Ran Ma khilyu Gulab - 13 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 13

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(13)

સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા

હમ બુલબુલે હૈ ઇસકી, યહ ગુલિસ્તાં હમારા

કુબેરચંદ માસ્તરનો દીકરો મયંક સોફ્ટવેર અન્જિનિયર બનીને ઇંગ્લેન્ડમાં સ્થાઇ થઇ ગયો અને મિકી બની ગયો. એની પત્ની સરયુ બની ગઇ સિલ્વીયા. પંદર વર્ષના પશ્ચિની વસવાટ પછી એને યાદ આવ્યું કે એના બંને બાળકોએ તો હજુ સુધી ઇન્ડિયા જોયું જ નથી. એણે અમદાવાદ ફોન કરી દીધો, “પપ્પા, હેપી અને લવલી વર્લ્ડ ટુર ઉપર નીકળ્યા છે. એક વીક પછી અમદાવાદ પહોંચશે. ફરીથી ક્યારે આવશે એની તો મનેય ખબર નથી. પણ હું ઇચ્છું છું કે તમે એમને સારું-સારું ખવડાવજો, પીવડાવજો અને ઘૂમાવજો. કદાચ બીજી વાર ઇન્ડિયા આવવાનું એમને મન થશે. ખાસ તો એ કહેવાનું છે કે બંને બાળકોને બહુ તીખું ન ખવડાવશો. અને બહાર જમવા લઇ જાવ તો મોંઘી અને સ્ટારી હોટલમાં જ લઇ જજો. એમને મલ્ટીપ્લેક્સમાં એકાદ પિક્ચર બતાવજો. અને ખાસ વાત એ કહેવાની કે જો તમે બે-ત્રણ દિવસનો સમય ફાળવી શકો તો એમને જયપુરનો સિટી પેલેસ અને આગ્રાનો તાજમહેલ જરૂર દેખાડજો. એમને એટ લીસ્ટ, એટલી તો ખબર પડવી જોઇએ કે આપણું ઇન્ડિયા કંઇ સાવ નાખી દેવા જેવું નથી. મમ્મી ‘હાય’ કહેજો. ચાલો બાય.....”

પરદેશમાં જન્મેલા અને ઊછરેલા બાળકોમાં કેટલીક બાબતો ખૂબ સારી જોવા મળે છે. તેઓ શારીરિક અને માનસિક રીતે ખડતલ હોય છે. હેપ્પી ચૌદ વર્ષનો હતો અને લવલી દસ જ વર્ષની. પણ બંને બાળકો એરપોર્ટ પરથી ‘ટેક્સી’ કરીને સીધા દાદાજીના ઘરે આવી ગયા. ન કોઇએ ‘રીસીવ’ કરવા જવાની જરૂર, ન કશી ખોટી આળપંપાળ.

બંને જણાં પહેલી વાર દાદા-દાદીને મળતા હતા, પણ કોઇ જ પ્રકારના અંતરાય કે સંકોચ વગર ઉષ્માભેર મળ્યા. પૂરેપૂરા નમીને પગે લાગ્યા, “નમસ્તે, ગ્રાંડ મા! નમસ્તે ગ્રાંડ ડેડ! તું કેમ છે?” એવું બોલી ગયા. બાપડાઓને ગુજરાતી ભાંગ્યું-તૂટ્યું આવડતું હતું. શબ્દો હતા એમની પાસે, પણ વ્યાકરણ ન હતું. એટલે કોને ‘તું’ અને કોને ‘તમે’ કહેવાય એની ખબર ન હતી. પણ બંને બાળકો મીઠડાં હતા.

શાંતા બહેન પોતાની મૂડીનાં વ્યાજને રોજ નવી-નવી વાનગીઓ રાંધીને જમાડવા લાગ્યાં. કુબેરચંદ સવારે વહેલાં ‘બ્રેકફાસ્ટ’ પછી નીકળી પડે. બંને બાળકોને રીક્ષામાં બેસાડીને નવાં-નવાં જોવાલાયક સ્થળોએ લઇ જાય. શિક્ષકનો જીવ, એટલે બહારની એક પણ ચીજ ખવડાવવાનું નામ જ નહીં. હેપ્પી કહે, “ તરસ લી છે, મને ‘કોક’ પીવું છે.” તો દાદાજી લીલું નાળિયેર પીવડાવે. ઉપરથી ભણાવે, “આ અમારું મિનરલ વોટર છે. બેસ્ટ પ્યોરીફાઇડ વોટર ઓફ ધી વર્લ્ડ!તમારા મિનરલ વોટર તો રી-સાઇકલ થઇ શકે છે, પણ આમાં રી-સાઇકલીંગની કોઇ જ ગૂંજાઇશ નથી.” લવલી પૂછે: “ વી હેવ બકીંગહામ પેલેસ ધેર! તમારા કન્ટ્રીમાં એવો કોઇ પેલેસ નથી?”

માસ્તરદાદા કહે, “ છે ને? આપણે એ જોવા માટે જઇએ છીએ.” રીક્ષા જઇને ઊભી રહી ગાંધી આશ્રમના ઝાંપા આગળ. દાદા પોતરાઓને લઇ ગયા મહાત્મા ગાંઘીની ઝૂંપડી આગળ, “ આ રહ્યો અમારા સૌથી મોટા રાજાનો મહેલ. એને અમે મહારાજા નહીં, પણ મહાત્મા કહેતા હતા. અને આને હૃદયકુંજ કહીએ છીએ. હૃદય એટલે હાર્ટ. જગતમાં એક પણ પેલેસનો સંબંધ ‘હાર્ટ’ સાથે નથી, પણ આનો છે.”

“ગ્રાન્ડ ડેડ, વ્હોટ ઇઝ સો સ્પેશિયલ એબાઉટ ધીસ?” હેપ્પી પૂછી બેઠો.

“આમાં એવું ખાસ તો બીજું કંઇ નથી, બેટા! આમ જુઓ તો એક સાવ દુર્બળ માનવીનું આ સૌથી કાચું મકાન હતું. પણ બીજી રીતે જોવા જઇએ તો જગતના સૌથી સામાર્થ્યવાન મહામાનવનું આ સૌથી મજબૂત નિવાસ્થાન હતું. આ બેઠા ઘાટનું મકાન હજુ અતૂટ અને અડીખમ ઊભું છે; અમેરિકાના ટ્વીન ટાવર્સ તૂટી ગયા છે.”

હેપ્પી અને લવલીને મજા પડી ગઇ. રોજ સવારે દાદીનાં હાથના સક્કરપારા ને સુખડી ખાઇને નીકળી પડવાનું? હરી-ફરીને લંચટાઇમ થાય ત્યારે ઘરે પાછા ફરવાનું, પછી ગરમ-ગરમ ફુલકા રોટલીને ને દાળ,ભાત, શાક જમીને દાદાજી પાસેછી વાર્તાઓ સાંભળવાની અને સાંજે ફરી પાછા નીકળી પડવાનું. વચ્ચે વચ્ચે બે-ભણ દિવસે એક વાર લંડનથી મયંકનો ફોન આવતો રહેતો હતો. એ દીકરા-દીકરી સાથે લાંબી વાત કરી લેતો હતો. પણ એક દિવસ એણે પિતાની સાથે વાત કરી. એ વાત ન હતી, પણ ફરિયાદ હતી.

“પપ્પા, મેં જાણી-જોઇને આજે મોડેથી ફોન કર્યો છે. બાળકો ઊંઘી ગયા હશે. મારી પાસે તમારી સામે કેટલીક ફરિયાદો છે. તમે આ શું કરી રહ્યા છો બેય બચ્ચાઓ સાથે? હેપ્પી કહેતો હતો કે તમે એને ગાંધીનો આશ્રમ દેખાડવા લઇ ગયા હતા. લવલીને ચોકલેટ્સ અને બર્ગર કેટલા ભાવે છે એ મેં તમને કહેલું જ હતું. શા માટે મમ્મી એને રોજ સવાર-સાંજ ઘરનું જ જમાડે છે? અને તમે આજ સુધી એ બંનેને શાહરૂખ કે સલમાનની ફિલ્મો નથી દેખાડી? શા માટે? ગઇ કાલે તો તમે હદ કરી નાખી. ટેક્ષી ભાડે કરીને તમે બાળકોને ગામડાંની ધૂળ ખવડાવવા લઇ ગયા હતા?! રોજ રાત્રે તમે એમને જૂના, ભૂલાઇ ગયેલા, રાખ બનીને ઊડી ગયેલા કોઇ ગૂમનામ નેતાની વાર્તા સંભળાવો છો. પપ્પા, તમે સમજતા કેમ નથી? આ છોકરાંઓ માઇકલ જેક્સન અને શકીરા ને નાચતાં જોઇને મોટા થયા છે. એમને તમારી ખાદી, માટી ને ધૂળમાં જરા પણ રસ નથી. જિંદગીમાં ફરી વાક હેપ્પી અને લવલી ઇન્ડિયામાં પગ નહીં મૂકે.”મયંક ઊર્ફે મિકી જવાળામુખીની જેમ ફાટ્યો હતો અને લાવાની જેમ વહી રહ્યો હતો.

કુબેરચંદ માસ્તરનુ ગળુ રૂંધાઇ ગયું. એ માત્ર આટલું જ બોલી શક્યા, “મારી પાસે તારા દરેક સવાલનો જવાબ છે. તારી દરેક ફરિયાદનો ખુલાસો છે. પણ મારાથી ફોન પર મારાથી ફોન પર બોલી શકાશે નહીં. હજુ હેપ્પી અને લવલી થોડાંક દિવસો માટે અહીં છે. તેઓ જ્યારે પાછા તારી પાસે આવશે ત્યારે એક પત્રમાં મારે જે કહેવું છે તે હું લખી મોકલીશ. ચાલ,ફોન મૂકી દે! બહુ દુ:ખી ન થઇશ. શાંતિથી ઊંઘી જજે. મને ખબર છે કે આ ફરિયાદો તારી છે, તારા બાળકોની નથી. એ બંને તો લીલાલહેર કરે છે.”

એ રાત્રે મોડે સુધી માસ્તર લંડનવાસી પુત્રને પત્ર લખતા રહ્યા: “પ્રિય મયંક, મને તારી વાતનું ખોટુ ભલે નથી લાગ્યું, પણ તારી વાત ખોટી જ છે. તારા સંતાનો માત્ર તારા જ નથી, એ મારા પણ છે. એમના શરીરોમાં મારો જીનેટીક વારસો સમાયેલો છે. એમના લોહીમાં રક્તકણો એને શ્વેતકણોની સાથે થોડાંક કેસરી કણો પણ વહી રહ્યા છે જેની બ્લૂ પ્રન્ટિ શુધ્ધ ભારતવાસીની છે. એ લોકો ઇન્ડિયા શેના માટે આવ્યા છે? મને અને તારી માને જોવા માટે? ના, એ આવ્યા છે આપણાં સૌની માને જોવા માટે. મળવા માટે અને જાણવા માટે. આપણી ભારત માતાને જોવા માટે આવ્યા. છે. અને એ જ તો હું બતાવી રહ્યો છું.

મારે એમને સી.જી. રોડ અને એસ.જી. હાઇવે પરની ભવ્ય હોટલો નથી બતાવવી, એવી હોટલો તો યુરોપમાં ઠેર-ઠેર જોવા મળશે. મારે મલ્ટીપ્લેક્સમાં એમને વિકૃત અભિનેતાઓની અર્ધનગ્ન ફિલ્મો નથી બતાવવી, એવો ઊકરડો તો હવે ઘર-ઘરમાં ટી.વી. સેટના ટચૂકડા પડદેથી પણ ખરી રહ્યો છે. મારે તો એમને આ મહાન દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવવી છે. મારે આઝાદીના સંગ્રામની વાતો કહેવી છે, મારે એમને એ જણાવવું છે કે આ દેશમાં ગાંધી નામના એક મહાપુરુષ થઇ ગયા, સરદાર પટેલ નામના એક લોહપુરુષ થઇ ગયા અને વીર સાવરકર નામના એક સિંહપુરુષ થઇ ગયા. આ દેશના નેતાઓ મલાઇ ખાય છે એવા સમાચાર તો ગમે ત્યારે ગમે ત્યાંથી જાણવા મળી જશે, પણ મોહનદાસ અંગ્રેજોની લાકડીનો માર ખાતા હતા એ બીજે ક્યાંયથી જાણવા નહીં મળે, દીકરા!

આ કામ માત્ર એક શિક્ષક જ કરી શકે છે અને હું શિક્ષક છું. તારો બાપ કે એમનો દાદો પછી છું, પહેલાં હું એક શિક્ષક છું. અને ગામડાંની ધૂળ ખાવા હું એમને એટલા માટે લઇ જાઉં છું કે એમને ખબર પડે કે આ દેશની ગ્રામીણ જનતાને હજી કેટલી બધી તકલીફો સાથે જીવવું પડે છે! હજુ દેશમાં કામ કરવા માટે કટેલો બધો અવકાશ છે? શક્ય છે કે આ બધું જોયા પછી ભવિષ્યમાં હેપ્પી અને લવલીને ભારતમાતાની સેવા કરવા માટે પાછા આવવાનું મન થાય. જો આવું થશે તો આ ગરીબ દેશને વધુ એક સામ પિત્રોડા મળશે, વધુ એક ડો. એચ.એલ.ત્રિવેદી મળશે અને વધુ એક ગાંધી મળશે. મારે આપણાં બાળકોને આગ્રાનો તાજમહેલ નથી બતાવવો, પણ ભહતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા રાજમહેલો બતાવવા છે. લિ. તારો પાગલ પિતા અને શિક્ષક, મારા આશિર્વાદ છે તને!”

(શીર્ષક પંક્તિ: ડો. અલ્લામા ઇકબાલ)

---------

બીજા રસપ્રદ વિકલ્પો