વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 5 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 5

(પેરાનોર્મલ ઘટનાઓ વિશેનું સત્ય જાણવા અમે ચારેય કઝિન્સ ઘરેથી ગાડી લઈને બહાર નિકળીએ છીએ. મારો સ્કૂલ મિત્ર, પ્રેયાંસ, પ્રયોગ માટેની સાધન-સામગ્રી તૈયાર કરી રોડ પર ઊભો રહે છે. થિયેટરમાં મૂવી જોઈને અમે પાંચેય કબ્રસ્તાનના રસ્તે નીકળી પડીએ છીએ. ત્યાં હર્ષ અને આઇશા કબ્રસ્તાનનું બિહામણું વાતાવરણ જોઈને અંદર જવાની ના પાડી દે છે. હું, નિધિ અને પ્રેયાંસ ઘોસ્ટ ઇન્વેસ્ટિગેશનના સાધનો લઈને કબ્રસ્તાન તરફ નીકળી પડીએ છીએ. ત્યાં હું મુખ્ય પ્રયોગ પર્ફોર્મ કરવાનું શરૂ કરું છું...)

હવે આગળ…,

“ગાય્ઝ, અંદર પ્રવેશતા જ અહીંનું વાતાવરણ જરાક ઠંડુ હોય એવું નથી લાગતું?” નિધિએ નોંધ કરીને પૂછ્યું.

“હા, મારા ડિવાઇસમાં કોલ્ડના સ્ટેટિક્સમાં બે પોઈન્ટ નીચે પડી ગયા!“ પ્રેયાંસે કહ્યું.

“એચ્યુલી ઇટ્સ અ ગૂડ સાઇન!” મેં માથું હકારમાં હલાવતા કહ્યું.

પ્રેયાંસે હુંકારો ભણીને પૂછ્યું, “...પાર્થ, કબ્રસ્તાનની વચ્ચે જઈને પ્રયોગ શરૂ કરીએ. આઈ થિંક એ જગ્યા યોગ્ય રહેશે. એકબીજાને જોઈ શકાય એ માટે ટ્યુબલાઇટનો પૂરતો પ્રકાશ પણ મળી રહેશે...”

“લેટ્સ ગો ધેર!” મેં એ તરફ ટોર્ચનો પ્રકાશ ફેંકીને કહ્યું.

અમે ત્રણેય કબ્રસ્તાનની વચ્ચે જઈને ઊભા રહ્યા. તમરાંઓના ત્રમ-ત્રમ અવાજો વાતાવરણમાં વધુ ભય ઘૂંટતા હતા. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી રહ્યું હતું. મેં ગળું ખોંખારીને કહ્યું, “ગાય્ઝ, હું મુખ્ય પ્રયોગ પર્ફોર્મ કરવાનું શરૂ કરું છું. તમે તમારા ડિવાઇસમાં થઈ રહેલ એક્ટિવિટી પર ધ્યાન આપજો...”

બંનેએ માથા હકારમાં હલાવ્યા.

બેચેની અનુભવતા મેં ઊંડો શ્વાસ ખેંચ્યો. છાતીમાં ભય ઘૂંટાતા અને ધડકતા હ્રદયે મેં પ્રેતાત્મા સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું: “Hello, Is there anyone here? We are here only to help you. Anyone who wants to talk to me?” કહી મેં EVP મીટરમાં વોઇસ રેકોર્ડિંગના સ્ટેટિક્સ જોયા. કોઈ પ્રતિભાવ મળી રહ્યો નહતો. થોડીક સેકન્ડ્સ બાદ મેં ફરીથી પ્રેતાત્મા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી, “Hello, We want to make contact with you. Tell us what your unfulfilled desires are… We’ll surely fulfill them. Give us a sign…” કહી મેં તેમના સંકેત માટે રાહ જોઈ.

નિધિએ મારા તરફ પ્રશ્નસૂચન નજરે જોયું. મેં માથું જરાક નકારમાં હલાવ્યું.

“ગાય્ઝ…” પ્રેયાંસના અવાજમાં આછો ડર વર્તાયો, “...મારા ડિવાઇસમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની ગ્રીન લાઇટ્સનું સિગ્નલ પકડાઈ રહ્યું છે.”

મેં અને નિધિએ તેના EMF મીટરના સ્ટેટિક્સની વધેલી એક્ટિવિટી જોઈ.

“ગ્રેટ! વી આર ગેટિંગ સમથિંગ...” મેં બેચેન સ્મિત સાથે થૂંક ગળા નીચે ઉતાર્યું.

“Show us some sign of your presence…”

મારા બોલ્યા બાદ તરત જ ટ્યુબલાઇટ એકવાર બંધ-ચાલુ થઈ. પલભર માટે અંધારગોટ ચાદર અમારા પર ઓઢાઈ ગઈ એના ભયથી અમારું લોહી ઓચિંતાનું થીજી ગયું!! પાંસળીઓના પીંજરામાં પૂરેલું હ્રદય ભયથી ફફડવા લાગ્યું! ભીતરમાં ગૂંગણામણ મહેસુસ થવા લાગી. મેં સ્વસ્થ થવાની કોશિશ કરીને કહ્યું, “…If you want us to leave this place, then flicker the tubelight two times. Or if you want any help from us, then flicker the tubelight only once! We will obey whatever your signs will be.”

બીજી જ ક્ષણે ટ્યૂબલાઈટે બે વખત ઝબકારો આપ્યો! અંધારાની બે ક્ષણોએ અમારા સૌના ધબકારા ફરીથી તેજ કરી મૂક્યા!

“લેટ્સ ગેટ આઉટ ઓફ હિયર ગાય્ઝ...!! હવે અહીં એક પળ પણ રોકાવું જોખમી બની શકે છે...” નિધિએ દરવાજા તરફ વાયુવેગે પગ ઉપાડતા કહ્યું.

અમે બને તત્ક્ષણ ભયથી ભારે બની ગયેલા પગ ઉપાડીને દોડ્યા. ટ્યુબલાઇટ સતત લબુકઝબૂક થવાની શરૂ થઈ ગઈ! બર્ફીલા પવનના સુસવાટા ઓચિંતાના ફૂંકાવા લાગ્યા. ઠંડકનું પ્રમાણ વધી ગયું.

“આહહહહહહ...!!” નિધિએ કર્ણભેદી ચીસ પાડી!

મારી છાતીમાં ઊંડી ફાળ પડી!! હું તત્ક્ષણ તેની તરફ ભાગ્યો. તેના હાથમાંથી કેમેરો અને ટોર્ચ નીચે પડી ગઈ હતી. મેં તરત જ જમીન પર ટોર્ચનો પ્રકાશ પાથર્યો. નિધિ જમીન પર ફસડાઈ પડી હતી! મેં તરત જ તેને ઊભી કરી. પ્રેયાંસ બાઇબલના શબ્દોનું પઠન કરવા લાગ્યો. નિધિ તેની બાજુમાં પડેલી ટોર્ચ લઈને દરવાજા તરફ દોડી પણ કટાઈ ગયેલો દરવાજો તરત વખાઈ ગયો! મેં પડી ગયેલો કેમેરો અને મારું EVP ડિવાઇસ નિધિને પકડાવી દીધું. ત્યાર બાદ મેં એડી-ચોટીનું જોર લગાવી દરવાજો ખેંચ્યો. દરવાજો ખૂલ્યો, પણ તે તરત વખાઈ જવા અદ્રશ્ય બળ તેમાં કોઈક પૂરતું હતું. નિધિ તરત જ થોડીક જગ્યામાંથી સરકીને બહાર નીકળી ગઈ. દરવાજો વખાવાનું અદ્રશ્ય બળ દરેક ક્ષણે વધતું જતું હતું. મારા હાથ-ખભાનું બળ તૂટતું જતું હતું. “પ્રેયાંસ ભાગ જલ્દી...!!” તે ત્યાંથી જેવો બહાર નીકળ્યો એની બીજી જ ક્ષણે મેં મારી જાતને ઝટકો મારી દરવાજા બહાર કાઢી લીધી. દરવાજા બહાર નીકળતા જ લબુકઝબૂક થતી ટ્યુબલાઈટ યથાવત સ્થિર થઈ ઝાંખો પ્રકાશ ફેંકવા લાગી...

મેં આખરી નજર કબ્રસ્તાનમાં ફેંકી, અને ત્યાં જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય મારા માનસપટ પર ઊંડું કોતરાઈ ગયું. કબ્રસ્તાનની વચ્ચેની કબરની ઊભી તક્તિ પાછળના ગાઢ અંધારામાં બિહામણી માનવાકૃતિનું ધૂંધળું લાંબુ માથું દેખાયું. ભયાવહ લાલગુમ અંગારા જેવા ડોળા અને વિકરાળ હાસ્યથી પહોળું બોખું મોં—જેમાં સંમોહનીય અંધકાર ઘૂંટાયે જતો હતો. રૂંવાડા ખડાં કરી મુકતું એ દ્રશ્ય જોઈને મારા પગ જમીનમાં જડાઈ ગયા! ત્યાંથી ભાગવા મારા પગ જાણે લકવાગ્રસ્ત થઈ ગયા! મારી વિચાર કરવાની શક્તિ છીનવાઇ રહી હોય એવું મહેસુસ થવા લાગ્યું. અનિચ્છાએ મારા પગ ફરીથી કબ્રસ્તાન તરફ પાછા ફર્યા. એ બિહામણી માનવાકૃતિનું વિકરાળ હાસ્ય વધુ પહોળું થતું ગયું. અચાનક કોઇકે મારો હાથ ખેંચ્યો અને મારા આંખો આગળ અંધારું છવાઈ ગયું...

*

મારા મોં પર પાણી છાંટતા જ હું ઝબકીને જાગી ઉઠ્યો!

“થેન્ક ગોડ...!” ત્રણેના તાળવે ચોંટી ગયેલા જીવે હાશકારો લીધો. “...પ્રેયાંસ ત્યાં હાજર ન હોત તો ભગવાન જાણે શું થઈ જાત...!” નિધિએ બેચેન અવાજમાં બોલી ઉઠી, “...દરવાજાની બહાર નીકળી ગયા બાદ ત્યાં ઊભા રહેવાની શું જરૂર હતી?”

દરવાજાની બહાર ઊભા રહીને કબ્રસ્તાનમાં જોયેલું એ બિહામણું દ્રશ્ય મારી મન:ચક્ષુ સમક્ષ તાજું થઈ ગયું! ભીતરમાં મચેલો ઉચાટ શમાવવા મેં ઊંડો શ્વાસ લીધો. માથું બે-ત્રણવાર ધૂણાવી એ બિહામણું દ્રશ્ય માનસપટ પરથી ખેંખરી નાંખ્યું. મેં આગળ જોયું તો પ્રેયાંસ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો. તેણે સાઈડ મિરરમાં જોઈને પૂછ્યું, “આર યુ ઓલ રાઇટ, પાર્થ?”

મેં મારા ચહેરા પરથી પાણી લૂછી બેઠા થતાં કહ્યું, “યા, અ—આઈ થિંક આઈ એમ...” મારી બાજુમાં બેઠેલા ત્રણેય કઝિન્સની આંખો મારા મુખભાવનું ગંભીરતાથી નિરીક્ષણ કરી રહ્યા હતા. “વ્હોટ...?” મેં મોઢું બગાડીને ત્રણેયને પૂછ્યું, “...મને ભાનમાં લાવવા માત્ર પાણી જ છાંટ્યું હતું કે...?” તેમના ચહેરા પર લીંપાયેલા ચિંતાગ્રસ્તભાવો દૂર કરવા મેં હળવા મજકનું અત્તર છાંટ્યું.

“હેં...?” હર્ષે બાગાની જેમ ડોકું આગળ ખેંચ્યું. બાકીઓના હોઠના ખૂણા મૂક-હાસ્યથી વંકાઇ ગયા.

“એની વે… બધા ડિવાઇસ આપણી સાથે જ છે ને!” મેં મુખ્ય મુદ્દાની વાત પૂછી ત્યાર મેં નોટિસ કર્યું કે મારું માથું ઓચિંતાનું લબકારા મારવા લાગ્યું. ભીતરમાં આછો ઉચાટ જેવુ મહેસુસ થવા લાગ્યું.

“બધુ સાથે જ છે....” નિધિએ કહ્યું, “...ડિવાઇસ સાચવવા મેં ટોર્ચ ત્યાં જ ફેંકી દઈ ગાડીમાં દોડી આવી.

“વેલ ડન! બ્રેવ લેડી...!” મેં તેની હિંમતની દાદ આપી.

“ભાઈ, આ ડિવાઇસમાં કંઈ પકડાયું કે નહીં...” હર્ષે પૂછ્યું.

મેં EVP (electronic voice phenomena) ડિવાઇસ હાથમાં લીધું. ભૂત-પ્રેતનો સંપર્ક કરતી વખતે કોઈ જ સુપરનેચરલ અવાજ નહતો સંભળાયો, તો પણ મેં સાત મિનિટની રેકોર્ડિંગ ક્લિપ સ્ટાર્ટ કરતાં પહેલા કહ્યું, “પ્રેયાંસ, તું ગાડી ડ્રાઈવ કરવા પર ધ્યાન આપજે...”

તેણે સાઈડ મિરરમાં જોઈને માથું હકારમાં હલાવ્યું.

મેં EVP ડિવાઇસની રેકોર્ડિંગ ક્લિપ સ્ટાર્ટ કરી. ત્રણેય કઝિન્સની જિજ્ઞાસા સસલાના કાનની જેમ ટટ્ટાર થઈ ગઈ! રેકોર્ડિંગ ક્લિપની શરૂઆતમાં મારો અવાજ સંભળાયો... – ‘Hello, Is there anyone here? We are here only to help you. Anyone who wants to talk to me?’ ‘Hello, we want to make contact with you. Tell us what your unfulfilled desires are… We’ll surely fulfill them. Give us a sign…’ બોલ્યા બાદ કોઈ અવાજ નહતો. બિલકુલ શાંત...

થોડીક વારમાં પ્રેયાંસનો અવાજ સંભળાયો ‘ગાય્ઝ… મારા ડિવાઇસમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની ગ્રીન લાઇટ્સનું સિગ્નલ પકડાઈ રહ્યું છે.’ ત્યારબાદ મારો અવાજ સંભળાયો ‘ગ્રેટ! વી આર ગેટિંગ સમથિંગ. Show us some sign of your presence…’ આ કહ્યા બાદ થોડોક ઘોંઘાટ સંભળાયો અને પછી અચાનક બે સ્પષ્ટ અવાજો સંભળાયા..!! એ અવાજો સાંભળીને અમારા બધાના ધબકારા તેજ થઈ ગયા! અમે વિસ્ફારિત નેત્રે EVP ડિવાઇસ તરફ જોઈને એકબીજાના મુખભાવ તરફ જોઈ રહ્યા!

પહેલો અવાજ એક સ્ત્રીનો હતો: HEEELP…!! HELP MEEEE…!! –

તેના બાદ તરત જ કોઈ પુરુષનો ઘેરો અવાજ પડઘાયો: DO YOU THINK THEY’LL HELP YOU…?? HAHA…HAHA…!!

“હોલીશીટ! ધેટ્સ અનબિલિવેબલ!!” આશ્ચર્યમૂઢ થઈને નિધિએ ડાબા હાથની હથેળી કપાળ પર મૂકી. તેનું દિમાગ વિચાર કરવા સુન્ન પડી ગયું. વિસ્ફારિત આંખે તેણે મારી તરફ જોયું. મેં માત્ર બિડેલા હોઠમાં મૂક-સ્મિત રેલાવી હકારમાં માથું હલાવ્યું. જીવના જોખમે કંઈક સુપરનેચરલ કેપ્ચર કર્યું એના ગર્વે છાતીમાં મચેલા ઉચાટને શમાવી દીધો. ઊંડો શ્વાસ લેતા જ મેં રાહત અનુભવી. રેકોર્ડિંગ ક્લિપમાં ભૂત-પ્રેતનો સંપર્ક કરવા મેં બીજો પ્રયત્ન કરેલો એનો અવાજ શરૂ થયો – “…If you want us to leave this place, then flicker the tubelight two times. Or if you want any help from us, then flicker the tubelight only once! We will obey whatever your signs will be.”

થોડાક ઘોંઘાટ બાદ એ જ પુરુષનો ઘેરો અવાજ પડઘાયો: DON’T….EVER….COME….BACK…HERE…!!!

ટ્યૂબલાઇટ બે વખત લબૂકઝબૂક થતાં જ નિધિનો અવાજ સંભળાયો, ‘લેટ્સ ગેટ આઉટ ઓફ હિયર ગાય્ઝ...!! હવે અહીં એક પળ પણ રોકાવું જોખમી બની શકે છે...’ – અને ત્યાર બાદ ક્લિપ સ્ટોપ થઈ ગઈ.

“ઓહ માય ગોડ...!! પેલા બંને અવાજ કોના હતા...? રેકોર્ડિંગ વખતે આ અવાજો સાંભળ્યા એટ્લે તમે ત્યાંથી ભાગી આવ્યા?” હર્ષ હેરતભર્યા અવાજે પૂછી બેઠો.

મેં રહસ્યમય સ્મિત સાથે માથું નકારમાં હલાવ્યું.

નિધિએ તેના મનમાં ઘૂંટાતી મૂંઝવણ વિશે પૂછ્યું, “આ અવાજો રેકોર્ડિંગ વખતે આપણને તો બિલકુલ સંભળાયા જ નહતા તો આમાં કેવી રીતે રેકોર્ડ થયા? હાઉ કેન ધીસ બી પોસિબલ...!?”

“ઈટ ઈઝ પોસિબલ..!” મેં સસ્મિત વૈજ્ઞાનિક સમજૂતી આપતા કહ્યું, “...મનુષ્યોની સાંભળવાની ફ્રિક્વન્સી રેન્જ 20 Hzથી 20,000 Hz વચ્ચેની હોય છે. આ EVP ડિવાઇસ 20 Hz નીચેના—ઇન્ફ્રાસોનિક અવાજો પણ રેકોર્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે ઇવિલ સ્પિરિટ 20 Hzથી નીચેના—18.98 Hzની ફ્રિક્વન્સીના ઇન્ફ્રાસોનિક અવાજો કાઢતી હોય છે. એટ્લે આપણે એ અવાજો રેકોર્ડ કરતી વખતે સાંભળી નહતા શક્યા પરંતુ આ EVP ડિવાઈસે રેકોર્ડ કરી લીધા હતા..!”

“ગોડ, હેરતઅંગેજ પ્રયોગ છે આ...!!” નિધિએ બંને હાથ ચહેરા પર મૂકીને માથું નકારમાં ધૂણાવ્યું, “...આ પ્રયોગે મારી સુપરનેચરલ દુનિયાના અસ્થિત્વ વિશેની બિલિફ સિસ્ટમને ચેલેન્જ કરી!”

મેં આછું સ્મિત રેલાવતા કહ્યું, “ફિઝિકલ દુનિયા સિવાય પણ બીજી દુનિયાનું અસ્થિત્વ છે! થોમસ આલ્વા એડિસન તેની મૃત મધરનો સંપર્ક કરવા વોઇસ રેકોર્ડરનો ઉપયોગ કરતાં અને પછી એ રેકોર્ડર ફરીથી પ્લે કરતાં ત્યારે તેમને તેમની મૃત મધરના અવાજો રેકોર્ડ થયેલા સંભળાતા... તેમણે 84 વર્ષની વય સુધી કરેલી કુલ 1093 શોધોમાં એક વિશિષ્ટ શોધ ‘સાઉન્ડ રેકોર્ડિંગ’ની છે. જોકે, EVP ડિવાઇસની શોધ એડિસને નથી કરી, પરંતુ એમાં રહેલો મૂળભૂત આઇડિયા એડિસન દાદાના ફળદ્રુપ દિમાગની ઉપજ છે!” છેલ્લું વાક્ય બોલતા જ ત્રણેયના હોઠ પર સ્મિત ફરકી ઉઠ્યું.

“બ્રધર! યુ આર જસ્ટ બ્રિલિયન્ટ!” હર્ષે અભિભૂત સ્વરે કહ્યું.

“હું બ્રિલિયન્ટ નથી. મેં જે વાંચ્યું-સાંભળ્યું એ તમારી સાથે શેર કર્યું...” મેં સહજભાવથી કહ્યું, “...જીવનમાં ક્યારેક કશુંક હાંસિલ કરવા કેલ્ક્યુલેટેડ રિસ્ક ઉઠાવવું જ પડે! તો જ કંઈક હાથે લાગે!”

“ગાય્ઝ, મારું સ્ટોપ આવી ગયું...” પ્રેયાંસે ગાડી રોડની કિનારે ઊભી રાખી, તેણે પાછળ ફરીને કહ્યું, “...બે વર્ષથી પેન્ડિંગ પડેલો પ્રયોગ આખરે આજે સફળતાપૂર્વક પાર પડ્યો! થેંક્સ ટુ યુ ઓલ...!”

“થેંક્સ તો અમારે કહેવું જોઈએ...” નિધિએ કહ્યું, “...થેંક્સ ટુ યુ બોથ! ખાસ તો પ્રેયાંસ તને... આ સાધનો અને અન્ય વસ્તુઓની તાત્કાલિક ગોઠવણ કરવા માટે... આ અનુભવ હવે ક્યારેય ભૂલાય નહીં.” કહી તેણે હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો.

“પ્લેઝર ઈઝ ઓલ માઈન!”, કહી તે ગાડી બહાર નીકળ્યો. તેની બેગમાં બધા સાધનો મૂકી હું પણ ગાડી બહાર નીકળ્યો. તેને મૈત્રીભર્યું આલિંગન આપી, તેની બેગ તેને આપતા મેં કહ્યું, “...થેંક્સ અગેઇન ફોર એવરીથિંગ. અને હા, ડિજિટલ કેમેરાનું રેકોર્ડિંગ અને EVP ડિવાઇસની વોઇસ ક્લિપ કોમ્પ્યુટરમાં સેવ કરીને રાખજે...! ખૂબ અગત્યના પૃફ્સ છે!”

“ઓફ કોર્સ! ચલ ત્યારે... સી યુ લેટર! ગુડ નાઈટ, ગાય્ઝ...!” કહી તેણે તેના ઘર તરફ જવા પગ ઉપાડ્યા.

ત્યાંથી મેં ગાડી ડ્રાઈવ કરી લીધી. ઘરે જતાં જ વડીલોનો સૌથી વધુ ઠપકો મને પડ્યો. તેમના ગુસ્સા પર આઇશા અને નિધિએ તેમની બહાનાબાજીનું ઠંડુ પાણી રેડીને વાત ત્યાં જ ઠારી કાઢી. અમે ચારેય ફટાફટ કપડાં બદલી છત પર પહોંચી ગયા. ટાટિયું બિછાવી, ગોદળા પાથરી બીજી જ ક્ષણે અમારા થાકેલા શરીર મડદાની જેમ ધબ્બ દઈને પથારીમાં પટકાયા. આહલાદક પવનની મીઠી લહેરો શરીર પર અનેરી રાહત મહેસુસ કરાવતી હતી. આકાશમાં ટમટમતા તારલાઓને જોતાં જ મારી આંખોમાં ઊંઘના વાદળો ઘેરાવા લાગ્યા...

***

THE END

વાંચો બીજી હોરર સ્ટોરીઝ:

1. અધૂરી ઈચ્છા: અ ઘોસ્ટ સ્ટોરી

2. શાપિત હવેલી

Facebook: www.facebook.com/Toroneel

Instagram: www.instagram/Parth_Toroneel


રેટ કરો અને રિવ્યુ આપો

Arvind Bhai

Arvind Bhai 2 વર્ષ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા

.N.

.N. 2 વર્ષ પહેલા

Megha

Megha 2 વર્ષ પહેલા

aap ni aa series khub j gami plz aap ni baki ni English series ne pan gujrati k Hindi ma anuvadit karso to gamse...

Jatin Ramesh Amodwala

Jatin Ramesh Amodwala 2 વર્ષ પહેલા