મારો પહેલો પ્રેમ Pranav Shrimali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો પહેલો પ્રેમ

મારો પહેલો પ્રેમ

અમદાવાદ શહેર. દિવસે દોડધામ અને રાત રંગીન. દરેક ગુજરાતીનું સપનું "અમદાવાદમાં રહેવાનું અને જીવવાનું".

બઉ નસીબદાર હોય છે એ લોકો જે પહેલે થી અમદાવાદમાં સેટલ્ડ હોય છે. આવી જ એક ફેમિલી ની વાત છે. અમદાવાદ નો કોટ વિસ્તાર. પોળો નું જીવન. આવી જ એક પોળ માં એક ફેમિલી રહેતી હતી. મધ્યમવર્ગી પરિવાર.

રાજેશભાઇ , એમની પત્ની, એક દીકરો અને માતા પિતા સાથે સુખેથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. રાજેશભાઈ ઓછું ભણેલા, પણ દિમાગથી તેજ અને મજબૂત કોઠાસૂઝ ધરાવતા હતા. વ્યવહારિક જ્ઞાન અને ધંધો કરવાની આવડત એમનામાં કદાચ પહેલેથી જ હતી. એટલે જ તો આજે બે-બે દુકાનોના માલિક હતા. પત્ની રંજનબેન ગૃહિણી હતા. એ પણ ઓછું ભણેલા પણ એક આદર્શ સ્ત્રી. એકનો એક દીકરો રોહિત 11માં ધોરણમાં કોમર્સ સ્ટ્રીમ માં ભણતો હતો. એને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ લગાવ હતો. એને નવલકથા વાંચવાનો ખૂબ જ શોખ. ઉપરાંત ઈત્તર વાંચનનો પણ ઘણો શોખ. ન્યુઝપેપર ની આખે આખી પૂર્તિ વાંચી લે. ટૂંકમાં વાંચવાનો શોખીન. સ્વભાવે થોડો રમુજી. થોડો ઇમોશનલ પણ ખરો. અને રહ્યા હવે બા-બાપુજી, એ બન્ને આરામથી અને ભકિત ભાવથી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.

રોહિત તેના જ વિસ્તારની કેળવણી હાઈ સ્કૂલમાં ભણતો હતો. રોહિત દરરોજ સ્કૂલ જતો. દરરોજ સ્કૂલ જવાનું એક મુખ્ય કારણ એ હતું કે એના ક્લાસમાં ભણતી એક છોકરી એને ગમતી હતી. છેલ્લા બે-ત્રણ મહિના થી ફક્ત એને દૂરથી જોતો રહેતો. કોઈ દિવસ કહેવાની હિંમત નહતી કરી. છોકરાઓમાં આવી આદત હોય જ છે. ઝાંખવાની. મજા ની વાત એ છે કે એ છોકરી કે જેનું નામ રિયા હતું, એને પણ રોહિત ગમતો હતો. રિયા પણ આખો દિવસ ક્લાસમાં રોહિત ને જોયા કરે. જ્યારે બન્ને ની નજર એક મળે ત્યારે બન્ને જણ હસીને નજર ફેરવી દે. જાણે કંઈ હોય જ નહીં એમ. આવું ઘણાં દિવસ ચાલ્યું.

કદાચ બન્ને મનમાં એવું વિચારતા હશે કે,

સામે દેખું તો નજર હટાવી દે છે,

નજર હટાવું તો સામે દેખે છે,

પ્રેમ હોય તો સીધું કહી દેને,

કેમ આમ ખોટી મૂંઝવણ ઉભી કરે છે..

આવું એક બીજા ને જોતા રહેવાનું 6 મહિના સુંધી ચાલ્યું, બન્ને ને ખબર હતી કે એક બીજા ને પ્રેમ કરે છે, પણ કહેવાની હિંમત કોણ કરે એ સવાલ હતો. મનમાં એ પણ મૂંઝવણ હતી કે પ્રેમનો ઇઝહાર કેવી રીતે કરવો. છેવટે રોહિતે પ્રેમપત્ર નો સહારો લીધો, અને એક વચેટિયા મિત્ર સાથે લેટર મોકલાવી દીધો, સ્કૂલમાં આવા મળી જ આવે. રિયા ના હાથમાં એ લેટર આવ્યો, એણે ફટાફટ લઈને એક ચોપડાની વચ્ચે દબાવીને મૂકી દીધો. અને ઘેલી ઘેલી થઈ ગઈ. એનું મન જાણે ઝૂમી ઉઠ્યું. એનામાં ઉત્સાહ, ઉત્સુકતા અને ઉતાવળ વધતી જતી હતી. એને ઘરે જઈ ને વાંચવાની જલ્દી હતી. આખરે એ પળ આવી. રિયા ના હાથમાં ચોપડો હતો, ચોપડાની વચ્ચે મુકેલો પત્ર, જેથી કોઈને ખબર ના પડે. અને એણે મનમાં વાંચવાનું શરૂ કર્યું..

" તારા મહેંદી લગાયેલા હાથમા જે પત્ર છે એ પત્ર ને મારી લાગણીઓના સમુદ્રમાં ડબોળીને મારી એક એક રુહ માં થી પ્રગટ થતી સંવેદનાઓથી લખ્યો છે. તો જરા આ પત્ર ને આંખો થી નહિ હૃદય થી વાંચજે."

બસ આટલું વાંચતા તો એ શરમીલી શરમાઈ ગઈ, અને આંખો બંધ કરી ને રોહિત ના વિચારો માં ખોવાઈ ગઈ.

" રિયા, પહેલીવાર માં તને જોતા જ હું મારું દિલ હારી ચુકેલો. મને દિવસ રાત બસ તારી આ કોમળ કાયા, મોતી જેવી સુંદર આંખો, મન મોહી જાય એવો ચેહરો અને તારું શરમાળ હાસ્યયાદ આવ્યાં કરતું અને તારી યાદોને હું વાગોળ્યા કરતો. મને મજા આવતી તારી યાદોમાં ખોવાયેલા રહેવાનું, નવલકથા વાંચતા વાંચતા પુસ્તક છાતી પર મૂકી ને તારા ખયાલો માં ખોવાઈ જવાની જાણે મને આદત પડી ગયેલી. અરે પાગલ, શું કહું તારી ખૂબસૂરતી પર તો મેં કવિતાની આખી બુક લખી કાઢી છે. અને હા એ સાચી વાત છે હું તને જોવા માટે જ દરરોજ સ્કૂલ વહેલો આવું છું, હું દૂર થી ઉભો ઉભો તને આવતી જોતો હોઉં છું, અને મનમાં ને મનમાં હરખાતો હોઉં છું, અને વિચારું કે ક્યારે એ દિવસ આવશે કે આપણે બન્ને રસ્તા વચ્ચે દુનિયા ના કોઈ જાતના બંધન વગર હાથો માં હાથ નાખી ને સાથે ફરીશું, રખડીશું, મજા કરીશું. સપનાઓ જોઈશું. એને હકીકતમાં બદલીશું. આપણી એક અલગ દુનિયા હશે. એમાં ફક્ત આપણે બન્ને અને આપણો પ્રેમ. બીજું કોઈ નહિ. મારે તારી સાથે મારું આખું જીવન જીવવું છે. તને પ્રેમ કરવો છે. ભરપૂર પ્રેમ કરવો છે. દિલ ફાડી ને પ્રેમ કરવો છે. તારી અંદર મારે ખોવાઈ જવું છે. કાયમ તારો બનીને રહેવું છે. મને જ્યારે ખબર પડી કે તું પણ મને પ્રેમ કરે છે તો તું માનીશ મારી ખુશીનો કોઈ પાર નહતો. પછી તો બસ સવાર-સાંજ, દિવસ-રાત, ઉઠતા-જાગતા, સપનાઓમાં, વિચારોમાં, યાદોમાં, ખ્યાલોમાં, કોઈ રોમાન્ટિક ફિલ્મ કે ગીતની નાયિકા ના રોલમાં બસ તું જ દેખાયા કરે છે. કદાચ તું જ સર્વસ્વ બની ગઈ છે મારા જેવા પાગલ પ્રેમી માટે..અને હા હું પાગલ જ બની ગયો છું તારા પ્રેમમાં. સાચું કહું આવો પ્રેમ તો કોઈ પાગલ જ કરે ને. બાકી સમજદારો અને બુદ્ધિમાનો તો ફક્ત મતલબ પૂરતી જ વાત કરતા હોય છે, પણ હું મારી વાત કરું કે હવે તો તને જોયા વગર ની એક એક પળ, એક એક ક્ષણ કેવી રીતે જાય છે એની તલબ અને તરસ તો મારા આ નાજુકડા હૃદય ને જ ખબર છે. તારા વગર હું મારી જાત ની કલ્પના પણ નથી કરી શકતો. આમ તો તારા માટે મેં ઘણું બધું લખ્યું છે પણચાર લાઇન અત્યારે કહું છું..

મારી આંખો ની ચમક અને એ ચમક ની રોશની છે તું,

મારા દિલની ધડકન અને મારા હાથો ની રેખા છે તું,

મારી સવારની તાજગી અને રાતની ચાંદની છે તું,

પછી કેવી રીતે ના કહું કે મારી જાન છે તું..

હા તું મારી જાન જ છે, જરા પણ તારાથી દૂર રહેવાનું હું વિચારી પણ નથી શકતો. કાયમ તારી સાથે રહેવું છે. મારે તારી સાથે જીવવું છે. તારી બાહોમાં મારે ઝૂમવું છે, તારા હાથની મહેંદી માં મારે સમાઈ જવું છે. તારી રગે-રગમાં, તારા રોમ-રોમમાં, તારા હૈયાના હર એક ખૂણામાં, તારા શ્વાસોમાં મારે પ્રસરી જઉં છે. અને સાંભળ , મારે તારી સાથે વૃદ્ધ પણ થવું છે..કદાચ હું જે કહેવા માગું છું એ તું સમજી ગઈ હોઇશ. આજ માટે આટલી વાતો સોરી આટલો પ્રેમ પૂરતો છે. હું તારા જવાબની રાહમાં છું ..I LOVE YOU JAAN "

- તારો અને ફક્ત તારો રોહિત

" તો આ હતો એક 16 વર્ષના છોકરાનો નવો નવો પ્રેમ. નિર્દોષ પ્રેમ. ખરેખર એ પ્રેમ હતો કે આકર્ષણ એ જાણવું અઘરું છે. જે પણ હતું એ સહજ હતું. એ જે ફિલ કરતો હતો એણે એ બધું લખી દીધું. એને એના પ્રેમને પામી લેવો હતો. કદાચ પ્રેમ જેટલી પવિત્ર વસ્તુ કોઈ જ નથી આ જીવનમાં. પણ જો એ સાચો અને નિઃસ્વાર્થ હોય તો. પ્રેમ ક્યારેય એકલો નથી આવતો. એ એની સાથે ઘણો બધો ખજાનો લઈને આવે છે. અપેક્ષાઓ, લાગણીઓ, સપનાઓ, ખુશીઓ, એકબીજાની કાળજી, માન-સન્માન, કદર, સમજણ, વિશ્વાસ, અધિકાર ભાવ, રિસાવું, મનાવવું, વિરહ, વેદનાઓ, પીડા, દર્દ. આ બધું પ્રેમ સાથે બાય પ્રોડક્ટ આવે. જ્યાં પ્રેમ હોય ત્યાં અપેક્ષાઓ આપોઆપ પહોંચી જાય. જ્યાં પ્રેમ હોય ત્યાં જ કોઈ અધિકાર ભાવ રાખે. એટલે કહેવાનો અર્થ કે પ્રેમ એ આખું પેકેજ જેવું છે. દરેક ના નસીબમાં નથી હોતો પ્રેમ. પ્રેમ મળે તો એની કદર કરજો. એને સાચવજો. તો હવે આગળ સ્ટોરી જોઈએ. "

પ્રેમપત્ર વંચાઇ ગયો. તમે કલ્પના કરી શકો કે રિયા કેટલી ખુશ હશે. જે જોઈતું હતું એ સામે ચાલી ને આવ્યું છે..કદાચ કોઈ માણસ માટે આનાથી વધારે ખુશી ની ક્ષણ ના હોઈ શકે. આપણે જેને પ્રેમ કરતા હોઈએ અને એજ વ્યકિત આપણને પણ પ્રેમ કરતું હોય એવું જાણ્યા પછી ની જે અનુભૂતિ છે આહાહા...કદાચ આનાથી વધારે સુખ બીજું શું હોઈ શકે..

11મું ધોરણ પતી ગયું, બન્ને એ વેકેશન માં મળવાનું નક્કી કર્યું, દિવસ, જગ્યા અને ટાઈમ ગોઠવાઈ ગયો. છેવટે એ બન્ને મળ્યાં, આમ પણ સ્કૂલમાં તો મળતા જ હતા પણ અત્યારે કોઈ નો ડર નહતો. આજે કઈ માહોલ જ અલગ હતો, વાતાવરણ પણ પોતે પ્રેમની સુગંધ થી ખીલી ઉઠ્યું હતું. આજે બે પંખીડાઓ પ્રેમનો કલરવ કરવા ભેગા થયા હતા. પ્રેમ કરવા માટે ફક્ત આંખો જ કાફી હતી, શબ્દો ની જરૂર નહતી. બન્ને ની આંખોમાં પ્રેમ છલકાતો હતો. અને એ ક્ષણ આવી. હા એજ. જેની બન્ને જણે રાહ જોઈ હતી. 16 વર્ષની ઉંમર ના બે પ્રેમીઓનો નિર્દોષ પ્રેમ હવે વધું ગાઢ બનવાનો હતો. જ્યારે વાતો કરવા માટે શબ્દો ખૂટી જાય ત્યારે શરીર વાતો કરતું હોય છે. રોહિત અને રિયા સામસામે ઉભા હતા, નજીક આવ્યા. એકબીજા ના શ્વાસોના અવાજ સંભળાય એટલા નજીક. રોહિત નો હાથ રિયાની કમર પર, રિયાનો એક હાથ રોહિતના ખભા પર. આંખો બંધ થઈ. બાકીનું કામ હોઠો એ કર્યું. બન્ને એક બીજામાં ખોવાઈ ગયાં. આજુ બાજુ શુન્યતા સર્જાઈ ગઈ. હવા થંભી ગઈ. ગરમ હોઠો નો ભીનો સ્પર્શ આખા શરીરમાં ફેલાઈ ગયો. બે મિનિટ..ત્રણ મિનિટ..હળવેક થી રોહિત છૂટો થયો. આંખો ખુલી. બન્ને હસ્યાં. થોડો શ્વાસ લીધો. એટલામાં રિયા બોલી.

" રોહિત, ફરી વાર ! "

" બસ રિયા ડાર્લિંગ, પહેલી વારમાં આટલું જ બસ છે "

" રોહિત પ્લીઝ, આવું શું કરે ? "

" બસ કીધું ને અને બીજી વા...."

રોહિત એની વાત પૂરી કરે એના પેહલા જ રિયા એની બાહોમાં ફેલાઈ ગઈ. અને રોહિતને ફરી વ્હાલી વ્હાલી કરવા લાગી..ગાલ પર..કપાળમાં..રોહિત ની બંધ થઈ ગયેલ આંખો પર..અને છેલ્લે હોઠો પર લાંબી કિસ કરીને એ ખુશ ખુશ થઈ ગઈ..

" બસ ખુશ હવે !" રોહિત બોલ્યો

"હા એકદમ ખુશ" રિયા હસતા હસતા બોલી..

રિયા અને રોહિત જે જગ્યા એ હતા એ જગ્યા એ બધા આવું જ કરતા હતા એટલે કોઈની શરમ પણ નહીં, અને પ્રેમ કરવામાં પાછી શેની શરમ.. કહેવાની જરૂર ખરી કે એ જગ્યા કઈ ?? સારું કહી દઉં ચલો..અરે રિવરફ્રન્ટ જ હોય ને..પછી બન્ને જણ રિવરફ્રન્ટ ની પાળી પર જઈને બેઠા. બધા આમને જોઈને વિચારતા હશે કે આ નાનકડું કપલ અહીંયા ક્યાંથી..પણ આ બન્ને તો એકબીજા માં જ ખોવાયેલ હતા..બન્ને એ અઢળક વાતો કરી.

"રોહિત તને શું કરવું ગમે ?" રિયા એ રોહિત નો હાથને પકડી ને પૂછ્યું.

" તને કાયમ દેખતા રહેવું " રોહિતે આંખોમાં આંખ નાખીને કીધું.

" બોલને યાર, સિરિયસલી.. આવું શું કરે પ્લીઝ કહે ને.." રિયા એ જીદ કરીને પૂછ્યું.

" મને વાંચવાનો બહુ જ શોખ છે. અને લખવાનો પણ. મેં અત્યાર સુંધી ઘણી બધી નોવેલ વાંચી લીધી છે. એમાં મારી ફેવરિટ છે "નોર્થપોલ". બહુ મસ્ત છે. તારે પણ વાંચવી જોઈએ. ચલ તું તારી વાત કર. તને શું કરવું ગમે ? " રોહિતે પૂછ્યું..

" સાચું કહું મને જ ખબર નથી કે મને શું કરવું ગમે છે " રિયા એ હસી કાઢયું..

" તો તું કરે છે શું આખો દિવસ ? "

" બસ, તને યાદ " રિયા રોમેન્ટિક અવાજમાં બોલી.

" ઓહ, એટલે જ મને રોજે આટલી હેડકીઓ આવે છે, મને હેરાન ના કર આવી રીતે હોં તું.."

" જાને, હું તો કરીશ જ " રિયા હક જતાવતી હતી રોહિત પર.

બન્ને થોડી વખત ચૂપ રહ્યા. પાણીના ખડખડ અવાજને સાંભળી રહ્યા હતા. આંખો પાણી પર જ સ્થિર હતી.. દિમાગ પણ સુન્ન હતું. દિલમાં વાતો ઘણી હતી પણ અત્યારે કઈ યાદ નહતું આવી રહ્યું. રોહિતે રિયાનો હાથ પકડ્યો. બન્નેની નજર પાણી પર જ હતી..

" હં " રિયા બોલી અને રોહિત ની સામે જોયું.

" એક વાત પૂછું ? " રોહિત ધીમા અવાજે આંખોમાં આંખ નાખીને બોલ્યો..

" એક નહિ બે પૂછ પાગલ. "

" કેટલો પ્રેમ કરે છે મને ? "

રિયા કંઈ ન બોલી, એણે નજર પલટી દીધી. વહેતા પાણી તરફ જોવા લાગી. રોહિત પણ ચૂપ જ હતો. રોહિતને મનમાં થતું હતું કે શીટ યાર આવું નહતું પૂછવાનું. હવે શું વિચારશે એ ? અને એટલામાં જ..
રિયાએ રોહિતને પોતાની તરફ ખેંચી લીધો અને બન્ને ખભા પર હાથ મૂક્યા. નાક સાથે નાક અડાવ્યું અને બોલી..

" પાગલ, મને પ્રેમ કરતા આવડે છે માપતા નહિ..એટલે હવેથી "કેટલો" પ્રેમ કરે છે આવો સવાલ ના પૂછતો..હં.." રિયા નાક ફુલાવીને રિસાવાના નાટક કરવા લાગી..

" સારું મેડમ, નહિ કરું હવે આ સવાલ બસ. સોરી. કાન પકડું ? તું કહે તો ?? " રોહિતે એને વધારે પડતો ભાવ આપ્યો..

" ના મારી જાન ના , તું ખાલી મને પ્રેમ કર બીજું કંઈ નહીં."  રિયા હસતાં હસતાં બોલી..

" પહેલી પહેલી બાર મહોબ્બત કી હૈ, કુછ ના સમજમેં આયે મેં ક્યા કરું.." રોહિત ગીત ગાવા લાગ્યો..

રિયા એના સામે જોઈને હસી રહી હતી

"તું ગા આગળ." રોહિતે કીધું.

" ઇશ્કને મેરી ઐસી હાલત કી હૈ, કુછ ન સમજમેં આયે મેં ક્યા કરું" રિયાએ મુખડું પૂરું કર્યું..

બન્ને હસવા લાગ્યાં. ફરી ભેટી પડ્યા.

" એય રોહિત " રિયા ધીરા અવાજે બોલી

" બોલો હવે શું " બન્ને એક બીજાને ભેટેલા જ ઉભા હતા..

" એક વાત કહું ? "

" બોલ "

" સારું જવાદે "

" બોલ ને હવે, નહિ તો અહીંયાથી ડાયરેકટ મારા ઘરે લઈ જઈશ. "

"ઓહ, લઈ જવા માટે પહેલા તારે મારા પપ્પાની પરમિશન લેવી પડે." રિયા હસવા લાગી

"તું મારી છે, બીજા કોઈની નહિ. બોલ હવે શું કહેતી'તી ? "

" તું ક્યારેય બદલાતો નહિ હો ને "

" વિશ્વાસ રાખ "

" કાયમ રહેશે, આઈ લવ યુ રોહિત એન્ડ આઈ કાન્ટ લિવ વિથ આઉટ યુ.."

" આઈ લવ યુ ટુ રિયા, સારું ચલ હું તને કંઈક સંભળાવું. " રોહિત હવે આ સેન્ટી મૂડ ને બદલવા માંગતો હતો..

રોહિતે રિયાના રૂપ અને સૌંદર્ય પર લખેલી બે ત્રણ કવિતા સંભળાવી. પણ રિયા તો રોહિત ની આંખોમાં જ ડૂબેલી હતી..

" ઓહ હેલ્લો ! ક્યાં ધ્યાન છે તારું ? " રોહિતે પૂછ્યું

" અરે તું બોલને મારી જાન.."

" પાગલ...પાગલ...આ છોકરી સાચે માં પાગલ થઈ ગઈ છે. " રોહિત હસતા હસતા બોલ્યો..

" તું પાગલ હોઇશ, હં.." રિયા ફરી રિસાવાના નાટક કરવા લાગી

" ઓહોહો..માલા દિકું ને ના ગમ્યું. સારુ ચલો ફરી વ્હાલી વ્હાલી કરીએ.."

બન્ને હસી પડ્યા. અને ઘરે જવા માટે ઉભા થયા. બન્ને ફરી ભેટ્યા એક બીજાને. ફરી મળવાનો વચન વાયદો અપાઈ ગયો. રિયા ઘર તરફ ચાલી ગઈ એની પેહલા એક વાર પાછળ ફરીને રોહિત સામું જોઈ લીધું અને હસતી હસતી ચાલી ગઈ. રોહિત પણ એને જોતા જોતા હસતો હસતો મનમાં મરીઝ સાહેબ નો શેર બોલતો હતો.

" બધો આધાર છે એના જતી વેળા ના જોવા ઉપર નો,

મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ "

અને રોહિત પણ એના ઘર તરફ ચાલ્યો ગયો. વેકેશન હવે એક બીજાના વિરહમાં જ વિતાવવાનું હતું..હવે રોહિતે વિરહ પર કવિતા લખવાની ચાલુ કરી હતી. એના મનમાં બસ એમ જ કે ક્યારે આ વેકેશન પતે અને રિયા ને જોઈ શકે, મળી શકે, વાતો કરી શકે..ઇન્તજાર ખતમ થયો. વેકેશનના બે મહિના ઝડપથી નીકળી ગયા. 12મું ધોરણ, બોર્ડનું વર્ષ શરૂ થયું..અને ફરી એ લવ લેટર ની આપ- લે શરૂ થઈ. પ્રેમ વધ્યો, સાથે અપેક્ષાઓ વધી. નાના નાના ઝઘડા થવા લાગ્યા, જો કે નોર્મલી વાતો પર.. સમજણ નો અભાવ. વધારે અપેક્ષાઓ, ઓછી સમજણ એટલે ઝઘડો તો સ્વાભાવિક છે..પણ તો પણ પ્રેમ એટલો કે એક બીજા વગર ચાલે નહિ..સમય નદી ની જેમ સડસડાટ વહેતો જતો હતો. બન્ને એક બીજા ને ભણવામાં ટક્કર આપે એવા હતા. હોશિયાર હતા. જોતજોતામાં દિવાળી આવી ગઈ. હવે દિવાળી નું વેકેશન. વેકેશન પહેલાના આગળના દિવસે રોહિતે છેલ્લો લેટર આપ્યો અને મળવાની વાત કરી. રિયા ઘરે જઈને વાંચશે અને મળવા આવશે જ એવો એને વિશ્વાસ હતો. રિયા ને થોડો ખચકાટ હતો. એણે ફિક્કું સ્માઈલ કર્યું. એ કઈક છુપાવતી હોય એવું લાગ્યું. રોહિત કઈ પૂછે એ પેહલા તો એ જતી રહી. રોહિત ને થોડું અજુગતું લાગ્યું. પણ રોહિતે એવું માની લીધું કે હવે છેક 1 મહિના પછી મળીશું એટલે કદાચ રિયા સેડ હશે..રોહિત મન મનાવી ને ઘર તરફ વળ્યો..

ફરી કવિતાઓ લખવાનું ચાલુ. વિરહની. પ્રેમની. યાદોની. સપનાઓની. વિચારોની. રોહિત ઘરે ગુમસુમ રહેતો. કોઈ સાથે કામ વગરની વાત નહીં. બસ એ , એની કવિતાઓ અને રિયાની યાદો. પ્રેમમાં પડ્યા પછી પ્રેમિકા ની યાદોમાં ખોવાઈ રહેવાની જે મજા છે એ જે પ્રેમમાં પડ્યા હોય એને જ સમજાય. પ્રેમમાં પડવું એ જગતની સૌથી બેસ્ટ ફીલિંગ છે. એ જેણે પ્રેમ કર્યો હોય, પ્રેમના એહસાસ ને જેણે માણ્યો હોય એને જ સમજાય.

બીજી તરફ રિયા મૂંઝવણમાં હતી. મનમાં ને મનમાં વિચારતી હતી કે એને કેવી રીતે કહીશ ? શું કહીશ ? એ માનશે કે નહીં ? છેવટે એણે નક્કી કર્યું...

લેટરમાં જે દિવસે મળવાનું નક્કી કર્યું હતું એ દિવસ આવ્યો. રોહિત તૈયાર થઈ ને અડધો કલાક પહેલા એ જગ્યાએ પહોંચી ગયો.. હા એ જ જગ્યા . રિવરફ્રન્ટ..રિયાની રાહ દેખાઈ રહી હતી. હમણાં આવશે, રસ્તામાં જ હશે, અરે..આવતી જ હશે.. આવું કહીને રોહિત પોતાના મનને આશ્વાસન આપી રહ્યો હતો..બે કલાક થઈ ગયા. કોઈ ન આવ્યું. તોય રોહિત હજી પણ રાહ જોઇને ઉભો હતો. સાંજના 5 વાગ્યા..કોઈ ફરક્યું નહિ. રોહિત ગુસ્સે થઈને ઘરે જતો રહ્યો. રિયા એ મળવા ના આવવાનું નક્કી કર્યું હતું. રોહિત બે દિવસ કંઈ જમ્યો નહિ..મનમાં મૂંઝવણો અને સવાલો પેદા થવા લાગ્યા. વિરહ વધ્યો સાથે થોડું દર્દ પણ..

સમય ઝડપથી પસાર થઈ ગયો. દિવાળી ની રજાઓ પુરી થઈ. સ્કૂલ શરૂ થઈ. રોહિત તો રિયા ને મળવા માટે અને એને દેખવા માટે તલપાપડ થઈ રહ્યો હતો. મનમાં થોડો ગુસ્સો હતો પણ પ્રેમ એના કરતાં હજાર ગણો વધારે. એની બે આંખો બીજી બે આંખો ને શોધી રહી હતી. રોહિત ક્લાસમાં ગયો. રિયા આવી નહતી. "હજી કેમ નથી આવી" રોહિત મનમાં બબડયો. દસેક મિનિટ પછી રિયા આવી..ચૂપચાપ એની બેન્ચ પર જઈને બેસી ગઈ..રોહિત ને એમ કે હમણાં એ દેખશે મારી સામે, હમણાં દેખશે.. પહેલો લેક્ચર પત્યો, બીજો, ત્રીજો, રિસેશ પડી..પણ રિયા એ એક પણ વાર રોહિત ની સામે ના જોયું. રોહિત તો રઘવાયો રઘવાયો થઈ ગયો. અરે આને અચાનક શું થઈ ગયું. કેમ મારી સામે દેખતી નથી ? કેમ કઈ બોલતી નથી ? બે યાર..આને શું થયું ? શીટ યાર કોઈક તો આને પૂછો કેમ આવું કરે છે..યાર કઈક તો કહે મને..શું થયું છે આમ અચાનક ??

ઘણા સવાલ હતા. જવાબમાં ફક્ત "મૌન" મળ્યું. રોહિત હેરાન પરેશાન થઈ ગયો. એની આંખોમાં બેચેની દેખાઇ આવે એવી હતી. આજે દિલ રડી રહ્યું હતું. આંખો લાલ થવા લાગી. પસીનો છૂટવા માંડ્યો.

"જ્યારે કોઈ પોતાના ને ગુમાવવા નો ડર પેદા થાય ને ત્યારે માણસ પોતાનું ભાન ગુમાવી બેસતો હોય છે. "

રોહિતે રિયાની ફ્રેન્ડ ને પૂછ્યું, " અરે યાર તું પૂછ ને રિયાને, શું થયું છે એને ? કેમ કઈ બોલતી નથી ? "

જવાબ ત્યાં થી પણ ના મળ્યો..રિયા જીંદા લાસ ની જેમ બેસી રહી હતી. કઈ બોલતી નહતી. જ્યારે કોઈ પોતાનું ઇગ્નોર કરે ને ત્યારે માણસ અંદરથી તૂટવા માંડે. રોહિત પણ અંદરથી તૂટવા માંડ્યો. આંખો આઘાતમાં હતી. પણ થોડી વાર પછી એ શાંત પડ્યો. એણે એક કાગળ લીધો. એમાં એણે કઇક લખ્યું. અને રિયા ના હાથમાં એ લેટર પકડાવી જતો રહ્યો. રિસેશ પુરી થઈ. રિસેશ પછી રોહિતે ભણવામાં ધ્યાન આપ્યું. આગળ બોર્ડ ની પરીક્ષા આવે છે એનું એને ભાન હતું. સ્કૂલ છૂટી. રોહિત ઘરે જતો હતો. એણે દૂરથી જોયું રિયા કોઈ છોકરા જોડે હસી હસી ને વાતો કરતી હતી. રોહિતે કંઈ બહુ ધ્યાન ન આપ્યું. અને મનમાં વિચારતો વિચારતો જતો રહ્યો કે ક્લાસમાં આખો દિવસ ચુપચાપ બેસી રહેવાના શું એ નાટક કરતી હશે. રોહિતે આગળ ન વિચાર્યું. "તમે વિચારી શકો."

રિયા એ ઘરે જઈ રોહિત નો લેટર વાંચ્યો. અંદર મોટા અક્ષરથી લખ્યું હતું. " રિયા તને શું થયું છે આમ અચાનક ?? " બીજા દિવસે રિયા લેટર નો રીપ્લાય લઈને આવી હતી. એણે એની ફ્રેન્ડ ના હાથથી રોહિત ને મોકલાવી દીધો. રોહિતે ઘરે જઈને લેટર વાંચવાનું નક્કી કર્યું. આજે પણ ક્લાસમાં રિયા રોહિતની સામે દેખતી જ નહતી. જે આંખો કાયમ રોહિતની આંખોમાં ડૂબેલી રહેતી હતી એ આજે એના તરફ ફરકતી પણ નહતી. રોહિત ઘરે પહોંચ્યો. ચોપડા વચ્ચે લેટર મૂકી ને વાંચવા લાગ્યો.

" સોરી, સોરી ,સોરી , સોરી...પ્લીઝ પ્લીઝ યાર, રોહિત તું મને માફ કરી દે. મેં તને બહું જ હર્ટ કર્યું છે. પ્લીઝ તું મને માફ કરી દે..પણ શું કરું હું મજબુર છું. પ્લીઝ તું મને ભૂલી જા હવે..હવે આપણે નહિ મળી શકીએ..

આટલું વાંચતા જ રોહિત નું હૃદય ધબકારા ચુકી ગયું, આંખો બંધ થઈ ગઈ. એને આખો ખેલ સમજાઈ ગયો. લેટર વાળી દીધો અને હાથમાં છુપાઇ દીધો. બંધ આંખોમાં જ્વાળાઓ ભળકે બળી રહી હતી. શરીર ઠંડું પડવા મંડયું. છાતી પર ભાર લાગવા માંડ્યો. ડૂમો ભરાઈ ગયો, આંસુ આંખોમાં જ વહી ગયા. એણે હિમ્મત કરી ને લેટર ખોલ્યો, આંખો ખોલી અને આગળ વાંચ્યું.

" આપણા ક્લાસમાં જે રઘુ નામનો છોકરો છે એણે આપણું બધું જ ઘરે કહી દીધું છે. મને મારા મમ્મી પપ્પા એ ઘણી ધમકાવી અને મને મારી પણ ખરી. એની પેહલા મને સમજાવી પણ ખરી કે આવી વાતો લોકો ને ખબર પડશે તો સમાજમાં આપણી ઈજ્જત શુ રહેશે. કોઈ છોકરો તને પરણવા તૈયાર નહિ થાય. પણ હું માની જ નહીં..એટલે મારી મમ્મી એ મને મારી અને મારા પપ્પા એ મને લાસ્ટ વોર્નિંગ આપી દીધી છે કે હવે આવું કઈ સાંભળવા મળશે તો ટાંટિયા તોડી ને ઘરમાં બેસાડી દઈશ..પ્લીઝ યાર હવે મને ડર લાગે છે, પ્લીઝ તું મને ભૂલી જા. આપણે ક્યારેય એક નહિ થઈ શકીએ. રોહિત, તું ખુશ રહેજે..bye..સોરી..."

અને રોહિત રડી પડ્યો.. એ તો સારું છે એના ઘરે થી બધા બહાર ગયેલા તો ઘરે કઈ ખબર ના પડી. પણ રોહિત ની હાલત અત્યારે અવર્ણનીય હતી. રોહિત ની નાવ મધદરિયે આવી ને ડૂબી ગઈ હતી. સાથે રોહિત અને એનો પ્રેમ પણ ડૂબી ગયો. દર્દ કઈક એવું હતું કે કોઈને કહેવાય એવું નહતું. સહેવાય એવું પણ નહતું. આંખો સુજી ગઈ હતી. ભૂખ તો કાયમ માટે મરી ગઈ હોય એવી એની હાલત હતી. રોહિત બેડ માં પગનું ટૂંટિયું વાળી ને આડો થઈને પડી રહ્યો. આંખોથી નીકળેલા આંસુ ના નિશાન હજુ ગયા નહતા. ઊંઘ ક્યારે આવી ગઈ ખબર પણ ના પડી. લેટર હાથમાં જ હતો. થોડી વારમાં રોહિત ઉઠ્યો. ઠંડા પાણી થી મોઢું ધોયું. અને એના દોસ્ત રાહુલ સાથે બહાર ગયો. રોહિત પોતાની અને રિયાની બધી વાતો રાહુલ ને કહેતો. રાહુલ ને બધી વાત ખબર હતી. રોહિતે આ નવી વાત પણ રાહુલ ને જણાવી. રાહુલ સાંભળી ને શૉક થઈ ગયો. રાહુલ પણ સમજદાર હતો અને હોશિયાર હતો. એણે રોહિત ને સમજાવ્યું કે અત્યારે આવી રીતે બેસી રહેવાથી અને રોદણાં રોવાથી કોઈ મતલબ નહિ. જે થવાનું હતું એ થઈ ગયું. આગળ આખું તારું કરિયર પડ્યું છે. એના વિશે વિચાર. તારા મમ્મી પપ્પા એ તારા માટે જોયેલા સપનાઓ વિશે વિચાર. તું તારા સપનાઓનું વિચાર. કોઈ વ્યકિત આપણી દુનિયામાંથી દૂર થઈ જાય તો આપણી આખી જિંદગી ખતમ નથી થઈ જતી. જીવન આપણું છે એને આપણી રીતે જ જીવાય. કોઈ એક વ્યકિતને આપણા જીવવા માટે નું કારણ ના બનાવી દેવાય. આ માણસ જાત છે. હલકામાં હલકી. એ બધું છોડ તું અત્યારે, એક ખરાબ અનુભવ ગણીને આ વાત ને ભૂલી જા. અત્યારે આપણે એક્ઝામ પર ફોકસ કરવું જોઈએ. આપણી પ્રાયોરિટી એજ છે. હવે રોહિત ને એ વાત સમજાઈ ગઈ હતી કે આ સમયે દિલ થી નહિ દિમાગ થી કામ લેવું પડશે. આગળ બોર્ડ ની એકઝામ આવે છે. જો હું આ રીતે જ કરીશ તો એક વર્ષ મારુ બગડશે. એણે નક્કી કર્યું જે થવાનું હતું એ થઇ ગયું. અત્યારે બોર્ડની એકઝામ મહત્વની છે. એના પર ધ્યાન આપવુ એજ સમજદારી છે. રોહિત ગમ ખાઈ ગયો. ગુસ્સો ગળી ગયો. દર્દ સહી ગયો. આઘાત પચાવી ગયો. અને બસ..ભણવા પર ફોક્સ આપ્યું.

બોર્ડની એકઝામ પૂરી થઈ. એના બધા પેપર સારા ગયા હતા. સાથે સાથે કવિતાઓ પણ લખતો જ હતો. પણ હવે એની કવિતાઓમાં દર્દ હતું. એક ગુસ્સો હતો. આગ હતી. આઘાત હતો. અને નફરત હતી. એ ખૂબ વાંચતો. રાત ભર જાગી જાગી ને એ નોવેલો વાંચતો. બસ બે જ કામ. વાંચવાનું અને લખવાનું..સમય ઝડપથી પોતાનું કામ કરી રહ્યો હતો. રોહિત કોલેજ ના પેહલા વર્ષમાં આવી ગયો. બી.એ વિથ ગુજરાતી લિટરેચર એણે લીધું હતું. કોલેજ શરૂ થઈ. નવા મિત્રો બન્યા. નવા અનુભવો થયા. નવા કોન્ટેકટ થયા. પણ હવે ફરીથી પ્રેમ ના થયો. એનો મતલબ એ નહિ કે રોહિત દુ:ખી આત્મા ની જેમ ફરતો હતો. રોહિત પહેલાનું બધું ભૂલી ગયો હતો. એ ખુશ હતો એના કામથી. એને સારા મિત્રો પણ મળ્યા હતા. એની ઈચ્છા ગુજરાતી ના પ્રોફેસર બનવાની હતી. એની તૈયારીમાં એ લાગેલો જ હતો. ઘરે થોડું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પણ વાંચતો.

જોતજોતામાં કોલેજ ના ત્રણ વર્ષ પતી ગયા. એણે એમ.એ પણ પૂરું કર્યું. હવે ઘરેથી લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. રોહિત તૈયાર હતો. ઘરે એના મમ્મી પપ્પાના ધ્યાનમાં એક છોકરી હતી જ. રોહિતે કોઈ પૂછપરછ ના કરી. જેમ ઘરે કીધું એમ બધું માની લીધું. છોકરી વિશે પણ કઈ ના પૂછ્યું. એને વિશ્વાસ હતો કે મમ્મી પપ્પા ની પસંદ છે એટલે કોઈ વાંધો નહિ આવે. રોહિત અને એના મમ્મી પપ્પા છોકરી ને જોવા માટે અને મળવા માટે એના ઘરે ગયા. સામે પક્ષે બધી તૈયારી કરેલી જ હતી. એક સોફા પર રોહિત અને એના મમ્મી પપ્પા બેઠા હતા. બીજા સોફા પર છોકરી ના મમ્મી પપ્પા. રોહિત ની "પૂછપરછ" ચાલી રહી હતી. રોહિત નો સ્વભાવ સામે પક્ષે ગમી ગયો હતો. એ Ph.d કરી રહ્યો છે એ જાણી ને એમને વધારે આનંદ થયો. હવે હિન્દી ફિલ્મોમાં જે પ્રમાણે હોય એ રીતે છોકરી ટ્રે માં ચા લઈને આવવાની હતી. સાથે એની એક ફ્રેન્ડ હતી. જે એને દૂરથી સતાવતી હતી. હાથ ધ્રુજતા હતા. છોકરી એ દુપટ્ટો ઓઢેલો હતો. રોહિત સિવાય દરેક ની નજર છોકરી પર હતી. રોહિત ફોનમાં કંઈક ટાઈપ કરી રહ્યો હતો.

" દેખો આ છે અમારી દીકરી રિયા ." હરખથી ભરાઈને રિયાના મમ્મી બોલ્યા.

રોહિતે ઉંચે જોયું અને એના હોશ ઉડી ગયા.

રિયા એ રોહિત ની સામે જોયું. એ પહેલી વખત અને છેલ્લી વખત. એની કોઈ તાકાત નહતી કે ફરી રોહિત ની આંખમાં આંખ મળાવી શકે. એના રુંવાડા ઉભા થઇ ગયા. ધડકનો વધી ગઈ. પસીનો છૂટી ગયો. મેક અપ ના પડ ઉતરી ગયા. શણગાર વિખરાઈ ગયો. આંખો સ્તબ્ધ થઈ ગઈ. મોઢું ચોંટી ગયું. અને એ પૂતળું બનીને ઉભી રહી.

બીજી બાજુ રોહિતની આંખો રિયા પર ચોંટી ગઈ. એને ઘણું બધું યાદ આવી ગયું. સ્કૂલ યાદ આવી. સ્કૂલ ની એ બેન્ચ યાદ આવી. લવલેટર યાદ આવ્યાં. રિવરફ્રન્ટ યાદ આવ્યું. ભુલાઈ ગયેલી યાદો દર્દ સાથે પાછી મળવા આવી હતી. પણ આજે એ મૌન હતો. દિલ રડતું હતું. આંખો ને આજે આરામ હતો. એની પાસે કોઈ શબ્દો નહતા. બોલી પણ શું શકે ? શું મળવાનું એને કોઈને બદનામ કરીને ?

" સારું હવે આપણે આ બન્ને ને એક બીજા ને જાણી લેવા માટે થોડો સમય આપીએ. ઉપર નો રૂમ ખાલી જ છે. રિયા તું રોહિત ને લઈજા ઉપર. બન્ને એક બીજા ને જે પૂછવાનું હોય એ પૂછી લેજો હોં " રિયા ના પપ્પા એ આદેશ કર્યો.

" હમ્મ " રિયા આટલો જ શબ્દ બોલી શકી.

રોહિત ઉભો થયો. એને તમાશો નહતો બતાવવો. એને ભાન હતું કે એ કોઈ બીજા ના ઘરમાં છે. એણે મર્યાદા સાચવી લીધી. બન્ને ઉપર ગયા. બાલ્કની પાસે ઉભા રહ્યા. બન્ને વચ્ચે બે ફૂટનું અંતર હતું . કયા હકથી સાથે ઉભા રહે. શું વાતો કરે. બન્ને નિ:શબ્દ હતા. રિયા તો હમણાં રીતસરની રડવાની જ હતી. બન્ને ચૂપ હતા. હવાનો અવાજ સાંભળી શકાતો હતો. એટલામાં એક તીણો અવાજ બહાર આવ્યો.

" સોરી રોહિત." રિયાથી માંડ બોલાયું અને આંસુઓની નદીઓ ચાલું.

સામે રોહિત નિઃશબ્દ હતો. શાંત હતો. આંસુ તો એના પણ વહેલા. એ મનમાં બોલી રહ્યો હતો.

પાણીથી છૂટી પડી ગયેલી માછલી પાણી વગર જેમ તડપે એમ તારી યાદોમાં દિવસ રાત હું તડપતો'તો, ત્યારે તું ક્યાં હતી ?

વરસતાં વરસાદમાં ઘાયલ હદય સાથે રસ્તામાં એકલો ઉભેલો , એજ એકલતાથી મારી આંખો છલકાતીતી, ત્યારે તું ક્યાં હતી ?

એવા જ આંસુ ને તારી આંખોમાંથી નીકળતા જોઉં છું હું, પણ મને કોઈ ફરક નથી, કોઈ દયા નથી,

આંસુ તો મારા પણ વહેલા અંધારી રાતે, ગરજતાં વાદળમાં તને યાદ કરી ડૂસકાં ભરતોતો, ત્યારે તું ક્યાં હતી ??

" સારું ચૂપ થઈ જા, કોઈ જોઈ જશે તો જવાબ આપવો ભારે પડશે. મારે કંઈક પૂછવું છે તને. એના જવાબ તારે આપવાના છે." રોહિતે ફોરમાલિટી પૂરતી સાંત્વના આપી.

" હા બોલ શું પૂછે છે ? " રિયા આંસુ લૂછતાં લૂછતાં બોલી.

" સારું તો સાંભળ " રોહિતે બેટિંગ ચાલુ કરી.

જે કર્યા'તા તે કાયમ સાથે રહેવાના વાયદા, ઓ સનમ,

હવે મળી છે વર્ષો પછી તો કહે, એ વાયદાનું શુ થયું ?

કયારેય છોડીને ના જવાની સોગંદ ખાધેલી તે, યાદ છે !

તું ભલે ને છોડી ને જતી રહી, પણ પેલી સોગંદ નું શુ થયું ?

સાથે જીવવા મરવા ના સપના જોયેલા ને તે , હેં ને !

હું હકીકતમાં પૂછું છું તને, એ સપનાઓનું શુ થયું ??

એ તારી રીત હતી પ્રેમ કરવાની કે ખાલી ટાઈમપાસ, તું કહે મને,

જે કરી'તી પ્રેમપત્રોમાં પ્રેમભરી વાતો, એ વાતોનું શુ થયું ?

અને આપી જ દે હવે તું મારા બધા સવાલો ના જવાબ,

નહિ તો હું ફરી પૂછીશ કે મેં માંગેલા જવાબનું શું થયું ?

રિયા ચૂપચાપ બધું સાંભળી ગઈ, શું જવાબ આપતી એ? બન્ને દુઃખી હતા. બન્ને મૌન હતાં. રિયાનું મગજ સુન્ન થઈ ગયેલું. રડી રડી ને આંખો લાલ થઈ ગઈ હતી. રોહિત સ્થિતપ્રજ્ઞ ની જેમ ઉભો હતો.

" તારા એક એક સવાલ મારા માટે કાંટાથી ભરેલા રસ્તા સમાન છે, પણ પ્લીઝ, મારા વિશે કંઈ ખોટું ના વિચારતો. " રિયા સોરી ભાવે બોલી

" વિચારવાનું છોડી દીધું છે. " રોહિતનો જવાબ હાજર હતો.

" આટલી બધી નફરત ? " રિયાની આંખો ભીની હતી

" મારો ક્યારેય વિચાર ના આવ્યો તને કે મારી શું હાલત હશે ? હું જીવું છું કે મરી ગયો એવું ક્યારેય જાણવાની તે કોશિશ કરી ખરી ? તે મને I Can't Live without you કિધેલું, એનો મતલબ ખબર પડે છે તને ? પ્રેમ કરેલો એકબીજાને, કોઈ ઢીંગલા ઢીંગલી ની રમત નહતી. મેં સતત મરી મરી ને દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર કર્યા છે, એ બધું કોના લીધે ? "

" મારા લીધે , બધો વાંક મારો જ છે, હું સ્વીકારું છું. પણ તને શું લાગે છે કે તારા વગર હું ખુશ રહેતી હતી ? તને ગુમાવીને મેં મારી જાતને પણ ગુમાવી દીધી હતી. મારી પણ તારા જેવી જ હાલત હતી. તું તો કોલેજ જઈને ભણ્યો પણ ખરો. પણ મારા નસીબમાં તો કોલેજેય નહતી. ડિસ્ટનસ લર્નિંગ થી ભણી છું. કોના લીધે ? "

બન્ને ના અંદરનો ઉભરો આજે બહાર આવી ગયો. વર્ષોથી ભરાઈ રહેલું દુઃખ આજે બહાર આવી ગયું. મન હલકું થઈ ગયું. છતાં બન્ને ચૂપ હતા.

" બસ હવે કેટલી વાર ? આજે જ બધી વાતો કરશો કે શું ? " રિયા ના મમ્મી એ નીચે થી બૂમ પાડી

બન્ને હોશમાં આવ્યા. રિયા એ મોંઢું બરાબર લૂછયું. કંઈ થયું જ ન હોય એમ બન્ને નીચે ઉતર્યા. બધા બેઠા હતા. આડી અવળી વાતો ચાલી.

દેખો ભાઈ , અમારા તરફથી તો આ સંબંધ માટે "હા" છે. અમે જે કહીશું એજ પ્રમાણે અમારી દિકરી કરશે. " રિયા ના પપ્પા બોલ્યાં.

રોહિતના મમ્મી પપ્પા ખુશ હતા. હવે રોહિત ની વારી હતી. રિયા તીરછી નજર થી એને જ જોઈ રહી હતી. રોહિત સીધી નજરથી રિયા ને જોઈ રહ્યો હતો. રોહિત ફિક્કું હસ્યો. રિયા ધબકાર ચુકી ગઈ. બધાની નજર રોહિત પર.

" મારી પણ "હા" છે. " રોહિતે તરત જ જવાબ આપી દીધો.

બધા ખુશ થઈ ગયા. રિયા શરમમાં ડૂબી ગઈ. રોહિત ચૂપ હતો. પુરુષ નું હૃદય કેટલું વિશાળ હોય છે એવું એણે સાબિત કરી બતાવ્યું. રોહિત ઇચ્છતો હોત તો એ બદલો પણ લઈ શક્યો હોત. બદનામ પણ કરી શક્યો હોત. પણ અહીંયા વાત આવે છે સંસ્કારોની, વિચારોની, સમજદારીની. આ દરેક ગુણ રોહિતમાં હતા. કદાચ એટલે જ અંતમાં એની જીત થઈ હતી. સંબંધોનો ધનવાન માણસ એ જ હોય છે જેનામાં બીજા ને માફ કરવાની શકિત હોય છે. ગમ ખાઈ જવા માટે પણ ખુદદારી જોઈએ. બદલો તો જાનવરો પણ લે. પણ જે માફ કરી જાણે એ જ અલગ તરી આવે. 

એજ દિવસે સાંજે રિયા એ રોહિત ને ફોન કર્યો. રોહિતનો મોબાઈલ નંબર એના મમ્મી એ રિયાને આપી દીધો હતો.

" હેલો ! " રિયા કુમળા અવાજથી બોલી.

" કોણ ? " સામેથી થોડો ભારે અવાજ આવ્યો.

" આટલા જલ્દી ભૂલી ગયા અમને ? "

" ઓહ રિયા, તું છે. હા બોલ, આપણે પહેલી વખત મોબાઈલ પર વાત કરી એટલે અવાજ ઓળખાયો નહિ. બોલ શું કહે છે ? "

" સરપ્રાઈઝ માટે થેન્ક યુ "

" કઈ સરપ્રાઈઝ "

" તમે આજે આપણા લગ્ન માટે હા પાડી તે માટે "

" ઓહ.. તમે ! " રોહિત ખડખડાટ હસ્યો

" હાસ્તો, લગ્ન પછી તો 'તમે જ કહેવું પડશે ને, એની પ્રેક્ટિસ તો પાડવી પડે ને.." રિયા પણ સામે છેડે હસી રહી હતી..

" હમ્મ, પણ એમાં સરપ્રાઈઝ શું ? એ તો સ્પષ્ટ હતું કે મારી 'હા' જ હશે, પ્રેમ કર્યો છે પાગલ તને, ગુસ્સો તો હતો જ. પણ પ્રેમ એનાથી વધારે છે.. સારું ચલ હમણાં થોડીવારમાં કોલબેક કરું, અત્યારે થોડું કામ છે, અને સાંભળ... ! "

"હા જી બોલો."

" બહુ નસીબદાર છે તું " અને રોહિતે ફોન કટ કર્યો..

રિયા ખેરખર નસીબદાર હતી. કે એને આવો પ્રેમી મળ્યો. આવો પાગલ પ્રેમી. પ્રેમ દરેકના નસીબમાં નથી હોતો. પ્રેમને ઓળખો. પ્રેમ મળે તો એને માણો. એને વધાવી લો. જયારે માણસ કોઈના પ્રેમમાં પડે એટલે એને બધું જ ગમવા લાગે. પણ આગળ કીધું એમ પ્રેમ એક ફૂલ પેકેજ છે. એ યાદો પણ લાવે અને દર્દો પણ લાવે. એ મળ્યાની ખુશીઓ પણ લાવે વિરહની વેદનાઓ પણ લાવે. એ આનંદનો ઉમળકો પણ લાવે અને આંસુઓનો ઉભરો પણ લાવે. એ અપેક્ષાઓ પણ લાવે અને ઉપેક્ષાઓ પણ લાવે. એ પેહલા વરસાદની સુગંધિત માટી ની મહેક બનીને પણ આવે. અને એજ વરસાદ કોઈની યાદોની તડપ બની ને મુશળધાર વરસી ને ચાલ્યો પણ જાય.

ખેર, પણ વિખુટા પડી ગયેલા પંખીઓ આજે ફરી એક માળા માં ભેગા થઈ ગયા એનો આનંદ છે. પ્રેમ જીતી ગયો એનો આનંદ છે.

THANK YOU

Name : Pranav Shrimali

Mo.no. : 9723912504

E-mail Id : pranavshrimali47@gmail.com