Featured Books
શ્રેણી
શેયર કરો

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૧

ઉદાર અને ન્યાયી ગાયકવાડી રાજ હેઠળ વિકસેલા,
નાત-જાત જોયા વગર દરેકને પોતાનામાં સમાવતા અને સૂરસાગરમાં ઉભા મહાદેવ જે શહેર પર કૃપા વરસાવે છે એવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રચાયેલા વડોદરા શહેરની આ વાત છે.

શિયાળાની સવારનો સાતેક વાગ્યાનો સમય હશે. રોજના ટાઈમટેબલ પ્રમાણે હું કમાટી બાગમાં મારી મોર્નિંગ વોક પૂરી કરી પાછો ફરી રહયો હતો. પત્નીશ્રીના આદેશ મુજબ હું ડેરી ડેન ચોકડી પાસે જનરલ સ્ટોર માં થી દૂધની થેલી લેવા ઉભો રહયો. ત્યાં મારી નજર સામે ચિંથરેહાલ કોટ પહેરી બેઠેલા ભિખારી જેવા બુઝુર્ગ પર પડી. કોટ તો કોઈએ આપ્યો હશે એમ સમજીએ પણ કાકાના માથે જૂની વિલાયતી હેટ જેવી ટોપી પણ હતી એ જોઈ હું કૌતુક પામ્યો, પછી તરત સમયનુ અને પત્નીશ્રીના આદેશનું ભાન આવતા 'હશે કોઈ ભિખારી' એમ વિચારી મારૂ ધ્યાન મેં ત્યાં થી હટાવી લીધુ. દૂધની થેલી લઈ દુકાનદાર ને પૈસા આપતો હતો, ત્યાં તો મને કોઈનો જોરજોરથી બૂમો પાડી ગાળો દેવાનો અને કાચ જેવુ કંઈક તૂટવાનો અવાજ આવ્યો. મારૂ ધ્યાન એ તરફ જતા દુકાનદારે મારી તરફ લંબાવેલી દૂધની થેલી મારા હાથમાંથી છટકી જમીન પર પડી અને ફાટી ગઈ. અવાજની તરફ નજર નાખતા જોયુ તો એ જ ઘરડા કાકા અને કાળા રંગની એકદમ નવીનકોર મર્સિડીઝ, જે બ્રેક વાગીને ઉભી રહી ગઇ હતી.
એ કાકા ત્યાં થી પસાર થતી આ કાળા રંગની ગાડી પર પથ્થર મારતા હતા અને ગાળો બોલતા હતા અને સાથે રડતા પણ હતા.

એમનો એક પથ્થર સીધો ગાડીની બારી પર જઈ અફળાયો ને ગાડીનો બારીનો કાચ તૂટયો ને કારમાંથી એક ભાઈ ગુસ્સાથી ધુંઆપુંઆ થતો નીચે ઉતર્યો. એણે આવીને કાકાને થોડી ધોલધપાટ તો કરી જ દિધી. વધુ મારવાની શરૂઆત કરે એ પહેલાં જ આજુબાજુના દુકાનદારો દોડીને વચ્ચે પડયા, હું પણ થેલી એમ જ જમીન પર રહેવા દઈ ત્યાં ગયો, ગાડીવાળા ભાઈને પરાણે શાંત પાડયો ને ઝઘડો માંડ માંડ ઉકેલાયો.
કાકાને મે શાંત પાડી પાસેની બેઠક પર બેસાડયા, ચા મંગાવીને પીવડાવી ને પછી આવુ કરવાનુ કારણ પણ પુછયુ, પણ મને જવાબ આપવાને બદલે આંખો બંદ કરી કંઈક અગડમ બગડમ બબડવા લાગ્યા. બીજી વાર પણ પ્રયત્ન કરી જોયો, પણ કોઈ જવાબ ન મળ્યો.
મને એ કાકા કંઈક અતરંગી કાં તો ગાંડા લાગ્યા.

આવી અજીબ વ્યક્તિ જોઈને મારા જીજ્ઞાસુ સ્વભાવને લીધે કુતૂહલ કરતા વધુ એ કાકા વિશે મને જાણવાની ઈચ્છા થઈ. માણસ બહુ વધારે જીજ્ઞાસુ હોય તો દુનિયા એને પંચાતિયા માં ખપાવતી હોય છે એવી મમ્મીની વાત યાદ આવતા અને અમારા પત્નીશ્રીનુ સોંપેલુ કામ યાદ આવતા મારી જીજ્ઞાસા મારીને હું પાછો દુકાને ગયો, પણ પત્રકારિતાના મારા વ્યવસાયિક સ્વભાવ પ્રમાણે હું દુકાનદાર ને પૂછયા વગર ન રહી શકયો.

મે પૂછયુ, "શુ થયુ છે ભાઈ ભીખા, આ કાકાને? ચહેરા પરથી કાંઈ સાવ ગાંડા નથી લાગતા. જરૂર કાંઈક તો લોચા છે લા. નામ-ઠેકાણું કંઈ ખબર છે આમનુ."

હું પ્રશ્ન પૂછવાનો છુ એ પહેલાથી જ જાણતો હોય અને મને જાણે ટાળવા માંગતો હોય તેમ મારા સામે જોયા વગર ભીખાએ કીધુ, "ગાંડો થયો છ ડોહો, બીજુ કંઇ નંઈ, અંહી પડયો રે છ ને કાળી ગાડી જુવ છ કે એનુ મગજ વિફર છ. સાહેબ તમે આ ગાંડીયાની વાતમાં ન પડો તો સારૂ."

"ના અલા, હું તો આ ઉપડયો. શહેરમાં આમ પણ દોઢડાહ્યાઓ કરતા ગાંડાઓ વધે એ સારૂ" એમ કહી દૂધની થેલી લઈ કાકા તરફ એક નજર નાખી મે ઘર તરફ પ્રયાણ આદર્યુ.