નાતરું-૧
હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર નૂર.
ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી.
ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું.
દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો.દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી જતી હતી.
દાદીના હૈયાના ધબકાર હજી તેજીમાં હતાં. એનો શ્વાસ જાણે મહાધમણ! કરચલીભર્યા ગાલ વાટે આંસુઓ સીધા પાલવના કિનારે ઊતરવા લાગ્યા. પૌત્રવત્સલ પ્રેમાળ-લાગણીછમ્મ દિલમાં ભયંકર સુનામી સર્જાઈ. હૈયું સરરરાટ કરતું તરડાયું.
'શું થયું મારા એકમાત્ર પૌત્રને? મારા એકના એક રાંકના રતનને કોણે માર્યો-ધમકાવ્યો? શાને આમ આજે અચાનક રડે છે?'
કંઈ કેટલાય અનુત્તર સવાલો પાંપણની અણીએ ઘોડાપૂર બનીને ઊમટ્યા. એ વિચારે ચડી. ફરી મનમાં જ બબડી: 'મારા કુલદીપક ! તું તો મારી એકોતેર પેઢીને તારનાર.અને તું જ આમ રડે છે? તને કોણ મારી- વઢી શકે?'
દાદી ગુસ્સાભેર જબરા જુસ્સે ચડી. ફાટવાની તૈયારી કરતા તિતરવિત્તર પાલવથી એણે પોતાની અને પૌત્રની ભીની તરબોળ આંખો કોરી કરી. ફાળ પડેલા હૈયાના હિલ્લોળે ચડેલા સુનામી સમાં તરંગો શાંત કરવા મથામણ આદરી. દાદીએ ધીમાં અવાજે બચીઓ ભરતા પૂછ્યું: ' દીકરા દીપક, કેમ આમ દોડતો-રડતો આવ્યો? તને કોણે માર્યો-ધમકાવ્યો? જલદી બતાવ! સાલાના હાડકા જ ભાંગી નાખું.' શરીરે સાવ શિથિલ ડોશીએ યૌવનભર્યું જબરું પૌરૂષત્વ બતાવ્યું.
ઉત્તરમાં દીપક ટગર ટગર દાદીની આંખો અને ચહેરાના ન કળી શકાય એવા ભાવો વાંચવા મથી રહ્યો. એના ધબકાર હજી ચાલું જ હતાં.
દાદીએ ગભરું દીપકને ફરી છાતીસરસો કર્યો. પ્રચુર વહાલથી નવડાવી લીધો. ગભરાયેલા દીપકે દાદીની દાઢી ફરતે હાથ ફેરવતા કહેવા માંડ્યું: 'દાદી, હવે હું શાળાએ નહી જાઉં!' કહીને એ સંકોચાયો.
'કેમ, મારા લાલ કેમ? શું થયું બોલ?' સાશ્ચર્યથી દાદીએ વીગત જાણવા કોશિશ કરી.
'નહી, હવે તો હું નહી જ જાઉં!' કહેતાંક જ દીપક ઝડપભેર ઘરમાં ઘુસી ગયો. અંદરથી બારણું વાસી દીધું. દાદીને ફરી ફાળ થઈ.હૈયું ડામાડોળ થયું.
દાદીનું નામ ચંપાબા.
ઉંમરના છઠ્ઠા દાયકાના પડાવને ઓળંગી ચૂક્યા છે. એક જ દીકરાના જનની છે. ને એકના એક પૌત્રના એકમાત્ર વારસદાર. એકમાત્ર પૌત્ર દીપક સિવાય એમનું કોઈ જ નથી. ને દીપકને પણ દાદી સવા ક્યાં કોઈ છે! ચંપાબા સાવ ગરીબીમાં જ જન્મ્યા, ઉછેર્યા અને ગરીબીમાં મોંઘેરા જીવનનો ગુજારો કરે છે. સંસારની અનેક તડકી-છાંયડીઓ જીવી અને અનુભવી છે.
પેટમાં પુત્ર ઉછરી રહ્યો હતો. આઠમો માસ ચાલતો હતો. ક્યારેક પતિને મજુરી ન મળતી ત્યારે અડોશપડોશમાંથી ઉછીનું લાવીને ચૂલો ઉફણાવી લેતા. એકવાર ચચ્ચાર દિવસથી મજુરીકામ ન મળતા ચંપાબાના પતિ કામની શોધમાં પડોશને ગામ ગયા. ભૂખથી સાવ બેવડ બનીને નીકળેલા એ સાંજે લાશ બનીને પાછા ફર્યા. પ્રાણ લઈને ગયેલું શરીર નિષ્પ્રાણ થઈને પાછું ફર્યું!
દન આખો કમરતોડ કાળી મજૂરી કરીને સાંજે બે ટંકનું અનાજ લઈને આવશે એવા અમર ઓરતાના ઈંતજારમાં રહેલા ચંપાબાને વાળું ટાણે જ પતિની લાશ રૂબરૂ થઈ. કોળિયો હવામાં ને જીવ અધ્ધર! તાળવે તાળું લાગ્યું.
અખંડ ઓરતા ભેળું ભવ્ય જીવતર રોળાયું, ને રોળાઈ ધગધગતી જવાની! ચંપાબા પર શૂનકાર સમાં સાતેય આસમાન ખાંગા થયા. ને જીવ પર બારે મેઘ સમાં દુ:ખનો વરસાદ!
કોઈ આરો કે સહારો ન રહ્યો.
સાવ નોધારા!
'બાજરો વાઢતા શેઢેથી કાળોતરાએ ડંખ માર્યો. ઝેર ઝટ દઈને રગેરગમાં પ્રસરી ગયું. વૈદ કને જતાં જ જીવ આકાશ માર્ગે થયો.' શબ લઈને આવનારમાંથી એક જણાએ દુ:ખ દબાવીને નીચી નજરે વાત કરી.
'અરરર...મૂઆ સાપોલિયા! તે મારા રાંકના રતનને રોળ્યું! આમ ઝેર ઑકતા તારી ડૉક કેમ ના મરડાઈ ગઈ! તું કેમ ફાટી ન પડ્યો મૂઆ સાપરડા!' એક ડોશીએ કાળ ઉતારતા કહ્યું.
ફળિયામાં ગમગીનભર્યો કારમો સોપો પડી ગયો. ફળિયું જાણે વેરાન!
ભાંગેલા તૂટેલા ચીંથરેહાલ ગરીબ ઘરનો મોભ ગયો. ચડતી ઉંમરે જ ચંપાબા અનાથ વિધવા બન્યા.
ભારે આઘાતમાં ખપી ગયેલા ચંપાબાને માંડ બે દિવસે સહેંજ કળ વળી. લોકોએ સાંત્વના આપી. હૈયાધારણા આપી. જીવને જીવવા કાજ બે ટંકના રોટલાની સૌએ વ્યવસ્થા કરી.
મહિનાએક દિવસ બાદ અડોશપડોશની સ્ત્રીઓ કહે: 'બેન ચંપા, અઠવાડિયાએકમાં તારે ખાટલો થઈ જશે. તું કહે તો તારે લાયક કો'ક ગોઠવણ કરીએ. જેથી તમારા આવનાર બાળકને બાપ મળે.'
'ના બેન, ના હો! રખેને મને એકના બે ભવ કરાવો! નાતરું કરીને મારે અવગતે નથી જવું. પતિની મોંઘેરી જણસને આમ સાવ રેંઢી ન મૂકી શકું. અન્યના પારણે હું મારા બાળકને નહી ઝુલવા દઉં.' પેટ પર હાથ પસવારતા વળી આગળ કહે:'હવે તો હું અહીં જ રહીશ. અહીં જ મારા બાળને જન્માવીશ ને અહીં જ ઉછેરીશ.' આંખે આંસું નીતરતા ગયા. સુખી ભાવિનું સુખ નિહાળતા રહ્યાં. હૈયે હોળી ને હોઠ પર દિવાળી.
દરમિયાન વખત થયો ને ચંપાબાના પેટેથી પુત્ર અવતર્યો.
ફળિયામાં આનંદ ઊતરી આવ્યો. સૌના અંતર ઉમંગે નાચવા લાગ્યા.
ક્રમશ: