વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - ભાગ - 3 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - ભાગ - 3

(કોલેજમાં ચારેય મિત્રો વીજી બોર્ડ ગેમ રમવાની શરૂ કરે છે. ચૂડેલ બનેલી છોકરીના પ્રેતાત્માનો સંપર્ક થાય છે. તે વીજી બોર્ડમાં ‘ગુડબાય’ કહેવાની ઈચ્છા દર્શાવતી નથી. ચારેય મિત્રો પ્રેતાત્માને ‘ગુડબાય’ કહેવા પ્લાન્ચેટ પર હાથ મૂકી વીજી બોર્ડ પર ફેરવે છે એ દરમ્યાન ગભરાયેલો પ્રણવ પ્લાન્ચેટ પર હાથ મૂકવામાં જરાક મોડો પડે છે—અને જેવો તેના હાથનો સ્પર્શ પ્લાન્ચેટ પર થાય છે એવો તરત જ તેને ઝટકો વાગે છે. તે હોસ્ટેલની ગેલેરીમાં આખી રાત બેહોશ પડી રહે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. થોડાક અઠવાડિયા બાદ તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યાર બાદ એક દિવસ તેના નાના ભાઇ સાથે મારો સંપર્ક સોશિયલ મીડિયા થ્રુ થાય છે...)

હવે આગળ...,

બીજે દિવસે સવારે નવ વાગ્યે મારા મોબાઈલમાં પ્રણવના પિતાનો મેસેજ આવ્યો: હી ઈઝ નો મોર નાઉ! તેણે મધરાત્રે જ દેહ છોડી દીધો!

એ મેસેજ વાંચીને મારું કાળજું આઘાતથી બેસી ગયું. બે ઘડી મન વિચાર કરવા સુન્ન પડી ગયું!

આ સાંભળીને નિધિ, આઇશા, અને હર્ષ—ત્રણેયના મોં અને ડોળા અચરજથી પહોળા થઈ ગયા!

“ઓહ માય ગોડ..! ધેટ્સ હોરિબલ..!!” આઇશા આશ્ચર્યમૂઢ મુખભાવ સાથે બોલી પડી, “...પણ આવું કેવી રીતે પોસિબલ બને? પેલી ચૂડેલ બનેલી છોકરીએ આ બધુ કર્યું?”

મેં મૌન રહી દબાયેલા હોઠે હકારમાં માથું હલાવ્યું, “એક વર્ષ બાદ એના નાના ભાઈ જોડે સોશિયલ મીડિયા થ્રુ મારે થોડીક વાતચીત થઈ, અને પછી ફોન કોલમાં મેં તેને પ્રણવના ઘરે આવ્યા બાદની આખી ઘટના વિશે પૂછ્યું, તો તેણે જણાવ્યુ કે, પ્રણવને બીજી વખત હોસ્પિટલમાં દાખલ કર્યો એના એક અઠવાડિયા પહેલા તેનું વર્તન વિચિત્ર પ્રકારનું થઈ ગયું હતું. સવારથી સાંજ સુધી ભાગ્યે જ તે તેના શરીરની હલચલન જાતે કરી શકતો. પરંતુ રાતના બે-ત્રણ વાગે ત્યારે તેનામાં કશુંક આળસ મરડીને બેઠું થતું! ત્યાર બાદ તેનામાં ગજબનું પરિવર્તન આવી જતું. જોનારના તો રૂંવાડા ભયથી ખડાં થઈ જાય...!!–

સામાન્ય વ્યક્તિની જેમ તે બેડમાંથી ઊભો થઈ આંટાફેરા મારવા લાગતો. ત્યારે તેનું વર્તન અને ચાલવાનો ઢંગ અચરજ પમાડે એ હદે બદલાઈ જતો! જાણે તેના શરીરમાં કોઈ બીજી જ વ્યક્તિ કબજો કરી બેઠી હોય! બે દીવાલોના કાટખૂણે ઉભડક બેસી તે ઘોઘરા અવાજમાં રડતો. અમે તેના રૂમમાં પ્રવેશીએ તો તે કાનમાંથી કીડા ખરી પડે એવી અભદ્ર ગાળો જોરજોરથી બોલતો, અને—અને... તે ક્યારેક તેના રૂમમાં કશીક ધૂન ગુણગુણાવે જતો ત્યારે તેના ચહેરા પર દુષ્ટ હાસ્ય ખેંચાઇ જતું, તેની આંખોની કીકીઓ ફેલાઈને આખી કાળી થઈ જતી. તેના દેહમાં ઘૂસેલી ચૂડેલ તેના શરીરના અંગો ઉંધા મરોડી બિહામણી મુદ્રાઓમાં પલંગ નીચે સરકી જતી ને ઊલટીઓ કરી ત્યાં જ બેભાન થઈ જતી...

તેનું આવું વિચિત્ર અને ભયાવહ વર્તન જોઈને ઘરના દરેક વ્યક્તિનો જીવ તાળવે ચોંટી જતો! મારી મમ્મી આવું દ્રશ્ય જોઈ બેહોશ થઈ ઢળી પડતી. મારા પિતાએ એક દિવસ ભૂત-વડગાડ છોડાવનાર પાદરીને બોલાવી એક્સોર્કિસ્મ (ઝાડ-ફૂંક વિધિ) કરાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે પાદરી ક્રોસ, પવિત્ર જળ અને બાઇબલ લઈને પ્રણવના રૂમમાં પ્રવેશ્યા. તેમણે ક્રોસનો નેકલેસ મારા પિતાના હાથમાં થમાવી કાનમાં કશુંક કહ્યું. ઝાડ-ફૂંક વિધિ શરૂ કરતાં પહેલા સૂતેલા પ્રણવના હાથ-પગ દોરડાથી પલંગ પર કસ્સીને બાંધી દેવાયા. ત્યાર બાદ પાદરીએ પવિત્ર જળનો રૂમમાં છંટકાવ કર્યો અને પછી... પ્રણવના કપાળ પર ક્રોસ મૂક્યો. પ્રણવની આંખના બિડાયેલા પોપચાં ઝટકા સાથે ખૂલી ગયા! ચહેરા પર દુષ્ટ હાસ્ય ખેંચાઇ ગયું! આંખોની કીકીઓ ફેલાઈને સંપૂર્ણ કાળી બની ગઈ! પાદરીએ બાઈબલના શબ્દો ઉચ્ચારવાના જેવા શરૂ કર્યા એની સાથે જ... પ્રણવના શરીર સાથે સાથે આખો પલંગ જબરદસ્ત ધ્રૂજવા લાગ્યો. તેના હાથ-પગ એટલા જોરથી ઉછળવા લાગ્યા કે મજબૂત બાંધેલા દોરડાં પણ ઢીલા પડી ગયા! –

પુરુષ શરીરમાં સ્ત્રીનો ગર્જતો ખોખરો અવાજ સાંભળીને ઘરના બધાના હ્રદય ભયથી કંપકપી ઉઠ્યા!! હવામાં છલાંગ લગાવીને તે વિચિત્ર ઢબે બે પગ પર ઊભી થઈ ગઈ. તેના ક્રોધિત મુખભાવ નિહાળીને પાદરી સહિત દરેકની સ્થિતિ કાપો તો પણ લોહી ન નીકળે એવી થઈ ગઈ! ચૂડેલના ઘોઘરા અવાજમાં તેની ક્રોધિત ગર્જનાએ આખા ઘરની દીવાલો હચમચાવી નાંખી! બાઈબલના શબ્દોનું ઉચ્ચારણ કરી રહેલા પાદરી તરફ તેણે દુષ્ટ હાસ્ય ખેંચી ઘોઘરા સ્વરે પડકાર ફેંક્યો, ‘તું મારું કશું બગાડી નઈ શક #@$&£!! આ ખોળિયું અવ જીવ લીધા વિના તો નહીં મૂકું! જીવ લઈન જ જોય!!’ – તેના એક-એક શબ્દરવે અમારા દરેકના કાળજા પર પરમાણુ બોમ્બની જેવો પ્રાણઘાતક પ્રહાર કર્યો! પાદરીએ તેનું વિકરાળ ક્રોધિત સ્વરૂપ જોઈને અંદરથી ધ્રુજી ઉઠ્યા! ભયથી તૂટતી જતી હિંમત એકઠી કરી બાઇબલના શ્લોકોનું પુન:ઉચ્ચારણ કરવાનું શરૂ કરી દીધું:

મારા પિતાએ કાળજું કઠણ કરી પાદરીએ આપેલા ક્રોસનો નેકલેસ તેમના કહ્યા અનુસાર ચૂડેલના માથા પર નાંખ્યો એ જ ક્ષણે, ચૂડેલના હાથના ઇશારાથી તે ઉછળીને દીવાલે ભટકાઈ જમીન પર પછડાયા! ચૂડેલના ગળા અને છાતી પર પવિત્ર ક્રોસનો સ્પર્શ થતાં જ તેની ચામડી ગરમ તવી પર પાણી છાંટીએ એમ તળતળી ઉઠી!! તેના ક્રોધની વિકરાળ ગર્જનાથી આખો રૂમ ખળભળી ઉઠ્યો!! Poltergeist/પોલિટેજિસ્ટ એક્ટિવિટીથી રૂમમાં રહેલી દરેક વસ્તુઓ ધુજવા લાગી, અહીં-તહીં ફંગોળાવા લાગી, હવામાં વંટોળની જેમ ઘુમવા લાગી. આવું વિચલિત દ્રશ્ય દેખીને દરેકનું હ્રદય દહેશતને લીધે બમણી ગતિએ ધડકવા માંડ્યુ.

હવામાં લટકતી ચૂડેલે પ્રણવનું શરીર એ હદે ઊલટું મરોડવાનું શરૂ કર્યું કે તેના કરોડના હાડકાં તૂટવાનો અને રડવા-કકળવાનો અવાજ સાંભળી દરેકનો જીવ અદ્ધર થઈ ગયો!! હવામાં લટકતું તેનું શરીર આખરે લાશની જેમ ધબ્બ દઈને નીચે ઢગલો થઈ ફસડાઇ પડ્યું! અને એની સાથે રૂમની દરેક વસ્તુઓ પણ જમીન પર પટકાઈ પડી! ત્યાર બાદ તરત જ પ્રણવને હોસ્પિટલમાં એડમિટ કરવા હું અને મારા પિતા તેની નજીદીક દોડી આવ્યા. એમ્બ્યુલસમાં હોસ્પિટલ લઈ જતાં તો પ્રણવ કોમામાં સરી પડ્યો હતો. ત્યાં ICUમાં એક અઠવાડિયું વેન્ટિલેટર પર વિતાવી આખરે એ ચૂડેલ તેનો જીવ લઈને જ છૂટી...!

*

અધમણનો નિસાસો નાંખી મેં વાત કહેવાની પૂરી કરી. મારા ભીતરમાં એ લાગણીઓ પુન:જીવિત થઈ ઉઠેલી હું મહેસુસ કરી રહ્યો હતો. મારા હાથ સહેજ કંપી રહ્યા હતા. નિધિ, આઇશા અને હર્ષ—ત્રણેયે મારી સામે અપલક અને વિસ્ફારિત નજરે તાકી રહ્યા હતા. નિધિ સિવાય એ બંનેના ચહેરા પર ભયના મુખભાવ પથરાયેલા હું જોઈ શકતો હતો.

“ઓહ ગોડ...!” આઇશાએ માથું નકારમાં હલાવતા કહ્યું, “...આઈ ફિલ સો સેડ ફોર હિમ! એને શું જરૂર હતી એવી ભયાનક ગેમ રમવાની? એ તો નિર્દોષ હતો! એનો જીવ શું કામ ઝૂંટવી લીધો?” તેની આંખો અને અવાજમાં થોડીક નમી વર્તાતી હતી.

“તારી લાગણી હું સમજુ છું, આઇશા. અત્યંત દુ:ખ-દર્દથી ભટકતાં પ્રેતાત્માઓનું આવાહન એ મોતને આવાહન કરવા બરોબર છે. કોઈ શિકારી તળાવમાં ફિશિંગ માટે જાય ત્યારે ફિશહૂકમાં કઈ માછલી શિકાર માટે ફસાઈ જશે એ નક્કી નથી હોતું. માછલી તેમના બચ્ચાં માટે ખોરાક લઈ જાય છે એટ્લે એને ના પકડાય એવું શિકારી ક્યારે વિચારતો નથી; એને તો બસ શિકારથી જ મતલબ હોય છે. જિદ્દી પ્રેતાત્માઓ પણ આવા જ હોય છે! આવી ઇવિલ સ્પિરિટથી હંમેશા દૂર રહેવું. તેની સાબિતી માટેની મજાક ક્યારેય ન કરવી. તેનો પરચો ક્યારેક જીવ ઝૂંટવી લેતો હોય છે.” આઇશા સામે જોઈને મેં કહ્યું.

હર્ષે ભ્રમરો ઉછાળીને નિધિ સામે જોયું, “હવે તમારું શું માનવું છે બોલો? હજુ પણ તમને આ બધુ હંબક લાગે છે?”

“વેલ, આ સત્યઘટના સાંભળીને હવે હું ભૂત-પ્રેતમાં માનવા લાગી છું એવું તો હું નહીં કહું, પણ...” તેણે હોઠ જરાક દબાવીને મારી સામે જોયું, “...આ નવા નજરિયાથી હું કદાચ વિચારવા પ્રેરાઈ હોય એવું મને લાગ્યું. પરંતુ મારી નજરોનજર ભૂત-પ્રેત કે કોઈ સુપરનેચરલ ઘટના બનતી ન જોઉં ત્યાં સુધી હું આને વાસ્તવિકતા તરીકે તો નહીં જ સ્વીકારી શકું.”

તેનો જવાબ સાંભળી હું મનમાં મુસ્કુરાયો.

“આઈ એમ અ રેશનલ પર્સન એઝ યુ નો...!” તેણે બંને ખભા સહેજ ઊંચકીને કહ્યું, “...કોઈ કારણ અને અસરના તાર્કિક જવાબ વિના હું આસાનીથી માની નથી લેતી...”

હર્ષે માથું ડોલાવતા હસતાં મુખે કહ્યું, “...તો તમારે ભૂત-પ્રેતની હાજરીનો અનુભવ કરવો જ છે, એમ...!? ત્યારે જઈને જ તમે માનશો...?”

મેં હાથ ઊંચો કરી હર્ષને બોલતો અટકાવ્યો. નિધિ સામે જોઈને મેં કહ્યું, “તારો રેશનલ સ્વભાવ મને ખરેખર પસંદ પડ્યો! આઈ અપ્રીસિએટ ઈટ..!” મેં તેના મુખભાવનું નિરીક્ષણ કરીને કહ્યું, “...મારા પાસે તારા રેશનલ પ્રશ્નનો પણ જવાબ છે! એચ્યુલી જવાબ નહીં, એક પ્રયોગ છે! જોકે, એ પ્રયોગ અજમાવવા વિશે મેં અને મારા મિત્ર પ્રેયાંસે ઘણું વિચાર્યું છે, પણ આજ સુધી અમે ક્યારેય અજમાવ્યો નથી, પરંતુ હવે મને લાગે છે એ પ્રયોગ કરવો જ પડશે. ડુ યુ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધી એક્સ્પેરિમેન્ટ?” આછા મુસ્કાન સાથે મેં તેને પૂછ્યું.

“કયો પ્રયોગ ભાઈ?” હર્ષની જિજ્ઞાસા ઉછળી પડી! મેં તેનો જવાબ આપવાનું અવગણ્યું.

“વેલ...,” નિધિએ ખભા ઊંચા કરી જરાક હોઠ દબાવ્યા, “જો જોખમી ના હોય તો જ...”

હર્ષ તાલી મારી ખડખડાટ હસી પડ્યો, “જોયું ને! હવે અજાણી શક્તિના ભયથી તમારી હવા નીકળી ગઈ, કેમ?”

“એવું નથી બુદ્ધુ...!” નિધિએ અકળાઈને હર્ષને ધમકાઇ પાડ્યો, “...આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ રિસ્ક માય લાઈફ ધેટ્સ ઈટ!”

“ઓલ રાઇટ! આઈ ગોટ ઇટ...” મેં રહસ્યમય સ્મિત સાથે માથું હકારમાં હલાવ્યું, “...પ્રયોગ બિલકુલ સરળ છે. મેં યુટ્યુબ પર પેરાનોર્મલ એક્ટિવિટી એક્સપર્ટ ગૌરવ તિવારીનો વિડિઓ TEDx શો પર સાંભળેલો. અત્યારે તો એ હયાત નથી. 2016માં તેનું રહસ્યમય રીતે મોત થઈ ગયું હતું.”

“કેવી રીતે?” હર્ષની જિજ્ઞાસા ફરીથી સળવળી ઉઠી.

“એ તું યુટ્યુબ પર જોઈ લેજે...” મેં કહ્યું.

અમારી જામેલી વાતોના માહોલ વચ્ચે મામી છત પર આવી ચડ્યા, “અલા... હજુ તમે લોકો સૂઈ નથી ગયા? બે વાગ્યા!! ચાલો હવે સૂઈ જાવ... સવારે બધાએ વહેલા ઉઠવાનું છે...”

વાતોમાં સમય ક્યાં વહી ગયો એની કોઈને બિલકુલ ખબર ન પડી. મામીના ગયા બાદ ત્રણેયની જિજ્ઞાસુ આંખો મારા તરફ ફરી. એ પ્રયોગ વિશેની વાત જાણવા ત્રણેયે મારી સામે રિકવેસ્ટ મૂકવા લાગ્યા… ભૂખ્યું ગલૂડિયું તેની માને ધાવવા જેવુ ઉત્સુક બની દોડવા લાગે એવી જ ઉત્સુકતા સાથે તેમના ચહેરા પર ઘૂંટાયે જતો જિજ્ઞાસાભાવ જોઈને હું મૌન મુસ્કુરાયો.

“ના, હવે નહીં. જો કહીશ તો આવતીકાલના રોમાંચક અનુભવની મજા વિલાઈ જશે. થોડીક ધીરજ રાખો. કાલ રાતનો અનુભવ જિંદગીભર તમારી માટે યાદગાર બની રહેવાનો છે. ચાલો ગુડ નાઈટ—એન્ડ—હેવ અ ટેરિફાઇંગ નાઇટમેર્સ...!” પ્રયોગનું રહસ્ય ગર્ભિત રાખી મુસ્કુરાતા હોઠે મેં પથારીમાં લંબાવ્યું. ત્રણેય પોતપોતાની પથારીમાં લટકેલા મોઢે આડા પડ્યા.

ઠંડી થયેલી પથારીમાં હાથ-પગ ફેલાવીને ઊંઘવાની આહલાદકતા માણતા માણતા મારી આંખોમાં ઊંઘ ઘેનાવા લાગી.

“પાર્થભાઈ...,” હર્ષે મારી ઊંઘમાં ખલેલ પાડી, “...શું કહ્યું પેલા પેરાનોર્મલ એક્ટિવિટી એક્સપર્ટનું નામ? ગૌતમ ત્રિવેદી?”

ઘેનાયેલી આંખોના ભારેખમ પોપચાં મેં માંડ ઉઘાડ્યા, બાજુમાં જોયું તો હર્ષ તેના મોબાઈલમાં યુટ્યુબ ખોલીને બેઠો હતો.

“ખબર નઈ... ઊંઘવા દે હવે...” મેં ઊંઘરેટા અવાજમાં કહ્યું.

“ભાઈ, બસ નામ તો કહો...?” આજીજી કરતો હોય એવા સ્વરે તે બોલ્યો.

“એ ભૂખી આત્મા...!” આઇશાએ ટોન્ટ માર્યો, “...સો જા વર્ના હસ્તર આ જાયેગા...!” (તેણે Tumbbad મુવીનો ડાઈલોગ માર્યો...!)

હું ઊંઘમાં ઘેનાયેલો હોવા છતાં આઇશાનો ડાઈલોગ સાંભળી મારા હોઠ પર અચાનક સ્મિત ફરકી ઉઠ્યું. નિધિનો હસવાનો અવાજ પણ સંભળાયો.

હર્ષ કશું બોલ્યા વિના વીલા મોઢે પથારીમાં પડ્યો.

રાતના 2:17 AM થઈ રહ્યા હતા. અમારા બધાની આંખો મીંચાઇ ગઈ હતી. આવતીકાલે આટલા વાગ્યે અમે એવી જગ્યાએ હોઈશું જેની આ ત્રણેયે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય...!

મધરાત્રે એવા ખોંફનાક સ્થળે જવાના વિચારમાત્રથી ઘણાના તો હાંજા ગગડી જતાં હોય છે...!

***

અમે એવી તો કઈ જગ્યાએ જવાના હતા? શું અમે મધરાત્રે ત્યાં જઈ શકીશું? શું મારો પ્લાન મારા ધાર્યા મુજબનો જ પાર પડશે કે કોઈ ન બનવાની ભયાનક ઘટના બની જશે? શું એ રાતનું ચોઘડિયું અમારી માટે કોઈ મોટું વિઘ્ન અમારા જીવનમાં નોતરશે...?

આગળની કહાનીમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન જાણવા તમારે ભાગ – 4 હવે વાંચવો જ રહ્યો...

વાંચો બીજી હોરર સ્ટોરીઝ:

1. અધૂરી ઈચ્છા: અ ઘોસ્ટ સ્ટોરી

2. શાપિત હવેલી

Facebook: www.facebook.com/Toroneel

Instagram: www.instagram/Parth_Toroneel

રેટ કરો અને રિવ્યુ આપો

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 1 વર્ષ પહેલા

Pankaj

Pankaj 2 વર્ષ પહેલા

Angel

Angel 3 વર્ષ પહેલા

PUNIT

PUNIT માતૃભારતી ચકાસાયેલ 4 વર્ષ પહેલા

Devangi Vasava

Devangi Vasava 4 વર્ષ પહેલા