સીંદબાદ ની પહેલી સફર KulDeep Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીંદબાદ ની પહેલી સફર

“સીંદબાદ ની સાત સફર” એ અરેબિયન નાઇટ્સ નો એક અગત્યનો હિસ્સો છે. સીંદબાદે કરેલા સાહસો અને પરક્રમો ની આ વાત છે. તો ચાલો શરૂ કરીએ સીંદબાદ ની પહેલી સફર...

સીંદબાદ ની પહેલી સફર

           ઘણા વર્ષો પહેલાની આ વાત છે. બગદાદ પાસે આવેલા એક નાનકડા ગામમાં સીંદબાદ તેના માતા પિતા સાથે રહેતો હતો. સીંદબાદ વીસ વર્ષ નો થયો ત્યારબાદ તેના પિતા મૃત્યુ પામ્યા. તેના પિતાના વિયોગમાં અને આઘાત સહન ન થતાં સીંદબાદની માતા પણ મૃત્યુ પામ્યા. સીંદબાદના પિતા મરતા પહેલા સીંદબાદ માટે ઘણા પૈસા, સોનમહોરો તથા કિંમતી હીરા-મોતી મૂકીને ગયા હતા. હવે આ એકલો સીંદબાદ તેના પિતાના પૈસા ઉડાવા લાગ્યો. ક્યાક જુગારમાં હારી જતો તો ક્યાક ખોટી શરતો લગાવવામાં હારી જતો. ધીમે ધીમે જમીન મકાન પણ વેચવા પડ્યા. સીંદબાદને માથે મોટું દેવું થઈ ગયું હતું. સીંદબાદને હવે લાગ્યું કે મહેનત સિવાય કંઈ સંભવ નથી. તેણે પોતાના લેણદારો ને કહ્યું કે તે પૈસા કમાઈને થોડા દિવસોમાં પાછો ફરશે અને તેમના પૈસા પરત કરી દેશે.

         તેણે જોયું કે કેટલાક વેપારીઓ પરદેશ જતાં હતા. પરદેશમાં જઈને સીંદબાદે વેપાર કરવાનું નક્કી કર્યું. તે વહાણમાં બેસી ગયો. આ વહાણ હિંદુસ્તાન જતું હતું. વહાણ સાગરમાં સડસડાટ આગળ વધતું હતું. સમુંદરની હવા સીંદબાદને બહુ માફક ન આવી એટલે થોડાક જ દિવસમાં તે બીમાર પડી ગયો પણ તેણે પોતાની જાતને સંભાળી લીધી. કોઈ જગ્યાએ ટાપુ કે કોઈ કિનારો આવે તો વહાણ ઊભું રહેતું હતું. થોડાક પૈસાથી સીંદબાદે માલ ખરીદ્યો અને આગળ આવતા બીજા ટાપુ પર તેણે તેનો અડધો માલ વેચી નાખ્યો. કંઈ ખાસ ફાયદો થયો નહી પણ નુકશાન ન થયું. આમ સીંદબાદે સમુદ્રમાં ઘણા દિવસો વિતાવ્યા. વહાણ એક નાના ટાપુ પર આવ્યું વહાણના કપ્તાને લંગર નાખતા કહ્યું કે,”કોઈને નીચે ઊતરવું હોય તો ઉતારો અને આ નાના ટાપુ પર ફરી આવો પછી થોડી જ વારમાં આપણે અહીથી રવાના થઈશું.” બધા મુસાફરીથી કંટાળેલા હતા એટલે બધા વહાણમાંથી નીચે ઉતર્યા ટાપુ પર. તેમાં સીંદબાદ પણ હતો.
      
            અમુક લોકો માટીના ચૂલા બનાવીને ટાપુ પર રસોઈ કરવા લાગ્યા. સીંદબાદ આ બધુ જોઈ રહ્યો હતો. અજીબ વાત એ હતી કે આ ટાપુ પર કોઈ પણ વૃક્ષ દેખાતું નહતું. થોડીક જ વાર માં આખો ટાપુ ધ્રૂજવા લાગ્યો. ધરતી કંપ જેવો અહેસાસ થયો. કપ્તાને આખા ટાપુને ડોલતો જોયો અને મોટેથી બૂમ પાડી, “દોડો ભાઈ જલ્દી દોડો આ કોઈ ટાપુ નથી આ એક વિશાળ રાક્ષસી કાચબો છે, તમે બધા કાચબાની પીઠ પર બેઠા છો. બધા એકસાથે દોડ્યા અને તરીને વહાણ સુધી પહોચ્યા. સીંદબાદ નાની ઉમ્મરનો હતો અને તેને સમુદ્રનો અનુભવ પણ ઓછો હતો એટલે તે પાછળ રહી ગયો. વહાણ ખૂબ દૂર નીકળી ગયું હતું. તેણે બને તેટલું જડપથી તરવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યો. ખુદાની મહેરબાનીથી એના હાથમાં એક મોટું લાકડું આવ્યું જેના સહારે તે સમુદ્રમાં તરવા લાગ્યો. જીવવાની કોઈ આશા જ નહતી. સમુદ્રમાં ભયાનક મોજાઓ હતા. સીંદબાદ પણ હાર મને તેમ નહતો. તેણે પેલું લાકડું કસીને પકડી રાખેલું. તેણે આખી રાત સમુદ્રમાં વિતાવી સવાર પડતાં પડતાં સમુદ્ર શાંત થઈ ચૂક્યો હતો.

              સીંદબાદ તે જ લાકડા પર સૂઈ ગયો હતો. તે ઉઠ્યો અને જોયું તો તેણે સામે એક કિનારો દેખાણો. થોડીક વાર સૂર્યના તાપમાં ઊભો રહ્યો. ભૂખ તો બહુ કકડીને લાગી હતી. હિમ્મત કરીને તે જમીન પર સીંદબાદ આગળ ચાલ્યો. તેણે આગળ ચાલીને જોયું તો એક સુંદર ઘોડો અને તેની પાસે એક માણસ ઊભો હતો. સીંદબાદ તેની પાસે ગયો. પેલા માણસે સીંદબાદને જોયો અને પુછ્યું,” એય છોકરા કોણ છે તું? અહી ક્યાથી આવ્યો?” જવાબમાં સીંદબાદે તેની સાથે બનેલી ઘટના સંક્ષિપ્તમાં જણાવી. એ માણસ ને સીંદબાદ પર દયા આવી ગઇ. એ માણસ સીંદબાદ ને એક ગુફા પાસે લઈ ગયો. ગુફામાં ચાર પાંચ લોકો હતા. તેમાથી એક આ ટાપુનો રાજા માહિરજાન હતો. પેલા ઘોડા વાળા માણસે રાજા માહિરજાનને સીંદબાદ સાથે બનેલી ઘટના કહી સંભળાવી. રાજાને પણ દયા આવી ગઇ. રાજાએ પોતાના મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે,” સીંદબાદ આપણો મહેમાન છે. તેને રહેવા મકાન આપો, પહેરવા કપડાં આપો, આપણા ટાપુના રીત-રિવાજ સિખવાડો અને હા તેના ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવે.” મંત્રી એ ડોકું ધૂણાવી સંમતિ દર્શાવી. હવે સીંદબાદ મજાથી રહેવા લાગ્યો. ઘણી વાર તે ટાપુના કિનારા પર આવીને રાહ જોતો હતો કોઈ એક એવા વહાણની જે તેને અહીથી પોતાના ઘરે પાછો લઈ જાય.

               એક દિવસ તેણે દૂરથી આવતું એક વહાણ જોયું. તે ખુશ થઈ ગયો. તે વહાણ આ ટાપુ પર આવીને ઊભું રહ્યું. તેમાથી ઘણા વેપારીઓ ઉતર્યા પોતાના માલ સામાન સાથે. સીંદબાદ વહાણ પાસે ગયો અને જોયું તો એ જ કપ્તાન હતો જેના વહાણમાં તે પહેલા બેઠો હતો. વહાણનો કપ્તાન પણ સીંદબાદ ને જીવતો જોઈને ખુશ થઈ ગયો. જહાજના કપ્તાને સીંદબાદ ને તેનો માલ પાછો આપ્યો. સીંદબાદે તેનો માલ આ જ ટાપુ પર વેચી દીધો અને બચેલો થોડો માલ રાજા માહિરજાન ને ભેટમાં આપવા ગયો. રાજાએ પણ ખુશ થઈને સીંદબાદ ને અઢકળ સોનામહોરો આપી. તેમાથી સીંદબાદે મરી, મસાલા, સૂંઠ, મરચાં ખરીદ્યા. પછી રાજા પાસેથી અંતીમ વિદાય લઈને તે પોતાના વહાણમાં બેસી ગયો અને પાછો ઘરે આવી ગયો.

                 ઘરે આવ્યા બાદ સીંદબાદે સૌપ્રથમ લેણદારો ને છૂટા કર્યા. તે દેવા મુક્ત બની ગયો. તેણે ગામમાં જમીન પણ લીધી અને નવા મકાનમાં રહેવા લાગ્યો.

- કુલદીપ