મજાક - 2 solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મજાક - 2



         “નહીં…! પ્લીઝ લીવ મી.. પ્લીઝ…. મને.. ના… ના..” પ્રથમ ચીસ સાંભળી દૂર થઈ ગયેલ વિપુલ સંધ્યાનાં મુખથી અસ્પષ્ટ ઉચ્ચારો સાંભળી આશ્ચર્યના દરિયામાં ડૂબી ગયો. સંધ્યાનો અવાજ ઘોર તંદ્રામાં, જાણે ઉંડી ખાઈથી આવતો હોય એવું એને લાગ્યું. તદ્દન અજાણપણે એનો એક હાથ સંધ્યાનાં હાથમાં આવી ગયો હતો, જેને એ ધીમેથી દૂર હડસેલી રહી હતી. 

 “સંધ્યા.. સંધ્યા..! શું થયું?” આશ્ચર્યના દરિયામાં ડૂબકી મારતા વિપુલે એને ખભેથી પકડી હલાવી. 

“ઓહ.. તમે આવી ગયા? ક્યારે આવ્યા? જમ્યા કે નહીં?” ઉંઘરેટા સ્વરે પ્રશ્નાવલિ ફૂટી. 

“હા.. હું જમીને આવ્યો.. પણ આ બધું શું હતું? તું અચાનક ગભરાઈ કેમ ગઈ?” 

“હું ગભરાઈ ગઈ? કદાચ કોઈ સ્વપ્ન આવ્યું હશે! તમે મજાક બહુ કરો છો તો ક્યારેક ન જેવી વાતમાં પણ મને બહુ ગભરાટ થાય છે! ચાલો.. હવે સૂઈ જાવ, મને તો ખૂબ જ ઉંઘ આવે છે.. તમે પણ થાક્યા હશો ને! આપણો કાર્યક્રમ સવારે…!” અંતિમ વાક્ય ખાસ અદામાં અધૂરું રાખી સંધ્યાએ સુંવાળા હાથ વડે વિપુલને કસીને જકડી લીધો. ગણતરીની પળોમાં વિપુલ પણ નિદ્રાને આધીન થઈ ગયો. 

~~~

       ‘એઈ સંધ્યા, અહીં આવ તો..” સ્વીમીંગ પુલના પાણીમાંથી ગરદન બહાર કાઢી વિપુલે બૂમ મારી. એક પેન્ડીંગ કાર્યને કારણે તેઓનો લોંગ ટૂરનો પ્રોગ્રામ રખડી પડ્યો હતો. ઉનાળુ વેકેશનની જેમ મોહિતના ફાર્મ પર બે દિવસનો કાર્યક્રમ આનનફાનન ઘડાઈ ગયો અને દર વખતની જેમ આ વખતે પણ ચાર કપલ્સ ફાર્મની શુદ્ધ હવા માણવા નીકળી પડ્યા હતાં. 

 “હા.. કહો વિપુલ..”

“પેન્ટના ખિસ્સામાંથી એક સિગારેટ આપજે ને પ્લીઝ..” 

       “સંધ્યા, જલ્દી આવજે.. વિપુલ સાથે ફરી વાતે ન વળગી જતી.” નિહારિકાની ટીખળી કોમેન્ટ પર એની દિશામાં કૃત્રિમ ગુસ્સાથી જોતી સિગારેટ લંબાવતી સંધ્યાનું ધ્યાન વિપુલ તરફથી હટ્યું અને આ તકનો વિપુલે બરાબર લાભ લીધો. સિગારેટનું તો બહાનું હતું, ખરેખર પ્લાન સંધ્યાનું ગભરુપણું દૂર કરવાનો હતો. જ્યારે પણ ફાર્મ પર આવવાનું થતું, પગ ડૂબાવવા સિવાય એણે પાણી સાથે કોઈ વિશેષ સંબંધ બાંધ્યો નહોતો. હળવા આંચકાથી ખેંચાયેલી બેધ્યાન સંધ્યા સીધી વિપુલ પર જઈ પડી. વિપુલનું પણ બેલેન્સ ખોરવાયું. બંને સાડા પાંચ ફૂટ પાણીમાં ચત્તોપાટ થયાં. 

       એક કુશળ તરવૈયો હોવા છતા વિપુલને ઉભા થતા થોડી વાર લાગી. એ દરમિયાન ચાર ફૂટ દસ ઈંચ લંબાઈ ધરાવતી સંધ્યા હવાતિયાં મારતી એની પહોંચથી થોડે દૂર નીકળી જઈ પાણીના તળિયે તદ્દન નિષ્ક્રિય પડી હતી. પુલના બીજા છેડે પ્રણયગોષ્ઠિમાં વ્યસ્ત નીરજ અને આરતીએ દૂરથી પરિસ્થિતિનો ક્યાસ કાઢી ઝડપથી નજીક પહોંચી સંધ્યાને પાણીની બહાર કાઢી. વિપુલના હોશ ગાયબ થઈ ગયા હતા. નિહારિકા લઘુશંકા માટે ગયેલા પતિ ડો. અભિજિતને બંગલામાંથી ખેંચી લાવી. નીરજે પેટ દબાવીને પાણી બહાર નીકાળ્યું, છતા સંધ્યામાં ઉર્જાનો સંચાર ન થયો. 

      અભિજિતે નીરજને હટાવી વિપુલને આગળ કર્યો, “ક્વીક… એને મોઢેથી શ્વાસ ફૂંક.” વિપુલના અથાક પ્રયત્નો છતા સંધ્યા નિર્જીવ પડી રહી. એ સાથે અભિજિતના પ્રયાસ પણ ચાલુ રહ્યા, પરંતુ એક વાક્યથી ફાર્મ હાઉસના ખુશનુમા વાતાવરણમાં સ્મશાન જેવો ભેંકાર સન્નાટો પથરાઈ ગયો, “વિપુલ, લીવ હર પ્લીઝ.. શી ઈઝ નો મોર..” આ વાક્ય મોહિત બોલ્યો હતો..


           “સંધ્યાઆઆ…….”ની કારમી ચીસ વિપુલના કંઠથી નીકળી વાતાવરણની શાંતિને વીંધી ગઈ. કોઈ એનું નામ લઈ એનો ખભો હલાવી રહ્યું હતું પરંતુ આંખો ઉઘાડવાની એની લેશમાત્ર હિંમત નહોતી. સંધ્યાને મૃત અવસ્થામાં જોવું એના માટે અશક્ય હતુ. અરે.. સંધ્યા મૃત્યુ પામી છે, એ નજરે જોવા છતા એ વાતનો સ્વીકાર એનું હ્રદય કરવા નહોતું ચાહતું. મજાકનું વરવું પરિણામ એને ભોગવવુ પડ્યુ હતુ. સ્વજનની વિદાયનો અર્થ આજે એણે જાણ્યો હતો. ઓળખીતામાં કોઈક મૃત્યુ પામતું, ત્યારે દુ:ખી વદને દિલાસાના બે શબ્દો એ સરળતાથી કહી નાંખતો પરંતુ એ શબ્દોની ગંભીરતા આજે એને સમજાઈ હતી. સંધ્યા જે રીતે એને બોલાવતી, અદ્દલ એ જ ટોનમાં ફરીથી કોઈક એને બોલાવી રહ્યું હતું. અવાજ પણ એ જ.. સાંભળવો ગમે એવો.. “વિપુલ.. વિપુલ…” નાછૂટકે એણે આંખો ઉઘાડવી પડી. 

           “શું થયું? શા માટે મારા નામની માળા જપો છો? અને આટલો બધો પરસેવો?! ઓહ ગોડ..” મટકું માર્યા વિના એકટક એ સંધ્યાને નીરખી રહ્યો. ‘ભૂત બનીને પણ કેવી સોલિડ દેખાતી હતી એ! પણ અહીં અંધારું કેમ છે?’ બાઘાની જેમ ચકળવકળ આંખો ફેરવી વિપુલ ફરીથી સંધ્યા સામે જોઈ રહ્યો. શંકાનું સમાધાન કરવા માટે એણે પોતાને ગાલે ચીમટો ભર્યો અને પછી પ્રથમ આંગળીથી સંધ્યાનાં ગાલ પર સ્પર્શ કર્યો, “ઓહ, તું જીવિત છે? ”

           “શુંઉઉઉ? ઓહ.. ના, ના હું અત્યારે જ સ્મશાનથી આવી. એક્ચ્યુલી તમે એસી ઓન કરવાનું ભૂલી ગયા હતાં, તો એ ચાલુ કરવા માટે આવી! સમજી ગયા? ચાલો, હવે સૂઈ જાવ તો હું પાછી વળું...” બગડેલી ઉંઘમાં પણ સંધ્યાનાં હોઠો પર સ્મિત ફરી વળ્યું.

         “પણ આપણે તો મોહિતના ફાર્મમાં.. તું પુલમાં પાણી પી ગઈ.. તો પછી આટલી જલ્દી હું અહીં કઈ રીતે આવી ગયો અને તું ભૂત પણ બની ગઈ?”

        “બસ હવે બંધ કરો. સ્વપ્નથી બહાર નીકળો અને સૂઈ જાવ મહારાજ. નહીંતર આ બધું સાંભળી મને પણ ઉંઘ નહીં આવશે.” ત્રીજી મિનિટે સંધ્યાની આંખ લાગી પછી હળવેથી બેડ પરથી ઉભો થઈ બાલ્કનીમાં આવી વિપુલે સિગારેટ સળગાવી.

       ‘આ કંઈક અમંગળ ઘટનાના એંધાણ તો નથી ને? મારે મજાક કરવી બંધ કરવી પડશે, નહિતર હસવા માંથી ખસવું થઈ જશે.’ સતત બીજી રાત્રે પણ એવું જ વિચિત્ર સ્વપ્ન જોઈ બાલ્કનીમાં ધૂમાડો છોડતું એનું મોઢું ખુલ્લુ હતું પરંતુ મગજ તદ્દન બંધ! ભયંકર તણાવગ્રસ્ત મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. એ વાતથી તદ્દન અજાણ કે નજીકના ભવિષ્યમાં ખૂબ જ દુઃખદ ઘટના બનવાની છે, જેથી એને તો ખરું જ.. પરંતુ સંધ્યાને વધુ આઘાત પહોંચશે!


 
ક્રમશઃ