આરણ્યકની એક યાદગાર સફર... Kaushik Ghelani (આરણ્યક) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરણ્યકની એક યાદગાર સફર...

યાદ છે મા, તને મેં એક વખત કહ્યું હતું કે મને પર્વતોમાં રહેવું બહુ જ ગમે છે, મારું પહાડોમાં એક ઘર હોવું જોઈએ.?? તું હસી પડી હતી અને મારી વાત ટાળી દીધી, માત્ર એવું બોલીને કે આ શું ગાંડપણ ચઢ્યું છે તને? આવી રીતે રખડવું એક બે દીવસ સારું લાગે, પાછું તો ઘરે જ આવવાનું છે જ્યાં આરામ હોય. મને પણ એક પળ માટે એવું જ લાગ્યું કે હા તું સાચું જ કહી રહી છે. મેં આ વાતને પણ બીજી બધી સામાન્ય વાતની જેમ ભુલાવી દીધી.

આજે તું નથી,તો મેં વિચાર્યું ચાલ મારી એક ઈચ્છા પૂરી કરી જ લઉં, પહાડોમાં એક ચક્કર લગાવી આવું અને આવી ગઈ જિદ પૂરી કરવા પહાડોમાં. અહી આવતા જ મેં અનુભવ્યું કે તું ખોટી હતી. સંપૂર્ણપણે ખોટી. પછી હું વિચારવા લાગ્યો કે શું તું હમેશા ખોટી જ હતી? એવી બધી જ વાતો જેમાં મેં તારી હા માં હા કરીને મારી ઇચ્છાઓને ક્યાંક ઊંડે ધરબી દીધી. પણ હવે લાગે છે કે હજુ પણ ક્યા મોડું થયું છે? ચાલ આંટો મારી લઉં એ જ રીતે જે રીતે હું ઈચ્છતી હતી. મારી વ્હાલી માં તું હમેશા મારી વાતને આ રીતે જ હસીને ટાળી દેતી. અહી પહાડોમાં આજે માટીનું બનેલું સરસ છત વાળું ઘર, સવારે ઉઠતા જ બરફાચ્છાદિત પર્વતોમાંથી ડોકિયું કાઢતો સૂરજ દેખાય. સફેદ રૂની પૂણી જેવા વાદળાઓ ધરતી પર નાના બાળકની માફક ફરવા નીકળ્યા હોય એટલું અદભૂત દ્રશ્ય અહી રોજેરોજ હોય છે. મારે તો હવે બધી જ ઈચ્છાઓ પૂરી કરવી છે અને તું ઉપરથી જ જોયા કરજે અને હસજે.

પોતાની ઇચ્છાઓને તિલાંજલિ આપતી એક દીકરીનું માં સાથેનું કન્વર્ઝેશન વાંચતા જ મન જાણે વણઝારા માફક હિમાલયનાં માર્ગે નીકળી પડે.

મા દિકરી વચ્ચેનું આ જ કન્વર્ઝેશન મને વારંવાર હિમાલયનાં પહાડોમાં જવા માટેના કારણો આપે છે. ફરવુ અને રખડવુ.. બન્ને વચ્ચે ઘણો ફરક છે.. હુ ફરવા કરતા અલગારીની માફક ખુલ્લા વગડામાં રખડવાનુ વધારે પસંદ કરુ છુ. સભ્ય સમાજ માટે રખડવુ એ કદાચ સભ્યતાની વિરુદ્ધ હોય પણ આ રીતે વગડામાં ભમવું એ એક પ્રકારનું મેડીટેશન છે. વગડામા રખડવાના કોઇ પ્લાન ના હોય. એ તો બસ ડુંગરાઓ, પર્વતો કે જંગલની કુંજ બોલાવે એટલે નીકળી પડવાનુ. ચોક્કસ સ્થળ પર પહોચવા કરતા માર્ગનો આનંદ માણવાનો મને વધારે માફક આવે. મારા ઘણા ખરા મિત્રોએ સલાહ આપી હતી કે હિમાલયનાં લદાખમાં શિયાળામાં જવું હિતાવહ નથી. મેં કોઈની વાતને ગણકારી જ નહી. ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં હિમાલય ખૂંદવો એટલે ખરેખર એક ચેલેન્જ કહી શકાય. ઉનાળામાં વહેતા ઝરણાઓ આનંદ-કિલ્લોલ કરીને રમતો બાળક અચાનક ચૂપ થઈ જાય એમ શાંત થઈને કેવા લાગતા હશે? જે પર્વતની ટોચ પરથી આવતા પવનો સમગ્ર ભારતને ઠંડીથી ધ્રુજાવી મુકે છે એ પર્વત પર એ ઠંડા પવનો ખરેખર કેવી થ્રિલનો અનુભવ કરાવે છે એ અનુભવવાની તીવ્ર ઈચ્છા, હિન્દુસ્તાનની લાંબી નદીઓ પર્વત પરથી વહેતા વહેતા જ અચાનક શાંત થઈને રૌંદ્ર રૂપને એક સ્થિર સ્થળમાં કઈ રીતે તદબીલ કરતી હશે? આ બધા જ પ્રશ્નોનો ઉત્તર મેળવવાની જીજ્ઞાસા મને શિયાળામાં હિમાલય સુધી ખેંચી લાવી.

શિયાળાના મહિનાઓ દરમ્યાન ઉનાળાની સરખામણીમાં લદાખ બધી જ રીતે અલગ હોય છે. અલગ રંગો, અલગ મૂડ, વાદળોમાં નયનરમ્ય રંગ ભરીને થતો સૂર્યોદય અદ્દલ એ જ રીતે જાણે કેનવાસ પર કોઈ કલાકાર પોતાની કલ્પનાના રંગો ઉતારી રહ્યો હોય, રૂની પૂણી જેવા વાદળો અને ધવલ પર્વતોને જાણે ધીરે ધીરે અંધારાની ચાદર ઓઢાડી રહ્યો હોય એવું સુર્યાસ્ત, હજારો દીવાઓ એક સાથે ઝગમગી રહ્યા હોય એવું વિરાટ રાત્રિનું દ્રશ્ય, ક્યારેય ના જોયા હોય એવા લેન્ડસ્કેપ્સ, સમગ્ર લદાખ વિસ્તાર ઉનાળામાં બુલેટના અવાજથી ધમધમતો હોય તેની સામે શિયાળામાં શાંત ચિત્તે પોતાની ધડકન પણ સાંભળી શકાય અને સંપૂર્ણ થીજેલા સરોવર કિનારે બેસીને આથમતો સૂર્ય અનિમેષ નજરે જોઈ રહીએ ત્યારે જાણે ખુદને રૂબરૂ મળ્યા હોય તેવો અનુભવ થયા વિના ના રહે.

શિયાળા દરમ્યાન લદાખની મુલાકાત લેવી હોય તો સવાર સવારમાં જેટ એરવેઝની વિન્ડો સીટમાંથી કુદરતની ભવ્યાતિભવ્ય સિનેમેટોગ્રાફી જોવાનો લ્હાવો મળે. જેટ એરવેઝ સૂર્યોદય પહેલા દિલ્હીથી ઉડાન ભરે. ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવારમાં ચંડીગઢ છોડતા જ કુદરત જાણે પત્થર પર કવિતા કરી રહ્યો છે તેવા દ્રશ્યો લગભગ ૪૦ મિનીટ સુધી આંખ સામે તરવરી રહ્યા. હિમાલયની પર્વતમાળાઓમાં પ્રવેશતા જ ૩૦૦૦૦ ફૂટ ઉંચાઈએથી વાદળોની વચ્ચે નારંગી રંગના આકાશમાં આપણાથી જરાક નીચે ક્ષીતિજ પર સૂર્યોદયનું અવિસ્મરણીય દ્રશ્ય જોઈને અચંબિત થઇ જવાય. ક્ષિતિજ પર જોયેલ આ સૂર્યોદયના દ્રશ્યને હું જીવનભર નહિ ભૂલી શકું. બરફાચ્છાદિત હિમાલયની પર્વતમાળા પર સૂર્યનારાયણ ધીરે ધીરે સોનેરી ઢોળ ચઢાવી રહ્યા હોય તેવું દ્રશ્ય જ નાનકડી વિન્ડોમાંથી જોઈ રહ્યો. આંખો ખુલ્લી અને મોઢું ઓહહ ઉદ્ગાર સાથે અધખુલ્લું રહી ગયું.

શિયાળાની ઠંડી ઉપરથી ૧૪૦૦૦ ફૂટની ઊંચાઈ પર શારીરિક રીતે સેટલ થવા માટે સતત બે કે ત્રણ દિવસ શાંતિથી ખાલી લેહ શહેરમાં જ પસાર કરવા તેવું નક્કી કરીને કોઈ જ પ્લાન વિના કે પાછા ફરવાની કોઈ તારીખ નક્કી કર્યા વિના જ હું લેહ આવ્યો. લેહ એરપોર્ટ પર ઉતરતા જ હિમાલયના -૧૦ થી -૧૫ સુધીના તાપમાનનો ચમકારો અનુભવ્યો. આખા દિવસના આરામ પછી સાંજ પડતા જ પ્રકૃતિની જાહોજલાલી અને બૌદ્ધ સભ્યતાનો અનુભવ કરવા લેહ ગોમ્પા પર ટ્રેક કરીને ચઢ્યો. લેહ ગોમ્પા પરથી દેખાતું રમણીય સાંજનું દ્રશ્ય અને પ્રકૃતિનાં પાલવમાં સમગ્ર શહેર નાના બાળક માફક રમી રહ્યું હોય એવું દીસતું હતું. તડકો છાંયો જાણે એકબીજા સાથે પકડદાવ રમતા હોય એમ લેહ પેલેસ અને શાંતિ સ્તૂપા પર સોનેરી ઝાંય પાથરી રહ્યા હતા અને વાદળાનો પડછાયો આખે આખી ટેકરીઓને ઢાંકી રહ્યો હતો. કુદરતને જાણે આજે પેઇન્ટિન્ગનો મૂડ હોય એમ ધરતીને કેનવાસ અને સૂર્યને બ્રશ બનાવીને હિમાલયને રંગી રહ્યા હતા. વાદળોમાંથી ચારણી માફક સૂર્યપ્રકાશ ગળાઈને ઠંડી ધરણીને હૂફ આપી રહ્યો હતો. દુનિયાના કોઈ પણ લેન્સ કે કેમેરા આવા સ્વચ્છ આકાશનાં પાલવમાં રમતા રંગોને એકી સાથે ફ્રેમમાં ઝકડી લે એટલા સક્ષમ તો નથી જ પણ આંખોથી સ્ટોક કાંગરી રેંજ પર હાવી થયેલા વાદળો જોતા જ મન શાંત અને સ્થિર થઈ જાય. સુર્યાસ્ત સમયે લદાખની ઓળખ એવા શાન્તિ સ્તુપા તરફ પ્રયાણ કર્યું. શાન્તિ સ્તુપા આસપાસ તાજો જ બરફ છવાયેલો હતો જેના પર પગ પડતા આવતા અવાજથી પણ એક લયબદ્ધ સંગીતની ધૂન રચાતી હોય એવું લાગતું હતું. ૧૯૯૧માં જાપાની મોંક દ્વારા વિશ્વશાંતિના પ્રતીક તરીકે બંધાયેલ શાંતિ સ્તુપા લદાખનું મુખ્ય આકર્ષણ છે. ઉનાળામાં સામાન્ય રીતે શાંતિ સ્તુપા ક્યારેય વ્યક્તિ રહિત ના મળે. હમેશા પ્રવાસીઓથી ભરેલો જ હોય એટલે ફોટોગ્રાફર માટે ઉનાળામાં શાંતિ સ્તુપાના ફોટોગ્રાફ લેવાની તક પણ ખૂબ જ ઓછી સાંપડે, જ્યારે શિયાળામાં ઈચ્છો એટલો સમય એકલા વિતાવી શકો પણ શરત એટલી જ કે સ્તોક કાંગરી અને ખાર દુંગલા પરથી આવતા કાતિલ ઠંડા પવનો સહન કરવાની હિમત અને સહનશક્તિ બંને હોવી જોઈએ. . હિમાલયમાં હોવાની સહુથી અણમોલ ભેટ છે "સમય".. અખૂટ સમય.. આપણા પોતાના માટેનો સમય. વિચારવા માટેનો, મન ના ભરાય જાય ત્યાં સુધી દોડી જતા વાદળો સાથે સંવાદ કરવાનો સમય, પગને ખળ ખળ વહેતી સિંધુમાં ડુબાડીને વહેતી નદીનું સંગીત સાંભળવાનો સમય, કુદરત જાણે કઇક કહી રહ્યું હોય એમ પવનની લહેરખીને કાનથી હૃદય સુધી માણવાનો સમય.. છે આટલું વૈભવશાળી જીવન ક્યાય આજના ડિજીટલ યુગમાં?? કોણે કહ્યુ કે વિશ્વમાં ઇન્ટરનેટ કનેક્ટિવીટીથી જ જોડાણ શક્ય બને છે? અહિયા ના કોઇ 3જી છે કે ના કોઈ 4જી છે. અહિયા કોઇ નોટિફિકેશન પર નજર નીચી કરીને જવાબ નથી આપવો પડતો. અહીં બેટરીની કે મેગાપિક્સલની કોઇ મર્યાદા નથી. અહીં ખરેખર તમને તમારા પોતાના 24 કલાક તમને પોતાને જ મળે છે. એક વખત કોશિશ કરી જુઓ કુદરતના સાનિધ્યમા સમય વિતાવવાની. આપોઆપ સમજાઈ જશે, એકાંત પણ તમારી સાથે કેટલી બધી વાતો કરી શકે છે. લગભગ ૩ કલાક જેટલો સમય એ સ્થળે વિતાવીને આથમતા સુરજને એ રીતે જોયો જાણે સૂરજ એ કોઈ ખાસ મિત્ર હોય અને લદાખને હાથ હલાવીને બાય બાય કહી રહ્યો હોય. ધરણી ધીરે ધીરે અંધારાનો ઘુમ્મટ તાણી રહી હતી.

સવારે પાંચનાં ટકોરે સ્તોક રેંજની ગોદમાં આવેલા લેહ શહેરથી દક્ષિણ-પૂર્વ તરફ સિંધુ કિનારે નીકળી પડ્યો કેટલીક નવી ફ્રેમ લેવા માટે. વર્તુળાકાર રસ્તાની બને તરફ બરફની ચાદર છવાયેલી હતી. ક્યાક ક્યાંક થીજેલા બરફના ચોસલાને પાણીની સપાટી પર વહાવતી તો ક્યાંક ક્યાંક ખળખળ વહેતો સિંધુનો પ્રવાહ જોઈને મન ટાઈમમશીનની જેમ સિંધુ સભ્યતાની સંસ્કૃતિ સુધી પહોચી જાય જે વાતો માત્ર પુસ્તકમાં જ વાંચી હતી, તો ફરી પાછુ આંખની સામે સિંધુનાં બંને કિનારે ચાલી રહેલા માર્ગમાં હવામાં ઉડી રહેલા પ્રેયર ફ્લેગ્સ જોઇને જાણે બૌદ્ધ સભ્યતા મૂક સ્પર્શ કરતી હોય એવી અનુભૂતિ થાય. બૌદ્ધ સંસ્કૃતિની પરંપરાની ઝાંખી કરવાતા નાના મોટા સ્તૂપ અને કિલ્લેબંધ મંદિરો પણ પુરાણી સભ્યતાની ઝાંખી કરાવી રહ્યા હતા.

થીક્સે પહેલા જ માર્ગની જમણી તરફ સિંધુ કિનારે નદીની સપાટીથી ૩૦ મીટર જેટલી ઉંચી પહાડી શિલા ઉપર વાદળોની વચ્ચે પર્વતોના પાલવમાં એક અદભૂત મંદિર દેખા દે છે, સિંધુ નદી સર્પાકારે વહેતી વહેતી જાણે સૌમ્ય બુદ્ધના ચરણ પખાળતી હોય એવું અદભૂત દ્રશ્યમાન થાય ત્યારે હું પણ થોડી ક્ષણો માટે અવાચક બનીને આ દ્રશ્યની સુંદરતાને આંખોથી માણી રહ્યો. પાછળથી યાદ આવ્યું કે શટર દબાવીશ તો આ પળને હમેશા માટે મારી પાસે રાખી શકીશ.

હિમાલયની સૌમ્ય ભૂમિમાં બૌદ્ધ પરંપરા ધરાવતા પ્રાચીન મંદિરનાં ઘાટ, બેકડ્રોપમાં હિમાચ્છાદિત શિખરોનો પાલવ, લાકડાનો બનેલો જુનો પુલ જેના પર પસાર થઇને સ્તકના મોનેસ્તરી જઈ શકાય.. "સ્તક્ના" - એટલે વાઘનું નાક. એ ખરેખર વાઘનાં નાક જેવું જ દ્રશ્યમાન થાય છે. સ્તક્ના એ માત્ર એક બૌદ્ધ પરંપરા ધરાવતું મંદિર જ નહિ પણ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો વારસો છે. લદાખ જઈને સહુથી પહેલી સવારે જ આ જગ્યાની મુલાકાત લઈને ખળખળ વહેતી સિંધુનો પ્રવાહનો એક આહલાદક અનુભવ કર્યો. આ આનંદને એ જ જાણે જે આ જગ્યાની સુંદરતાને પ્રત્યક્ષ માણે.

આળસ મરડીને હિમાલય જાણે બેઠો થતો હોય અને ઠંડો પવન એને કંપની આપી રહ્યો હોય એવું અનુભવાઈ રહ્યું હતું. શિયાળાની સવાર હોઈ એકલદોકલ બાળકો લાલ કપડામાં સ્તકના પાસે નાનકડો દડો લઈને ફૂટબોલ જેવી રમત રમી રહ્યા હતા. લદાખમાં સામન્ય રીતે આ રમત રમાતી જોવા મળે છે. એમનું નિર્દોષ હાસ્ય જોઇને પરાણે વહાલ ઉપજે અને રતુમડા ગાલ જોઇને કુદરતે અહી વસતા જીવને ખોળો ભરીને ખુશીઓનો ખજાનો આપ્યો છે એવી ઈર્ષ્યા સહજતાથી જાગી ઉઠે. વાઈ-ફાઈ કે શહેરી ઘોંઘાટ વિના ખરા અર્થમાં સૂર્યોદયથી સુર્યાસ્ત સુધીના ક્રમને જાળવી રાખતા અને મર્યાદિત ચીજોથી પણ આધુનિકતા ને ચાતરીને નૈસર્ગિક જીવન માણતા માનવજીવનને ધબકતું મેં હિમાલયમાં હંમેશા જોયુ છે. અહી માત્ર માનવ જ નહિ પણ દરેક પત્થર, નાચતી ગાતી નદી, અલગ જ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ સહીત સમગ્ર કુદરતની રચનાને મેં કુદરતી રીતે નૈસર્ગિક વાતાવરણને પ્રત્યક્ષ માણતા અનુભવ્યા છે. શાંતિ અને સુખ માટે મહાપુરુષોને હિમાલયમાં જતા મહાભારત જેવા ગ્રંથોમાં મેં હમેશા વાંચ્યું છે તેનું તર્ક આજે મારા પગ સિંધુનાં કિનારાની થીજેલી સપાટી પર અને આંખો ક્ષિતિજ પર છે ત્યારે થોડું થોડું સમજાય છે.

થીકસેથી નીકળીને ચાંગલા તરફ જતા શેરથી ગામના ખેતરો જે શિયાળામાં થીજી જાય ત્યારે અવનવી ભાત પડે, એ ભાતને ઉપરથી જોવાની ખુબ જ મજા પડે..હિમાલયમાં શિયાળામાં આવુ દ્રશ્ય સરળતાથી જોઈ શકાય. વાદળો પાછળથી સૂર્ય અવનવા રંગ સાથે રમત રમી રહ્યો હોય એમ દર કલાકે આકાશના રંગો બદલાય. ક્યારેક ભૂરો, ક્યારેક વાદળી, ક્યારેક નારંગી તો ક્યારેક ગુલાવી જેવા રંગના વિવિધ શેડ્સ અહી જોવા મળે. અવળચંડુ મન આપોઆપ કુદરત સાથે વાતો કરવા લાગે. મન ભરીને મારે આ દૃશ્યને માણવુ છે, તું કઈ રીતે આવા રંગો સાથે રમે? મારે એ કરામતને જાણવી છે. સવાર પડે કે નવા જ રંગો લઈને તુ હાજર હોય છે, જાણે હિમાલયના શિખરોને સોનાનો ઢોળ ચઢાવવા ના નીકળ્યો હોય. ચાંગલા પાસ ક્રોસ કરીને વિશ્વના સહુંથી ઊંચા અને ખુબસુરત ખારા પાણીનાં સરોવર પેન્ગોંગ તરફ આગળ વધી રહ્યો હતો. જેમ જેમ અંતર ઘટતું ગયું તેમ તેમ શિયાળામાં પેન્ગોંગ કેવું દેખાતું હશે તેવી ધારણાઓ બાંધવા લાગ્યો. વિશ્વનું સહુથી ઊંચું અને ઠંડુ રણ ચંગથંગનાં વિશાળ થીજેલા રણપ્રદેશમાં યાક અને જંગલી ઘોડાઓ અદભૂત રીતે પહાડીઓ પર મહાલતા દેખાઈ રહ્યા હતા. બહુ જ ચપળતાથી આ ઘોડાઓ પહાડીની નાની એવી ધાર પર પણ પોતાનું સમતુલન જાળવી રહ્યા હતા. આખા રસ્તા પર ક્યાય એક પણ વ્યક્તિ ના જોઈ શકાય સિવાય કે એકલ દોકલ આર્મીની ગાડીઓ. અતિશય દુર્ગમ અને ઠંડા રણપ્રદેશમાં ભારતીય સેનાના જવાનોને ફરજ નિભાવતા જોઈને જ આપણી છાતી ગજ ગજ ફુલાવા લાગે. ઇન્ડીયન આર્મીનાં પ્રતાપે જ ચાંગલા પાસ ૩૬૫ દિવસ ખુલ્લો રહે છે. લગભગ અર્ધાથી એક ફૂટ સુધી પગ બરફમાં પેસી જાય એટલો બધો બરફ આ વિસ્તારમાં છવાઈ જાય છે ઉપરાંત હિમસ્ખલન પણ છાશવારે થયા જ કરે.

બે ઘડી આંખો પર વિશ્વાસ ના થઈ શકે અને મોઢું આશ્ચર્યથી અર્ધખુલ્લું રહી જાય એવું દ્રશ્ય ૧૪૨૭૦ ફૂટ ઊંચાઈ પર આવેલા વિશ્વ પ્રસિદ્ધ પન્ગોંગ લેક જોતા જ નજર સામે તરવરે. આશરે પાંચ કિમી. પહોળું અને ૧૩૪ કિમી લાબું સરોવર ઉનાળામાં વાદળી રંગના અલગ અલગ શેડ્સ ધરાવે છે જે શિયાળામાં તદ્દન અલગ દેખાયું. ઉનાળામાં સાફ વાતાવરણમાં હિમાલયની ટેકરોની મિરર ઈમેજ પેન્ગોંગની સપાટી પર દેખાય જાણે કુદરતનો વિશાળ અરીસો જ જોઈ લો. શિયાળામાં વેલીમાં રહેલુ ઘાસ તદ્દન સુકાઈ જાય. નાના નાના ઝરણાઓ થીજી જાય. જ્યાં પણ પાણી હોય ત્યાં બધે જ બરફનું એક લેયર બની જાય. પન્ગોંગ લેક -૨૫ થી -૩૦ સુધીના તાપમાને સંપૂર્ણપણે થીજી ગયેલું જોવા મળે જાણે આઈસ હાઈવે બનાવ્યો હોય. એક તરફ ભારત અને બીજી તરફ ચીન, બંને વચ્ચે માત્ર ૩૬ કિમી અંતર ધરાવતી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ અહીથી પસાર થાય છે. મોટા ભાગનો પેન્ગોગ લેકનો વિસ્તાર ચીન વિસ્તારમાં પથરાયેલો છે. ૧૯૬૨નું યુદ્ધ પણ આ જ જગ્યાએ ચુશૂલમાં આવેલ રેઝાંગલા ખાતે થયું હતું. શિયાળાની રાત્રી પેન્ગોંગ લેક પર ખુબ જ અણધારી હોય છે. ગ્લેસિયર પરથી આવતા અતિશય ઠંડા વેગીલા પવન સાથે રાત્રે -૪૦ ની આસપાસ તાપમાન નીચુ જતું રહે છે. રાતના ૧૦ વાગતા મારી આંખ ખુલ્લી ગઈ. હાથમાં મોજા, ડબલ જેકેટ અને વિન્ડસ્ટોપર પહેરીને કેમેરા અને ટ્રાઈપોડ લઈને નીકળી પડયો સંપૂર્ણપણે થીજેલા પેન્ગોંગ લેક પર એક અવિસ્મરણીય રાત્રી આકાશને કેમેરામાં કેદ કરવા અને અવકાશ દર્શનને માણવા માટે. શરૂઆતમાં મને થોડો થોડો ડર લાગતો હતો, કાતિલ ઠંડો પવન અને પવનનો ગૂંજતો અવાજ મને વિશાળ અરણ્યમાં કોઈકની સતત હાજરી હોવાનો એહસાસ અપાવતો હતો. એક સાથે લાખો ટમટમતા તારોલીયાનો થીજેલા સરોવર પર પડતો પ્રકાશ રસ્તો બતાવી રહ્યો હતો. પગ ધીમે ધીમે સાવચેતી પૂર્વક બરફ પર મૂકીને સરોવરની સપાટી પર આગળ વધ્યો. હું ખરેખર પાણીની સપાટી પર ચાલી રહ્યો છું એની એક નવી જ ઉત્તેજના હતી. આ પહેલા પણ ઘણી રાત્રીઓ મેં એકલા જંગલમાં વિતાવી છે, રણમાં વિતાવી છે, સમુદ્રમાં વિતાવી છે, સમુદ્રના બેટ પર વિતાવી છે પણ અત્યારે જે અનુભવી રહ્યો હતો તેવું પહેલા મેં ક્યારેય અનુભવ્યું જ નહોતું. સંપૂર્ણપણે થીજેલું સરોવર, ભય પ્રેરે તેવું એકાંત, ચન્દ્રવીહિન રાત્રિ, ભારત-ચીનનો બોર્ડર વિસ્તાર, કાતિલ ઠંડી અને ઝડપથી ફૂંકાતા પવનો છતાં આકાશ સામે મીટ માંડતા જરા પણ એકલતા અનુભવાતી નહોતી. આશરે ૪૦૦૦૦ કી.મી.નો પરિધ ધરવતી પૃથ્વી પરના આ અવર્ણનીય વિસ્તારમાં અનુભવેલા એક ગજબ સંચારને કોઈ રીતે શબ્દોમાં રજૂ કરવા માટે હું અસમર્થ છું. શિયાળાની રાત્રીમાં દ્રશ્યમાન તારાઓના સમૂહથી બનતી રાશિઓ, નક્ષત્રો, પૂછડિયા તારાઓ વગેરે ખુલ્લી આંખે નજર સામે જોઈને મનમાં હિંમત અને કુદરત પોતાના પાલવમાં પ્રેમથી આવકારી રહી હોય એવો પ્રત્યક્ષ અનુભવ થઇ રહ્યો હતો. અગોચર વિશ્વમાં પોતાની જ એક દુનિયામાં એક રાત જેનો ક્યારેય પણ અંત જ ના હોય.

ચંદ્રવિહીન રાત્રીમાં ટમટમતા તારોલીયાઓની વચ્ચે કોઈ જ સવલતો વિના કુદરતના અપ્રતિમ વૈભવમાં રાતભર આકાશમાં ચમકતાં રત્નોને નિહાળતા મારુ પોતાનું અસ્તિત્વ ખૂબ જ સૂક્ષ્મ લાગવા લાગ્યું. પરમાત્મા અને પ્રકૃતિની વચ્ચે જતા જ ડર નામની કોઈ વસ્તુનું દુનિયામાં અસ્તિત્વ છે ખરું ?? એવો પ્રશ્ન થાય.. પણ જ્યાં ખુદ સર્જનહારની હાજરીનો એહસાસ હોય ત્યાં ડર કોનો? દિમાગ પાછું વૈશ્વિક નર્તન અને પરમાત્માની કલ્પનાઓમાં ખોવાઈ જાય.. વૃશ્ચિક, ચિત્રા, સ્વાતિ, સપ્તર્ષિ નરી આંખે સામે રાત્રિનાં ત્રીજા પ્રહર સુધી નિહાળ્યા બાદ તેજસ્વી ધનું દેખાય એટલે જાણે હિમાલયના તત્વ અને સત્વનો સાક્ષાત્કાર થાય.

રાત્રિ આકાશ નિહાળ્યા બાદની સવાર એટલે જાણે એક નવો જ જન્મ. સવારે પરવારીને સરસ ગરમ ચા પીને સવારનાં પેન્ગોંગ લેકના લેન્ડસ્કેપને ઉત્સુકતાથી જોવા નીકળી પડયો.
આહ, કુદરત કેટલો બધો છુપાયેલો ખજાનો રાખે છે. કોઇ વ્યક્તિ જેટલુ સરળ અને સૌમ્ય હોય એટલુ જ ખતરનાક પણ હોય એવુ હું માનું છું અને મે હમેશા અનુભવ્યુ પણ છે. ખળ ખળ વહેતી નદી કેટલી સૌમ્ય લાગે પણ એનુ રૌદ્ર સ્વરૂપ પણ હોય છે. મહાદેવ પણ કેટલા સૌમ્ય લાગે એમનુ પણ રૌદ્ર રૂપ ખુબ જ ભયાનક હોય છે. ખુબસુરત હિમાલયમાં પણ ખુબસુરતીની સાથે સાથે એટલી જ ભયાનક્તા છે, એટલે જ કહેવાય છે કે પર્વતોમાં ભટકવુ સહેલું નથી. વિશ્વ પ્રસિદ્ધ પેન્ગોંગ સરોવર એની ખુબસુરતી માટે જાણીતું છે. આશરે 100 મીટર જેટલી ઊંડાઈ ધરાવતુ સરોવર શિયાળામા થીજી જાય ત્યારે પત્થર જેવા બરફની સપાટી પર ઉભા રહીને ધ્યાનથી સાંભળીયે તો બરફ તૂટીને તળિયે વહેતા પાણી સાથે ભળતો હોય એવો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય અને આપોઆપ પગ ભયથી જ ધ્રુજી ઉઠે. આખા પેન્ગોંગ પર આ માત્ર આ એક એવી જગ્યા હતી જ્યાં બરફ પીગળી ગયો હતો અને સરોવરની સપાટી ખુલ્લી જોવા મળી હતી.

પર્વતો પર છંટકાવ થયેલો તાજો જ બરફ, હિમાલયની ટેકરીઓ પર પડતો વાદળોનો પડછાયો અને થીજેલા પન્ગોંગ લેકની વચ્ચોવચ્ચથી બરફની સપાટી પર ઉપસી આપેલ જરાક જેટલા વાદળી પાણીમાં હિમાલયની ટેકરીઓની પડછાયો દ્રશ્યને ફૂલ એચ.ડી. બનાવી રહ્યો હતો. કોઇએ ભગવાનને જોયા છે ખરા? મને કોઇ પૂછે તો હુ કહું, મે જોયા તો નથી પણ અનુભવ્યા છે. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હુ કણ કણમા છું, એવા દરેક કણનો અહીં મે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અને અનંત એવા એકાંતના વૈભવને માણ્યો છે.

આ સ્થળ ઉનાળામાં માનવરહિત તો નહીં જ મળે એટલે એકાંતનો વૈભવ પણ કદાચ ના મળે પણ શિયાળામાં અહીં આવતા પવનો પણ કાનમાં જાણે કુદરતની હાજરીના સંકેત આપે છે. કોઇ મને પુછે તને ડર ના લાગે આ રીતે ભટકતા? હું આજે પણ એમ જ કહીશ.. જ્યાં સર્જનહારની હાજરીનો એહસાસ દરેક પળે થતો હોય ત્યાં ડર કોનાથી?

- આરણ્યક