રત્નાકર પોતે જ મોટો રાફડો બની ગયો.સંસ્કૃત માં રાફડાને વલ્મીક કહે છે,અને વલ્મીક પરથી થયું વાલ્મીકિ.અને રત્નાકર વાલ્મીકિ એટલે કે રાફડાવાળા મુનિ તરીકે પ્રસિદ્ધ થયા.

જ્ઞાન થી પ્રારબ્ધ નો નાશ થતો નથી.બહુ બહુ તો સંચિત અને ક્રિયમાણ કર્મો નો નાશ થાય છે.
પણ પ્રભુ ના “નામ” થી પ્રારબ્ધ કર્મો નો પણ નાશ થાય છે.
રામ-નામ ના પ્રતાપે વાલ્મીકિ ના ત્રણે કર્મો નો નાશ થયો,અને નિષ્કરમા બની ગયા.
વિધાતાના લેખ (પ્રારબ્ધ) પર મેખ મારવાની શક્તિ રામનામ માં છે.જપ નો આવો મહિમા છે.

વાલ્મીકિ એ જપ કર્યો અને તપ પણ કર્યું. એકલો જપ જો મનુષ્ય નો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય તો
જપ અને તપ બંને ભેગા થાય તો શું ના થાય ?
પ્રશ્ન થાય કે વાલ્મીકિ એ રામ-રામ ને બદલે મરામરા નો જપ કર્યો છતાં તેમને ફળ કેમ મળ્યું?

રામાયણ અને ભાગવત નો મુખ્ય વિષય છે-નિષ્કપટ ધર્મ. જેમાં બિલકુલ કપટ નથી તેવો ધર્મ.
જો મનુષ્ય સત્કર્મ (જપ-તપ) કરવાનું ફળ માગે,ફળ ની ઈચ્છા કરે તો તે સકામ કર્મ થયું,
સકામ કર્મ એટલે લાલચ વાળું કર્મ. જ્યાં લાલચ છે ત્યાં મન ની નિર્મળતા નથી,પણ કપટ છે.
એટલે જ્યાં કપટ છે (સકામ કર્મ છે) ત્યાં “ભૂલ” ક્ષમા ને પાત્ર નથી.
વાલ્મીકિ એ કરેલું સત્કર્મ એ સકામ નથી.તેમણે ઈશ્વર સિવાય કોઈ બીજી ઈચ્છા (આરત) નહોતી.
અને આવા નિષ્કામ કર્મ માં ભૂલ ક્ષમ્ય છે.

વાલ્મીકિ એ ઉલટા કરેલા મંત્ર થી શ્રીરામ ભુલાવામાં પડ્યા નથી,
વાલ્મીકિ ની અંતર ની આરત ને તે જાણતા હતા.
બાળક કાલુંઘેલું બોલે પણ તે શું કહેવા માગે છે તે મા સમજી જાય છે.કારણ તેનામાં વાત્સલ્ય ભાવ છે.
તેવી રીતે ઈશ્વર પણ વાત્સલ્ય મૂર્તિ છે.એટલે તો તેમણે ભક્ત-વત્સલ કહે છે.
વત્સ નો અર્થ વાછરડું પણ થાય છે.વાછરડું ભાંભરે એટલે ગાય તેં ઓળખી તેના તરફ દોટ મૂકે.
તેવી જ રીતે ભક્ત બોલાવે તો ભગવાન દોડી આવે છે.

સકામ-કર્મી ઓ (જેને ફળ ની કામના છે તે) રામનામ બોલે પણ તેમનું મન કોઈ દુન્યવી પદાર્થ પર
ચોંટેલું હોય તો તે રામનામ ની રટણા નહિ પણ દુન્યવી પદાર્થ ની જ રટણા બની જાય છે.
પછી રામજી ક્યાંથી પ્રસન્ન થાય ? રામજી તો આગળની-પાછળની,બહારની અને ભીતરની બધી વાતો
જાણનારા છે.એમને છેતરી શકાય નહિ.
અંતરમાં વાસનાઓ,કામનાઓ,મોહ વગેરે કચરાનો ઢગલો ખડકેલો હોય તો રામજી આવી કેવી રીતે ને ક્યાં પગ મૂકે? ભગવાન જો અંદર આવે તો આ વાસનાઓ અને પાપ ને ભાગવું પડે,
તેમને (વાસનાઓ-પાપ-વગેરેને) ભાગવું નથી એટલે તે પાપ ભગવાન નું નામ લેવા દેતું નથી.


સેવાનું ફળ એ સેવા છે મેવા નહિ.માટે ભક્તે મુક્તિની પણ આશા કરવી જોઈએ નહિ.
નરસિંહ મહેતા એ ગાયું છે કે-હરિ ના જન તો મુક્તિ ના માગે,માગે જન્મોજન્મ અવતાર રે....
એનું નામ નિષ્કામ ભક્તિ. ભક્ત ને ગોલોક ધામ કે વૈકુંઠધામ જોઈતું નથી,એને તો પ્રભુ ની સેવા જોઈએ છે.ભોગ માટે કે સુખ માટે તેની ભક્તિ નથી.પણ ભગવાન માટે ભક્તની ભક્તિ છે.
ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી પણ ભોગ વહાલા છે.તેને સંસાર વહાલો છે.
ઘણા ભક્તિ કરતાં કરતાં -ભગવાન પાસે પુત્ર માગે છે,ધન માગે છે.

ભગવાન બધું સમજે છે,તે મન માં વિચારશે કે-આ ચાલાક તો એનું કામ મારી પાસે કરાવવા માગે છે.
મારી સેવા કરવા ને બદલે મારી પાસે સેવા કરાવવા માગે છે.
ભગવાન ની આગળ આવી કોઈ ચાલાકી ચાલતી નથી.

સાચો ભક્ત તો પ્રભુ ને કહેશે કે-
હે પ્રભુ,હું મારી આંખ,મારું મન,મારું સર્વસ્વ જે કઈ છે તે તારું જ છે અને તને જ અર્પણ કરું છું.
સાચો ભક્ત મુક્તિ માગતો નથી. “મને દર્શન આપો” એમ પણ કહેતો (માગતો) નથી.
માગવાથી પ્રેમ નો ભાગ થાય છે,પ્રેમ ઓછો થાય છે.માટે પ્રભુ જોડે કંઈ માગવું જોઈએ નહિ.

શ્રી રામચંદ્રજી નો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક જણ ને ભેટસોગાદ આપી નવાજે છે.પરંતુ
હનુમાન જી ને કંઈ આપતા નથી.સીતાજી પાસે બેઠાં હતાં તેમણે કહ્યું કે –આ હનુમાન ને પણ કંઈ આપો ને !
ત્યારે રામજી કહે છે કે-હનુમાન ને હું શું આપું?હનુમાન ના ઉપકાર નો બદલો હું વાળી શકું તેમ નથી.
હું સદાય નો તેનો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું.

ભક્ત નો પ્રેમ ભગવાન ને ય સદાના ઋણી બનાવી રાખે છે.
શુદ્ધ પ્રેમ માં લેવાની નહિ પણ આપવાની ભાવના થાય છે.મોહ ભોગ માગે છે જયારે પ્રેમ ભોગ આપે છે.
પ્રેમ માં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો –એમ સમજવું.ભક્તિ માં માગો તો માગેલી વસ્તુ મળશે ખરી,
પણ ભગવાન જશે. આપવા વાળો પ્રભુ જશે. ભગવાન ગીતામાં કહે છે કે-દેવના ભક્તો દેવ ની પૂજા કરે છે,
અને તેનું આકાંક્ષિત ફળ પામે છે,જયારે મારા (બ્રહ્મ ના) ભક્તો મને (બ્રહ્મ ને) પામે છે.

મનુષ્યે એમ માનવું જોઈએ કે “પ્રભુ એ મને ઘણું આપ્યું છે” કદાચ પ્રભુએ ઓછું આપ્યું હોય તો પણ
એમ માનવું કે-“મારા પ્રભુજી તો પરિપૂર્ણ છે,પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે,તે મારું
હિત બરાબર સમજે છે.તેથી જેટલું જોઈએ તેટલું જ આપ્યું છે”

મુક્તિ કરતાં પણ ભક્તિ માં વિશેષ અલૌકિક આનંદ છે,ભક્તો માને છે કે-મુક્તિ એ તો ભગવાન ની દાસી છે,
મારે દાસી નું કામ નથી,ભગવાન નું કામ છે.
રામકૃષ્ણ પરમહંસ ને કેન્સર થયેલું.અસહ્ય પીડા થતી હતી.ત્યારે શિષ્યો એ કહ્યું કે –માતાજી ને કહો તો તે તમારો રોગ સારો કરે.ત્યારે રામકૃષ્ણે કહ્યું કે-મારી માતા ને હું મારા માટે તકલીફ નહિ આપું.

સ્વામી વિવેકાનંદ સન્યાસી થયા નહોતા તે વખતની વાત છે,તેઓ એકવાર ખૂબ જ મુશ્કેલી માં હતા.
તેમણે રામકૃષ્ણ ને તેમનું દુઃખ દૂર કરવા કહ્યું.
રામકૃષ્ણ કહે છે કે-જા, માતાજી આગળ અને તેની પાસે થી માગી લે.
વિવેકાનંદ પ્રાર્થના કરવા ગયા,પણ માતાજી સમક્ષ ધન-માલ માંગવાની કે દુઃખ દૂર કરવાની વાત તેમના
મુખ માંથી નીકળી નહિ,પણ માગી તો માત્ર મા ની કૃપા જ માગી.અને બહાર આવ્યા.
રામકૃષ્ણે પૂછ્યું કે- તેં મા પાસે તારું દુઃખ દૂર કરવાની વાત કરી? ત્યારે વિવેકાનંદે કહ્યું કે-ના.
રામકૃષ્ણે તેમણે ફરી થી બીજી વાર મા પાસે મોકલ્યા. પણ બીજી વાર પણ તેમણે એ જ માગ્યું.
ત્રીજી વાર મોકલ્યા તો પણ તેમણે –મા ની કૃપા જ માગી.
આ છે,સાચા ભગવદભક્ત ની ભાવના.એના મનમાં ભૌતિક સુખ-દુઃખ નો વિચાર ઉગતો જ નથી.
દુઃખ ની પણ પરવા નહિ અને સુખ ની પણ પરવા નહિ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED