પ્રપોઝ-5 seema mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રપોઝ-5

21 મી જાન્યુઆરીની રાત્રે બંનેના હૈયામાં કારણ વગરની તંગદિલી ફેલાયેલી હતી. આજે રાત્રે પણ નેહલ પોતાના ઘરે એકલી જ હતી. પણ નીરવનાં ઘરે એના ઘરના બધા હાજર જ હતા.
નિરવે એમ માની જ લીધું હતું કે નેહલનો જવાબ 'ના' જ છે. બસ હવે એ શેરી વચ્ચે પોતાને અપમાનિત ન કરે એટલે ભગવાનનો પાડ માનું.
પણ નેહલની હાલત વિચિત્ર હતી. એ સમજી નહોતી શકી કે નીરવ પોતાના ક્યાં વ્યવહારના કારણે દૂર દૂર ભાગે છે ? એવું તે શું બન્યું કે નીરવ પોતાની સામે આવવા નથી માંગતો.
એ રાત્રે પથારીમાં પડતા પહેલા તેણે લેટરબોક્સની તિરાડમાંથી વારંવાર નીરવનાં ઘર તરફ જોયું. પણ દરવાજો ખુલવો તો દૂર. ઉલટાની એના સ્ટડીરૂમમાં લાઈટ પણ જોવા ન મળી.
ફરીથી તેણે આખો ઘટનાક્રમ વિચાર્યો. પણ એને કશુંય અજુગતું ન લાગ્યું કે પોતાની કોઈ ભૂલના કારણે નીરવ એનાથી વિમુખ થઇ ગયો હોય.
અનંતે કહેલું કે "એ બધું સમજાવવાનો અત્યારે સમય નથી." પણ શું સમજાવવાનો ? એ કોયડો તેની બુદ્ધિની બહાર હતો.
જેમ આજે આખો દિવસ નીરવ ભાગતો રહ્યો હતો. એનાથી સ્પષ્ટ હતું કે એ આવતીકાલે પણ આવો જ વ્યવહાર રાખે તો નવાઈ નહિ. હવે પોતે જ કાંઈક એવો રસ્તો વિચારવો પડે તેમ હતો. જેથી નીરવ સુધી પહોંચી શકાય.
અનંત અને સોનલને આ આખી વાતમાંથી દૂર રાખવાનું પોતે નક્કી કરી લીધું હતું.
દિમાગની નસો તંગ થઈને ઉપસી આવે ત્યાં સુધી તેણે વિચાર્યે રાખ્યું.
ને અચાનક તેના મનમાં એક સરળ રસ્તો ફૂટી નીકળ્યો.
ઊંઘ તો શું આવે ? પણ સવાર પડવાની રાહ જોતી નીરવનો પત્ર ફરી ફરીને વાંચતી રહી ને પથારીમાં આળોટતી રહી.
----------------
'નેહલનો જવાબ નકારમાં આવશે તો તને શું ફરક પડશે ?' નીરવનાં દિમાગે જાણે એને પ્રશ્ન કર્યો. 'તું એને ખરેખર પ્રેમ કરે છે, એટલે એનો નકાર સહન કરી શકે તેમ નથી કે પછી એના દ્વારા અપમાનિત થવાનો ડર છે ?'
પોતે આ પ્રશ્નનો જવાબ મેળવવા ક્યારનો મથી રહ્યો હતો. પોતાની સાત મહિનાની મૂક પ્રેમગાથાની એક એક ઘટના તેની નજર સામે વારંવાર તાદશ્ય થઇ ઉઠતી હતી. એ બધો ઘટનાક્રમ તો એવો જ ઈશારો કરી રહ્યો હતો કે નેહલ પણ એના પ્રેમમાં છે.
પણ પત્ર આપતી વખતે નેહલે ઉચ્ચારેલા શબ્દો, અને ત્યાર પછી નેહલનો પ્રસન્ન ચહેરો અચાનક ગુસ્સામાં દેખાવા લાગ્યો, એ વાતથી તેના મનમાં ભયાનક ફડક પેસી ગઈ હતી. તેને લાગતું હતું કે નેહલ પોતાની સાથે ખાલી ફ્રેન્ક વ્યવહાર કરી રહી હતી, અને પોતે એ વ્યવહારને પ્રેમ માની બેઠો હતો.
પણ હવે જે બની ચૂક્યું હતું એમાં પોતે કશો ફેરફાર કરી શકવા સમર્થ નહોતો. હવે તો બસ આ કિસ્સામાં ભીનું સંકેલાઇ જાય. એટલી જ અપેક્ષા તે રાખતો હતો.
એક વખતના અનંતના કટાક્ષથી પોતે પ્રેમના મેદાનમાં કૂદી તો પડ્યો હતો. પણ ત્યારે ખબર નહોતી કે પરિસ્થિતિ આવો કપરો વણાંક લેશે ?
આવતીકાલે નેહલથી કઈ રીતે દૂર રહેવું એ વિચાર કરતા તે પથારીમાં પડખા ઘસતો રહ્યો.
---------------
બીજા દિવસે સવારે ચા પી ને પોતાના સ્ટડીરૂમમાં તે વાંચવાના બહાને બેઠો હતો. પ્રિલીમ પરીક્ષાની વાંચવાની આઠેક દિવસની સ્કૂલમાં રજા હતી. સ્ટડીરૂમનો દરવાજો અંદરની તરફથી પણ પોતે બંધ રાખ્યો હતો. જેથી મમ્મી કે બહેન ઓચિંતા અંદર આવી જાય તો પોતાને તિરાડમાંથી જોતા પકડી ન પાડે.
નેહલનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો ત્યારે એની સુંદરતાને જોવાની લાલચ જતી ન કરી શકતો હોય તેમ તે તિરાડે ગોઠવાયો. બહારનું દ્રશ્ય જોતા એના હૃદયમાંથી એક 'આહ' નીકળી ગઈ.
લાઈટ પિન્ક કલરનો ડ્રેસ તેની ચામડી માટે જ બનાવવામાં આવ્યો હોય તેમ એના શરીર સાથે અદભુત રીતે એકરસ થઇ ગયો હતો. પોતાની જેમ આગલી રાતે એ ય સુઈ ન શકી હોય તેમ આંખોમાં આછા ગુલાબી ઓળા ઉતરી આવ્યા હતા. તાજા જ ધોયેલા વાળ હજી ભીના હતા. ને એના કપાળ, ગાલ અને ગરદન પર એવી રીતે ચોંટ્યા હતા કે જાણે ક્યારેય ત્યાંથી અલગ ન પડવાના હોય.
પણ સૌથી વધુ ગમી હોય તો એ હતી એની ઉભા રહેવાની સ્ટાઇલ.
એક બાજુની દ્વારશાખા પર હાથની હથેળીનો ટેકો લઈને તે ઉભી હતી. તેની નેલપોલિશ વિનાની લાંબી ગોરી આંગળીયો ક્રીમ કલરના બારસાખ કરતા પણ વધારે ઉજળી દેખાતી હતી. હથેળી ટેકવીને ઉભી હોવાથી એનો પહોંચો ઉપસ્યો હતો. અને અનામીકામાંથી પસાર થતી લીલી નસ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ હાથ પોતાના હાથમાં પકડી, આંગળીઓના અંકોડા ભીડીને પોતાની છાતી સરસો એ હાથ દાબી દેવાની તીવ્ર ઈચ્છા તેના મનમાં પ્રગટી.
પણ એના આકર્ષક ચહેરા તરફ જોઈને પોતાને લાગેલી સમાધિનો અચાનક ભંગ ત્યારે થયો જયારે નેહલે નીરવનાં રવેશ તરફ જોઈને સ્મિત ફરકાવ્યું. એ ચમક્યો. 'આ કોની સામે હસતી હશે ?'
પરંતુ એ સસ્પેન્સ બીજી જ સેકન્ડે ખુલી ગયું જયારે પોતાની નાની બહેનનો અવાજ એના કાને પડ્યો. 'અચ્છા, તો બહેન સામે હસી રહી છે.'
પણ એ પછી જે બન્યું તે અપ્રત્યાશિત હતું.
'અરે માસી મારા ભાઈને ત્યાં દીકરો આવ્યો છે.' ખુશખબરી આપતા એ મલપતાં અવાજે બોલી. આ સમાચાર નીરવ માટે પણ નવા હતા. 'ઓહ, તો આ કારણે એ આજે ખુશ દેખાય છે.' પોતે વિચાર્યું.
'સારું મીઠું મ્હોં ક્યારે કરાવો છો ?' નાની બહેનની સાથે ઉપર રવેશમાં મમ્મી પણ ઉભી હતી. એનો અવાજ નીરવનાં કાને અથડાયો.
મમ્મીએ તો કદાચ સ્વાભાવિક રીતે એની ખુશીમાં ભાગ પડાવવા આ શબ્દો ઉચ્ચાર્યા હતા. પણ જાણે રાહ જ જોતી હોય તેમ એ મલકી ઉઠી ' અરે....હમણાં જ કરાવી દઉં. થોભો...'
અને એ સડસડાટ અંદર ચાલી ગઈ.
બીજી જ મિનિટે એ દરવાજે દેખાઈ ત્યારે એના હાથમાં મીઠાઈનું નાનકડું બોક્સ હતું.
માર્યા ઠાર..એ તો પોતાની જાળી વાસીને નીરવનાં ઘર તરફ આગળ પણ વધી ગઈ.
ઝડપથી તે તિરાડ પરથી હટ્યો. અંદર આવશે તો એ સ્ટડીરૂમમાં તો નહિ જ આવે. પણ કદાચ કડવા શબ્દો કહેવા હશે તો આવી પણ જાય. ? નીરવનાં ધબકાર એકાએક વધી ગયા. શું કરવું એ ગડમથલમાંથી બહાર આવે તે પહેલા તો નેહલે સ્ટડીરૂમનું જ બારણું ઠપકાર્યું.
અધૂરામાં પૂરું અંદરના ભાગે ઉપરના રૂમમાંથી મમ્મીએ જ બૂમ પાડી. 'નીરવ... બારણું ખોલજે'
એક ઊંડો ધ્રાસ્કો તેના પેટમાં પડ્યો. ભયનું એક લખલખું તેના શરીરમાંથી વીજળીની માફક પસાર થઇ ગયું. સુઈ જવાનો ઢોંગ કરીને સોફા પર પડી જવું કે બીજું કાંઈ કરવું ? તેનું દિમાગ ભયાનક ઝડપે કામે લાગ્યું.
અચાનક કાંઈક સ્ફુરતા તે અંદરની તરફ બિલ્લી પગે લપક્યો. અને સ્ટડીરૂમ પસાર કરીને બાથરૂમમાં ઘુસી ગયો. બારણું બંધ કરીને નળ ખોલી નાખ્યો. જેથી સાબિત થાય કે પોતે મમ્મીનો અવાજ નથી સાંભળ્યો.
મમ્મીએ બે-એક વખત ફરીથી બૂમ મારી. પણ પછી કંટાળીને એ જ નીચે આવી. વધી ગયેલા શ્વાસે નીરવ અંદર જાણે કંપી રહ્યો હતો.
'ફરીથી આજે ટુવાલ લીધા વગર નહાવા ચાલ્યો ગયો.' બાથરૂમ પાસેથી પસાર થતી મમ્મીએ કાંઈક અણગમાથી કહ્યું.
એટલે હવે બાથરૂમમાં આવી ગયા પછી નહાયા વગર બહાર જવાય તેમ નહોતું.
મમ્મીએ ડેલી ખોલી ને પેલી તો જાણે આ ઘરની સભ્ય હોય તેમ કલબલાટ કરતી અંદર આવી ગઈ. એના અવાજમાં ઉત્સાહ છલકતો હતો. એને નજીકની જોઈ લેવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં બાથરૂમમાં એવી કોઈ જગ્યા નહોતી કે જ્યાંથી એને જોઈ શકાય.
મમ્મી સાથે વાતો કરતા એ ઉપર ચાલી ગઈ.
પોતે બાથરૂમમાં છે એ મમ્મીને ખબર પડી ગઈ હતી. એટલે હવે ઠંડા પાણીએ નહાયા વગર છૂટકો નહોતો. શિયાળાની એ સવારે તેણે ઠંડા પાણીથી નહાવાનું શરૂ કર્યું. અને નેહલ ચાલી ન જાય ત્યાં સુધી એ પૂરું થવાનું નહોતું.
પણ એના કાન તો ઉપરના રૂમમાં શું વાતો થઇ રહી હશે એ ઝીલવા આતુર હતા. કોઈ સ્પષ્ટ શબ્દો નહોતા સંભળાઈ રહ્યા. પણ નેહલ અને પોતાની નાની બહેન ખડખડ હસીં રહી હોય તેવો અવાજ એના કાને અથડાયો.
પરંતુ પાંચેક મિનિટ નિરર્થક રીતે બાથરૂમમાં પાણી ઢોળ્યાં કર્યું. છતાં ય પેલી તો સાવ નિરાંત લઈને આવી હોય ને પછી જવા જ ન માંગતી હોય તેમ ગપાટા મારતી રહી.
ને બીજી દશેક મિનિટ વીતી ત્યારે નીચે ઉતરતા પગલાંનો અવાજ કાને પડ્યો.
"ભાઈ, આ ટુવાલ લઇ લ્યો." કાજલ ટુવાલ લઈને આવેલી. કદાચ એને એમ હશે કે પોતે ટુવાલની રાહ જોતો હશે. હાથ બહાર નીકળી શકે તેટલું બાથરૂમનું બારણું ખોલીને તેણે ટુવાલ લીધો. અને ચુપચાપ શરીર લુછવા લાગ્યો. પણ પેલી રવાના ન થાય ત્યાં સુધી બહાર નીકળવાનો એનો કોઈ ઈરાદો ન હતો.
ને કાજુની પાછળ જ ઉતરતી હોય તેમ નેહલને પોતાના બાથરૂમમાં હોવાની ગંધ આવી ગયી. છતાં અજાણી બનીને પોતાને સંભળાવતી હોય તેમ લુચ્ચાઈથી કાજુને જ પૂછી લીધું. "કેમ કોઈ દેખાતું નથી ? બધા બહાર ગયા છે?"
"પપ્પા જોબ પર ગયા છે, ને ભાઈ તો આ નહાઈ રહ્યા છે." કાજલે ભોળપણથી જવાબ આપ્યો. પોતે ધબકતા હૈયે આ વાર્તાલાપ સાંભળી રહ્યો. ને મનોમન ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યો હતો કે આ કાજુની સામે કાંઈ બાફી ન નાખે તો સારું.
ને પોતાની આ હાલતની મજા લેવી હોય તેમ પેલીએ બીજો ધડાકો કર્યો. " ઓ હો ! બાથરૂમમાં ભરાઈને બેઠા છે ? અરે કાજુ.. મારે અમુક વસ્તુઓ મંગાવવી છે. ટ્યુશનમાં જાય ત્યારે કહેજે ને કે મારા ઘરે થઈને જાય."
'બાથરૂમમાં ભરાઈને બેઠા છે ' આ કટાક્ષ પોતાને સોંસરવો અંદર સુધી ઉતર્યો. પણ અત્યારે એ હોશકોશ ગુમાવી ચુક્યો હતો.
ને પોતાને જ સંભળાવી રહી હોય તેમ પેલીએ કાજલને ઉદ્દેશીને છેલ્લો ફટકો માર્યો. "જોજે ભૂલતી નહિ, હું ગઈકાલની મંગાવવા ઇચ્છતી હતી. પણ મને કોઈ દેખાયું નહિ. એટલે ભૂલ્યા વગર સમાચાર આપી દેજે."
મીઠાઈ આપવા આવવાનો પ્લાન સફળ ન થયો તો એ પોતાને બીજા સંકટમાં નાખીને ચપ્પલનો જરૂર કરતા વધારે અવાજ કરતી આગળ વધી ગઈ હોય તેવું લાગ્યું.
આ આખા વાર્તાલાપ દરમ્યાન નેહલનો અવાજ તો સામાન્ય જ રહ્યો હતો. પણ એના ચહેરા પર કેવા ભાવ હતા, એ જોવાની ખુબ ઉત્કંઠા હોવા છતાં પોતે ન જોઈ શક્યો.
------------
મીઠાઈ આપવા જતા નીરવનો સામનો થઇ જશે, એ ગણતરી ખોટી ઠરી. એકબાજુ એનો અફસોસ તો બીજી બાજુ પેલાએ કેવી ચાલાકીથી મીઠાઈ આપવા જવાની પોતાની યોજના બાથરૂમમાં ઘુસી જઈને ઉંધી વાળી દીધી. એ લુચ્ચાઈના કારણે મનમાં થોડું હસવું પણ આવ્યું.
પણ એ આટલી હદે શા માટે પોતાની અવગણના કરતો હશે ? એ પ્રશ્ન કડવાશ બનીને એને પજવી રહ્યો હતો. બપોર સુધીમાં કદાચ મમ્મી પણ ઘરે આવી જશે. પછી છૂટથી કાંઈ નહિ થઇ શકે એ વાત પોતે જાણતી હતી.
અત્યાર સુધી પોતે રમત રમતમાં આ બાબતને કોઈ મજાક માની રહી હતી. પણ નીરવનાં ઘરે જઈ આવ્યા પછી એ જે રીતે પોતાનાં ત્યાં જતાંની સાથે જ બાથરૂમમાં ચાલ્યો ગયેલો. એ વાતથી એને સહેજ આઘાત પણ લાગ્યો હતો. પોતે નીરવનાં દરવાજે ઉભેલી ત્યારે નિરવની મમ્મીએ પડેલી બૂમ "નીરવ...બારણું ખોલજે.. " એ પોતે સાંભળી હતી. એનો અર્થ કે પોતે ત્યાં ગઈ હતી ત્યારે નીરવ સ્ટડીરૂમમાં જ હતો.
પહેલી વખત તેણે ગંભીરતાથી કશુંક વિચાર્યું. એ રાત્રે કશુંક તો એવું બન્યું છે જે નીરવનાં આવા વ્યવહાર માટે જવાબદાર છે. બાકી જે વ્યક્તિ રાત્રે જોખમ ખેડીને પોતાને પત્ર આપી ગયો હોય. એ બીજા દિવસથી સાવ આમ સામે આવવું પણ બંધ કરી દ્યે. એ વધુ પડતું હતું.
કશુંક બરાબર નહોતું.
પણ શું ? એ કદાચ પોતાને દિમાગમાં આવી નહોતું રહ્યું.
બપોરે ટ્યુશનમાં જતી વખતે નીરવ પોતાના ઘરે આવશે, એ વાત પણ હવે તેને વધુ પડતી લાગી. સવારે જેમ બાથરૂમમાં ભરાઈ જવાની લુચ્ચાઈ કરી ગયો, તેમ બીજી કોઈ ચાલાકી કરીને એ પોતાના ઘરે તો નહિ જ આવે એવું તેને લાગી રહ્યું હતું.
ને બપોરે એકાદ વાગ્યે એનું અનુમાન સાચું પડ્યું.
કાજુએ આવીને પોતાને મંગાવવાની વસ્તુઓનું લિસ્ટ માંગ્યું. અને કહ્યું કે 'ભાઈના કહેવા અનુસાર નેહલના ઘરે એના ઘરના બીજા કોઈ હાજર ન હોઈ ત્યાં જવું અજુગતું લાગતું હતું. તેથી મને મોકલી.'
'વાહ વાહ સાહેબ ! આફરીન થઇ જાઉં તમારી ચોક્કસાઈ ઉપર.' મનોમન વિચારતા તેણે બે-ચાર નિરર્થક વસ્તુઓનું લિસ્ટ અને એ માટેના રૂપિયા આપ્યા. લિસ્ટ લખતી વખતે એક સેકન્ડ માટે તેને ઈચ્છા થઇ આવી કે આ કાગળમાં જ કાંઈક એવો ઈશારો આપું જેથી પેલાને કાંઈક મેસેજ મળે. પણ તાત્કાલિક એવું કશું સુજ્યું નહીં ને કાજુ એ લિસ્ટ લઈને રવાના થઇ.
મમ્મી ઘરે હોત તો અનંત પાસેથી નીરવનાં ટ્યુશન કલાસનું સરનામું લઈને પોતે ત્યાં ય પહોંચી જવા સુધીના વિચાર કરી નાખ્યા. પણ મમ્મીની ગેરહાજરીમાં ઘર છોડીને ક્યાંય જવું તેને બરાબર ન લાગ્યું.
પોતાની પાસેથી પત્ર લેવાનો નીરવ તરફથી આજે કોઈ પ્રયત્ન થાય, એ વાત જ હવે તેને અસંભવ લાગતી હતી.
જે કાંઈ કરવું હતું એ હવે પોતે જ કરવાનું હતું, એવું તેને લાગ્યું.
ખાલી એટલી ખબર પડી જાય કે નિરવને અચાનક એવું શું થયું કે એ પોતાનાથી દૂર ભાગી રહ્યો છે. તો પણ પોતે આગળ કશું વિચારી શકે.
અચાનક તેને એક વિચાર આવ્યો. અને તાત્કાલિક અમલમાં મુકવા તે ઉભી થઇ. ઝડપથી તેણે એક નાનકડી ચબરખીમાં માત્ર એટલું લખ્યું.
"નિરવને શું સમસ્યા આવી ? ખાલી બે ચાર લાઈનમાં લખીને મને તાત્કાલિક જવાબ આપો."
આટલું લખી એક વિસ રૂપિયાની નોટમાં એ ચિઠ્ઠી મૂકી. પછી એ નોટને સરખી રીતે બેવડી વાળી તે બહાર આવી અને અનંતના ઘર તરફ આગળ વધી ગઈ.
તેના સદ્ભાગ્યે અનંત એ વખતે ઘરે જ હતો, ને દરવાજો પણ તેણે જ ખોલ્યો.
"એક ફુલસ્કેપ બુક અને એક બોલપેન તાત્કાલિક લાઈ આવશો પ્લીઝ ?" વીસની નોટ અર્થસભર રીતે અનંતના હાથમાં મુકતા તેણે કહ્યું. એ નોટમાં કાંઈક હશે જ, એ સમજતા અનંતને એક સેકન્ડ પણ ન લાગી. કેમ કે આ રીતે સોનલ સાથે પોતે સેંકડો વખત પત્રવ્યવહાર કરી ચુક્યો હતો. કશુંય બોલ્યા વગર આંખોથી જ નેહલને ધરપત આપીને તેણે ચપ્પલ પહેર્યા. અને બહાર નીકળી ગયો.
__________
એની નોટબુકનો ખોટો ખર્ચ બચાવવો હોય તેમ અનંતે થોડે દૂર જઈને જ રસ્તે ચાલતા એ ચિઠ્ઠી વાંચી લીધી. નીરવ પાસે પૂછવા જવું કે પોતાની રીતે નિર્ણય લેવો ? એ વિચારવા તેણે એકાદ મિનિટ લીધી.
નેહલના આ મેસેજથી તે આનંદિત થઇ ઉઠ્યો. આ પત્રનો અર્થ હતો કે નેહલને એ જાણવામાં હજી રસ હતો કે નિરવને શું વાંધો છે ? એનો અર્થ કે નીરવ માટે ક્યાંક આશાના કિરણો હજી બાકી હતા. આ આખી ગડભાંજથી તે કંટાળી ગયો હતો. નિરવને પૂછવા જવામાં વળી કોઈ ગોટાળા ઉભા થશે તેવું તેને લાગ્યું . એટલે રોડ પર આવીને પોતે જ કાંઈક મનોમન નિર્ણય લઇ લીધો.
એક પાનના ગલ્લે જઈ લીંબુ સોડા બનાવવાનો ઓર્ડર આપતા તેણે પેન માંગી, અને પગ વાળીને ઘૂંટણ પર નેહલવાળી જ ચબરખી ટેકવતા તેમાં ઘસડી માર્યું.
"નીરવ પત્ર આપવા આવેલો, ત્યારે તમે એમ બોલેલા કે 'નીરવ..અત્યારે શું છે ?' આ શબ્દોથી એને એમ લાગ્યું કે તમારા મનમાં એના માટે કશું જ નથી. અને એટલે જ એ તમારી સામે નથી આવી રહ્યો. મહેરબાની કરીને આ વાતનો ગમે તે પણ કાંઈક અંત લાવો. હું ફરીથી તમારા ઘરે ત્રણ વાગ્યે આવીશ. ત્યાં સુધીમાં કોઈ જવાબ તૈયાર રાખશો તેવી વિનંતી."
પાંચેક મિનિટ આમ-તેમ આંટા મારીને તે પાછો શેરીમાં આવ્યો. નેહલનો દરવાજો ખુલ્લો હતો. પણ જાળી બંધ હતી, ત્યાં આવીને એ મોટેથી બોલ્યો.
"સ્ટેશનરીની દુકાન બંધ છે. ત્રણેક વાગ્યે ખુલશે. ત્યારે લાવી આપીશ"
એની રાહ જોઈને જ ઉભી હોય તેમ નેહલે એના હાથમાંથી પૈસા અને એની અંદર રહેલ પત્ર લઇ લીધો. બંનેએ એકબીજા સામે સૂચક નજરે જોયું, ને અનંત પોતાના ઘર ભણી રવાના થયો.
-----------------
રોમાંચિત થઇ ઉઠેલી નેહલે એ ચબરખીની પાછળ અનંતનો મેસેજ વાંચ્યો.
ને પોતાના માથા પર હાથ પછાડ્યો.
"અરે ભગવાન....આટલી મોટી ગેરસમજ ?" એને પોતાને અત્યારે ય યાદ નહોતું આવી રહ્યું કે પોતે એ વખતે એવું કઈ બોલી ગયેલી. એ સમય જ એવો હતો કે પોતે શું બોલેલી એનું પોતાને ય ભાન નહોતું રહ્યું.
એકાએક તે મલકી ઉઠી. એક સેકન્ડ માટે તેને થયું કે કાંઈક નાટક કરીને નિરવને હજી ડરાવું. પણ પછી પોતાને જ એ યોગ્ય ન લાગ્યું. પોતે દોઢ દિવસથી આવી પરેશાન હતી. પણ નીરવ તો પત્ર આપ્યો ત્યારનો પોતાના શબ્દોથી પરેશાન હતો. મજાક કરવાનો આ સમય નહોતો.
છતાં પોતાના પ્રિયતમને તે સાવ આવો ડરપોક જોવા નહોતી માંગતી. કે બીજા કોઈ દ્વારા એને પોતાના જવાબની જાણ થાય.
બપોરના બે વાગવા આવ્યા હતા. ત્રણ વાગ્યે ફરીથી અનંત પોતાનો જવાબ લેવા આવવાનો હતો. તેણે કાગળ પેન ઉઠાવ્યા, અને લખ્યું.
"કોઈ ચિંતા નહિ કરતા. પણ નિરવને જાણ નહીં કરતા પ્લીઝ, કે આપણી વચ્ચે અત્યારે શું લખાણની આપ-લે થઇ. હવે આપણે રાત્રે પતાવી લઈશું. તમે ખાલી એટલું કરજો કે....... પછી તેણે એક યોજના લખી નાખી.
આટલું લખીને તેણે જાળી બંધ કરી, બારણું ખુલ્લું જ રાખ્યું ને એ ખુલ્લા બારણાં સામે જ ખુરશી પર જમાવ્યું.
એનો ઈરાદો માત્ર નીરવનો ચહેરો જોવાનો હતો.
આફ્ટર ઓલ પોતે પોતાના પ્રિયતમને દોઢ દિવસથી નહોતો જોયો, એ વિરહ પણ કાંઈ ઓછો નહોતો !
--------------------
આ બધી વાતથી અજાણ નીરવ પોતાની જ ફિકરમાં પડ્યો હતો. ત્રણ વાગ્યે ટ્યુશનમાં જવા માટે તો બહાર નીકળવું પડે તેમ જ હતું. અને પોતે જોઈ રહ્યો હતો કે નેહલના ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. હજી તેની મમ્મી પછી નહોતી આવી તેનો ભરપૂર લાભ ઉઠાવીને એ બિન્ધાસ્ત રીતે દરવાજો ખોલી બિલાડી જેમ દૂધ પર નજર રાખીને બેસે, તેમ નીરવનાં સ્ટડીરૂમના દરવાજા સામે નજર ખોડીને બેઠી હતી.
દરવાજાની તિરાડમાંથી પોતે એને અનંતના ઘર તરફ જતી જોઈ, ને ફરીથી તેને ધ્રાસ્કો પડ્યો. 'વળી શું પરાક્રમ કરવા ગઈ હશે ?'
ને એની પંદરેક મિનિટ પછી અનંતને એના ઘરના દરવાજે ઉભેલો જોયો, અને પેલીએ અનંતના હાથમાંથી રૂપિયા પાછા લીધા એ પણ જોયું, ત્યારે પોતાની જાણ બહાર કશુંક રંધાઈ રહ્યું હોય તેમ એને લાગ્યું.
પોતે આશા રાખેલી કે અનંત કાંઈક મેસેજ લઈને પોતાની પાસે આવશે. પણ એ આશા ઠગારી નીકળી. ત્રણ વાગ્યા સુધી અનંત દેખાયો નહિ. હવે પોતે ટ્યુશનમાં જવા માટે બહાર નીકળ્યા સિવાય છૂટકો જ નહોતો.
પણ પોતે ડેલી ખોલીને સાઇકલ કાઢે અને ડેલી બંધ કરીને સાઇકલ પર બેસીને રવાના થાય, એ દરમ્યાન તો નેહલ દસ વાર એને પકડી પાડે તેમ હતી.
'એના બદલે પોતે સાઇકલ બહાર કાઢ્યા વગર હળવેથી બહાર નીકળી જાય અને નેહલ તરફ જોયા વગર ચાલવા જ માંડે તો ?' તેણે વિચાર્યું.
પણ સાઇકલ ન લઇ જવા માટે બહાનું તો જોઈએ ને?
બીજી જ મિનિટે તેણે સાઈકલની હવા કાઢી નાખી. જેથી ઘરના લોકો પાસે સાબિત કરી શકાય કે સાઇકલમાં પંક્ચર હોવાથી આજે ચાલીને જવું પડ્યું.
તેણે પોતાના પુસ્તકો તૈયાર કર્યા અને તિરાડમાંથી બહાર જોયું. બંધ જાળી અને ખુલ્લા દરવાજાની અંદર નેહલ ખુરશી પર બેઠી બેઠી આતુરતાથી પોતાની ડેલી તરફ જોઈ રહી હતી.
ઝાટકા સાથે તેણે સ્ટડીરૂમનો દરવાજો ખોલ્યો. અને નેહલ તરફ નજર કર્યા વગર લગભગ દોડતી ચાલે એની દ્રષ્ટિમર્યાદા ઓળંગી ગયો.
-----------------
એની આ હરકત પર નેહલ હોઠ દાબીને હસી પડી
---------------
ત્રણ વાગ્યા પછી અનંત ફરીથી નેહલના ઘરે આવ્યો અને પૈસાની સાથે મેસેજ મેળવ્યો. પછી સાંજ સુધીમાં શું થાય છે તે જોવા તેણે પણ નિરવને કોઈ સમાચાર ન આપવા નક્કી કર્યું.
કદાચ અનંતને પોતાને ધરપત થઇ ગયેલી કે નેહલનો જવાબ પોઝિટિવ હશે, અને નહિ હોય તો પણ એ નિરવની આબરૂ જાય એવું તો કાંઈ નહિ જ કરે.
-----------------
આ બધા ઘટનાક્રમ પાછળ એક તત્વએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો, કે નેહલની મમ્મી હજી સુધી ઘરે નહોતી આવી. અને સાંજે પાંચેક વાગ્યે નેહલને એવા સમાચાર પણ મળી ગયેલા કે હજી આજની રાત મમ્મી પોતાની વહુ અને પૌત્ર સાથે વહુના પિયરે વિતાવશે. અને નેહલે સોનલને પોતાના ઘરે સુવા માટે બોલાવી લેવી.
જો કે આજની રાત સોનલને પોતાના ઘરે બોલાવવાનો નેહલનો કોઈ ઈરાદો ન હતો.
-------------
પોતાની સમજણ પ્રમાણે નીરવ આજે પણ ચોરીછૂપીથી ઘરે પાછો આવી ગયો હતો. અને હવે આવતીકાલ બપોર સુધી બહાર જવાનો નહોતો.
રાત્રે જમીને એ સ્ટડીરૂમમાં આવ્યો. રાત્રીના નવેક વાગ્યાનો સમય હતો.
અચાનક કોલબેલ રણકી ઉઠી.
એ ચમક્યો. એને ખબર હતી કે હમણાં ઉપર રવેશમાંથી કોઈ નીચે જોઈને જવાબ આપશે. અને કોઈ ઓળખીતું હશે તો પપ્પા પોતાને "દરવાજો ખોલવાની બૂમ મારશે."
પણ એના બદલે ઉપર રવેશમાંથી પપ્પાનો અવાજ આવ્યો.' હાં...બોલ ને બેટા..!'
જવાબમાં નેહલનો અવાજ સાંભળીને એ ઉછળી પડ્યો.
'અંકલ...., એન્ટેનાનો વાયર ટીવીની પાછળ ભરાવવાની પીનમાંથી નીકળી ગયો છે. મને નહિ આવડતો એ ફિક્સ કરતા.. ઘરે હું એકલી જ છું. નીરવ કે કોઈને કહોને કે ફિક્સ કરી આપે !'
નીરવનું હ્ર્દય એક ધબકાર ચુકી ગયું.
હવે પપ્પાના આદેશની સેકન્ડો ગણાતી હતી.
ને થયું પણ એમ જ
'હા હમણાં મોકલું છું..' કહેતા પપ્પા રવેશમાંથી અંદરની તરફ આવ્યા, અને સ્વાભાવિકતાથી નિરવને બૂમ મારી.
કશુંય સાંભળ્યું ન હોય તેમ એ યંત્રવત અંદરની તરફ ફળિયામાં આવ્યો.
'પેલી છોકરી ઘરે એકલી લાગે છે.' પપ્પાએ કહ્યું. 'એને ટીવીની એન્ટેનાની પીનમાં કોઈ પ્રોબ્લેમ છે. જા કરી આપ. બિચારી સમય કેમ પસાર કરે ?'
'તમે જેને બિચારી કહો છો, એ છોકરી મહા કાવતરાખોર છે.' મનોમન તેણે પપ્પાને પરખાવ્યું. પણ પ્રત્યક્ષ એટલું જ બોલી શક્યો. 'અત્યારે...?'
'હા તે અત્યારે જ ને,. જા, જલ્દી જઈ આવ, પછી મોડી રાત્રે ન જવું પડે.'
આટલું કહીને પપ્પા ઉપરના ઓરડામાં ચાલ્યા ગયા.
સ્તબ્ધતાથી તે પોતાની જગ્યાએ જાણે ચીપકી ગયો. હવે ત્યાં ગયા વગર છૂટકો નહોતો. પપ્પા સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો સરવાનો.
'અનંત....' તેના દિમાગમાં એ વખતે એક જ નામ આવ્યું.
નેહલ હજી બહાર ઉભી છે કે નહિ તે જાણવાની પરવા કર્યા વગર તે બહાર આવ્યો.
નેહલ પોતાના ઘરના ખુલ્લા દરવાજામાં ઉભી હતી. એની સામે જોયા વગર તે અનંતના ઘરે આવ્યો અને જોરથી બારણું ઠપકાર્યું.
કાવતરામાં શામેલ અનંતે જ બારણું ખોલ્યું.
'જા મુન્ના, એન્ટેનાની પિન ફિક્સ કરતો આવ. હું નહિ આવું.' નીરવ કાંઈ બોલે તે પહેલા જ અનંતે લુચ્ચું હાસ્ય કરતા તદ્દન ધીમા અવાજે પરખાવી દીધું.
'અનંત પ્લીઝ તું....!' એ કાંઈ બોલવા ગયો. પણ એ પહેલા તો અનંતે 'તું પિન ફિક્સ કર. ત્યાં સુધીમાં હું વાંચવાના ચોપડા લઈને દશ મિનિટમાં તારે ત્યાં આવું છું.' આમ મોટેથી બોલીને પોતાનું બારણું બંધ કરી દીધું.
જાણે પોતાને હડધૂત કર્યો હોય તેવા ભાવ નીરવનાં ચહેરા પર આવ્યા.
મહામહેનતે તેણે પાછળ ફરીને નેહલના ઘર તરફ જોયું.
હોઠ પર તદ્દન આછું પણ કટાક્ષયુક્ત હાસ્ય લઈને નેહલ એની જ રાહ જોઈ રહી હતી.
નિરવે પોતાના ઘર બાજુ નજર કરી.
રવેશમાં એના પપ્પા દોરી પર ટાંગેલ ટુવાલમાં હાથ લૂછતાં સ્વાભાવિક રીતે નીરવ તરફ જ જોઈ રહ્યા હતા.
હવે ગયા વગર છૂટકો નહોતો.
પગ પર મણ-મણના વજન બાંધ્યા હોય તેમ એ નીચું જોઈને નેહલના ઘર તરફ આગળ વધ્યો જ હતો કે પેલી સિફ્તથી અંદર સરકી ગઈ.
પોતાને કોઈ ફાંસીના માંચડે લઇ જઈ રહ્યું હોય, અને ફાંસી આપતા પહેલા જલ્લાદ પોતાની પૂર્વતૈયારી ચેક કરવા ગયો હોય. એવા ભાવ તેના મનમાં ઊપસ્યાં.
બે રાત્રિ પહેલા જે દરવાજે પોતે લેટર આપવા ગયેલો. એ જ દરવાજાની અંદર તે ઢીલા પગે પ્રવેશ્યો ત્યારે એના પગ ધ્રુજતા હતા.
અંદરના ભાગના દરવાજે બારશાખમાં ખભો ટેકવી. અદબ ભીડીને નેહલ એવી રીતે ઉભેલી કે રવેશમાંથી જોનારને એનો ચહેરો ન દેખાય. ખાલી કમર અને તેની નીચે પગ દેખાઈ શકે.
નીરવનાં ચહેરા પર લોહી ધસી આવ્યું. નીચું જ જોઈ રાખીને તે કંપતા શરીરે ટીવી પાસે આવ્યો.
સિનારિયો એવો હતો કે નીરવ જે જગ્યાએ ઉભો હતો તે ખૂણો નીરવનાં ઘરના લોકો જોઈ શકે તેમ નહોતા.
એન્ટેનાની પિન એની જગ્યાએ ફિક્સ જ હતી. અને તેમાંથી કોઈ વાયર બહાર નહોતો નીકળી આવ્યો.
ધીમેથી તેણે નજર ઉઠાવીને માંડ નેહલના ચહેરા પર નજર કરી.
'પિન બરાબર છે..., હું પણ બરાબર છું..., પણ તું તારી વાત પર ઉભો ન રહ્યો.' સાવ સ્વાભાવિકતાથી એ બોલી ગઈ. ' તેં તો લખ્યું હતું કે જો મને તારો પ્રસ્તાવ સ્વીકાર નહિ હોય તો તું ક્યારેય મારા રસ્તામાં નહિ આવે, પણ તું મારો જવાબ જાણ્યા વગર જ મારા રસ્તામાંથી દૂર હઠી ગયો ?'
'નિરવને પોતાની સામે દેખાતી નેહલનો ચહેરો ધૂંધળો દેખાવા લાગ્યો હતો. નેહલના શબ્દો સમજવાની તેની સ્થિતિ અત્યારે તો નહોતી જ. તેણે કાંઈક બોલવા પ્રયત્ન કર્યો પણ તેના હોઠ ફફડીને જ રહી ગયા.'
એની એ દશા જાણે નેહલથી પણ ન જોવાઈ.
'મારો જવાબ ત્યાં ટીવી પર જ પડ્યો છે નીરવ.' સ્વસ્થતા રાખવાનો ભરપૂર પ્રયાસ કરવા છતાં તેનો અવાજ ગળગળો થઇ ઉઠ્યો. 'આપણી પાસે અત્યારે વધારે સમય નથી વાત કરવાનો. મારો જવાબ તો તું વાંચી જ લઈશ. પણ મને ખાલી એક વાતનો જવાબ આપ..'
ત્રણ-ચાર વખત આંખો પટપટાવી ત્યારે નીરવ પોતાની સામે ઉભેલ નેહલને સ્પષ્ટ રીતે જોઈ શક્યો. પણ ફરીથી એના ગળે ડૂમો બાજ્યો. એ કશું બોલી ન શક્યો, જે કાંઈ બની રહ્યું છે તે પોતાની તરફેણમાં છે કે વિરુદ્ધમાં એ પણ નક્કી ન કરી શક્યો. માત્ર આંખોના ઈશારે એણે "શું?" એવું પૂછ્યું.
"આ સંબંધ પ્રામાણિકતાથી નિભાવવાનું નક્કી કર્યા પછી જ તમે મને પત્ર લખ્યો હતો ને ?" અચાનક તુંકાર પરથી એ તમે પર આવી ગઈ. ને આડું જોઈ જતા હળવેથી પૂછ્યું. આ પ્રશ્ન પૂછતી વખતે તેની આંખો જાણે જમીનમાં ખોડાઈ ગઈ.
નીરવનાં દિમાગમાં પ્રકાશ રેલાયો. સુન્ન પડી ગયેલા શરીરમાં નવું ચેતન આવ્યું, વ્યાકુળતાથી તેણે નેહલ સામે જોયું.
'મારી પ્રિયતમા...!' તેના મનમાં પોકાર ઉઠ્યો.
નજર ભરીને સરખી રીતે તેણે નેહલ તરફ જોયું.
બે દિવસના વિરહે નેહલની હાલત ખરાબ થઇ ગઈ હોય તેવું તેને ભાસ્યું. એનો ચહેરો રડું રડું થઇ રહ્યો હતો.
'હ.....હા...' નેહલના પ્રશ્નના જવાબમાં માત્ર એક જ અક્ષર તેના ગળામાંથી નીકળ્યો.
નેહલનું માથું ઊંચું થયું. અને આ વખતે બંનેની આંખો મળતા જે મૂક શબ્દોની આપ-લે થઇ તેને વર્ણવવા માટે દુનિયાના તમામ શબ્દો ઓછા પડતા હતા.
'બરાબર જોઈ લેજો, હવે ટીવી સરખું ચાલે છે ને ? પછી રાત્રે ધક્કો નહિ ખાઈએ' નાટકના મહત્વના પાત્ર તરીકે પ્રવેશ કરતો હોય તેવા ભાવ ચહેરા પર રાખીને અનંતે અંદર પ્રવેશતા મોટેથી કહ્યું ત્યારે બંનેની તંદ્રા ભંગ થઇ.
ને બંનેના ચહેરા બે દિવસ પછી મુક્ત મને ખીલી ઉઠ્યા.
'આવી જોખમી વસ્તુઓ આમ ખુલ્લી ન રખાય.' ટીવી પરથી પત્ર લઈને આરામથી પોતાના ગજવામાં સેરવતા અનંતે નીરવ સામે જોતા કહ્યું. 'ચાલો હવે 'ખુદા હાફિઝ' કરો. આપણે અહીંયા જાન લઈને નથી આવ્યા..'
કહેતા તે બહાર નીકળી ગયો.
અનંતના શબ્દોથી નેહલના ચહેરા પર ગુલાબી ઝાંય ધસી આવી.
એક છેલ્લી નજર નેહલ પર નાખતા નીરવ ઉતાવળા પગલે અનંતની પાછળ ધસ્યો. બહાર આવતા તેણે પોતાના રવેશમાં નજર કરી.
ત્યાં કોઈ નહોતું.
નેહલ સાથે બે વાત કરવી કે અનંતની પાછળ જવું તે અવઢવમાં તેણે બે સેકન્ડ વિતાવી.
પછી પુરી શક્તિ લગાવીને અનંતની પાછળ દોડ્યો.
બંને શેરીથી થોડા દૂર નીકળી આવ્યા.
'એમ નહિ મળે મુન્ના. આનું કંઈક વળતર મને મળવું જોઈએ.' યુ ટર્ન લઈને પાછું શેરી તરફ દોડતા અનંતે કહ્યું.
દરવાજા પર ઉભેલી નેહલનું સ્મિત કાન સુધી ખેંચાયું. આતુરતાથી એ બંનેની ભાગમભાગ જોઈ રહી.
થાકી ગયો હોય તેમ નીરવ અનંતના ઘરના ઓટલે આવી બંને ઘૂંટણ પર હાથ ટેકવી થાક ખાવા રોકાયો.
'બોલ શું આપીશ ? નેહલના ઘરની દીવાલ સાથે પીઠ ભરાવી હાંફતા હાંફતા અનંતે ફરીથી પૂછ્યું.
'કશું નહિ....' નિરવે જવાબ આપ્યો.
'બસ....! આટલી જ કિંમત છે તારા મનમાં આ ચીજની ?'
'હું બીજી લઇ લઈશ.....' નેહલ તરફ જોતા નિરવે કહ્યું.
અનંતે નેહલ તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું.
'આપી દ્યો ને, આપણે એમના જેવું ન થવાય.' નીરવ તરફ જોતા દરવાજો બંધ કરી રહેલ નેહલનો અવાજ મરક મરક થઇ રહ્યો.
નિરવે આશાપૂર્ણ દષ્ટિએ અનંત સામે જોયું.
ધીમી ચાલે અનંત આગળ વધ્યો એનો હાથ ગજવામાં સરક્યો,
બહાર આવ્યો ત્યારે મુઠ્ઠીમાં એ પત્ર સમાયેલો હતો.
તેણે પોતાનો હાથ નીરવ તરફ લંબાવ્યો. પણ નિરવે એ લંબાયેલા હાથને જોયો ન જોયો કરીને પોતાના બંને હાથ પહોળા કર્યા.
ને બંને મિત્રો અનંતના ઓટલે ભેટી પડ્યા.
તિરાડમાંથી આ દ્રશ્ય જોઈ રહેલ નેહલે પોતાના હાથના પહોચેથી આંખો લૂછી.

સમાપ્ત