રણમાં ખીલ્યું ગુલાબ - 5 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રણમાં ખીલ્યું ગુલાબ - 5

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(5)

મૈં અગર ડૂબ કે ઊભરું તો સહારા દેના,

કભી આના તો હલ્કા સા ઇશારા દેના.

અભિનવે જીપની બારીનો કાચ નીચે ઊતાર્યો. જાણે ઝાપટ વાગતી હોય તેવી વરસાદી વાંછટ એના જમણા ગાલ પર ધસી આવી. આવા તોફાની વરસાદમાં પૂછવું તો પણ કોને કે, ‘મને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો બતાવો.’

પાણીની દિવાલની આરપાર એક આદમીનો આકાર દેખાયો. સસ્તા પ્લાસ્ટિકનુ આવરણ ઓઢીને કોઇ ગરીબ માણસ પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. અભિનવે બૂમ પાડવા જેવા અવાજમાં પૂછ્યું, “ એ ભાઇ.....!” પેલો ઊભો રહી ગયો. અભિનવે પૂછ્યું, “મારે ગોરધનદાસ એસ્ટેટ જવું છે. આ રસ્તે થઇને જવાશે ને?”

“હા, જવાશે તો ખરું, પણ અત્યારે નહીં.”

“કેમ? રસ્તો બંધ છે?”

“રસ્તો તો ખૂલ્લો છે, પણ વચ્ચે એક બેઠો પૂલ આવે છે ત્યાં જરાક સાચવવા જેવું છે.”

“શું સાચવવું પડે છે? નીચે વોંકળો છે? નદિ છે? પાણી પૂલની ઉપરથી વહે છે? જીપ નહીં જઇ શકે?”

“એ બધું તો ખરું જ, પણ....”

“પણ શું એ કહોને, ભાઇ! મારે મોડું થાય છે અને સાંજ પણ થઇ ગઇ છે. આ અંધારામાં મને રસ્તો પણ સૂઝશે નહીં.”

“આ રસ્તે ભૂત થાય છે.”

“થાય છે મતલબ?”

“લોકો વાત કરે છે.”

“શું?”

“કે આ રસ્તે આગલ જતાં એક પૂલ આવે છે. વર્ષો પહેલાં ચોમાસાંમાં આવો જ ધોધમાર વરસાદ પડ્યો હતો. અમાં ઉપરવાસથી પાણીનું પૂર ધસમસીઆવ્યું. એ પૂરમાં એક ગાડી તણાઇગઇ. ગાડીમાં એક જોડું હતું. એક યુવાન પુરુષ અને એની પત્ની. બંને તાણાઇ મર્યા. એ પછી ક્યારેક આવો વરસાદ પડે ત્યારે એ પૂલ પર સ્ત્રીનું ભૂત...”

“બકવાસ!” અભિનવ બબડ્યો, “આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઇ હોતું જ નથી. નબળા માણસોના મનનો માત્ર વહેમ હોય છે. મને એટલું કહી દો કે આ રસ્તો ગોરનદાસ એસ્ટેટ તરફ....?”

“જાય છે. જાવ તમતમારે! મારે શું? રસ્તો તો જાય છે, પણ તમે જઇ શકવાના નથી. આજકલના જુવાનિયા બે ચોપડી ફાડે એટલામાં તો ભૂતનીયે મશ્કરી કરતા થઇ જાય!” પેલો માણસ આમ બબડતો, શરીર પરનું પ્લાસ્ટિક સંકોરતો રવાના થઇ ગયો. એકક્ષણ માટે અભિનવ વિચારતો થઇ ગયો. પછી મન મક્કમ કરીને એણે ગાડી ચાલું કરી દીધી. આજે રાત સુધીમાં ગમે તેમ કરીને ‘એસ્ટેટ’ માં પહોંચવું એના માટે જરૂરી હતી. એ જે કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો એના માલિકે તાકિદનું કામ સોપ્યું હતું જે આવતી કાલે સવારે જ કરી જેવું પડે તેમ હતું. એમાં અચાનક આ વરસાદ નડી ગયો.

એક બાજુ ચેતવણી હતી, બીજી બાજું ફરજ હતી. ભયમિશ્રિત રઘવાટ સાથે અભિનવે કારને પાણીમાં દોડાવી મૂકી. શહેર પાછળ રહી ગયું. માનવ-વસ્તિ છૂટી ગઇ. હવે જ્યાં નજર પડે ત્યાં જળનું જ રાજ હતું. એક ધારો વરસાદ સાંબેલાધારે વરસી રહ્યો હતો. રસ્તાઓ, ઝાડપાન, ટેકરાઓ, ટેલીફોનના થાંભલાઓ, ક્યાંક રડ્યા-ખડ્યા દેખાતા મકાનો બધું જ જાણે પાણીમાં સરબોળ હતું!

અંધારું હવે ઘેરું થયું. હેડ લાઇટનો શેરડો પણ હવે મીણબતીની જ્યોત જેવો લાગી રહ્યો હતો. એવામાં અભિનવની નજર એક પાટીયા ઉપર જઇ પડી. કાર સાવ નજીક લઇ જઇને એણે લખાણ વાંચવાનો પ્રયત્ન કર્યો. હેડલાઇટના ઝાંખા-પાંખા પ્રકાશમાં વંચાયું: આગળ કાચો પૂલ છે. ડેન્જર!

શરીરમાં કંપારી વ્યાપી ગઇ. પેલા માણસના શબ્દો સાંભળી આવ્યા. રસ્તામાં એક બેઠો પૂલ આવશે. વર્ષો પહેલાં ત્યાં એક ગાડી.......!

હિંમત એકઠી કરીને અભિનવે કારને આગળ ધપાવી. ફર્સ્ટ ગીઅરમાં ધીમે ધીમે પાણીને કાપતી કાર પાંચેક મિનિટ બાદ એ જગ્યાએ જઇ પહોંચી જ્યાંથી પબલની શરૂઆત થતી હતી. “ ઓહ્ માય ગોડ!” અભિનવના મોંમાંથી નીકળી ગયું: “આટલું બધું પાણી?!?” એને ટી.વી. પર જોયેલા મધ્ય પ્રદેશના અને ઉકરાખંડના પૂરના દૃશ્યો યાદ આવી ગયા. ગંગા,જમુના કે બીજી નદિઓના ધસમસતા વહેણમાં તણાઇ રહેલા મોટા મોટા વાહનો આંખ સામે તરવરી રહ્યા. શું કરવું? અહીંથી જ પાછા વળી જવું? કે આગળ....?

બોસની તાકિદ યાદ આવી ગઇ. કોઇ અકળ શક્તિની દોરવણી હેઠળ અભિનવે ગાડીને પૂલ તરફ વહેતી મૂકી દીધી. પાણી હવે ગાડીના બારણામાં થઇને અંદર પ્રવેશી રહ્યું હતું. આવામાં જો એ બ્રેક મારે અથવા ક્લચ દબાવે તો કાર તરત જ બંધ પડીને ઊભી રહી જાય. કોઇ જાણકારે એને આવું કહ્યું હતું. અભિનવે કારના એક્સિલેટર પર પદ દબાવેલો જ રાખ્યો. પાણીનું જોર વધતું જતું હતું.

લગભગ અડધું અંતર કપાયું હશે ત્યાં થથરી જવાય એવું દૃશ્ય જોવા મળ્યું પૂલની રેલીંગ પકડીને એક ખૂબસૂરત યુવતી ઊભી હતી!!!

“ઓહ્! તો આ દુનિયામાં ભૂતનું અસ્તિત્વ છે એ વાત સાચી.” અભિનવ ખરેખર ડરી ગયો. એણે ગાડીને દોડવી મૂકી. બંધ કાચને વીંધીને પેલી યુવતીની ચીસ એના કાનમાં પડી: “ પ્લીઝ, સેવ મી. સ્ટોપ ધ કાર. ડોન્ટ રન અને લાઇક ધીસ..… પ્લીઝ.… પ્લીઝ..… હેલ્પ મી....!”

પણ ગાંડો હોય તો અભિનવ કારને ઊભી રાખે. એ તો સડસડાટ પાણીને વિંધીને પૂલના સામા છેડા પર પહોંચી ગયો. હવે ગાડી પાણીના પ્રવાહમાંથી બહાર નીકળીને નક્કર રેતાળ જમીન પર આવી ઊભી હતી અભિનવે ન્યૂટ્રલ ગીયરમાં એન્જિન ચાલુ રાખીને ગાડી થંભાવી દીધી. પછી ડોકું ફેરવીને પાછળની દિશામાં નજર ફેંકી. વરસાદી દિવાલની આરપાર માત્ર અંધારું જ અંધારું હતું.

હવે અભિનવના દિમાગમાં સળવળાટ શરૂ થયો. એ છોકરી ખરેખર ભૂત જ હશે? જો હું રોકાયો હોત તો મને ભરખી ગઇ હોત? કે પછી મારી જેમ જ મજબૂરીની મારી આ પૂલ પરથી પસાર થવા ગઇ હશે અને પાણીમાં ફસાઇ ગઇ હશે?

“જે હોય તે પણ એ હતી અત્યંત ખૂબસૂરત.” અભિનવે પળભર માટે જોયેલું એ ‘ભીનું’ યૌવન યાદ આવી ગયું. હેડલાઇટના મંદ પ્રકાશમાં ધેરા બ્લુરંગના સલવાર-કમીઝમાં કમનીય લાગતો એનો દેહ, વરસાદમાં ભીના થઇને ચિપકી ગયેલા કપડાંમાંથી દેખાતા માદક ઊભારો, છુટ્ટા ભીનાં કેશ, મૃત્યુનાભયથી વિસ્ફારતી બની ગયેલી આંખો અને બચાવ માટે ઝંખતી, વીનવતી, રોકાઇ જવા માટે બાહુઓ પ્રસારતી એની દેહાકૃતી! અભિનવને લાગ્યું કે જો એ યુવતી ભૂત હોય તો પણ અત્યંત રૂપાળું ભૂત હતી. આવી ખૂબસૂરતીને આ રીતે મરવા ન દઇ શકાય. એ હેન્ડબ્રેક ખેંચીને કારમાંથી બહાર નીકળ્યો. પગપાળા ચાલતો પાછો ફર્યો. રેલીંગને પકડીને પાણીમાં ઊતર્યો. ધીમે ધીમે એક એક ડગલું કાપતો પૂલની મધ્યમાં પહોંચ્યો. પણ ત્યાં હવે ન તો કોઇ યુનતી હતી, ન એનો આવાજ સંભળાતો હતો.

અભિનવનુ હૃદય એક ધબકારો ચૂકી ગયું. નક્કી એ ભૂત જ હતું! એ પાછો ફરવા જતો હતો ત્યાં એનો પગ ક્યાંય અથડાયો. એક કણસાટ સંભળાયો: “પ્લીઝ... સેવ મી...! હેલ્પ મી...!”

રેલીંગનો સળીયો પકડીને બેહેશીની સરહદ પર પહોંચી ગયેલી યુવતીને અભિનવે બે મજબૂત હાથોમાં ઊઠાવી લીધી. હજુ જીવંત હતી. ધીમે ધીમે પ્રવાહને ચીરતો, હાંફતો, પૌરૂષી સ્ત્રીના સાથે કોમળ વક્ષનું સાન્નિધ્ય અનુભવતો એ કાર સુધી પહોંચ્યો.

બારણું ખોલીને યુવતીને પાછળની સીટ પર સૂવડાવી દીધી. પછી કાર દોડવી મૂકી. વહેલું આવે ગોરધન એસ્ટેટ!

બીજા દિવસે સવારની ચા માણતી વખતે અભિનવ સામે બેઠેલી અકાટ્ય, અનવદ્ય, અનુપમ સૌદર્યાનાં મુખેથી એની વાત સાંભળી રહ્યો.

“મારું નામ અનાયા. કાલે હું, પપ્પા અને મમ્મી ગાડીમાં જતા હતા. પપ્પા થાપ ખાઇ ગયા. ગાડી પાણીમાં ખાબકી પડી. હું જેમ તેમ કરીને બારણું ખોલીને બહાર નીકળી શકી. પપ્પા-મમ્મી ગાડીની સાથે જ...! હું ઉપવાસથી તણાતી, ડૂબતી, પાછી સાપાટી પર આવતી છેવટે આ પૂલ સુધી આવી ગઇ. હિમત કરીને રેલીંગ પકડીને...! બચાવ માટે ચીલ્લાતી રહી, પણ આવી મેઘલી રાતે મારી ચીસો કોણ સાંભળે? છેવટે ભગવાને તમારા રૂપમાં ફરિશ્તો મોકલી આપ્યો.” આટલું કહીને અનાયા રડવા લાગી,” પણ હવે મને થાય છએ કે હું પણ તણાઇ મરી હોત તો સારું હતું. દુનિયામાં હવે હું એકલી પડી ગઇ. મારું કોઇ જનથી. આ અફાટ વિશ્વમાં મારા જેવી સુંદર જુવાન એકલી યુવતી ક્યાં ક્યાં ભટકતી ફરશે?”

અભિનવે ચાનો કપ મૂકી દીધો. પછી પ્રેમપૂર્વક અનાયાનો હાથ પોતાના હાથમાં લીધો. વેણીભાઇ પુરોહિતની બે પંક્તિઓ રૂપની દિશામાં રવાના કરી દીધી: “ આ આંખ ભટકતાં થાકી ગઇ, આ રૂપને પોરો ખાવો છે; આ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગૂજારો શા માટે”? અનાયાએ હસીને હથેળી દબાવી દીધી.

----------

રેટ કરો અને રિવ્યુ આપો

Smita Gandhi

Smita Gandhi 3 અઠવાડિયા પહેલા

gadhiya henali

gadhiya henali 1 માસ પહેલા

Amrin Ansari

Amrin Ansari 3 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

mahesh

mahesh 4 માસ પહેલા