બધું હેમખેમ પાર પાડી ગયું હતું . છતાં સત્યમને એક વાતનો સતત અફસોસ થતો હતો . તેના હાથે એક અજન્મા બાળકની હત્યા થઈ ગઈ હતી .આ વાત તેના આત્માને સતત કચોટી રહી હતી .
તેણે પોતાની માનસિક યાતનાઓને પોતાની ડાયરીમાં શબ્દશઃ ઉતારી લીધી હતી . અને ડાયરી જાણી જોઈને ગીતા બહેનની નજરમાં આવે તેવી રીતે રાખી દીધી .અને તેમણે તરતજ સત્યમ ની ડાયરી વાંચી લીધી હતી .પોતાનો દીકરો સુહાની શું માનીને ચાલતો હતો ? તેમણે અજાણતામાં દીકરાને અન્યાય કર્યો હતો . તેની લાગણી દુભાવી હતી . આ વાતનો તેમને સતત રંજ થઇ રહ્યો હતો
. તેમણે દીકરાને મહેણું માર્યું હતું જેનો મતલબ નીકળતો હતો . સુહાની તેની રખાત હતી
ડાયરી વાંચી તેમની સારી ગેરસમજણ દૂર થઇ ગઈ હતી . તેમણે દીકરાની અંતઃકરણ પૂર્વક માફી માંગી હતી .
ભૂલ સભી સે હોતી આઈ ,
કૌન હૈ જિસને ના ઠોકર ખાઈ ,,
ફૂલો સે શીખે જો મંઝિલ ઉસને પાઇ ,
આ ગીત સત્યમ માટે એક તકિયા કલામ બની ગયું હતું . તે વારંવાર આ ગીત ગણગણતો હતો . આ ગીતે સુહાનીને પણ ઘણી જ નિરાંત બક્ષી હતી .
તે થોડા દિવસ તેના જીજુને ઘરે રહી હતી .
એક સાંજે શોભા બહેનનો ફોન આવ્યો હતો !
' સુહાનીને લઈને ઘરે આવી જાઓ ! '
સુહાનીને ઘરે પહોંચાડયા બાદ સત્યમને યાદ આવ્યું હતું . તેણે ગુસ્સામાં સુહાનીને પેટમાં લાત મારી હતી . તે બદલ તે ખુબજ રોઈ પડયો હતો ! તે જોઈ સુહાની ખમચાઈ ગઈ હતી . તેની આંખોના ખુણા છલકાઈ ગયા હતા . તેણે અત્યંત ભાવુક બની સવાલ કર્યો હતો :
'મોટા ભાઈ ! તમે શીદને રડો છો ? '
આ શબ્દે સત્યમને ધન્યતાની લાગણી બક્ષી હતી .
છતાં એક વાત સત્યમને ખૂબ જ ખટકી રહી હતી .
સુહાની પ્રેગ્નન્ટ હતી .આ વાતની હસમુખને કઈ રીતે જાણ થઇ હતી ?
શું સુહાનીએ જ હસમુખને આ વાત કરી હતી ?
કાંઈ સમજાતું નહોતું . સુહાની અનિકેત જોડે પરણવા તૈયાર હતી . તો શું તેને રોકવા માટે જ અનીસે આવી દુષ્ટ હરકત કરી હતી ?
કાંઈ સમજાઈ રહ્યું નહોતું . સુહાનીનું શું થશે તે સત્યમ માટે ચિંતાનો વિષય હતો . તેના પ્રણય પ્રકરણનો શું અંત આવશે ? તે બાબત અનેકાનેક તર્ક લડાવતો હતો . પરિસ્થિતિ ઘણી જ નાજુક તેમજ ગંભીર હતી .સુહાની ઝિંદગીના ત્રિભેટે આવીને ઊભી રહી ગઈ હતી . તેની આંખો સામે અંધારપટ છવાઈ ગયો હતો . આ હાલતમાં તે અનીસ જોડે ભાગી જવા તૈયાર થઇ ગઈ હતી . પણ બન્ને રંગે હાથ ઝડપાઇ ગયા હતા .
સત્યમે પોતાની જીંદગી દાવ પર લગાવી સુહાનીને મસમોટી ઉપાધિમાંથી ઉગારી લીધી હતી . તેને માટે પારાવાર યાતના તેમજ મુશ્કેલીનો સામનો કર્યો હતો . જેને કારણે તેને છાતીમાં પીડા ઉપડી હતી .ત્યારે સુહાનીએ તેને બામ લગાવ્યો હતો .તે વખતે હસમુખ ત્યાં હાજર હતો . તે આ દ્રશ્ય સાંખી શક્યો નહોતો . તે કાંઈ બોલ્યો નહોતો પણ તેની બોડી લેન્ગવેજ તેની ઈર્ષ્યાની ચાડી ખાઈ રહી હતી .
તે દરમિયાન કોઈ એવી વાત બની હતી જેને કારણે સત્યમના સાસુમા હસમુખથી નારાજ થઇ ગયા હતા .
સત્યમે એક ઉમદા કાર્ય કરી તેના આત્મા પર લાગેલો દાગ મિટાવી દીધો હતો .
પણ સાસુમા જમાઈની આ દિલેરી કાર્ય વિધિને સરાહવા કે સ્વીકારવા તૈયાર નહોતા કેમ કે તેમણે સંબંધોની મહત્તા કદી સમજવાની કોશિશ કરી નહોતી . પોતાના અનુભવો થકી તેમણે એવું તારણ શોધી લીધું હતું . દુનિયામાં પાવક , પવિત્ર સંબંધો હોઈ જ ના શકે ..
સત્યમ તેમની માનસિકતાથી વાકેફ હતો . આથી તેણે સાસુમાના શકને ' સૌદો ' વાર્તાના માધ્યમ થકી દૂર કરવાની સંનિષ્ઠ કોશિશ કરી હતી . પણ અફસોસ આ દુનિયામાં આપણે કોઈના વિચારો બદલી શકતા નથી . આ જગતનું નગ્ન સત્ય હતું અને સત્યમને તે સત્ય સ્વીકારવા સિવાય છૂટકો નહોતો .
સાસુમાની ટકોરે સત્યમની લાગણીને ગંભીર ચોટ પહોંચાડી હતી .
' ન જાણે સુહાનીએ બદલામા કેવી કિંમત ચુકાવી હશે ! '
તેઓ શું કહેવા ચાહતા હતા ?
તેની જગ્યાએ અન્ય કોઈ હોત તો ?
આ સમયે એક માત્ર શોભા બહેને તેના પર વિશ્વાસ મૂકયો હતો . તેમણે જમાઈની પીઠ થપથપાવી હતી .
નિરાલીએ પણ તેના પતિની પોતાની બહેન પ્રત્યેની લાગણી બિરદાવી હતી . ગીતા બહેને પણ દીકરાની ઉમદા હરકતને હોંશે હોંશે વધાવી હતી . સુહાની પ્રત્યેની લાગણીને કારણે જ તેણે ગીતા બહેનને મમ્મી ' કહેવાનું શરુ કર્યું હતું . આ સંબોધન એક મા માટે ' સોને પે સુહાગા ' સાબિત થયું હતું .
' જમાઈ બાબૂ તમે એક દીકરાની ગરજ સારી છે ! મને નિરાલીની પસંદ પર ગર્વ છે ! '
સત્યમની સરાહના કરતા શોભા બહેને ૧૦૦૦ રૂપિયા પાછા આપ્યા હતા . તે આ પૈસા લેવા માંગતો નહોતો . પણ નિરાલી તે પૈસા બીજેથી લાવી હતી . પૈસા તેને પાછા આપવાના હતા . આ હાલતમાં તેણે પૈસા લઇ લીધા હતા ! તેમની કૉમેન્ટ્સ સુણી સત્યમની આંખોમાં ખુશીના આંસૂ છલકાઈ ઉઠયા હતા !
'કાદવમાં કમલ ખીલે છે ! આ વાત તમારા નેક કામે પૂરવાર કરી છે ! પાસે પૈસા ના હોવા છતાં તમે બીજેથી પૈસા લઇ તમારી જવાબદારી નિભાવી અમારા ખાનદાનની ઈજ્જત બચાવી લીધી .
દેરાણી જેઠાણીનો એક જ સમયે એક જ વાત પાર વિરોધાભાસી વ્યવહાર સત્યમને ચોંકાવી રહ્યો હતો .
દીકરી કુંવારી માં બનવાની હતી . આ એક દુઃખ જનક , આપત્તિ જનક ઘટના હતી . પણ લલિતા બહેનના પેટનું પાણી પણ હાલ્યું નહોતું . તેઓ ટસથી મસ થયા નહોતા .તેમની જગ્યાએ કોઈ સંવેદનશીલ કે લાગણી પ્રધાન જનેતા હોત તો ? જહેર પીને મરી ગઈ હોત ! પણ તેમણે સમગ્ર ઘટનાને રમકડું તૂટી ગયું હોય તેમ વિસારી દીધી હતી . એટલું જ નહીં પણ બિલ્કુલ નિર્મમ બની આદેશ જારી કર્યો હતો .
' અનિકેતને બોલાવી તાત્કાલિક લગ્ન વિધિ નિપટાવી લઈએ ! '
આટલું કહી તેમણે સુહાનીને આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી હતી : ' અને અનિકેતને કાંઈ પણ કહેવાની જરૂર નથી ! '
આ હાલતમાં સુહાની પાસે કોઈ વિકલ્પ નહોતો . આ કારણે તેણે પોતાના મોઢે તાળું લગાડી દીધું હતું . પણ તેનો અંતરાત્મા સતત તેને ડંખી રહ્યો હતો . તે પોતાના જીવન સાથી સાથે છળકપટ કરવા માંગતી નહોતી . તે ભાંગ્યું ભરૂચનો વિકલ્પ સ્વીકારી અનીસ જોડે ભાગી જવા તૈયાર થઇ ગઈ હતી . પણ તે પકડાઈ ગઈ હતી .
આ હાલતમાં સત્યમ સાસુમાના આદેશને સુણી પોતાને ઘરે લઇ આવ્યો હતો . નીકળતી વખતે તેની સાસુમાએ બીજો ઝટકો આપ્યો હતો :
' સુહાનીને હસમુખના ઘરે ના મોકલીશ ! '
સાસુમાની વાત સુણી સત્યમ ચોકી ગયો હતો .! આ વખતે અનીસની માતાએ તેમનો ભાંડો ફોડ્યો હતો .
સત્યમ ખુબ જ ઉત્સાહિત મુદ્રામાં સુહાનીને ફરીથી ઘરે લઇ આવ્યો હતો .
રસ્તામા સહજ ભાવે સુહાનીને સવાલ કીધો હતો !
' તારી મા એ તને હસમુખના ઘરે મોકલવાની મનાઈ કરી છે . '
તેના જવાબમાં સુહાનીએ પ્રામાણિક ચોખવટ કરી હતી .
' હસમુખે પહેલી વાર અમને ભગાડવામાં અહમ ભૂમિકા નિભાવી હતી ! '
સાંભળી સત્યમ ચોંકી ઉઠ્યો હતો .
. તે તો અનીસ અને સુહાનીના સંબંધની વિરુદ્ધમાં હતો . પણ લાગણીની રેસમાં પાછળ પડી ગયાના ભયે તેણે આવો ખતરનાક માર્ગ ગ્રહણ કર્યો હતો !
સત્યમ અવઢવમાં મુકાઈ ગયો હતો .
સુહાની પોતાના જીજુને ઘરે પહોંચી અને બીજે દિવસે સવારના પહોરમાં હસમુખનો ફોન આવી લાગ્યો . તેણે સીધી જ સુહાનીને ફોન પર બોલાવી આમંત્રણ આપી દીધું !
'તારે શનિ રવિ મારા ઘરે આવવાનું છે ! '
સુહાની તેના ઘરે જવા તત્પર હતી . તે જોઈ સત્યમ ધર્મ સંકટની સ્થિતિમાં અટવાઈ ગયો હતો !
સાસુમાની ચેતવણી તેના કાનોમાં સતત ગુંજી રહી હતી .
' સુહાનીને હસમુખના ઘરે ના જવા દઈશ ! '
હજી ગઈ કાલે સુહાનીએ ભાગવાની કોશિશ કરી ત્યારે તેના સાસુમાએ ફોન કરીને હસમુખને બોલાવ્યો હતો ..તો એકાએક એવું તે શું થઇ ગયું ?
સુહાનીએ ખુલાસા કર્યો હતો . સઘળું જાણવા છતાં તે હસમુખના ઘરે જવા માંગતી હતી . આ વાતે ત દ્વિઘામાં અટવાઈ ગયો હતો . આ હાલતમાં તેણે વચગાળાનો માર્ગ કાઢ્યો હતો .
' ઠીક છે અમે બધા શનિવારે તારા ઘરે આવીશું . '
હસમુખને આ વાત જચી નહોતી . પણ તેનો સ્વીકાર કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો . તેણે ચુપચાપ આ સુઝાવ માની લીધો હતો .
પણ તેની બોડી લેન્ગવેજ તેના અણગમાની ચાડી ખાઈ રહી હતી !
શનિવારે બપોરે નિરાલી સુહાની અને બાળકોને લઇ હસમુખના ઘરે પહોંચી ગઈ હતી . અને સત્યમ તેમજ હસમુખ સાંજના ઓફિસેથી નીકળી તેના ઘરે ગયા હતા ! અહીં સુધી બધું જ ઠીક ચાલી રહ્યું હતું .
ન જાણે કેમ તે દિવસે હસમુખ ખૂબ બદલાયેલો લાગ્યો હતો . તેની પ્રત્યેક હિલચાલ શંકા જગાડી રહી હતી . સત્યમ જાણે તેનો બોડી ગાર્ડ બની સુહાની સાથે આવ્યો હતો !તે આવું માનીને ચાલી રહ્યો હતો . તેણે કરેલો ગુનો તેને માનસિક પીડા આપી રહ્યો હતો . તે નકારાત્મક વિચારોના આટાપાટામાં અટવાઈ ગયો હતો ! તેના પ્રત્યેક શબ્દોમાં આક્રોશ છલકાઈ રહ્યો હતો . તેના શબ્દે શબ્દે માનો મહેણાંની આગ વરસી રહી હતી .
તેઓ ઘરે પહોંચ્યા કે તરત જ સત્યમને વરવા અનુભવો થવા માંડ્યા હતા .
હસમુખની પત્ની અને સુહાની કિચેનનું બારણું વાસી અંદર કપડાં બદલી રહ્યાં હતા . હસમુખ આ શકયતાને અવગણી દરવાજાને ધક્કો મારી ભીતર ઘૂસી ગયો . તેનો આવો બાલિશ , નાદાન વ્યવહાર નિહાળી સત્યમના દિમાગની નસ તંગ થઇ ગઈ હતી .સુહાની તેના ઘરે આવી છે તે વાતથી હસમુખ ખૂબ જ રંગમાં આવી ગયો હતો ! સુહાની મજાકમાં તેના આવતા તે નથી આવી તેવો સ્ટન્ટ કરી અંદર સંતાઈ
ગઈ હતી તેવું માની તે ફટ દઇને રસોડાનું બારણું હડસેલી અંદર ઘૂસી ગયો હતો . આ વાત સત્યમ સમજી ગયો હતો . આથી તેણે આ વાત પર વિશેષ ધ્યાન આપ્યું નહોતું .
સુહાનીએ પહેલા સત્યમને પાણી પીવડાવ્યું તે બદલ પણ તે સુહાનીને મહેણું મારવાનું ચુક્યો નહોતો
સત્યમે પહેલી વાર તેના વર્તનમાં ઈર્ષ્યાની ઝલક નિહાળી હતી . તે જોઈ સત્યમને આગ ઝાળ લાગી ગઈ હતી . સુહાનીની કોઈ ભૂલ નહોતી . છતાં પણ હસમુખ અનાપસનાપ વાતો કરીને તેને ટોર્ચર કરી રહ્યો હતો અને સુહાની તેને જોક ગણી હસી કાઢતી હતી :
' હવે તો બંને એક થઇ ગયા . સત્યમ ભાઈ ! તમારા ખાન પાન વધી ગયા ! '
તેના ઘરની પાછળ ઓપન એર ટોઇલેટ્સ હતા અને હસમુખ જાણે કોઈ અજાયબી હોય તેવા જુસ્સાથી તેને આ બધું જોવાની ફરજ પાડી રહ્યો હતો . તેને ઉકસાવી રહ્યો હતો . અને ખૂબીની વાત હતી . સુહાની પણ રસપૂર્વક આ નજારો માણી રહી હતી .
તે જોઈ સત્યમ અચંબિત થઇ ગયો હતો .
તેના આવા વ્યવહારથી એક વાત ફલિત થઇ રહી હતી . તેને આવુ બધું જોવું ગમતું હતું !
એક વાર સત્યમે સુહાનીને ગંદુ ગલીચ જોડકણું સંભળાવ્યું હતું . ત્યારે તે ઘણી જ નારાજ થઇ ગઈ હતી . તેણે સુહાનીની માફી પણ માંગી હતી જયારે અહીં તો ? વાત બે ડગલા આગળ હતી . હસમુખ મર્યાદા વટાવી રહ્યો હતો . તે સુહાનીને બીભત્સ ,ઘૃણિત નજારો જોવા માટે ઉકસાવી રહ્યો હતો !
રવિવારની બપોરે લંચ કર્યા બાદ સુહાની ફર્શ પર આડી પડીને સૂતી હતી . સત્યમ પણ તેના ઓશિકે માથું ઢાળીને બીજી દિશામાં માથું રાખીને સૂતો હતો . બંને વચ્ચે અપૂર્વ વિશ્વાસનો માહોલ હતો . બંને આરામથી વાતચીત કરી રહ્યા હતા . સામે જ નિરાલી ખુરસી પર બેસી અખબાર વાંચી રહી હતી .. તેમના સંબંધોમાં કોઈ કડવાશ કે ગેરસમજણના આસાર વર્તાતા નહોતા . તે સિનારિયો સત્યમને પ્રસન્નતાની લ્હાણી કરી રહ્યો હતો .
તે વખતે હસમુખના મનમાં જાણે શું વસ્યું ? તે શાયદ બંને વચ્ચેની આત્મીયતા ઝીરવી ના શક્યો . સુહાની તેનાથી દૂર જઈ રહી છે . તેવો ખ્યાલ હસમુખના મનમાં ઘૂસી ગયો અને તે કાચબાની ચાલે બંને વચ્ચેની ખાલી જગ્યામાં ઘૂસી ગયો !
આ એક પ્રતીકાત્મક સંકેત હતો . હસમુખે સાળી બનેવીની જિંદગીમાં કાચબાની માફક ઘૂસણખોરી કરી હતી આ તેનું સીધું પ્રમાણપત્ર હતું . તેણે સતત સત્યમ અને સુહાનીની જિંદગીમાં કાચબાની ભૂમિકા નિભાવી હતી .
તેણે નોન સ્ટોપ સુહાનીને મહેણાં મારવાનો સિલસિલો જારી રાખ્યો હતો . અને તેનું દર્દ સત્યમને થઇ રહ્યું હતું . આ જ તેની લાગણીનો તાદશ પુરાવો હતો .
' તમને પોતાને સુહાની મારા ઘરે આવે તે પસંદ નથી
તો પછી સાસુમાને શાને વચમાં લાવી રહ્યા છો ? તેમના ખભા પર બંદૂક રાખીને શા માટે ફોડી રહ્યા છો ? '
હસમુખ એક શિક્ષક હતો અને તેની સોચ એક બાળકને પણ શરમાવી રહી હતી . તેને દોસ્ત બનાવ્યાનો અફસોસ થઇ રહ્યો હતો .
અતીતમાં તેના હાથે પોતાની સાળીનુ હિત ના સચવાયું હતું . તેણે ભૂલ પણ કરી હતી . તે બદલ પસ્તાવાની લાગણી પણ અનુભવી હતી . પણ આજે તેની કોઈ જ ભૂલ નહોતી . છતાં તેણે આદત પ્રમાણે દોષનો ટોપલો પોતાના શિરે ઓઢી લઇ પરિસ્થિતિ વિષમ બનાવી દીધી હતી . સુહાની પણ આ મામલામાં બિલકુલ ખામોશ હતી . આ હાલતમાં તેનો જીવ અકળાઈ રહ્યો હતો . આથી તેણે સુહાનીને સૂચના આપી હતી :
' ચાલ હું તને તારા ઘરે મૂકી આવું ! '
સત્યમ પોતાના પ્રથમ નિર્ણય માટે અફસોસની લાગણી અનુભવી રહ્યો હતો . સુહાનીની લાગણી ના દુભાય તે ખાતર તેને લઇ હસમુખના ઘરે ગયો હતો . જેને કારણે વાતાવરણ તંગ થઇ ગયું હતું . બધાના જીવ ખાટા થઇ ગયા હતા . આ પરિસ્થિતિ હસમુખને કારણે નિર્માણ થઇ હતી છતાં સત્યમ સારા મામલામાં અપરાધી સાબિત થયો હતો . ભલે તેણે શરૂઆતમાં આ વાત માની લીધી હતી . પણ તે એટલું તો જાણી ચૂક્યો હતો . સમગ્ર મામલામાં તે નિર્દોષ હતો . આ વાત સુહાનીએ પણ સ્વીકારી હતી . આ જ તેની લાગણીનો મસમોટો પુરસ્કાર હતો .
સુહાની ચુપચાપ ઘરે જવા તૈયાર થઇ ગઈ હતી . તે જાણી હસમુખના ચહેરાનો રંગ ઊતરી ગયો હતો
સત્યમ બધું સહી શકતો હતો . કોઈ જૂઠું બોલે તે વાત બિલકુલ સાંખી લેતો નહોતો ..તે નિરાલી અને બાળકોને હસમુખના ભરોસે મૂકી સુહાનીને તેના ઘરે મૂકવા ચાલી નીકળ્યો હતો .સુહાની ઘણી જ અપસેટ હતી અને સત્યમ તેની સાથે અનેક ચોખવટ કરવા માંગતો હતો .આથી તેણે સુહાનીને તેની સાથે જેન્ટ્સ કંપાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરવાનો આગ્રહ કર્યો હતો અને તે પોતાના જીજુ સાથે બેસીને ઘરે આવી હતી !
લગભગ કલાકેક સુધી બંનેએ વાતો કરી હતી જેને કારણે ઘણી બધી ગેરસમજણ દૂર થઇ ગઈ હતી . સારા મામલામાં હસમુખ જ કસૂરવાર હતો . આ વાત પણ તેણે સ્વીકારી હતી . તે અનીસની માફક ડબલ ઢોલકી હતો , ગૉસીપનો બાદશાહ હતો તે પણ કબુલ્યું હતું .
સત્યમે તેને અંતરંગી દોસ્ત માની પોતાના દિલની વાતો કરી હતી . તેનો પણ હસમુખે દુરુપયોગ કર્યો હતો .
હકીકતમાં તેને સુહાની જોડે પ્રેમ થઇ ગયો હતો . આ વાત યોગ્ય નહોતી . તેનો સત્યમને અહેસાસ હતો . તેણે પોતાના પ્રેમનું વહેણ બદલવા માટે જ સુહાનીને અપીલ કરી હતી :
' મને મોટા ભાઈ કહીને બોલાવીશ ? મને રાખડી બાંધીશ ? '
પણ આ દુનિયા એટલી બધી બેરહમ છે કે કોઈને સાચે રસ્તે પણ જવા દેતી નથી .
આ અનુભવે સત્યમને નાસીપાસ કરી દીધો હતો . આ હાલતમાં તેણે સુહાનીને બોલાવીને સચ્ચાઈ બયાન કરી દીધી હતી !
' હું બીજી છોકરીને પ્રેમ કરું છું . '
તે છોકરી કોણ હતી ? સુહાનીના દિમાગમાં સવાલ ઉઠ્યો હતો . કદાચ તે જાણી ચુકી હતી .તે પોતાના જીજુના મોઢે સાંભળવા માંગતી હતી . આ કારણે તે ચૂપ રહી હતી .
બીજે દિવસે જ સત્યમે તેના મોઢા પર જ કહી દીધું હતું :
' એ છોકરી તું જ છે ! '
' વેરી બેડ ! ' સુહાનીએ ટકોર કરી હતી .
સતત બે દિવસના માનસિક પરિતાપ બાદ સત્યમને અમૂલ્ય ખુશી હાંસિલ થઇ હતી .આ હાલતમાં તેણે થોડા દિવસ પહેલા બનાવેલી પેરોડી સુહાનીને સુણાવી હતી :
હમને ગાવ કે રસ્તો પર ( ૨ )
ભૈ દેખી થી બેલ ગાડિયા ,
ચક્કર ખા ગયે હમ તો ભૈયા ,
દેખ શહર કી ગાડીયા ,
સત્યમે ઊંચે અવાજે આ પેરોડી લલકારી હતી . તે સુણી સુહાની મન દઈને હસવા લાગી હતી . તેણે જીજુની ટેલેન્ટને મન દઈને સરાહી હતી .
સમગ્ર મામલામાં તે સાવ મૂંગી મંતર બની રહી હતી . હસમુખના પ્રતિભાવે રહી રહીને તેના
વર્તન બદલ નકારાત્મક લાગણી જગાડી રહી હતી . તેણે પહેલીવાર પોતાના જીજુના બચાવમાં વાત કરી હતી .
' સત્યમ ભાઈ મારા જીજુ છે . મારા મોટા ભાઈ હોવાનો દાવો કરે છે . તેમને સતત મારી ચિંતા રહે છે .આ સ્થિતિમાં તેમનો મને ગાળ દેવાનો પણ હક બને છે ! 'સુહાનીની આ વાત સત્યમને નૈતિક સહકાર બક્ષી રહી હતી !
સુહાનીનો આ ડાઈલોગ હસમુખ હજમ કરી શકતો નહોતો . આ હાલતમાં તેણે ફોન કરી લલિતા બહેનને વધામણી આપી હતી :
0૦૦૦૦૦ ( ક્રમશ )