નાદાનિયત મનીષ વાડદોરીયા કલાકાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાદાનિયત

હાથમાં આલ્બમ લઇ તરુલતાબેન સોફા ઉપર બેઠા. આજે કેટલાય દિવસો પછી આવી શાંતિની પળો માણવા મળી હતી. આલ્બમ ઉઘાડતાં જ પોતાનો અને નંદનભાઈનો યુવાન વયનો ફોટો જોઈ તેમના ચહેરા ઉપર રતાશ ધશી આવી. લગ્ન સમયે સુંદરતામાં તેમણે જાણે હિરોઈનને પણ માત ખવડાવી હતી.

આલ્બમના પાના બદલાતા ગયા તેમ તેમ જૂની યાદો તાજી થતી ગઈ. આજે જાણે જૂની યાદોને તાજા થવાનો અવસર હતો. લગ્નમાં આવેલો પોતાનો પરિવાર પણ કેટલો ખુશ હતો. મમ્મી - પપ્પા અને ભાઈ-ભાભી, વળી સાસુ-સસરા અને નણંદ - નણંદોઈ.

બધાયના સાસરિયામાં શું હોઈ છે ! તે તો તેઓ જ જાણે, પરંતુ પોતાનું સાસરું તો સાસરું જ ક્યાં હતું ? પિયર કરતાય વધારે પ્રેમાળ હતું. સાસુ - સસરા તો મમ્મી -પપ્પા કરતાય વધારે સાચવતા અને પોતે પણ ક્યાં કમી રેહવા દેતી હતી ?

સ્ત્રીનો જન્મ થાય એટલે જાણે એ કુનેહતો જન્મજાત જ આવી જતી હોય છે. પારકાને પોતાના કરવાની અને વળી નંદન પણ પોતાનું કેટલુય ધ્યાન રાખતા હતા. ક્યારેય ક્યાય ઓછુ આવવા દેતા ન હતા.

વળી સમય વીતતા સાસુનું અવસાન અને સ્નેહની ક્યારીમાં અનામિકા નામનું પુષ્પ ખીલવા લાગ્યું. વળી કેટલાક વર્ષો વીતતા સસરાનું અવસાન અને સ્નેહની ક્યારીમાં નીના નામનું પુષ્પ ખીલવા લાગ્યું. સર્જન અને વિસર્જન તો સૃષ્ટિનો નિયમ છે.

આજે નંદન અનામિકાને સાસરે મળવા જવાના હતા અને ઘરે મોડા આવવાના હતા. અનામિકા કોલેજ ગઈ હતી અને નીનાને એક્સ્ટ્રા કલાસીસ હતા.

આલ્બમના પાના બદલાતા ગયા. વહાલી નણંદને પોતે પ્રેમથી બાથમાં લઇ લીધી હતી અને નણંદોઈએ તેમના મુખમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો હતો.

અરે ! નાની અનામિકા અને નીના ! બંને દીકરીઓના જન્મની વચ્ચે બે વર્ષનો ફેર હતો.

અનામિકા હસતી હતી, રડતી હતી, રંગબેરંગી ફુગ્ગાઓ વડે રમતી હતી. બાથટબના પાણીમાં છબછબિયાં કરતી હતી. જાતજાતના નખરા કરી મમ્મી-પપ્પાને હસાવી દેતી હતી. એજ નાનકડી અનામિકા, નીનાના જન્મ બાદ બે જ વર્ષમાં મોટી થઇ ગઈ હતી.

નીનાને પોતાના રમકડા રમવા આપતી હતી. તેનું ધ્યાન રાખતી હતી. તેના મુખમાં કોળીયો મુકી હરખાઈ જતી હતી.

વળી, આલ્બમનું પાનું બદલાયું. બંને બહેનો શાળાએ સંગાથે જતી હતી. અનામિકા રીસેસમાં નીનાને જોવા આવતી હતી. પોતાના લંચબોક્ષમાંથી બંને બહેનો સાથે નાસ્તો કરતી હતી. બહેનપણીઓની તો જાણે બંનેને જરૂર જ ના હતી અને આજે ....!

તરુલતાબહેનના હાથ જરા કંપ્યા અને આલ્બમ સરકીને નીચે પડી ગયું. તેમણે આલ્બમ બંધ કરી બાજુ ઉપર રાખી દીધું.

કાળજાના ટુકડાને પારકે ઘેર, પોતાના હાથે હસતા હસતા વિદાય આપવાની, કપરું કામ છે.

"મમ્મી ! નીના મને અનામિકા નામથી નહિ બોલાવે, મને મોટી બહેન જ કહેવાનું."

અનામિકાનો આખાય ઘરમાં હુકમ ચાલતો હતો.

" પપ્પા, આ કપડા તમને સારા નથી લાગતા."

"મમ્મી,! આવી હેર સ્ટાઇલ, અરે! જરા તો જો, જમાનો કેટલો આગળ વધી ગયો છે."

" નીના અને મીનીઝ ! જરાય નહિ. શોર્ટ્સ પહેરીને બહાર નહિ જવાનું."

તરુલતાબહેનની આંખો છલકાઈ ગઈ. ખુશીથી કે ગમથી તે ખબર જ ન પડી.

બંને બહેનો ઘરમાં દોડતી, ઉછળતી, કૂદતી, ઘર તો જાણે ભર્યું ભર્યું લાગતું અને કેટલાક મહિનાઓમાં તો......!

" શું અનામિકાના લગ્ન માટે ઉતાવળ નથી થઇ ગઈ ?"

" તરુ, સંસ્કારી છોકરાઓ અને સારા ઘરપરિવાર શોધવા કેટલું કપરું કામ છે. આપણને નથી ખબર શું ?"

" અરે પણ હજી વીસ વર્ષ તો છ મહિના પછી પુરા થશે."

" તો લગ્ન આડે પણ વર્ષની વાર છેને!"

અને નંદનભાઈ સાથે વાત ત્યાં જ મુકાઈ ગઈ હતી. સ્કોલર હોવાના કારણે અનામિકા બી.બી.એના છેલ્લા વર્ષમાં હતી અને સતર વર્ષની નટખટ ચુલબુલી નીના છ મહિના પછી કોલેજ માં પગ મુકવાની હતી.

રાજ સુંદર હતો. તેની ભૂરી ભૂરી આંખોમાં અનામિકા જાણે ખોવાઈ ગઈ હતી.

પહેલી વાર જયારે રાજને જોયો ત્યારે પોતાની ઉપર ભરોસો જ થઇ સકતો ના હતો. આટલો સુંદર યુવક અને પોતાનો પતિ ?

અનામિકા યૌવનના રંગમાં પુરેપુરી રંગાઈ ગઈ હતી.

નીનાથી તે થોડી દુર રહેવા લાગી. રાજ કોલેજ આવતો અને બાઈક ઉપર લોંગ ડ્રાઈવ એકબીજાને પકડીને બેસવાનું. હવાથી ફરફરતા વાળ, ઉડી જતો સ્કાર્ફ સાસવવાનો. યુવાની અને ભોળપણનો એક નશો તેને મદહોશ કરી જતો.

એંગેજમેન્ટ અને લગ્નની વચ્ચેનો સમયગાળો એટલે જીવન જીવવાના સોનેરી દિવસો. મનગમતા યુવાન સાથે મનગમતો ફલર્ટ. ઘરમાં આવવા જવા માટે સમયની પાબંદી નહિ. બેરોકટોક જીવાતુ જીવન અને મમ્મી પપ્પાનો હઠાગ્રહ નહિ.

બિનજવાબદાર જિવાતું જીવન.

રાજ પણ ખુશ હતો. એક વર્ષ પછી ગ્રેજયુએશન અને ઘરની જવાબદારી. આજે તો આજનું જીવન જીવવાની મજા માણી લઈએ. વળી અનામિકા જેવી સોંદર્યવાન યુવતી અને આર્થિક સધ્ધરતા એટલે તો વળી પૂછવું જ શું?

પિકચર, હોટેલ, ક્લબ, પાર્ટી અને એકાંત !

" અનામિકા જોને ! આકાશમાંથી તારાઓ પણ આજે તો તારી ઉપર જાણે વરસી ગયા છે."

" એવું કેમ !"

અનામિકાએ રાજની આંખોમાં આંખ પરોવી.

અરે! આવતી કાલે તારો બર્થડે છેને !"

" હા તો !"

" ચાલ, આપણે કેવી રીતે ઉજવીશું ?"

"મારા મમ્મી પપ્પા અને તારા મમ્મી પપ્પા."

" ઓહ માય ગોડ, તને કેવી રીતે સમજાવું ! આપણે બંને અને એકાંત."

" ના, મને ડર લાગે છે."

" ડર કોનાથી, મારાથી ?"

અને શીતળ અંધકારભર્યા વાતાવરણમાં રાત્રીના સાડા દસ વાગ્યાના સુમારે રાજે અનામિકાને કસીને બાથમાં લીધી. તેની કમર ફરતે એક હળવો આંચકો મારી પોતાની નજીક લઇ એક તસતસતું ચુંબન લઇ લીધું.

અનામિકા જાણે મદહોશ બની ગઈ હતી. રાજની બાહોમાં પોતાની જાતને સોપી નિશ્ચિત બની ગઈ હતી.

એ આખી રાત એણે વિચારોમાં વિતાવી હતી. પોતે આ શું કરી રહી છે. પિકચર અને પુસ્તકોમાં અથવા તો આજના સમાજમાં બનતા બનાવોથી પોતે જરાય અજાણ નથી, તો પછી આવી નાદાનિયત. ઘડીભરના રોમાંચ પછીનો એક દુઃખદ અનુભવ.

અને બીજા દિવસે વર્ષગાંઠ મનાવવા તે નીનાને સાથે લઇ ગઈ.

રાજ જરા અકળાયો !

" આ શું અનામિકા ! હવનમાં હાડકું !" અનામિકાના કાનમાં તેણે કહ્યું.

" મિ. રાજકુમાર, તમે રોમાન્સમાં આગળ ન વધો તેનું બ્રેકર છે!"

અને રાજ હસી પડ્યો. જો કે વાતવાતમાં અનામિકાની સાથે સાથે નીનાને પણ અડપલા કરવાનું તે ચૂકતો નહિ.

" એકઝામના દિવસો ઓછા છે નીના !પાર્ટી, પિકચર બંધ સમજી. રાત્રે વાંચવાનું છે."

બંનેના ઓરડા બાજુ બાજુમાં જ હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર બંગલાની પાછળના ભાગમાં કિચન હતું. આગળના ભાગમાં મમ્મી પપ્પાનો બેડરૂમ હતો અને કિચનની પાછળ કારપાર્કિંગ હતું.

હમણાં હમણાંથી રાજને મળવાનું ઓછું કરી રાખ્યું હતું.

" રાજ, તારે પણ લાસ્ટ યર છે, ભણવામાં ધ્યાન આપવાનું છે."

" તમારો હુકમ સર આંખો પર રાણીસાહેબા." અને જાણે રાજ માની ગયો હતો.

કેટલાક દિવસોથી નીના ઓછું બોલતી. ચકળવકળ જોતી અને તેનું વર્તન કઈ અજુગતું હતું.

" નીના ! શું વાત છે ! વાંચવાનું તો બરાબર છે ને !"

" હા મોટી બહેન !"

" કઈ ડીફીકલ્ટી તો નથી ને !"

અને અનામિકાને લાગ્યું કે નીના જવાબ આપતા પણ અચકાય છે.

અડધી રાત્રે પોણા ત્રણ વાગ્યાના સુમારે કઈક વિચાર કરી તે નીનાના ઓરડામાં આવી. ઓરડો ઉઘાડો હતો અને નીના અંદર ન હતી. અનામિકા રસોઈઘર તરફ આગળ વધી અને નીના ને શોધવા લાગી. રસોઈઘરની પાછળના પાર્કિંગમાં આછેરો સળવળાટ સંભળાતા તે ધીમા પગલે આગળ વધી. રસોઈઘરમાંથી જ પાર્કિંગની લાઈટ ચાલુ કરી.

તેના અનહદ આશ્રર્ય વચ્ચે પાર્કિંગમાં રાજ અને નીના બંને એકબીજાની બાહોમાં હતા. રાજ નીનાની ઉપર ઝુકેલો હતો. બંને ના અસ્તવ્યસ્ત ચુથાયેલા કપડા જોઈ અનામિકાને પળવારમાં જ બધો અણસાર આવી ગયો.

બહાર આવી રાજને એક સણસણતો તમાચો મારી દીધો અને રાજ ભાગી ગયો. અનામિકા ડરેલી આંખે ટગર ટગર જોતી નીનાને બાથમાં લઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

" મને માફ કરી દે મોટી બહેન !"

"નીના, તારી નાદાનિયત તારી જિંદગી બરબાદ કરી નાખત, તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકત."

બંને બહેનો ભેટી પડી.