લતા મંગેશકર - બાયોગ્રાફી Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લતા મંગેશકર - બાયોગ્રાફી

ભારતનું સૂરીલું રત્ન : લતા

બોર્ન લેજન્ડ, લતા !

લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ના રોજ ઇન્દોરમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર, એક સારા શાસ્ત્રીય સંગીતકાર, ગાયક, થિયેટર અભિનેતા હતા, સાથે સાથે તેમની એક કંપની પણ હતી જેનું નામ બળવંત સંગીત મંડળ હતું. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. તેમના પિતાને પાંચ બાળકો હતો.

લતાજીનું બાળપણનું નામ "હેમા" હતું. મીના, આશા ભોંસલે, ઉષા, હૃદયનાથ તેમના ભાઈ-બહેન હતાં. બધામાં સૌથી મોટાં લતા મંગેશકર હતાં. તેમનાં પિતા દીનાનાથજી બાળકોને સંગીત શીખવતા હતાં પણ ત્યારે લતાજી એટલાં ચંચળ હતાં કે તેઓ કોઈ એક જગ્યાએ બેસતાં જ નહીં. તેઓ ભલે આટલા ચંચળ હતાં પણ તેઓ ચૂપચાપ રીતે આ સંગીતની વિદ્યા પણ લઈ રહ્યા હતાં. સ્કૂલના પહેલાં દિવસથી જ તેમણે સ્કૂલના બાળકોને સંગીત શીખવવાનું શરુ કરી દીધું હતું અને જ્યારે આ માટે શિક્ષકો તેમના પર ગુસ્સે થયા ત્યારે તેમણે ગુસ્સે થઈને સ્કૂલે જવાનું બંધ કરી દીધું.

તેઓ જયારે ૬-૭ વર્ષના હતાં ત્યારે તેઓ બહુ ચપળ હતાં. તેઓ પૈડાંમાં બેસી જતાં અને બીજી છોકરીઓ એ પૈડાંને ગોળ-ગોળ ફેરવતાં.

સંઘર્ષપૂર્ણ સમયમાંલતાબની કુટુંબનો દીકરો !

એ તબક્કામાં તેમના પિતા દીનાનાથજીએ મરાઠી ફિલ્મો બનાવી જેમાંથી એક પણ કામયાબ ના થઈ. જે કંપની બંધ કરી દીધી હતી એ ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. પણ કંપની સારી રીતે ચાલી નહિ અને તેથી એ કંપની પણ બંધ કરવી પડી. જ્યારે લતા મંગેશકર ૭-૮ વર્ષના હતાં ત્યારે લતાજીએ પહેલી વાર તેમના પિતાની કંપનીના સ્ટેજ પર એક ગીત ગાયું. ૧૯૪૧માં સાંગલીમાં એમનું મોટું ઘર મૂકી પૂણે સ્થળાંતર થયાં. આ પછી દીનાનાથજીના તબિયત પણ એમનો સાથ આપતી નહતી. ત્યારે લતાજીની ઉંમર ૧૨ વર્ષની હતી અને આખા પરિવારની જવાબદારી તેમની ઉપર જ આવી ગઈ હતી. તેઓ કોન્સર્ટમાં ગાઈને પરિવારનું ગુજરાન ચલાવતાં. ૧૯૪૩માં દીનાનાથજી આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યાં. હવે પૂરા પરિવારની જવાબદારી આ ૧૪ વર્ષની લતા ઉપર આવી ગઈ હતી. ૧૯૪૩માં જ તેમણે પોતાની પહેલું હિન્દી ગયું જેના શબ્દો છે, “હિન્દુસ્તાનવાલોં, અબ તો મુજે પહચાનો”.

બસ, થોડાં જ વર્ષોમાં હિન્દુસ્તાનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ તેમને ઓળખ્યા.

સંગીત ક્ષેત્રે પાપા-પગલીઓ મંડાઈ!

૧૯૪૫માં મંગેશકર પરિવાર પૂણે ને છોડીને મુંબઈ આવી ગયું. ત્યાં તેમની મુલાકાત માસ્તર ગુલામ હૈદર સાથે થઈ. તેઓ લતાજીને એક ફિલ્મ બની રહી હતી ત્યાં લઈ ગયા. એ ફિલ્મના નિર્માતા એક મશહૂર નામી વ્યક્તિ એસ. મુખર્જી હતાં કે જેમની ફિલ્મશહીદ' ત્યારે બની રહી હતી. આ ફિલ્મમાં સંગીત ગુલામ હૈદર સાહેબનું હતું અને તેમણે ફિલ્મનિર્માતાને વિનંતી કરી કે આ એક નવી છોકરી છે અને બહુ જ સુંદર ગાય છે અને તેઓ ઈચ્છે છે કે આ ફિલ્મમાં તેઓ ગાયન કરે. અવાજ સાંભળીને મુખર્જીસાહેબે કહ્યું કે આ અવાજ બહુ જ પાતળો છે, આ અવાજ નહિ ચાલે. પણ હૈદરસાહેબે હાર ના માની અને ૧૯૪૮માં આવેલી એક ફિલ્મમશહૂર' માં લતાજી પાસે ગીત ગવડાવ્યું. અને એ ગીતે લોકોને ચોકાવ્યાં. લતાજી એમ પણ કહે છે કે, અનીલ બિસ્વાસે એમને શીખવ્યું કે માઈક ઉપર ગાતી વખતે શ્વાસ કઈ રીતે લેવો. પણ આ બધાથી એમનું જીવન તો નહોતું જ બદલ્યું.

દિલીપ કુમાર અને લતાની પહેલી મુલાકાત

તેઓ સ્ટેશનથી સ્ટૂડિયો સુધી ટાંગામાં ન જતાં પરંતુ ચાલીને જવાનું જ પસંદ કરતાં, કારણ કે તેમને પૈસા બચાવવાના હતાં. ઘરેથી સ્ટેશન સુધી તે ટ્રેનમાં મુસાફરી કરતાં. અને આ મુસાફરી દરમિયાન એક દિવસ તેમની મુલાકાત એક અભિનેતા સાથે થઈ અને વાતચીત દરમિયાન તેમણે તેમની ઓળખ આપી અને તેમના સંગીત વિષે જણાવ્યું ત્યારે પેલા અભિનેતાએ કહ્યું કે આજકાલ મહારાષ્ટ્રમાં સંગીત તો બહુ જ છે પણ મરાઠી સિંગર જયારે હિન્દી, ઉર્દુમાં ગાય છે ત્યારે તેઓ બરાબર નથી ગાઇ શકતા. એ અભિનેતા હતાં દિલીપ કુમાર. આ વાત લતાજીને ગમી નહિ. અને એ પછી તેમણે એક ઉર્દુ શિક્ષક રાખ્યાં. તેમણે તેમના ઉર્દુ ભાષાનાં ઉચ્ચારણનો રિયાઝ કર્યો અને તેમની ઉર્દુ ભાષાનાં ઉચ્ચારણને સંપૂર્ણ બનાવ્યુ. એ પછી લતાજીએ લંડનના આલ્બર્ટ હોલમાં પહેલી વાર પરફોર્મન્સ આપ્યું હતું, તેઓ પહેલાં ભારતીય સિંગર હતાં કે જેમણે આલ્બર્ટ હોલમાં પરફોર્મન્સ આપ્યું હતું. ૧૯૪૯માં ફિલ્મમહલ" નું ગીતઆયેગા આનેવાલા" કે જેમના સંગીતકાર હતાં ખેમચંદ પ્રકાશ. આ ગીતના રેકોર્ડીંગ વખતે ફિલ્મકર્તાની ડિમાન્ડ એવી હતી કે આ ગીત એવી રીતે ગાવામાં આવે કે જેથી એવું લાગે કે અવાજ દૂરથી આવે છે અને પછી ધીમે ધીમે અવાજ નજીક આવે. અને આ જ રીતે લતાજીએ ગાઈને બતાવ્યું. આ ગીતથી ફિલ્મ તો હિટ ગઈ જ ગઈ પરંતુ લોકો એ જાણવા આતુર હતાં કે એટલો મધુર અવાજ કોનો છે. તે જમાનામાં રેકોર્ડીંગ પાછળ સિંગરનું નામ લખવામાં નહોતું આવતું. પણ લોકોની બહુ જ ડિમાન્ડ પછી આ ગીત ફરીથી રેકોર્ડ કરાવીને તેમનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મોટા ગજાના મ્યુઝિક ડિરેક્ટર્સ અને લતા મંગેશકર:

એ પછી તો કેટલાંય પ્રોડ્યુસર, ડાયરેકટર, સંગીતકાર આવ્યા ગયા પણ હજી સુધી લતા મંગેશકરના અવાજનો ચિરાગ બળે જ છે અને રોશની આપી રહ્યો છે. તેમના અવાજની રેંજ બહુ જ વિશાળ છે. તેઓ હંમેશા ચપ્પલ પહેર્યા વગર જ ગીત ગાય છે. એ પછી તો તેમણે ૧૯૫૦માં કેટલાંય મ્યુઝિક ડિરેક્ટર જેવા કે અનીલ બિસ્વાસ, શંકર જયકિશન, એસ. ડી. બર્મન, ખય્યામ વગેરેએ કમ્પોઝ કરેલા ગીતો ગાઈને સફળતા હાંસિલ કરી હતી. તેઓ પ્લેબેક સોંગ હિરોઈનને અનુલક્ષીને, તેના અંદાજને અનુલક્ષીને જ ગાય છે. તેમનું કહેવું એવું હતું કે એ જયારે ગીત લે છે ત્યારે એ પહેલાં ગીતના શબ્દો ઉપર ધ્યાન આપે છે અને જુએ છે કે આ ગીત કહેવા શું માંગે છે, એ ગીતમાં ક્યાં શબ્દનો અર્થ વધારે છે અને ક્યાં શબ્દ ઉપર ભાર વધારે દેવો જોઈએ? તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે તેમને ૧૯૫૮માં આવેલી ફિલ્મમધુમતીના ગીતઆજા રે પરદેસીમાટે બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

એવોર્ડ અને લતા મંગેશકર

જાવેદ અખ્તરનું કહેવું છે કે, એ બહુ ખુશનસીબ છે કે તેમનું પહેલું ગીતદેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએકે જે તેમના મનપસંદ સિંગર લતાજી અને કિશોરે ગાયેલું છે. એ જમાનામાં ગાયકોને અને ગીત લેખકને એવોર્ડ્સ આપવામાં જ નહોતા આવતા, પરંતુ એ લતાજી જ હતાં કે જેમના લીધે ગાયકોને અને સોંગ રાઈટરને એવોડર્સ આપવાનું શરુ કરવામાં આવ્યું. એક વાર એ.આર. રહેમાને લતાજીને પૂછેલું કે તમે તમારી આટલી સિદ્ધિ પછી, આટલા વર્ષોથી કરેલા કામ પછી પણ અત્યારે જયારે કામ કરો છો ત્યારે જે તમારૂ ફોકસ છે, રસ છે, જે જોઈને એવું લાગે કે જાણે આ જ એ ગીત છે કે તમને બનાવશે અને બગાડશે. આ તમારી કેવી લગન છે કેવું ફોકસ છે? તેઓ પોતાનાં વખાણ કરતા નથી એટલે જ તેમણે કહ્યું કે, આ તો લોકોના આશીર્વાદ અને ચાહત છે.

આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લતાજી એક એવા વ્યક્તિ છે કે જેમને ભારત રત્ન એવોર્ડ મળ્યો. સામાન્ય લોકોની જેમ તેમના પણ શોખ છે. તેમને ક્રિકેટ બહુ પસંદ છે. તેમને ગિટાર વગાડવાનું પણ પસંદ છે. લતાજી એ ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં, માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે, દીકરી તો પારકી થાપણ કહેવાય, વૈષ્ણવ જન તો, હે કાનુડા તોરી ગોવાલણ.. જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે. લતાજીના ગાયેલાં યાદગાર ગીતોમાં આ ફિલ્મોના નામ વિશેષ ઉલ્લેખનીય છે: અનારકલી, મુગલે આઝમ, અમર પ્રેમ, ગાઈડ, આશા, પ્રેમરોગ, સત્યમ્ શિવમ્ સુન્દરમ્ વગેરે. તેમણે ૨૦થી વધારે ભાષાઓમાં ૩૦,૦૦૦થી પણ વધારે ગીતો ગાયેલા છે.

ઓ.પી.નૈયર સાથે તકરાર

ઓ.પી નૈયરે સંગીતની કોઈ પરંપરાગત તાલીમ નહોતી લીધી. તેથી સંગીતની શાસ્ત્રીય ભાષામાં વાત કરવાનું તેમને આવડતું નહોતું. એક વખત કોઈ ફિલ્મ માટે તેઓ પોતાની રીતે લતા મંગેશકરને બ્રીફ કરી રહ્યા હતા. કહેવાય છે કે લતાજીએ તેમને ટોણા મારીને થોડી વાતો સંભળાવી દીધી. નૈયરે ભવિષ્યમાં કદાપિ પણ લતા સાથે કામ ન કરવાની કસમ ખાઈ લીધી. ત્યારબાદ જ્યારે મધ્યપ્રદેશ સરકારે ઓ.પી.નૈયરનેલતા મંગેશકર પુરસ્કારઆપવાની ઘોષણા કરી તો તેમણે એ લેવાથી પણ ઇનકાર કરી દીધો.

ગાયકીની શરૂઆત

લતાના પિતા દીનાનાથને તેમના ગાયકીના હુનર વિષે જાણકારી નહોતી, તેથી તેમને સંગીતથી દૂર જ રાખવામાં આવતા હતા. તેમના પિતા દીનાનાથ ખૂબ જ સારા શાસ્ત્રીય ગાયક હતા અને તેઓ પોતાના ઘરે જ અન્ય બાળકોને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતા હતા. એક વખત આવી જ રીતે તેમણે તેમના એક વિદ્યાર્થીને એક ગાયનના સૂર-તાલ સમજાવી દીધા અને કોઈને મળવા માટે ઘર બહાર ચાલ્યા ગયા. એ વિદ્યાર્થી જયારે ધૂનનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે લતા ત્યાં જ પાસે રમી રહી હતી. તેમણે એ છોકરાને જણાવ્યું કે તે ખોટી ધૂન ગાઈ રહ્યો છે અને તેને સાચી ધૂન ગાઈને સંભળાવી. જયારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે તેમના પિતાજી દીનાનાથ પાછળ જ ઉભા રહીને સમગ્ર ઘટનાક્રમ નિહાળી રહ્યા હતા. તેમણે લતાનો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ તેમને પણ તાલીમ આપવાનું શરુ કરી દીધું.

જયારે લતાને ઝેર આપવામાં આવ્યું

૬૦ ના દસકામાં જયારે લતા પોતાના ચરમ પર હતી ત્યારે તેમની તબિયત થોડી ખરાબ રહેવા લાગી. ઘણા બધા ડોકટરોને બતાવ્યું. તેમ છતાં કોઈ સમજી શકતું ન હતું કે તેનો ઉપાય શું છે? પછી એક ડોકટરે કહ્યું કે તેમને ધીમું ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. તે ઝેરથી તેમની તબિયત ખરાબ જ રહેશે અને જાન ગુમાવવાનો વખત પણ આવી શકે છે. ત્યારબાદ ડોકટરની વાત એકદમ સાચી નીકળી. લતાના ઘરે કામ કરવાવાળો એક રસોઈયો જ તેમને ભોજનમાં ઝેર મેળવીને આપી રહ્યો હતો. લતાની બીમારીની ખબર ફેલાતા જ તે રસોઈયો ભાગી છૂટ્યો.

જ્યારે લતાએ નામ બદલીને ફિલ્મમાં સંગીત આપ્યું

લતા મંગેશકર ખુબ જ પ્રખ્યાત ગાયિકા બની ચુક્યા હતા અને તેમના શુભચિંતકો અને પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તેઓ સંગીત નિર્દેશક પણ બને. તમામ સંગીતકારો સાથે સારા સંબંધો રાખવાવાળી લતાએ પહેલા તો એવું કહીને ના પાડી કે તેમને તેઓ પોતાના કોઈ પણ મિત્ર સાથે હરીફાઈમાં ઉતરીને સંબંધ બગાડવા નથી માંગતી. પરંતુ ઘરના સભ્યો ન માન્યા તે ન જ માન્યા. તેમના જ દબાણમાં લતાએ એક મારાથી ફિલ્મમાં સંગીત આપ્યું. તે ફિલ્મનું નામરામ રામ પ્વ્હાણહતું.

ફિલ્મ માટે લતાએ નામ બદલી નાંખ્યું હતું કે જેથી કરીને તેમને કોઈ ઓળખી ન શકે. તેમણેઆંનદ ધન' નામથી સંગીત આપ્યું. આ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રો સાથે સંબંધ પણ કાયમ રહ્યો અને ઘરના સભ્યોની ઈચ્છા પણ પૂરી થઇ ગઈ. પરંતુ તકલીફ તો ત્યારે પડી કે જયારે એક ફિલ્મ એવોર્ડ ફંકશનમાંરામ રામ પ્વ્હાણમાટેઆનંદ ધન' ને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ એનાયત થયો. સ્ટેજ પરથી ઘણી વાર તેમનું નામ ઘોષિત કરવામાં આવ્યું પરંતુ ત્યાં હોવા છતાં પણ લતા સ્ટેજ પર ન જઈ શક્યા. ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિને લતાના આ રહસ્યની જાણ હતી તેથી તેમની ઓળખ છતી થઇ ગઈ.

અભિનય

લતા ક્યારેય એક્ટિંગ કરવા માંગતી ન હતી પરંતુ પિતાના મૃત્યુ બાદ પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમને આ કરવું પડતું હતું. એક વખત તેઓ એક ફિલ્મના શુટિંગ માટે સ્ટુડીયો ગયા. જ્યાં તેમની સાથે કંઈક એવું થયું કે ત્યારબાદ તેમણે એક્ટિંગ પડતી મૂકી. ખરેખર વાત એમ હતી કે ૧૩ વર્ષની લતાને મેકઅપ વગેરે કરીને જયારે શુટિંગ માટે લઇ જવામાં આવી ત્યારે ફિલ્મ ડિરેક્ટરને તેનો મેકઅપ પસંદ ન આવ્યો. ડિરેક્ટરે મેકઅપ કરવાવાળા લોકોને કહ્યું કે આની ભ્રમરો ખૂબ મોટી અને કપાળ ખૂબ નાનું લાગી રહ્યું છે. ડિરેક્ટરના કહેવા પ્રમાણે લતાને તૈયાર કરવા માટે તેમની ભ્રમર અને આગળના વાળને નાના કરી દેવામાં આવ્યા. આ વાત લતાને ખૂબ લાગી આવી. તેઓ સમગ્ર રસ્તામાં મોં લટકાવીને ચાલી આવી અને ઘરે પહોંચતા જ માં ને ગળે વળગીને રડવા લાગી. જેમ-તેમ તે ફિલ્મ તો પૂરી થઇ પરંતુ આ ઘટના પછી તેમણે એક્ટિંગ છોડી દીધી અને માત્ર સિંગિંગ પર ધ્યાન આપવા લાગ્યા.

કવિતા કૃષ્ણમૂર્તિ અચંભામાં મુકાઈ ગયા.

૧૯૮૨ ની આસપાસ કવિતાએ ડબિંગ આર્ટીસ્ટ તરીકે બપ્પી લહેરી માટે રાજકુમાર કોહલીની એક ફિલ્મમાં ગીત ગાયું હતું. તેમને એકદમ સારી રીતે જાણ હતી કે પછીથી આ ગીત કોઈ જાણીતા ગાયકના અવાજમાં રેકોર્ડ કરવામાં આવશે. કવિતા કહે છે, ‘મને ફિલ્મનું નામ તો યાદ નથી પણ એ ગીત હતું, ‘ઓ મેરે સજના' અને શિવરંજની રાગ હતો. મને મારી ફી મળી અને હું આ બાબતને ભૂલી ગઈ. ત્યારબાદ મેં એક તમિલ મેગેઝીનમાં વાંચ્યું કે બપ્પી લહેરીના આ ગીત માટે લતા મંગેશકર ગયા હતા અને કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં ડબ કરેલા ગીતને સાંભળીને તેમણે તે ગીત રેકોર્ડ કરવાની નાં પડી દીધી.

કવિતા સુન્ન થઇ ગઈ. તેમને થયું કે ચાલો ઠીક છે કે અમને લીડ સિંગર તરીકે તક નથી મળતી. પરંતુ શું તેનો મતલબ એવો છે કે અમારી પાસેથી ડબ કરેલા ગીતો પણ ઝુંટવી લેવામાં આવે. પરંતુ થોડા દિવસો પછી તેમણે આ જ સમાચાર એક હિન્દી મેગેઝીનમાં વિગતવાર વાંચ્યા.

લતા સ્ટુડીઓ પહોંચી, ગીત વાંચ્યું, ધૂન સાંભળી અને પછી ડબ કરેલા ગીતને સાંભળવાની ઈચ્છા દર્શાવી. તે ગીત સાંભળ્યા બાદ તેમણે કહ્યું કે, ‘આ છોકરીએ તો કમાલ કરી છે. તો પછી તમે મારા અવાજમાં આ ગીતને શા માટે રેકોર્ડ કરવા માંગો છો.કવિતાને વિશ્વાસ નહોતો થઇ રહ્યો. તેઓ અચંભામાં મુકાઈ ગયા કે શું એક શ્રેષ્ઠ સિંગરના કહેવા પર એક નવોદિત કલાકારને તક મળી શકે છે?

….અને જયારે શોહદેને પાઠ ભણાવ્યો

લતાએ જણાવ્યું કે જો કોઈ તેમની કોઈપણ વસ્તુની ખુબ પ્રશંશા કરે તો તેઓ એ વસ્તુ તેને આપી દેતા હતા. તે દિવસોમાંમહલફિલ્મ બની રહી હતી. ફિલ્મના એક ગીત માટે થયેલી બેઠકમાં ગીતકાર નક્શાબે લતાની ચમકતી નવી કલમની ખૂબ જ પ્રશંશા કરી.આ તમે રાખો' કહીને લતાએ કલમ તેમને આપી દીધી.

પરંતુ લતા ભૂલી ગઈ કે કલમ પર તેમનું નામ છુંદાવેલું છે. તેમને બિલકુલ ખયાલ ન હતો કે એ ગીતકારનો ઈરાદો શું છે?

નકશાબેલતા'ના નામવાળી કલમને એ કહીને બધાને બતાવવી શરુ કરી દીધી કે તેઓ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. લતાએ આ મુદ્દે ચુપ રહેવાનું જ નક્કી કર્યું કારણ કે તે જાણતા હતા કે જો તેઓ કંઈક બોલશે તો આ મુદ્દો વધારે બગડશે અને લોકો મજા લેશે.

અન્ય એક રેકોર્ડીંગમાં નક્શાબ ફરીથી ટકરાઈ ગયા. તેઓ એ બતાવવા માટે આતુર હતા કે લતા તેમના પ્રેમમાં પડી ચુકી છે. આ માટે રેકોર્ડીંગ શરુ થયા બાદ તેઓ વચ્ચે વચ્ચે તેમના બુથમાં ઘુસી જતા અને તેમને ઊંડાણથી ગાવા માટે કહેતા કે, ‘આ પંક્તિઓમાં એટલો પ્રેમ ભરી દો કે એવું જ લાગે કે તમે તમારા પ્રેમી સામે બિનશરતી સમર્પણ કરી રહ્યા છો.લતાએ અહીંયા પણ ગુસ્સાને ગળે ઉતારી દીધો.

પરંતુ તે દિવસે તો એકદમ હદ થઇ ગઈ કે જયારે તે ગીતકાર અચાનક જ લતાના ઘરે પહોંચી ગયા. લતા પોતાના નાના ચૌકવાળા ઘરના આંગણામાં પોતાની બહેનો સાથે રમી રહ્યા હતાં. એ સમયે તેઓ હસતી-રમતી બાળકી જ તો હતા.

લતા એ કહ્યું કે, ‘જો હું ઘરે એકલી જ હોત તો હું મુશ્કેલીમાં મુકાઈ શકી હોત, પરંતુ મારી બહેનો સામે હું એ ચીપકું આદમી પાસેથી એક પણ શબ્દ સાંભળવા માંગતી ન હતી. હું તેને રસ્તા પર લઇ ગઈ. ગુસ્સામાં સાડીનો પાલવ કમરમાં ખોંસતા મેં તેને પૂછ્યું કે મંજૂરી વગર મારા ઘર પર આવવાની તેની હિંમત કેવી રીતે થઇ. મેં તેને ધમકાવ્યો કે, ‘જો ફરીવાર જો તું મને ફરીવાર અહિયાં નજર આવ્યો તો હું તારા ટુકડા-ટુકડા કરીને ગટરમાં ફેંકી દઈશ. હું મરાઠા છું એ વાત ભૂલતો નહીં.

મુસલમાન સાથે ગીત ન ગાવાની અફવા

સાઠના દાયકામાં લતા અને તલત મહમૂદના ડ્યુએટ ગીતની રેકોર્ડીંગ માટેની પ્રપોઝલ આવી, પરંતુ અમુક કારણોસર તે પૂર્ણ ન થઇ શક્યું. ત્યારે એવી અફવા ફેલાણી કે લતાએ આ ગીત એટલા માટે ન ગાયું કેમ કે તેમના સાથી ગાયક મુસલમાન હતા. તલત મહમૂદે આ અફવા પર ભરોસો પણ કરી લીધો.

પરંતુ સારી વાત એ બની કે સમય રહેતા જ આ ખોટી વાત દુર થઇ ગઈ. બંને સામ-સામે મળ્યા. ઉત્તેજિત લતાએ તલતને પૂછ્યું, ‘તમે આવી વાહિયાત વાત પર કેવી રીતે વિશ્વાસ કરી લીધો? શું તમે નથી જાણતા કે રફી સાહેબ અને નૌશાદ સાહેબ પણ મુસલમાન છે? હું હંમેશા તેમની સાથે કામ કરું છું. હું યુસુફ ભાઈ (દિલીપ કુમાર) ને રાખડી બાંધુ છું. તમે એ પણ ભૂલી ગયા કે મેં અમન અલી અને અમાનત ખાન સાહેબની શિષ્યા તરીકે શીખવાનું શરુ કર્યું હતું. તેઓ બંને પણ મુસલમાન હતા.

શંકર-જયકિશન સાથે એ પહેલી મુલાકાત

બરસાત ફિલ્મ વખતની વાત છે જયારે રાજ કપૂરે શંકર-જયકિશનને તેમની ફિલ્મબરસાતમાટે સંગીત કમ્પોઝ કરવાની વાત કરી, તે સમયેબરસાતશંકર-જયકિશનની ડેબ્યુ ફિલ્મ હતી. રાજ કપૂરે ૧૯ વર્ષના જયકિશનને લતાના તારદેવ, મુંબઈના એક રૂમવાળા એપાર્ટમેન્ટમાંથી બરસાત ફિલ્મના ગીતના રેકોર્ડીંગ માટે તેમના ચેમ્બુર સ્ટુડીઓમાં સાથે લઇ આવવા કહ્યું. આ સ્ટુડીઓ લતાના ઘરથી લગભગ ૧૫ માઈલ દૂર હતો. જયકિશન લતાના ઘરે આવ્યા અને બારણાં પર ટકોરા માર્યા. લતા જયકિશનને પહેલી વાર મળી રહ્યા હતા તેથી તેમને જાણ નહોતી કે તેઓ કોણ છે. તેમણે બારણું ઉઘાડયું અને જયકિશન સામે જોયું, જયકિશન તે વખતે ખુબ જ દેખાવડા લાગતા હતા. જયકિશને તેમને કહ્યું કે રાજ કપૂરે તેમને ચેમ્બુર સ્થિત પૃથ્વી થીએટર પર રેકોર્ડીંગ માટે સાથે લઇ આવવા માટે મોકલ્યા છે. પરંતુ જયકિશને તેમને જણાવ્યું નહીં કે તેઓબરસાત' ફિલ્મના મ્યુઝીક ડીરેક્ટર છે.

જયકિશન ખુબ દેખાવડા લાગતા હતા તેથી લતાએ વિચાર્યું કે આ જરૂર રાજ કપૂરનો કોઈ સંબંધી અથવા ફક્ત સંદેશાવાહક હશે. તેમને લાગ્યું કે રાજ કપૂરના સંદેશાવાહકો પણ તેમની એટલે કે રાજ કપૂર જેટલા જ દેખાવડા છે.

તેઓ જયકિશન સાથે ટેક્ષીમાં બેસીને ચેમ્બુર સ્થિત પૃથ્વી થીએટર પહોંચ્યા. પહોંચીને તરત જ બંને રેકોર્ડીંગ રૂમમાં ગયા અને જયકિશન હાર્મોનિયમ નીકાળીને તેમણે પોતે કમ્પોજ કરેલી એક ધૂન લતાને સમજાવવા લાગ્યા. લતાને આ જાણીને ખુબ જ આશ્ચર્ય થયું કે આખરે આ ૧૯ વર્ષનો દેખાવડો નવયુવાન રાજ કપૂરનો સંદેશાવાહક કે સંબંધી નહીં પણ બરસાત ના કેટલાક ગીતોનો કમ્પોઝર છે.

***

આજે પણ લતા મંગેશકરનો અવાજ એટલો જ મખમલી અને સૂરીલો છે. તેઓ ખરેખર ભારતનું રત્ન છે. તે પોતે જ એક નશિસ્ત છે. તેઓ ભારતનું ગર્વ છે. તેમના કંઠે ગવાયેલા એક ગીતની પંક્તિ,

ઝિંદગી પ્યાર ક ગીત હૈ, ઇસે હર દિલ કો ગાના પડેગા…”

***