હાથમાં રહેલો સ્માર્ટફોન કાચની ટીપોય પર મૂકી, એ સોફા પર ગોઠવાઇ. ઘર સાવ ખાલી હતું. આખો દિવસ એણે હોસ્પીટલમાં પપ્પા પાસે બેસીને ગાળ્યો હતો. ડોક્ટરના કહ્યા પ્રમાણે પપ્પાની તબિયત ‘રિકવર’ થતાં હજુ ત્રણ-ચાર દિવસ લાગશે.
પગ સોફા પર લઈ, એ આડી પડી. માનસિક થાકથી એનું દિમાગ સખત થાક્યું હતું. એટલે આડી પડતાંની સાથે જ આંખો બંધ થઈ ગઈ. સહેજ અમથા એવા માથાના દુ:ખાવાની શરૂઆત થઈ હતી.
બંધ આંખે છવાયેલ અંધારભર્યા માનસપટ પર અતીતની ઘટનાઓ ફરી ફરીને ભજવાઈ રહી હતી. એક નામ પર એનું મન સ્થિર થયું. એન્જલ..! હા, એ જ કહ્યું’તું ને...? કોણ હશે એ જે મને - ડેડીને, બધાને ઓળખતો હતો..! એ એક્સિડંટ વખતે પણ ત્યાં જ હતો..
પણ પપ્પાએ તો કીધું કે એમને એવું કોઈ યાદ નથી જેણે એમને ‘હેલ્પ’ કરી હોય. જો કે એ તો ખુદ ઠોકર લાગવાથી બેહોશ થઈ ગયા હતા. એવું કોણ હતું જેણે એનું નામ આપવું પણ જરૂરી ન લાગ્યું..?
દિમાગ પર વિચારોનું જોર વધી રહ્યું હતું. ને એ સાથે જ માથાનો દુ:ખાવો પણ વધતો જતો હતો. એટલામાં જ એની નજર ટીપોયના નીચલા ખાનામાં છાપાઓ અને મેગેજીન્સની નીચે પડેલા ફોટો આલ્બમ પર ગઈ.
સૂતાં સૂતાં જ એણે હાથ લંબાવ્યો. આલ્બમના સફેદ કવર પર ગુલાબી રંગના અક્ષરે લખ્યું હતું, “ક્યૂટ મેમરીઝ.” એ મલકી ઉઠી. થોડી વાર એ કવર જોયા કર્યું. એવું લાગ્યું જાણે સાવ કોરા-સફેદ રંગના માનસપટ પર રહેલા ફૂલગુલાબી રંગના સંસ્મરણો..!
તરત જ એ પલાંઠી વાળી બેસી ગઈ. ખોળામાં આલ્બમ મૂકી, એક પછી એક ફોટા જોવા લાગી. બાળપણના, સ્કૂલના, દરેક ફોટો જોતી વખતે એની આંખોમાં આનંદ અને વિસ્મય તરી આવતા. હોઠ પર એક સ્મિત સરી આવતું. દુઃખાવામાં રાહત મળી રહી હતી. એક ફોટા પાસે એની આંખો રોકાઈ. કશા જ ભાવ વગર એણે એ ફોટો જોયા કર્યો.
એ કોલેજ ફેરવેલનો ફોટોગ્રાફ હતો...!
શશાંકને જોઈને એના હદયમાં કડવાશ ભરાઈ આવી. ફોટા પરથી નજર હજુ ફેરવવા જતી હતી ત્યાં જ એના મગજમાં એક વિચાર ઝબૂકયો: શું શશાંક સાચો હતો..? એની લાગણીઓ સાચી હતી..? ક્યાંક મેં જ ભૂલ નથી કરી નાખી ને...! ને હવે જ, દિલ અને દિમાગ વચ્ચે ટકરાવ શરૂ થયો હતો.
દિમાગ કહેતું હતું કે: એ ખોટો હતો. એને તારા પૈસાથી જ મતલબ હતો. ને દિલ કહેતું હતું કે: એ કદી એવું કરી શકે જ નહિ. એની લાગણીઓ સાચી જ હતી. તે ભૂલ કરી નાખી, કિનાર તે...! હદયની દરેક મજબૂત દલીલ પર દિમાગ બસ પોકાળ દાવા કરી શકતું હતું.
આખરે એ જ થયું. દિલ જીત્યું. કિનારને પસ્તાવાનો પર ન રહ્યો. માફી માંગવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. પણ એ સમય વહી ગયાને અઢી વરસ થઈ ચૂક્યા હતા..! એણે ફોટામાં જોયું. ફોટામાં શશાંકની નજર હજુ પણ કિનાર તરફ હતી.
ગાલ પર સરી જતાં આંસુને એણે લૂછયું.
“ઓહ હેલ્લો…” બધાની ચર્ચાઓ વચ્ચે મનાલીએ હાથ ઊચો કરી મોટા અવાજે બોલી, “હવે કશું ઓર્ડર કરવું છે કે ભૂખ્યા જ બેસી રહેવું છે..?”
બધાએ મનાલી સામે જોયું. પ્રણય અને મનાલીના લગ્ન થઈ ગયા એને 6 મહિના જેવું થયું હતું. વિધાન અને ગરિમા એકબીજા સાથે 3 અઠવાડિયામાં જ પરણવાનો હતો. ને શશાંક હજુ "સિંગલ" જ હતો. અલબત્ત, મિત્રોના કહેવા અનુસાર, એ કેટલીય ગર્લફ્રેન્ડસ્ બદલી ચુક્યો હતો...
“એક ગ્લાસ પાણી.” વિધાન હસીને બોલ્યો.
“ને મારા માટે એક મનાલી. સ્હેજ તીખી.” પ્રણય મીઠું હસીને બોલ્યો.
“હાઉ સ્વીટ...” કહેતા જ એણે પ્રણયના ગાલે ચૂમી ભરી લીધી.
“અલ્યા એય...” જોરથી શશાંક બરાડયો, “આ તમારા રોમાન્સ-બોમાન્સને તમારા ઘેર રાખજો. સાવ ગાંડા કાઢો છો તે...”
“લે, કેમ...?” પ્રણય આંખ મિચકારીને બોલ્યો, “મારુ સિંગલિયું ગુસ્સે થઈ ગયું..?”
શશાંકે પ્રણય સામે આંખ કાઢી.
ત્રણેયને ઝઘડતા જોઈને વિધાન અને ગરિમા એકબીજા સામે સ્મિત કર્યું. ને એ દ્રશ્ય શશાંકે જોયું.
“ઓહો...” શશાંકે વિધાન તરફ જોઈને કહ્યું, ”આ લવ મેરેજ વાળા બૂમો પાડીને પ્રેમ દેખાડે ને આ અરેંજડ મેરેજ વાળા મૌનમાં જ વાતો કરી લે...!”
“શશાંક…” પ્રણયે વાતનો સૂર બદલાવ્યો, “કિનારના પપ્પાનો મેજર એક્સિડંટ થયો છે. 'કોઈ'એ એમની જાન તો બચાવી લીધી છે. હાલત હવે સુધારા પર છે.”
અચાનક બધા સ્તબ્ધ થઈ ગયા. શશાંક સામે કિનારનું નામ લેવાની હિમ્મત કહો કે છૂટ બધુ જ પ્રણયના પાસે જ હતું.
“હા, શશિ...” મનાલીએ ઉમેર્યું, “કહે છે કે કોઈ ઓળખીતા એ જ એમને બચાવ્યા છે.”
“હા, તો...?” શશાંકે એકીટશે જોયા કર્યું, “હું શું કરું..?”
“શશિ, તારી ઉંમર સામે જો.” મનાલીએ એના માથે હાથ ફેરવતા કહ્યું, “સમય કોઇની...”
“ઓહ, કમ ઓન મનાલી...” એણે અકળાઈને માથુ હટાવી લીધું, “હવે તું મારી મા બનવાની કોશિશ ન કર. ત્રાસી ગયો છું પરણવાની સલાહોથી. બધુ એના સમયે થઈ જશે. પ્લીઝ એ વાત ન છેડો...”
“તો શું તું એને ભૂલી ગયો છે..?” પ્રણયે એની આંખોમાં જોઈ પુછ્યું.
“ના.” એણે જોરથી ટેબલ પર હાથ પછાડ્યો, “ને હું જાઉં છુ...” એ પગ પછાડતો ચાલ્યો ગયો.
“એ કિનારને દિલ ફાડીને ચાહે છે. એની આંખોમાં દેખાય છે. એની વાતોમાં વરતાય છે.” શશાંકને જતો જોઈ પ્રણય મનોમન બોલ્યો, “કેટલી નસીબદાર છે કિનાર...! બસ ટ્રેજેડી એ છે એને આ વાતની ખબર નથી...!”
"બસ જો, મોટા ભાગની શોપિંગ પુરી થઈ ગઈ છે. હવે ઘરે જ આવું છું." મનાલીએ પ્રણયને જવાબ આપી કોલ પૂરો કર્યો.
"મનાલી..!" શોરૂમ માંથી નીકળતાં જ એને મીઠો ટહુકો સંભળાયો. એણે પાછળ ફરીને જોયું.
"ઓહ..." થોડી વાર જોઈ રહી. ચહેરો ઓળખાઈ ગયો. "કિનાર...?!'' એના હોઠેથી સરી પડ્યું.
"હં..." બન્નેએ એકબીજા સામે હળવું સ્મિત કર્યું.
થોડી ક્ષણો સુધી બન્ને વચ્ચે મૌન છવાઈ રહ્યું.
"શું કરે છે તું આજકાલ...?" મનાલીએ વાતની શરૂઆત કરી.
"કંઇ નહીં." કિનારે જે હતું એ જ જણાવ્યું,"પપ્પાની ઓફીસે જ બસ..."
"હા યાર. મેં અંકલના એક્સિડન્ટ વિશે જાણ્યું.." મનાલીએ દુઃખ વ્યક્ત કર્યું, "સો સોરી ફોર ધેટ."
"તું ને પ્રણય...?!!" કિનારથી પુછાઈ ગયું.
"અરે હા, વી ગોટ મેરિડ સીન્સ 7 મન્થસ." મનાલીએ સ્મિત રેલાવ્યું. એને શશાંકનું નામ લેવું હતું. પણ એ ક્યારનીય એ ઈચ્છા દબાવી રહી હતી.
"લગભગ બે વરસ જેટલું..." મનાલીએ કહેવાનું શરૂ કર્યું.
''મારે શશાંકને મળવું છે..." કિનાર વચ્ચે જ બોલી ઉઠી. એની આંખોમાં અને અવાજમાં આછી એવી ભીનાશ વરતાતી હતી.
વિસ્ફારીત નયને મનાલી કિનારને જોઈ રહી. એની આંખોમાં નવાઈ અને હરખ બન્ને હતાં...
(શશાંક કિનારને મળવા રાજી થશે...? બન્ને મળે તોય શું શશાંક કિનારને માફ કરશે..? એકબીજાને મનોમન ચાહતાં બન્ને ની વાતો હોઠ પર આવશે...? શશાંક કિનારને ભૂલી ચુક્યો છે..? કોણ છે એ એન્જલ જેણે કિનારના પપ્પાની જાન બચાવી...? શું કનેકશન છે એનું કિનાર સાથે...? સંબંધોમાં રહેલી કડવાશ મીઠાશમાં પરિણમશે કે કિનારને આખી જિંદગી આ કડવાશ સાથે જીવવું પડશે...? )