શ્રીધર એક ખુબ જ પ્રમાણિક અને ખંતીલો યુવક. રસ્તામાં આવેલા દરેક પથ્થર ને પગથિયા બનાવી જિંદાદિલી થી જિંદગી
જીવનાર.
નિલેશ ને પોતાના કપડા નાં શો રૂમ માં મેનેજર તરીકે મળેલા આ યુવક શ્રીધર પર ખુબ જ ગર્વ હતો. જ્યારે કોઈ સારા- નરસા પ્રસંગે તેને અચાનક ક્યાંય જવાનું થાય તો જરાય ચિંતા વગર એ જઈ શકતો હતો. શ્રીધર ની કામ કરવા ની ઢબે એને ફક્ત શો રૂમ માં જ નહીં , પરંતુ નિલેશ નાં દિલ માં પણ જગ્યા કરી દીધી હતી .
શ્રીધર એના માબાપ થી દૂર નોકરી કરવા મુંબઈ આવ્યો હતો . નિલેશે એને પોતાના ઘર માં જ પેઈંગગેસ્ટ તરીકે રાખ્યો હતો . શ્રીધર જમવાના અને રહેવા નાં પૈસા આપી દેતો , તે ઉપરાંત શો રૂમ ના કામની સાથે સાથે ઘર નાં નાના મોટા કામ જેમ કે ટેલીફોન - મોબાઇલ, લાઈટ બીલ ની જવાબદારી પણ માથે લઈ લીધી હતી .
એક દિવસ જમવા નાં સમયે એ ઘરે આવીને પહોંચ્યો . બૅલ લગાવ્યો, પરંતુ ઘણી વાર પછી કામ્યા એ દરવાજો ખોલ્યો. એની આંખો સુજેલી હતી જાણે એ ઘણું રડી હોય. દરરોજ ની માફક આજે એના મુખ પર સ્મિત પણ નહોતું.
" શું થયું ભાભી ?" શ્રીધરે આત્મીયતા થી પૂછ્યું.
"કાંઈ નહી ! જમવાનું પીરસુ છું. તમારા ભાઈ માટે ટિફિન લઈ જવાનું છે કે જમવા ઘરે આવશે ? " કામ્યા એ થોડા રુક્ષ અવાજે પૂછ્યું.
"ટિફિન ! આજે એમને ઉઘરાણી માટે જવાનું છે એટલે ! પરંતુ તમને શું થયું છે? તમારી આંખો આટલી સૂજેલી કેમ છે?" શ્રીધરે ફરી પૂછ્યું.
કામ્યા કાંઈ પણ બોલ્યા વગર થાળી પીરસી ને ઝુલા પર જઈને બેસી ગયી.
" તમે જ્યાં સુધી નહીં કહો શું થયું છે ત્યાં સુધી હું જમવા નો નથી !" એમ કહીને શ્રીધર ખુરશી પર બેસી ગયો.
"તમારા ભાઈ મારા પર વગર કારણસર ગુસ્સો કર્યા કરે છે હવે હું કંટાળી ગઈ છું . પાંચ વર્ષ થયાં અને અમને બાળક નથી એમાં શું ફક્ત મારો વાંક છે?" કામ્યા ફરી થી રડવા લાગી.
શ્રીધર કામ્યા ની પાસે ગયો અને સાંત્વના આપતા કહ્યું , " ભાઈ ગુસ્સો કરે છે પણ એમનું દિલ ચોખ્ખું છે તમે એમની વાત દિલ પર ના લો. સાંજે આવશે તો જોજો ને એ બધું ભૂલી ગયા હશે ! તમે પણ ભૂલી જાવ. જમ્યા તમે? "
"એજ ને એ શો રૂમ પર જાય અેટલે બધું ભૂલી જાય પણ ઘરમાં રહીને હું કેવી રીતે ભૂલી જવું? મને તો યાદ આવ્યા કરે ને? એમને તો એમના ધંધા સિવાય કંઈ દેખાતું જ નથી. કોઈ દિવસ ક્યાંય ફરવા લઈ જવાનું સમજ્યા જ નથી . ઘરમાં આના આ કામ થી કંટાળી ગઈ છું હવે." કામ્યા એ ફરિયાદ કરતાં કહ્યું.
" હું ભાઈને વાત કરીશ . ચાલો આપણે સાથે જમી લઈએ. મને ખબર છે પછી તમે નહીં જમો. " કહી શ્રીધરે કામ્યા ને પોતાની સાથે જમવા મનાવી લીધી.
ધીરે ધીરે એ બન્ને વચ્ચે આત્મીયતા વધતી ગઈ . એક દિવસ તો એવો આવ્યો કે એમણે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી. અને એ બન્ને વચ્ચે રોજ જ શારિરીક સંબંધ થવા લાગ્યો. બન્ને એટલા તો ગળાડૂબ પ્રેમ માં હતાં કે શ્રીધર હવે કોઈ ને કોઈ બહાને ગામડે જવાનું પણ ટાળતો.
પરંતુ પ્રેમ ગમે તે રીતે છલકાઈ જ જાય છે અને દુનિયા ને ખબર પડ્યા વગર રહેતી નથી . એમ અહીં નિલેશ ને એ વાત ની ગંધ આવી ગઈ. એવા માં કામ્યા ને પ્રેગ્નન્સી રહી ગઇ. એક દિવસ નિલેશે એમને રંગે હાથ પકડ્યા. અને શ્રીધર ને ઘર અને નોકરી બન્ને માં થી કાઢી મૂક્યો.
શ્રીધર એકદમ થી જ બેઘર અને બેકાર થઈ ગયો. પરંતુ કામ્યા નો રંગ એના પર થી ઉતરી જ નહોતો રહ્યો. પાગલ ની માફક એ કલાકો સુધી ફૂટપાથ ઉપર બેસી રહ્યો. ત્યાં નજીક માં એક ચા ની દુકાન હતી. એ એને જોઈ રહ્યો હતો. રાત નાં દસ વાગી ચૂક્યા હતા . હવે એને શ્રીધર પર ખૂબ જ દયા આવી . એની નજીક ગયો અને એને પૂછ્યું ,
" તું ક્યાં રહે છે ? " જવાબ માં શ્રીધર કશું જ ના બોલ્યો. ચુપચાપ બેસી રહ્યો. જાણે એને કોઈ સદમો લાગી ગયો હોય !!! ચા વાળો એને પોતાના ઘરે લઈ ગયો .
એક વર્ષ પછી ઘણી દવાઓ પછી એની તબિયત થોડી ઠીક થઈ. હવે એ નાનું મોટું કામ કરવા લાગ્યો હતો. એક દિવસ શિવજી નાં મંદિરે દર્શન કરવા ગયો. દર્શન કરી પાછા ફરતા એણે કામ્યા ને બાંકડા પર બેઠેલી જોઈ . જઈને સીધો એના પગમાં પડી ગયો અને એની માફી માંગી અને કહ્યું કે , " મારા તરફથી ભાઈ ની પણ માફી માગજો. ભાઈ એ મારા પર ખૂબ જ વિશ્વાસ કર્યો પરંતુ મેં વિશ્વાસઘાત કર્યો ! એમની સાથે હું નજર નથી મિલાવી શકતો . થઈ શકે તો તમે પણ મને માફ કરજો. "
"અને તુ અમને માફ કરી શકીશ?" કામ્યા એ પૂછ્યું
" ભાભી ! મારે તો તમારી પાસે માફી માંગવાની હોય આપવાની કેવી રીતે?" શ્રીધરે આશ્વર્ય થી પૂછ્યું.
" તમારા ભાઈ ને બહુ જ પહેલા થી આ વાતની ખબર પડી ગઈ હતી પરંતુ જ્યાં સુધી મારા પ્રેગનેન્સી ના રિપોર્ટ પોઝિટિવ ના આવ્યા, ત્યાં સુધી એમણે આ વાત એમના સુધી જ રાખી. એમની નપુંસકતા ઢાંકવા માટે એમણે તારો ઉપયોગ કર્યો હતો. આ બાળક તું જે જોઈ રહ્યો છું ને એ તારું છે ! આપણું છે ! " કામ્યા એ શુષ્ક અવાજ માં કહ્યું.
" તો પણ માફી તો મારે જ માંગવી જ રહી. એમણે મોટા હૃદય થી મારા બાળક ને અપનાવી ને એમના ઘરમાં સ્થાન આપ્યું ! એ પણ કંઈ ઓછો ઉપકાર નથી . જે સુખ તમે આને આપશો એવું સુખ હું આ જનમ માં એને ક્યારેય ના આપી શકત . " કહી બાળક ના માથા પર હાથ ફેરવ્યો અને હાથ જોડી ત્યાંથી નીકળી ગયો.