સ્નેહનિર્જર - ભાગ 3 Vidhi Pala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહનિર્જર - ભાગ 3

પ્રકરણ 3 નયન ને બંધ રાખી ને મેં જ્યારે તમને જોયા છે

ગતાંકથી ચાલુ

National Art Gallery welcomes all to admire the astonishing paintings. (નેશનલ આર્ટ ગેલેરી ભવ્ય ચિત્રકલાને પ્રોત્સાહિત કરવા આપનું સ્વાગત કરે છે.)
આવા મોટા અક્ષરોએ લખેલા બોર્ડને રંગબેરંગી ફૂલોની ડિઝાઇનવડે શણગારવામાં આવ્યું છે. તે હોલ સુધી પહોંચતા માર્ગમાં આછા પીળા રંગની લાઈટ અને ગુલાબના ફૂલોની રંગોળીઓ વચ્ચે આકર્ષક આકારવાળા મીણબત્તીઓ અને દીવડાઓ મૂકવામાં આવ્યા છે. વાતાવરણ અત્યંત આહલાદક બનવાનું બીજું સુંદર કારણ હતું ગુલાબ અને મોગરાની મહેક. પ્રવેશતાની સાથે જ વ્યક્તિ પોતાની બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય અને જાણે સ્વર્ગમાં આવ્યા હોય તેવો અનુભવ થાય તેવો સંપૂર્ણ પ્રયત્ન મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

બધા ચિત્રકારો તેમના સોંપાયેલા વિભાગમાં આતુરતાથી મહેમાનોની રાહ જોતા હતા. બધાના સ્વાગત માટે મીઠાઈ, ઠંડપીણાંની વ્યવસ્થા રાખેલી હતી.

લાલ રંગના ઇવનિંગ ગાઉનમાં સજ્જ ગીતિ ખૂબ જ ખુશ હતી. મોટા ભાગે સ્ટ્રેઈટ વાળ રાખતી ગીતિને કર્તરીએ આજે કર્લી વાળ કરી આપ્યા હતા, તેનો દેખાવ જાણે હમ આપકે હૈ કૌનની અદ્દલ માધુરી દીક્ષિત. ગાઉનની પેટર્ન જળવાઈ રહે અને વધારે ભપકો ના લાગે એટલે તેણે ગળામાં કંઈ પહેર્યું ન હતું, પણ કાનમાં લાંબી ગોલ્ડન લટકણ પહેરી હતી. આ આકર્ષિત પોશાક સાથે બેલેટ ડાન્સમાં પહેરાય એવી ડિઝાઇન વાળા સુંદર ગોલ્ડન સેન્ડલ. એક્ઝિબિશન માટે એન્ટ્રી શરૂ થતાં જ આખો હોલ કલા પ્રશંસકોથી ભરાઈ ગયો હતો. ગીતિ અને કર્તરીની સાથે સાથે મોમ ડેડ પણ મહેમાનોના સ્વાગત માટે તૈયાર હતા. ગુજરાતી સમાજના મુખ્ય પ્રમુખને પણ આમંત્રણ અપાયું હતું. વિકરાંતરાય અને શ્યામિકાબેન આજે તેમની દીકરીની સફળતામાં કંઈ કચાશ બાકી રાખવા માંગતા ન હતા. તેઓ ઉમળકાભેર બધાને ચિત્રો બતાવતા હતા તેમજ કલા પ્રત્યે તેનો શોખ કઈ રીતે બાળપણમાં કેળવાયો તેની વાત બધાને કરતાં.

ગીતિ અને કર્તરી પણ તેના મિત્રવર્તુળ સાથે વ્યસ્ત હતી. મિત્રો અને સગાંઓ ઉપરાંત પણ આવેલા દરેક વ્યક્તિઓ વખાણતાં થાકતા ન હતા. ત્યાં ટેબલ પર પડેલી રિવ્યૂ બુક આ વાતની સાબિતી હતી. વિકરાંતરાયએ ગીતિને પ્રમુખને મળવા બોલાવી. તેઓ ઠંડપીણાંના કાઉન્ટર પર ગયા. કર્તરી તેના ક્લાસના મિત્રોને હોલમાં પ્રદર્શિત ચિત્રો બતાવતી હતી.

કલાને જ પોતાનો ગુરુ માનતો એવો તથક પણ તે પ્રદર્શન જોવા આવ્યો હતો. બધા પેન્ટિંગ્સ જોતાં જોતાં તે ગીતિના વિભાગમાં પહોંચ્યો. પોતાની ભારતીય સંસ્કૃતિની ઝલક બધે જ ઝળહળે તે માટે ગીતિ હંમેશા પોતાના હસ્તાક્ષર ગુજરાતીમાં કરતી. પોતાનાં દેશ અને માતૃભૂમિ પર તથકને ગૌરવ થયું. તેનાથી પણ વધારે આ "ગીતિ" જેણે વિદેશમાં આવી ને પણ પોતાના દેશનું નામ પ્રખ્યાત થાય તે માટેનો પ્રયત્ન જોઈ ગદગદ થઈ ગયો. તથક એ ત્રીજા નંબરના ચિત્રને પલક જપકાવ્યા વિના નિહાળ્યું. રાધા કૃષ્ણનું આ ચિત્ર તેના હૃદયનાં તાર ઝનઝણાવી ગયું. રાધા અને કૃષ્ણ જાણે એકમેકમાં ઓતપ્રોત થઈ ગયા છે, તેમનો પ્રેમ ચિત્રમાં જાણે છલકાઈ રહ્યો છે, રામ સીતા જેવી પવિત્રતા છે અને આકાર તો જાણે અર્ધનારી નટેશ્વર જોઈ લો. રંગો એકબીજાને એટલા સુંદર રીતે મળ્યા છે જાણે નભને સાગર. બધા ચિત્રો જોયા બાદ તથકે રિવ્યૂ બુકમાં સુંદર અભિનંદનનો સંદેશ લખ્યો. બધી અંગ્રેજી કૉમેન્ટ્સ સામે તથકને ગુજરાતીમાં જ લખવું ઉચિત લાગ્યું. વિચાર તો માત્ર એક વાક્યનો કર્યો હતો, પણ જે લખાયું તે કંઈક આ મુજબ હતું.

" અરે ગીતિ, એક કલા પ્રેમીને અદભુત કલાનો નમૂનો જોવા મળે તો જે તૃપ્તિનો અનુભવ થાય એ શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી પણ તેમ છતાં હું પ્રયત્ન કરું છું મારી ભાવનાઓને પ્રગટ કરવાનો

કર્યો છે તે મને તૃપ્ત એ રીતે
જાણે ભળભડતા તાપમાં વરસાદનું આગમન,
જાણે કડકડતી ટાઢમાં સૂર્યનું કિરણ.

મારા હૃદયનું વાતાવરણ એવું છે
જાણે સંધ્યા સમયે પક્ષીઓનો કલરવ,
જાણે મોરલીની ધૂનમાં ઝૂલતી ગોપીઓનો પગરવ.

જોયા નથી મેં તમોને પણ ખાતરી છે તમે હશો એવા જ કે
જાણે સ્વર્ગથી ઊતરી કોઈ અપ્સરા.
જાણે સ્વર્ગથી ઊતરી કોઈ અપ્સરા.

ખૂબ ખૂબ અભિનંદન. તમે ઉત્તરોતર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભેચ્છા. આશા રાખું છું કે એક દિવસ આપણે મળીશું.

લિ. એક કલાપ્રેમી".

તથકના ગયા ના થોડા સમય બાદ ગીતિ પાછી ફરી. તે રિવ્યૂ બુક જોવા માંગતી હતી, પણ તેના શાળાના મિત્રો આવ્યા હોવાથી તે ફરી વ્યસ્ત થઈ. આ જ રીતે આખો દિવસ ખુશીથી પસાર થયો. સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ હતો. કર્તરીએ ગમન સાથે વીડિઓ કોલ કરી તેને પણ લ્હાવો આપ્યો હતો. રાતે આર્ટ્સ ગેલેરીમાં જ ભોજનની વ્યવસ્થા હતી. ત્યાંથી ઘરે પહોંચીને વિકરાંતરાય અને શ્યામિકાબેન તેમની ઘરમાં જ બનાવેલી ઓફીસમાં ગયા અને તેમનું કાર્ય કરવા લાગ્યા. કર્તરી તેમનો રૂમ જે મેકઅપ અને કપડાઓથી અસ્તવ્યસ્ત હતો તે ગોઠવતી હતી. ગીતિ રિવ્યુઝને મોટેથી વાંચતી હતી જેથી કર્તરી પણ સાંભળી શકે. હજુ તો થોડા જ રિવ્યુઝ વાંચ્યા હતા ત્યાં શ્યામિકાબેન દૂધના પ્યાલા લઈ ઓરડામાં આવ્યા. ત્રણેય જણાયે ખૂબ મસ્તી અને વાતો કરી અને રિવ્યૂ બુક એક બાજુ પર જ રહી ગઈ.

આખા દિવસની દોડધામનો ખુબ થાક હતો બધાને. તેથી બધા સુવાની તૈયારી કરતા હતા. ગીતિ પણ હવે બુક એક તરફ મૂકી મોબાઈલ લઇ ને સૂતી. દરરોજની જેમ આજે પણ તે ફેસબુકમાં તેનાં શ્યામની શોધ કરતી હતી. આમ તો તે શોધવું અઘરું હતું, પણ ગ્રુપમાં લગભગ પંદર હજાર લોકો હતા. તે રોજ રાતે એક એક કરી ને ઘણા લોકોની પ્રોફાઈલ જોઈ ચુકી હતી. તે વિચારતી હતી કે ક્યાંક તો મળી જ જશે. આજે એક વ્યક્તિની પ્રોફાઈલ ખોલી, જેમાં વ્યક્તિનો ફોટો ન હતો, પણ તેનો પડછાયો હતો. એ જ વાંકળિયા વાળ, જે તેને હોલમાં જોયા હતા અને હાથમાં મોરલી. કૃષ્ણનું જ પ્રતિબિંબ જોઈ લો. તેણે આખી પ્રોફાઈલ જોઈ, જે ફક્ત ગીતોથી જ ભરેલી હતી. અમુક તો ગીતિએ પહેલાં સાંભળ્યા હતા કારણકે એ ગ્રૂપમાં પણ મુકેલ હતા. પ્રોફાઈલ નવી નવી જ બની હોઈ તેવું લાગતું હતું. નામ હતું સૂર અને સાજ. "આ શું નામ રાખ્યું છે! આટલું સસ્પેન્સ તો કોઈ મૂવીમાં પણ નથી હોતું. આ વ્યક્તિનું નામ તો હું જાણીને જ રહીશ." તે કૉમેન્ટ્સને ધ્યાનથી વાંચતી હતી, ક્યાંક કોઈ હિંટ મળી જાય.

રાતના 2 વાગ્યા હતા. તેનું શરીર થાકયું હતું પણ ઊંઘ ઊડી ગઈ હતી. આખરે એને પૂરું નામ તો નહિ પણ નામના થોડા અક્ષરો જે ખબર પડ્યા હતા. એક વ્યક્તિની કોમેન્ટ હતી, "beautiful voice you have dear tathu". ગીતિની બેચેની વધતી હતી. તેણે તો ઇન્ટરનેટ પર તથ, તથુ, વગેરે બધા નામ ગોત્યા. આખરે તેણે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેને જ પૂછવાનું વિચાર્યું.

આ તરફ તથક પણ હજુ સૂતો ન હતો. આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચવું આંગળીના ટેરવે છે. આમ તો તથક સોશિયલ મીડિયાથી દૂર જ રહેતો પણ ગીતિને શોધવા માટે આજે તે ઘણા સમયથી ફેસબૂક ખોલીને બેઠો હતો. તેણે પહેલા ગીતિ નામ સર્ચ કર્યું ને હજારો ગીતિ, પ્રીતિ, મિતિ આવી. થોડી વાર તો તેણે અમુક પ્રોફાઈલ ખોલી પણ પછી તેને વિચાર આવ્યો કે પેલા અમેરિકાના ગુજરાતી સમાજના ગ્રુપમાં તો જોઈ લે. તે લગભગ પોણા કલાકથી ગીતિની પ્રોફાઈલ ખોલીને બેઠો હતો. અસમંજસમાં હતો કે રિકવેસ્ટ મોકલવી કે નહિ. બધી ફિલ્મી સ્ટાઇલ જેવી કે ગુલાબના ફૂલની પાંદડીઓ તોડી હા, ના, હા, ના,.. વગેરે કર્યા પછી, સિક્કો ઉછળ્યા પછી અને આખરે ભગવાન પાસે માથું નમાવી જો ફૂલ માથા ઉપર પડે તો રિકવેસ્ટ મોકલવી એવું નક્કી કર્યું. કુદરતના ખેલ જ નિરાળા છે. હજુ તે ફૂલ પડવાની રાહ જોવે તે પહેલાં તો ગીતિની રિકવેસ્ટ આવી ગઈ. એની ખુશીનો પાર ન હતો. પેટમાં જાણે પતંગિયા ઊડતાં હતાં ને મનમાં બધા રાગ એક સાથે, ભુપાલીથી માંડીને મેઘમલ્હાર.

આ તરફ ગીતિ રાહ જોતી જોતી સુઈ ગઈ અને તથક એ રિકવેસ્ટ સ્વીકારી એનું નોટિફિકેશન વાગ્યું. ગીતિને અત્યારે વાત કરવું યોગ્ય ન લાગ્યું. તેથી ફક્ત તે પ્રોફાઈલને નીરખી રહી હતી. તથકને પણ ગીતિને ઓન લાઇન જોઈ એટલે વાત કરવાનું ખૂબ મન થતું હતું, તેને પણ સમય અયોગ્ય લાગ્યો. અમેરિકા છે તો શું, પણ હજુ એકબીજાને મળ્યા વગર અડધી રાત્રે કોઈ અજાણી છોકરી જોડે વાત કરવી શોભા ન આપે.

તેને પોતાનું થોડા મહિનાઓ ગાયેલું એક ગીત યાદ આવ્યું. તેણે એ ગીતનો ઓડિયો અપલોડ કર્યો. ગીતિ તો ઓનલાઇન જ હતી. તુરંત તેણે હેડ ફોન કાઢ્યાં અને ગીત સાંભળ્યું.

"નયન ને બંધ રાખી ને મેં જ્યારે તમને જોયા છે,
તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયા છે..."

ગીતિની પ્લેલિસ્ટમાં એક નવું ગીત ઉમેરાઈ ગયું અને સવારે વાત કરવાનું નક્કી કરી, ગીતને રિપીટ મોડ પર મૂકી સપનાઓમાં વિહરવા નીકળી પડી.





આપના રિવ્યુઝ ખૂબ જ પ્રોત્સાહિત કરે છે લખવા માટે, આપ સૌ નો ખુબ ખુબ આભાર.
☺️