ડાર્લિંગ અને ડિયર Paras Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાર્લિંગ અને ડિયર

      એણે એની પત્નીને ખૂબ જ લાડથી ઉછેરી હતી.એણે લગ્નનાં આઠ વર્ષમાં ક્યારેય એની પત્ની પર પથ્થરમારો કર્યો નહોતો.એની પત્ની ઘણીવાર પથ્થર બનીને તેના પર તૂટી પડતી,તો પણ તે પથ્થરનો જવાબ પોટાશથી આપવાને બદલે પુષ્પથી જ આપતો. કોણ જાણે પણ કેમ એને આજ્ઞાંકિત પતિ બનવામાં બેહદ મજા આવતી.એ પત્નીની એક એક વાત અને એક એક આજ્ઞા પૂરી કરવા અલાદ્દીનના જીનની જેમ હંમેશાં હાજર જ રહેતો. એ આખો દિવસ ભારોટ જેવા અજગરની જેમ એની પત્નીને વીંટળાઈને વિસ્તરતો રહેતો,એ વાત એના દોસ્તોને કણાની જેમ ખૂંચતી.એના દોસ્તો એને ઘણીવાર સલાહના ઘટાટોપ જંગલમાં લખોટીની જેમ દેડવી દેતા,
   "તું જડભરત છો,આટલા લાડથી પત્નીને ના ઉછેરાય? પત્ની તો લજામણીનો છોડ છે,એને જરાક અડો તો પણ બીડાય જાય અને થોડાક વધુ મરડો તો રોળાય પણ જાય. તું કેસર પિસ્તાવાળું દૂધ પાઈને સાપ ઉછેરે છે,તારી પત્ની તને જ ડંખ મારશે,તને જીવતું શિલ્પ બનાવી દેશે."
        એને દોસ્તો 'જોરું કા ગુલામ' કહેતા તો પણ એ ગુલાબની જેમ જ મહેકતો રહેતો,પત્નીને ક્યારેય કંઈ પણ કહેતો નહીં.દોસ્તોની એકની એક સલાહ સાંભળીને એ થાકતો ત્યારે ક્યારેક સમ ખાવા પૂરતો દોસ્તો આગળ છલકાઈ જતો,
     "ડિયર, મને પ્રેમ પામવા કરતાં પ્રેમ આપવામાં નશો ચડે છે અને હા,મુજે વો નશા પસંદ નહિ, જો ઉતર જાયે!"
        એ બત્રીસે કોઠે દીવા પ્રગટાવીને હરખાતો હરખાતો ઘરે પહોંચતો ત્યારે ઘર પર 'પત્ની વીલા' વાંચીને મુશ્કુરાતો,વિચારતો: 'દુનિયાનું કદાચ આ એકમાત્ર ઘર છે,જેનું નામ પત્ની વીલા છે.' તે જેટલા હરખથી ઘરમાં ઘૂસતો એટલા જ હરખથી ક્યારેક વિખેરાતો.એની પાસે પૈસા હતા,પ્રેમ હતો અને મધુબાલા જેવી પત્ની હતી,પણ મધુબાલના ખોળામાં ખોબો એક માટીની ખોટ હતી.આઠ વર્ષના લગ્નજીવને એને સ્નેહ અને સુખ નામના શબ્દો આપ્યા હતા,પણ હજી સુધી સંતાન નામના સોનેરી શબ્દનો તેના જીવનમાં ફણગો ફૂટ્યો જ નહોતો.એની પત્ની આ વાતે દુઃખી થઈને ઘણીવાર સુપરનોવાની જેમ ધડાકાભેર ફાટતી અને આખી રાત રડતી રહેતી.એની પત્નીને રડતી ઔરતોને હસાવી જાણતા મર્દો બેહદ ગમતા પણ તે ક્યારેય એની રડતી પત્નીને ચપટીવારમાં હસાવી શકતો નહીં.એને એમ જ લાગતું કે, "તમારી આંખમાંથી ટપકયું એકાદ ટીપું આંસુ, હું દોડું તે પહેલાં દોડ્યાં,મારી આંખમાંથી આંસુ."
          એની પત્નીએ એની આવનાર બેબી માટે ઘરમાં ડોલ્સ મ્યુઝીયમ બનાવ્યું હતું.ડોલ્સ મ્યુઝીયમમાં રોજ નવી ઢીંગલી આવતી પણ એના જીવનમાં એકપણ ઢીંગલીનો કોટો ફૂટ્યો નહી.એ રડતી ત્યારે વધારે સુંદર લાગતી અને એને પોતાના રૂપના ખજાનાનું રક્ષણ કરવા એકાદ સાપની જરૂર લાગતી.તે રસ્તામાં નીકળતી ત્યારે રૂપનો ખજાનો લૂંટવા સોમાલિયાના ચાંચિયા તૈયાર જ રહેતા પણ એ ક્યારેય લૂંટાતી નહીં.લડતી લડતી પત્ની વીલામાં પહોંચી જ જતી.અને ચાંચિયા દરેક વખતે શરમાઈને સળગી જતા.પણ કોણ જાણે કેમ આજે એને રસ્તામાં ક્રૂર ચાંચિયાને બદલે કોઈ કોમળ શહેનશાહ મળી ગયો હોય તેમ એ લૂંટાઈ ગઈ.પત્ની વીલામાં પગ મૂકતાવેંત જ એ બેગ પેક કરવા લાગી અને શરમને બદલે શરારતી શંખનાદ કરતા કહેવા લાગી,
   "ડીયર,હું તમને છોડીને જાવ છું,જવા દેશોને?!"

             એ હમેંશા એના પતિને ડીયર જ કહેતી અને એનો પતિ પણ જવાબમાં ડાર્લિંગ જ કહેતો.

     "ડાર્લિંગ,જવા તો દઈશ જ,પણ પ્રિયે,મને મૂકીને તારે જવું છે ક્યાં?"
"ડીયર,મારે મારા શબ્દકોશમાં અધૂરા રહી ગયેલા એકાદ સોનેરી શબ્દને કંડારવા જવું છે."
       ડીયર અને ડાર્લિંગનો વાર્તાલાપ જ્વાળાની જેમ ફાટવાને બદલે ધુપસળીની ધૂપની જેમ પ્રસરવા લાગ્યો.જોનારને પેલી નજરે એમ જ લાગે કે પત્ની વીલામાં આજે રીઅલ નહીં પણ રીલ ઘટનાનો રોલ જ ભજવાય છે.
 "ડાર્લિંગ,તને યાદ છે તે પેલી જ મુલાકાતમાં કીધું હતું કે ,ડીયર,પ્રેમ એ બંધન છે,કેદ નથી.ડાર્લિંગ,તું તારી જ વાત ભૂલી ગઈ?! પણ તું ઉડી શકે છે અને ઉડી ઉડીને થાકી જા ત્યારે ફરી પાછી પત્ની વીલામાં આવી શકે છે.પત્ની વીલાના નેત્રો ક્યારેય તારા માટે બીડાય શકે નહીં!"
         એની પત્ની બેગ લઈને 'પત્ની વીલા'ના દરવાજે પહોંચી ગઈ.પત્ની વીલાની બહાર પગ મુકતા પહેલાં જ કોણ જાણે ક્યાંકથી એક વિચાર સળવળાટ કરતો ફેણ માંડીને ઉભો થઈ ગયો,
   "ડીયર,કોઈ આવા સમયે આટલું બધું સ્થિતપ્રજ્ઞ કેમ રહી શકે? તમારી સ્થિતપ્રજ્ઞતા આટલી બધી મધુર કેમ? ડીયર,ક્યાંક તમે કૃષ્ણ તો નથીને?"
       આટલું બોલીને એણે પતિના જવાબની રાહ જોયા વિના પત્ની વિલાની બહાર પગ ઉપાડ્યા. એક તરફ હવાના તેજ ઝોંકાથી પત્ની વીલાના નેત્રો બીડાયા અને બીજી તરફ આંસુના ધક્કાથી એના પતિના નેત્રો ભીંજાયા અને બીડાયા.
       એના ગયા પછી એ આખા પત્ની વીલાને વેલની જેમ વીંટળાઈને રડતો રહ્યો.એની પત્નીએ બનાવેલા ડોલ્સ મ્યુઝીયમને જોઈને એ રડતો રહેતો.એ રડતી વેળાએ ડોલ્સ મ્યુઝીયમમાં રહેલી ઢીંગલીઓને કહેતો રહેતો, " એ ગઈ,તમને અને મને બધાને મૂકીને,પણ એ જરૂર આવશે.તમને અને મને બધાને લેવા."

      એ આખો દિવસ ઢીંગલીઓ સાથે સંવાદ કરતો રહેતો.કયારેક બહાર નીકળતો ત્યારે દોસ્તો એની મજાક ઉડાવતા.છેવટે  આખો દિવસ એ  દુઃખી થઈને પત્ની વીલામાં જ પડ્યો રહેતો.એને દુઃખી થવું ખૂબ ગમતું,એને દુઃખી થઈને સુખી રહેવાની ટેવ પડી ગઇ હતી.
           કોણ જાણે પણ કેમ હમણાં હમણાંથી એને એમ જ લાગતું કે,એની પત્ની પાણીના રેલાની જેમ એને મળવા દોડી આવશે,અને એક દિવસ સવારે એની પત્ની ખરેખર પાણીનાં રેલાની જેમ પહોંચી પણ ગઈ.એ હરખાઈ ગયો,એના શ્વાસમાં સુગંધ ઉમેરાઈ ગઈ.એ રાજી થઈને ટહુકી ઉઠ્યો,
 "મને ખબર જ હતી,તું મારા વિના રહી જ ન શકે,ભલે જયારે આવી ત્યારે,પણ આવી તો ખરી.તારા માટે પત્ની વીલાના નેત્રો ક્યારેય બીડાય શકે જ નહીં!" 

       એનો પતિ હરખાઈ ગયો.પણ એની પત્ની તો ચીની ડ્રેગન જેવા ડિવોર્સ પેપર પર સ્નેહની સિગ્નેચરનો રેલો ઝીલીને નીકળી ગઈ.એક તરફ પત્ની વીલાના દરવાજા ભટકાયા અને બીડાયા,બીજી તરફ એના પતિના નેત્રો ભીંજાયા અને બીડાયા.

        ફરી પાછો એ ઢીંગલીઓ પાસે કલાકો બેસતો રહ્યો અને રડતો રહ્યો.એને લાગતું કે એની પત્ની જીદ્દી છે.જીદનું ઝુનૂન ઘટશે એટલે આપો આપ એ આવશે.એ પત્ની વીલામાં બેસીને અલી ડોસાની જેમ પોતાની પત્નીની રાહ જોવા લાગ્યો.પણ એની પત્ની પાસેથી પત્ની વીલામાં પ્રવેશવાનો પાસપોર્ટ કોઈએ જાણે છીનવી ના લીધો હોય એમ એ આવી જ નહીં.દિવસો પર દિવસો વીતી ગયા,એને ઇન્તજાર શબ્દ ઝેર જેવો લાગવા માંડ્યો.એણે ઇન્તજારની જાળી તોડવા ઝેરની શીશી હાથમાં લીધી.ત્યાં જ એકાએક દિવસો પછી કોઈએ પત્ની વીલાના નેત્રો ખોલ્યા.પત્ની વીલામાં એની પત્નીએ પગ મૂક્યા અને કંઈપણ બોલ્યા વિના ઘરમાં દિવસોથી અસ્તવ્યસ્ત પડેલી તમામ વસ્તુઓને ગોઠવવા લાગી.એનો પતિ તો ડઘાઈ જ ગયો.થોડીવાર પછી આશ્ચર્યચકિત નજરે એણે એની પત્નીને કહ્યું,
"ડાર્લિંગ,મને ખબર જ હતી,તું આવવાની જ હતી.તું આવી ગઈને.ભલે જ્યારે આવી ત્યારે,જે હાલતમાં આવી તે,પણ ડાર્લિંગ તું,આવી તો ખરી,જો પત્ની વીલા ફરી પાછું ખીલવા લાગ્યું છે."
           એ ધડકતા હૃદયે ખિસ્સામાં ઝેરની શીશી મૂકીને સોફા પર આંખો બન્ધ કરીને બેસી ગયો.ગઈ આખી રાતના ઉજગરાને લીધે એની આંખ મીંચાઈ ગઈ.એના વદન પરથી આછી નીંદરનો થર વિખેરાયો ત્યારે એ ચોકી ઉઠ્યો, એની પત્ની ફરી પાછી બેગ પેક કરતી હતી.બેગ પેક કર્યા પછી એ કહેવા લાગી,
"ડીયર,ઘર હવેથી ચોખ્ખું રાખો તો તમારા માટે સારું રહેશે,મને પત્ની વીલાની ગંદકી ત્યારે પણ પસંદ નહોતી અને આજે પણ પસંદ નથી.અને હા,આ પૂનમના ચાંદ જેવું ઉપસેલું પેટ લઈને હું તમને મળવા કે પત્ની વીલામાં રહેવા નથી આવી,હું તો મેં ભેગી કરેલી ડોલ્સ મ્યુઝીયમની ઢીંગલીઓ લેવા આવી હતી,જાઉં છું, હવે પછી કદાચ ક્યારેય ન પણ મળીએ."
       એની પત્નીએ બેગમાં રહેલી ઢીંગલીના ઢગલામાં હાથ નાખ્યો અને એણે એના ખિસ્સામાં.થોડીવાર પછી એની પત્નીએ હરખાતાં હરખાતાં,ઢીંગલીઓને ગણતા-ગણતા પત્ની વીલાની બહાર પગ મૂક્યો.એ એની પત્નીને હમેંશાને માટે જતી જોઈ રહ્યો,એ મૂંઝાયો,એને થયું હવે તો ઘરમાં  ઢીંગલીઓ પણ નથી, એ કોની પાસે રડશે? એણે હાથમાં રહેલી શીશી ખોલી,એક તરફ પત્ની વીલાના નેત્રો ભટકાયા અને બીડાયા. બીજી તરફ એના નેત્રો ભીંજાયા,અથડાયા અને પછી હમેંશાને માટે બીડાયા!
                                         
                              - પારસ કુમાર
                    મો.98259 96539