propose - 1 books and stories free download online pdf in Gujarati

પ્રપોઝ-1

પ્રપોઝ

-----------------

રાત્રિના અગ્યાર વાગ્યે ફરીવાર તેણે પોતાના ઘરની બિલકુલ સામે માત્ર ત્રીસ ફૂટના અંતરે આવેલા નેહલના ઘર તરફ નજર કરી. દરવાજામાં જ પોસ્ટમેન માટે પત્ર નાખવાની એક તિરાડ બનાવેલ હતી. એ તિરાડમાંથી પાંચ મિનિટ પહેલા દેખાઈ રહેલ ટ્યુબલાઇટનું દુધિયા અજવાળું અત્યારે નહોતું દેખાઈ રહ્યું.
મતલબ કે કોઈ એ દરવાજાની પાછળથી એને નિહાળી રહ્યું હતું.
અને પોતે જાણતો હતો કે એ નેહલ જ હતી.
એક ઊંડો શ્વાસ લેતા તેણે મનોમન કાંઈક વિચાર્યું. અને પોતાના ઘરનો દરવાજો ભીડ્યો. એના દિમાગમાં ધમાસાણ મચ્યું હતું. અને કાંઈક ખાલીપો સર્જાયો હતો. મુઠ્ઠીમાં ભીંસાયેલ અને પરસેવાથી ભીનો થઇ ચૂકેલ પત્ર જાણે એની માનસિક નિર્બળતાની મજાક ઉડાવી રહ્યો હતો.નેહલની સામે જઈને 'હું તને પ્રેમ કરું છું.' એટલા શબ્દો સેંકડો વખત તેના હોઠ સુધી આવીને પાછા વળી ગયા હતા.
'તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ! નહિ ને ! તો તને નહિ સમજાય.'
સાતેક મહિના પહેલા અનંતે તોરમાં આવી જઈને મશ્કરીમાં બોલેલા શબ્દોને નિરવે ગંભીરતાથી ન લીધા હોત, તો કદાચ આજે પોતે જે ગડમથલમાંથી પસાર થઇ રહ્યો હતો, તે નિવારી શકાઈ હોત.
*****
બારમું ધોરણ શરૂ થતા જ બંને મિત્રોએ નીરવનાં ઘરે વાંચવાનું શરૂ કર્યું હતું. પરંતુ એ વાંચન અર્ધો કલાક ચાલતું. પછી પોતાની મનગમતી હિરોઈનોથી શરૂ થઈને ટ્યુશન ક્લાસમાં આવતી છોકરીઓ સુધી વાતો લંબાતી. ને પુસ્તકો તિરસ્કૃત થઈને એક બાજુ પડ્યા રહેતા.
પણ એમાં ટ્વિસ્ટ આવ્યો એક ઘટનાથી.
બંને મિત્રોના ઘર તદ્દન અડીને જ હતા. અનંતના ઘરથી જમણી તરફ ગણીને પાંચમા મકાને એક ટ્યુશન ક્લાસ શરૂ થયેલો. અને આગલો વર્ગ છૂટવાની રાહ જોઈને બેસતું છોકરીઓનું ટોળું અનંતના ઘરના ઓટલા પર ધામો નાખતું. અને એ સાથે જ અનંતની લવ સ્ટોરીની શરૂઆત થયેલ. અગ્યારમાં ધોરણમાં અભ્યાસ કરતી સોનલ સાથે તેની આંખો મળી, અને બે-એક મહિનામાં તો અનંતે ફિલ્મી સ્ટાઈલમાં 'એકરાર' કરવા સુધીની હિંમત પણ કરી નાખી.
મોબાઈલનો જન્મ થવાને હજી પાંચેક વર્ષની વાર હતી. પત્રવ્યવહાર અથવા મૌખિક સંદેશ જ એ વખતે પ્રેમીઓની જીવાદોરી ગણાતી. એવા જ કોઈ માધ્યમ વડે અનંતે પૂછાવી લીધું.
અને 'હકારમાં' જવાબ આવતા એ જમીનથી વેંત જેટલો અધ્ધર ચાલવા લાગ્યો હતો.
પણ એની લવ-સ્ટોરી નીરવ માટે અસહ્ય થઇ પડેલી. એ તદ્દન શરમાળ પ્રકૃતિનો છોકરો હતો. સોળ વર્ષ પુરા કર્યા હોવા છતાં છોકરીઓની હાજરી એને અસહજ બનાવતી. કોઈ સામે દ્રષ્ટિ માંડવાની એની હામ નહોતી. ટીનેજ ઉંમરમાં પોતાની કલ્પનાઓમાં એ કોઈ પ્રિયતમાને ગોઠવી એની સાથે સેંકડો વાતો કરવાના દિવાસ્વપ્ન જોતો. પણ વાસ્તવિકતામાં કોઈ પોતાની ઉંમરની છોકરી સાથે સામાન્ય વાતો કરવામાં પણ એની જીભ તાળવે ચોંટી જતી. સામેનું પાત્ર પોતાના માટે શું વિચારશે ! તે બાબતની એને હમેશા ચીવટ રહેતી.
ને હવે દ્રશ્યો બદલાયા હતા. રોજ રાત્રે જે થોડો સમય અભ્યાસમાં પસાર થતો એ સમય હવે સોનલે પચાવી પડ્યો હતો. રાત્રે આવતાની સાથે જ અનંત કલ્પનાઓની દુનિયામાં પહોંચી જતો. તે દિવસે સોનલે શું પહેર્યું હતું ત્યાંથી શરૂ કરીને આખા દિવસ દરમ્યાન કેટલી વખત તેણે સ્માઈલ સરકાવ્યું હતું ! અને દરેક વખતે એના ચહેરા પર કેવા ભાવ ઉપસતા ? એ વર્ણનની મીઠાશમાં અનંત પ્યારના અનંગ સાગરમાં ડૂબકીઓ ખાતો.
સ્ટોરીમાં બીજો ટ્વિસ્ટ એ આવ્યો કે નિરવની બરાબર સામે રહેતા પરિવારનો સોનલ સાથે કશોક સંબંધ નીકળી આવ્યો. અને એ પરિવારમાં રહેલી નેહલ સાથે વાંચવા આવવાના બહાને સોનલ પણ રાત્રીના સમયે ત્યાં આવતી થઇ ગઈ.
નેહલના પિતા વર્ષોથી યુ.એ.ઈ. માં કોઈ સારી કંપનીમાં જોબ કરતા. નેહલના ભાઈના થોડા સમય પહેલા જ લગ્ન થયેલા. અને પત્ની સાથે ચારેક માસ પસાર કરીને એ પણ દુબઇ જોબ માટે ચાલી ગયેલ. ઘરમાં નેહલ, એની ભાભી અને મમ્મી એમ માત્ર ત્રણ સ્ત્રીઓ હતી. સોનલ વાંચવા આવતી થઇ પછી નીચેના બે રૂમ, કે જેના દરવાજા મેઈન રોડ પર બિલકુલ નીરવનાં ઘરની સામે પડતા. તેમાંથી એક ઓરડો આ બંને કુમારિકાઓએ કબ્જે કર્યો.
અનંતના પાંચેય આંગળા હવે ઘી માં હતા. રાત્રે દસ વાગ્યા સુધીમાં બંધ થઇ જતો નીરવનાં ઘરનો દરવાજો હવે બાર વાગ્યા સુધી ખુલ્લો રહેવા લાગ્યો હતો. નીરવનાં માતા પિતા તથા બહેન ઉપરના ઓરડામાં સુતા. એટલે નીચે શું ચાલી રહ્યું છે. એની કોઈને અણસાર પણ નહોતી આવી.
નેહલના ઘરના જે ઓરડામાં બન્ને છોકરીઓ વાંચતી. એની બરાબર સામે અનંત વાંચવા બેસતો. અને સામેનો દરવાજો બંધ ન થાય ત્યાં સુધી ત્રીસ ફૂટના અંતરેથી આ પ્રેમી પંખીડાઓના 'દૂરથી દર્શન' ચાલુ રહેતા. અગ્યારેક વાગ્યે નેહલ દરવાજો બંધ કરતી. પછી એ દરવાજાની જ પત્ર નાખવા માટેની એક તિરાડમાંથી સોનલ જોયા કરતી. એનો અર્થ કે નેહલ પણ આ બંનેની સ્ટોરીથી પરિચિત હતી. એ તિરાડમાંથી દેખાતો પ્રકાશ બંધ થાય, એટલે ત્યાં સોનલે ધામાં નાખ્યા છે એ નક્કી થતું.
બાર વાગ્યે જયારે નીરવ પોતાનો દરવાજો ભીડતો ત્યારે આ બધું પૂરું થતું. પછીનો સમય નિરવે સહન કરવાનો રહેતો. ફિલ્મી સ્ટાઈલમાં અનંત પોતાનું દર્દ વર્ણવતો. શેરીના લોકોની નજરમાં પોતે આવી ગયો છે. અને બધા પોતાના કામ ધંધા મૂકીને અનંતની જાસૂસી કરવા લાગ્યા છે. તેવી કાલ્પનિક વાતોના પોટલાં ખુલતા.
આવી જ એક રાત્રે કંટાળીને નિરવે કહેલું. 'આ બધું વધુ પડતું છે.'
આમ કહીને તેણે કોઈ ભયાનક અપરાધ કરી નાખ્યો હોય તેમ અનંતે એની સામે જોયું. અને પોતાના તોરમાં, તદ્દન ઠંડકથી કહ્યું, " 'તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ! નહિ ને ! તો તને નહિ સમજાય.'
એ વાક્યમાં મશ્કરી હતી ! કટાક્ષ હતો ! કે પછી સ્વાભાવિકતાથી બોલાયું હતું. એ તો નીરવ ન સમજી શક્યો. પણ ઊંડે સુધી એ વાક્ય તેને વાગ્યું હતું. પોતાને કોઈ ગર્લફ્રેન્ડ ન હોવી એ બાબત અનંતની દ્રષ્ટિએ પોતે વામણો છે, એવું પુરવાર થઇ રહ્યું હોય તેમ તેને લાગ્યું.
કોઈ મારી સામે જોતું નથી. હું કોઈને આકર્ષી શકું એવું મારુ વ્યક્તિત્વ નથી. આવા સેંકડો વિચારો તેના મનમાં આવ્યા. તેના હોઠ બિડાયાં. મગજની નસો તંગ થઇ જાય ત્યાં સુધી એ રાત્રે મથામણ અનુભવી.
"મારે પણ પ્રેમિકા હશે. અને અનંત કે બધા મિત્રોની પ્રેમિકાઓ કરતા વધુ સુંદર હશે." તેણે પોતાના મનને જાણે સાંત્વના આપી. અથવા પોતાની જાતને જ દિલાસો આપ્યો.
હવે તેને પોતાના માટે એક સુંદર પ્રેમિકા શોધવી હતી.
*****
'પ્યાર કિયા નહિ જાત, હો જાતા હૈ.' આ ઉક્તિ નીરવ માટે ખોટી પડતી હતી. પ્રેમ કરવા માટે એ એવું પાત્ર શોધી રહ્યો હતો, જે પોતાના બધા મિત્રોની ગર્લફ્રેન્ડ કરતા વધુ સુંદર હોય. આ મથામણ કદાચ હાસ્યાસ્પદ હતી. પણ એનો ઈગો હર્ટ થયો હતો.
બીજે દિવસે સવારે સ્કૂલે જતી વખતે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો. સામે જ નેહલ અને સોનલ કાંઈક ગુપચુપ વાતો કરી રહી હતી. નીરવ પર નજર પડતા જ બન્નેએ સ્મિત કર્યું. આ રોજની સ્વાભાવિક ક્રિયા હતી. અનંત તરફથી પોતે એની લવસ્ટોરીમાં સંડોવાયો હતો, એ જ રીતે સોનલ તરફથી નેહલ સંડોવાઈ હતી. એટલે રસ્તે આવતા જતા કે આ રીતે સામનો થઇ જાય ત્યારે અનાયાસ જ દરેકના મોં પર હાસ્ય છલકાઈ આવતું.
"જરા થોભજે, મારે અમુક નોટ્સ મંગાવવી છે." નેહલે પોતાના તદ્દન પાતળા અવાજે એને કહ્યું. આ પણ સ્વાભાવિક હતું. એના ઘરમાં એકેય પુરુષ નહોતો. તેથી આવી નાની મોટી વસ્તુઓ એ હમેશા નીરવ પાસે મંગાવતા. સોનલ પોતાના ઘર તરફ આગળ વધી ગઈ. નીરવ નેહલના ઘર પાસે આવ્યો.
પર્સમાંથી રૂપિયા કાઢતી નેહલને પહેલી વખત તેણે ધ્યાનથી જોઈ. કદાચ આગલી રાત્રે અનંતે કટાક્ષ ન કર્યો હોત, તો નેહલ સામે જોવાનું પોતે સાહસ પણ ન કરી શક્યો હોત.
હા ! એ સાચું જ હતું. આખા મહોલ્લામાં એની છાપ અને એની સુંદરતા અદ્વિતીય હતી. પોતાના કામથી કામ રાખતી આ છોકરીના પરિવાર સાથે નીરવનાં પરિવારને તો જો કે ખુબ જ ગાઢ સંબંધ હતા. પણ પોતાના શરમાળ સ્વભાવના કારણે નીરવ હમેશા નેહલની સામે જવાનું ટાળતો. અને ક્યારેક ભેટો થઇ જતો તો પછી તેની સાથે નજર મેળવવી એ એના માટે સૌથી દુષ્કર કામ હતું. એના કદાચ બે કારણો હતા.
એક તો એ એટલી સુંદર હતી કે શેરીના છોકરાઓમાં એ 'મિસ મહોલ્લા' તરીકે પ્રખ્યાત હતી. એની સુંદરતાનુ ઉદાહરણ એ રીતે અપાતું કે એના હાથ પર જે તદ્દન આછી કાળી રૂંવાટી હતી એ દૂરથી દેખાતી. એટલી એ ગોરી હતી
એ પાતળી ન કહી શકાય તેવી સપ્રમાણ હતી. ખુબ ગોરી અને બેદાગ ગોળ ચહેરો તથા એ ચહેરા પર હમેશા બાળકો જેવી નિર્દોષતા દેખાતી રહેતી. સહેજ તીણી પણ ભોળી અને તીક્ષ્ણ આંખોમાં ક્યારે રમતિયાળપણું અને ક્યારે ગંભીરતા વ્યાપી જતી એ કળવું મુશ્કેલ હતું. એનો અવાજ એકદમ તીણો અને ધીમો હતો કે નજીક હોવા છતાં સાંભળવા માટે કાન સરવા કરવા પડતા. છતાં મીઠો હતો. સુખી પરિવારની હોવા છતાં એ સાદી હતી. નાકમાં એક દાણો અને ગળામાં પાતળો ચેઇન એની પાતળી પણ દૂધ જેવી ઉજળી ગરદન પર અદભુત રીતે શોભતો.
પણ એની સાથે નજરો ન મેળવી શકવાનું કારણ એની અપ્રિતમ સુંદરતા નહોતું. અપિતુ સાદગીપણાની સાથે એનું કેરેક્ટર સૌથી વધુ જવાબદાર હતું. ઘરથી માંડ સો એક ફૂટના અંતરે આવેલ ટ્યુશન ક્લાસમાં પણ એ પોતાનો વર્ગ શરૂ થયા બાદ બે-એક મિનિટ પછી જતી. એ સો ફુટના રસ્તામાં એની નજર હમેશા જમીન તરફ ખોડાયેલી રહેતી. હાથના પુસ્તકોને પોતાની ગોરી અને લાંબી પાતળી આંગળીઓમાં ભીસી છાતી સરસી ભીડી રાખીને એ તદ્દન ધીમી ચાલે ચાલતી. અને ક્લાસ પૂરો થયા પછી પણ સૌથી પહેલા બહાર એ નીકળતી. એ દરમ્યાન ભાગ્યે જ કોઈ સાથે વાત કરતી. પોતાના તરફ ખોડાયેલી અસંખ્ય ભૂખી આંખોથી એ અજાણ હોય તેવું નહોતું. પણ એ દ્રષ્ટિઓની પરવા કર્યા વગર ચહેરા પર કોઈ દ્રઢ નિશ્ચય લઈને દમામથી એવી રીતે આગળ વધી જતી કે કોઈની હિંમત જ ન થતી કે એની સામે જુવે.
નીરવ પણ આ જ પ્રભાવ હેઠળ હતો. જો કે અનંત અને સોનલની લવસ્ટોરી શરૂ થયા પછી ક્યારેક સામે મળી જતા નેહલ એના તરફ મસ્તીખોર સ્મિત રેલાવી દેતી. તે કારણે એનો ડર થોડો ઓછો થયો હતો. પણ પોતે ય સમજતો હતો કે એ સ્મિતના કોઈ ગર્ભિત અર્થ કાઢવાની જરૂર નહોતી. કેમ કે અનંત અને સોનલની પ્રેમ સફરને આ બંને જ જાણતા હોઈ, એ અર્થનું સ્મિત પોતે મેળવી રહ્યો હતો.
નેહલે એના હાથમાં રૂપિયા મુક્યા, અને શું લેવાનું છે. એ માહિતી ઉતાવળથી આપી.
એ દરમ્યાન એનું ધ્યાન પોતાના હાથમાં રૂપિયા મૂકી રહેલ નેહલના હાથ પર જ ચોંટી રહ્યું. નેલપોલિશ વગર પણ એના નખ કુદરતી રીતે સહેજ ગુલાબી દેખાઈ રહ્યા હતા. પાતળી આંગળીઓ અને દૂધ જેવી ઉજળી હથેળીને પોતે આની પહેલા સેંકડો વખત જોઈ ચુક્યો હોવા છતાં આજે પોતાનો જોવાનો દ્રષ્ટિકોણ ફરી ગયો હતો.
'છ્ટ' મનોમન તે હસ્યો. નેહલની સાથે પોતાનું નામ જોડાય એ કલ્પના પણ પોતે કરી શકતો નહોતો. પોતાના જ વિચારથી સંકોચ પામ્યો હોય તેમ ચુપચાપ આગળ વધી ગયો.
પણ એ દિવસ પછી એને લાગ્યું કે કાંઈક તો બરાબર નહોતું.
*****

'આ કેમ મારાથી આટલો શરમાતો હશે ?' નેહલે સહજતાથી સોનલને પ્રશ્ન કર્યો. નીરવ જે દિવસે એની બૂક્સ લઇ આવ્યો, તે પછીના પંદરેક દિવસ નેહલ માટે નવાઇનાં હતા. નીરવ પોતાની તરફ જોઈ રહ્યો છે, એવો ભાસ તેને સેંકડો વખત થયો હતો. પણ પોતે એની સાથે નજર મેળવવા જાય તે પહેલા જ એ ઓછપાઈને દ્રષ્ટિ ફેરવી લેતો, કે નીચું જોઈ જતો. અને અચાનક પોતે એને પોતાના તરફ જોતો પકડી પાડે તો નીરવનાં ચહેરા પર એવા ભાવ આવી જતા કે જાણે ચોરી કરતા પકડાઈ ગયો હોય !
પણ એ નજરમાં પોતાને ક્યારેય ભૂખ નહોતી દેખાઈ, બલ્કે થોડી ઉત્સુકતા અથવા પ્રસંશાના ભાવ ઉપસતા જણાયા.
'કદાચ તારા પર લટ્ટુ થઇ ચુક્યો હોય !' સોનલે "શરારતી" સ્વરે કહ્યું.
'તારા દિમાગમાં ભૂંસો જ ભર્યો છે, એટલે તને આવું જ દેખાય.' નેહલે છણકો કર્યો. પણ તેને પોતાને એમ લાગ્યું કે સોનલનું વાક્ય પોતાને ગમ્યું હતું. શા માટે ! એ તો એને પણ ખબર નહોતી.
'એની ત્રેવડ જ નથી કોઈ પર લટ્ટુ થવાની.' સોનલે મજાક ઉડાવતા કહ્યું. 'બાપ રે ! આટલું તો આપણા સ્કૂલની કોઈ છોકરી નહિ શરમાતી હોય.! તું તો ઠીક 'મિસ મહોલ્લા' છે. પણ મારા સામે જોવામાં ય એટલો સંકોચાય છે કે જાણે હું એને ઉપાડી જવાની હોઉં !'
નેહલે એના શબ્દો સાંભળ્યા- ન સાંભળ્યા કરી નાખ્યા. પણ અંદરખાને કશુંક ઝણઝણી ઉઠ્યું હોય, તેમ પહેલા પ્યારની પહેલી હરકતે હળવે રહીને પ્રવેશ કરી નાખ્યો હતો.
*******
"નવરાત્રીમાં ગરબા માટે મારુ નામ નોંધાવતા પહેલા મારે અનંતને પૂછવું પડશે." નેહલના હાથમાં નવરાત્રી નિમિતે જ્ઞાતિ તરફથી આવેલા ફોર્મ જોઈને સોનલે કાંઈક ગર્વથી કહ્યું. "એને પસંદ નથી કે હું મોડી રાત સુધી બહાર રહું."
"તો પછી મારે પણ મારું નામ કેન્સલ કરવું પડશે." કાંઈક ચિંતાથી નેહલે કહ્યું. "મને એકલીને મમ્મી નહિ જવા દ્યે."
એ જ સાંજે ટ્યુશનમાં જતા પહેલા અનંતના ઘરના ઓટલા પર બેસીને સોનલે સિફ્તથી અનંતને પત્ર સરકાવી દીધો. હવે રાત્રે જવાબ આવે ત્યાં સુધી રાહ જોવાની હતી.
"ક્યારેક મુસીબત થશે" તે રાત્રે બારેક વાગ્યે અનંતના જવાબની રાહ જોઈને બેસેલ સોનલને ઉદ્દેશીને નેહલે કહ્યું. "રાત્રે બાર વાગ્યા પછી આપણે બારી ખોલીયે. અને અનંત કે નીરવ પત્ર પહોંચાડવા આવે. એ જોખમી કામ છે. એક તો પેલા પાનના ગલ્લેથી બાર વાગ્યા સુધી રેઢિયારો ખસતા નથી. એમાંથી એક પણ આ જોઈ ગયો તો તારી પહેલા હું બદનામ થઇ જઈશ. લોકો તો એમ જ માનશે ને કે નીરવનાં ઘરેથી નેહલના ઘરે કોઈ રાત્રે બાર વાગ્યે જઈ રહ્યું હતું."
"એનો કાંઈક રસ્તો વિચારશું." સોનલે ગંભીરતાથી કહ્યું. પરિસ્થિતિને એ પણ સમજતી હતી. તેણે ફરીથી લેટર નાખવાની તિરાડમાંથી નીરવનાં રૂમ તરફ દ્રષ્ટિ કરી. એ બન્ને સોનલને જ લેટર પહોંચાડવાની વેતરણમાં પડ્યા હોય તેમ લાગ્યું. પહેલા અનંતે બહાર નીકળીને પાનના ગલ્લા તરફ નજર કરી. કદાચ એ ચેક કરતો હશે. પછી નીરવ તરફ જોઈને સહેજ માથું હલાવ્યું. અને ઉતાવળથી અંદર ચાલી ગયો. એ બન્નેને ખબર જ હતી કે તિરાડમાંથી એમની દરેક હરક્તોની નોંધ લેવાઈ રહી છે.
"બારી ખોલ નેહલી. નીરવ આવી રહ્યો છે." સોનલે કાંઈક ઉત્તેજિત સ્વરે કહ્યું. ભયની આછી કંપારી નેહલના શરીરમાંથી પસાર થઇ ગઈ. હળવેથી બારીની સ્ટોપર ખોલીને તેણે ખાલી એક બાજુનો દરવાજો ખોલ્યો. ત્યાં સુધીમાં નીરવ તદ્દન નજીક આવી ગયો હતો. એના કપાળ પર પરસેવાના આછા ટીપા તગતગી રહ્યા હતા. આ પ્રકારે રાત્રે કોઈની ખુલ્લી બારી પાસે જવાનું જોખમ તેને પણ ડરાવી જ રહ્યું હતું.
"અનંતે કહ્યું છે કે ગરબીમાં રહેવાની કોઈ જરૂર નથી." પોતાના હાથમાં રહેલ પત્ર બારીમાંથી અંદર ફેંકતા તેણે તદ્દન ધીમા અવાજે કહ્યું. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. નેહલના ચહેરા પર અછડતી નજર નાખતા તે આટલું કહીને પાછો વળી ગયો.
"હું રહું ?" નેહલને પણ ખબર ન રહી કે શા માટે તે આમ પૂછી બેઠી. એ એકાક્ષરી પ્રશ્ન ધીમા અવાજે બોલાયેલો હોવા છતાં નીરવનાં કાને અથડાઈ ચુક્યો હતો. એક આંચકા સાથે તેણે પાછળ જોયું. એના ચહેરા પર અપાર આશ્ચર્યના ભાવ તરતા હતા. શર્ટની બાંય વડે કપાળ અને ઉપલા હોઠ પર ધસી આવેલા પરસેવાને લૂછતાં તેણે પ્રશ્નાર્થ ભાવે નેહલ તરફ જોયું.
બોલાઈ ચુક્યા બાદ નેહલના ચહેરા પર અપૂર્વ શરમના ભાવ ઝળક્યા. એની જીભ લગભગ બહાર નીકળી આવી. ઝડપથી તેણે બારી બંધ કરી. અને દૂર જઈ રહેલા નીરવનાં પગલાં સાંભળતી રહી.
પણ બારી બંધ કરીને પાછળ ફરી કે નીચે પડેલ લેટર ઉઠાવવાના બદલે સોનલ કમર પર બંને હાથ ટેકવીને એની સામે સૂચક દ્રષ્ટિએ જોઈ રહેલ નજરે પડી. અનાયાસ જ એના હોઠ પહોળા થઇ ગયા. ને કાનની બુટ સુધી સ્મિત ખેંચાયું.
'હમમમ તો યે માજરા હૈ !' નેહલનો ચહેરો પોતાની હથેળીમાં દબાવીને નકલી ગુસ્સાથી સોનલ કાંઈક ફિલ્મી સ્ટાઈલમાં બોલી. નેહલે હોઠ પર દાંત ભીસ્યા અને એની ગરદનમાં માથું છુપાવી દીધું.
*****
આ રાત્રી પછીનો સિનારિયો બદલાઈ ચુક્યો હતો. બીજા દિવસથી નિરવની નજરમાં હવે ક્યાંક પોતીકાપણું દ્રષ્ટિગોચર થઇ રહ્યું હતું. પણ નેહલ માટે હવે એની સાથે નજર મેળવવી મુશ્કેલ થઇ પડી હતી. એ પોતે જાણતી હતી કે રાત્રે તો એના મ્હોંમાંથી અનાયાસ જ એ શબ્દો સરી પડેલા. પણ એ શબ્દોમાં તેના મનોભાવ છતાં થઇ જતા હવે પોતે શરમાઈ રહી હતી. અત્યાર સુધી સોનલથી પણ છૂપું રાખ્યું હતું, એ તેની જ પાસે ખુલ્લું થઇ ચૂક્યું હતું.
પણ તો યે એ ચોક્કસ નહોતી. એના પરિપક્વ દિમાગે જ એની ઉલટતપાસ શરૂ કરી દીધી હતી. આ સંબંધ આગળ વધશે તો એનું પરિણામ શું આવશે ? એ વિચાર પોતે ગંભીરતાથી કરી રહી હતી. એ અને નીરવ એક જ જ્ઞાતિના હોવા છતાં અને બન્ને પરિવારના સામાજિક સ્ટેટ્સ લગભગ સમાન હોવા છતાં બંનેનો સંબંધ કેટલો આગળ વધી શકશે એ બાબતે પોતે શંકાશીલ હતી. ગમે તે રસ્તે ચાલતા છોકરા સાથે મૈત્રી કરીને મોજમજા કરવી, અને પછી "બાય બાય" કહી દેવું તેના સ્વભાવમાં નહોતું.
એટલે જ નીરવ સાથે આગળ વધતા પહેલા પોતે પોતાની જાતને અને નિરવને પણ ચકાસવાનું શરૂ કરી દીધું હતું.
પોતાના મનની હાલત નીરવ સિવાય બીજા કોઈની નજરે ન ચડી જાય એ બાબતે હવે તે સભાન રહેવા લાગી હતી. આ કારણે બીજાના દેખતા એ હમેશા નીરવ તરફથી મ્હોં ફેરવી લેતી. અને મુખ પર ગંભીરતાનો સ્વાંગ ધારણ કરી લેતી.
સોનલના કારણે પોતે પણ નવરાત્રીમાં ભાગ લેવાનું માંડી વાળ્યું હતું.
*****

હું ચોક્કસ છું અનંત કે તેણે મને એમ પૂછ્યું હતું કે "હું રહું ?" નિરવે ઉશ્કેરાટથી કહ્યું. 'ત્યારે જવાબ આપવાનો સમય જ ન મળ્યો. તેણે જ બારી બંધ કરી દીધી.પણ સમસ્યા એ છે કે આવું પૂછ્યા પછી એનો વ્યવહાર મારી સમજમાં નથી આવી રહ્યો. ક્યારેય શરમાઈ જાય છે, તો ક્યારેય એ રીતે મ્હોં ફેરવી લ્યે છે કે જાણે મને ઓળખતી જ ન હોય !"
"નેહલ સાથે સંબંધનું વિચારતો હોય તો હજી હજારવાર વિચારજે." અનંતે ગંભીરતાથી સલાહ આપી. "પેલા અનિલવાળી ઘટના યાદ છે ને ?"
નેહલના જ ટ્યુશન ક્લાસમાં ભણતો એક છોકરો એકાદ મહિના પહેલા લગભગ હાથ ધોઈને એની પાછળ પડ્યો હતો. અને ફિલ્મી-ગેરફિલ્મી દરેક પ્રકારના રસ્તાઓથી એને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને નેહલ એ જાણતી જ હતી. પણ હમેશા શાંત રહીને એને અવગણતી.
પરંતુ એક રાત્રે આઠેક વાગ્યે પેલો એને જોઈને કોઈ ગીત ગણગણતો નેહલની પાછળ બે-એક ડગલાં ચાલ્યો હશે, કે એ ડરવાને બદલે ઉભી રહી ગઈ. અને પાછળ ફરીને એટલું જ બોલી. "ચાલ મારી સાથે મારા ઘરે. પછી હું તારા ઘરે આવું છું."
અનિલની હાલત કાપો તો ય લોહી ન નીકળે તેવી થઇ ગયેલી. નેહલના અવાજમાં કાંઈક એવી મક્કમતા હતી કે એ બોલી એવું કરે પણ ખરા ! એવું ત્યાં હાજર રહેલ દરેકને લાગ્યું. અલબત્ત આ ઘટનાની મહોલ્લા વાસીઓને ખબર નહોતી પડી. પણ કુમારવર્ગમાં સોંપો પડી ગયો હતો.
એનો સ્વભાવ સમજવામાં પોતે ક્યાંક થાપ તો નથી ખાઈ રહ્યો ને ? એવું વિચારતા નીરવ હમેશા ઊંડા વિચારોમાં ગરકાવ રહેવા લાગ્યો.
નેહલ અને સોનલ નવરાત્રીમાં ભલે ભાગ ન લેવાની હોય, પણ ગરબા જોવા તો ચોક્કસ જશે જ ! એ વાતની બંને મિત્રોને ખાતરી હતી. એટલે બંને નવરાત્રીની તૈયારીમાં પડ્યા.
*****
"મારે આજે ગરબામાં નથી આવવું." કંટાળેલા અવાજે નિરવે કહ્યું. પહેલા બે દિવસ બંને દાંડિયામાં ગયેલા. ત્યાં ખાલી સોનલ જોવા આવતી હતી. નેહલે કોણ જાણે શા માટે બ્રેક લીધો હતો. અને એને જોયા વગર દુનિયા લૂંટાઈ ગઈ હોય તેમ નીરવ ક્યારેક અકળાતો તો ક્યારેક ગુસ્સે થઇ રહ્યો હતો.
"ખાલી આજનો દિવસ મારા મુન્ના ! " અનંતે મસ્તીભર્યા અવાજે કહ્યું. "આજે માતાજી દર્શન ન આપે તો કાલથી તું છુટ્ટો, પણ મારે ખાતર આજનો દિવસ સાચવી લે."
ક-મને એ તૈયાર થયો. ને બંને રાત્રે દસેક વાગ્યે ગરબામાં પહોંચ્યા.
એ જ સ્થિતિ ફરીથી સર્જાઈ હતી. સેંકડો લોકોની ઓડિયન્સમાં અનંતે સોનલને એક સેકન્ડમાં શોધી લીધેલ. પરંતુ એની આસપાસ ક્યાંય નેહલ જોવામાં ન આવી. નીરવનું મન કડવાશથી ભરાઈ આવ્યું. એની અકળામણનું નિરીક્ષણ કરીને એ રિપોર્ટ નેહલ સુધી પહોંચાડવાના હોય તેમ સોનલ પોતાની બાજુમાં બેઠેલી બીજી સહેલી ચંદા સાથે વાતો કરતી રહી. નિરવે એકાદવાર અછડતી નજર ચંદા પર કરી. પછી મૂડ વગર બેસી રહ્યો.
એ સળંગ ત્રીજી રાત એવી હતી જયારે પોતે નાહકનો નેહલને ઝંખતો બેવકૂફની જેમ ગરબામાં ધસી આવ્યો હતો.
બહાર નીકળતા જ તેણે અનંત પાસે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો."આવતીકાલથી હું નહિ આવું"
"સોનલની બાજુમાં ક્યાંય તારે જોવી હતી એ હરિયાળી નહોતી એટલે મને ખાતરી જ હતી કે તારો આ જ પ્રત્યાઘાત હશે." અનંતે હસતા હસતા કહ્યું.
"હરિયાળીની ક્યાં માંડે છે, ! પેલો ચંદા નામનો બોરિંગ ભાઈ સોનલની બાજુમાં ખોડાયો હતો." નિરવે કાંઈક તુચ્છકારથી કહ્યું. અનંતે આંખો ફાડીને એના તરફ જોયું
"કઈ ચંદા !"
"અરે પેલી જાડી !, સોડા બાટલીના કાચ જેવા જાડા ચશ્માં પહેરે છે તે જ " નિરવે ચીડથી કહ્યું.
"અલ્યા, નેહલની પાછળ તારું મગજ બગડી ગયું છે. એ પહાડને તો મેં કેટલાય દિવસથી જોઈ નથી"
"તું સોનલને જોવામાંથી નવરો પડે તો બીજું કોઈ દેખાય !"
નજીવી વાતમાં કારણ વગર બંને વિવાદમાં ઉતર્યા.
"ચાલ કાલે ફેંસલો થઇ જશે, હું સોનલને પૂછીશ કે ચંદા એની બાજુમાં બેઠી હતી કે નહિ ! જો બેઠી હોય તો તું જીત્યો, અને ન હોય તો હું જીત્યો." વાત પુરી કરતા અનંતે કહ્યું. "બોલ લગાડવી છે પચાસ પચાસની !"
"ડન." નિરવે આત્મવિશ્વાસથી કહ્યું. અને બંને છુટા પડ્યા.
બીજા દિવસે જાણે રિસાયો હોય તેમ નિરવે નેહલ સામે સ્મિત કરવાનું બંધ કરી દીધું. જાણે ઈશારો આપવા માંગતો હોય કે તને રાત્રે જોયા વગર હું અધૂરો છું, પણ તારી જોહુકમી નહિ ચલાવી લઉં.
*****

"આ શું નવું તુત છે ?" અનંતે સાંજે આપેલ પત્ર વાંચતા ચમકી જઈને સોનલે નેહલને કહ્યું. "અનંત લખે છે કે ગઈકાલે તારી સાથે ચંદા બેઠી હતી કે નહિ તે જણાવજે. નીરવ કહે છે કે બેઠી હતી. અને હું કહું છું કે નહોતી !"
"નિરવને શું જરૂર પડી એ બેઠી હોય તો ?" નેહલના ખુબસુરત કપાળ પર સળ પડ્યા. "બાય ધ વે એ હતી ?"
"હા હતી ને !, મારી બાજુમાં જ બેઠેલી !" સોનલે બેદરકારીથી કહ્યું, અને અનંતના પત્રમાં ખોવાઈ ગઈ.
"હમ્મ તો આમ વાત છે. ! "નેહલે મનોમન દાંત પીસ્યા 'હું વિચારતી હતી કે બે-ચાર દિવસ રાત્રે એને નહિ દેખાઉં તો એ કાંઈક ઊંધાચત્તુ કરશે. પણ એને ક્યાં મારી પરવા છે ? આજ સવારથી એના વ્યવહારમાં આવેલ ફરક પણ કદાચ એ જ કારણે હશે. ! બની શકે. ! છોકરાઓનો શું ભરોસો ? બધા જ લગભગ "તું નહિ તો ઔર સહી" જેવી માનસિકતા ધરાવે છે. ચાલો જવા દ્યો. મારે શું ?'
પણ 'મારે શું !' એ વિચાર બીજા દિવસે સવારે જ રફુચક્કર થઇ ગયો. અને એનું સ્થાન ગુસ્સાએ લીધું.
'એક તો પોતે મારી ગેરહાજરીમાં બીજી છોકરીઓની પૂછપરછ કરે છે,! અને હવે સામે જોઉં ત્યારે મ્હોં ફેરવી લ્યે છે.!' તે રોષથી ધમધમી ઉઠી. 'તો હવે એને પણ ખબર પડવી જોઈએ કે નેહલ કોઈ રસ્તે ચાલતી બે કોડીની છોકરી નથી. સેંકડો એની આગળ-પાછળ રાત દિવસ ચક્કરો મારે છે.'
આ અકળામણ ઠાલવવા તે નીરવની સામે જોરથી પછાડીને બારણું બંધ કરવા લાગી.
*******
''વેલ વેલ....! એક તો પોતે ત્રણ દિવસ ગરબીમાં ન આવી. એ માટે સોરી ફીલ કરવું તો એક બાજુ રહ્યું. પણ હવે મને જોઈને બારણાં પછાડે છે !' નિરવે હતાશાથી વિચાર્યું. 'તો પછી એનેય ખબર પડવી જોઈએ કે જેમ આજ સુધી મેં કોઈ છોકરી પાછળ સમય નથી બગાડ્યો. એમ તેની પાછળ પણ નહિ બગાડું.'
બંને કોઈ પણ જાતના સંબંધ વગર એકબીજા પર ગુસ્સે હતા.

ક્રમશઃ

* આ ઘટનાઓ બની ત્યાં સુધી અનંત અને સોનલ પણ એકબીજાને એકાંતમાં રૂબરૂ નહોતા મળ્યા. તેઓની મુલાકાત પણ અલપઝલપ થતી. અને એકાદ બે મિનિટની મુલાકાત થતી તો પણ પોતાની વાતો કરવામાં વીતી જતી. પેલી તરફ નેહલે તો આ તરફ નિરવે પોતાના મનમાં રહેલી વાતો મોસ્ટલી મનમાં જ રાખેલી. અને અનંત કે સોનલ પોતપોતાના પત્રમાં એનો ઉલ્લેખ કરવાનું વિચારતા તો પણ બંને પક્ષેથી એમને રોકી લેવામાં આવતા.
વળી નેવુંના દાયકાનો એ સમયકાળ એવો હતો કે લવસ્ટોરીઓ મોટાભાગે પત્રવ્યવહારથી જ આગળ વધતી. એટલે આવી ગેરસમજો સ્વાભાવિક હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED