નાતરું-૨
(ચંપાબાને એક તરફ પૌત્રાવતારની ખુશી હતી તો બીજી તરફ પતિનો વિરહ જીવતરને દઝાડી રહ્યો હતો.)
હૈયાના એક ગમગીન ખૂણે પતિના ચિત્તચીર વિરહી મરશિયા ગવાઈ રહ્યાં હતાં જ્યારે બીજે ખૂણે આછો આનંદ ઉમળકા ભરવા આતુર હતો. એ આનંદ પળભરમાં જ આંસુઓના સમંદરમાં પરિવર્ત્યો. ઉરમાં ધરબાયેલ પતિનો પ્યાર પાંપણે આવ્યો, સહેંજ અટક્યો ને ઉભરાઈ પડ્યો.
પતિ પારાવાર સાંભરી આવ્યા. અંતરમાં માંડ સંગ્રહી રાખેલા હીબકા ક્ષણમાં જ હિલ્લોળે ચડ્યા.
પેટે મજબૂત પાટા બાંધીને પુત્રને ઉછર્યો. મોટો કર્યો.ઉંમરલાયક થયો એટલે સારું ઘર અને વહું જોઈને સમરાંગણ સમાં સોનેરી સંસાર રથ સાથે જોડ્યો.
દીકરો હવે મજૂરીએ જવા લાગ્યો.ચંપાબા અને એની વહું લોકોના કપડા - વાસણ કરીને ટંક ટૂંકો કરતા. સંસાર હવે સુખી લાગતો હતો. ચંપાબાને લાગ્યું ઘડપણ હવે આનંદે પસાર થશે. એવામાં એક પાવન દિવસે એમના દીકરાને ઘેર પારણું બંધાયું. અખંડ ઈંતજાર બાદ પૌત્ર પધાર્યો.ચંપાબા દાદી બની ગયા. મનમાં મંગળ મેળો ભરાણો. ચોફેર ખુશી ઊડી. ફરી આનંદ છવાયો.
ચંપાબા વિચારોના અશ્વે આરૂઢ થયા. હજી કાલે જ તો એ પરણીને આવી હતી. સંસાર માણવાના લાખેણા કૉડ હતાં ને સહસા વિધવા બની ગયા. વિધિની કેવી ક્રુર વક્રતા! લીલીછમ્મ જીંદગી પળમાં જ વેરાન! હરિયાળી લાગણીથી લથબથ જીવતર સળગતા વેરાન રણમાં ફેરવાયું! આંખે ઝળઝળિયા થયા. ફરી મનમાં બબડ્યા: 'વિધવામાંથી માં અને માતામાંથી પાછી દાદી.વાહ! કુદરત વાહ! કેવી ગોળવંતી તારી લીલા. ઘડીક તડકે, ઘડીક છાંયડે. તું બહું જબરો નીકળ્યો હો કિરતાર.' કહેતા એ રડી પડ્યા. પાલવ પલળી રહ્યો ત્યાં લગી રડતા રહ્યાં.
એ આંસું હર્ષના હતા કે દર્દના એ ખુદ નક્કી કરી શક્યાં નહી.
પૌત્રનું નામ પડ્યું દીપક.
ખોળામાંથી છૂટીને દોડતા ઘરમાં પ્રવેશીને બારણું બંધ કરતા દીપકને જોઈને ચંપાબા ઝીણી આંખે સફાળે લાકડીને ટેકે ટેકે બારણા સુધી ગયા. નજીવા ધક્કાથી બારણું ઊઘડી ગયું. ખૂણામાં નજર કરી.
'ક્યાં ગયો દીપક? બેટા આવ. હેંડ હું તને શાળાએ મૂકી આવું. તારે ભણવું તો પડશે જ! તારે માથે તો મારો ભવ છે. તારા પર જ જીવનની ભવાઈ છે બેટા.'
વળી કહેવા લાગ્યા:'તને માર્યો હોય એનું નામ બતાવ. બેટમજીનું માથું જ ફોડી નાખું. કોની હેશિયત છે કે તને મારી શકે! દીકરા, બહાર આવ અને મને બીના કહે. પેટમાં ફાળ પડી છે કે તું આમ ભાગતો આવ્યો જ કેમ?'
ઘડીકવાર બાદ બંને ખખડજ બારણે આવ્યા. અચાનક જ બંનેની નજરો એક જ જગ્યાએ સ્થિર થઈ. જોયું તો ઉબડખાબડ આંગણે એક અજાણી સ્ત્રી ઊભી હતી. પ્રચંડ આવકારના અખંડ ઓરતા લઈને, અબળાની માફક, ઘોર પ્રાયશ્વિતના પોટલા ઉપાડીને. વરસતી આંખે અને વિલાયેલા વદને એ એમ જ ઊભી હતી. અચાનક જ સફાળે આવીને એ ચંપાબાને ચરણે થઈ.
દીપકે એ સ્ત્રીને જોઈ. ઓળખી. એ જ સ્ત્રી જેનેે શાળામાં જોઈને એ ભાગી આવ્યો હતો. એ ફરી ગભરાયો. હીબકે ચડ્યો. દાદીનો ઘાઘરો ઝાલીને એ પાછળ લપાયો. વારે વારે ડોકિયું કરીને એ પેલી સ્ત્રીને જોવા મથતો. એ ગઈ કે નહી એ જાણવા જ.
જીંદગીના દર્દ પીધેલ ચંપાબાની ચકોર આંખો ઝટ ઝીણી થઈ. પિછાણવાની કપરી પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ. આછી ઓળખાણ પડવા માંડી. ચહેરો ઓળખાયો. ચંપાબા સફાળે બે ડગલા પાછા ખસ્યા. એ ધક્કાથી દીપક પડ્યો.
'ફટ રે ભૂંડી વેશ.....!' અંતરમાં વીજળી ઝબુકી. એ અટક્યા. ભાન થયું. એક સ્ત્રીની હેસિયતથી બીજી સ્ત્રી માટે હળહળતા ઘોર અપમાનસમો શબ્દ એ ઉચ્ચારી શક્યા નહી. છતાંય હૈયામાં ધરબાયેલ ક્રોધ આગ બની ઉઠ્યો. કહ્યું:'હરાયી કાળમુખી, એકનો જીવ લઈને ધરાઈ નથી એટલે હવે બીજાની જાન લેવા આવી છે નુગરી ડાકણ!' રાતાપીળા થતા ચંપાબાએ જે હાથ લાગી એ લાકડી ઉગામી.
આશરે આવનાર સ્ત્રી પાલવ પાથરીને આંગણામાં ઊભી રહી. ન ચલિત થઈ કે ન વિચલિત.
એક વખત દીપક ફળિયામાં ભાઈબંધો ભેગો રમતો હતો. એક છોકરાએ નજીવી બાબતે એને માર્યો. દીપક કહે, 'હું મારી માં ને કહીને તને મરાવીશ.'
'એ તારી માં થોડી છે! તારી માં તો ક્યાંય નાતરે ગઈ છે. ઘેર છે એ તો તારી દાદી છે.' એક અળવીતરા છોકરાએ કહ્યું. સાંભળતાં જ મુઠ્ઠી વાળીને દીપકે દોટ મૂકી.
દોડતા ઘેર આવતા જ દીપકે ભરી આંખે ચંપાબાને રડમસ સવાલ કર્યો:'તું મારી માં કે દાદી?'
ચુંટી ખણી હોય એમ ચંપાબા ચમક્યા. હૈયે ધ્રુજારી થઈ. જે વાત છુપી હતી જાહેર થઈ. દિલ ડંખી ગયું. અવાજ તરડાયો:'બેટા, હું તારી માં યે ખરી ને દાદીએ ખરી.'
'તો મારા માં-બાપ ક્યાં? કેમ કદી અહીં આવતા નથી?'
ચંપાબાની આંખો ચોધારે ચડી.
પૌત્રની જીદ પૂરી કરવા ચાહી. ધીરે રહી બાળક દીપકના કોમળ અંતરને ઠેસ ન પહોંચે એમ ઘટના વર્ણવી. ભેગી શીખ પણ આપી:'દીકરા, દીપક! તું મારું હીર છે. જીવનનું જીવંત ખમીર છે. આંખોનું રતન છે. મારો આધાર છે. એકલીનો સહારો છે. એ ડાકણ તને લેવા કે તારૂ કાસળ કાઢવા ક્યારેક અહીં આવશે. એનો ભરોસો કરતો નહી. એ તારી માં નહી ડાકણ છે ડાકણ.'
પછી માથે હાથ ફેરવતા આગળ કહે,'બેટા, કદીક એ શાળાએ પણ આવે ખરી. તું એ કપાતરને ઓળખી તો નહી શકે પરંતું તને એવું લાગે કે કોઈ સ્ત્રી અથવા માણસ તને બોલાવે, તારી કને આવવાનો પ્રયાસ કરે એટલે તત્કાલ તારે તારા સાહેબને કહી દેવાનું કે આવનાર માણસ તારું હરણ કરી જવા આવ્યું છે. તારો સાહેબ એને જેલ હવાલે કરાવશે.'
ક્રમશ: