Featured Books
શ્રેણી
શેયર કરો

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - 4 - અંતિમ ભાગ

ખોંખારો ખાઈને કોફીની ઘૂંટડી ભરતા ભરતા એમણે વાત આગળ ધપાવી, "વહુને પણ અમે ગમતા નહી માટે અમને પૌત્રને જોવાની કે મળવાની મનાઈ હતી. દિકરાના અધર્મ અને મારી મનોસ્થિતિ બંનેના ભાર તળે દેવની માની હાલત બગડતી ચાલી. આખરે એક દિવસ નકુલને પણ વહુના ભાઈના ઘરે કેનેડા મોકલી દેવાયો. ને પૌત્રને માથે હાથ ન ફેરવી શકવાના નિસાસા સાથે દેવની માએ જીવ છોડયો.
એના અંતિમ સંસ્કાર કર્યા પછી મેં એ ઘર છોડી દીધું અને અમારા સૌથી પહેલા ને ખંડેર જેવા છત વગરના ઘરમાં રહેવા આવી ગયો. દરેક મિત્ર, સગા સંબંધી સામે મદદ માટે હાથ લાંબો કર્યો, પણ દરેક એ મોઢુ ફેરવ્યું. અને ત્યારથી હું આ ભિખારીની ને જેમ દસ-બાર વર્ષથી રઝળપાટ ની જીંદગી જીવતો હતો."

મેં વચ્ચે જ પ્રશ્ર્ન કર્યો, "પણ તમે ગાડીને પથ્થર કેમ મારતા હતા?"

મારી ઉતાવળ પર હસી નાખી જરાક ગંભીર થઈ એમણે કહયુ, "મારી માનસિક સ્થિતિ કથડવા લાગી હતી. દેવ પણ મારી કાળા રંગની મર્સિડીઝ વાપરતો જે મારા હ્ર્દયની ખૂબ નજીક હતી, માટે જયારે પણ કાળા રંગની કાર જોતો , હું ગુસ્સાથી તમતમી ઉઠતો. ભૂતકાળનો જાણે કે મારામાં દરિયો ઘૂઘવતો ને હું એ ગાડી પર પથ્થર ફેંકતો ને એ તરફ જોઈ ગાળો કાઢતો. ને પછી આ રોજનુ થઈ ગયુ. અંહી ડેરીડેન પાસે આવતા કોલેજના યુવક-યુવતીઓ પાસેથી કંઈક ખાવાનુ મળી રહેતુ ને ભીખાની ચા. હું અહીં જ પડયો રહેવા લાગ્યો. પણ કાળી ગાડી જોતા જ હું કાબુ ગૂમાવી દેતો. લોકોએ મને "કાળી ગાડીવાળા ગાંડા" ની ઉપાધિ આપી છે."

"પણ તમે આટલા દિવસ કયા હતા?, હું મહિના-બે મહિના થી તમને શોધુ છુ." મેં થોડીવાર વિચારમાં ગરકાવ થઈ ને પછી પૂછયુ. "અને આ સૂટ-બૂટ ?, લોટરી લાગી કે શુ તમારી"

કાકાએ થોડીવાર ખડખડાટ હસીને પછી મને કહયુ, "એવુ જ સમજ,બેટા."

"વિદેશથી ભણી ગણીને નકુલ ત્રણ મહિના પહેલા જ પાછો આવ્યો છે. મારા જુના મુનિમ પાસેથી બધી હકીકત જાણીને એ મને આખા શહેરમાં શોધી રહયો હતો. શોધતો શોધતો એ અંહી આવ્યો અને મને એના નવા ખરીદેલા ઘરે લઈ ગયો. એની સાથે એની વહુ અને એનો ચાર વરસનો દિકરો પણ છે. એનામાં દેવની જેમ કોઈ પણ દુર્ગૂણ નથી એ જોઈ જીવને શાતા મળે છે. બંને મારી ખૂબ સેવા કરે છે અને નાનકડા ચિંટુ સાથે તો હું પણ એના જેટલો થઈ ને રમુ છુ. એણે જાણીતા (સાયકાયટ્રિસ્ટ)માનસિક રોગોના દાકતર પાસે મારી સારવાર શરૂ કરાવી છે. મારા નામે નવી કંપની પણ શરૂ ખરી છે. દેવની માંની જેમ હું પૌત્રને મળ્યા વગર ન મર્યો એ વાતની ખુશી છે. કાશ, એ પણ મળી શકતી."

"અને આ સૂટ-બૂટ પણ નકુલે જ એમ કહીને પહેરાવ્યા છે કે રોય એન્ડ સન્સનો માલિક આમ આવી રીતે થોડી ફરે."

"અને દેવ?" મારાથી પૂછાઈ ગયુ.

"કોણ દેવ?"કાકા ઉવાચ.

એટલામાં જ દરવાજે થી નાનકડા બાળકની બૂમ સંભળાઈ, "દાદૂ, લેટસ ગો, ડેડ બોલાવે છે." બાળકના દાદૂ એટલે કે મિ. રોય એ મારી સાથે હસ્તધુનન કર્યુ અને ફરી મળીશુ કહી પૌત્રના દિકરાને તેડયો અને વ્હાલ કરતા કરતા વિદાય લીધી.

હું એમની પાછળ દરવાજા સુધી ગયો અને જોઉ છુ કે એમને લેવા જે ગાડી નકુલ લઈને આવ્યો છે, એ પણ કાળા રંગની મર્સિડીઝ જ છે.

કાકાની પોતાની કાળા રંગની મર્સિડીઝ થી લઈ પૌત્ર ની કાળા રંગની મર્સિડીઝ સુધીની સફર વિશે વિચારતા વિચારતા મને મારા સપનાની નાનકડી કાર અને એના માટે મારે કરવાની મહેનત યાદ આવી અને હું સીધો જ ઓફિસભેગો થઈ ગયો.