Snehnirjar - 1 books and stories free download online pdf in Gujarati

સ્નેહનિર્જર ભાગ 1

પ્રકરણ ૧: લાવ હથેળી શ્યામ લખી દઉં

"તારી આંખ નો  અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો, તારા..."
મંચ પર થી સુંદર ગાયનનો કાર્યક્રમ પૂર્ણ થવાની તૈયારી માં હતો. વિશાળ જન સંખ્યા તાળીઓથી ગીતો ને વધાવી રહી હતી. પાછળ બે યુવતીઓ એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જવા માટે ભીડમાંથી પસાર થવા પ્રયત્ન કરતી હતી. હોલ આખો ભરેલો હતો, બેસવાની ખુરશીઓ ઓછી પડી ગઈ હતી, પણ ચાહકો ઊભા રહીને પણ સાંભળવા તૈયાર હતા.

"અરે ગીતિ, જલ્દી ચાલ ને. તું શું આ ગુજરાતી ગીતો સાંભળવા ઊભી રહી ગઇ! મોડું થાય છે" કર્તરી લગભગ બે થી ત્રણ વાર આ વાક્ય બોલી, પણ ગીતિ તો એવી મગ્ન થઈ ગયેલી હતી કે એને કંઈ ધ્યાન જ ન રહ્યું. તે ઊંચી થઈ થઈ ને ગાયક નો ચેહરો જોવા મથતી હતી. પણ તેને ફક્ત વાંકળિયા વાળ જ દેખાતા હતા. કર્તરી તેને ખેંચી ખેંચી ને બહાર લઈ જતી હતી. હોલ ની બહાર નીકળી ને ગીત પૂર્ણ થયું એટલે તેને અધૂરું ગીત સાંભળવાનો વસવસો ન થયો, પણ મનમાં ગાયકને જોવાની ઉત્કંઠા વધતી ગઈ.

કર્તરી તેના કપાળે આવેલા પસીનાને ટીસ્યુ પેપરથી સાફ કરતા બોલી, "કેટલી ગરમી છે યાર, એક તો હોલ નું એસી કામ નહતું કરતું કે શું! ઉપરથી આ ઈન્ડિયન ફ્લોર લેન્થ ડ્રેસ. તારી હાલત તો સારી છે. તે તો જીન્સ ને કુર્તી પહેરી છે."  એમ બોલીને કર્તરીએ ગીતિના મોં પાસે ચપટી વગાડી. અચાનક અવાજ સાંભળી ગીતિ સહજ થઈ. પોતાના સ્ટ્રેટનિંગ કરેલા વાળને આગળ લઈ અને કુર્તીના કોલરમાંથી હવા આવે તેવા પ્રયત્ન કરવા લાગી. બેબી પિંક કલરની કુર્તી જેમાં ચિકન વર્ક કરેલું નેક હતું, બોર્ડર પર એવા જ વર્કની પ્રતિકૃતિ કરેલી હતી અને ડાર્ક બ્લુ ડેનીમમાં ગીતિનું રૂપ નિખરતું હતું. તેમાં પણ કર્તરીએ તેને ઇન્ડિયન લૂક આપવા પિંક બિંદી અને ઝુમકા આપ્યા હતા.

કર્તરી અને ગીતિ આમ તો પિતરાઈ બહેનો, પણ સગી બહેનો કરતા પણ વધારે પ્રેમ. ગીતિનો જન્મ અને ઉછેર બન્ને અમેરિકા માં થયા હતા પણ કર્તરીએ તેનું ગ્રેજ્યુએશન ભારતમાં કરેલું હતું અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા અમેરિકા આવી હતી. તેને અહીં અમેરિકા જ સ્થાયી થવું હતું, તેથી તેના માટે તેણે કોલેજથી જ પોતાનું સી.વી. શ્રેષ્ઠ બને તેના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કોલેજ સાથે પાર્ટ ટાઈમ જોબ પણ ખૂબ સારી કંપનીમાં કરી હતી જેના કારણે તેને યુ.એસ. માં પ્રખ્યાત કોલેજમાં એડમીશન લેવામાં સરળતા રહી હતી. ઉપરાંત GRE માં પણ 320 નો ટાર્ગેટ તેણે આરામથી પૂર્ણ કર્યો. કર્તરી અને ગીતિની વાતો વ્હોટ્સ એપ અને ઈન્સ્ટાગ્રામમાં થતી હતી અને અમેરિકા આવીને તો બંને એટલી એકબીજાને મળી ગઈ હતી કે એકબીજા વગર ક્યાંય જતા જ નહિ.

વર્ષોથી ગીતિનો પરિવાર અમેરિકા જ સ્થાયી થયેલો, પણ કર્તરીના માતા પિતા બન્ને સરકારી નોકરી કરતા હોવાથી ભારતમાં જ સ્થાયી થયેલા. ગીતિ આટલા વર્ષોમાં એક-બે વાર માંડ ભારત આવી હશે, એ પણ નાનપણમાં. હવે તો તેના પપ્પા વિકરાંતરાયનો બિઝનેસ એટલો વિકસી ગયો હતો કે તેઓ વિક એન્ડમાં પણ કામ કરતા. અમેરિકામાં તેઓ જેવો દેશ તેવો વેશ તો માનતા જ હતા, પણ સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પણ જાળવવાનો પૂરો પ્રયત્ન કરતા. પુત્રી ગીતિ અને પુત્ર ગમનને તેમણે સંસ્કાર અને સમજણથી સિંચ્યા હતા. તેમાં પત્નિ શ્યામિકાનો પણ પૂરો સહકાર હતો. ગણિત અને વિજ્ઞાનમાં પૂરા માર્ક્સ લઈ આવતી ગીતિને તેમણે આર્ટ્સમાં પણ આગળ વધવાની ઈચ્છા વધાવી હતી. ગીતિએ બેલેટ ડાન્સ તેમજ ફાઈન આર્ટ્સમાં સારી આવડત કેળવી હતી. ગમન કરિયરલક્ષી હતો. તે આગળ અભ્યાસ કરવા લંડન ગયો અને તેના કાર્યમાં પોરવાઈ ગયો. ગીતિ તેના ગયા પછી એકલી થઈ ગઈ હતી, પણ બે જ મહિનામાં કર્તરીના આગમનથી ઘર ભર્યું ભર્યું લાગવા માંડ્યું. ક્યારેક બન્ને મીઠો ઝગડો કરતા તો ક્યારેક સાથે મળીને જમવાનું બનાવતા. કર્તરી અને ગીતિ વચ્ચે ઉંમરનો ફક્ત ત્રણ મહિનાનો જ તફાવત હતો.

"હેય કર્તુ, શું તું પણ અત્યારે ડ્રેસની લપ કરે છે, કેટલી સરસ લાગે છે માય સ્વીટ હાર્ટ!" તે કર્તરીના ગાલ ખેંચી બોલી. વળી ઉમેર્યું, "આ તું આવી છે ને ત્યારથી મેં હિન્દી કે ગુજરાતી કોઈ સોન્ગ સાંભળ્યા જ નથી, તમને ઇંગ્લિશ સોંગ્સ જે ગમે છે" ગીતિ મોં બગાડી, અદબ વાળી ને બાજુ પર જોતા બોલી. કર્તરીએ એના હાથ ખોલી અને નજીક આવી ને કહ્યું, "ઓ મેડમ, આ નાટક શું કરો છો! તમારું કોઈ પર આવ્યું દિલ, ને ફાટ્યું મારા નામ નું બિલ! હાહાહા" ને એ ખિલખિલાટ હસી પડી. ગીતિ પણ શરમથી લાલ થઈ ગઈ ને નીચે જોઈ હસવા લાગી. એનો ગોરો વર્ણ, ગાલ પર પડતાં ખંજન ને નમણો ચેહરો જોઈ કેટલાંય તેની પાછળ પડતા, પણ ગીતિને પણ કોઈ ગમવું જોઈએ ને. આજ સુધી ના જાણે તેણે કેટલા ગુલાબ તોડ્યા હશે ને સાથે ઘણાં નાં દિલ પણ. તે પ્રેમ જેવી વસ્તુમાં માનતી પણ ન હતી. પરંતુ આજે તેને ખૂબ અલગ જ ફીલિંગ થતી હતી. તેનું મગજ તેને કહેતું હતું કે આ વિશે ના વિચારે, પણ હૃદય! તે તો એ જ અવાજ સાંભળવા ઇચ્છતું હતું. તેના કાન ફરી એ જ ગીત સાંભળવા અધીરા થયા હતા.

ગીતિ અને કર્તરી વાતો કરતાં પાર્કિંગમાં પહોંચ્યા. ત્યાં ગીતિનાં મોમ - ડેડ એટલે કે કર્તરીના મોટા મમ્મી પપ્પા રાહ જોતા હતા. ઘણા વખતે તેઓ એક સાથે બહાર નીકળા હતા. આખા દિવસનું પ્લાનિંગ હતું. કર્તરીને અહીં આવ્યે પાંચ મહિના જ થયા હતા અને તે કોલેજના કામમાં જ એટલી વ્યસ્ત હતી કે તેણે કેલિફોર્નિયા સરખી રીતે જોયું જ નહતું. આજે તો ત્યાંની પ્રખ્યાત રેસ્ટોરાં અને મોલમાં જવાનું હતું, એડવેન્ચર પાર્કમાં જવાનું હતું. કર્તરી એકદમ ઉત્સાહિત હતી.

સૌથી પહેલા તેઓ સ્ટાર બકસ ગયા અને કોલ્ડ કોફી લીધી, આગળનો રસ્તો લાંબો હતો એટલે ત્યાં બેસીને પીવા કરતા ગાડીમાં જ પીવા નું નક્કી કર્યું. કર્તરીએ તો બારીની બહાર જોતાં જોતાં કોફી પીવાનું શરૂ કર્યું. ગીતિ એના મોબાઈલમાં ફેસબૂક ખોલીને કંઈક સર્ચ કરતી હતી. ખરેખર તો તે વારે વારે ચેક કરતી હતી કે આજના ગુજરાતી સમાજનાં ગેટ ટૂગેધરના ફોટોઝ કોઈએ શેર કર્યા હોય તો પેલા ગાયકની ખબર પડે. તે વારે વારે રિફ્રેશ કરતી હતી. ગાડીમાં શાંત માહોલ હતો. વિકરાંતરાય વાત શરૂ કરતાં બોલ્યાં, "અરે દીકરીઓ, તમે ભજન કાર્યક્રમમાંથી ઊભાં થઈ ક્યારે જતા રહ્યા ખબર જ ન પડી. પણ આજે બહુ મજા આવી હોં! અને જમવાનું તો આહાહા. કેટલા વખતે બાજરાનો રોટલો ખાધો." કર્તરીએ હોંશ થી જવાબ આપ્યો કે તેને ભારતથી સાથે આવેલી એક સહેલી એ બોલાવી તો તેઓ તેની સાથે નીકળી ગયા હતા. પછી ઉમેર્યું, "અમે લોકો ગરબા માટે ગયા હતા, ગુજરાતમાં તો ગરબાની મજા આવે જ, પણ વિદેશમાં ગરબા કરવાની મજા કંઈક અલગ છે, નહિ ભાઈજી!" , "હા, બરાબર. બેટા, તું મારી ગીતુંને પણ ગરબા શીખવાડી દે હવે. એને અમારા જેવા જુનવાણી સ્ટેપ્સ જ આવડે છે. તને તો કેટલા સરસ ગરબા આવડે છે, અત્યાધુનિક ગરબા શીખવાડ એને". કર્તરીએ તરત હંકાર સાથે કહ્યું, "ભાઈજી, આ વર્ષે નવરાત્રિ આવવા દો, ગીતિ ને એકથી વધી ને એક સ્ટેપ્સ શીખવાડી દઈશ". ને સંવાદ એ ફરી વિરામ લીધો.

ગીતિ હજુ ફેસબૂક રિફ્રેશ જ કરતી હતી, ને આ વખતે ઘણાં ફોટોઝ ને વિડિઓ અપલોડ થયેલા હતા. તેને સંગીતનાં હોલને ઓળખતા વાર ના લાગી. તે હોલમાં ગવાયેલા બધાં જ વિડિઓ ઓન કર્યા. જે કોઈ બીજા એ ગાયેલા હતા તે બધા પાંચ થી દસ સેકન્ડમાં તેણે બંધ કર્યા. લગભગ એ ચૌદમો વિડિઓ એ પ્લે કરવા જતી હતી ને કર્તરી એ બહારનું દ્રશ્ય જોવા અવાજ લગાડ્યો. એને જોયું ન જોયું કરી ફરી પોતાના ઇઅર ફોન કાનમાં લગાડ્યા અને વિડિઓ શરૂ કર્યો. ગીત વાગ્યું, "લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં...". ગીતિને આ અવાજ ઓળખતાં જરાં પણ વાર ના લાગી. તે ઊછળી ને સીધી બેસી ગઈ ને આખું ગીત લગભગ દસથી પંદર વાર સાંભળ્યું. વિડિઓ એટલો સ્પષ્ટ ન હતો કે તે ગાનાર નો ચેહરો જોઈ શકે, પણ તેનું દિલ કહેતું હતું કે આ એ જ ગાયક છે જેણે છેલ્લું ગીત ગાયું હતું. ત્યાં એક નવી નોટિફિકેશન આવી. તેણે જલ્દીથી નવો અપલોડ થયેલો વિડિઓ ઓન કર્યો અને હોલમાં જે ગીત સાંભળ્યું હતું એ જ વાગ્યું, " તારી આંખ નો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમ નો પાગલ....." ગીતિને લાગતું હતું કે જાણે તે ગીત તેના માટે જ ગવાઈ રહ્યું હોય. તે ફરી પાછળ ટેકો દઈ આંખ બંધ કરી સાંભળવા લાગી અને ગાયકનો ચેહરો કેવો હશે તે વિશે વિચારવા લાગી. તે કાલ્પનિક દુનિયામાં ખોવાઈ ગઈ. ગાડી રસ્તો કાપતી ગઈ ને તેમાં બેઠેલા લોકો આજના સુંદર વાતાવરણને માણતા માણતા મોલ સુધી પહોંચી ગયા. ગીતિ માટે તો બહારનું વાતાવરણ જ નહીં ભીતરનું વાતાવરણ પણ આહલાદક હતું. તેણે પોતાની જાતને આ ખુશી કોઈ જોઈ ના જાય એ માટે સંભાળીને રાખી હતી. પણ ક્યારેક ક્યારેક મોં પર એક સ્મિત જરૂરથી રેલાય જતું.

વધુ આવતા અંકે
આપના અભિપ્રાય જાણવા ઈચ્છુક છું, કૃપા કરી કમેન્ટ કરી જણાવશો. 


બીજા રસપ્રદ વિકલ્પો