રણમાં ખીલ્યું ગુલાબ
ડો. શરદ ઠાકર
(11)
જો જલે થે હમારે લિયે, બૂઝ રહે હૈ વો સારે દિયે,
કુછ અંઘેરો કી થી સાજિશેં, કુછ ઉજાલોંને ઘોખે દિયે
આખા ગામના લોકો બે વાતમાં સંમત હતા. લગભગ રોજ કમ સે કમ એક વાર તો આ બે વાતની ચર્ચા નીકળે જ.
એક વાત એ કે, “આપણાં ગામના સરપંચ શંકરભાઇની છોડી ગોપી ગજબ રૂપાળી છે! એનાં જેવી તો ટી.વી.ની હિરોઇનો પણ નથી હોતી.” હવે તો ગામડાંમાં પણ ઘરે-ઘરે ટી.વી. આવી ગયા છે. એના પગલે મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોની ફેશન પણ ગામડા સુધી પહોંચી ગઇ છે. ત્યાં પણ છોકરીઓ જીન્સ-ટીશર્ટ પહેરતી થઇ ગઇ છે.
અને બીજી વાત એ ચર્ચાતી કે, “મનોર માસ્તરનો દીકરો યશ ભારે ભણેશરી છે. આખો દિવસ થોથાં વાંચવામાંથી નવરો જ નથી પડતો. માર્કસ પણ સારા લઇ આવે છે.”અને છેવટે બધાં એક વાત પર સંમત થઇને ચર્ચાનું સમાપન કરતા કે, “શંકરભાઇ સરપંચ અને મનોર માસ્તરના ઘરો સામ સામે હોવા છતાં અને ગોપી આટલી રૂપાળી દેખાતી હોવા છતાં યશે ક્યારેય એની સાથે વાત કરવાની પણ દરકાર કરી નથી. અરે! વાત કરવાનું તો દૂર રહ્યું. પણ એ છોકરાએ કોઇ દા’ડો ગોપીની સામે નજર ઊંચી કરીને જોયું સુધ્ધાં નથી.”
પેલી બે વાતો સાચી, પણ આ ત્રીજું તારણ સાવ ખોટું. કોઇને એ વાતની જાણ ન હતી કે યશ અને ગોપી એકમેકના ગાઢ પ્રેમમાં હતા અને એ બંને રોજ મળતા પણ હતા. બંને કોલેજમાં ભણતા હતા અને બાજુના શહેરમાં આવેલી કોલેજમાં જતા-આવતા હતા. પણ બંને ખૂબ જ ચબરાક હતા. એક જ બસમાં બેસીને અપ-ડાઉન કરતા હોવા છતાં ક્યારેય વાત સુધ્ધાં કરતા ન હતા.
માત્ર કોલેજમાં જ મળી લેતા હતા. શરૂઆત ગોપીએ જ કરી હતી. બસમાંથી ઊતરીને કોલેજના ઝાંપા તરફ જતાં જતાં સૌથી પ્રથમ વાતચીતનો પ્રાંરભ એણે કર્યો હતો. ગામડાંની બોરડી પરથી એ ચણીબોર વીણીને પડીકામાં લઇ આવી હતી. કાગળનું એ પડીકું એણે યશની તરફ ધરીને કહ્યું હતું, “લે, આ ચણીબોર મારી વાડીની બોરડીના છે.”યશને આશ્ચર્ય તો થયું હતું. આટલા દિવસોમાં પહેલીવાર ગોપી જેવી સુંદર છોકરીએ સામે ચાલીને એની સાથે વાત કરી હતી. એણે પડીકું લઇ લીધું હતું. ગોપી તો સામ્રાજ્ઞીની અદામાં ચાલવા લાગી હતી. યશે પડીકું ખોલ્યું. કાગળમાં ચણીબોર પણ હતા અને સુંદર અક્ષરોમાં લખાયેલું વાક્ય પણ હતું. “ચણીબોર ખાધા પછી કે’જે કે કેવા લાગ્યા? જો ભાવે તો પછી......! એક વાત હું દાવા સાથે કહું છું કે હું પણ તને ભાવીશ જ. ચણીબોર કરતાં પણ વધારે ખટ્ટમીઠી તો હું છું.”
વાંચીને યશના પૂરા શરીરમાં ઝણઝણાટી થઇ ગઇ. થોડી ઝણઝણાટી ભયની. થોડી રોમાંચની. થોડી ઘણી શરમની. પછી ન તો એનુ મન ચણીબોરમાં લાગ્યું, ન ક્લાસરૂમમાં. દિમાગમાં આખો દિવસ ગોપી જ રમતી રહી.
સાંજે બસમાં બેસીને પાછા જતી વખતે એણે પહેલીવાર ગોપીને મન ભરીને નિરખ્યા કરી. વાહ! શું અદભૂત છોકરી હતી?! યશ માની શકતો ન હતો કે આવો અઢી મણનો સૌંદર્ય-જથ્થો પોતાના પ્રત્યે અઢી અક્ષરનો ભાવ ધરાવતો હશે!
પછી તો રોજના મિલનો શરૂ થઇ ગયા. વચનોની આપ-લે અને ભાવિ જિંદગીના સોણલાઓ વ્યક્ત થવા લાગ્યા. હંમેશા ગોપી જ પહેલ કરતી હતી.
“ગોપી, તારા બાપુ ગામનાં સરપંચ છે. તમારા ઘરે સાડી ત્રણસો વીધાં જમીન છે. વીસ-વીસ ભેંસોનું દૂઝાણું છે. પ્રભુની મબલખ મહેર છે. મારા બાપા માસ્તર છે. બીજી કોઇ જાતની આવક નથી. દર મહિનાની પહેલી તારીખે પગાર આવે એની વાટ જોઇને અમે બેઠા હોઇએ છીએ. તું શું માને છે? તારાં બાપુ લગ્ન માટે હા પાડશે ખરા?”
“કેમ હા નહીં પાડે? હું એમની લાડકી દીકરી છું. આજ સુધીમાં એમણે મને કોઇ વાતમાં ના નથી પાડી. મારાં મોંઢામાંથી શબ્દ નીકળે તે પહેલાં વસ્તુ હાજર કરી દીધી છે.”
“પણ લગ્ન એ કોઇ વસ્તુ નથી.”
“તું નાહકનો શંકા કરે છે. મારી ઉપર ભરોસો રાખ. જેટલું સત્ય એ છે કે સૂરજ પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે, એટલું જ સત્ય એ છે કે આપણાં લગ્ન થવાના છે.”
એક દિવસ આવી જ રીતે બંને પ્રેમી પંખીડા હાથમાં હાથ પરોવીને પ્રેમાલાપમાં મગ્ન હતા ત્યારે એમના જ ગામનો એક વિદ્યાર્થી જોઇ ગયો. એ છોકરો હમણાં તાજો જ પ્રથમ વર્ષમાં પ્રેવશ મેળવીને આવ્યો હતો.
એ દિવસે રાત્રે વાળુના સમયે મનોર માસ્તરે યશને સાવ શાંતિથી પૂછ્યું, “બેટા, સરપંચની દીકરી તને ગમે છે? એવું હોય તો મને કહી દે. હું સરપંચને મળીને માગું નાખું.”
બરાબર એ જ સમયે સરપંચ એમના ઘરમાં ગર્જી રહ્યા હતા; “ ક્યાં મરી ગઇ ગોપી? મેં તને કોલેજમાં ભણવા માટે મોકલી છે કે પેલા ભૂખડી બારસની સાથે છાનગપતીયા કરવા? ખબરદાર જો કાલથી ઘરની બહાર પગ મેલ્યો છે તો! ટાંટીયો ભાંગી નાખીશ.”
ખરેખર સરપંચે દીકરીને કોલેજમાંથી ઊઠાડી લીધી. અઢાર વર્ષની ગોપી માટે મુરતીયાઓ જોવાનું શરૂ કરી દીધું. એમ રાતોરાત કંઇ સારો છોકરો થોડો મળી જાય? વળી ગોપી-યશની વાત સમાજમાં થોડી-ઘણી ફેલાઇ પણ ગઇ હતી. એટલે જે મુરતીયાઓ એને જોવા માટે આવતા હતા એ બધાં ‘બી’ કે ‘સી’ ગ્રેડના હતા. સરપંચની આબરૂ ‘એ’ ગ્રેડની હતી. પણ તેમ છતાં તેઓ દીકરીને ઠેકાણે પાડી દેવાની વેતરણમાં પડી ગયા. અને લગ્ન ગોઠવી પણ દીધા.
ગોપી ભડકી ઉઠી. એક દિવસ એ લગ્નની ખરીદીનું બહાનું કાઢીને ઘરમાંથી દરેક હજાર રૂપીયા લઇને નીકળી ગઇ. બહાર જઇને એણે બહેનપણીનાં મોબાઇલ ફોનમાંથી યશનો નંબર લગાડ્યો, “યશ, મારી પાસે સમય નથી. તું જ્યાં હોય ત્યાંથી વડવાળા કૂવા પાસે આવી જા.”
“પણ મામલો શું છે?”
“આપણે ગામ છોડીને નાસી જવાનું છે. શહેરમાં જઇને લગ્ન કરી લઇશું અને પછી થોડાંક દિવસ ક્યાંક છુપાઇ રહીશું. ત્યાં સુધીમાં મારા ઘરમાં બધાનો ગુસ્સો ઠંડો પડી ગયો હશે.”
“પણ મારી પાસે તો પચાસ રૂપીયા યે નથી. આપણે જઇશું ક્યાં? અને રહીશું ક્યાં?”
“મારી પાસે દસ હજાર રૂપીયા છે. તું સમય બગાડવાને બદલે જલદી આવી પહોંચ.”
“ના,ગોપી! મને આ ઠીક નથી લાગતું. આપણો પ્રેમ સાચો છે, પણ આવી રીતે ભાગીને લગ્ન કરવા એ મને યોગ્ય નથી લાગતું. મારી સલાહ છે કે તું તારા પપ્પાએ બતાવેલા છોકરા સાથે લગ્ન કરી લે. એ મારા કરતા ખાધે-પીધે સુખી હશે. આપણે જીવનભર એકબીજાને પ્રેમપૂર્વક યાદ કરતા રહીશું. ક્યારેક મિલન કરતાં વધારે ખુશી વિરહમાં રહેલી હોય છે.”
“તારુ ડહાપણ તારી પાસે રાખ.” ગોપી વિફરી બેઠી, “ હવે પછીની પાંચ મિનિટમાં તું અહીં ન આવ્યો તો હું આ કૂવામાં પડતું મેલી દઇશ.”
ચોથી જ મિનિટે યશ વડવાળા કૂવે પહોંચી ગયો. બંને ઉડન છૂ થઇ ગયા. ગામમાં દેકારો મચી ગયો. સરપંચે પોલીસમાં ફરિયાદ નોંધાવી: “ મનોર માસ્તરનો બદમાશ દીકરો મારી નિદોર્ષ દીકરીને ભોળવીને ભગાડી ગયો છે; સાથે પચાસ હજાર રોકડા અને ત્રીસ તોલા સોનાના દાગીના પણ દીકરી દ્વારા ચોરી કરાવીને લઇ ગયો છે.”
આ બાજુ યશ અને ગોપી તો રજીસ્ટર્ડ મેરેજ કરીને ‘હનીમૂન’ માણી રહ્યા હતા. દસ હજારનું હનીમૂન કેટલાં દહાડા ચાલે? પછી કોલેજીયન દોસ્તોના ઘરોમાં વારાફરતી છુપાઇને ફરતા રહ્યા.
એક દિવસ બંને જણાએ ગામડાંની વાટ પકડી લીધી. પણ મામલો જરા પણ શાંત પડ્યો ન હતો. શંકર સરપંચ અને એમના દીકરાઓ લાકડીઓ લઇને માસ્તરના ઘરમાં ફરી વળ્યા. બાપ-દીકરાને ધબેડી નાખ્યા. પછી દીકરીને ઘસડીને લઇ ગયા.
પોલીસને ખબર પડી કે આરોપી ઘરે આવી ગયો છે. એ યશને ઘસડી ગઇ. મામલો અદાલતમાં પહોંચ્યો. અહીં ‘તારીખ પે તારીખ’ વાળી વાત ન હતી. પહેલીવારમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું.
ભરી અદાલતમાં જ્યારે ગોપીને પૂછવામાં આવ્યું, “તારે કોની સાથે જવું છે?”
સત્યના સોગંદ ખાઇને ગોપીએ જાહેર કર્યું, “ હું કોઇ પણ જાતની ધાકધમકી કે દબાણ વગર કહું છું; મારે મારા મમ્મી-પપ્પાના ઘરે જવું છે. યશે મને પ્રેમના ઓઠા હેઠળ ભરમાવીને ભગાડી હતી.”
યશ અને એના પિતાના માથા પર આસમાન તૂટી પડ્યું. ગોપીને એ જ અઠવાડિયે એક અઠ્ઠાવન વર્ષના વિધૂર સાથે પરણાવી દેવામાં આવી. સરપંચ અને એના ગુંડાઓએ મનોર માસ્તરને ધાકધમકીઓ આપીને ગામમાંથી બહાર કાઢી મૂક્યા. સાવ સાચી ઘટના.
આ વાતને આજે વર્ષો થઇ ગયા છે. યશ ભણવામાં તેજસ્વી હતો, પણ આ આઘાતજનક ઘટના પછી એ ભણી ન શક્યો. અત્યારે તે સામાન્ય દુકાન ચલાવે છે. પત્ની બાળકો સાથે જીવતરનો બોજ ઘસડ્યે જાય છે. ગોપીનું શું થયું હશે? પિતા સરપંચ મૃત્યુ પામ્યા છે. ગોપી વિધવા બનીને પોતાના ત્રણ બાળકો સાથે હાડપીંજરની હાલતમાં જીવી રહી છે.
(બંને પ્રેમીઓ એક જ જ્ઞાતિના હતા.)
---------