પ્રપોઝ-4 seema mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રપોઝ-4

21મી જાન્યુઆરીની સવારે નેહલની ખુશી ત્યારે બેવડાઈ જ્યારે ભાઈને ત્યાં દીકરો જનમ્યાના સમાચાર તેને વહેલી સવારે મળ્યા. અને યોગાનુયોગ જન્મનો સમય રાત્રે સાડા બાર આસપાસ....
મતલબ કે જયારે એ નીરવનો પત્ર વાંચી રહી હતી, ત્યારે એક સાથે બે પુરુષો તેની જિંદગીમાં આવ્યા હતા. એક પ્રિયતમ તરીકે ને એક ભત્રીજા તરીકે.
પહેલા તો નિરવને એના પ્રપોઝલનો જવાબ આપવો, અને પછી પોતે ફોઈ બની ગઈ એ સમાચાર આપવા તે તલપાપડ બની ઉઠી. રોજ કરતા આજે નહાવામાં વધારે સમય વિતાવ્યો. આજે તો નવા કપડાં પહેરવાનું તેની પાસે જબ્બર બહાનું હતું. દુનિયાને દેખાડવા માટે ફોઈ બની તે બહાનું. અને પ્રિયતમને બતાવવા માટે પ્રેયસી બની ગઈ તે કારણ.
પણ સવારે આઠ વાગ્યા સુધી નીરવ ક્યાંય દેખાયો નહિ, એટલે એને નવાઈ લાગી. પોતાના સિવાય એ બીજો એવો વ્યક્તિ હતો, જેને માટે આજની સવાર મહત્વની હતી.
"સાહેબજી આજે તો વહેલા ઉઠી જાઓ" પોતાની જાતને અરીસામાં નીરખતી તે પોતાના જ પ્રેમમાં પડી ગઈ હોય તેમ સ્વગત બબડી. "પછી મારે ભત્રીજાને જોવા જવાનું છે એ જાણ તમને નહિ કરું તો રિસાઈ જશો"
પરંતુ આઠના સાડા આઠ ને પછી નવ થયા તો ય નીરવ નજરે ન ચડ્યો, ત્યારે એને સહેજ ગુસ્સો આવ્યો. 'મારા કરતા ઊંઘ વધારે વહાલી છે કે હજી ઘોરતો પડ્યો છે ? આટલી ય શું બેદરકારી ?'
હોસ્પિટલેથી એની મમ્મી દ્વારા તેડવા માટે રીક્ષા મોકલવામાં આવી, ત્યારે ક-મને નવ વાગ્યે એને જવું પડ્યું. પરંતુ આજે એના માટે ભત્રીજાને જોવાની ઈચ્છા બીજા નંબરે હતી. કોઈ એને આજે એમ પૂછે કે કોણ મહત્વનું છે તો એક સેકન્ડના ય વિલંબ વગર તે નીરવનું નામ આપી દેત.
પણ જતા જતા ય જોરથી દરવાજો ભીડીને નિરવને જાણ કરવાની મહેચ્છા ન રોકી શકી.
*****
પાછલી કેટલીય રાતનાં ઉજાગરા, ડર, ઉત્સુકતા અને બિહામણી કલ્પનાઓના મિશ્રણે નિરવની આંખ સવારે ચાર વાગ્યે મીંચાઈ, તે સવારે દસ વાગ્યે મમ્મી-પપ્પાએ આવીને છ-સાત વખત કોલબેલ વગાડી ત્યારે ખુલી. સફાળા બેઠા થઈને તેણે દરવાજો ખોલ્યો.
પરંતુ નેહલનો બંધ દરવાજો જોઈને તેનું મન અજ્ઞાત આશંકાઓથી ધડકી ઉઠ્યું.
આજે તો પોતાને નેહલનું નિરીક્ષણ કરીને અનુમાન કરવાનું હતું. એમાં ઊંઘના ભારના કારણે વહેલું જાગી શકાયું નહિ. ને જાગ્યો ત્યાં એ જ હાજર નથી !
"જો એના માટે હું મહત્વ ધરાવતો હોઉં તો આજે એ ક્યાંય જવાનું વિચારી જ શકે નહિ." એના દિમાગમાં પહેલી વાત આ આવી.
"એનો અર્થ એ કે એના માટે પોતે મહત્વ નથી ધરાવતો." દાત પર બ્રશ ઘસતા ઘસતા તેણે ઉશ્કેરાટથી વિચાર્યું. "એ કદાચ ગુસ્સે થઈને આજે ક્યાંય ચાલી ગઈ લાગે છે. પોતાનો ચહેરો ય બતાવવા નથી માંગતી લાગતી. અરે ભગવાન... રાત્રે હું ખોટી ઉતાવળ કરી ગયો. અનંતના આવવાની રાહ જોઈ હોત, તો કદાચ વાતને વણસતા રોકી શકાય હોત."
રાત્રે જે નેગેટિવ વિચારો લઈને એ સૂતેલો. નેહલનું ઘર બંધ જોતા એ વિચારોએ પ્રબળતાથી નીરવનાં દિમાગ પર કબ્જો જમાવ્યો.
"ના, આજે ઘરની બહાર જ નથી નીકળવું. છુપાઈને જોવું છે કે ગઈ રાત્રિની મારી હરકતથી એનો આજનો વ્યવહાર કેવો રહે છે..?, તેણે ફરીથી વિચાર્યું. બીજો એક ડર તેના મનમાં પેસ્યો. અત્યાર સુધી તો મમ્મી -પપ્પા ઘરે નહોતા. હવે એ ઘરે આવી ગયા છે ને પેલી ક્યાંક પોતે લખેલ પત્ર લઈને પપ્પા પાસે ધસી આવશે તો ?"
ગેરસમજોએ એના મન ફરતો ભરડો લીધો.
બપોરના બાર વાગ્યા સુધી નેહલ હજી પછી નહોતી ફરી. પપ્પા જોબ પર ચાલ્યા ગયા. અને મ્મ્મી તથા નાની બહેને કદાચ આગલી રાત્રે ઉજાગરાને કારણે વહેલી રસોઈ બનાવીને ઊંઘવાનું પસંદ કર્યું.
ભૂખ મરી ગઈ હતી. બે કોળિયા માંડ ગળેથી ઉતારી શક્યો.

*****
ટચુકડા ભત્રીજાને ખોળામાં લઈને વિસ્ફારિત દ્રષ્ટિએ એને જોઈ રહેલ નેહલના ખોળામાં ભત્રીજો અને મનમાં એ વખતે પણ નીરવ રમી રહ્યો હતો. ભાભીએ હજી એકાદ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તેમ હતું. આ સ્થિતિ પોતાને માટે આદર્શ હતી. હવે તે જેમ બને તેમ જલ્દી ઘરે પહોંચવા માંગતી હતી. પણ ભાભીના પિયરના લોકોએ અને મમ્મીએ એને જમવાના સમય સુધી રોકી લીધી.
બહારથી જ ટિફિન મંગાવવામાં આવ્યું. પણ એના ગળેથી માંડ કોળિયા ઉતર્યા. ઘરે જવાની વધુ તાલાવેલી બતાવે તો પણ કોઈને કદાચ શંકા પડી જાય કે ભત્રીજા પાસે વધુ રહીને એને રમાડવાનો લ્હાવો જતો કરીને આ કેમ ઘરે જવાની ઉતાવળ કરે છે ? એટલે મન મારીને પણ સમય આપવો પડ્યો.
પરંતુ બે વાગ્યાની આસપાસ "ઘરે ઘણું કામ પડ્યું છે. એ જરૂરી છે." તેવું બહાનું કરીને તે છટકી શકી, ત્યારે તેણે નિરાંતનો શ્વાસ લીધો.
ઘરે આવીને તાળું ખોલતી વખતે સૌથી પહેલું કામ નીરવનાં ઘર તરફ જોવાનું કર્યું. પણ એના અચરજ વચ્ચે ન તો નીચેના ઓરડાનો દરવાજો ખુલ્યો, કે ન તો નીરવ ઉપર રવેશમાં ક્યાંય ડોકાયો. એનું કુતુહલ વધી ગયું. પોતે ઘરે આવી ગઈ છે એ જાણ કરવા તેણે સહેજ રોષથી જોરથી દરવાજો પછાડીને બંધ કર્યો.
(આ બાજુ પોતાના દરવાજાની તિરાડમાંથી એને જોઈ રહેલ નીરવ એનો રોષયુક્ત ચહેરો જોતા અર્ધો તો ઘવાઈ ચુક્યો હતો અને અધૂરામાં પૂરું દરવાજાના જોરથી ભિડાવાના અવાજે એની આશંકાઓ વધુ મજબૂત બનાવી. એના મનમાં તિરાડ પાડી. 'હા, એ મારા પર ગુસ્સે જ છે.')
અંદર આવીને દસેક મિનિટ તે બેસી રહી. નિરવને આપવા માટે રાત્રે જ લખેલો પત્ર તેણે પાઠ્યપુસ્તકમાં મુક્યો હતો. તે બહાર કાઢ્યો. અને પોતાના ઉપરના રૂમમાં આવી, કે જ્યાંથી નીરવનો રવેશ દેખાઈ શકે તેમ હતો.
એના રવેશનો દરવાજો ખુલ્લો હતો. પણ ત્યાં કોઈ દ્રષ્ટિગોચર ન થયું.
વીતતી જતી દરેક મિનિટ સાથે એનું કુતુહલ વધતું જતું હતું.
ત્રણ વાગ્યે નીરવ ટ્યુશનમાં જશે. એ યાદ આવતા એના ચહેરા પર સ્મિત આવ્યું. 'પોતે હોસ્પિટલે ગઈ ત્યારે કદાચ નીરવ કોઈ કામસર બહાર ગયો હશે.' એમ તેણે માન્યું. અને ઘરે હશે તો ત્રણ વાગ્યે ખ્યાલ આવી જશે.
******
નિરવને આ જ ટેંશન હતું. નેહલ પોતાના ટ્યુશનમાં જવાનો સમય જાણે જ છે. એટલે ત્રણ વાગ્યે એ અચૂક બહાર આવશે જ. ત્યારે એનો સામનો કઈ રીતે કરવો એની ફિકરમાં પોતે કોઈ રસ્તો શોધી રહ્યો હતો. નેહલના ઉપરના રૂમની બારીઓ ખુલેલી અને એ નીરવનાં રવેશ બાજુ જોઈ રહી હતી, તે પોતાના દરવાજાની તિરાડમાંથી પોતે જોયું હતું. એ સમયે નેહલના સુંદર ચહેરા પર વિચારના ભાવ હતા. એ પોતે ન સમજી શક્યો. પોતાના માનવા મુજબ એ ભાવ ગુસ્સાના હતા.
ઘડિયાળનો કાંટો ત્રણ વાગવા તરફ આગળ વધ્યો, ત્યારે તેણે સહુથી પહેલા તો તિરાડમાંથી બહાર જોયું. નેહલનો દરવાજો બંધ હતો. ધબકતા હ્ર્દયે. તેણે સહેજ પણ અવાજ ન થાય એ રીતે પોતાની ડેલી ખોલી. રોજ પોતાની સાઇકલ દોરીને બહાર કાઢતો, પણ તે દિવસે ઊંચકીને હળવેથી બહાર મૂકી. (આ કામ એટલી સિફ્તતથી કર્યું કે સામે ઘરમાં કાન સરવા કરીને બેઠેલ નેહલ પણ ન સાંભળી શકી. અને હકીકત એ પણ હતી કે નેહલ એમ માનીને બેઠી હતી કે નીરવ ક્યાંક બહાર ગયો હશે. અને જો ઘરે હશે તો રોજના ક્રમ મુજબ દરવાજો ખોલતી વખતે અવાજ કરશે જ )
પણ સાઇકલ બહાર મૂકીને એ ડેલી બંધ કરવા જતો હતો, કે પવનના કારણે ડેલીનું એક બારણું 'ધડિમ' ના અવાજ સાથે પછડાયું.
શેરીમાં એ અવાજ ગુંજી ઉઠ્યો.
નીરવનાં પ્રાણ કંઠે આવી ગયા. ડેલીને ઝડપથી જેમ તેમ બંધ કરીને એ હજી ઉતાવળે સાઇકલ પર સવાર થયો જ હતો, કે આંચકા સાથે નેહલનો દરવાજો ખુલ્યો.
પણ એ તરફ નજર માંડવાની હિંમત નહોતી. સાવ અજાણ્યા બનીને તેણે નફ્ફટની જેમ સાઇકલ દોડાવી મૂકી. એ જેમ બને તેમ આ શેરીથી દૂર ચાલ્યો જવા માંગતો હોય, એટલી ઝડપે સાઇકલ ભગાવી.
રોડ પર પહોંચતા તેની છાતીમાં ભરાયેલો શ્વાસ બહાર આવ્યો. હવે સાંજે પાંચ વાગ્યા સુધી ટ્યુશન અને પછી તો પોતે અંધારું થયા સુધી ઘરે જ નહિ આવે. એમ વિચારીને એ આનંદિત થયો.
એને પોતાને પણ ખબર નહોતી કે આવું કેટલા દિવસ ચાલશે ?
-------
પોતે કાંઈક કહે એ પહેલા તો નિરવને પોતાની સામે નજર માંડ્યા વગર સડસડાટ ચાલ્યો જતો જોઈને નેહલના મ્હોં પર પહેલા તો અપાર આશ્ચર્યના ભાવ આવ્યા. એ સમજી જ ન શકી કે નીરવ આ રીતે શા માટે ચાલ્યો ગયો ?
અને ચાલ્યો ગયો એનો અર્થ કે એ ઘરે જ હતો. અને ઘરમાં હોવા છતાં પોતે ઘરે આવી ગઈ એ નોંધ નિરવે ન લીધી હોય તેવું એ માની જ શકતી નહોતી.
તો પછી આવા વર્તનનો શું મતલબ ?
તેને નીરવનો પત્ર યાદ આવ્યો. જેમાં લખ્યું હતું કે " મારો આ પ્રસ્તાવ સ્વીકાર ન હોય તો ખાતરી રાખજે કે હું ક્યારેય તને મ્હોં નહિ બતાવું. કે તારા રસ્તામાં નહિ આવું."
'પણ મેં એના પ્રસ્તાવનો અસ્વીકાર ક્યારે કર્યો ?' બારણું બંધ કરીને વિચારમગ્ન ચહેરે અંદર જતા તેણે પોતાનો વ્યવહાર યાદ કરવા પ્રયત્ન કર્યો' આજે સવારથી તો હું ઘરે જ નહોતી. તો પછી એ એવું કાંઈ રીતે સમજી લ્યે કે મને એનો પ્રસ્તાવ માન્ય નથી ? ઓહ....હું સવારે એને કહ્યા વગર ચાલી ગઈ એના પરથી તો એ આવું નથી ધારી બેઠો ને ? પણ એમાં મારો શું દોષ ? મેં તો સવારથી એની રાહ જોઈ હતી. પણ એ જ બહાર ન આવ્યો...'
સેંકડો સવાલ તેના મનમાં ઉઠ્યા. જેના જવાબ નીરવ પાસે જ હતા. ચિંતાતુર અવસ્થામાં તેણે પલંગ પર લંબાવ્યું અને સ્તબ્ધતાથી છતને ઘુરી રહી. ભત્રીજાના જન્મની ખુશી તો વરાળ બનીને ક્યાંય ઉડી ગઈ હતી. ચિંતાનું સ્થાન હવે ગુસ્સાએ લીધું હતું.
અચાનક તેને અનંત યાદ આવ્યો. સોનલના કહેવા મુજબ એ આજે તો ઘરે આવતો રહેવાનો હતો.
આમેય સાંજે સાત વાગ્યે ટ્યુશનમાં જવા સિવાય પોતે આજે નવરી ધૂપ જ હતી. એટલે ઘરનો દરવાજો ખોલીને અનંતના ઘર પર નજર રાખવાનું શરૂ કર્યું. નીરવ અને અનંતના ઘર અડીને જ હતા. હા પોતાના ઘરની અંદરથી અનંતનું ઘર જોવું હોય તો બહાર નીકળવું પડે તેમ હતું.
આ બધી જ વાતથી તદ્દન અજાણ અનંત ચારેક વાગ્યે ઘરના ઓટલા પર ઉભો હતો. કે અચાનક એની નજર નેહલના ઘરની અંદર ગઈ. પોતે જોઈ શકે એ રીતે નેહલ પોતાના ઘરની એક દીવાલને ટેકો લઈને ઉભી હતી. અને હાથના ઇશારાથી કાંઈક પૂછ્યું.
અનંતને સમજમાં ન આવ્યું. રાત્રે નીરવ શું કરી આવ્યો છે એ તેને ક્યાંથી ખબર હોય. ? એ બાઘાની જેમ નેહલને તાકી રહ્યો.
નેહલે નીરવનાં ઘર તરફ હાથ ચીંધીને કશુંક કહ્યું. પણ એ સમજી ન શક્યો. એને એમ કે નેહલ એને સોનલ વિષે કાંઈક કહેવા માંગતી હશે. અને સોનલને તો એ રાત્રે પોતાના ઓટલે મળી શકવાનો જ હતો. તેથી તેણે જાજી પરવા ન કરી.
હવે ટ્યુશનમાં જઈશ ત્યારે અનંતને મળી શકાશે તો ચોખવટ કરી લઈશ, આ વિચાર કરીને નિરવની રાહ જોતી એ કામે વળગી
પણ રોજના સમય પ્રમાણે પાંચ વાગ્યા પછી ય એ ઘરે ન આવ્યો. ત્યારે એના દિમાગમાં વિસ્ફોટ થવા શરૂ થઇ ગયા હતા. 'દૂર શાને ભાગે છે ? મેં એવું શું કરી નાખ્યું ? લેટર તેં આપ્યો, અને હવે તું જ મને અવગણી રહ્યો છે ? અનંત કોઈ જવાબ નથી આપી રહ્યો, એનો અર્થ કે કદાચ એને આ વાતની ખબર નથી. અને સોનલને પણ હજી સુધી ખબર નથી જ. તો પછી હવે બીજા કોઈ પાસે ચોખવટ નથી કરવી. તારી સામે તને જ પૂછવું છે, કે મારો શું વાંક છે ?

--------

પાંચ વાગ્યે ટ્યુશનમાંથી છૂટીને તેણે ચારે બાજુ સાઇકલ દોડાવી નિરર્થક આંટા માર્યા. ગમે તેમ કરીને સાંજના સાત વગાડવાની તેની ઈચ્છા હતી. સાત વાગ્યે નેહલ ટ્યુશનમાં ચાલી જાય એટલે ચાલુ ક્લાસે એ બહાર નથી આવવાની એની એને ખાતરી હતી.
શિયાળાના દિવસો હોઈ અંધારું વહેલું થઇ જતું.
પોતે જાગ્યો ત્યારથી નેહલના ઘરનું બંધ હોવું અને છેક બે વાગ્યે પાછા આવીને વિચારમગ્ન ચહેરે પોતાના ઘર તરફ જોવું. તથા પોતાના પત્રથી એનું જરાય આનંદિત ન થઇ હોય તેવું વદન હોવું નિરવને આતંકિત કરી રહ્યું હતું.
સાંજે સાત વાગ્યે એ ઘર તરફ વળ્યો
શેરીમાં પ્રવેશ કરતા પહેલા તેણે દૂરથી જ નેહલના ઘર તરફ નજર કરી. આમ તો એને ખબર હતી કે એ અત્યારે ટ્યુશનમાં હશે, છતાં સાવચેતી ખાતર એ એવી ગલીમાથી ઘરે આવ્યો, જ્યાં ટ્યુશન ક્લાસથી નજીકથી ન નીકળવું પડે.
ઘરે આવીને એ ફરીથી પોતાના સ્ટડી રૂમમાં ભરાયો.
--------------
ઘણી બધી છોકરીઓ સાથે હોઈ આજે અનંતને સોનલ સાથે એકાંતમાં એક મિનિટ વાત કરવાની તક પણ ન મળી. એ પોતાના આંગણે ખુરશી નાખીને બેઠો હતો. સોનલે ઇશારાથી જણાવી દીધેલું કે પોતે આજે પણ વાંચવા નહિ આવે. એટલે લગ્નના થાકથી થાકેલા અનંતે પણ આજે પોતાના વાંચવાનો પ્રોગ્રામ રદ્દ કર્યો.
આઠ વાગ્યે નેહલનું ગ્રુપ છૂટ્યું, અને સોનલ ટ્યુશન ક્લાસ તરફ ચાલતી થઇ.
------------------

આજે ભણવામાં નેહલનું જરા પણ મન નહોતું લાગ્યું. ટ્યુશન ક્લાસની બહાર આવી ત્યારે અનંતને બહાર ખુરશી પર બેસેલ જોઈને તે કાંઈક અવઢવમાં ઉભી રહી. અનંતને કશું કહેવું કે નહિ ? પછી કાંઈક નીર્ધાર કર્યો હોય તેમ બાકીની છોકરીઓ ચાલી જાય તેવી રાહ જોઈને એ સોનલ સાથે વાતોએ વળગી. અને ભાઈને ત્યાં દીકરો આવ્યો એ સમાચારને લઈને બંનેએ શુભેચ્છાઓની આપ-લે પણ કરી.
સોનલ ક્લાસમાં ગઈ. અને બાકીના વિદ્યાર્થીઓ પણ પોત-પોતાના ઘરે રવાના થયા ત્યારે ધીમા પણ મક્કમ પગલે એ અનંત તરફ આગળ વધી. અનંતના ઘરના લોકો અંદરના ભાગે હોય તો જ પોતે કાંઈક કહી શકે તેમ હતી.
એના સારા નસીબે એ વખતે ન માત્ર અનંતના ઘરના લોકો અંદરના ભાગે હતા. બલ્કે શેરીમાં પણ કોઈ નહોતું. અનંત પણ ઉત્સુકતાથી એને જ તાકી રહ્યો હોય એમ લાગ્યું. તે અનંત પાસે આવી.
એના ચહેરા પર ગંભીરતા જોઈને અનંત ખુરશીમાં સહેજ સરખો થયો.
'તમારો દોસ્ત ક્યાં છે ?' કશીય પૂર્વભૂમિકા વગર નેહલે ધીમા પણ મક્કમ અવાજે પૂછ્યું
અનંતની નવાઈનો પર ન રહ્યો. નેહલ કોના વિષે પૂછી રહી છે એ સમજવામાં તેને બે-એક સેકન્ડ લાગી. પછી પૂછ્યું 'નીરવ !'
'હા, નીરવ....એને બહાર કાઢો અથવા મારો મેસેજ આપો કે મારે એનું કામ છે.' એ બેધડક બોલી જઈને આગળ વધી ગઈ. પછી કાંઈક યાદ આવ્યું હોય તેમ ઉમેર્યું. 'અત્યારે જ !'
લકવો મારી ગયો હોય તેમ અનંત ખુરશી સાથે લગભગ જકડાઈ જ ગયો. શું બન્યું હશે એની એને આછેરી ગંધ આવી ગઈ. પણ જે મૂડમાં નેહલે આજે વાત કરી હતી એ મૂડ પ્રમાણે એને આવનારી ઘટનાના અણસાર સારા ન દેખાયા.
બીજી મિનિટે તે ઉછળીને બેઠો થયો અને નીરવનાં ઘર તરફ લપક્યો.
"નીરિયા....! " એની ડેલી ખાલી જ વાંસેલી હતી. એને ધક્કો મારીને એ અંદર આવ્યો અને જોરથી બૂમ પાડી.
કોઈ જવાબ ન મળ્યો.
એ સ્ટડીરૂમ તરફ ભાગ્યો.
તેણે ધારેલું એવું જ દ્રશ્ય જોવા મળ્યું.
નીરવ સ્તબ્ધતાથી સુનમુન સોફા પર બેસેલો હતો. એનું મ્હોં પડી ગયું હતું. અને આંખોમાં ભય ડોકાઈ રહ્યો હતો. વાંચવાનું બહાનું કરતો હોય તેમ પુસ્તક તેના હાથમાં હતું. પણ અનંતની બૂમ સાંભળતા જ એ સમજી ગયો હતો કે જે ઘડીને તે ટાળી રહ્યો છે એ ઘડી નજીક આવી પહોંચી છે.
"શું પરાક્રમ કર્યું ?" અનંતે જાણે આખી વાત સમજી લીધી હોય તેમ પૂછ્યું.
જવાબમાં એ નીચું જોઈ ગયો.
'અલ્યા ડફોળ શું થયું ?, પેલી માતાજીએ તને બહાર કાઢવાનું ફરમાન કર્યું છે. શા માટે ?'
પણ નિરવે કશો ય ઉત્તર ન વાળ્યો. ઉલ્ટાનો એ કંપી ઉઠ્યો હોય તેવું લાગ્યું.
"ક્યારે આપ્યો લેટર ?" બે વત્તા બે કરી લીધું હોય તેમ અનંતે પૂછ્યું.
'ક...કાલ રાત્રે...' નીરવનાં ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.
'સાલા ડફોળ...અક્કલમઠ્ઠા...નીચ...!' અનંતે ગાળોનો મારો ચલાવ્યો. 'મને જાણ કરતા શું પેટમાં દુખતું હતું ? '
નિરવે હતાશા અને પરેશાનીથી સોફા પર પડખું બદલ્યું.
"તને ખબર છે પેલી કેટલા ગુસ્સાથી લાલચોળ થઈને મને કહેતી ગઈ કે તને બહાર કાઢું અથવા મેસેજ આપું... ! જાણે એનો નોકર હોઉં...!" અનંત પોતાનું કુટતો હતો. "ચાલ હવે બહાર નીકળ. આમ શું બૈરાંઓની જેમ અંદર ભરાઈને બેઠો છે.?"
"એક પ્રોબ્લેમ થઇ ગઈ અનંત...!" એ ગળગળા અવાજે બોલ્યો. પછી ગઈ રાતની આખી ઘટના કહેતા છેલ્લે ઉમેર્યું. " હું ત્યાં પત્ર આપવા ગયો ત્યારે તેણે એમ શા માટે કહ્યું કે 'નીરવ અત્યારે શું છે ?'
'એ બધું પુછજે એ તારી વાંદરીને.' અનંતે એનું બાવડું પકડ્યું. 'તું અત્યારે મારી સાથે ચાલ.'
'ના અનંત.' એ વિનંતીભર્યા સ્વરે બોલી ગયો. 'પ્લીઝ....!'
'શું ?' અનંતે ઘોર અચરજથી એની સામે એવી રીતે જોયું જાણે નીરવ કોઈ બીજા ગ્રહનું પ્રાણી હોય. 'તું બહાર નહિ આવે ?'
એ દરમ્યાન નિરવે કાંઈક વિચારી લીધું હતું. અનંતની દુખતી રગથી એ પરિચિત હતો. મોકો જોઈને તેણે કહ્યું. 'આજ સુધીમાં મેં જોખમ ઉઠાવીને તારા ઘણા કામ કર્યા છે. તું મારું આ એક કામ કરી આપી. એના મનમાં શું છે એ જાણી આપ.'
એનો દાવ બરાબર પડ્યો કે પછી અનંતને એની હાલત પર દયા આવી. પણ અવિરત ગાળો બોલતા બોલતા છેલ્લે એ માન્યો.
'એ હમણાં થોડીવાર પછી કુંડીમાં એઠવાડ ઠાલવવા નીકળશે. રોજ ખુંટીયા એની રાહ જોતા હોઈયે છે. આજે તારા માટે હું ત્યાં ખુંટીયો થઈને બેસું છું.' નિરવને મૂડમાં લાવવા આટલું કહીને તે બહાર નીકળી ગયો.
આ હાલતમાં પણ નીરવનાં હોઠ પર ફિક્કું સ્મિત ઉપસી આવ્યું.
-----------------
તે રાત્રે જમીને વર્ષોની આદત મુજબ રવેશમાં રહેલ વોશબેસિનમાં હાથ ધોવા જતા નીરવનાં પગ અચકાયા. રવેશમાં જઈશ ત્યારે નેહલ હશે તો ? એ વિચારે એ અંદરની તરફ જ હાથ મોં ધોઈને રહી ગયો.
એનું અનુમાન સાચું હતું. નેહલ ખરેખર એની રાહ જોઈને જ ઉભી હતી.
-------------
'એ બહાર નથી આવી રહ્યો. પ્લીઝ તમે જ કહી દ્યો તમારો શું જવાબ છે ?' નેહલ કુંડીમાં એઠવાડ નાખતી હતી ત્યારે કાનમાં વોકમેનના સાઉન્ડ ચડાવીને ગીત સાંભળવાનો ઢોંગ કરી શેરીમાં ચક્કર મારી રહેલ અનંતે ધીમેથી કહ્યું
'કેમ બહાર નથી આવી રહ્યો ?' નેહલે નવાઈથી પણ સખત અવાજે પૂછ્યું.
'એ બધું સમજાવવાનો અત્યારે સમય નથી. નિરાંતે વાત કરશું. પ્લીઝ જે હોય તે મને કહી દ્યો ફટાફટ.' પોતાના સ્વભાવથી વિપરીત અનંતે મીઠા અવાજે જાણે વિનંતી કરી.
'મારે જે કહેવું છે, તે એને જ કહીશ. પત્ર આપવા એ આવ્યો હતો તમે નહિ.' સવારથી નીરવનાં વ્યવહારથી અકળાયેલી નેહલને પોતાની ભડાશ કાઢવાનો માંડ મોકો મળ્યો હતો. ' એને કહો બહાર આવે. અત્યારે નહિ તો રાત્રે...કાલ સવારે.., પણ હું જવાબ તો એને જ આપીશ.'
આટલું કહીને એ સડસડાટ ચાલી ગઈ
પણ અંદર જઈને તેણે દરવાજો બંધ ન કર્યો. અનંત હવે શું કરશે એ ધ્યાન રાખવા દરવાજો ખુલ્લો જ રાખીને ધ્યાન રાખવા લાગી.
ચાર પાંચ સેકન્ડ અનંત ચુપચાપ ઉભો રહ્યો. પછી નેહલનો ખુલ્લો દરવાજો જોઈને નીરવનાં દરવાજા પર નોક કર્યું. 'નીરવ, બહાર આવ તો, કામ છે.'
પણ અંદરથી નિરવે ધીમે અવાજે જવાબ આપ્યો.' અત્યારે નહિ આવું અનંત. પછી વાત.'
અનંતના દિમાગમાં ગુસ્સાની એક લહેરખી ઉઠી. તેણે એકવાર નેહલના ખુલ્લા દરવાજા અને અંદર ઉભેલી નેહલ સામે જોયું. પછી નીરવનાં બંધ દરવાજા સામે જોયું.
પછી ન જાણે શું વિચારીને નીરવનાં દરવાજા પર એક હળવી લાત ફટકારતા કહ્યું. ' ભાડમાં જા...., શું કહ્યું મેં સાંભળ્યું.....? તમે બંને ભાડમાં જાઓ'
આટલું કહેતા એ પોતાના ઘર તરફ આગળ વધી ગયો. અને જોરથી દરવાજો બંધ કર્યો.
એના પ્રત્યુત્તરમાં નેહલે પણ રોષથી નીરવનાં ઘર તરફ જોતા જોરથી દરવાજો બંધ કર્યો.
અને આ બધું તિરાડમાંથી જોઈ રહેલ નીરવનાં હૈયામાં નેહલનો રોષપૂર્ણ ચહેરો તથા આ બંને દરવાજાના અવાજ હથોડાની જેમ પછડાયા.
ક્રમશઃ