ફોન ની ઘંટડી વાગી એટલે હડપ દઈ નેં મેં ફોન ઉપાડ્યો, મને એમ કે ચંદુભાઈ ની ઉઘરાણી આવી જ ગઈ, હજી તો મેં કહ્યું રામ-રામ ચંદુ ભાઈ ત્યાં તો મારૂ વાક્ય કાપી નેં ઈ ચંદયા એ ટુમકુ મૂક્યું કે, તમારા જેવું કામ પડ્યું છે... મને તરત જ મન માં ઉગી ગયું કે આ ભાઈ પૈસા નહીં કાઢે, મારું મન તો ના હતું તો પણ મેં પૂછ્યું, બોલો શું કામ પડ્યું?
જવાબમાં તે ભાઈ બોલ્યો કે એકાદ મહિના માટે 25000 ઉછીના જોઈએ છે. થોડી વાર તો મારી જીભ ગળા નીચે ઉતરી ગયી, મનેં થયું કે આ માણસ ની હિમ્મત તો જુઓ, પાછલા 10000 ચૂકવવા ની મુદત વીત્યે 3 મહિના વટી ગયા તો પણ હજી આનેં બીજા 25000 લૂંટવા છે મારી પાસે !
મેં કહ્યું, ભાઈ મારી જૂની ઉઘરાણી તો પરત કરો, હું એની રાહ માં બેઠો છુ અને તમે હજી ઉધારી માંગો છો...ચંદુભાઈ એ તરત કીધું, હું બધા પૈસા ચૂકવી આપીશ, મારે બસ દવાખાના નૂ કામ આવી ગયું છે એટલે...
મેં તરત પૂછ્યું કોણ બીમાર પડી ગયું? બા-કે બાપુજી? તો એ બેશરમ હસતો હસતો બોલ્યો,,, તમારા ભાભી નેં દાખલ કર્યા છે... અમારા ચોથા બાળક ની ડીલેવરી છે આવતા અઠવાડિયા માં,, (કોઈ બીમાર નથી.)
થોડી વાર તો મન માં થયું કે આવા બેશરમ દેવાદાર ની ગળચી દાબી દઉ, કાં તો મોઢા પર ઢીંકો મારી દઉ.
પાછળ ત્રણ-ત્રણ ટાંગરા ની લંગર બાંધી છે તો પણ આને રેલગાડી ચાલુ જ રાખવી છે. મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, મેં તેને પૂછ્યું, સરકાર જાજા છોકરા પેદા કરવા કઈ ઇનામ આપે છે કે, તમેં જ તમારી રીતે એવું વિચારી બેઠા છો કે દેશ ની વસ્તી બહુ ઘટી ગઈ છે?
થોડી વાર સાઇલેન્ટ મોડ માં રહી નેં ચંદુ બોલ્યો.. એવું કઈ નથી. ઘર હર્યું ભર્યું લાગે નેં એટલે અમેં હિમ્મત કરી ગયા.
મારા મગજ ની તો નસ ફાટી ગઈ, મેં કીધું, ઘર માં ખાવા ખાખ નથી, ઉધારી માટે ફાંફા મારો છો, જુના કર્જ ચૂકવી નથી સકતા, તો પછી આવી ખોટી હિમ્મતો કરવા નું બંધ કરી દયો નેં ભાઈ.
પૈસા નહીં મળે, તમારી ઉભી કરેલી ઉપાદીઓ નેં તમે જ સાંભળો, મનેં મારા દસ હજાર આપી દો એટલે મારી જાન છૂટે, મારે વ્યાજ ના પૈસા નથી જોતા, મૂળ રકમ આવી જાય એટલે આપણા છેલ્લા રામ-રામ, ચાલો હવે ફોન મુકું છૂ, મારે બહારગામ જવું છે.
ચંદુ તરત જ બોલી ઉઠ્યો,,,
અરે જરા થોભો,,, શેઠ તમેં રાજકોટ બાજુ નીકળો તો મને મળતા જાઓ, હું તમારા 10000 + વ્યાજ ચૂકવી આપીશ અનેં 25000 હજાર બીજા કોઈ મિત્ર પાસે થી મેળ કરી લઈશ. અનેં બપોર નૂ જમવાનું મારા તરફ થી, પછી કાંઈ?
લાસળિયા ઉધારીયા ના મોઢે આવા મધુર વચન સાંભળી મારું તો માથું જ ફરી ગયું, મેં તરત જ હામી ભરી દીધી અનેં, ફટાફટ રાજકોટ રવાના થવા માટે લોકલ ટ્રેન પકડી લીધી,
ટ્રેન માં ચડતાવેત રેલવે પોલીસ કર્મચારી એ મારો કાંઠલો પકડ્યો અનેં ઢસેડી નેં મનેં ટ્રેન નીચે ઢગલો કરી દીધો, પેલા તો મન થયું કે ઉભો થઈ નેં એ જાડિયા ના ફાંદ માં બે ત્રણ ઘુસ્તા જીકી દઉં પણ, જયારે તેના જમણા હાથ માં જાડી ધોકા જેવી લાકડી જોઈ તો મેં મારી ભાવનાઓ પર કાબુ રાખી લીધો.
મેં એ દાનવછાપ મુચ્છળ નેં નકલી સભ્યતા થી પૂછ્યું કે મારો ગુનો શું છે? તો એ અકરાતિયા એ કપાળ ભેગું કરતા વડકુ લીધું અનેં બોલ્યો કે,જો તો ખરા આ લેડીઝ ડબ્બો છે, ક્યાં ધૂણી ધખાવતો ઘુસ્યો જાય છે, પાછલા ડબ્બા માં પછડ।.
ધૂળ જાટકી નેં હું પ્લેટફોર્મ પર થી ઉભો થઇ ગયો, મેં ત્યાર-બાદ જનરલ ડબ્બા માં જેવો પગ મુક્યો તો માથું ફાટી જાય એવી વાસ આવી, મેં ગુસ્સા માં આવી નેં બાજુ ની સીટ પર બેસેલી અધઃ બોખી ડોસી નેં કહ્યું,,, માજી રોજ નવાનું, આમાં તમારા વાંકે બીજા ઉપર પુગી જશે,
બેરી ડોશી સમજી ગઈ કે મેં એનું કાંઈક અપમાન કર્યું છે, તેણી એ કરચલી વાળો હાથ ઊંચો કરી મનેં પાસે બોલાવ્યો, અનેં બોલી, પાછું બોલ તો? મેં વિચાર્યું કે આ ઘરડી ડોશી મારું શું બગાડી લેશે, મેં ફરી થી એને કીધું.. માજી રોજ નહાવાનું, આમાં તમારા વાંકે બીજા ઉપર પુગી જશે,
મારા નજીક આવતા જ તેણી એ પોતાના સાડલા ના છેડા ની કોર નાક માં ઘૂસેડી અનેં એવી છીક મારી કે,,, તેની મોઢા ની તંબાકુ અનેં નાક નું ફેવિકોલ મારા સફેદ શર્ટ પર રંગોળી કરી ગયું... અનેં પછી એ દબંગ ડોશી બોલી કે, તને જે વાસ આવતી હતી એ ટ્રેન ના ડબ્બા ના બાથરૂમ ની હતી, મારી નતી, આતો તેં મારું અપમાન કર્યું એટલે મેં તને ગંદગી નોં લાઈવ પરચો બતાવ્યો.
હું સમજી ગયો કે આ કાળા દાત વારી અનુભવી વાઘણ નેં જાજી છંછેડવા માં ભલાઈ નથી. હું સાફ સફાઈ કરી નેં આગળ સીટ બાજુ ખસકી ગયો. ત્યાં જોયું તો એક પેંગ્વિન જેવી આધેડ સ્ત્રી ઘોઘરા ઘરડતી હતી. મેં તરત તેને અવાજ દીધો... બહેન આ જનરલ ડબ્બો છે, ઉભા થાઓ, સુવા ની જગ્યા અહીંયા ના હોય. ત્રણ ચાર વાર બાંગ પોકારી પણ એ, હાથણી ઉઠવાની તો દૂર હલી પણ નહીં,
મેં ગુસ્સે ભરાઈ નેં તેનું બાવડું હલાવ્યું, અનેં તેને જગાડવા માટે અંતિમ પ્રયાસ કર્યો, જેવો મેં તેનો હાથ અડ્યો ત્યાં તો, વન ગોરીલા જેવી ત્રાડ પાડતા તેણી એ પોતાનો સૂંઢ જેવો હાથ જાટક્યો, અનેં તેનો હાથ જબરી સ્પીડ માં મનેં એવી જગ્યા એ લાગ્યો કે, મને ધોરા દિવસે આભ ના તારા દેખાય ગયા.
હજી મારા શ્વાસ માં શ્વાસ આવે તે પહેલા તો એ, ગેંડાના અદા ની દીકરી બોકાસા દેવા માંડી કે, મારી છેડતી કરી.... મારી છેડતી કરી...
મેં કીધું,,, કે હું તો બેસવા ની જગ્યા ગોતતો હતો, તમારા જેવી પથરાયેલી પાડેળી માં મને શું ઇંટ્રેસ્ટ હોય, મારે થોડું કચરાઈ નેં મરવું છે તી, તમારી પાછળ ફિલ્ડિંગ ભરું, ઉભા થાવ, આખી સીટ રોકી નેં સુતા છો, બેસવા ની જગ્યા કરો.
માંડ માંડ એ જાડી બુદ્ધિ નેં મારી વાત સમજાણી નેં મારી આબરૂ બચી,
દૂર બેઠી પેલી ગંધારી ડોશી હજી મારા પર કાતરા કાઢતી હતી. હજી મેં વેફર નું પડીકું તોડ્યું ત્યાં તો, એક હાર્મોનિયમ વારો ભીખારો મારા મોઢા સામે હાથ લામ્બો કરી ઉભી ગયો, તે ગળું ફાડી ફાડી મોટા રાગડા તાણતો જાય અનેં એક હાથે હાર્મોનિયમ ની પાટી હલાવતો જાય,
જ્યાં સુધી મેં એના મોઢે 5 નો સિક્કો ખોસ્યો નહીં એ ત્યાં થી હટ્યો નહીં.
ગોંડલ નજીક આવ્યું, તો મને બાથરૂમ લાગી, હું સામે બેઠેલા વડીલ નેં જગ્યા રાખવા કહી ગયો, અને થોડી જ વાર માં બાથરૂમ જઈ નેં પરત આવ્યો તો મેં જોયું કે, એક મદ્રાસણ 3 વર્ષ ના છોકરા નેં લઇ નેં મારી જગ્યા પર બેસી ગઈ, મારો પિત્તો ગયો, મેં કપાળ ભેગું કરતા કહ્યું કે, બેન આ મારી જગ્યા છે, ઉભા થાવ, ભરોસો ના હોય તો આ બાપા નેં પૂછી જોવ, એમ કહી પેલા નકામા બુઢ્ઢા સામે જોયું તો એ મોઢે રૂમાલ ઢાકી, ઘોઘરા ઘરડતો સુઈ ગયો હતો.
થોડી વાર તો એમ થયું કે ઈ ડોસા બાપા ના નાક ના ધોરા વાળ ખેંચી નેં એની નીંદર બગાડું પણ, એની ઉમર જોઈ નેં હું જાતું કરી ગયો. લગભગ 15 મિનિટ મદ્રાસણ હારે લમણાજીક કરી તો, તે પોતાની ભાષા માં ગારુ બોલતી બોલતી ત્યાં થી ઉઠી ગઈ અનેં પેલી ખેપાની ડોશી પાસે બેસી ગઈ. હું પણ મારી નાનકડી જીત ની ખુશી માં મારી જુની જગ્યા (સીટ) પર બેસી ગયો.
મને અચાનક નીચે ભીનું ભીનું લાગવા માંડ્યું, તો મેં જોયું આખી સીટ સરાબોર ભીની હતી, મેં ફરી પેલી મદ્રાસણ સામે ક્રોધ થી જોયું અનેં તેને કીધું કે, સીટ પર પાણી ના ઢોરતા હોય તો ! આ જોવ મારુ આખું પેન્ટ અનેં હાથ ભીંજાય ગયા...
પેલી મદ્રાસણ, ડોશી, જાડી અનેં, મદ્રાસણ નો 3 વર્ષ નો દીકરો મારી સામું જોઈ નેં એકી ટસે હસવા મંડ્યા.... આવું જોઈ નેં હું ગુસ્સે થયો અનેં બોલ્યો આમાં હસવા જેવું શું છે?
થોડી જ વાર માં પેલી ડોશી એ મદ્રાસણ ના છોકરા નું ભીનું પેન્ટ બતાવ્યું, હું તરત જ સમજી ગયો કે, અહીંયા કોઈ પાણી ની બોટલ નથી ઢોરાણી, પેલા મદ્રાસી ટેણીયા એ વરસાદ કર્યો છે. હું દોડતો બાથરૂમ તરફ ગયો, અનેં બાથરૂમ માં પોતાની સાફ સફાઈ કરવા લાગ્યો.
હવે મને સમજાઈ ગયું હતું કે મદ્રાસણ એ મારી લમણાંજીક થી કંટાળી નેં સીટ ખાલી ના કરી હતી, પોતાનો ટેણીયો બાથરૂમ કરી ગયો એટલે જગા આપી દીધી હતી.
અંતે હું રાજકોટ આવી પહોંચ્યો.. સૌ થી પહેલા મેં ઓલા ચંદયા નેં ફોને કર્યો નેં કીધું કે, મારા 10000 આપી જા.
ચંદુ તરત જ રેલવે સ્ટેશન આવ્યો, મેં જાટકી નેં કીધું લાવ મારા પૈસા,
થોડી વાર મારું મોઢું જોઈ એ, ભડ નો છોડીયો બોલ્યો કે, મારા થી પૈસા નહિ થાય,
મેં તો તરત જ તેનો કાંઠલો પકડી લીધો, મેં પૂછ્યું કે આ શું મજાક છે? હું સ્પેશિયલ મારો રુટ બદલી નેં રાજકોટ પૈસા ઉઘરાણી કરવા આવ્યો અનેં તું કે છે કે પૈસા નથી?
તને ખબર છે હું કેટલો હેરાન થતો આવ્યો છુ રસ્તા માં? મેં કીધું કે, લાવ મારા પૈસા, બીજી વાત નહીં.
આટલું કેતા જ ચંદુ હાથ જોડી કરગરવા લાગ્યો, એ બોલ્યો કે આ રહ્યા 25000 મારા એક ખીસા માં, અનેં આ રહ્યા તમારા 10000 બીજા ખીસા માં, તો પણ હું તમને તમારા 10000 નહીં આપી શકું, તમે સમજો, મારે હવે 25000 ને બદલે 100000 (એક લાખ) ની જરૂર પડી ગય છે.
મેં કીધું, તું પાગલ છે ચંદીયા? પૈસા ખીસા માં છે, લેણદાર સામે છે, તારા જરૂર ના પૈસા પણ ખીસા માં છે તો, હવે તને 1 લાખ સુકામ જોઈએ છે? મારા આ સવાલ ના જવાબ માં એ ભાઈ બોલ્યો કે, ડોક્ટર નથી સમજતો, એને ડીલેવરી નો ભાવ વધારી દીધો છે.
આવી અજીબ વાત મારા ગળે ઉતરી નહિ એટલે મેં ડોરા બતાવતા ચંદુ નેં કીધું કે, મામા બીજા કોક નેં બનાવ, દવાખાનું કઈ શેરબજાર થોડું છે, તી રાતોરાત ભાવ વધી-ઘટી જાય, હાલ તારા ઈ ડોક્ટર પાસે, હું વાત કરું, અનેં તારી વાત માં કોઈ સચ્ચાઈ હશે તો, એ ધુતારા ડોક્ટર નેં જેલ ના સરિયાં પાછળ નંખાવશું.
મારા આવા વર્તન થી ચંદુ ધ્રુજવા લાગ્યો અનેં બોલ્યો કે, ભાઈ આમાં ડૉક્ટર નો કોઈ દોષ નથી, અમારો વાંક છે.
હવે મારી સહન-શક્તિ ની હદ વટી ગઈ હતી, મેં કીધું, એલા ચંદીયા તારી સસ્પેન્સ સ્ટોરી બંધ કર અનેં ચોખ્ખું બોલ કે મેટર શું છે?
થોડી વાર મૌન રહી નેં શરમાતા શરમાતા ચંદુ બોલ્યો કે "તમારા ભાભી એ ચોક્કો માર્યો છે" એટલે ડોક્ટર એ કીધું છે કે, ચાર બાળક ની ડીલેવરી નો ચાર્જ ચાર ગણો થશે.
આ વાત સાંભળતા જ મેન બધો ગુસ્સો ઉતરી ગયો. મૅ મનોમન વિચાર્યું કે, આમાં વાંક તો મારો જ છે, પાત્ર જોયા વિના કરજો મેં આપ્યો, વેવાર વિનાના માણસ ની વાત પાર ભરોસો કરી ટ્રેન ની મુસાફરી મેં ખેડી,
મેં મોઢા પર હાસ્ય ફરકાવતા ચંદુ ના ખભા પર હાથ મુક્યો નેં કીધું કે, મારા શર્ટ ના ઉપલા ખીસા માં 5000 ની થપ્પી છે, ઝડપ થી ઉપાડી લે, આ પૈસા તારી લંગર નેં સાચવવા માટે નથી, તારા નસબંધી ના ઓપેરશન માટે છે.
મારી ઉધારી ભૂલી જાજે, મારે તારું પાંચયુ હવે જોતું નથી, અનેં એક મહિના ની અંદર તારી નસબંધી થઇ ગઈ એનું ડોક્ટરી પ્રમાણ-પત્ર મને મોકલી આપજે, એવું ના કર્યું તો હું પાછો રાજકોટ આવી નેં તારી નસબંધી જાતે કરી જઈશ. હવે મંડ ભાગવા, મને ખબર છે કે તું બાકી ના 75000 નો જુગાળ પણ કોઈ ને કોઈ બકરા ગોતી નેં ભેગા કરી લઈશ, રામ-રામ
હવે ટ્રેન ની મુસાફરી થી હાથ જોડ્યા, સ્ટેશન પાસે મસ્ત મજાના ભોજનાલય માં જમી અનેં હું એસી લક્ઝરી બસ માં મારા ગામ પરત વળ્યો. થોડા જ દિવસો માં ચંદુ નો ફોન પણ આવી ગયો, ચારેય નવજાત બાળકો સ્વસ્થ છે, બાકી ના ત્રણ મોટા બાળક પણ મજા માં છે અનેં પોતે બંને માણસ પણ ઉધારી ના પૈસે લીલા-લહેર કરે છે.
ફોન મુકતા પહેલા ચંદુ ફરી બોલી ઉઠ્યો,,, તમારા જેવું એક કામ છે, કહું? આ શબ્દ સાંભળતા જ મારા મોઢા પર સ્મિત આવી ગયું અનેં, મેં તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો અનેં પ્રફુલ્લિત મને ઘર પાસે આવેલા બગીચા માં આંટો દેવા ચાલ્યો ગયો. - સમાપ્ત
નોંધ - આ સંપૂર્ણ લેખ-વાર્તા કાલ્પનિક છે અનેં, ફક્ત મનોરંજન માટે રચવા માં આવેલ છે. વાર્તા સંવાદ માં દર્શાવેલ નાની મોટી ઉંમર ના વ્યક્તિઓ, કે વ્યક્તિ જાતિ માટે વાપરેલા હાસ્યાસ્પદ શબ્દો હાસ્ય-રચના માટે છે, અમો સર્વે જાતિ, આયુ અનેં દરજ્જા ના વ્યક્તિઓ નું સમ્માન કરીએ છીએં - જય હિન્દ.
સીખ - મુસીબત ના સમયે માણસ ની મદદ કરવી એ માણસ ની ફરજ છે પણ, અમુક કદરકુટ્ટા લોકો ચાદર મુજબ પગ ફેલાવા માં સમજતા નથી અનેં જ્યાં થી મળે ત્યાં થી માંગી-ભીખી નેં મૌજ માણવા માં પોતાની કુશળતા સમજે છે એવા વેવાર-વગર ના માણસો થી દૂર રહેવા માં જ સમજદારી.