એંજલ ! - 2 Jaimeen Dhamecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એંજલ ! - 2

કોલેજનો એ છેલ્લો દિવસ હતો.

ડી. એમ. કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં આ વર્ષના થર્ડ યર સ્ટુડન્ટ્સ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રો સાથે ડી.જે.ના તાલ સાથે મન મૂકીને ઝૂમી રહ્યા હતા. અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ને કારણે સ્પીકરોમાંથી નીકળતો અવાજ દરેકના પગને થીરકવા મજબૂર કરી રહ્યો હતો. 

‘આ ક્ષણ જિંદગીની છેલ્લી ક્ષણ છે’ એમ માની યુવાહૈયાઓ એને જીવી લેવાના મૂડમાં હતા. તો વળી કેટલાક હાથમાં શરબતના ગ્લાસ લઈ ઘોંઘાટથી થોડે દૂર, શાંત વાતાવરણમાં અલક મલકની વાતોમાં વ્યસ્ત હતા.

શશાંક હાથમાં શરબતનો ગ્લાસ પકડી, એના ક્લાસના મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત હોવાનો ડોળ કરી રહ્યો હતો. એનું ધ્યાન વાતોમાં હતું પણ આંખો એના થોડે દૂર ઊભેલી આછા ક્રીમ રંગના ટોપ અને બ્લેક રંગના લોંગ સ્કર્ટમાં સજ્જ કિનાર પર સ્થિર હતી. કિનારની ખૂબસૂરતી તો આમ પણ આખી કોલેજમાં મશહૂર હતી.

પ્રણય, મનાલી અને વિધાન સર્વિસ કાઉન્ટર નજીક ઊભીને જાસૂસની જેમ એની દરેક વર્તણૂક પર નજર રાખી રહ્યા હતા. ને આ બાજુ, એ વધારે ને વધારે ‘નર્વસ’ થતો જતો હતો.

કેટલાય સવાલોનું એના મનમાં તોફાન ઉઠી રહ્યું હતું. એણે હિંમત એકઠી કરી, કિનાર તરફ ડગ માંડ્યા.

“કિનાર...” અન્ય બહેનપનીઓ સાથે કિનાર જ્યાં ટોળે વળીને ઊભી હતી ત્યાં જઇ શશાંકે કહ્યું.

“ઓહ, હાય શશાંક...” રેશમી વાળ સરખા કરતાં એ બોલી.

“થોડું કામ હતું... તારૂ.”

“હા, બોલ ને...”

“થ...થોડું પર્સનલ છે.” એ અચકાયો.

“તારે અને પર્સનલ..?” મીઠું હસી, સાવ ખાલી ખૂણા તરફ ચાલી. એ પણ પાછળ દોરવાયો. એની સખીઓ એકબીજા સામે આંખો વડે શું થઈ રહ્યું છે એનો ક્યાસ કાઢવા મથી રહી.

આર્ટ્સ ડિપાર્ટમેન્ટની એ લાંબી કોરિડોરમાં કોઈ જ નહોતું.

“હં...બોલ. ક્યુ ‘પર્સનલ’ કામ હતું..?” છેલ્લા શબ્દો પર કિનારે જરા વધુ ભાર મૂક્યો.

“ક...કિનાર...”

“અરે યાર, આગળ તો કશું બોલ...” કિનાર અકળાઈ રહી હતી.

“આ..આ..આઈ લવ યુ. તું મને ગમે છે...” આંખ બંધ કરીને એ બોલ્યો, “સાચે જ...!"

એ શબ્દો કાને પડતાં જ કિનારની મોહક આંખો જાણે અહંકારભર્યા ગુસ્સાથી લાલ થઈ ગઈ, “ચહેરો જોયો છે તે અરીસામાં..? તારા જેવાઓને તો હું બરાબર ઓળખું છું. પૈસાદાર પાર્ટી જોઈ નથી કે નીકળી પડ્યા કેરિયર બનાવવા. તારા જેવા તો મારા બંગલામાં નોકરો છે. એન્ડ વન મિનિટ, હાઉ યૂ ડેર ટુ લવ મી...? યુ બ્લડી ####... ”

શશાંક તો આ સાંભળીને સાવ ડઘાઈ જ ગયો. એણે હજુ પણ એના વાક્યો પર વિશ્વાસ નહતો બેસતો. કિનાર ક્યારે એની લાગણીઓના ફુરચેફુરચા ઉડાડીને જતી રહી એ ખુદને પણ ભાન ન રહ્યું. શું મે એના પૈસાને જ પ્રેમ કર્યો છે..? ના, મે તો કિનારને ચાહી છે, પૂરા દિલથી. તો વિધાનની વાત સાચી..? કે પછી મનાલી જે કહેતી હતી એમ પ્રેમમાં નસીબ કામ કરતું હશે..?

એ કશું જ વિચારી શકવાની સ્થિતિમાં નહોતો. જેને એણે દિલથી ચાહી હતી એના જ શબ્દોથી આજ એ વીંધાયો હતો. તૂટેલા હદયની કરચો લઈ એ બધાની વચ્ચેથી નીકળ્યો. કિનાર તો કશું બન્યું જ નથી એમ પાર્ટીમાં મશગુલ હતી. એણે શશાંક તરફ નજર સુધ્ધાં ન કરી. પ્રણય અને મનાલી નજીક આવી કશું પૂછે એ પહેલા જ એ મેઇન ગેટ તરફ ચાલી નીકળ્યો. જતાં જતા એણે પ્રણયની આંખોમાં જોયું. એ બધુ જ સમજી ગયો.

અને એ દિવસે આખી વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

***

કિનારનો ફોન રણકી રહ્યો હતો.

“ઓહ ગોડ, તારા ફોનની રિંગ વાગે છે, કીનું...” મમ્મીએ અકળાઈને કહ્યું, “કોઈનો કોલ આવ્યો છે.”

“હલ્લો, ચૌહાણ અંકલ. બોલો ને...” ઝડપથી એણે કોલ રિસીવ કર્યો. ફોન કોલ કિનારના ડેડીના ખાસ મિત્ર ઇન્સ્પેક્ટર ચૌહાણનો હતો.

“બેટા...” ચિંતા અને ઉચાટ મિશ્રિત સ્વરે એમણે કહ્યું, “તારા ડેડીનો ‘એક્સિડંટ’ થયો છે. રવિ પાર્ક પાસે. તું ને તારી મમ્મી જલ્દીથી સિટી હોસ્પિટલે આવી જાવ. હું ઓપરેશન થિએટર પાસે જ છું. જરા સંભાળીને આવજો હોં...”

કિનાર અને એની મમ્મી હાંફળા-ફાંફળા થતાં હોસ્પિટલે પહોચ્યા. ઈન્સ્પેક્ટર ચૌહાણ ઓપરેશન થિએટર પાસે જ ઊભા ઊભા કોઈ સાથે કોલ પર વ્યસ્ત હતા. એટલામાં જ ઓપરેશન પૂરું થયું. ડોક્ટર બહાર આવ્યા. કિનાર, એની મમ્મી અને ઈ. ચૌહાણ એમને ઘેરી વળ્યા.

“ 'સિચ્યુએશન’ કંટ્રોલમાં છે. આભાર માનો પેલા છોકરાનો જે એમને અહી લાવ્યો. નહિતર જો સહેજ પણ 'લેઈટ' થયું હોત તો પેશન્ટનો જીવ જોખમમાં હોત. હી નીડ રેસ્ટ નાઉ. તમે એમને સાંજે મળી શકશો.” ઈ.ચૌહાણને બધી વાત કરી એ કેબિનની દિશા તરફ ચાલતા થયા. ત્યાં ઉભેલા સૌએ રાહતનો દમ લીધો. પણ કિનાર કશું વિચારી રહી હતી.

“હું તને એ જ કહેવાનો હતો કિનાર. એ તને ઓળખતો હતો, તારા ડેડીને ઓળખતો હતો. ઈવન, એ મને પણ ઓળખતો હતો.” ઈ. ચૌહાણે કિનારનું આશ્ચર્ય પારખીને કહ્યું, “એણે તારા ડેડીને બચાવ્યા એટલું જ નહિ પણ મને ફોન કરીને બોલાવ્યો પણ ખરો. કેટલાક હોય છે બેટા, એંજલ જેવા. જે કોઈ સ્વાર્થ વગર આપણી મદદ મૂંગા મોંએ કરીને ભીડમાં અદ્રશ્ય થઈ જાય છે. મેં એને રોક્યો પણ એ ન રોકાયો. હમણાં જ ગયો. જો પેલો ગ્રીન ટી શર્ટ વાળો જાય છે ને એ જ...”

"એણે એનું નામ કહયું..?" ઉત્સુક સ્વરે કિનાર બોલી.

"ના." ઈ. ચૌહાણે કહ્યું, "મેં પુછ્યું પણ એણે કહ્યું જ નહિ...!"

એની નજર દૂર કમ્પાઉન્ડમાં જઇ રહેલા ગ્રીન ટી શર્ટવાળા યુવાન તરફ હતી. ધીરે ધીરે એ ભીડમાં અદ્રશ્ય થઈ ગયો...


(ક્રમશ:)