cozi corner - 17 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર - 17

 કોઝી કોર્નર 22

  હમીરસંગ ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો. રંભા અને અરજણ નું ખુન કરીને કોઝી કોર્નરના અવાવરું હિસ્સામાં દાટતી વખતે  જે બે વિધાર્થીઓ આ ઘટના જોઈ ગયા હોવાનો એને શક હતો એમાંથી એક ઘમુસરની છોકરી સાથે હરતો ફરતો હતો એટલે એક કાંકરે બે પંખી મારવા જેવો એણે ઘાટ ઘડ્યો હતો.પરેશ અને રમલીને ઉઠાવી લાવવાનું કામ ગટોરની ટોળીએ આબાદ રીતે પાર પાડ્યું હતું.અને એ દરમ્યાન થયેલી ઝપાઝપીમાં જેસો અને અબ્દુલ ઘવાયા એ જાણીને એ બન્ને ઉપર હમીરસંગને દાઝ ચડી હતી.એક છોકરી બચકાં ભરી જાય અને માંસ ના લોચા કાઢી નાખે એ વાત પોતાના આદમીઓ માટે એને વધુ પડતી લાગતી હતી.પરેશે જે રીતે ટોકીઝમાં ગટોર અને ભીમાને ઠમ ઠોર્યા હતા એ વાત તો ગટોરે કરી જ નહોતી.નહિતર હમીરસંગ એને જ મારી મારીને ઘરભેગો કરી દેત.કારણ કે પોતાના માણસો માર ખાઈને આવે, એ એને બિલકુલ પસંદ નહોતું.
  પરેશ પછી બીજો શકદાર હું હતો.એટલે મને પકડી લાવવા હમીરસંગે ગટોર અને ભીમાને ફરીવાર મોકલ્યા હતા.અને એ વિભા રબારીના નેસડા પર જઈ આરામ કરતો હતો.રમલી એના મનમાં રમતી હતી પણ રબારીઓ પોતાના નેસડામાં એવી કોઈ વાત સાંખી ન શકે એ વાત હમીરસંગ બરાબર સમજતો હતો.વિભા રબારીને પરેશ અને રમલીના અપહરણની કોઈ જ જાણ નહોતી નહિતર એ હમીરસંગ સાથેનો તમામ સબંધ પૂરો કરીને એના નેસડામાં પણ પગ મુકવા ન દે. વિભો રબારી હમીરસંગની દોસ્તી એટલે નિભાવતો હતો કે એને એક બે વખત હમીરસંગે પોતાની ઓળખાણથી પોલીસના લફરામાંથી છોડાવ્યો હતો. પરેશ અને રમલી, જગા રબારીના નેસડામાં ખૂબ મઝા કરતા હતા.એક બે વાર પરેશે જગાને પોતાને અહીં થી જવા દેવા સમજાવ્યો હતો.પણ જગો એ બાબતે ખૂબ મક્કમ હતો.એણે કહ્યું હતું , " ભાઈ, તારો વાળ પણ હું વાંકો નહિ થાવા દઉં..અને તારી આ ઘરવાળી મારી બેન દીકરી સમાન સે..તમે બેય આયાં મારા મેં'માન સો..હે..ઇ..ને ખાઈ પી ને હાકલા કરો..પણ જાવાની વાત નો કરશો..તમારી હારે અમારા ભાઈબંધને કંઇક હિસાબ કરવાનો સે..ઓલ્યા અમદાવાદ વાળા શાબ આવે પસી તમને જાવા દેવાનો હકમ સે મને...અટલે તારી કોઈ પણ વાત હું નઇ હાંભળુ...હો જુવાન...."
 જગો રમલીને પરેશની ઘરવાળી સમજતો હતો.એની વાત સાંભળીને રમલી તો રાજીના રેડ થઈ ગઈ
"અલ્યા..પરિયા હાલ્ય ને કાયમ આયાં જ રઇ પડીએ. આ લોકોની હા..રે...આયાં ચેવી મજા આવે સે...ખાવા પીવાની..અને રે'વાની..આપણને બેયને ભેગા ને ભેગા જ રાખે સે..આવી ખબર્ય હોત તો ઓલ્યા બસાડાને હું બટકા'ય નો ભરત..અને સામી થયા વગર આવતી જ રે..ત.."
"બહુ વાયડીની થા માં...મારે જિંદગીભર આ જંગલમાં ઢોરા નથી ચારવાના..સમજી ? મારા બાપાએ મને ભણવા મોકલ્યો છે, કોઝીમાં બધા મારી વાટ જોતા હશે...હું ગમે તેમ કરીને અહીંથી ભાગવાનો છું..તારે આવવું હોય તો તૈયાર રેજે..નકર પડી રે'જે ભેંસો દોવા.."
પરેશે રમલીના ગાલ પર ચૂંટી ખણી ને કહ્યું.
"ના..હો..હવે તો જ્યાં મારો પરિયો, નયાં એની રમલી...પરિયા, તું મારી હારે લગન નઈ કરે ને તો હું જીવીશ ત્યાં લગણ (સુધી ) બીજા કોય હારે નઈ પૈણું.. આ કાયા હવે તારા સિવાય કોઈને હું સોંપી નઈ હકુ.. આઈ લવ યુ...સો...મસ.." રમલીએ પરેશનું મોં પકડીને ગાલ ઉપર જોરથી કિસ કરીને બચકું ભરી લીધું.પરેશ ઉપર એ પૂર્ણ રીતે ઓળઘોળ થઈ ગઈ હતી.પરેશ પણ પોતાને બચાવવા રમલી જે રીતે લડી હતી અને ગટોરને આજીજી કરવાની પણ ના પાડતી હતી એ જોઈને મનોમન રમલીને સાચો પ્રેમ કરવા લાગ્યો હતો.એમ્બેસેડરની ડીકીમાં પણ પોતે અગવડ ભોગવીને એ પરેશને સાચવતી હતી..એની પોતાના પ્રત્યેની કાળજી જોઈને પરેશના દિલમાં રમલી પ્રત્યે પ્રેમનું ઝરણું ફૂટી નીકળ્યું હતું. જ્યારે પહેલીવાર રમલીને જોઈ ત્યારે ખાલી ટાઈમપાસ માટે એણે રમલીને પટાવી હતી.રમલીને પણ પરેશની ચોખવટ ખૂબ ગમી હતી.પરણવાના ખોટા વાયદા આપીને શરીર સુખ ભોગવીને ચાલ્યા જતા અને પછી પોતાને અનુકૂળ હોય તેની સાથે પરણી જતા છોકરાઓ માટે એને ખૂબ ચીડ હતી. પરેશે પહેલી જ મુલાકાતમાં સ્પષ્ટ કર્યું હતું કે, " હું મારા બાપાની ઈચ્છા વિરુદ્ધ તારી હારે લગ્ન નહિ કરું.. ખાલી મારી હારે મોજ કરવી હોય તો જ આવજે..."
 રમલી, પરેશની આવી હલકી વાત સાંભળીને પહેલા તો ખૂબ ગુસ્સે થઈ હતી અને પરેશને છોડીને ચાલી પણ ગઈ હતી.પરેશે એની સામું જોવાનું પણ છોડી દીધું હતું.પણ રમલીના દિલમાં પરેશ એ હદે છવાઈ ગયો હતો કે એ પરેશની શરત માનીને એને પ્રેમ કરવા લાગી હતી. અપહરણના આવા સંજોગોમાં પરેશે રમલીના પ્રેમને ઓળખી લીધો હતો.તમારા માટે જે વ્યક્તિ જાનની બાજી લગાવી શકતી હોય એનાથી વધુ આ દુનિયામાં કોણ તમને પ્રેમ કરી શકે ?
 પણ પરેશ મૂંગો રહ્યો હતો.રમલીને એકવાર પણ જો એણે કહ્યું હોત કે હવે આપણે જીવીએ ત્યાં સુધી એકમેકની સાથે જ રહીશું , હું તારી હારે જ લગ્ન કરીશ..તો કદાચ રમલી ખુશીથી પાગલ થઈ જાત !!

**   ** ****  *** ***  ***

    હમીરસંગે રંભા અને અરજણનો જે રીતે કાંટો કાઢ્યો એ પછી ઘમુસરે ખૂબ જ મહેનત કરીને પોલિસ તપાસ માંથી બચવાના પ્રયોજન ઉભા કર્યા હતા. ઘમુસરે બીજા જ દિવસે ઝૂંપડપટ્ટીમાં માણસ મોકલીને તપાસ કરાવી હતી જે રંભા કેમ કામ પર આવતી નથી. પડોશીઓને એવું જણાવવામાં આવ્યું હતું કે રંભા બે દિવસથી કામ પર આવતી નથી. ઘમુસર જે સોસાયટીમાં રહેતા હતા એમાં ખૂબ ઓછા મકાન બન્યા હતા.એટલે કોણ, ક્યારે , ક્યાં આવે જાય છે  એ બાબતની નોંધ કોઈ રાખતું નહીં. સી. સી. ટી. વી. કેમેરાની તો કોઈ કલ્પના પણ એ જમાનામાં નહોતી.
એટલે અરજણ અને રંભા એમની ઝૂંપડપટ્ટીમાંથી ક્યાંક ચાલ્યા ગયા હોવાનું માનીને એના પડોશીઓએ કોઈ જાતની તપાસ કરી નહોતી. થોડા સમય પછી અરજણ અને રંભાના સગાઓએ આ બન્ને જણ ની ખૂબ તપાસ કર્યા પછી પોલીસમાં રિપોર્ટ કર્યો હતો. પોલીસ રંભાના કામ કરવાના સ્થળોએ તપાસમાં આવી ત્યારે ઘમુસરે ખૂબ જ સિફતથી જણાવ્યું કે "મારે ત્યાં એ બાઈ કામ પર આવતી હતી ખરી પણ એકાએક મને જાણ કર્યા વગર એ, એના ઘણી સાથે ક્યાંક જતી રહી હોવાનું મને જાણવા મળ્યું હતું. એનો પગાર પણ એ લેવા આવી નથી.મેં પણ એના રહેઠાણ પર તપાસ કરાવી હતી.."
 ઘમુસરના જવાબ બાબતે પોલીસને ઝૂંપડપટ્ટીમાંથી પણ પુષ્ટિ મળી જતા પોલીસને ઘમુસર જેવા સાલસ અને સભ્ય વ્યક્તિ ઉપર કોઈ પણ જાતની શંકા રહી નહોતી.
અને એ કેસ ગુમશુદા ફાઈલમાં મુકાઈને દફતરે કરવામાં આવ્યો હતો.
 આમ, ઘમુસરની પ્રખર બુદ્ધિને કારણે  હમીરસંગ પોલીસના લફરાંમાંથી બચતો રહેતો, એટલે ઘમુસરના હુકમ વગર એ પાણી પણ પીતો નહીં. જેલમાં ઘમુસરનો સંપર્ક થયા પછી હમીરસંગે એના જીવનમાં કરેલા નાના મોટા ગુન્હાઓ કરતા પણ મોટા મોટા ખતરનાક કારનામા કર્યા હતા.તેમ છતાં એ ક્યારેય પોલીસની ઝપટે ચડ્યો નહોતો.એના ઓળખીતા પોલીસ સ્ટેશનો અને પોલીસવાળા
 પણ એમ સમજતા હતા કે હમીરસંગ હવે સુધરી ગયો છે !!
   ઘમુસરનો આટલો પ્રભાવ રમલીને હમીરસંગની હવસથી બચાવી રહ્યો હતો.કારણ કે એમણે બે જ દિવસમાં આવી પહોંચવાનું કહેલું હતું. અને આજે અઠવાડિયું વીતવા છતાં એ આવ્યા નહોતા.
  ગટોર અને ભીમાની ચૂંગાલમાંથી અમે છટક્યા પછી માધવસિંહ નેસડા પર પોલીસ લઈને ત્રાટક્યો ત્યારે એને ખ્યાલ આવ્યો હતો કે અમારું અપહરણ ફેઈલ ગયું છે. જૂનાગઢ પોલીસ ચોકીમાંથી પોતાની વગ વાપરીને ગટોર વગેરેને છોડાવીને એણે ગટોર અને ભીમાને ફરીવાર અમને પકડવા મોકલ્યા હતા. અને પોતે બીજા માણસોને લઈને ઘમુસરના ઘેર તપાસ કરવા પહોંચ્યો ત્યારે વાલમસિંહ, ઘમુસરને ઉપાડી ગયો હતો. ઘમુસરનો બંગલો ખુલ્લો હતો અને કોઈ જ માણસ ત્યાં નહોતું. ડ્રોઈંગરૂમમાં વિખેરાયેલો સમાન જોઈને હમીરસંગને ચિંતા થઈ હતી, અને કંઈક ગરબડ થઈ હોવાનો એને ખ્યાલ આવ્યો હતો.
એક માણસને ઘમુસરના બંગલાની દેખરેખ રાખવા મૂકીને એ અમદાવાદ ખાતેના પોતાના ઘેર ચાલ્યો ગયો હતો, જ્યાં એના પરિવાર સાથે એ રહેતો હતો. હમીરસંગની બન્ને દીકરીઓ સાયન્સ કોલેજમાં ભણતી હતી.
  બીજા દિવસે એ ગીરના જંગલમાં આવવા રવાના થયો.એને એમ જ હતું કે ગટોર અને ભીમો અમને બન્ને ને લઈને કાળા ડુંગરના ખન્ડેરમાં આવી જ ગયા હશે.હોસ્ટેલમાંથી બે છોકરાઓ ઉઠાવી લાવવા એ કોઈ મોટી વાત નહોતી.પણ એ હોસ્ટેલ કોઝી કોર્નર હોય અને જેમને ઉઠાવવા ગયા હતા એ સમીર એટલે કે હું અને ભારે ખેપાની બિટિયો હોય તો ? કદાચ હમીરસંગ ખુદ આવ્યો હોત તો પણ અમે એની વલે ગટોર અને ભીમા જેવી જ કરી હોત !!

**   **  ***  ***  **

  ગીરના જંગલમાં આવેલ જગા રબારીના નેસડા તરફ સૌથી આગળ વાલમસિંહ અને એના દોસ્તો ઘમુસરને ફિયાટની ડીકીમાં નાખીને જઇ રહ્યા હતા. એની પાછળ લગભગ સો કિલોમીટર અમારી 42 કોઝી કોર્નરિયા બટાલિયનની ફોજ બસ લઈને જઇ રહી હતી.અને અમારી બસમાં બે કોથળામાં હમીરસંગના ડાબા અને જમણા હાથ જેવા ગટોર અને ભીમો ટૂંટિયું વળીને પડ્યા હતા.અમને કોઈને એ લોકોની સહેજ પણ દયા આવતી નહોતી.
અને અમારી પાછળ હમીરસંગ એના માણસોને પોતાની બ્લેક એમ્બેસેડરમાં લઈને જઈ રહ્યો હતો.
  આ કાફલો ધારી પાસેથી તુલસી શ્યામ જવાના રસ્તે થઈને ગીરના જંગલમાં ઘૂસવાનો હતો. અને એ પણ દિવસ દરમ્યાન જ ! કારણ કે સાંજે 7 થી સવારના 7 સુધી જંગલમાં નો એન્ટ્રી હતી. ચેક પોસ્ટ પર ફાટક બંધ કરી દેવામાં આવતું.
  આ ત્રણેય વાહનો સાંજના 6 વાગ્યા પહેલા ગીર ફોરેસ્ટમાં એન્ટર થઈ ચૂક્યા હતા.વાલમસિંહ અને એના દોસ્તોએ તુલસીશ્યામની જગ્યામાં રાતવાસો કરવાનું નક્કી કર્યું. કારણ કે રાત્રે કનકાઈ તરફ જવું ખૂબ જ જોખમી હતું.ગીરના સાવજ પોતાની શાંતીમાં ખલેલ પડે એ સહન કરી શકતા નહીં. અને જંગલખાતાનો નિયમ પણ નડે એમ હતો. 
  અમારી બસ પણ તુલસીશ્યામ જ રાત રોકાવાની હતી. નંદલાલ ભંડેરી અને રમેશ પાઘડાર વગેરે ગીર વિસ્તારના છોકરાઓએ આ નિર્ણય લીધો હતો. બીજા દિવસે સવારે અમે લોકો કનકાઈ તરફ જવાના હતા અને ત્યાંથી કાળા ડુંગરનું પર્વતારોહણ કરવાનું છે એમ બસના ડ્રાઇવર અને કંડક્ટરને અમે લોકોએ ગોળી પીવડાવી હતી. એટલે બસનો ડ્રાઇવર અમારા આ અભિયાનને કોલેજીયન છોકરાઓની ટુર જ સમજતો હતો.
  બસમાં ખૂબ જ ધમાલ ચાલી હતી.બીટીએ નોનવેજ જોક્સ કહીને બધાને ખૂબ હસાવ્યા હતા. પરેશ અને રમલીને ગુંડાઓના કબજામાંથી અમે લોકો છોડાવવા જઈ રહ્યાં છીએ એ વાત જ જાણે  સૌ ભૂલી ગયા હતા.પછી અંતકડી રમ્યા એમાં જેમને ગીત આવડતા હતા એમણે સારી રીતે અને જેમને નહોતા આવડતા એમણે રાગડા તાણી તાણીને ગીત ગાયા હતા.રણછોડ ગીણોયાએ હિન્દી પિક્ચરના ગીતોનો ગુજરાતીમાં અને છેક કાઠીયાવાડી ભાષામાં  અનુવાદ કરીને ગાયા હતા. એ સાંભળીને અમે હસી હસીને બેવડ વળી ગયા..
એક બે ગીતની લિજ્જત આપણે પણ લઈએ..
તેજાબ પિક્ચરનું ફેમસ ગીત રણછોડે આ રીતે ગાયું...

એક..બે...તય.. ણ.. સાર..પાસ..સો..સાત..આઠ ..નવ..
અલ્યા તને..કવ..
દ..હ..અગિયાર...બાર ...ને. તેએર..
તારી વાટ.. જોઈ..બહુ...
આવી નઈ તોય..મારી વહુ...
મિનિટ ગણી.. કલાક..ગણ્યો..
દિવસોને મહિના ગયા વીતી...
ખોડી તે ચ્યાં જઈને ખીં.. તી..
એક..બે...તય... ણ..
વળી મહમદ રફીનું એક ગીત...

ના જાને તુમ કબ આયોગી..નું ગુજરાતી રણછોડીયાએ આ રીતે લલકાર્યું..

નથી ખબર તું ચ્યારે આવીશ...

સિતારે અપની રોશની દિખા દિખા કે સો ગયે..
તારોડીયા હંધાય લબક લબક થઈને હુઈ ગિયા..આ...આ...

નઝારે ભી અપની મસ્તીયાં લૂંટા લૂંટા કે સો ગયે...

હારું હારું દેખાતું'તું..ઇ..ઇમના નાચ દેખાડી દેખાડીને હુઈ જ્યાં..
(નઝારા શબ્દનું ગુજરાતી રણછોડીયો જાણતો નહોતો એટલે એણે એની સમજણ પ્રમાણે હાંકયું.)
હવા કી.. રૂખ બદલ ચુકી..ઈ..ઈ..ઇ
ના જાને તુમ કબ આવોગી..
પવનની દશ્ય પણ બીજી કોર વ..ઇ ગ..ઇ..ઇ..ઇ..ઇ..ઇ
કોણ જાણે તું ચયારે ગુડા.. વાની..

એ પત્યું એટલે બધાએ રણછોડને હજી આવા એક બે ગીત ગાવાની ફરમાઈશ કરી..

રણછોડે ".લગ જા..ગલે..કે ફિર એ હંસી રાત હો..ન..હો.." નું ગુજરાતી લલકાર્યું..

એ...સોંટી(ચોંટી)..જા..ગળે...ઝટ..ડોટ મૂકીને...નકર આ રાત...હોય.. નો..હોય....
ઇસ જીવનમે ફિર મુલાકાત હો ન હો..ઓ..ઓ
આ ટૂંકા જીવતરમાં...પછી ભેગું થયાઆ....નો...થયાઆ.... આ...આ...આ.....
મેરે સામનેવાલી ખીડકી મેં એક ચાંદ સા ટુકડા રહેતા હે..અફસોસ મગર હમસે ઉખડા ઉખડા રહેતા હે..
મારી હામેની એક ડેલીમાં...
એક...ચાંદ નો કટકો આંટા મારે ..સે..એ..
 ચોંટાડું જો નજર તો હાળી તરત ઉખડી ઉખડી ભાગે સે....
  રણછોડીયાએ અમને ખૂબ મઝા કરાવી.છેક સાંજે સાત વાગ્યે અમે તુલસીશ્યામ પહોંચ્યા હતા.તુલસીશ્યામ ગરમ પાણીના ઝરામાં સૌ હાથ પગ મોં ધોઈને ફ્રેશ થયા. અને ત્યાં ચાલતા સદાવ્રતમાં જમીને મંદિરની ધર્મશાળાના હોલમાં આવીને બેઠા. મેં અને બીટીએ અલગ અલગ કોથળીઓમાં શાક અને રોટલા લઈ જઈને પેલા બન્નેને કોથળામાંથી બહાર કાઢીને જમાડ્યા.ગટોર અને ભીમાએ ચુપચાપ જમી લીધું.અમારી સામે નજર પણ એ લોકો મિલાવી શકતા નહોતા.
 ગટોરે એકી પાણી માટેની રજા માંગી ત્યારે બીટીએ ઘસીને ના પાડી.પણ મેં સમજાવ્યું કે કુદરતી હાજતો માટે આપણે કોઈને રોકી ન શકાય.આ બેય બસમાં જ હળવા થઈ જશે તો ? આખી બસ ગંધાઈ ઉઠશે અને આપણે બેસી પણ નહીં શકીએ.ઉલ્ટાનું બસના ડ્રાઇવર કંડક્ટરને ખબર પડી જશે કે આપણે આ બે નંગને પકડી લાવ્યા છીએ.
 મારી વાત બીટીને તરત જ ગળે ઉતરી ગઈ. એ બન્નેને બોચીમાંથી પકડીને અમે ટોઇલેટમાં લઈ ગયા.માર ખાઈ ખાઈને અને મીણબત્તીની અસરને કારણે ગટોર અને ભીમો નરમ ઘેંશ જેવા થઈ ગયા હતા.એ બન્નેના પગ પણ સાવ જકડાઈ ગયા હોવાથી સરખી રીતે ચાલી પણ શકતા નહોતા.
"ભાઈ..અમને હવે કોથળામાં નો પૂરશો ...બાપુ..તમારી ગાય સીએ..તમે જેમ કેશો એમ કરવા અમે તિયાર છીવી..મહેરબાની કરો...ભાઈસાબ.." ટોઇલેટમાંથી બહાર આવીને ગટોરે બે હાથ જોડ્યા હતા. ભીમો પણ બિટીના પગમાં પડી ગયો.
"એ..ભાઈ...મહેરબાની કરો.. કોથળામાં અમારો જીવ વયો જાહે.."
  એ બન્નેની ગીડગીડાહટ જોઈને અમને એ લકોની ખૂબ દયા આવી. હજુ અમે કંઈ નિર્ણય લઈએ એ પહેલાં જ એક કદાવર માણસે ગટોરનો કોલર પકડ્યો.એની સાથે આવેલા બીજા બે જણે ભીમાના બન્ને હાથ પકડીને એને ઉભો કર્યો. હજુ અમે કાંઈ સમજીએ એ પહેલાં તો એ લોકો ગટોર અને ભીમાને ગંદી ગાળો દઈ દઈ ને ઝુડવા લાગ્યા. ઢીકા અને પાટું મારી મારીને બન્નેને પાડી દીધા.
 હું અને બીટી એ પડછંદ લોકોને રોકવા આડા ફર્યા.અમારા દોસ્તો દૂરથી આ મારા મારી જોઈને દોડી આવ્યા. તુલસીશ્યામધામના એક બે સેવકો પણ દોડ્યા.
 અમે બધા એ ત્રણેયને ઘેરી વળ્યાં.
"ઓ...કાકા...તમે આ લોકોને શુકામ મારો છો...એ લોકોને અમે પકડી લાવ્યા છીએ..."મેં પાતળી મૂછોવાળા એ સશક્ત આદમીનો હાથ પકડીને કહ્યું.
 એ વાલમસિંહ હતો.એણે પગથી માથા સુધી મારી સામે જોઇને કહ્યું, "છોકરા..તું આ હરામીને ઓળખતો નથી..આ બેય બવ ખતરનાક માણસો છે અને અમારા દુષમનો છે.એટલે તમે બધા અમારી વચ્ચે નો પડો ઇમાં જ તમારી ભલાઈ છે.."
"પણ આ બેયને અમે પકડી લાવ્યા છીએ કાકા..અમારા ભાઈબંધને અને ઇની ગર્લફ્રેન્ડને આ લોકો ઉપાડી ગયા છે, કનકાઈમાતાના મંદિર પાછળ કાળો ડુંગર..."
  કનકાઈ શબ્દ સાંભળીને એ ચમક્યો. 
" શું નામ સે તમારા  ભાઈબંધનું અને ક્યાંથી તમે આ બેયને પકડ્યા...?"
"પરેશ..પરેશ અને રમલી....અમારી હોસ્ટેલમાં રે છે ઇ...શાંતાબાઈની છોકરી... અમે કોઝી કોર્નરના વિદ્યાર્થીઓ છીએ..."
  મારી વાત સાંભળીને પેલા ત્રણેય શાંત થઈ ગયા.ગટોર અને ભીમાને મારવાનું બંધ કરીને અમારી તરફ વળ્યા.
 આ દરમ્યાન અમારી કોઝીની ફોજ બસમાંથી લાકડીઓ ઉતારવા લાગી હતી. મંદિરની એ જગ્યાના પ્રાંગણમાં જબરો કોલાહલ મચી પડ્યો હતો.મંગલ પાંડે ની જેમ અમારો વિપ્લવ વહેલો ચાલુ થયો છે એમ સમજીને બધા એક એક ડાંગ લઈને વાલમસિંહ અને તેમના દોસ્તોને ઘેરીને ઉભા રહી ગયા. 42 જણ લાકડીઓ લઈને આવી ગયા એ જોઈને વાલમસિંહ પણ ગભરાયો હતો.
" અલ્યા ભાઈ, તમારી હારે અમારે કોઈ દુષમની નથી.." વિરસિંહે બુમ પાડીને બધાને કહ્યું.
" દુષમની હોય તોય અમને ફરક નથી પડતો..છાના માના જ્યાંથી આવ્યા હોવ ન્યા પૉસા ભારે હાલવા માંડો. નકર આંય તુલસીશ્યામમાં જ રહી જાશો.અને ઘરે બયરા સોકરા વાટ જોતા રહી જાશે...." રમેશ સાવલિયા અને બીટી વગેરેએ દેકારો મચાવ્યો હતો.
બિલાડું જોઈને પક્ષીઓ કલબલાટ કરી મૂકે એમ વાલમસિંહની ટોળકીની એન્ટ્રી થતા અમારી ફોજમા કોલાહલ મચ્યો હતો.પક્ષીઓ બિલાડીના ડરને કારણે કલબલાટ કરતા હોય છે પણ અમારી ફોજ મારવા મરવા પર આવી ગઈ હતી.અમે જે અભિયાન માં નીકળ્યા હતા એને પર પાડવાનો ગજબનો ઉત્સાહ બધાના મોં પર જોવા મળતો હતો.એક જણે વાલમસિંહની પાછળ ઉભેલા રૂપસિંહને લાકડીનો ગોદો પણ માર્યો.
"સખણો રે...એય..છોકરા.." રૂપસિંહે ડોળા કાઢ્યા.
 વાલમસિંહે અમારો દેકારો જોઈને તરત જ પોતાનો પરિચય આપતા કહ્યું, "હું વાલમસિંહ છું, અને હું પણ કોઝી કોર્નરમાં જ રહું છું..રમલી મારી છોકરી છે..."
 એનો અવાજ સાંભળીને અમે સહુ ચમક્યા હતા.ટોળામાંથી કોક એમ પણ બોલી ઉઠ્યું, "અલ્યા પરિયાનો સસરો..."
  એ સાંભળીને કેટલાક ખખડી પડ્યા. વાલમસિંહે પણ એ સાંભળ્યું હતું.અને ટોળા તરફ એણે જોયું પણ ખરું.
  વાત વધી પડે એ પહેલાં મેં વાલમસિંહને કહ્યું, "તમે આ ગટોર અને ભીમાને ઓળખો છો ?"
"અરે ભાઈ..ઇ મારો જૂનો દુષમન છે...અને ઇ વાત બહુ લાંબી પણ છે.આવો હું તમને બીજી પણ એક આઈટમ બતાવું."
 વાલમસિંહ અમને એની કાર સુધી લઈ ગયો. કારની ડીકીમાં ગોટો વળીને ઘમુસર પડ્યા હતા. વાલમસિંહે એમને પણ એકી પાણી વગેરે કરાવવા માટે હાથ પગ છોડી નાખ્યા હતા.
"આ તો ઘમુસર છે ..."મેં અને બીટીએ સૌથી પહેલાં ઘમુસરને જોયા.ઘમુસરનું નામ સાંભળીને બધા વિદ્યાર્થીઓમાં કુતુહલ વ્યાપી ગયું. ટોળે વળીને બધા વાલમસિંહ ની ફિયાટ ફરતા ફરી વળ્યાં. એ બધી ધમાલમાં ગટોર અને ભીમો હળવેથી મંદિરના એ ચોગાનમાં થઈને ક્યારે ઝાડીઓમાં ગરકાવ થઈ ગયા એ અમને કોઈને ખ્યાલ રહ્યો નહિ.કારણ કે ઘમુસરનું નામ પડતાં જ બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું અને એ તકનો લાભ ગટોર જેવો ખંધો માણસ લીધા વગર રહે ખરો ?
વાલમસિંહને અચાનક અહીં પ્રગટ થયેલો જોઈને એના મોતિયા મરી ગયા હતા.અને એ ઘમુસરને પકડી લાવ્યો હતો એ વાત ગટોર પણ જાણી ગયો હતો.જોકે એણે ઘમુસરને જોયા તો નહોતા, પણ અમારા બધાના ઉદગારો એણે ઝાડીઓમાં ઘૂસતી વખતે સાંભળ્યા હતા.આ બધું બન્યું ત્યારે આમ તો અંધારું થઈ ગયું હતું. પણ ચોગાનમાં જે કંઈ લાઈટના બલ્બ ચાલુ હતા એના અજવાળામાં અમે વાલમસિંહનો ચહેરો ઓળખ્યો હતો.
 ઘમુસરનું આશ્ચર્ય શમ્યુ ત્યારે એકાએક મને ગટોર અને ભીમાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. થોડીવાર પહેલા જ બે હાથ જોડીને કરગરી રહેલા બન્ને શેતાનો અમને થાપ આપીને જંગલની એ ગીચ ઝાડીઓમાં ગરક થઈ ગયા હતા.અને એ વાલમસિંહને લીધે બન્યું હતું, એટલે હું એની ઉપર ખિજાયો..
"શુ યાર..તમારા લીધે અમારી મહેનત ઉપર પાણી ફરી ગયું..તમે વચ્ચે ન પડ્યા હોત તો ? "
  મારી સાથે બીજા પણ જોડાયા. બીટી પણ ખૂબ જ ગુસ્સે થયો હતો   કેટલાકે જંગલમાં પેલા બન્નેને શોધવા જવાનું કહ્યું. મેં પણ વાલમસિંહને શોધી લાવવા દબાણ કર્યું.મંદિરમાંથી કોઈ દોડીને હાથબત્તી પણ લઇ આવ્યું. મંદિરના સેવકોને આ ગરબડ સમજાતી નહોતી. એક માણસ કારની ડીકીમાં પડ્યો હતો અને કોઈ બે માણસો નાસી ગયા હતા.કોઈકને છોડાવવાની અને મારવાની વાતો અને જબરો દેકારો ચાલી રહ્યો હતો. અમારી બસના ડ્રાઈવર અને કંડકટર પણ અમારી લાકડીઓ જોઈને ગભરાયા હતા.
  વાલમસિંહ અને એમના દોસ્તો સાથે હું અને બીટી સહિત પંદરથી વીસ જણ ગટોર અને ભીમાને શોધવા જંગલની ઝાડીઓમાં ફરી વળ્યાં.પણ આ જંગલના ચપે ચપ્પા થી વાકેફ ગટોર અને ભીમો નાસી જવામાં સફળ થયા હતા.કલાકો સુધી શોધખોળ કરવા છતાં એ લોકો અમને મળ્યા નહીં.
  ત્યારબાદ અમે થાકીને મંદિરની અંદર આવીને પરસાળમાં બેઠા. ઘમુસરને ત્યાં લાવવામાં આવ્યા. અમે વાલમસિંહને વધુ કંઈ કહીએ એ પહેલાં વાલમસિંહે કહ્યું, "છોકરાઓ મુંજાશો નહીં. એ બન્ને તમારું કંઈ જ બગાડી નહીં શકે.એનો બાપ આ ઘમુ સાહેબ છે, આ તમારો સાહેબ પણ ઓછી માયા નથી. મેં એને પકડ્યો છે અને હું મારી દીકરીને છોડાવવા જ જઉં છું."
  વાલમસિંહે ઘમુસરની મદદથી જ પરેશ અને રમલીને છોડાવવાનું અમને વચન આપ્યું હતું. ઘમુસર મારી સામે જોઇને નજર નીચી ઢાળી જતા હતા.
"સાહેબ, અમે તમને આવા નહોતા ધાર્યા...શરમ આવવી જોવે તમને..એક પટેલના દીકરા થઈને આવા ગોરખધંધા કરો છો અને પાછા અમારી હોસ્ટેલના રેક્ટર બની બેઠા છો...ધિક્કાર છે તમારી જિંદગીને..."મેં ખૂબ જ નફરતથી કહ્યું. ઘમુસર એક શબ્દ પણ બોલતા નહોતાં. એમનો સફેદ પુણી જેવો ચહેરો જોઈને અમને એની દયા આવતી હતી. 
  આ બધી માથાકૂટને કારણે તુલસીશ્યામની જગ્યાના મહંત ત્યાં આવ્યા હતા.વાલમસિંહે એમને જેમતેમ કરીને સમજાવ્યા હતા અને હવે કોઈ દેકારો નહીં થાય એવું વચન પણ આપ્યું હતું.
  મોડી રાત્રે અમે ધર્મશાળા માંથી ગોદડાં અને ઓઢવાનું લઈને સુતા હતા. ઘમુસરને પણ ગોદડામાં અમારી વચ્ચે સુવડાવવામાં આવ્યા હતા.પણ એમની આંખમાં ઊંઘ નહોતી.હવે અમારે કંઈ જ સાચવવાનું હતું નહીં. વાલમસિંહે અમને સાથ આપવાનું કહ્યું હતું. એ  લોકો વારા ફરતી જાગવાના હતા.
  વાલમસિંહના દોસ્તોએ બીડીઓ સળગાવી અને બહાર જોરદાર વરસાદ તૂટી પડ્યો.

(ક્રમશ :)



 
  




  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED