"ના હું તને નહીં જવા દઉં. તારે મારા પર રાડો પાડવી હોય મને થપ્પડ મારવી હોય કે પછી જે સજા આપવી હોય તું મને આપી શકે છે. પણ હું નહીં છોડું તારો સાથ." નિલેશ મીરાનો હાથ પકડતા અને તેને રોકતા બોલ્યો.
"રડવું અને ઝઘડવું એવા કામ કમજોર લોકો કરે. જો હું તને સજા આપીશ તો મારી અંદર તારી માટે જે ગુસ્સો છે એ ખતમ થઈ જશે જે હું નથી ઇચ્છતી. આ ગુસ્સાને હું જીવતો રાખવા માંગુ છું જેથી મારો દર્દ પણ જીવતો રહે. હું તને નહીં પણ આ ગુસ્સાને જીવતો રાખી મને સજા આપવા માંગુ છું. મેં તારી સાથે પ્રેમ કર્યો એ વાતની સજા , મેં તારા પર ભરોસો કર્યો એ વાતની સજા , મેં તને મારા જીવનમાં સૌથી વધુ મહત્વ આપ્યું એ વાતની સજા. " મીરા હાથ છોડાવતા બોલી.
"હું જઉં છું તારી જિંદગીથી દૂર નિલેશ અને હવે ક્યારેય પાછી નહીં ફરું. તારે તારી જિંદગી જેમ જીવી હોય એમ તું જીવ. તને રોક-ટોક કરવા વાળું કોઈ નહીં હોય." મીરા ત્યાંથી ચાલતી થઈ પડી. ભલે તેની આંખોમાં ભીનાશ નહતી પણ તેનું દિલ..... તેનું દિલ રડી રડી અને હૃદય બની ગયું હતું. જે બસ ચાલતું હતું કારણકે એ તેનું કામ છે.
નિલેશ કરગરતો હતો તેને રોકવા લગભગ હાથ જોડી ભીખ માંગતો હતો . પણ મીરા એ તો ચાલતી રહી ન નિલેશ સામે જોયું ના તો તેના આંખો માંથી વહેતા આંસુ સામે.
*****
"ત્યારબાદ શું થયું નિલેશ અને મીરાનું ?" ચારદીવાલોની અંદર ખુરશીમાં બેઠેલ 5 લોકો લગભગ એક સાથે બોલી પડ્યા.
" એન્ડ મેં હજુ નહીં વિચાર્યો પણ મને એમ થાય છે કે પાછા મળી જાય એવું કંઈક રાખીએ." ઊંડો શ્વાસ લઈ મેં લેપટોપ બંધ કર્યું.
"ના મિસ મીરા એન્ડ આટલો સિમ્પલ બતાવશું તો લોકોને સ્ટોરી થોડી બોરિંગ લાગશે. આમ કઈંક ટ્રેજડી થવી જોઈએ લોકોની આંખો ભીની થશે તો જ એમના પૈસા વસૂલ થશે. " એ પાંચ લોકો માંથી એક આડેધ ઉંમરની વ્યક્તિ બોલી.
"પણ સર એન્ડ તો હંમેશા એવો જ હોવો જોઈએને જ્યાં બધું સારું થઈ જાય. હેપી એન્ડિંગ એને જ કહેવાય. ફિક્શન સ્ટોરી વાંચ્યા બાદ કે ફિક્શન મુવી જોયા બાદ લોકો સ્ટોરી પાસે એમ જ એસ્પેક્ટ કરે છે કે અંતમાં બધું સારું થઈ જવું જોઈએ. " હું દલીલ કરતા બોલી.
"મિસ મીરા હવે લોકો અપગ્રેડ થઈ ગયા છે એ લોકો હેપી એન્ડિંગમાં વિશ્વાસ નહીં કરતા. લોકો ફિક્શનમાં પણ રિયાલિટી જોવા માંગે છે. એવી રિયાલિટી જે ભલે એમની લાઈફથી કનેક્ટ ન થતી હોય પણ એમની ફીલિંગ્સ સાથે કનેક્ટ થતી હોય. " ત્રીસેક વર્ષનો વ્યક્તિ તેની ચશ્માં સરખી કરતા બોલ્યો. "એટલે મારુ સજેશન છે કે કંઈક ટ્વિસ્ટ સાથે અને એક ટ્રેજડી સાથે આ સ્ટોરીનો અંત કરો. જેમકે મીરા અથવા નિલેશનું જીવન ટૂંકાવી નાખો."
એ વ્યક્તિની વાત સાંભળી મારી અંદર વધુ કાંઈ બોલવાની તાકાત ન બચી. "ઓકે હું કંઈક વિચારું." બસ આટલું કહી હું ત્યાંથી બહાર નીકળી પડી અને ચાલતી ઘરે પહોંચી. પૂરા રસ્તે મારા મનમાં નિલેશ વિશે વિચાર ચાલતા રહ્યા. રસ્તા પર ચાલતા દરેક માણસમાં હું નિલેશને શોધવા લાગી. અંતે ઘરે પહોંચી લેપટોપ ખોલ્યું અને મારી આંગળીઓ તેના પર ફરવા લાગી. અચાનક મારી આંગળીઓ અટકી. મેં આંખો બંધ કરી વિચાર કર્યો. પણ થોડી ક્ષણોમાં મારી આંગળીઓ ફરી લેપટોપ પર ફરવા મથતી હતી. નિલેશ અને મીરાની કહાની મારા રુહમાં વસી ગઈ હતી. જેથી તેને ટાઈપ કરવામાં મને વધુ સમય ન લાગ્યો.
**
"હું જાણું છું કે તે મને તારી જાત કરતા પણ વધુ પ્રેમ કર્યો છે. તું હંમેશા મને ખુશ જોવા ઈચ્છે છે પણ મીરા તારો એ પ્રેમ મારી માટે બંધન બની ગયું હતું. તારી ચિંતા મને રોકટોક લાગતી. હું મારી ઝીંદગી મારી રીતે જીવવા ઇચ્છતો હતો. જીમેદારીઓથી ભાગતો હતો અને લગ્ન બાદ તું મારો પ્રેમ નહીં મારી જીમેદારી બની ગઈ હતી. ખબર નહીં પણ કેમ મને હવે આપણા સંબંધમાં પ્રેમ મહેસુસ નહતો થતો . લગ્ન એક બંધન લાગતું હતું અને હું બાગી બની એ બંધનમાંથી મુક્ત થવા માંગતો હતો. હું બસ મારી જાત સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો એટલા માટે તને છોડીને ગયો હતો. તને છોડવાનો નિર્ણય મારી માટે ઘણો અઘરો હતો પણ મને કોઈ બંધનમાં નહતું બંધાવું. 'એવા રિલેશનનો કોઈ અર્થ નથી રહેતો જ્યાં પ્રેમ પગની સાંકળ લાગે.' મને તારી આદત પડી ગઈ હતી. તારા વિના રહેવું મારી માટે શક્ય નહતું અને એ જ સમય દરમિયાન મારી મુલાકાત નિશિતા સાથે થઈ. જે બિલકુલ તારા જેવી હતી. તેને તેના પતિએ છોડી પોતાના સ્વાર્થ માટે. અને તેની હાલાત જોઈ મને તારી હાલાતનો અંદાજો આવ્યો. હું મારી બધી સનક છોડી તારી પાસે પાછો ફર્યો. પણ મેં મોડું કરી નાખ્યું , તું મારા વિના જીવતા શીખવા લાગી હતી.
જ્યારે તે મને કહ્યું કે તું મને છોડી હંમેશા માટે જાય છે એ સાંભળી હું બિલકુલ તૂટી ગયો અને મને સમજાયું કે હું જ્યારે તને છોડીને ગયો હતો ત્યારે તારી હાલાત પણ આવી જ થઈ હશે.
માણસ જેને અનહદ પ્રેમ કરતો હોય એ તેને છોડીને ચાલ્યો જાય ત્યારે એક સમય બાદ તેનો પ્રેમ એવો જ રહે છે પણ હાલાત સાથે સમજોતો કરી લાગણીઓ બદલી જાય છે .
હું મારી દરેક હરકત પર શરમાઉં છું આજે , મારે તારી પાસે માફી માંગવી છે પણ કયા મોઢે માંગુ એ મને નથી ખબર. એટલા માટે તને આ પત્ર લખું છું. મારી ભૂલની તું ઈચ્છે એ સજા દે પણ આ મૌન..... આ તારી ખામોશી મારાથી સહન નથી થતી. મારે બસ એક વખત તને ગળે મળીને રડવું છે માફી માંગવી છે. એક વખત તારો હાથ મારા હાથમાં લઈ કલાકો સુધી બસ બેસી રહેવું છે.
કેટલી વાતો તે મારી સહન કરી છે તો વધુ એક માની લે. છેલ્લી વખત બસ આગળ તું જે ઇચ્છીશ એ જ થશે. બસ એક વખત મારી વાત માની લે બસ એક વખત માફ કરી દે પ્લીઝ."
નિલેશ આ પત્ર મીરાના ઘરે આપવા આવ્યો. મીરાએ તેની કોઈ પણ વાત સાંભળ્યા વિના ઘરની બહાર જવા માટે કહ્યું. નિલેશે એ પત્ર ટીપોઈ પર રાખ્યો અને ત્યાંથી નીકળી પડ્યો. નિલેશના તુરંત ગયા બાદ મીરાએ તે પત્ર ખોલ્યો અને વાંચ્યો. પત્ર વાંચ્યા બાદ મીરા રડી , ખૂબ રડી. દિલમાં જેટલો પણ ગુસ્સો અને નારાઝગી હતી એ બસ આંસુ બની વહી ગયા. થોડા સમય બાદ મીરા શાંત પડી. તેને નિલેશને ફોન લગાવ્યો . સામે છેડેથી કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉઠાવ્યો અને બોલ્યો, "જેમનો ફોન છે એમનું ચાર રસ્તે એક્સિડન્ટ થઈ ગયું છે અને તેમને xyz હોસ્પિટલમાં લઈ જઈએ છીએ."
ખબર સાંભળતા મીરાના પગ નીચેથી જમીન ધસી પડી . ભાન ભૂલી મીરા બસ એ હોસ્પિટલ તરફ દોડી. ત્યાં પહોંચતાં તેને ખબર પડી કે નિલેશ હવે આ દુનિયામાં નથી રહ્યો. નિલેશની બેજાન લાશને જોઈ મીરાની આંખો માંથી આંસુ ન ટપક્યું એ બસ તે બેજાન લાશનો હાથની હથેળીને પોતાની બંને હથેળી વચ્ચે ઝકડી અને બેઠી રહી.
**
"ટીંગ-ટોન્ગ.…...."
મારી આંગળીઓ ચાલતા ચાલતા અટકી હું મારા વિચારોમાંથી બહાર આવી મારી આંખોમાં આવેલ પાણી મેં સાફ કર્યા. ઉભી થઇ દરવાજો ખોલ્યો. મને રડતા જોઈ સામે ઉભેલ નિલેશ બોલ્યો , "હવે તારી સ્ટોરીનું કયું કેરેકટર કોને છોડીને ગયું ?"
" સોરી નિલેશ." હું તેને ગળે વળગતા બોલી.
"અરે કેમ સોરી ? અને શું થયું કહીશ મને ?" નિલેશ બોલ્યો.
"મીરા અને નિલેશની કહાનીમાં મેં ..........."હું બોલતા અટકી. "પબ્લિશરને કંઈક ટ્રેજડી જોઈતી હતી....તો....."
"તો શું....?"
"તો મેં એમાં તને મોતને ઘાટે ઉતારી દીધો , મેં....મેં તારું એક્સિડન્ટ કરાવી દીધું." અને નિલેશને ઝકડતા હું રડી પડી.
મને આમ નાદાનીથી રડતા જોઈ નિલેશ હસવા લાગ્યો. અને તેના બંને હાથ દ્વારા મને ઝકડતા બોલ્યો , "અરે બાબા આ તો બસ એક કાલ્પનિક કહાની છે જેમાં તે મારુ અને તારું નામ વાપર્યું છે. આમાં ક્યાં કોઈ રિયાલિટી છે. અચ્છા ચાલ મને એ કે આ સ્ટોરીના અંતે તું શું મેસેજ આપીશ?" નિલેશ મને શાંત પાડતા બોલ્યો.
"" ક્યારેય કોઈથી આટલું નારાઝ પણ ના રહેવું કે બીજી વખત એમને ના મળી શકીએ તો જીવનભર એ સમયની નારાઝગી નો અફસોસ રહી જાય.""
- Megha gokani