ભગવાન શંકર વિશે આ સાત અજાણી વાતો. MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન શંકર વિશે આ સાત અજાણી વાતો.

શું ભગવાન શંકર વિષે આ સાત હકીકતો વિષે તમે જાણો છો?

શંકર, શિવ, ભોળાનાથ... કેટકેટલા નામ છે ભગવાન શંકરના! હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાની પવિત્રતા જગજાહેર છે અને આ આખો શ્રાવણ મહિનો ભગવાન શંકરને અર્પણ કરવામાં આવ્યો છે. દેશનો દરેક હિંદુ શ્રદ્ધાળુ સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજા અને આરાધના કરતો હોય છે. તેમાં પણ વળી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનની પૂજા કરવાથી તો અનેરું પુણ્ય મળે છે.

ભગવાન શંકર જનજનમાં લોકપ્રિય હોવા છતાં તેના વિષે આપણે બધી હકીકતો જાણતા નથી. બલકે ભગવાન શંકર વિષે અમુક બાબતો તો એટલી અજાણી છે કે જ્યારે તે આપણી સમક્ષ આવે ત્યારે તેના વિષે જાણીને આપણને આશ્ચર્ય થઇ જાય! આવી સાત અલગ અલગ અને અજાણી હકીકતો જે ભગવાન શંકર સાથે સંકળાયેલી છે તેને અમે આપની સમક્ષ આજે લાવ્યા છીએ. તો ચાલો જાણીએ ભગવાન શંકર વિષે સાત અજાણી હકીકતો વિષે...

શંકર ભગવાનને બે નહીં પરંતુ છ પુત્રો હતા!

શંકર ભગવાનના સંતાનોના નામ આપણને પૂછવામાં આવે તો આપણે તરત જ ગણપતી અને કાર્તિકેયનું નામ ઉચ્ચારી દઈએ છીએ. પરંતુ હકીકતમાં ભગવાન શંકરને કુલ છ પુત્રો હતા અને એક પુત્રી હતી, જેમાં કાર્તિકેય અને ગણેશ તો સહુથી નાના પુત્રો હતા!! આશ્ચર્ય થયુંને? તો શંકર ભગવાનના આ છ પુત્રો કોણ હતા એ જાણીએ? ભગવાન શિવના સહુથી મોટા પુત્ર હતા અયપ્પા! દક્ષિણ ભારતમાં કાર્તિકેય ઉપરાંત ભગવાન અયપ્પા પ્રત્યે પણ લોકોની અખંડ શ્રદ્ધા છે. ભગવાન અયપ્પા એ શંકર અને વિષ્ણુ ભગવાનના મોહિની સ્વરૂપથી અવતરેલા શંકર ભગવાનના પ્રથમ પુત્ર હતા. આમ તો સમગ્ર દક્ષિણ ભારતમાં ભગવાન અયપ્પાના અસંખ્ય મંદિરો છે પરંતુ ભગવાન અયપ્પાનું સહુથી પ્રખ્યાત મંદિર કેરળના શબરીમાલામાં આવેલું છે.

ભગવાન અયપ્પા ઉપરાંત શંકર ભગવાનના પુત્રો હતા, અંધક, બાહુમા, ખુજા, ગણેશ અને કાર્તિકેય. અશોક સુંદરી એ ભગવાન શંકરની એકમાત્ર પુત્રી હતી.

કાળી માતાના પગ નીચે હોવા છતાં શંકર ભગવાન કેમ સ્મિત કરે છે?

આપણે કાળી માતા શંકર ભગવાનની છાતી પર પોતાનો પગ મુક્યો હોય અને એમની જીભ બહાર નીકળી ગઈ હોય અને તેમ છતાં ભગવાન શંકર સ્મિત કરતા હોય એવા ચિત્રો ઘણી વખત જોયા છે બરોબરને? આ પાછળનું રહસ્ય એવું છે કે એક વખત કાળી માતા અત્યંત ગુસ્સે ભરાયા હતા અને એમના રસ્તામાં માનવી, પશુ, દેવ કે દાનવ કોઇપણ આવે તેના પર પોતાનો પગ મુકીને તેનો તેઓ નાશ કરતા જતા હતા.

દેવોને કાળી માતાના આ ગુસ્સાથી ભય લાગવા લાગ્યો, તેઓ ભગવાન શંકર પાસે ગયા અને તેમને કાળી માતાનો રોષ શાંત કરવાની પ્રાર્થના કરી. ભગવાન શંકર કાળી માતાના માર્ગમાં સુઈ ગયા અને કાળી માતાએ ચાલતા ચાલતા જ પોતાનો પગ ભગવાન શંકરની છાતી પર મૂકી દીધો. આમ તો કાળી માતા અત્યારસુધી જેના પર પણ પોતાનો પગ મુકતા પરંતુ આ તો ભગવાન શંકર હતા એટલે કાળી માતાને પોતાની ભૂલ સમજાઈ અને તેમનાથી તેમની જીભ બહાર નીકળી ગઈ.

તો શંકર ભગવાનને પણ હવે દુનિયાનો સર્વનાશ અહીં જ અટકી જશે તે જાણીને રાહત થતા તેમના મુખ પર સ્મિત આવી ગયું હતું.

હનુમાનજી એ ભગવાન શંકરનો અવતાર છે

ભગવાન રામ જ્યારે નાના હતા ત્યારે તેમનું બાળપણ જોવાનું ભગવાન શંકરને ખુબ મન થયું. આથી તેઓ મદારીનો વેશ ધારણ કરીને એક વાંદરા સાથે અયોધ્યા ગયા હતા. ભગવાન રામ જે ભગવાન વિષ્ણુનો જ અવતાર છે અને વિષ્ણુ અને ભગવાન શંકર એકબીજામાં અત્યંત આસ્થા રાખતા હતા. અસત્ય પર સત્યના વિજય માટે ભગવાન રામે લંકા પર ચડાઈ કરી હતી. તેમના રાવણ સામેના વિજયમાં હનુમાનજીની ભૂમિકા અતિશય નોંધપાત્ર રહી હતી. એક માન્યતા અનુસાર હનુમાનજી પણ શંકર ભગવાનનું જ એક રૂપ હતા. હનુમાનજીને ઘણી વખત રુદ્રાવતાર તરીકે ઓળખાય છે અને રુદ્ર એ ભગવાન શંકરનું જ બીજું નામ પણ છે. ભગવાન વિષ્ણુ પ્રત્યે પોતાની અદમ્ય આસ્થાના સ્વરૂપ રૂપે જ શંકર ભગવાને હનુમાનનું રૂપ લીધું હતું અને રામ અવતાર સમયે તેમનાથી બનતી મદદ તેમણે કરી હતી.

અમરનાથ યાત્રાનું મહત્ત્વ

કહેવાય છે કે હાલની અમરનાથ યાત્રાનો માર્ગ એ જ છે જે ભગવાન શંકરે અમરનાથ ગુફામાં પહોંચતા પહેલા ઉપયોગમાં લીધો હતો. માતા પાર્વતીએ જ્યારે ભગવાન શંકરને અમરત્વ વિષે પોતે કરેલા પ્રશ્નનો જવાબ આપવા માટે જીદ કરી ત્યારે ભગવાન શંકરે અમરનાથમાં આવેલી હાલની ગુફામાં જઈને તપ કરવાનો નિર્ણય લીધો હતો જેથી તેઓ માતા પાર્વતીને યોગ્ય જવાબ આપી શકે. અમરનાથ જવાના માર્ગમાં ભગવાન શંકરે કેટલીક પ્રવૃત્તિઓ કરી જે તેમના ભક્તો માટે અત્યંત મહત્ત્વની છે. શંકર ભગવાને પોતાના માર્ગમાં તેમના પુત્રો અને વાહનનો ત્યાગ કર્યો અને ગુલમર્ગ તેમજ સોનમર્ગના માર્ગે તેઓ અમરનાથ પહોંચ્યા હતા. આમ જે જે સ્થળેથી શંકર ભગવાન પસાર થયા હતા ત્યાંથી જ આજે પણ અમરનાથ યાત્રા પણ પસાર થાય છે.

નંદી કેમ શિવનું વાહન છે?

જ્યારે પણ શંકર ભગવાનના મંદિરે જઈએ ત્યારે ત્યાં નંદી એટલેકે બળદની ઉપસ્થિતિ હોય જ છે. નંદીના શંકર ભગવાનના વાહન બનવા પાછળ પણ એક રસપ્રદ કથા છે. સુરભી એટલેકે દુનિયાની તમામ ગાયોની માતાએ એક વખત એક સાથે અસંખ્ય માત્ર સફેદ રંગ ધરાવતી ગાયોને જન્મ આપ્યો. આ બધી ગાયોએ એટલું બધું દૂધ આપ્યું કે દુનિયામાં દૂધનું પૂર આવી ગયું. આ પૂર ધીમે ધીમે શંકર ભગવાન જ્યાં તપ કરતા હતા ત્યાં પહોંચી ગયું અને શંકર ભગવાનના તપમાં ખલેલ પહોંચાડવા માંડ્યું. આથી શંકર ભગવાનનું તપ ભંગ થયું અને તેઓ ગુસ્સે થયા.

ગુસ્સે થયેલા શંકર ભગવાને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તેના પ્રભાવમાં જેટલી પણ સફેદ ગાયો આવી તેના શરીર પર છીંકણી રંગની છાપ પડી ગઈ. પરંતુ તેમ છતાં શંકર ભગવાનનો ગુસ્સો શાંત ન થયો. આથી દેવોએ તેમને એક અદભુત બળદ એટલેકે નંદી ભેટમાં આપ્યો અને આ નંદીની સવારી કરી ત્યારે જ ભગવાન શંકર શાંત થયા. બસ ત્યારથી જ નંદી, ભગવાન શંકરનું વાહન પણ છે. દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં શંકર ભગવાનના દર્શન કર્યા બાદ પોતાની ઈચ્છા ભક્તો નંદીના કાનમાં પણ કહેતા હોય છે જેથી તે પૂર્ણ થાય.

સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનને શંકર ભગવાને ભેટમાં આપ્યું હતું!

વિષ્ણુ ભગવાન અને સુદર્શન ચક્ર એકબીજાના અંતરંગ હિસ્સા બની ગયા છે, પરંતુ શું તમને ખબર છે કે આ સુદર્શન ચક્ર શંકર ભગવાને જ વિષ્ણુ ભગવાનને ભેટમાં આપ્યું હતું? એક વખત વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરવા બેઠા. આ માટે તેમને શિવ સહસ્ત્રનામનો પાઠ શરુ કર્યો. શંકરના દરેક નામ બોલ્યા બાદ વિષ્ણુ ભગવાન શિવલિંગ પર કમળનું એક ફૂલ ચડાવતા હતા. શંકર ભગવાનને પોતાના આ ભક્તની પરીક્ષા કરવાનું મન થયું આથી તેમણે વિષ્ણુ ભગવાન પાસે પડેલા કમળોમાંથી એક કમળ ચોરી લીધું. આમ શંકર ભગવાનના નવસો નવ્વાણું નામ બોલ્યા બાદ જ્યારે એક હજારમું નામ બોલ્યા બાદ વિષ્ણુ ભગવાનને શિવલિંગ પર ચડાવવા માટે કમળ ન મળ્યું ત્યારે તેમણે પોતાની બંને આંખો જેને કમલનયન પણ કહેવાય છે તેને ભગવાન શંકરના ચરણોમાં ધરી દીધી.

બસ! શંકર ભગવાન ખુશ થઇ ગયા અને તેમણે વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર ભેટમાં આપી દીધું!

શંકર ભગવાન શા માટે પોતાના શરીર પર રાખ ચોળે છે?

આપણે શંકર ભગવાનને કાયમ રાખમાં લપેટાયેલા જોઈએ છીએ. આમ થવા પાછળ પણ એક કારણ છે. શિવપુરાણમાં આ અંગે એક કથા પણ છે. ભૃગુ ઋષિના વંશજ એવા એક ઋષીએ પોતાની જાતને અત્યંત શક્તિશાળી બનાવવા માટે કઠોર તપ શરુ કર્યું. તેઓ માત્ર ફળો અને પાંદડાઓ જ ખાતા હતા અને આથીજ તેમનું નામ બાદમાં પર્ણનંદ પડ્યું. એક વખત ઋષિ પર્ણનંદની આંગળી કપાઈ ગઈ અને તેમના આશ્ચર્ય વચ્ચે તેમાંથી લોહી ન નીકળ્યું પરંતુ એક વૃક્ષ ઉગી નીકળ્યું. ઋષિ તો અત્યંત ખુશ થઇ ગયા અને આનંદમાં પોતે કેટલા બધા શક્તિશાળી થઇ ગયા છે એવી બુમો પાડતા અહીં તહીં ફરવા લાગ્યા.

ભગવાન શંકરે આ તાલ જોયો અને તેઓ એક વૃદ્ધ વ્યક્તિ બનીને ત્યાં પહોંચ્યા અને પર્ણનંદને તેમની ખુશીનું કારણ પૂછ્યું. તો ઋષિએ કહ્યું કે તેઓ હવે એટલા બધા શક્તિશાળી બની ગયા છે કે તેઓ પોતાના રક્તના ટીપામાંથી પણ વૃક્ષ ઉગાડી શકે છે. પેલા વૃદ્ધે કહ્યું કે તેનો શો મતલબ? કારણકે આખરે તો આ વૃક્ષો કોઈને કોઈ દિવસે તો રાખમાં જ પરિવર્તિત થવાના છે ને? ક્રોધે ભરાયેલા ઋષિએ ફરીથી પોતાની બીજી આંગળી પર કાપો મૂક્યો અને તેમાંથી વૃક્ષ ઊગવાને બદલે રાખ ઝરવા લાગી. બસ ત્યારથી શંકર ભગવાન પોતાના શરીર પર એ રાખને જ ચોળે છે.

પાર્વતી સાથે લગ્ન કર્યા અગાઉ શંકર ભગવાને તેમની પરીક્ષા કરી હતી

શંકર અને પાર્વતીના વિવાહની કથા તો આપણે ઘણીવાર સાંભળી છે પરંતુ શંકર ભગવાને પાર્વતી સાથે લગ્ન કર્યા અગાઉ તેમની એક નાનકડી પરીક્ષા પણ કરી હતી. એકવાર ભગવાન શંકર એક યુવાન બ્રાહ્મણનું રૂપ લઈને પાર્વતીને ઘેર ગયા. અહીં પાર્વતી વિષે તેમણે તેમના થનારા પતિ વિષે પૂછ્યું જેનો જવાબ પાર્વતીએ આપ્યો. ત્યારબાદ આ યુવાન બ્રાહ્મણે કહ્યું કે તે એવા વ્યક્તિ સાથે કેમ લગ્ન કરવા માંગે છે જે માત્ર ભિખારી જેવું જીવન જીવે છે? આ પ્રશ્ન સાંભળીને પાર્વતી અત્યંત ગુસ્સે થઇ ગયા અને બ્રાહ્મણને ત્યાંથી ચાલી જવા કહ્યું અને ઉમેર્યું કે તેઓ માત્ર ને માત્ર શિવ સાથે જ લગ્ન કરશે બીજા કોઈની સાથે નહીં.

આથી ખુશ થયેલા શંકર ભગવાને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમણે અને પાર્વતીએ બાદમાં લગ્ન કર્યા હતા.

http://ritsin.com/seven-unknown-facts-about-lord-shiva.html/

***