professor books and stories free download online pdf in Gujarati

પ્રોફેસર

"ધારા, ઓ ધારા, ક્યાં છે તું ?" "આવી દીદી, બસ આ અસાઈનમેન્ટ લખવાનું પતી જ ગયું છે બસ આવું જ છું."
ધારા અને અંબર, બે બહેનો. અંબર મોટી અને ધારા નાની. પણ બંને બહેનો ની ઉંમર માં ખાસો તફાવત. અંબર ધારા કરતા ચૌદ વર્ષ મોટી. અંબર ના લગ્ન પછી થોડા જ સમય માં બંને ના માતા પિતા કાર એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા. ત્યાર થી ધારા ને અંબર પોતાની સાથે પોતાની દીકરી ને જેમ જ રાખે. અને અંબર નો પતિ આકાશ પણ ધારા ને પોતાની દીકરી ની જેમ જ રાખતો. ધારા અંબર અને આકાશ બંને ની બહુ જ લાડકી. ધારા ને કોઈ ઉણપ નઈ આવે એટલા માટે અંબર અને આકાશે નક્કી કરેલું કે આપણે આપણું પોતાનું બાળક નઈ લાવીશું જ્યાં સુધી ધારા ના લગ્ન ન થઈ જાય.
ધારા પણ આ બધી બાબતો થી અજાણ નઈ હતી. તે પણ ઈશ્વર નો આભાર માનતી હતી કે તે ભલે મારા મા બાપ છીનવી લીધા પરંતુ મા બાપ થી પણ વધુ પ્રેમ કરનારા બહેન અને જીજાજી આપ્યા. આવા બહેન અને જીજાજી ને પામી ને ધારા પોતાની જાત ને ધન્ય માનતી હતી.
"આ તારા અસાઇનમેન્ટ ખબર નઈ ક્યારે પતશે." અંબર થોડો મીઠો છણકો કરતા બોલી. "અરે હા દીદી હું પણ હવે કંટાળી ગઈ છું. બસ હવે થોડા જ બાકી રહ્યા છે."
"બસ આ તારું કોલેજ નું છેલ્લું વર્ષ છે. હવે તારા માટે પણ સરસ મજા નો છોકરો ગોતવો પડશે અમારે." અંબરે ધારા ને કહ્યું. "શું દીદી તું પણ.. હજી બઉ વાર છે મારે લગ્ન માટે. તારા લગ્ન વહેલા થઈ ગયેલા એટલે મારા પણ જલ્દી કરવાના એવું?" ધારા એ મજાક કરતા અંબર ને કહ્યું. "ના એવું નથી પણ તારા જીજાજી ને પણ ચિંતા થાય છે તારી. કોઈ સારો સરસ છોકરો મળી જાય એટલે અમે ટેન્શન મુક્ત." અંબરે કહ્યું. આ સાંભળી ધારા કંઈક વિચારો માં ખોવાઈ ગઈ. અને મનોમન કંઈક નક્કી કર્યું.
ધારા ની છેલ્લા વર્ષ ની પરીક્ષા પૂર્ણ થઈ. સારા અવ્વલ નંબરે તે પાસ પણ થઈ ગઈ. એક દિવસ સાંજ ના ટાઈમે બગીચા માં ત્રણે જણ બેસીને ચા ની ચૂસકી લગાવી રહ્યા હતા ત્યાં ધારા બોલી, " દીદી, જીજાજી મારે તમને એક બહુ જ જરૂરી વાત કહેવી છે." "હા ધારા બોલ ને શું કેહવું છે તારે?" અંબર અને આકાશ એકીસાથે બોલી ઉઠ્યા.
"દીદી, હું એક છોકરા સાથે પ્રેમ માં છું." આ સાંભળી અંબર ને થોડો આંચકો લાગ્યો. પરંતુ આકાશે શાંતિ થી ધારા ને બધી માહિતી પૂછી. ધારા એ ડરતા ડરતા કહ્યું કે એ છોકરો બીજું કોઈ નહી પણ મારા પ્રોફેસર છે. હવે આ સાંભળી અંબર અને આકાશ બંને ચોકી ગયા. "તો તો ઉંમર માં એ ઘણા જ મોટા હશે તારાથી ?" આકાશ થી બોલી જવાયું.
"પ્રેમ ઉંમર ,નાત,જાત ,રંગ,રૂપ એ બધું નથી જોતો જીજુ. અને મેં તો નક્કી કરી જ લીધું છે કે પરણીસ તો એને જ નહીંતર લગ્ન નહીં કરું." મક્કમ સ્વંરે ધારા બોલી ગઈ. "અરે પણ આવું તે કઈ હોતું હશે ? ભલે તારે તારી પસંદગી ના છોકરા સાથે લગ્ન કરવા હોય પણ ઉંમર નો આટલો તફાવત શક્ય નથી ધારા." અંબર પણ થોડી ગુસ્સા માં એકીશ્વાસે બોલી ગઈ. આ જોઈ વાત ને સંભાળી લેતા આકાશ બોલ્યો , "ઠીક છે ધારા તું પહેલા અમને મળાવ એક વાર. અમે પહેલા છોકરા ને મળીએ પછી આપણે વિચાર કરીશું." "પણ જીજુ..." ધારા કંઈક બોલવા જતી જ હતી અને આકાશે તેને અટકાવી અને કહ્યું "તારી વાત અમે સ્વીકારી હવે તું વધુ જીદ ના કરીશ. અમે મળીશું જોઈશું પછી જ આગળ વિચારીશું."
તે રાત્રે ત્રણેયને ઊંઘ નઈ આવી. આકાશે અંબર ની અકળામણ ને જોઈ તેને સમજાવતા કહ્યું "જોયા કે મળ્યા વગર આપણે કોઈ નિર્ણય ના લઇ શકીએ અંબર. ધારા ની ખુશી માટે પણ એક વાર આપણે એ વ્યક્તિ ને મળવું તો જોઈએ જ." પરંતુ કોણ જાણે કેમ અંબર નું મન માનતું નઈ હતું. છેવટે આકાશ ના સમજાવવાથી તે એ છોકરા ને મળવા માટે તૈયાર થઈ.
સવારે ચા નાસ્તો કરતા કરતા આકાશે જ વાત ની શરૂઆત કરી. " ધારા, તો ક્યારે મળવા લાવે છે તું પ્રોફેસર સાહેબ ને આપણા ઘરે ?" આ સાંભળી ધારા ખુશી થી ઉછળી પડી અને કહ્યું, "જીજુ, હું એમને કોલેજ પતે એટલે સાંજે જ લઇ લાવું ઘરે."
તે સાંજે આકાશ પણ નોકરી ઉપર થી વહેલો આવી ગયો હતો અને અંબરે પણ ચા નાસ્તા ની પુરી તૈયારીઓ કરી ને રાખી હતી. અંબર અને આકાશ તે બંને ની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ ડોરબેલ વાગ્યો. બંને જણા ધારા ની પસંદગી ને જોવા માટે ઉત્સુક હતા. અંબર ઝડપ થી ઉભી થઇ અને દરવાજો ખોલ્યો.
"દીદી, આ છે રવિ.. મારા પ્રોફેસર." ધારા એ એકદમ ખુશી થી ઓળખાણ કરાવતા અંબર ને કહ્યું. રવિ ને જોતા જ અંબર નું હૃદય એક ધબકારો ચુકી ગયું. તેના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય એવું એને લાગ્યું. રવિ પણ અંબર ને જોઈ અવાચક થઈ ગયો. બંને એકબીજા ને જોતા જ રહી ગયા. અંબર અને રવિ ની આંખો સામે એમનો ભૂતકાળ તરવરી રહ્યો. બંને ત્યાં દરવાજા માં જ ખોડાઈ રહ્યા.
"અરે દીદી ઘર માં બોલાવશો કે નહીં ?" ધારા હસ્તા હસ્તા બોલી. ત્યાં જ આકાશ ઉઠી ને આવ્યો અને ધારા અને રવિ ને વેલકમ કર્યું. ત્યારે રવિ અને અંબર ની તંદ્રા તૂટી અને બધા ઘર માં પ્રવેશ્યા. થોડી સામાન્ય વાત-ચિત થઈ. ચા નાસ્તો કર્યો બધાએ. પછી ઘણો સમય થઈ ગયો હોવાથી રવિ એ ત્યાં થી વિદાય લીધી. રવિ સાથે ની વાત-ચિત દરમિયાન આકાશે તો રવિ ને સમજી લીધો હતો કે તે એક સારા ઘર નો સંસ્કારી છોકરો છે અને સાથે સાથે ઘડાયેલો અને સમજુ પણ છે.
આકાશ જીજુ ના આવા સકારાત્મક પ્રતિભાવ થી ધારા ઘણી હળવી બની ગઈ હતી. પણ અંબર કંઈક ઊંડા વિચારો માં ખોવાયેલી રહેતી હતી. શું કરવું અને શું નહીં તેને કંઈ સમજાય નહોતું રહ્યું. એક તરફ પોતાનો ભૂતકાળ હતો અને એક તરફ પોતાની વહાલસોયી બહેન. જેને તેણે પોતાની દીકરી ની જેમ ઉછેરી હતી. તેણે મનોમન કંઈક નક્કી કર્યું અને વહેલી સવારે તે કોલેજ રવિ ને મળવા નીકળી ગઈ.
"રવિ, આ શું થઈ રહ્યું છે મને કંઈ જ સમજાય નથી રહ્યું. સહુ થી પેહલા તો મારે તારી માફી માગવી છે કે હું મારું વચન ના પાળી શકી. અને તારી પાસે ના આવી શકી પણ મારા પિતા ની આજીજી સામે મારે આપણા પ્રેમ નું બલિદાન આપવું જ પડ્યું અને હું મારા લગ્ન છોડી તારી સાથે ના આવી શકી. બની શકે તો મને માફ કરજે. આજ સુધી મારા દિલ ઉપર એક ભાર હતો કે હું તો તારી માફી પણ ના માંગી શકી પણ આજે એ ભાર કઈક અંશે હળવો થઈ ગયો છે." અંબર બોલી.
"તને ખબર છે તે દિવસે મેં તારી બહુ જ રાહ જોઈ હતી પણ તું ના આવી. હું હારી ગયો હતો ત્યારે. મેં તો આત્મહત્યા કરવાનુ વિચારી લીધું હતું. પણ મારો પ્રેમ સાચો હતો કે મેં એવું કંઈ ન કર્યું કે જેથી આખી જીંદગી તારે એ કલંક દિલ માં લઇ ને ના ચાલવું પડે. સમય જતાં હું સ્વસ્થ થઈ ગયો હતો પણ હું કોઈ ને મારા દિલ માં જગા ના આપી શક્યો હતો જે મેં તને આપી હતી. પણ ખબર નહીં કેમ આ ધારા એ એ જગ્યા લઇ લીધી. મને ખબર પણ ના પડી કે ક્યારે મને ધારા સાથે પ્રેમ થઈ ગયો. પણ હા... આજે પણ તું જો આ સંબંધ ને ઈચ્છતી ના હોય તો હું તારી અને ધારા ની જિંદગી માંથી ચાલ્યો જઈશ એ મારું વચન છે તને." રવિ એ અંબર ને કહ્યું.
પણ રવિ સાથે વાત કરી ને અંબર નું મન આજે હળવુ થઈ ગયું હતું. તેને રવિ ને કહ્યું "ભૂતકાળ ને ભૂલી ને બધા આગળ વધીશું તો એ બધા માટે જ સારું રહેશે. હું પણ મારી જિંદગી માં આકાશ સાથે ખુશ છું. અને મારી વહાલસોયી બહેન જો તારી સાથે ખુશ રહેતી હોય તો એનાથી વિશેષ મારે બીજું શું જોઈએ." આ સાંભળી રવિ નું મન પણ હળવું થઈ ગયું. અને એણે પણ આ વાત ને સહર્ષ સ્વીકારી લીધી.
રવિ ની માફી માંગી લીધા નો સંતોષ અને પોતાની લાડકી બહેન નું ઘર વસ્યા ની એક ખુશી સાથે અંબર ઘરે પાછી ફરી. રવિ ની માફી માંગી અંબર નો પસ્તાવો આજે હળવો થઈ રહ્યો હતો અને પોતાની બહેન ને આટલો સારો જીવનસાથી મળ્યો એનો એ ઈશ્વર ને આભાર માની રહી હતી.

- અમી રાવલ દેસાઈ


બીજા રસપ્રદ વિકલ્પો